OPINION

સુધારો માત્ર એટલો કરવો જોઈએ કે કૃષિ સિવાયની આવકના બીજા સ્રોત ધરાવતા હોય તેમની કૃષિની આવકને કરવેરામાંથી મુક્તિ આપવામાં નહીં આવે. જો આટલો સુધારો કરવામાં આવે તો શહેરી નાણું ગામડાંમાં ઠલવાય છે અને જમીનને મોંઘી કરે છે એનો અંત આવી જશે. તેમણે ગ્રામીણ કૃષિજમીનને રિયલ એસ્ટેટ બનાવી મૂકી છે. બીજું, તેઓ કહેવાતા કૃષિવ્યવસાયમાંથી નીકળી જશે તો જમીન ખરેખર કૃષિઉત્પાદન માટે વપરાશે. અત્યારે ગામડાંમાં સો એકર જમીન ધરાવતા શહેરી ખેડૂતને એ જમીનમાંથી વધુમાં વધુ ઉત્પાદન થાય એની સાથે સંબંધ નથી

જાણીતા અર્થશાસ્ત્રી અને નીતિ આયોગના સભ્ય બિબેક દેબરૉયે બે દિવસ પહેલાં કહ્યું હતું કે મોટા ખેડૂતોની કૃષિની આવક પર આવકવેરો લાગુ કરવો જોઈએ. કેટલીક માગણીઓ વર્ષોથી કરવામાં આવે છે અને જેનો વર્ષોથી તીવ્ર વિરોધ કરવામાં આવે છે એમાંની આ એક માગણી છે. શહેરમાં વસતા લોકોને એમ લાગે છે કે સરકાર મોટા ખડૂતોને લાડ કરી રહી છે અને તેઓ વેરાથી બચી જાય છે. જો નાના શહેરી દુકાનદારને વેરો ભરવો પડતો હોય તો મોટા ખેડૂતોનો અપવાદ શા માટે?

બિબેક દેબરૉયના નિવેદન પછી હજી તો કોઈ પ્રતિક્રિયા પેદા પણ થાય એ પહેલાં કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ ખુલાસો કર્યો હતો કે મોટા ખેડૂતો પર આવકવેરો લાદવાનો કેન્દ્ર સરકારનો કોઈ ઈરાદો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે બંધારણ કૃષિની આવક પર વેરો લાદવાનો કેન્દ્ર સરકારને અધિકાર નથી આપતું. બીજા દિવસે કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને કહ્યું હતું કે એ વાત સાચી છે કે બંધારણ મુજબ કેન્દ્ર સરકારને વેરો લાદવાનો અધિકાર નથી, પરંતુ રાજ્ય સરકારો ઇચ્છે તો મોટા ખેડૂતોની કૃષિની આવક પર વેરો લાદી શકે છે. તેમણે શબ્દ ચોર્યા વિના રાજ્ય સરકારોને ભલામણ કરી હતી કે તેમણે આ વિશે વિચારવું જોઈએ.

પહેલા બંધારણ ઘડનારાઓએ કેન્દ્ર સરકારને કૃષિની આવક પર વેરો લાદવાનો અધિકાર શા માટે નથી આપ્યો અને નાના શહેરી દુકાનદારમાં અને ખેડૂત (પછી તે નાનો હોય કે મોટો) એમાં શું ફરક છે એ સમજી લઈએ. આવકવેરો એ કેન્દ્ર સરકારનો અખત્યાર છે. રાજ્ય સરકારો આવકવેરો લાદી શકતી નથી. રાજ્ય સરકારોને કેન્દ્રની મહેસૂલી આવકમાંથી મજરે ભાગ મળે છે.

તો પછી કૃષિવ્યવસાય દ્વારા થતી આવકને શા માટે કેન્દ્ર સરકારના અખત્યારથી મુક્ત રાખવામાં આવી છે? નાનો દુકાનદાર મુંબઈનો હોય કે ભુવનેશ્વરનો તેની આવક તેની મહેનત અને આવડત પર નિર્ભર હોય છે. તેના વ્યવસાયને બાહ્ય પરિબળો ભાગ્યે જ પ્રભાવિત કરે છે. ખેડૂતની બાબતમાં આવું નથી. ગુજરાતનો ૧૦ એકર જમીનનો ધણી પંજાબના બે એકર જમીનના માલિક કરતાં ઓછું કમાતો હોય એ બની શકે છે. જમીનની ફળદ્રુપતા ખેતરે-ખેતરે અલગ-અલગ હોય છે. આ ઉપરાંત વરસાદ, કરા પડવા, જીવાત લાગવી, તીડનો હુમલો થવો, બિયારણમાં ખામી જેવાં અનેક પરિબળો એવાં હોય છે જેના પર ખેડૂતનો કોઈ અંકુશ નથી હોતો. આસમાની અને સુલતાની બન્ને કૃષિવ્યવસાયને પ્રભાવિત કરે છે, જ્યારે દુકાનદારને માત્ર સુલતાની પરિબળો પ્રભાવિત કરે છે. માટે કૃષિવ્યવસાયને સુલતાની (રાજ્યકીય) અંકુશોથી મુક્ત રાખવામાં આવ્યો છે. બંધારણ ઘડનારાઓએ આ જોગવાઈ ગાંધીજીના ગ્રામસ્વરાજથી પ્રેરાઈને રોમૅન્ટિક ખયાલોના ભાગરૂપે કરી નથી. બીજી બાજુ રાજ્ય સરકારોને આવકવેરાનો અધિકાર જ નથી તો પછી અરવિંદ સુબ્રમણ્યન કહે છે એમ રાજ્યો આવકવેરો કઈ રીતે લાદી શકે? તેમનું સૂચન અભ્યાસ વિનાનું છે.

મોટી સમસ્યા બીજી છે. શહેરી શ્રીમંતો આવકવેરો ભરવાથી બચવા માટે કૃષિવ્યવસાયનો દુરુપયોગ કરે છે. તેઓ બે ચીજનો દુરુપયોગ કરે છે. એક અવિભક્ત હિન્દુ પરિવાર (હિન્દુ અનડિવાઇડેડ ફૅમિલી-HUF) અને બીજો ખેતી. અહીં HUF ચર્ચાનો વિષય નથી એટલે એની વાત જવા દઈએ. બીજું, એનો માત્ર હિન્દુઓ ગેરલાભ ઉઠાવે છે. આવકવેરો છુપાવવા માટે HUF કરતાં પણ વધારે ઉપયોગી સાધન ખેતી છે. શહેરીજનો તેમના ગજા મુજબ મોટી જમીન ખરીદે છે અને વ્યવસાયમાંથી થતી આવકને કૃષિની આવક તરીકે બતાવે છે અને એ રીતે આવકવેરાની ચોરી કરે છે. આ રમત આખું ગામ જાણે છે.

છીંડાંનો ઉપયોગ કરનારાઓ જાણે છે કે કૃષિની આવક પર વેરો લાદવાની બાબતે કેન્દ્ર સરકારના હાથ બંધાયેલા છે એટલે એક રીતે તેઓ અભય વચન ધરાવે છે.

દેશને આવકવેરાનું નુકસાન થઈ રહ્યું છે તો આ છીંડાને કારણે. આ છીંડું બંધ થવું જોઈએ અને  એ કઈ રીતે થઈ શકે એ મુખ્ય સવાલ છે. મોટા ખેડૂતોને ટાર્ગેટ બનાવવાની જરૂર નથી, પ્રત્યક્ષ ખેતી નહીં કરનારા, અંગ્રેજીમાં કહીએ તો ઍબ્સન્ટી લૅન્ડલૉર્ડ્સને ટાર્ગેટ બનાવવાની જરૂર છે. ગામડાંમાં ખેડૂતના ઘરમાં ટીવી અને ફ્રિજ હોય તો એનો અર્થ એવો નથી કે તે મોટો ખેડૂત છે અને કૃષિવ્યસાયમાં ખૂબ ધન એકઠું કરે છે. જો એમ હોત તો શહેરી લોકો જમીન વેચીને શહેરમાં ન આવ્યા હોત. જે લોકો કૃષિની આવક પર કરવેરાની માગણી કરી રહ્યા છે એમાંના ઘણા પૂર્વાશ્રમના ખેડૂત છે. આમ ટાર્ગેટ શહેરમાં વસતા ઍબ્સન્ટી લૅન્ડલૉર્ડ્સને બનાવવાની જરૂર છે અને એ કઈ રીતે થઈ શકે?

આને માટે બંધારણમાં સુધારો કરવો જોઈએ. સુધારો માત્ર એટલો કરવો જોઈએ કે કૃષિ સિવાયના આવકના બીજા સ્રોત ધરાવતા હોય તેમની કૃષિની આવકને કરવેરામાંથી મુક્તિ આપવામાં નહીં આવે. તેઓ ખેતીના વ્યવસાયમાં ખોટ બતાવે તો એ ખોટને પણ લક્ષમાં લેવામાં નહીં આવે એટલી હદે પણ કાયદો થઈ શકે છે. જો આટલો સુધારો કરવામાં આવે તો શહેરી નાણું ગામડાંમાં ઠલવાય છે અને જમીનને મોંઘી કરે છે એનો અંત આવી જશે. તેમણે ગ્રામીણ કૃષિની જમીનને રિયલ એસ્ટેટ બનાવી મૂકી છે. બીજું, તેઓ કહેવાતા કૃષિવ્યવસાયમાંથી નીકળી જશે તો જમીન ખરેખર કૃષિઉત્પાદન માટે વપરાશે. અત્યારે ગામડાંમાં સો એકર જમીન ધરાવતા શહેરી ખેડૂતને એ જમીનમાંથી વધુમાં વધુ ઉત્પાદન થાય એની સાથે સંબંધ નથી. જમીન કમાવીને આપે તો ઠીક છે, અન્યથા આવક છુપાવવા માટે તો એ કામમાં આવે જ છે. ત્રીજું, ઍબ્સન્ટી લૅન્ડલૉર્ડ્સ કૃષિવ્યવસાયમાંથી હટી જશે તો તેઓ બાગબાની (હૉર્ટિકલ્ચર) અને બીજી રીતે જમીન પર કબજો જાળવી રાખવા જમીન વેડફે છે એનો ઉપયોગ ધાન ઉત્પાદન કરવા માટે થઈ શકે છે.

વિચારી જુઓ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 01 મે 2017

Category :- Opinion / Opinion

એ દલીલોના કેન્દ્રમાં ન્યાય, માનવતા અને કરુણા હતાં અને એટલે એ રીતની ભાષા હતી. ઉપનિષદના ઋષિઓની, બૌદ્ધોની, જૈનોની, સંતોની અને આધુનિક યુગના સુધારકોની, વિવેકાનંદની ને ગાંધીજીની દલીલો અને ભાષા જોઈ જાય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ટ્રિપલ તલાકના મુદ્દે કોઈ પક્ષે રાજકારણ ન કરવું જોઈએ. તેમણે બીજી વાત એ કહી છે કે ભારતીય દાર્શનિક પરંપરા એટલી સમૃદ્ધ છે કે એમાં અંદરથી વખતોવખત જરૂરી સુધારા થતા રહે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારતીય પરંપરાને અનુસરીને અને બદલાયેલા સમયની જરૂરિયાત પારખીને મુસ્લિમ સમાજ પોતે જ ટ્રિપલ તલાકનો અંત લાવશે અને મુસ્લિમ બહેનોને ન્યાય મળશે. વડા પ્રધાનની વાત સાચી છે. કોઈ રાજકીય પક્ષે ધર્મનું રાજકારણ ન કરવું જોઈએ. વડા પ્રધાન આવું બોલે છે ત્યારે ઘડીભર વ્હાલ વકરી લેવાનું મન થઈ આવે છે, પરંતુ ત્યાં તો બીજા દિવસે ગાંવ મેં યદિ કબ્રસ્તાન હો સ્મશાનભૂમિ ભી હોની ચાહિએ એવું કથન સાંભળવા મળે છે અને મન ખાટું થઈ જાય છે. દેશના ભવિષ્ય વિશે ચિંતા થવા લાગે છે. ઓછામાં ઓછી વડા પ્રધાન પાસેથી એટલી અપેક્ષા રહે છે કે તેઓ તત્ત્વનો ખીલો પકડી રાખે જે રીતે જવાહરલાલ નેહરુ ગમે એવી સ્થિતિમાં પકડી રાખતા હતા. નેહરુની મહાનતા આ કારણે છે.

જે દિવસે વડા પ્રધાને મીઠીમધુરી વાત કહી એ દિવસે જ ઉત્તર પ્રદેશના એક પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યું હતું કે કામાંધ મુસલમાનો વાસના સંતોષવા ટ્રિપલ તલાકનો ઉપયોગ કરે છે. ઉત્તર પ્રદેશના આ એક પ્રધાન બહુ મોટી હસ્તી છે. તેઓ BJPના ઉત્તર પ્રદેશ એકમના અધ્યક્ષ હતા અને તેમના નેતૃત્વમાં BJPને ઉત્તર પ્રદેશમાં ભવ્ય વિજય મળ્યો હતો. તેઓ મુખ્ય પ્રધાન થતાં-થતાં રહી ગયેલા માણસ છે. આવાં તો બીજાં અનેક કથનો ટાંકી શકાય એમ છે અને એવાં કથનો કરનારાઓમાં ખુદ નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. આનો દેખીતો અર્થ એ થયો કે વડા પ્રધાન પોતે અને BJP સમયે-સમયે જરૂરિયાત મુજબ ધર્મનું રાજકારણ કરે છે. પ્રમાણ જોઈએ તો એક નહીં હજાર મળી શકે એમ છે.

યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ ધરાવનારા લોકોએ બંધારણસભામાં આ પ્રશ્ન કઈ રીતે હાથ ધરવામાં આવ્યો હતો એના પર એક નજર કરવી જોઈએ. એ પ્રશ્નને ધર્મની એરણે, સુધારાઓની એરણે, સ્ત્રીઓને મળવા જોઈતા ન્યાયની એરણે અને ભારતની એકતા તેમ જ ભવિષ્યની એરણે તપાસવામાં આવ્યો હતો. સાંગોપાંગ અભ્યાસ કર્યા પછી એટલો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધર્મના નામે અન્યાય કરવાનો કોઈને અધિકાર નથી. જો અન્યાયી રિવાજ, કાયદો કે વિધિવિધાન કાયમ રાખવા માટે ધર્મની આડ લેવામાં આવતી હોય તો સંબંધિત સમાજને સમજાવવો જોઈએ અને યોગ્ય સમયે ભવિષ્યમાં યુનિફૉર્મ સિવિલ કોડ ઘડવામાં આવે.

પુરુષોને ફાયદો કરી આપનારા કાયદાઓ અને રિવાજોને ટકાવી રાખવા માટે પુરુષો દ્વારા ધર્મની આડ લેવામાં આવે છે એ એક હકીકત છે. એ અર્થમાં એ પ્રશ્ન ધાર્મિક છે એમાં કોઈ શંકા નથી. કોઈ સમાજનો સ્થાપિત વર્ગ ધર્મનો દુરુપયોગ કરતો હોય તો બીજા લોકોને એનો વિરોધ કરવાનો અધિકાર છે. અધિકાર નહીં, એ તેમની ફરજ બને છે. એ ફરજ બને છે એટલે તો બંધારણસભામાં એ વિશે ચર્ચા થઈ હતી. સવાલ એ છે કે એ વિરોધ ન્યાયકેન્દ્રી હોવો જોઈએ કે ધર્મકેન્દ્રી? જો ન્યાયની ખેવના હોય તો ચર્ચાનું અને ભાષાનું સ્વરૂપ જુદું હોય અને જો ધર્મ કેન્દ્રમાં હોય તો ચર્ચાનું અને ભાષાનું સ્વરૂપ જુદું હોય.

વાચકોએ નોંધ્યું હશે કે ન્યાયની ખેવના ધરાવનારા લોકો જ્યારે યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ કરે છે ત્યારે તેમની દલીલો અને ભાષા શરિયતના કાયદાઓનો બચાવ કરનારા મુસ્લિમ પુરુષોની અને સંઘપરિવારની દલીલો અને ભાષા કરતાં જુદાં પડે છે. ધર્મને કેન્દ્રમાં રાખીને શરિયતનો બચાવ કરનારાઓની દલીલો અને ભાષા જુનવાણી હોય છે જ્યારે ધર્મને કેન્દ્રમાં રાખીને યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ ધરાવનારાઓની દલીલો અને ભાષા કોમી હોય છે. એટલે તો સ્વામી પ્રસાદ મૌર્યે કોમી અને અભદ્ર ભાષામાં યુનિફૉર્મ સિવિલ કોડની વકીલાત કરી છે. આ સંઘપરિવારની વૈચારિક પરંપરા છે અને વડા પ્રધાને જે કહ્યું છે એ અપવાદ છે. આપણે આશા રાખીએ કે વડા પ્રધાને કરેલી દલીલો અને વાપરેલી ભાષા અપવાદ મટીને સંઘપરિવારમાં નિયમ બને, નવી પરંપરા બને.

ભારતની દાર્શનિક પરંપરા એટલી સમૃદ્ધ છે કે એમાં અંદરથી આપોઆપ સુધારાઓ થતા રહે છે એ વડા પ્રધાને કહેલી બીજી વાત આંશિક પ્રમાણમાં સાચી છે. એમાં કોઈ શંકા નથી કે ભારતમાં અનેક સામાજિક સુધારાઓ સ્થળકાળની જરૂરિયાત મુજબ થતા આવ્યા છે. સુધારાઓમાં ધર્મ આડો આવતો હોય અને મોટા પ્રમાણમાં સમાજ વિગ્રહ થયો હોય એવું ભારતમાં બન્યું નથી જેવું પશ્ચિમના દેશોમાં અને અન્યત્ર બન્યું છે. વાચકોને મારે એટલું જ કહેવું છે કે વીતેલા યુગમાં અને આધુનિક ભારતમાં સુધારાઓના પક્ષે કરવામાં આવેલી દલીલો અને ભાષાનું સ્વરૂપ કેવું હતું એના પર એક નજર કરી જાય. એ દલીલોના કેન્દ્રમાં ન્યાય, માનવતા અને કરુણા હતાં અને એટલે એ રીતની ભાષા હતી. ઉપનિષદના ઋષિઓની, બૌદ્ધોની, જૈનોની, સંતોની અને સૂફીઓની, આધુનિક યુગના સુધારકોની, વિવેકાનંદની અને ગાંધીજીની દલીલો અને ભાષા જોઈ જાય. 

આમ છતાં કેટલાક સુધારાઓ નહોતા થયા એ નહોતા જ થયા. ન્યાય, માનવતા અને કરુણાસભર દલીલોની લાંબી પરંપરા હોવા છતાં ખાસ કરીને દલિતો અને સ્ત્રીઓ સાથે ન્યાય કરવામાં નહોતો આવ્યો. આ કામ છેવટે બંધારણસભાએ અને એ પછી હિન્દુ કોડ બિલ લાવીને ભારત સરકારે કરવું પડ્યું હતું. એ સમયે કૉન્ગ્રેસના જુનવાણી વિચારો ધરાવનારા નેતાઓએ અને સંઘપરિવારે એનો વિરોધ કર્યો હતો. જો એ સમયે હિન્દુઓએ એનો વિરોધ ન કર્યો હોત તો કદાચ એ સમયે જ યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ થઈ ગયો હોત. ભારતના વિભાજન પછી મુસલમાનો શરિયતના કાયદાઓ માટે આગ્રહ કરવાની સ્થિતિમાં નહોતા. આમ ભારતની દાર્શનિક પરંપરા લચીલી અને સમૃદ્ધ છે એમાં કોઈ શંકા નથી, પરંતુ એ એટલી પણ લચીલી અને સમૃદ્ધ નથી કે રાજ્યે હસ્તક્ષેપ ન કરવો પડે. મુસલમાનો સાત દાયકા પછી પણ સ્વૈચ્છિકપણે સ્ત્રીઓને ન્યાય આપવાની પહેલ કરતા નથી એટલે રાજ્યે હસ્તક્ષેપ કરવો પડે છે. એનો અર્થ એ થયો કે ભારતીય પરંપરાની સમૃદ્ધ ઉદારતા અને લચીલાપણું પુરુષપ્રધાન અને સવર્ણપ્રધાન છે. એમાં દલિતો અને સ્ત્રીઓનો સમાવેશ નથી થતો.

વડા પ્રધાન ભૂલ્યા ત્યાંથી ફરી ગણવા માગતા હોય તો આપણે તેમનું સ્વાગત કરવું જોઈએ. અહીં માત્ર વાસ્તવિકતાનો અરીસો સામે રાખવામાં આવ્યો છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 મે 2017

Category :- Opinion / Opinion