OPINION

વિકલાંગતાના પ્રકાર સાતથી વધારીને એકવીસ કરવામાં આવ્યા છે, પણ તેમના અસરકારક અમલનો પ્રશ્ન ઊભો છે

સંસદના હંગામેદાર શિયાળુ સત્રની મહત્ત્વની લબ્ધિ 2014નું વિકલાંગ અધિકાર બિલ પસાર થવું તે છે. આર.પી.ડી. કહેતાં ‘રાઇટ્સ ઑફ પર્સન વિથ ડિસેબિલિટીઝ’ બિલ 2014 પર હવે તો રાષ્ટ્રપ્રમુખની મંજૂરીની મહોર લાગી ગઈ છે અને વિકલાંગોના અધિકારો સ્થાપિત કરતો કાયદો અમલી બન્યો છે.

1995ના દાંત-નહોર વગરના વિકલાંગ ધારાના સ્થાને આ જે નવો કાયદો આવ્યો છે તે વિકલાંગોના અધિકારોની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ છે. 1995ના કાયદામાં વિવિધ સાત પ્રકારની વિકલાંગતાઓને આવરી લેવામાં આવી હતી. જ્યારે હાલના કાનૂનમાં વિકલાંગતાની કેટેગરી ત્રણ ગણી વધારીને એકવીસ કરવામાં આવી છે. એસિડ એટેકની પીડિતાઓ, પાર્કિન્સન, હિમોફિલિયા, થેલેસેમિયા, કુષ્ઠરોગ મુક્તિ પછીની વિકલાંગતા સહિતની શારીરિક-માનસિક–સામાજિક વિકલાંગતાઓને આ કાયદામાં આવરી લેવામાં આવી છે.

જીવનનાં તમામ ક્ષેત્રોમાં વિકલાંગોને સમાન તક, અવસર અને માનવીય ગરિમા મળે, તે તો આ કાયદાનો ઉદ્દેશ છે જ, પરંતુ જે વ્યક્તિ 40 ટકા વિકલાંગતા ધરાવતી હોય તેને શિક્ષણ અને રોજગારમાં 4 ટકા અનામત આપવાની જોગવાઈ છે. વિકલાંગો માટે જાહેર સ્થળોનો ઉપયોગ સરળ બને તે પ્રકારના મકાનનિર્માણની જોગવાઈ છે. વિકલાંગો સાથે ભેદભાવ આચરનારને જેલથી દંડ સુધીની સજા, સમાજ સુરક્ષાની અનેક યોજનાઓના લાભની બાંહેધરી ઉપરાંત મહિલા અને બાળકો માટે વિશેષ સગવડો આપવામાં આવી છે.

લોકબોલીમાં આંધળા, બહેરા, બોબડા, લૂલા, લંગડા કહેવાતા જન્મથી કે અકસ્માતે શારીરિક-માનસિક અપંગતા ધરાવતો મોટો ઉપેક્ષિત માનવસમૂહ દેશમાં છે. તેની ઓળખ બદલાતી રહે છે, પણ સ્થિતિ ઝાઝી બદલાતી નથી. પહેલાં તે અપંગ કહેવાતા, પછી વિકલાંગ કહેવાયા, તો વડાપ્રધાને તેમને દિવ્યાંગ કીધા. માધ્યમોએ દિવ્યાંગ નામ જાણીતું કર્યું, પણ નવા કાયદામાં આ ઓળખ નથી! જેવાં ગુજરાતી કે પ્રાદેશિક તેમ અંગ્રેજી ભાષામાં પણ તેમના નામ-ઓળખ બદલાતાં રહ્યાં છે. હેન્ડિકેપ, ફિઝિકલી ચેલેન્જ્ડ, ડિફરન્ટલી એબલ, ડિસેબલ અને સ્પેિશયલ પ્રિવિલેજ્ડ જેવા શબ્દો વપરાતા રહ્યા છે.

દેશમાં વિકલાંગો કે દિવ્યાંગોની કેવી હાલત છે અને સમાન તક અને અવસર તેમના માટે કેવા જોજનો દૂર છે તે 2010માં યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં 60 ટકા વિકલાંગતા છતાં ઉત્તીર્ણ થયેલા ઇરા સિંઘલને નિમણૂક ન મળી ત્યારે ઉજાગર થયું હતું. કુલ ઉમેદવારોમાંથી 0.30 ટકા જ ઉત્તીર્ણ થાય છે તેવી સિવિલ સર્વિસ એક્ઝામ તે વરસે નવ વિકલાંગોએ પાસ કરી, પણ તેમની વિકલાંગતા તેમની નિમણૂકમાં આડે આવી. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યૂનલ અને તત્કાલીન વડાપ્રધાન સમક્ષ ધા નાખ્યા બાદ જ નવમાંથી સાતને નિમણૂક મળી હતી.

યાદ રહે કે અથાક મહેનત અને બુલંદ લગનથી ઇરા સિંઘલ 2014માં યુ.પી.એસ.સી. ટોપર બન્યાં હતાં. જો દેશની સર્વોચ્ચ નોકરીમાં વિકલાંગોની આ હાલત હોય તો સામાન્ય નોકરીઓ મેળવવી કેટલી મુશ્કેલ હશે? હજુ પણ દેશના ઘણાં રાજ્યોના પંચાયત કાયદાઓમાં અમુક પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકો પંચાયતના સભ્ય ન થઈ શકે તેવી જોગવાઈ છે. આવું ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને રોજગારમાં પણ છે. તેના પરથી વિકલાંગોએ કેટકેટલા મોરચે અધિકાર અને ન્યાય માટે લડવાનું બાકી છે તે સમજાય છે.

આરંભે વિકલાંગ ધારો પસાર થઈ શક્યો તેને સંસદના શિયાળુ સત્રની મોટી ઉપલબ્ધિ ગણાવી, તેમાં પણ અર્ધસત્ય છે. આઝાદીના લગભગ પાંચ દાયકા પછી દેશના નીતિનિર્ધારકોનું ધ્યાન વિકલાંગોની સ્થિતિ તરફ ગયું હતું અને છેક 1995માં વિકલાંગ ધારો આવ્યો. તેની નબળી જોગવાઈઓ અને અમલમાં અખાડાને લીધે જ હવે તેના સ્થાને નવો કાનૂન લાવવો પડ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના સંયુક્ત સંમેલને 13મી ડિસેમ્બર, 2006માં વિકલાંગોના અધિકારો માટેનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું.

ભારતે 1લી ઓકટોબર, 2007માં તેનું અનુમોદન કર્યું હતું. હાલના વિકલાંગ અધિકાર ધારાનાં મૂળ અહીં રહેલાં છે. ભારત સરકારે 2010માં વર્તમાન આર.પી.ડી. વિધેયક તૈયાર કરવા માટે સુધા કૌલ સમિતિની રચના કરી હતી. સમિતિએ 2011માં તેનો અહેવાલ સરકારને આપ્યો. 7મી ફેબ્રુઆરી, 2014માં યુ.પી.એ.-2 સરકારે હાલનું બિલ સંસદમાં રજૂ કર્યું ત્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની પાર્લામેન્ટરી સ્ટેિન્ડગ કમિટીને આ બિલ સોંપવામાં આવ્યું હતું. સમિતિની બેઠકો અને અનેક સુધારાઓ પછી તે લાંબા સમયથી સંસદની મંજૂરીની રાહ જોતું અટક્યું હતું. આખરે 2016ની 14મી ડિસેમ્બરે રાજ્યસભાએ અને 16મી ડિસેમ્બરે લોકસભાએ તે પસાર કર્યુ હતું. એ રીતે કાયદો ઘણા વિલંબથી આવ્યો છે.

દીર્ઘ પ્રક્રિયામાંથી પસાર થયેલો વિકલાંગ અધિકાર ધારો સર્વાંગસંપૂર્ણ તો નથી જ. 2011ની વસ્તી ગણતરી મુજબ 1995ના વિકલાંગ ધારા મુજબની સાત પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકોની વસ્તી દેશમાં 2.68 કરોડ (ગુજરાતમાં 10.92 લાખ) હતી. નવા કાયદામાં વિકલાંગતાના પ્રકારો ત્રણ ગણા વધારીને 21 કરવામાં આવ્યા છે તે સ્વાગતાર્હ છે, પરંતુ તેને કારણે વિકલાંગોની વસ્તીમાં જે વધારો થવાનો છે તે મુજબની જોગવાઈઓ આ કાયદામાં નથી. 1995ના ધારામાં વિકલાંગો માટે શિક્ષણ અને રોજગારમાં 3 ટકા અનામતની જોગવાઈ હતી.

આરંભના બિલમાં 5 ટકા અનામતની જોગવાઈ હતી, પરંતુ સરકારે માત્ર એક ટકો જ અનામત વધારીને 4 ટકા કરી છે. વિકલાંગોની કેટેગરીમાં ત્રણ ગણો અને અનામતમાં માત્ર એક જ ટકાનો વધારો ન્યાયસંગત નથી. શિક્ષણ અને રોજગારમાં વિકલાંગોના યોગ્ય પ્રતિનિધિત્વ માટે ચાર ટકા અનામત પર્યાપ્ત નથી. ખુદ સરકારે તેના એક અહેવાલમાં કબૂલ્યું છેકે 2011ની વસ્તી ગણતરી મુજબના 2.68 કરોડ વિકલાંગોમાંથી તે 49.5 ટકાને જ શોધી શકી છે અને તબીબી પ્રમાણપત્ર આપી શકી છે. ‘નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એમ્પાવરમેન્ટ ઑફ પર્સન વિથ મલ્ટિપલ ડિસેબિલિટીસ’ના સર્વે અનુસાર 58 ટકા વિકલાંગ દલિત આદિવાસી બાળકો શાળાનું પગથિયું ચડ્યાં નથી. જાહેર સંસ્થાઓનાં મકાનો વિકલાંગોના ઉપયોગ માટે સરળ બને તેવી સુવિધાઓનો દેશમાં મોટો અભાવ છે. લાખો એ.ટી.એમ.ને વિકલાંગોના ઉપયોગલાયક બનાવવાનો પડકાર ઊભો જ છે.

જુલાઈ 2016માં આધુનિક ગણાતા જાપાનમાં એક ક્રૂર ઘટના બની હતી. પાટનગર ટોકિયો નજીકના એક વિકલાંગ ગૃહ પર 26 વર્ષીય યુવકેે હુમલો કરી, 19 વિકલાંગોને ચાકુ વડે રહેંસી નાંખ્યા હતા. આ યુવાન કોઈ હત્યારો નહોતો, પણ વિકલાંગોને મારી નાખવા જોઈએ તેવું માનનારો હતો. આ માટે તેણે જાપાનની સંસદને પણ પત્રો લખ્યા હતા. વિકલાંગોની હત્યા એ જેમ તેમની મુક્તિનો માર્ગ નથી, તેમ કોરી સહાનુભૂતિ કે દયા પણ માર્ગ નથી. વિકલાંગો પણ નાગરિક તરીકે સમતા, ન્યાય, અને ભાગીદારીના હકદાર છે. તે દિશાના નક્કર પ્રયાસો જરૂરી છે.

સૌજન્ય : ‘પરિવર્તન’, “દિવ્ય ભાસ્કર”, 12 જાન્યુઆરી 2017

Category :- Opinion / Opinion

વર્ષના અંતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંદેશામાં, તેમના અગાઉના ભાષણની સરખામણીમાં, પહેલીવાર, ભ્રષ્ટાચાર ઉપર જોરશોરથી બોલવાને બદલે નોટબંધીને કારણે સર્જાયેલા અવ્યવસ્થામાંથી કંઇક રસ્તો કાઢવા ઉપર જોર રાખ્યું. નોટબંધીનો હેતુ પણ ભ્રષ્ટાચારની નાબૂદીનો જ હતો, કારણ કે આ સરકાર એ જ મુદ્દા ઉપર ચૂંટાઈને આવી હતી. નોટબંધી પછી એ ઉદ્દેશ પાર પડ્યો ખરો? આનો જવાબ અઘરો છે તે પ્રધાનમંત્રીને હવે ખબર પડશે, કારણ કે દેશ ભ્રષ્ટાચારમુક્ત છે એ કેવી રીતે પુરવાર થાય?

હકીકતમાં, ભ્રષ્ટાચાર એક એવો ડ્રામા છે, જેના ઉપર ક્યારે ય પરદો પડ્યો નથી. મંચ ઉપર ભજવાતા ડ્રામામાં તો ઇન્તિકામ કે ઇન્સાફની મદદથી ડ્રામાનો અંત આવતો હોય છે, પરંતુ ભારતમાં ભ્રષ્ટાચારને લઈને જ શુદ્ધિની વાતો થઈ છે તે અંતત: કોરી વાતો જ રહી છે. ભ્રષ્ટાચાર દરિયાના ભરતીના પાણી જેવો છે. એ ધસમસતો આવે છે, અને કિનારે અથડાઈને પાછો પાણીમાં જાય છે. એને રોકવાના કે ખતમ કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહે છે, અને ઇન્તિકામ કે ઇન્સાફની હર કોશિશ અંતત: એક નવી ભરતીને જોર બક્ષે છે.

એવું નથી કે સરકારની (કે મોદીની) દાનત નથી. ભારતમાં દરેક સરકાર અને દરેક પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર દૂર કરવાની કસમ ખાધેલી છે, અને નેક પ્રયાસો કર્યા છે. છેક 1930માં મહાત્મા ગાંધીએ કૉંગ્રેસમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર માટે પીડા વ્યક્ત કરી હતી, અને સંગઠનની સમગ્ર વ્યવસ્થા બદલી નાખવાનું સૂચન કર્યંુ હતું. રાજકારણ જ નહીં, રાજા-રજવાડાઓમાં પણ ભરપૂર ભ્રષ્ટાચાર હતો. ભારતમાં સ્થિર થવા અંગ્રેજીઓએ અનેક રજવાડામાં અનેક કૌભાંડ કર્યાં હતાં. ત્રણ યુદ્ધો પછી ટીપુ સુલતાન સાથેનું ચોથું યુદ્ધ અંગ્રેજો જીત્યા તેની પાછળ ટીપુના સરદાર મીર સાદીકની ગદ્દારી હતી, જેણે અંગ્રેજીને ‘ફેવર’ કરવા મૈસુરના સૈનિકોને પગાર લેવાના બહાને લડાઈના મેદાનની બહાર મોકલ્યા હતા.

એનાથી ય આગળના ભૂતકાળમાં જઇએ તો છેક વેદમાં ભ્રષ્ટાચારની વાતો થઈ છે. સામવેદ ભ્રષ્ટાચારને નવ માથાવાળા રાક્ષસ તરીકે ઓળખાવે છે અને કહે છે કે માણસની પાંચ ઇન્દ્રિયો મારફતે નવેનવ પ્રકારના ભ્રષ્ટાચાર અંદર આવે છે. રામાયણમાં આ જ નવ માથાના રાક્ષસ ઉપરથી રાવણનું ચરિત્ર લખાયું હતું. મહાભારતમાં અંધ રાજા ધૃતરાષ્ટ્રના 99 પુત્રોના માધ્યમથી 99 પ્રકારના ભ્રષ્ટાચારની વાત છે. ઋગ્વેદમાં 99 પ્રકારના વૃત(દુષ્ટ આત્મા)નો ઉલ્લેખ છે. યજુર્વેદમાં એવું સૂચન છે કે ભ્રષ્ટ વ્યક્તિને રાજાએ ચતુર્વર્ણમાં ભેગો થવા ન દેવો જોઇએ. મહાભારત અને રામાયણની કથા જ ભ્રષ્ટાચાર અને એનાં પરિણામો અંગેની છે.

મુદ્દો એ છે કે માનવ સમાજની બે વાસ્તવિકતા, લાલચ અને જરૂરિયાત, ભ્રષ્ટ આચારના મૂળમાં છે. લાલસા એ માનવવૃત્તિ છે અને કેટલાક લોકો લાલસાને નિયંત્રણમાં રાખી શકે છે તો કેટલાક લોકો માટે લાલસાની પરિપૂર્તિ ક્યારે ય થતી નથી. પુરાણથી લઈને આધુનિક સમયમાં પણ ભ્રષ્ટાચારનો ડ્રામા અનંત ચાલતો રહે છે, તેનું કારણ એ છે કે, આપણે જે હોહા કરીએ છીએ તેનાથી વિપરીત, ભ્રષ્ટાચાર બહુ જ સાધારણ અને સહજ વ્યવહાર છે.

આમ જનતા ભ્રષ્ટાચારને જિંદગીનો એક ભાગ માને છે. ભ્રષ્ટાચાર સામર્થ્ય અને પ્રતિભા પણ ગણાય છે. આ લખનારને બીજા પત્રકાર-તંત્રીઓનાં ઉદાહરણ આપીને કહેવાયું હતું કે, ‘તને કંઈ આવડતું નથી.’ ભારતમાં ભ્રષ્ટાચાર કરીને આગળ વધેલા ઉદ્યોગપતિઓ સફળતા અને ક્ષમતાના ઉદાહરણ બન્યા છે. ‘દીવાર’ ફિલ્મ જે મુખ્યત્વે નૈતિકતા અને ન્યાયોચિતતાની વકાલાત કરે છે, તેમાં સૌથી વધુ પ્રશંસા અને સહાનુભૂતિ અચ્છા બેટાને નહીં, પણ બગડેલા બેટાને મળે છે. અમિતાભના રિયલ લાઇફ બેટા અભિષેકની ‘ગુરુ’ ફિલ્મ જ સરકારી નિયમો તોડીને કેવી રીતે સફળ થવાય તેવી ‘શિખામણ’ આપતી હતી, અને લોકોએ તેને વધાવી પણ હતી.

ભ્રષ્ટાચારને લઈને જે ઉમદા હેતુઓની અભિવ્યક્તિ થાય છે તેમાં લાગણીઓ ભડકાવ્યા સિવાય કશું થતું નથી. કોઈ ભાગ્યે જ એ હકીકતનો એકરાર કરે છે કે આધુનિક મૂડીવાદી અર્થવ્યવસ્થા અને વિકાસનું મૉડલ જ ભ્રષ્ટાચાર માટેની ફળદ્રુપ જમીનનું કામ કરે છે. ઉદાહરણ તરીકે ગામનો એક યુવાન નોકરી કે વ્યવસાયની તલાશમાં શહેરમાં આવે છે. એને પહેલા જ દિવસથી ‘ચાય-પાની’ સમજમાં આવી જાય છે. શહેર આવવા માટે ટ્રેનમાં બેસવા-સૂવાની જગ્યા માટે એજન્ટને કમિશન આપવું પડે છે. શહેરમાં એક રાત બગીચામાં કે પ્લેટફોર્મ ઉપર સૂવા માટે કોન્સ્ટેબલ કે લોકલ દાદાના હાથ ‘ગરમ’ કરવા પડે છે. ઑફિસમાં ઘૂસવા માટે વચેટિયાને રાજી રાખવો પડે છે.

વયસ્ક થયેલા દરેક યુવાનને ખબર છે કે રોજગારીની પહેલી સફળતામાં ક્લાર્ક કે બાબુની, પોલીસની કે એજન્ટની ભૂમિકા કેટલી મોટી હોય છે. સરકારમાં નોકરી લેનાર દરેક કર્મચારીને ખબર છે કે ગમતી જગ્યા કે શહેરમાં પોસ્ટિંગ લેવા માટે ઉપરી અધિકારીને કેવી રીતે ‘ખુશ’ રાખવા પડે છે. પોલીસમાં ભરતી થનાર દરેક જવાન પાસે એ ટાઇમટેબલ નક્કી જ હોય છે, જેની અંદર એણે નોકરી માટે ખર્ચેલા રૂપિયા ‘રિકવર’ કરવાના હોય છે. દરેક નવા ઉત્તીર્ણ ડૉક્ટરને ખબર છે કે એણે ભણવા માટે જે લાખો રૂપિયા ખર્ચ્યા છે એ કેવી રીતે દર્દીઓ પાસેથી વસૂલવા.

તરક્કીના આપણા મૉડલમાં આગળ વધવું એ ચમત્કારથી કમ નથી અને દરેકને ચમત્કાર કરતા આવડી પણ જાય છે. અહીં બધા જ નિયમોનો અર્થ ઊલટો થાય છે. અમિતાભની ‘અગ્નિપથ’ ફિલ્મમાં વિજય કહે છે, ‘કહને કો યેહ શહેર હૈ, સિર્ફ કહને કો, પર ઇધર જંગલ કા કાનૂન ચલતા હૈ માલૂમ ... ચીંટી કો બિસ્તુિરયા ખા જાતા હૈ, બિસ્તુિરયા કો મેઢક, મેઢક કો સાંપ નિગલ જાતા હૈ, નેવલા સાંપ કો મારતા હૈ, ભેડિયા નેવલે કા ખૂન ચૂસ લેતા હૈ, શેર ભેડિયે કો ચબા જાતા હૈ ... ઇધર હર તાકાતવર અપને સે કમ કો મારકર જીતા હૈ.’ આવા શહેરમાં રહેવા અને તરક્કી કરવા એના આંતરિક ‘કાયદા-કાનૂન’ સમજવા પડે છે.

અચ્છે દિન એટલે શું? અચ્છે દિન એટલે આધુનિકતા, તરક્કી અને શહેરીકરણ. આ ત્રણેયમાં રમત કેમ રમાય તેના નિયમો છે. જે તમને આવડવા જોઇએ. આ ત્રણેયમાં દ્વિવિધતા પણ છે: નિયમ છે અને નિયમ વગરનું પણ છે. બ્લેક છે અને વ્હાઇટ પણ છે. સત્તાવાર છે અને બિનસત્તાવાર પણ છે. સીધી રીત છે અને આડી રીત પણ છે. શહેરની આ દ્વિવિધતા એ જ્ઞાનની અર્થવ્યવસ્થા છે. કોની પાસે કેટલું જ્ઞાન છે તેના પર એની સફળતાનો આધાર છે. જેને આપણે ભ્રષ્ટાચાર કહીએ છીએ એ આ જંગલ કા કાનૂન છે. તમને સત્તાવાર અને બિનસત્તાવાર, વૈધ અને અવૈધ વચ્ચેના સામાજિક સંબંધની ખબર પડે તો તરક્કી આસાન થઈ જાય છે. નોટબંધી પાછળ જે બ્લેક ઇકોનોમીને ખતમ કરવાનો ઇરાદો છે, તે બ્લેક ઇકોનોમી શહેરની આ દ્વિવિધતામાંથી આવી છે.

આ દ્વિવિધતા અથવા આ બેઇમાની, ચોરી ક્યાંથી આવી? એ ઇમાનદારીમાંથી, નૈતિકતામાંથી આવી છે. દરેક કાનૂન કે નિયમનો જન્મ જે કમજોર છે, પછાત છે અથવા અક્ષમ છે, તેને સશક્ત થવાની, તરક્કી કરવાની તક મળે તે માટે થયો છે. થયું છે ઊલટું દરેક ઇમાનદારીમાંથી બેઇમાની અને દરેક કાનૂનમાંથી ગેરકાનૂન પેદા થયાં છે. ભ્રષ્ટાચાર દૂર કરવા દરેક સરકારે શપથ લીધા છે અને એ પૂરા થયા નથી કારણ કે દરેકને એવું લાગે છે કે કાનૂન બનાવવાથી, નિયમ બનાવાથી, સજા કરવાથી આ દ્વિવિધતા ખતમ થઈ જશે. પ્રશ્ન કાનૂનનો કે નિયમનો છે જ નહીં. પ્રશ્ન શુદ્ધતા અને સચ્ચાઈનો છે. અને કોઈ પણ સરકાર વ્યક્તિની શુદ્ધતા પર આંગળી મૂકીને એને પારખી શકતી નથી એટલે એ નિયમ બનાવીને સંતોષ માને છે. આપણે ભલે જંગલમાંથી નીકળીને રહેવાનું શરૂ કર્યું હોય, આપણી અંદરથી જંગલ હજુ નીકળ્યું નથી, અને એ જંગલ જ કોઈ પણ સરકાર કે પ્રધાનમંત્રીની ખરી ચેલેન્જ હશે. સવાલ એ છે કે એ અસલી ચેલેન્જ ઉપાડવામાં રસ કોને છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 08 જાન્યુઆરી 2017

Category :- Opinion / Opinion