OPINION

વૈકલ્પિક વિમર્શબોધ વગર, ચીસોટા લટકા કરે ચીસોટા સામે, એ તો કંઈ મત અને અભિપ્રાયની માવજતનો માર્ગ નથી

પ્રાઇમ ટાઇમ ટીવી પર કેમ જાણે એકે અવાજે (ખરું જોતાં, એકે ઘાંટેઘોંઘાટે) અમલ ચલાવતા અર્ણવ ગોસ્વામી હવે ‘ટાઇમ્સ નાઉ’થી સ્વતંત્રપણે મીડિયાકર્મ હાથ ધરવા ઇચ્છે છે, એ સમાચારને કેવી રીતે જોશું? અર્ણવની અદામાં કહીએ તો ધ નેશન વોન્ટ્સ ટુ નો. આ કળા અર્ણવ ગોસ્વામીએ ઠીક ઠીક ખીલવી હતી - અને યુ.પી.એ. શાસનની ઘણી વાતો ખુલ્લાણમાં આણી હતી. પ્રિન્ટ મીડિયામાં ‘ટેલિગ્રાફ’ અને ત્યાર પછી ઇલેક્ટ્રોનિક મીડિયામાં એન.ડી.ટી.વી.ની કામગીરી બાદ ‘ટાઇમ્સ નાઉ’ના એ આરંભકાર બની રહ્યા, અને એમાં પણ ડીબેટ ઉર્ફે મીડિયા ટ્રાયલ એ એનો ફ્લેગશિપ કાર્યક્રમ બની રહ્યો. 2006થી 2016ના આ દસકામાં આપણે ‘ટાઇમ્સ નાઉ’ અને અર્ણવ ગોસ્વામીને એકમેકના પર્યાયરૂપ ઉભરતાં જોયાં - અને ટીવી ક્ષેત્રે કુરુક્ષેત્રે બ્રાન્ડ અર્ણવની પ્રતિષ્ઠા પણ થતી જોઈ. પણ બ્રાન્ડ અર્ણવનો પહેલો અને બીજો તબક્કો, હમણે લગીના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ કદાચ સામસામે મૂકીને જોવાપણું છે. અથવા તો, બને કે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ જેટલા સામસામે જણાય છે એટલા જ સાથે સાથે વસ્તુત: છે કે કેમ એ તપાસવાપણું પણ લાગે.

2006 પછીનાં પાંચ સાત વરસ જોનારને મજા પડી ગઈ હતી, અને ચેનલને તડાકો પડી ગયો હતો. યુ.પી.એ. શાસનના ભ્રષ્ટાચારોની પરત પર પરત ખુલતી આવતી હતી - આવી વાતોમાં અલબત્ત વાસ્તવિકતા કરતાં ‘પરસેપ્શન’ વધુ મહત્ત્વનું બની રહેતું હોય છે. એક વાર ચૂંટી મોકલ્યા પછી પાંચ પાંચ વરસ સુધી જે પકડ્યા પકડાતા નથી એમને નાને પડદે તો નાને પડદે, વર્ચ્યુઅલ તો વર્ચ્યુઅલ, જે ધોકાધીબ ઠમઠોરવાનો મોકો મળે એનું સુખ કંઈ ઓછું નથી હોતું. એ દિવસોમાં ‘નેશન વોન્ટ્સ ટુ નો’ એ તારસ્વર જાણે કે હર કોઈની હૃદયવીણાને ઝંકૃત કરતો પણ અનુભવાતો હશે. એક ઍન્ટિ-એસ્ટાબ્લિશમેન અવાજ તરીકે અર્ણવનો ચોક્કસ દબદબો પણ ત્યારે બન્યો.

પણ આ પ્રક્રિયામાં જે ન સમજાયું તે એ હતું કે લોક વતી ‘નેશન વોન્ટ્સ’નો નારો બુલંદ કરતે કરતે આ પ્રતિભાને પોતે જ નેશન હોવાનો વહેમ આભડી ગયો. આવી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાનો એમને ખુદને વહેમ સરખોયે ન પડ્યો હોય એવું પણ બની શકે. અથવા તો, આ શૈલી દર્શકપ્રેક્ષકવિસ્તરણમાં ખાસી પરિણામદાયી અનુભવાયાથી એ રસ્તે લોકપ્રિયયતાથી માંડી ધંધાદારી સફળતાનો ચસકો પણ વળગી તો શકે.

કદાચ, આ મુદ્દાને આટલો ખેંચવાનું થોડાં વરસ પર ન પણ સૂઝયું હોત. પણ યુ.પી.એ.થી એન.ડી.એ.માં જે શાસન સંક્રાન્તિ થઈ તે પછી ‘નેશન’ અને ઍન્ટિ-એસ્ટાબ્લિશમેન અભિગમ બેઉ એકાકાર થઈ ગયાં. 1992 વખતે તો વીર અર્ણવ હજુ નોકરી ધંધે વળગ્યા નહોતા, પણ 1995 થી પૂરા એક દસકા દરમ્યાન ટેલિગ્રાફ - એન.ડી.ટી.વી. દિવસોમાં એમને બીજાં વાનાં સહિત કથિત રાષ્ટ્રવાદની રાજનીતિ પણ સમજાતી હશે. રાષ્ટ્રવાદ ત્યારે ચોક્કસ વિપક્ષનો ઇજારો હતો, અને કોમવાદની પૂરા કદની એ રાજકીય વિચારધારાનાં ટીકાત્મક પાસાં ન તો અર્ણવથી ઓઝલ હતાં, ન તો એમનાં અણગાયાં - અણઝિલાયાં પણ હતાં. એ રીતે સપન દાસગુપ્તા અને ચંદન મિત્રા જેવા કરતાં એ ભલે અંશત: પણ જુદા પડતાયે હોઈ શકતા હતા. અહીં કોઇ ઝીણી તપાસ કરવાનો ખયાલ નથી, પણ જે એક જાડું અવલોકન ઊપસી રહે છે તે આ છે.

તાજેતરનાં વરસોમાં અર્ણવ ગોસ્વામીએ આતંકવાદનો મુદ્દો જે રીતે ઊંચક્યો એ આ સંદર્ભમાં જોવા તપાસવા જેવો છે. એમણે તારસ્વરે, નૈષ્ઠિક દેશભક્તિપૂર્વક, પાકિસ્તાનમાંથી કાર્યરત આતંકવાદીઓનો મુદ્દો એવો તો ઊંચક્યો કે સરકારે હજુ ત્રણેક અઠવાડિયાં પર જ એમને ‘વાય’ સિક્યૉરિટી આપવાનો નિર્ણય કર્યો છે. એમની હરેક હલચલને, સલામત અંતરેથી, વીસ-વીસ રક્ષકોનાં રખોપાં હવે સુલભ છે. પણ ‘વાય’ સુરક્ષા પ્રાપ્ત અર્ણવ કેટલીક બાબતોમાં મીડિયાકર્મી કને અપેક્ષિત ‘વાય?’ (‘કેમ?’ ) એ ઇન્દ્રિય જાણે કે ગુમાવી બેઠાં છે.

કથિત ગુજરાત મોડલમાં જે બધા વીર વેશો નભી ગયા, એ રાષ્ટ્રીય સ્તરે પણ હવે બસંત બહાર તબક્કામાં છે ... જરીક જુદો અવાજ, અને તમે રાષ્ટ્રવિરોધી! અર્ણવ ગોસ્વામીના ‘નેશન વોન્ટ્સ ટુ નો’ એ ચીસોટા હવે રાષ્ટ્રભકિતનો અવાજ નહીં પણ અવેજ હોય એમ બહાર આવી રહ્યા છે. પાકિસ્તાની કલાકારોને નામે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ જે ખંડણીખોર ટપોરી ખેલ પાડ્યો એના સમર્થનમાં ‘ટાઇમ્સ નાઉ’ના ચીસોટા તે હમણાં તરતનો દાખલો છે. મધ્યપ્રદેશના તાજા એન્કાઉન્ટર પ્રકરણમાં કેટલાક પાયાના પ્રશ્નો ઉઠાવી શકાય એમ છે. પણ ‘દેશભકિત’ તેમ કરવાની રજા નથી આપતી. હવે કોઈ આરોપી નથી. વગર કામ ચલાવ્યે, વગર ન્યાય તોળ્યે તે પરબારા આતંકવાદી છે.

હમણાં ‘ઘાંટે ઘોંઘાટે’ એમ આપણા પટનાયકની તારીફ કરી. એમાં જે વાનું અભિપ્રેત છે તે ચોખ્ખું કરી દેવું જોઇએ. આ ઢબની ચર્ચા વસ્તુત: ચર્ચા જ નથી રહેતી. મુદ્દાની ઊંડી તપાસ, વિશદ વિગતકારી, નુઆન્સ કહેતાં અર્થ અને ભાવની સૂક્ષ્મ છટાઓ અને નજાકત, કશાને એમાં અવકાશ નથી રહેતો. થોરોના શબ્દોમાં ‘વિચારોની પાવન રણભૂમિ સમું’ ચિત્ત એની વચ્ચે તર અને તમનો વિવેક ગુમાવી બેસે છે ... એકંદરે ‘ફોકસ’ (સ્પષ્ટતાબિન્દુ) તહસનહસ અને ‘રૉકસ’ (કર્કશ કકળાટ) રંગે મોં!

એક રીતે, અર્ણવે ઇલેકટ્રોનિક મીડિયામાં એવી કામગીરી બજાવી છે જેવી અડવાણીએ રાજકારણમાં. બંને કહી શકે કે અમે જે આખો વિમર્શ લેફટ-લિબરલ-સેક્યુલર ધારામાં નેહરુના વારાથી ચાલતો હતો તે પલટાવી નાખ્યો છે. આ દાવો પોતાને ઠેકાણે તપાસલાયક છતાં ઠીક હોઈ શકે છે, પણ એ પલટાવીને તમે આપ્યું શું? ગાંધીનેહરુપટેલ એકંદરમતી ત્રણેને વારાફરતી સામસામા મૂકીને તોડ્યા પછી આજે જે વ્યામોહ વિમર્શને નામે સામે આવ્યો છે એમાં પૂછવા લાયક પ્રત્યેક પ્રશ્ન નેશન, નેશન એ દેકારા તળે દબાઈ જાય છે. ગાંધીનેહરુપટેલ એકંદરમતી વિમર્શને નવા સંદર્ભમાં ચોક્કસ તપાસ જરૂરત હોઈ શકે છે, એને અંગે સંસ્કારક (કરેક્ટિવ) વિચારચર્ચા પણ જરૂરી હોઈ શકે છે- જેમણે એકલા નેહરુને આગળ કર્યા એમની સામે એકલા પટેલનો પેચ ચાહો તો લડાવી શકો છો. પણ આંબેડકરસાહ્યા બંધારણમાં અભિપ્રેત એકંદરમતી વિમર્શનો અવેજ તો એ નથી.    

અર્ણવ કહે છે કે હું પશ્ચિમી મીડિયાની ઇજારાશાહી દાદાગીરી તોડવા માગું છું. મારું મીડિયાકર્મ અભિપ્રાય અને મત ઘડવાનું છે ... હું કોઈ પી.આર. પત્રકારિતાનો જીવ નથી. એમનું કહેવું આંખમાથા ઉપર. પણ વીરા મોરા, વૈકલ્પિક વિમર્શબોધ વગર, ચીસોટા લટકા કરે ચીસોટા સામે, એ તો કંઈ મત અને અભિપ્રાયની માવજતનો માર્ગ નથી. ‘ટાઇમ્સ નાઉ’ પછી ઉદ્યોગ સાહસી રાજકારણી રાજીવ ચંદ્રશેખર સાથે કે મીડિયામાર્તંડ રુપર્ટ મરડોક સાથે અગર તો ફોક્સ ન્યુઝ સાથે કે અન્યથા તમે નવપ્રસ્થાન વિચારતા હો ત્યારે તમને શું કહેવું, શિવાસ્તે પન્થાન: કે ઘોંઘાટાસ્તે કર્ણકંઠાન:?

નક્કી નથી કરી શકતો એમ કહું તો ક્ષમા કરશો.

———

સૌજન્ય : ‘મહત્ત્વનો ફરક’, “દિવ્ય ભાસ્કર”, 05 નવેમ્બર 2016

Category :- Opinion / Opinion

નવી આર્થિક નીતિ - 1, 2 & 3

રમેશ બી. શાહ
03-11-2016

— 1 —

૧૯૯૧ના જુલાઈમાં લઘુમતીમાં રહેલી નરસિંહરાવની સરકારના નાણાપ્રધાન તરીકે મનમોહનસિંહે દેશની આર્થિક નીતિમાં જે પરિવર્તનો કર્યાં, તે નવી આર્થિક નીતિ કે ઉદારીકરણની નીતિ તરીકે ઓળખાય છે. આ નીતિના અમલથી ભારતના અર્થતંત્રમાં મોટો વળાંક આવ્યો છે. દેશમાં તથાકથિત સમાજવાદી આર્થિક નીતિઓનો અંત આણીને બજારવાદી આર્થિક નીતિઓનો અમલ કરવાનો યશ (કે અપયશ) નરસિંહરાવ અને મનમોહનસિંહને આપવામાં આવે છે. પણ હકીકત એ છે કે જેને નવી આર્થિક નીતિ કે ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે, એનો પ્રારંભ ૧૯૮૫માં થયેલો. એ સુધારાઓ નીતિવિષયક મોટી જાહેરાત કર્યા વિના કરવામાં આવ્યા હતા, પણ એ સુધારા મહત્ત્વના અને દૂરગામી હતા. તેથી ભારતના ત્રણ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓએ ૧૯૮૫, ૧૯૮૬ અને ૧૯૮૭માં આપેલાં સ્મૃિત-વ્યાખ્યાનોમાં એ સુધારાઓને નવી આર્થિક નીતિ ગણીને તેની તેમણે સમીક્ષા કરી હતી. આમ, ૧૯૯૧માં અપનાવવામાં આવેલી નીતિનો પ્રારંભ ૧૯૮૫માં થયો હતો; ૧૯૯૧માં સર્જાયેલી નાણાકીય કટોકટીને કારણે તે સુધારા એકાએક આવી પડેલા ન હતા. અલબત્ત, જે ત્વરાથી અને મોટા પાયા પર એ સુધારા કરવામાં આવ્યા હતા, તેમાં નરસિંહરાવની રાજકીય સંકલ્પશક્તિ અને કુનેહ કામ કરી ગઈ હતી.

જે ત્રણ અર્થશાસ્ત્રીઓનાં સ્મૃિત વ્યાખ્યાનોનો ઉપર ઉલ્લેખ કર્યો છે, તેની વિગતો આ પ્રમાણે છે : ૧૯૮૫માં કે.એન. રાજે વી.ટી. કૃષ્ણામાચારી સ્મૃિત-વ્યાખ્યાન આપેલું. ૧૯૮૬માં આઈ.જી.પટેલે ઇંગ્લૅન્ડમાં કિંગ્ઝલી માર્ટિન મેમોરિયલ લેક્ચર આપેલું અને ૧૯૮૭માં ડી.ટી. લાકડાવાળાએ અજિત ભગત સ્મૃિત-વ્યાખ્યાન આપેલું. આ લેખમાં આ ત્રણ અર્થશાસ્ત્રીઓને થોડા વિસ્તારથી ટાંકીને એમને જ બોલવા દીધા છે, જેથી નવી આર્થિક નીતિનો ઉદ્ભવ અને તેની ભૂમિકા સ્પષ્ટ થઈ જાય. નવી આર્થિક નીતિની સમીક્ષા પછીના લેખમાં કરવામાં આવશે.

પ્રથમ ૧૯૮૫માં અપાયેલા કે.એન. રાજના વ્યાખ્યાનમાંથી કેટલાંક અવતરણો ટાંકીએ :

પરંતુ આ નીતિવિષયક ફેરફારોની બાબતમાં એક મુદ્દા પર લગભગ સર્વસંમતિ પ્રવર્તે છે. આ ફેરફારો દ્વારા ખાનગી ક્ષેત્રને વિસ્તારવાનો વિસ્તૃત અવકાશ આપવામાં આવ્યો છે, ખાસ કરીને આધુનિક મોટા પાયાના ઉદ્યોગોના ક્ષેત્રે કૉર્પોરેટ વિભાગને વિસ્તારવા માટે સગવડ કરી આપવામાં આવી છે અને આ પ્રક્રિયામાં બહુરાષ્ટ્રીય કૉર્પોરેશનો માટે તકો ખૂલી ગઈ છે.”

“ઔદ્યોગિક પરવાના પદ્ધતિ છેલ્લા ત્રણ દસકા દરમિયાન ઘણી વિસ્તરી છે. આ પ્રક્રિયામાં તેના પર ‘ચરબી’નાં ઘણાં ચોસલાં ચડ્યાં છે અને તેમાં ઘણો કચરો ભેગો થયો છે. આરંભમાં જે કાર્યો માટે એની રચના કરવામાં આવી હતી, તેમાંનાં મોટા ભાગનાં કાર્યો, હવે તે અસરકારક રીતે કરી શકતી નથી. રાજકીય અને વહીવટી ભ્રષ્ટાચારનો તે એક મોટો સ્રોત બની છે ... મને એમ લાગે છે કે આ ઢોંગ ચાલુ રાખીને અપ્રામાણિકતા અને દંભને પોષવાને બદલે તેને નાબૂદ કરવાનું વધારે ડહાપણભર્યું છે. (આ ઢોંગથી હવે કેટલાક નિરુપદ્રવી ઉદ્દામવાદીઓ સિવાય કોઈ છેતરાતું નથી અને તેનાથી બિનજરૂરી વિલંબ થાય છે તથા ચોતરફ બિનકાર્યક્ષમતા સર્જાય છે.)”

“અલબત્ત, આ બધાં પગલાં અર્થતંત્રને વધુ સ્પષ્ટ રીતે મૂડીવાદી બનાવનારાં છે, પરંતુ અર્થતંત્રને પ્રામાણિકપણે અને સર્જનાત્મક રીતે સાચા અર્થમાં સમાજવાદની દિશામાં લઈ જનારાં રાજકીય પરિબળોની ગેરહાજરીમાં મૂડીવાદી પ્રથાને નિખાલસ રીતે પસંદ કરવી રહી.”

કે.એન. રાજ સમાજવાદી વિચારધારાનો પુરસ્કાર કરનારા અર્થશાસ્ત્રી હતા. તેમણે ‘સમાજવાદી આર્થિક નીતિ’ની કરવામાં આવતી કેટલીક ટીકાઓનું તેમના વ્યાખ્યાનમાં ખંડન પણ કર્યું હતું, પણ ઉદ્યોગો પરના વિવિધ અંકુશો તેમને તત્કાળ દૂર કરવા જેવા લાગ્યા હતા. સાચા સમાજવાદનો વિકલ્પ દેશમાં ઉપલબ્ધ ન હોઈ મૂડીવાદી પ્રથા તેમને પણ સ્વીકારી લેવા જેવી લાગી હતી, એ હકીકત નોંધપાત્ર છે.

૧૯૮૬માં કૅમ્બ્રિજ ખાતે આપેલા વ્યાખ્યાનમાં આઈ.જી. પટેલે ભારતમાં આવેલા આર્થિક નીતિના પરિવર્તનને જુદા દૃષ્ટિબિંદુથી જોયું હતું. તેમણે વડાપ્રધાનપદે આવેલા રાજીવ ગાંધીના યુવાન નેતૃત્વમાં એ પરિવર્તનનું મૂળ જોયું હતું.

“અમારા યુવાન વડાપ્રધાને પરિવર્તન માટેનું વચન આપીને ભારતીય સમાજના મોટા ભાગના વર્ગોમાં આશાનો સંચાર કર્યો છે.”

“રાજીવ ગાંધી જ્યારે સત્તાસ્થાને આવ્યા, ત્યારે ભારત પરિવર્તન માટે આતુર હતું. ગરીબી પર વધુ મોટો પ્રભાવ પાડી શકે એવો વધુ ઝડપી આર્થિક વિકાસ કરતાંય લોકો સ્વચ્છ અને ઓછી મનસ્વી (arbitrary) સરકાર માટે વધુ આતુર હતા. આવી બાબતોમાં આત્મલક્ષી ન થવાનું મુશ્કેલ છે, પરંતુ વાજબી રીતે એમ કહી શકાય કે સરકારની ઓછી દરમિયાનગીરીવાળી આર્થિક નીતિઓને ભારતમાં ક્રમશઃ જે વધતું જતું સમર્થન સાંપડી રહ્યું છે, તે ઓછી દરમિયાનગીરીવાળી આર્થિક નીતિથી દેશમાં આર્થિક વિકાસ વધુ ઝડપી બનશે કે વધુ સમાનતા આવશે, એવી સમજથી પ્રેરાઈને નથી, પરંતુ સત્તાનો મનસ્વી ઉપયોગ ભ્રષ્ટાચારનો સ્રોત છે, એવી સમજથી પ્રેરાઈનેે છે.”

“હવે હું જેને સાચી રીતે ભારતની ‘નવી આર્થિક નીતિ’ કહી શકાય તેના પર મારું ધ્યાન કેન્દ્રિત કરીશ. આર્થિક નીતિની ઉત્ક્રાંતિમાં હંમેશાં થોડું સાતત્ય જળવાતું હોય છે. ઔદ્યોગિક પરવાનાઓમાં છૂટછાટો કે આયાતો માટેની ઉદાર નીતિ જેવાં તાજેતરમાં ભરવામાં આવેલાં કેટલાંક પગલાંનો પ્રારંભ શ્રીમતી ગાંધીના શાસનનાં છેલ્લાં વર્ષોમાં થયો હતો. કેટલાંક પગલાં જનતા સરકારના શાસન દરમિયાન ભરાયેલાં પગલાં તરફ લઈ જનારાં છે. આ બધું હોવા છતાં છેલ્લાં ૧૮-૨૦ મહિના દરમિયાન ભરવામાં આવેલાં પગલાં નવી દિશામાં ભલે ન જતાં હોય, નવી તેજ ગતિ આપનારાં તો છે જ. આમાં જે નવીનતા છે તે એ કે એક સાથે અનેક ક્ષેત્રોમાં નવાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે કે પગલાં ભરવાની દરખાસ્તો કરવામાં આવી છે. આ પગલાં વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલી તપાસો દ્વારા પ્રાપ્ત થયેલી સ્પષ્ટ ભલામણોના આધારે ભરવામાં આવ્યાં છે.”

આઈ.જી. પટેલના ઉપર્યુક્ત અવલોકનમાંથી રાજીવ ગાંધીના શાસનમાં અમલમાં મૂકવામાં આવેલી નીતિની બાબતમાં બે નોંધપાત્ર મુદ્દાઓ ફલિત થાય છે. એક, અનેક ક્ષેત્રોમાં એક સાથે અને ઝડપથી સુધારા કરવામાં આવ્યા હતા. બીજું, એ સુધારા પાછળ કોઈક સમિતિની ભલામણો અથવા લાંબા સમયની વિચારણા પડેલી હતી. એ સુધારાઓ કેવળ વિશ્વબૅંક અને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના દબાણ નીચે કરવામાં આવ્યા નહોતા. આ મુદ્દાની ચર્ચા પટેલસાહેબે તેમના વ્યાખ્યાનમાં નીચેના શબ્દોમાં કરી હતી :

“નવી આર્થિક નીતિ પાછળની વિચારણા સરકારી કે આયોજનપંચની નથી, પંરતુ વિશ્વબૅંક અને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળની છે, એવી દલીલ ટીકાકારો કરે એ શક્ય છે. એ સાચું છે કે ઉક્ત બે સંસ્થાઓ ઠીક-ઠીક સમયથી આ પ્રકારના સુધારાઓ માટે ભલામણ કરતી આવી હતી. આ સંસ્થાઓમાં કામ કરી ચૂકેલા કેટલાક અર્થશાસ્ત્રીઓ આજે આયોજનપંચમાં, નાણાખાતામાં અને વડાપ્રધાનના પોતાના સચિવાલયમાં સલાહકાર તરીકે કાર્ય કરી રહ્યા છે, પરંતુ આ હકીકતોને વધારે પડતું મહત્ત્વ આપવામાં એક મહત્ત્વના મુદ્દા પ્રત્યે દુર્લક્ષ થાય છે. એ મુદ્દો એ છે કે તાજેતરનાં વર્ષોમાં ભારતમાં આર્થિક નીતિને ચોક્કસ દિશામાં અસરકારક રીતે વાળવા માટે લોકમત કેળવાયો છે ... ભારતમાં વધતી જતી બિનકાર્યક્ષમતાને રોકીને કાર્યક્ષમતા વધારવાની તેમ જ ગરીબીવિરોધી કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવાની જરૂર છે, એવું લોકોને ઠીક-ઠીક લાંબા સમયથી લાગવા માંડ્યું છે, એમ હું માનું છું.”

ડી.ટી. લાકડાવાળાએ તેમના વ્યાખ્યાનમાં આર્થિક નીતિના બદલાવ પાછળનાં આ જ કારણોને થોડા જુદા શબ્દોમાં રજૂ કર્યાં હતાં :

“અત્યાચાર સુધીમાં દેશમાં અનેક યોજનાઓ પૂરી થઈ હોવા છતાં આર્થિક વૃદ્ધિના દર અને લોકોના જીવનધોરણ ઉપર ધારી અસર પડી શકી ન હતી. તે અંગે ઊભા થયેલા અસંતોષના સંદર્ભમાં આ ફેરફારો કરવામાં આવ્યા છે, એમ કહી શકાય. બચત અને મૂડીરોકાણનો દર ઘણો ઊંચો રહેવા છતાં આર્થિક વૃદ્ધિનો દર ૩-૪ ટકાથી ઊંચો લઈ જઈ શકાયો ન હતો.”

“એક એવી લાગણી ઘણી વ્યાપક છે કે ભારતના અર્થતંત્રમાં મૂકવામાં આવેલાં નિયમનો ઘણા લાંબા સમય સુધી ચાલુ રહ્યાં છે અને તેમનો અતિરેક થઈ રહ્યો છે. જો અર્થતંત્રને મુક્ત બનાવવામાં આવે અને કેટલાંક ક્ષેત્રોમાં બજારનાં પરિબળોને સ્વતંત્ર રીતે કાર્ય કરવા દેવામાં આવે, તો પરિસ્થિતિ નોંધપાત્ર રીતે સુધરે એવી શક્યતા છે. ભૌતિક અંકુશોને બદલે નાણાકીય-રાજકોષીય પદ્ધતિની મદદથી અર્થતંત્રનું નિયમન કરવાનું પસંદ કરવું જોઈએ.”

૧૯૯૧માં નાણાકીય કટોકટીના દબાણ નીચે જે નવી આર્થિક નીતિનો અમલ કરવામાં આવ્યો હતો. તેની ભૂમિકા રૂપે લખાયેલા આ લેખનું સમાપન કરીએ. આ ભૂમિકામાંથી બે મુદ્દાઓ સ્પષ્ટ થાય છે : એક નવી આર્થિક નીતિનો, એટલે કે ઉદારીકરણની નીતિનો પ્રારંભ ૧૯૮૫માં થયો હતો. બીજું, દેશમાં ત્રણ દાયકાથી ચાલી આવતી સમાજવાદી નીતિઓની નિષ્ફળતા સ્પષ્ટ થઈ ચૂકી હતી, તેથી તેનો ત્યાગ કરવાનું જરૂરી થઈ ગયું હતું અને એ માટે વ્યાપક સંમતિ પણ પ્રવર્તતી હતી. આમ છતાં, આર્થિક નીતિને સ્પર્શતા પાયાના હિંમતભર્યા નિર્ણયો કરવા માટે ૧૯૯૧ની કટોકટીની અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના દબાણની જરૂર પડી હતી. આ હકીકત દેશની લોકશાહી શાસનપ્રથાના સૂત્રધારોની ગંભીર મર્યાદા દર્શાવે છે : તેઓ ‘પોલિટિકલ વિલ’ ધરાવતા નથી.

(“નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 03-04)

— 2 —

૧૯૯૧માં દેશને બજારવાદી ઉદારીકરણની નીતિ અપનાવવાની ફરજ પડી હતી, તેના મૂળમાં નાણાકીય કટોકટી રહેલી હતી. દેશ પાસે વિદેશી ચલણની અનામતો ફક્ત એક અબજ ડૉલરની હતી, જે ત્રણ અઠવાડિયાંની આયાતોના મૂલ્ય જેટલી હોય તેને ઇષ્ટ લેખવામાં આવે છે. આની સામે દેશનું વિદેશી દેવું છ અબજ ડૉલરનું હતું અને એન.આર.આઈ.ની થાપણો ૧૦ અબજ ડૉલરની હતી, જે ગમે ત્યારે ઉપાડવામાં આવે તેના માટે દેશે તૈયાર રહેવાનું હતું. આમ, વિદેશી દેવાની ચુકવણીની બાબતમાં દેશને નાદારી નોંધાવવી પડે એવી કપરી સ્થિતિ સર્જાઈ હતી. એના એક ભાગ રૂપે બૅંક ઑફ ઇંગ્લૅન્ડમાં ૪૦ કરોડ ડૉલરનું સોનું ગીરો મૂકીને લોન લેવી પડી હતી અને દાણચોરો પાસેથી પકડાયેલું ૨૦ કરોડ ડૉલરનું સોનું પણ વેચી નાખવું પડ્યું હતું, પણ આ પર્યાપ્ત નહોતું. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ પાસેથી ૧.૮ અબજ ડૉલરની લોન પણ લેવી પડી હતી. તેની એક શરમ રૂપે આર્થિક સુધારા કરવાના હતા.

દેશમાં સમાજવાદી નીતિઓના ઉપક્રમે રાજ્યના કાર્યક્ષેત્ર અને વહીવટી સત્તાનો જે વિસ્તાર થયો હતો, તેની આછી રૂપરેખા પ્રસ્તુત છે : અનેક ઉદ્યોગોના વિકાસની જવાબદારી રાજ્યે પોતાના માથે રાખીને ખાનગી સાહસને તેનાથી દૂર રાખ્યું હતું. પરિવહનના ક્ષેત્રે રેલવે, હવાઈ વાહનવ્યવહાર તથા ભૂમિમાર્ગ પર મુસાફરોની હેરફેર, બંદરો, વીજળીનું ઉત્પાદન અને વિસ્તરણ રાજ્યને હસ્તક રાખવામાં આવ્યાં હતાં. ટૂંકમાં, પાયાની સગવડો(ઇન્ફ્રાસ્ટ્રક્ચર)ના વિકાસની જવાબદારી રાજ્યે ઉપાડી હતી. બૅંકો અને વીમાકંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરીને તેને જાહેર ક્ષેત્રમાં લઈ જવામાં આવી હતી. કોલસાની ખાણોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

આયોજનના એક ભાગ રૂપે ખાનગી ક્ષેત્ર પર અનેકવિધ નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. નવી ઔદ્યોગિક કંપની શરૂ કરવા અને સ્થપાઈ ચૂકેલી કંપનીની ઉત્પાદનક્ષમતા વધારવા માટે રાજ્યની મંજૂરી મેળવવી પડે. એ જ રીતે સરકારની મંજૂરી વિના કંપની બંધ ન કરી શકાય. દેશના નાગરિકોને મળતું તમામ વિદેશી ચલણ રિઝર્વ બૅંકમાં જમા કરાવવું પડતું હતું. વિદેશી ચલણની તીવ્ર અછત રહેતી હોવાથી તેના ઉપયોગ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. આયાતો પર ખૂબ ઊંચા દરે જકાત નાખવામાં આવી હતી, તે સાથે અનેક ચીજોની આયાતોનો જથ્થો પણ નિયંત્રિત કરવામાં આવતો હતો. અનેક ચીજોના ભાવો બાંધવામાં આવ્યા હતા. ટૂંકમાં, રશિયા જેવા સામ્યવાદી દેશોની બહારના વિશ્વમાં ભારતનું  અર્થતંત્ર સહુથી વધુ નિયંત્રિત હતું.

આ નિયંત્રણો દ્વારા અર્થતંત્રમાં સ્પર્ધા નામશેષ કરવામાં આવી હતી. ખાસ કરીને મોટા ઉદ્યોગો, બૅંકો, વીમો, પરિવહન વગેરે ક્ષેત્રોને સ્પર્ધામુક્ત રાખવાની નીતિ હતી. આયાતો પરનાં કડક નિયંત્રણોથી દેશના ઉદ્યોગોને વિદેશી સ્પર્ધાથી પણ મુક્ત રાખવામાં આવ્યા હતા. બીજું, આ નિયંત્રણો દ્વારા દેશના અર્થતંત્રને વિશ્વના અન્ય દેશોનાં અર્થતંત્રોથી શક્ય તેટલું અલિપ્ત રાખવામાં આવ્યું હતું. આયાતો શક્ય તેટલી ઓછી કરીને દેશને બને તેટલો સ્વનિર્ભર બનાવવાની નીતિ અપનાવવામાં આવી હતી. નિકાસોને મુખ્યત્વે આયાતોની ચુકવણી માટેના સાધન તરીકે જોવામાં આવતી, તેથી નિકાસોની વૃદ્ધિ દ્વારા દેશમાં રોજગારી સર્જી શકાય. એ વિચાર સ્વીકારાયો નહોતો.

આ રાજ્યવાદી નીતિનાં પરિણામો ટૂંકમાં નોંધીએ : ૧૯૫૦થી ’૮૦ના ત્રણ દસકા દરમિયાન દેશમાં જી.ડી.પી.નો આર્થિક સરેરાશ વૃદ્ધિદર ૩.૫ ટકાનો હતો. એ સમયગાળામાં વસ્તીવૃદ્ધિનો દર બે ટકાથી અધિક હતો, તેથી માથા દીઠ આવકવૃદ્ધિનો દર દોઢ ટકા જેટલો ઓછો હતો. આ દરે માથા દીઠ આવક બમણી થતાં લગભગ અડધી સદી લાગે. આવકના આટલા નીચા વૃદ્ધિદરની ગરીબી પર નહિવત્ અસર પડે એ સમજી શકાય તેવું છે. દેશમાં વિવિધ પદ્ધતિ અપનાવીને ગરીબીનું માપ કાઢવામાં આવતું હોવાથી કોઈ એક વર્ષ માટે ગરીબીના જુદા-જુદા અંદાજ મળે છે. દા.ત. તેંડુલકરની પદ્ધતિ પ્રમાણે ૧૯૯૩-૯૪માં દેશમાં ગરીબોનું પ્રમાણ ૪૫.૩ ટકા હતું, પણ લાકડાવાળા-પદ્ધતિ પ્રમાણે ૩૬.૦ ટકા હતું.

રાજ્યવાદી નીતિનાં બીજાં કેટલાક પરિણામો પણ નોંધવા જેવાં છે. દેશમાં દ્વિચક્રી વાહનો અને ટેલિફોન જેવી વપરાશની ટકાઉ વસ્તુઓની તીવ્ર તંગી વર્તાતી હતી. એ ચીજો મેળવવા માટે ચારથી છ વર્ષ રાહ જોવી પડતી હતી. એ જ રીતે સિમેન્ટ અને લોખંડ જેવી ચીજો માટે પણ મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી. વિદેશી ચલણની તંગી કેટલી તીવ્ર રહેતી તે એક ઉદાહરણથી સમજાશે. વિદેશપ્રવાસની જેમને મંજૂરી આપવામાં આવી હોય, તેમને ૧૯૬૬માં પ્રવાસ વખતે ફક્ત આઠ ડૉલર સાથે રાખવા દેવામાં આવતા. દેશમાં સમાજવાદી નીતિઓ બદલવા માટે લોકમત કેળવાયાનો જે ઉલ્લેખ લેખાંક-૧માં કરવામાં આવ્યો છે, તેના મૂળમાં લોકોના આ અનુભવો હતા.

નવી બજારવાદી આર્થિક નીતિ રાજ્યવાદી નીતિના સામેના છેડાની છે. થોડા અપવાદો બાદ કરતાં બધા ઉદ્યોગો ખાનગી સાહસ માટે ખુલ્લા મૂકવામાં આવ્યાં છે. વીજળી, જમીનમાર્ગો, બંદરો જેવી પાયાની સગવડો તથા બૅંકો અને વીમાનાં ક્ષેત્રો પણ ખાનગી સાહસ માટે ખોલી નાખવામાં આવ્યાં છે. ઉદ્યોગો માટેની પરવાનાપદ્ધતિ નાબૂદ કરવામાં આવી છે. ખાનગી વિદેશી મૂડી પરનાં નિયંત્રણો મહદંશે દૂર કરીને તેને આવકારવામાં આવી રહી છે. દેશમાં મોટા પ્રમાણમાં વિદેશી મૂડી આવે તેને સરકાર પોતાની એક સિદ્ધિ તરીકે રજૂ કરે છે. આયાતો પરની જકાતોમાં ધરખમ ઘટાડો કરીને તેને પૂર્વ એશિયામાં દેશોની સમકક્ષ બનાવવામાં આવી છે. આયાતક્વૉટાની પ્રથા અને ભાવનિયંત્રણની પ્રથા નાબૂદ કરવામાં આવી છે. હુંડિયામણના દરને પણ બજારનાં પરિબળો પર છોડવામાં આવ્યો છે. અલબત્ત, બજારવાદી અર્થશાસ્ત્રીઓની માગ પ્રમાણે મજૂરકાયદા સુધારીને (એટલે મોટે ભાગે નાબૂદ કરીને) શ્રમબજારને સ્પર્ધામય બનાવવામાં આવ્યું નથી. સાદી ભાષામાં કહીએ તો માલિકો ઇચ્છે ત્યારે કામદાર-કર્મચારીને છૂટા કરી શકે એ એમનો અધિકાર હજી સ્વીકારાયો નથી. એ જ રીતે જમીનનાં ખરીદવેચાણ પરનાં નિયંત્રણો દૂર કરીને જમીન માટેના બજારને પણ મુક્ત કરવામાં આવ્યું નથી.

આ નવી નીતિના પાયામાં મુક્ત સ્પર્ધા અને વૈશ્વિકીકરણનો વિચાર રહેલો છે. મુક્ત આયાતો અને નિકાસો દ્વારા તથા વિદેશી મૂડીરોકાણો દ્વારા વિશ્વમાં અર્થતંત્રનો લાભ લેવા માટે દેશના અર્થતંત્રને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મુક્ત આયાતો દ્વારા દેશના ઉત્પાદકોને વિદેશી ઉત્પાદકોની સામે સ્પર્ધામાં ઉતારવામાં આવ્યા છે. આ માર્ગે અર્થતંત્રની કાર્યક્ષમતા વધારીને જીડીપીના વૃદ્ધિદરને ઊંચે લઈ જવાનો છે.

બજારવાદી વિચારધારામાં આર્થિક નીતિનું એક માત્ર નહીં તો ય પ્રમુખ લક્ષ્ય જી.ડી.પી.નો વૃદ્ધિદર છે. આ વિચારધારા પ્રમાણે જી.ડી.પી.નો ઊંચો વૃદ્ધિદર, આર્થિક નીતિના અન્ય ઉદ્દેશો પાર પાડવા માટેની પૂર્વશરત છે. એનાથી ગરીબીમાં ઝડપથી ઘટાડો થાય છે અને રોજગારીમાં વધારો થાય છે. એ મુદ્દાનું સમર્થન પૂર્વ એશિયામાં દેશોનો અનુભવ ટાંકીને કરવામાં આવે છે. જી.ડી.પી.માં ઝડપીવૃદ્ધિને કારણે સરકારની કરની આવકમાં વધારો થતો હોવાથી શિક્ષણ તથા આરોગ્ય જેવી સામાજિક સેવાઓ તથા ગરીબો માટેના કલ્યાણલક્ષી કાર્યક્રમો પાછળ ખર્ચ કરવાની સરકારની વિત્તીય ગુંજાશમાં વધારો થતાં એ બધાં ક્ષેત્રોનો પણ ઝડપી વિકાસ થાય છે, તેથી નીતિઆયોગના બજારવાદી ઉપાધ્યક્ષ પાનગરિયા ચાલુ નાણાકીય વર્ષમાં આઠ ટકાનો વૃદ્ધિદર હાંસલ થશે એ જ વાત વારંવાર કહે છે. વિખેરી નાખવામાં આવેલા આયોજનપંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ અહ્લુવાલિયા પણ ભારતે આઠ ટકાનો વૃદ્ધિદર હાંસલ કરવો જ જોઈએ, એવો મત રજૂ કરી ચૂક્યા છે. આમ, હવે જી.ડી.પી.નો આઠ ટકાનો વૃદ્ધિદર એક ચમત્કારી દરના દરજ્જે પહોંચ્યો છે, એ દર હાંસલ થતાં દેશમાં નાટ્યાત્મક અને ગુણાત્મક પરિવર્તનો શરૂ થશે, એવો આશાવાદ એમાં અભિપ્રેત છે.

જી.ડી.પી.ના વૃદ્ધિદરની કસોટી પ્રમાણે તપાસતાં બજારવાદી નીતિ સફળ નીવડી છે. આર્થિક સુધારા પછી ઉત્તરોત્તર જી.ડી.પી.નો વૃદ્ધિદર દેશમાં વધતો રહ્યો છે. સુધારાના પ્રથમ દસકામાં વૃદ્ધિદર ૫.૮ ટકા હતો. (જે ૧૯૮૦-’૯૦ના સુધારાના આરંભમાં દસકામાં ૫.૬ ટકા હતો.) ૨૦૦૦થી ’૦૭નાં વર્ષોમાં તે વધીને ૭.૬ ટકા થયો અને ૨૦૦૭થી ’૧૨માં તે ૭.૯ ટકા થયો. આજે દુનિયાના ૪૨ મોટા દેશોમાં ભારતનું અર્થતંત્ર સહુથી ઊંચા દરે (૭.૬ ટકાના) વૃદ્ધિ પામી રહ્યું છે. આમ, ભારતના અર્થતંત્રે આઠ ટકાનો લક્ષિત વૃદ્ધિદર લગભગ હાંસલ કરી દીધો છે.

નવી આર્થિક નીતિની સિદ્ધિ તરીકે નોંધવામાં આવતી કેટલીક આનુષંગિક બાબતોની પણ આ સાથે નોંધ લેવી જોઈએ. વિદેશી હૂંડિયામણના ઉપયોગ પરનાં મોટા ભાગનાં નિયંત્રણો રદ કરવામાં આવ્યાં હોવા છતાં દેશ પાસે આજે ૩૪૦ અબજ ડૉલર જેટલી અનામતો છે, જે ૧૯૯૧ના આરંભમાં મહિનાઓમાં એક અબજ ડૉલરની હતી. દેશની નિકાસો ૧૯૯૦માં ૨૨.૬ અબજ ડૉલર હતી, ૨૦૧૪માં તે ૫૨૨ અબજ ડૉલરની હતી. દેશની આયાતો અને નિકાસોનું મૂલ્ય ૧૯૯૦માં જી.ડી.પી.ના ૧૨ ટકાથી ઓછું હતું. ૨૦૧૫માં તો ૪૮ ટકાથી વધારે હતું. આમ, દેશનું અર્થતંત્ર ઘણા મોટા પ્રમાણમાં દુનિયાના અર્થતંત્ર સાથે સંકળાયું છે. અને સ્પર્ધામય બન્યું છે. દ્વિચક્રી વાહનો, ટેલિફોન વગેરે વપરાશની ટકાઉ વસ્તુઓની તંગી ગઈ કાલની બાબત બની છે. આજે આ બધી ચીજોનાં નિત્ય બદલાતાં મૉડલોથી બજાર ઊભરાય છે. પણ આઠ ટકાનો વૃદ્ધિદર સાધન છે; સાધ્ય તો ગરીબીની નાબૂદી, સારી રોજગારીની તકોનું સર્જન તથા દેશમાં શિક્ષણ, આરોગ્યસેવાઓ, કાયદો અને વ્યવસ્થા વગેરેની ગુણવત્તામાં સુધારો છે. આ સાધ્યોના સંદર્ભમાં નવી આર્થિક નીતિનું મૂલ્યાંકન હવે પછી કરીશું.

(“નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 12-13)

— 3 —

નવી આર્થિક નીતિના અમલ પછી દેશમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર બમણાથી અધિક થયો છે, એ તેની સિદ્ધિની નોંધ આપણે આગળના લેખમાં લીધી છે. જી.ડી.પી.નો વૃદ્ધિદર વધવાથી આર્થિક નીતિના પાયાના ઉદ્દેશો કેટલે અંશે સિદ્ધ થયા એ આ લેખની ચર્ચાનો મુદ્દો છે.

પાયાનો પ્રશ્ન ગરીબીનો છે. જી.ડી.પી.નો વૃદ્ધિદર બમણો થવાથી ગરીબી કેટલી ઘટી? પણ આર્થિક સુધારાનાં ૨૫ વર્ષ દરમિયાન દેશમાં ગરીબી કેટલી ઘટી એ પ્રશ્નનો નિર્વિવાદ ઉત્તર આપી શકાય તેમ નથી. જુદી-જુદી પદ્ધતિ અપનાવીને દેશમાં અનેક અભ્યાસીઓએ ગરીબી અંગેના વિભિન્ન અંદાજો આપ્યા હોવાથી ગરીબીના ઘટાડા અંગેની ચર્ચા વિવાદાસ્પદ બની રહે છે. આમ છતાં, ઊંચા વૃદ્ધિદરને પરિણામે દેશમાં ગરીબીમાં, ૧૯૫૦થી ’૮૦ના ત્રણ દસકાની તુલનામાં ગણનાપાત્ર ઘટાડો થયો છે, એ મુદ્દો પ્રમાણમાં નિર્વિવાદ છે. જો કે દેશમાં આજે પ્રવર્તતી ગરીબી અંગેના અંદાજોમાં મોટો તફાવત માલૂમ પડે છે. એક અંદાજ પ્રમાણે દેશમાં ગરીબોની સંખ્યા ૨૭ કરોડ છે અને બીજા અંદાજ પ્રમાણે એ સંખ્યા ૨૦ કરોડની છે. આર્થિક સુધારાના હિમાયતીઓમાં દાવા પ્રમાણે સુધારાના છેલ્લા દસકા દરમિયાન દેશમાં ગરીબોની સંખ્યામાં ૧૫ કરોડથી અધિકનો ઘટાડો થયો છે.

નવી આર્થિક નીતિના અમલ પછી કૅલરીના આધાર પર માપતાં ગરીબી વધી છે, એવું પ્રતિપાદન પ્રભાત પટનાયકે કર્યું છે, તેની નોંધ આના સંદર્ભમાં લેવી જોઈએ. તેમની દલીલ પ્રમાણે દેશમાં અનાજની માથા દીઠ વાર્ષિક પ્રાપ્યતા ૧૯૯૧-૯૨માં ૧૭૭ કિ.ગ્રા. હતી, તે ઘટીને ૨૦૧૧-૧૨માં ૧૬૩ કિ.ગ્રા. થઈ હતી. આના પરિણામરૂપ કહી શકાય એવા કૅલરીના આંકડા નોંધીએ. ગ્રામ વિસ્તારોમાં ૨૨૦૦થી ઓછી કૅલરી મેળવતા લોકોનું પ્રમાણ ૧૯૯૩-૯૪માં ૫૮.૫ ટકા હતું, તે વધીને ૨૦૧૧-૧૨માં ૬૮ ટકા થયું હતું. નગરવિસ્તારમાં ૨૧૦૦થી ઓછી કૅલરી મેળવતા લોકોનું પ્રમાણ એ જ વર્ષોમાં ૫૭ ટકાથી વધીને ૬૫ ટકા થયું હતું. આમ, કૅલરીના આધાર પર ચાલીએ તો દેશમાં ગરીબી ઘટી છે એમ કહી શકાય તેમ નથી, પરંતુ આ એક વિવાદાસ્પદ દલીલ છે. દેશમાં માથા દીઠ અનાજની વપરાશમાં ઘટાડો થયો છે તે સાચું છે, પરંતુ તેની સામે શાકભાજી, દૂધ, માંસ વગેરે આહારની અન્ય ચીજોની વપરાશમાં વધારો થયો છે. આ ચીજો વધારે મૂલ્યવાન છે, તેથી અનાજની વપરાશ ઘટવા છતાં ગરીબી વધી છે, એમ કહી શકાય તેમ નથી.

દેશની બીજી પાયાની સમસ્યા રોજગારીની છે. દેશમાં દર વર્ષે એક કરોડથી વધુ રોજગારીની તકો સર્જવાની છે. આ રોજગારી સારી હોવી જોઈએ, મતલબ કે એમાં વેતન પ્રમાણમાં સારું મળતું હોવું જોઈએ અને રોજગારીમાં સ્થિરતા હોવી જોઈએ, તે છૂટક મજૂરીના સ્વરૂપની ન હોવી જોઈએ. દેશમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર વધ્યો, તેના પ્રમાણમાં રોજગારીની તકોમાં વધારો થયો નથી. દર વર્ષે એક કરોડથી અધિક રોજગારી સર્જવાની આપણી જરૂરિયાતની સામે ૫૦-૬૦ લાખથી વધુ રોજગારી સર્જાતી નથી, તેથી આ વૃદ્ધિને ‘રોજગારીવિહીન વૃદ્ધિ’ (‘જૉબલેસ ગ્રોથ’) તરીકે વર્ણવવામાં આવે છે. આપણા દેશમાં જી.ડી.પી.નો ઊંચો વૃદ્ધિદર રોજગારીની પર્યાપ્ત તકો સર્જી શક્યો નથી, તેનું એક મુખ્ય કારણ ઉદ્યોગોનો થવો જોઈતો વિકાસ થઈ શક્યો નથી તે હકીકતમાં રહેલું છે. અહીંથી હવે નવી આર્થિક નીતિની મર્યાદાઓની ચર્ચા શરૂ થાય છે.

પૂર્વ એશિયાના દેશોએ બજારાભિમુખ નીતિ અપનાવીને રોજગારીની જે તકો સર્જી હતી, તે ઉદ્યોગો(મૅન્યુફૅક્ચરિંગ)ના વિકાસ દ્વારા સર્જી હતી. ભારતમાં બજારાભિમુખ નવી આર્થિક નીતિ ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધવામાં સફળ નીવડી નથી, તેથી ઊંચા વૃદ્ધિદર છતાં આપણે મોટા પ્રમાણમાં રોજગારી સર્જી શક્યા નથી. ભારતમાં સાપેક્ષ રીતે ઉદ્યોગોનો વિકાસ કેટલો ઓછો થયો છે, તેનો ખ્યાલ મેળવવા માટે ચીનની સાથે તુલના કરીએ. ભારતની જી..ડીપી.માં મૅન્યુફૅક્ચરિંગનો હિસ્સો ૧૯૯૦થી ૨૦૧૦ વચ્ચે ૧૪થી ૧૭ ટકા જેટલો હતો, એની તુલનામાં ચીનમાં જી.ડી.પી.માં મૅન્યુફૅક્ચરિંગનો હિસ્સો ૩૦-૩૩ ટકા રહ્યો છે. ભારતની નિકાસોમાં મેન્યુફૅક્ચરિંગનો હિસ્સો ૧૯૯૦માં ૭૦ ટકા હતો, ૨૦૧૦માં તે ઘટીને ૬૩ ટકા થયો હતો. એની તુલનામાં ચીનની નિકાસોમાં મૅન્યુફૅક્ચરિંગનો હિસ્સો ૭૧ ટકાથી વધીને ૯૪ ટકા થયો. આ આંકડાઓમાંથી એટલું જ ફલિત કરવું છે કે નવી નીતિમાં ઉદ્યોગોનું ક્ષેત્રે ખાનગી સાહસ માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હોવા છતાં ઉદ્યોગોનો વિકાસ અપેક્ષા પ્રમાણે થઈ શક્યો નથી.

નવી આર્થિક નીતિમાં ઉદ્યોગોનો વિકાસ અપેક્ષા પ્રમાણે કેમ નથી થઈ શક્યો, તે માટે બજારવાદી અર્થશાસ્ત્રીઓ પાસે એક ખુલાસો છે : નવી નીતિના અમલ સાથે મજૂરકાયદાઓમાં સુધારો કરીને માલિકોને કામદારોને છૂટા કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી, તેથી તેઓ ઉદ્યોગ શરૂ કરીને મજૂરો રોકવાનું સાહસ કરતા નથી. ઉદ્યોગોએ અને સરકારોએ કરારનિર્ધારિત કામદારો રોકવાની પ્રથા દ્વારા પોતાનો રસ્તો કાઢી લીધો છે, એ હકીકતને નજરઅંદાજ કરીને આ બજારવાદી અર્થશાસ્ત્રીઓ ઉદ્યોગોના વિકાસ દ્વારા રોજગારી વધારવા માટે મજૂરકાયદાઓ સુધારવા પર ભાર મૂકી રહ્યા છે.

દેશમાં ઉદ્યોગોના પ્રમાણમાં ઓછા વિકાસ માટે એક બીજું કારણ કેટલાક અર્થશાસ્ત્રીઓએ આપ્યું છે. તેમના મત પ્રમાણે ડૉલર આદિ વિદેશી ચલણોમાં રૂપિયાનું મૂલ્ય હોવું જોઈએ એના કરતાં વધારે છે. તેમની દલીલને ડૉલરનો દાખલો લઈને સમજીએ. ડૉલર-રૂપિયા વચ્ચેનો વિનિમયદર જે એક ડૉલરના ૬૬ રૂપિયાની આસપાસ રહે છે, તે ખરેખર રૂ. ૭૧ જેટલો હોવો જોઈએ. આ રીતે વિદેશી ચલણમાં રૂપિયાનું મૂલ્ય ઓછું કરવામાં આવે, તો દેશના નિકાસકારોને રૂપિયામાં મળતી નિકાસકમાણીમાં વધારો થતાં દેશની ઔદ્યોગિક ચીજોની નિકાસો વધે. તેના પરિણામે દેશમાં ઉદ્યોગોના વિકાસને વેગ મળે.

ઉદ્યોગોના અપૂરતા વિકાસ માટે જે કારણ હોય તે, એને પરિણામે ખેતીની બહાર રોજગારીની ઓછી તકો સર્જાતાં, ખેતી ઉપરનું ભારણ જે ઓછું થવું જોઈતું હતું તે થઈ શક્યું નથી. આજે ખેતીના  ક્ષેત્રે ૪૮ ટકા લોકો રોકાયેલા છે. આ લગભગ ૫૦ ટકા લોકોના જી.ડી.પી.માં હિસ્સો ૧૬ ટકા જેટલો છે. આનો અર્થ એ થાય છે કે ખેતીની બહાર થતા વિકાસનો લાભ ગ્રામીણ વિસ્તારો સુધી અલ્પ પ્રમાણમાં જ પ્રસરે છે. દેશનાં કેટલાંક રાજ્યોમાં ખેડૂત-જ્ઞાતિઓ દ્વારા અનામતની જે માંગ કરવામાં આવી રહી છે. તેનું કારણ આ હકીકતમાં રહેલું છે. દેશના નગરવિસ્તારોમાં થઈ રહેલો વિકાસ યુવાનો માટે, વિશેષ કરીને ગ્રામીણ ક્ષેત્રના યુવાનો માટે સારી રોજગારીની તકો સર્જવામાં સફળ નીવડ્યો નથી. બીજી બાજુ ખેતીના ક્ષેત્રે જે બીજી હરિયાળી ક્રાંતિ થવી જોઈએ તે થઈ નથી. ખેતીના ક્ષેત્રે આર્થિક સુધારા કરવામાં આવ્યા જ નથી, તેથી ખેતીના ક્ષેત્રે ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થઈ શક્યો નથી. આમ, નવી નીતિથી શહેરોનો વિકાસ થયો છે, જ્યારે દેશની ૬૦ ટકાથી અધિક વસ્તી ધરાવતા ગ્રામીણ વિસ્તારને તેનો અલ્પ લાભ મળ્યો છે.

નગર વિસ્તારોમાં પણ આવકની વહેંચણીની અસમાનતા વધવા પામી છે. દેશમાં ૨૦૧૨માં ૫૫ અબજપતિઓ હતા તેમની પાસે દેશની જી.ડી.પી.ના ૧૭ ટકા જેટલી સંપત્તિ હતી. એની તુલનામાં એ જ વર્ષે ચીનમાં ૧૧૫ અબજપતિઓ હતા પણ તેમની સંપત્તિ ચીનની જી.ડી.પી.ના ચાર ટકા જેટલી હતી. આ તુલનામાંથી એ સ્પષ્ટ થાય છે કે ભારતમાં કેટલાંક ઉદ્યોગગૃહો પાસે આર્થિક સત્તાનું કેન્દ્રિત થઈ પડે છે.

જી.ડી.પી.ના ઊંચા વૃદ્ધિદરની સરકારની વેરાની આવકમાં વધારો થવાથી શિક્ષણ અને આરોગ્યની સેવાઓ પાછળ સરકાર વધારે ખર્ચ કરીને એ સેવાઓ વિસ્તારી શકશે અને એની ગુણવત્તા સુધારી શકશે, એ બજારવાદી દલીલ ખોટી સાબિત થઈ છે. શિક્ષણ અને આરોગ્યસેવાનાં ક્ષેત્રો ખાનગી સાહસને સોંપી દેવામાં આવ્યાં છે. શિક્ષણના ક્ષેત્રે પ્રવેશેલી સ્વનિર્ભર કૉલેજોની પ્રથાને ઉચ્ચશિક્ષણના ક્ષેત્રે, વિશેષ કરીને તબીબી અને ઇજનેરી જેવા વ્યાવસાયિક શિક્ષણના ક્ષેત્રમાં ખાનગી સાહસનો માર્ગ મોકળો કરી આપ્યો છે. વ્યાવસાયિક શિક્ષણનું ક્ષેત્ર સરકારે સ્વનિર્ભર કૉલેજોના હવાલે કરી દીધું છે, તેથી શિક્ષણ હવે સમાનતાની તકો સર્જવાનું સાધન મટીને અસમાનતા સર્જવાનું સાધન બની ગયું છે. સ્વનિર્ભર કૉલેજોની આ પ્રથામાં શ્રીમંતો પોતાનાં સંતાનોને ઇચ્છે તે ડિગ્રી અપાવી શકે, એવી સગવડ સર્જાઈ છે.

આરોગ્યસેવા નફાના ઉદ્દેશથી ચાલતા ખાનગી સાહસને અવિધિસર રીતે સોંપાઈ ગઈ છે. સરકાર તેને હસ્તકની આરોગ્યસેવાઓને વિસ્તારવા માટે કે તેની ગુણવત્તા સુધારવા માટે કોઈ નોંધપાત્ર પ્રયાસ કરતી નથી. ખાનગી રાહે અપાતી તબીબી સારવાર ખૂબ મોંઘી છે, એટલું જ નહીં તેમાં અતિશય ભ્રષ્ટાચાર ચાલતો હોવાની ફરિયાદો વ્યાપક છે. ગરીબો અને નીચલા મધ્યમવર્ગનાં કુટુંબો તો આ અતિ ખર્ચાળ ખાનગી તબીબી સારવારનો લાભ લઈ શકે તેમ જ નથી.

શિક્ષણ અને તબીબી સારવારનું આ ખાનગીકરણ સમાજના ઉપલા મધ્યમવર્ગ માટે અનુકૂળ છે. એ વર્ગ એનો સારી રીતે લાભ લઈ શકે છે. એકંદરે નવી આર્થિક નીતિ નીચે જે વિકાસ સધાયો, તેનો લાભાર્થી પણ મુખ્યત્વે મધ્યમવર્ગ છે. અલબત્ત, વિકાસની પ્રક્રિયામાં એ મધ્યમવર્ગ થોડો વિસ્તર્યો છે, પણ એનો વિસ્તાર થવો જોઈતો હતો, તેટલો થઈ શક્યો નથી.

જી.ડી.પી.ના ઊંચા વૃદ્ધિદર માત્રથી જે હાંસલ ન થઈ શકે પણ દેશના સર્વાંગી વિકાસ માટે જે ગુણાત્મક પરિવર્તનો જરૂરી છે, એની થોડી ચર્ચા કરવી જરૂરી છે. આમાં પાયાનો મુદ્દો સારા શાસન(good governance)નો છે. બજારવ્યવસ્થા સારી રીતે અને સમાજના હિતમાં કાર્ય કરે તે માટે તેના પર શાસનનું અસરકારક નિયંત્રણ રહેવું જોઈએ. આ શાસનની નિષ્ફળતા અન્ય ક્ષેત્રોની જેમ શિક્ષણ અને તબીબી સારવારના ક્ષેત્રે પણ જોવા મળે છે. ખાનગી હૉસ્પિટલોમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, તેને રોકવાનો કોઈ પ્રયાસ સરકાર કે મેડિકલ કાઉન્સિલ દ્વારા કરવામાં આવતો નથી. શિક્ષણની બાબતમાં જે બન્યું છે, તે ખરાબ શાસનનો દાખલો હોઈ તેની થોડી વિગતે ચર્ચા કરીએ.

એક હકીકત પરત્વે વખતોવખત ધ્યાન દોરવામાં આવે છે. દેશની ઇજનેરી કૉલેજોમાંથી બહાર પડતા ઇજનેરોના પચાસ ટકાથી અધિક નોકરી માટે લાયક નથી હોતા, મતલબ કે ઇજનેર તરીકે કામ કરવાની ક્ષમતા કેળવાય એવું શિક્ષણ અને એવી તાલીમ એમને મળ્યાં હોતાં નથી. આના સમર્થનમાં એમ કહેવામાં આવે છે કે ઘણી બધી કૉલેજોમાં જરૂરી ભૌતિક સગવડો તેમ જ લાયકાત ધરાવતા અધ્યાપકો જ નથી હોતા. આ અભાવની સ્થિતિ કેવળ સ્વનિર્ભર ઇજનેરી કૉલેજોમાં જ જોવા મળે છે એવું નથી, સ્વનિર્ભર તેમ જ સરકારી મેડિકલ કૉલેજોમાં પણ જોવા મળે છે. આના સંદર્ભમાં જે પ્રશ્ન ઊભો થાય છે તે આ છે : વ્યાવસાયિક શિક્ષણના ક્ષેત્રે એક કાઉન્સિલ (AICTE) નિયંત્રક સંસ્થા તરીકેની કામગીરી બજાવે છે. સ્વનિર્ભર કૉલેજો ધોરણસરનું શિક્ષણ આપવા માટેનાં બધાં ભૌતિક અને માનવીય સંસાધનો વિનાની કૉલેજો સ્થપાય અને ચાલે તે એક નિયંત્રક સંસ્થા તરીકે કાઉન્સિલની નિષ્ફળતા છે. આ એક કુશાસનનો દાખલો છે. લગભગ બધાં જ ક્ષેત્રોમાં સરકારી કે સરકાર દ્વારા સ્થાપિત સંસ્થાઓ તેમના કુશાસન માટે કુખ્યાત છે. જી.ડી.પી.ની વૃદ્ધિનો ઊંચો દર સારા શાસનનો વિકલ્પ બની શકે તેમ નથી.

આર્થિક સુધારા અને તેના દ્વારા જી.ડી.પી.ના વૃદ્ધિદરને ઊંચે લઈ જવા પર બહુ ભાર મૂકવામાં આવી રહ્યો છે, તેના સંદર્ભમાં આઈ.જી. પટેલે તેમના ઉક્ત વ્યાખ્યાન(લેખાંક-૧)માં કરેલી રિમાર્ક નોંધવા જેવી છેઃ

આર્થિક સુધારાઓ અને આર્થિક નીતિઓની ભૂમિકાને નાટ્યાત્મક રીતે મહત્ત્વની દેખાડવાનું અર્થશાસ્ત્રીઓના ગૌરવ માટે સારું છે, પરંતુ અર્થશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકોમાં દર્શાવવામાં આવે છે, એના કરતાં ઘણી વધારે બાબતો કાર્યક્ષમતા સાથે સંકળાયેલી છે.

એનું એક ઉદાહરણ લઈને આ ચર્ચા પૂરી કરીએ. દેશમાં શિક્ષણ અને ન્યાયની પ્રથાઓની ખામીઓ ઘણી જાણીતી છે. એમાં કઈ દિશામાં કેવા સુધારા કરવા જરૂરી છે, તે વિશે પણ વ્યાપક સંમતિ પ્રવર્તે છે અને છતાં એ દિશામાં છેલ્લાં ૨૫ વર્ષોમાં આપણે કોઈ સુધારા કરી શક્યા નથી. મુદ્દો એ છે કે જી.ડી.પી.નાં ઊંચા વૃદ્ધિદરથી આપણા બધા પ્રશ્નો ઉકેલવાની આપણી ક્ષમતામાં વધારો થતો નથી.

પાલડી, અમદાવાદ.                              

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 03-04 • “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 12-13 તેમ જ “નિરીક્ષક”, 01 નવેમ્બર 2016; પૃ. 10-11 

Category :- Opinion / Opinion