OPINION

દર્શક શતાબ્દી વર્ષ એકંદરે ...

સંજય શ્રીપાદ ભાવે
10-10-2014

દર્શક શતાબ્દી વર્ષના સહુથી મહત્ત્વના પ્રકાશન ‘મનીષીની વિચારયાત્રા’માં સંપાદક મોહન દાંડીકરે તેમના આરાધ્ય લેખકનાં વીસ ભાષણો મૂક્યાં છે. ભાષણોના વિષયોમાં ગાંધીવિચાર, નયી તાલીમ સહિતનું  કેળવણી ચિંતન, વિશ્વશાંતિની ગુરુકિલ્લી તરીકે બાળશિક્ષણ, સર્વોદય, મહાભારત, સાહિત્યમહત્તા  અને સ્વામી આનંદ તેમ જ સરદાર પટેલ વ્યક્તિવિશેષોનો સમાવેશ થાય છે. દર્શક પાસે તૈયાર થયેલા, લોકભારતીના એક પ્રબુદ્ધ વિદ્યાર્થી દાંડીકરે ‘દર્શક : જેવા મેં જોયા જાણ્યા’ સહિત એકસઠ પુસ્તકો લખ્યાં છે. તેમાં સઆદત હસન મન્ટો, કમલેશ્વર, દલિપકૌર ટિવાણા અને ગિરીરાજ કિશોરનાં પુસ્તકો ઉપરાંત વિવિધ સંપાદનો પણ છે. દર્શકના જીવનસર્જનના અભ્યાસી સંપાદકે પુસ્તિકાઓ, લેખો, રેકૉર્ડિંગ્સ કે નોંધો રૂપે વિખરાયેલાં ભાષણોને જહેમતથી એકઠાં કરીને કંઈક વિષયવાર ગોઠવ્યાં છે.

દાંડીકરના સંપાદનનો સહુથી મહત્ત્વનો લાભ તેમણે કેટલાંક વ્યાખ્યાનો વિશે પ્રાસ્તાવિકમાં આપેલી રસપ્રદ માહિતી તરીકે મળે છે. ‘મહાભારતનો મર્મ’ વ્યાખ્યાનપુસ્તિકા વિશે ‘હિંદુસ્તાન કી સબ ભાષાઓંમેં અનુવાદ હોના ચાહિયે’ એવો પત્ર પીઢ સર્વોદયી ઠાકુરદાસ બંગે લખ્યો હતો. સાવરકુંડલાના વ્યાખ્યાનમાં દ્રૌપદી-કુંતીની વાત કરતાં વક્તા અને હજારો શ્રોતાઓની આંખો ભીની થઈ ગઈ હતી. ઝવેરચંદ મેઘાણી વિશે સણોસરામાં આપેલાં પાંચ વ્યાખ્યાનોમાં ‘કશી જ નોંધો રાખ્યા વિના સતત છ કલાક વરસેલા’. આ વ્યાખ્યાનોની ‘ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી’ નામે લોકમિલાપ પ્રકાશને બહાર પાડેલી પુસ્તિકા પર ‘આફરીન’ થઈને સ્વામી આનંદે કહ્યું હતું, ‘ગુજરાતમાં મેઘાણીની આવી રજૂઆત કોઈએ કરી નથી.’ નારાયણભાઈ દેસાઈ ‘આ નાનકડી ચોપડીને’ દર્શકની ‘ઉત્તમ નવલકથાઓની હરોળમાં’ મૂકે છે. ગાંધીવિચાર પરનું ભાષણ સાંભળીને યેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે ‘આવી વાતો અમે પહેલી જ વાર સાંભળી, મહાપુરુષનો સાચો પરિચય થયો’ એ મતલબનું કહ્યું હતું. દર્શકના ચાહકોના એક જૂથે ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી’ની સવા લાખ નકલો છપાવી. દર્શકનાં ભાષણોમાં એમના વિશ્વદર્શન ઉપરાંત ગુજરાતી ભાષાનાં  ઓજસ અને સામર્થ્ય તેમ જ ગોહિલવાડી બોલીની સોડમ માટે પણ મળે છે. ગુર્જર પ્રકાશને બહાર પાડેલા પોણા ત્રણસો પાનાંના આ સંચયનો આસ્વાદ કરાવનાર મનસુખ સલ્લાના શબ્દોમાંકહીએ તો આ વ્યાખ્યાનો થકી ‘પ્રાજ્ઞપુરુષના વિચારલોકમાં પ્રવેશ’ કરાવે છે.

વ્યાખ્યાન સંચયનાં કેટલાંક લખાણો ‘મનુભાઈ પંચોળી સાથે વિચારયાત્રા’ નામે વાચનમહર્ષિ મહેન્દ્ર મેઘાણીએ બાણુંની વયે ‘કિશોરો-યુવાનો માટે’ કરેલાં બાણું પાનાંના સંપાદનમાં પણ મળે છે. દર્શક પરના  લોકમિલાપના  આ પાંચમા  પ્રકાશનમાં ચાળીસેક લખાણો  છે. તેની ‘એક લાખ નકલ નવી પેઢીના વાચકોને પહોંચાડવાની ઉમેદ’ સંપાદક ધરાવે છે. મનુભાઈના થોડાક ચાહકોએ દોઢસો શિક્ષણ સંસ્થાઓમાં સો-સો નકલ મોકલવા માટેની સખાવત તો કરી દીધી છે. જો કે સંપાદક જણાવે છે : ‘આ પુસ્તકની સોથી ઓછી નકલ ખરીદી શકાશે નહીં.’

સર્વોદય વિચારધારાના પખવાડિક મુખપત્ર ‘ભૂમિપુત્ર’નો સોળમી જુલાઈનો વિશેષાંક રમણીય અને સંગ્રાહ્ય છે. પચાસેક તસવીરો મોટાં કદનાં બેતાળીસ પાનાંના આ અંકની મિરાત છે. દર્શકની જુદી જુદી ઉંમરે, જાતભાતની ભાવમુદ્રાઓમાં, અનેક પ્રકારની વ્યક્તિઓ સાથેની ઘણાં સ્થળે અને પ્રસંગે પાડવામાં આવેલી  આ છબિઓમાં કેટલીક દુર્લભ છે. સરસ સંપાદકીય સહિતના ઓગણીસ લખાણોમાં જીવનની વિગતો, ગુણકીર્તન, સ્મરણો, લેખન, આસ્વાદ, પુસ્તક પરિચય જેવી વૈવિધ્યપૂર્ણ સામગ્રી ઝીણવટથી પસંદ કરીને બહુ માવજતથીમૂકવામાં રજનીભાઈ, સ્વાતીબહેન અને પારુલબહેનના બનેલા સંપાદકમંડળની સૂઝ અને મહેનત દેખાય છે.

કમનસીબે આવો કોઈ વિશેષાંક ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’એ હજુ સુધી કર્યો નથી. ગયા ઑક્ટોબરથી શરૂ થયેલા શતાબ્દી વર્ષ દરમિયાન ‘પરબ’ના એક પણ અંકમાં દર્શક વિશે ધોરણસરનો એક પણ  લેખ આવ્યો નથી. ગુજરાતી સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’નું પણ લગભગ આવું જ છે. પરિષદના  ડિસેમ્બરના વાર્ષિક જ્ઞાનસત્રમાં દર્શક પર કોઈ બેઠક ન હતી, આગામી અધિવેશનના જાહેર થયેલા કાર્યક્રમમાં પણ નથી. છવ્વીસમી ફેબ્રુઆરીના એક બુધવારે ઉજવણીના ઉજમ-ઉલ્લાસ વિનાના માહોલમાં છએક વ્યાખ્યાનોનો સભોજન કાર્યક્રમ તેણે પદાધિકારીઓ અને વક્તાઓ સહિત પચાસ-પંચોતેર આવતા-જતા  શ્રોતાઓની હાજરીમાં કર્યો. તેમાં ય પરિષદને, દર્શકે જેને સ્વાયત્ત બનાવવા માટે લડત આપી હતી તે,  સરકારીકરણ થઈ ચૂકેલી સાહિત્ય અકાદમીનો સહયોગ લેવો પડ્યો. અકાદમીએ પણ વળી અલગ કાર્યક્રમ કર્યો નથી. તેણે વડોદરાની ‘અક્ષરા’ અને સંભવત: બીજી સંસ્થાઓની સાથે જોડાવાનું પસંદ કર્યું. રાજ્ય સરકારે ‘સૉક્રેટીસ’ના નાટ્યપ્રયોગને ટેકો કર્યા સિવાય ઝાઝું કંઈ કર્યું હોવાનું માલુમ નથી.  

‘સૉક્રેટીસ’ અમદાવાદ ઉપરાંત વાળુકડ અને સણોસરામાં ભજવાયું. ટૉલ્સ્ટૉયના જીવન પરનું દર્શકનું ‘ગૃહારણ્ય’ નાટક રાજકોટના રંગકર્મી ભરત યાજ્ઞિકના દિગ્દર્શનમાં ‘કલાનિકેતન’ સંસ્થાના કલાકારોએ જુલાઈમાં ભજવ્યું. રાજ્યની ઘણીબધી સંસ્થાઓએ પોતપોતાની રીતે નાનામોટા કાર્યક્રમો થકી દર્શકને યાદ કર્યા હોવાની નોંધો મળતી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ તેના રાષ્ટ્રીય પુસ્તકમેળા સાથે દર્શકના જીવનકાર્યને બહુ આકર્ષક રીતે જોડ્યાં હતાં. ‘દર્શક ફાઉન્ડેશન’ શતાબ્દી મહોત્સવ અન્વયે પુસ્તક-આસ્વાદ પ્રવચનો ગોઠવે છે. ગુજરાત સાહિત્યસભાએ નિબંધ સ્પર્ધા યોજી. વળી તેણે ગયા શનિવારે પ્રકાશ ન. શાહનું વ્યાખ્યાન ગોઠવ્યું. વિશ્વકોશમાં દર્શક વિશેનું આ ચોથું વ્યાખ્યાન હતું. વર્ષની પૂર્ણાહુતિને દિવસે એટલે કે આવતા બુધવારે  ઓમ કમ્યુિનકેશને દર્શક વિશે પરિષદના ગોવર્ધન ભવનમાં પરિસંવાદ ગોઠવ્યો છે.

લોકભારતીએ દર્શકના સાહિત્ય પર યોજેલા કાર્યક્રમમાં દસેક અભ્યાસીઓને બોલાવ્યા હતા. વળી સંસ્થાએ શિક્ષણપ્રસાર અને સુધારણા માટે ‘દર્શક લોકગંગા’ ઉપક્રમ હાથ ધર્યો છે. તે હેઠળ નિષ્ણાત શિક્ષકોની એક ટુકડી એક વાહન અને પુસ્તકો તેમ જ ફિલ્મો સહિતની અભ્યાસ સામગ્રી લઈને ચૌદ ગામોની શાળાઓની મુલાકાત લેતી રહે છે. પાલીતાણા પાસેના માઇધારમાં આવેલું દર્શકના સ્વપ્નનું નાગરિક કેળવણી અને લોકશિક્ષણ માટેનું કેન્દ્ર લોકભારતીએ ફરીથી સક્રિય કર્યું છે.

જો કે શતાબ્દી વર્ષ દરમિયાન નાઝીવાદ-ફાસીવાદની અમાનુષતા વચ્ચે માનવતા વિશે ‘હેલન-સોદો-અંતિમ અધ્યાય’ નાટ્યત્રયી લખનારા દર્શક, આ નાટકો પર ભરત દવેએ બનાવેલી ટેલિફિલ્મો છતાં ય ન દેખાયા. ગાંધીવિચાર અને લોકશાહી સમાજવાદ વચ્ચે પ્રગતિશીલ માનવતાવાદી સુમેળ સાધનારા દર્શક ભાગ્યે જ દેખાયા. હજુ જાણવાના બાકી છે જાહેર જીવનમાં સામેલગીરી, હસ્તક્ષેપ, વિરોધ અને સંઘર્ષમાં ઊતરનારા દર્શક !

+++++++++

સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, “નવગુજરાત સમય”, 08 અૉક્ટોબર 2014

Category :- Opinion Online / Opinion

મૈત્રી તે ઔષધ

ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી
08-10-2014

‘અૉન-લાઇન’ “ઓપિનિયન” સામિયકના વાચક અને લેખકોને, સામયિકની અને તેના તંત્રી / સંપાદક વિશે, થોડી વાતો કરવાનો અા લેખનો હેતુ રહે છે. સાથોસાથ સંપાદક અને એમના મિત્રોને પરિપ્રેક્ષ્યમાં રાખી (કારણ ? − કહેવાય છે ને કે ‘સોબત તેવી અસર’), અને ખાસ કરીને, બહ્મીગામ શહેરના મિત્રોને પરિપ્રેક્ષ્યમાં રાખી વાત કરવાનો અહીં અાશય છે.

પહેલાં “અોપિનિયન” સામયિકની વાત : આવતા વર્ષના અૅપ્રિલ મહિનામાં સામયિક શરૂ કર્યાંને 20 વર્ષ પૂરાં થશે. સામયિકના શરૂઆતના દિવસોમાં કેટલાક લોકોએ અદેખાઈમાં આવી જઈ, સામયિકનું ‘બાળમરણ’ ભાખ્યું હતું ! પરંતુ સંપાદકની હિમ્મત - ધગશ અને પત્રકારત્વ પરત્વેના પ્રેમ, તેમ જ મિત્રો - લેખકો - વાચકોના સાથસહકારથી, સામયિક, બેબે દાયકાઓથી, નિયમિત રીતે પ્રગટ થતું રહ્યું છે. એ સમયગાળામાં સામયિકના ત્રણ અવતારો થયા. લગભગ પંદર વર્ષો સુધી સામયિક મુદ્રિત થઈને દર મહિને પ્રકાશિત થતું રહ્યું અને બસો ઉપરાંત લવાજમી ગ્રાહકો સમેતના અનેક વાચકો સુધી પહોંચતું કરાતું હતું. ત્યાર પછીના  તેના ‘ડિજિટલ’ અવતારમાં તેને બહોળા વાચકો મળ્યા. સામયિકના આ બન્ને અવતારોમાં, દરેક અંક અમુક નિશ્ચિત કથાવસ્તુ [theme] લઈને આવતો. છેલ્લા, ત્રીજા અવતારમાં, on-line સામયિકે હવે દુનિયાભરમાં બહોળો વાચકવર્ગ મેળવ્યો છે.

આ ત્રણે અવતારોમાં તંત્રી / સંપાદક વિપુલ કલ્યાણી સતત કાર્યશીલ રહ્યા છે અને દુનિયાના દરેક ખૂણામાંથી આવતા લેખો, કથાવસ્તુ કેન્દ્રિત પોતીકી સામગ્રી પ્રકાશિત કરતા રહ્યા છે. વિપુલભાઈના 40-50 વર્ષની પત્રકારત્વની મજલમાં, કહો કે પત્રકારનો ધર્મ અને ધૂનમાં - સંખ્યાબંધ મિત્રો-વાચકો-લેખકો સાથે અત્યારની પેઢીના માત્ર ‘ફેઇસબુકિયા મિત્રો’ જ નહીં, પણ અંતરંગ મિત્રો સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ સંબંધોનું સાતત્ય વિપુલભાઈએ જાળવી રાખ્યું છે. પ્રખર રોમન વક્તા અને વિચારક સિસેરો અને અંગ્રેજ નિબંધકાર-લેખક ફ્રાન્સિસ બેકનના મૈત્રીધર્મ પરના મંતવ્યો વિપુલભાઈએ જાણે કે રગેરગમાં પચાવ્યા છે !

સિસેરો કહેતા :

Friendship makes prosperity brighter, while it lightens adversity by sharing griefs and anxieties.

બેકન કહી ગયા છે :

Friendship redoubleth joys and culteth griefs in halves.

આવી મૈત્રીનો ધર્મ બજાવવા, જુલાઈ 23મી તારીખ ને બુધવારે બહ્મીગામના મિત્રો કે જેઓ વર્ષોથી બહ્મીગામનાં સાંસ્કૃિતક, સાહિત્યિક અને સામાજિક જીવનમાં સંકળાયેલા અને કાર્યશીલ રહેલાં છે એમની ખબરઅંતર પૂછવા તથા ભાળ મેળવવા વિપુલભાઈ બહ્મીગામ આવ્યા હતા.

એ દિવસે સ્કૉટલૅન્ડના ગ્લાસગો નામે નગરમાં રાષ્ટૃસમૂહના દેશોને નામ રમતગમતની હરીફાઈઓનું મંગલાચરણ થઈ રહ્યું હતું. અા કૉમનવેલ્થ ગેઇમ્સનો શુભારંભ મહારાણી ઇલિઝાબૅથ બીજાને હાથે થતો હતો. એકોતેર જેટલા મુલકના રમતવીરો ભાગ લઈ રહ્યા હતા. કેલટિક પાર્કના આ જલસામાં 23 હજાર લોકોની મેદની હતી અને રાણીબાએ અવસરને ખુલ્લો જાહેર કર્યો હતો.

બસ, એવે ટાંકણે, વિપુલભાઈ અને બહ્મીગામ માંહેનાં અમે મિત્રોની મુલાકાત જામતી હતી. રસભરી ગોષ્ઠિ થતી રહી અને દરેકને મનહૃદયમાં મહેક પ્રસરાવતી રહી. અા મિત્રો સારુ એ ઘટના યાદગાર બનીને રહી.

અાયુર્વેદ કહે જ છે : ‘આહાર તે જ ઔષધ’. એ બુધવારના દિવસે મિત્રોની મુલાકાત અને ગોષ્ઠિમાં એટલું જરૂર અનુભવાયું કે મૈત્રી પણ ઔષધનો દરજ્જો ધરાવે ખરી.

અા મિત્રોને પહેચાનવા જેવાં છે. “ઓપિનિયન”ના જૂનાં વાચકોને સારુ અામાંના કેટલાંક પરિચિત નામો જ હોવાનાં. નવેમ્બર 1998ના અંકમાં, જુઓને, એક આછો પરિચય ‘એક ભલો માણસ’ના શીર્ષકથી અાપવામાં આવેલો તે સાંભરી આવશે.

આ લેખમાં આવતો ‘… ભલો માણસ’ એટલે અમારા રમણભાઈ નરોત્તમભાઈ પરમાર. હા, આ નામ બી.બી.સી.ના એક વખતના પ્રસારિત થતા ગુજરાતી કાર્યક્રમ માટે લગીર અજાણ્યું નથી. મૃદુ, મીઠી [mellifluous] ગુજરાતી ભાષામાં સમાચાર વાંચતી વખતે રમણભાઈ, આપણા ગુજરાતી સાહિત્યકારો - રમણલાલ વસંતલાલ દેસાઈ, કે કનૈયાલાલ માણેકલાલ મુનશીની માફક પોતાનું આખું નામ અટક સાથે રજૂ કરવામાં ગૌરવ અનુભવતા. વળી, બહ્મીગામમાં ગુજરાતી શિક્ષણ આપતા વર્ગોની શરૂઆત કરનારાઓમાં પણ એ અગ્રેસર. આટઆટલા વરસે પણ એમની કાર્યશીલતામાં ઓટ આવી નથી. એમની ક્ષમતાને ઘસારો પહોંચ્યો લાગતો નથી. રમણભાઈ એટલે સમાજ સેવક, અાદિ સમાજ સેવક ! પોતાના કેન્યા માંહેના આદિ દિવસો વેળા પણ જાણે કે સમાજ સેવા એમનો પરમ ધર્મ રહેલો.

બહ્મીગામમાં આવા સમાજ સેવકો અને ગુજરાતી ભાષાના શિક્ષકોનું એક જૂથ પણ રમણભાઈએ ઊભું કર્યું છે. આ જૂથમાં મોખરે હોય છે એમના મિત્ર સુમનભાઈ મ્યાંગર તથા એમનાં પત્ની ગંગાબહેન. ગુજરાતી ભાષાના વર્ગો ચલાવવામાં કે પછી વડીલ વર્ગમાંના મોટી ઉમ્મરના લોકોની સેવા કરવામાં અા દંપતી યુગલ સતત ક્રિયાશીલ. રમણભાઈના જાણે કે એ જમણા હાથ. રમણભાઈનાં પત્ની નિર્મળાબહેને પોતાના ‘સ્વામી’ને પગલે પગલે સાથ અાપી પોતાની આગવી કેડી કંડારી છે. વર્ષો સુધી નિર્મળાબહેને બી.બી.સી.ના ગુજરાતી કાર્યક્રમનું સંચાલન કરીને પ્રસારણ કરેલું. પોતાના લહેકામાં, અલંકારી ભાષા સાથે એ શ્રોતાગણને મોહક કરતાં રહેલાં.

બહ્મીગામના આ મિત્રોમાં વરિષ્ટ એટલે બહ્મીગામ શહેરને ‘લીલું વૃંદાવન ધામ’નો ઇલકાબ આપનારા કવિ, અને કવિસંમેલનોમાં અનોખી, રૂડી ભાતમાં પોતાની રચેલી ગુજરાતી કવિતાઓને લલકારતા ગાયક  પ્રફુલ્લ અમીન. ખુદ કવિ હૃદય અને માયાળુ. મળતાવડા સ્વભાવના પ્રફુલ્લભાઈએ બહ્મીગામની કંઈ કેટલીએ સંસ્થાઓનું સુકાન સંભાળી, ડાયસ્પોરિક ભારતીય સમાજની અનોખી સેવા કરી છે.

આ ‘અમદાવાદી’ મિત્રના અસલ જૂના જોગી એટલે ગુજરાતના નાટ્યકાર ચં.ચી. મહેતાના એક વિદ્યાર્થી, પ્રવીણ સાંગાણી. પ્રવીણભાઈ મૂળગત નાટકનો માણસ. હાવભાવમાં અને એમના આ અમદાવાદી મિત્ર સાથે વાદવિવાદ કરતા હોય ત્યારે એમનો નાટકીય અવાજ અને મિજાજ અછતો ન રહે. અને કોઈ કવિ સંમેલનમાં એકાદા કવિ પોતાની કવિતાઓનું પઠન કરતા હોય અને શ્રોતાગણ કંટાળતા હોય ત્યારે, છેલ્લે પાટલે બેઠા હોય તો પણ, પ્રવીણભાઈ બોલે જ બોલે : પાન 27 પરની કવિતા પઢો ! … અને હાસ્યનું મોજું ચોમેર ફરી વળે. વાતાવરણમાં હળવાશ આવી જાય.

વિપુલભાઈની ગુજરાતી સાહિત્ય અકાદમીમાંની દીર્ઘ સેવાકારકિર્દી વેળા પરીક્ષાઓના સંચાલન હેઠળ ચાલતા પરીક્ષાતંત્રમાં, સક્રિય સાથસહકાર આપવામાં પહાડી કાઠિવાડી મનેખ, નાગેશ ઓડેદરા અગ્રેસર હતા. સાથમાં હોય સરયૂબહેન પટેલ. આ બન્ને ભાષાસાહિત્યપ્રેમીઓની મહેનત અને સૂજબૂજથી પણ ગુજરાતી સાહિત્ય અકાદમી ચોમેર મજબૂત સેવાઓ આપતી હતી.

હવે તો આ મિત્રો કુટુંબના અને પોતાના સ્વાસ્થ્યના સવાલોમાં લપેટાયાં છે. મોટી ઉમ્મરે આવતી નાનીમોટી વ્યાધિમાં ય અટવાયેલાં ભાળીએ છીએ. આવા બે મિત્રોની ભાળ કાઢવા વિપુલ કલ્યાણી બહ્મીગામ આવેલા. અને મૈત્રી કેવી રીતે ઔષધ બની રહે છે એ કૌતુક સૌએ અનુભવ્યું.

એ બુધવારે મિત્રોની મહેમાનગીરી કરવાના ઉલ્લાસમાં - હર્ષમાં - નાગેશભાઈ, દોઢબે વરસની બીમારીની અશક્તિને ગણકાર્યા વિના, અને વળી, આ ગાળા દરમિયાન કાર હંકારવાની કળા પર પ્રસેરલી રજોટી ખંખેરી, ચંપાબહેનને જણાવ્યા વગર જ બહાર નીકળી ગયા ! હિમ્મતથી કાર હંકારી ! બોલો, માનશો, બજારમાં ગયા અને મિત્રો સારુ તાજી જલેબી લઈને પરત થયા !

અને એ જ બુધવારે, પ્રવીણભાઈને પણ મળવાનું બનતું હતું. છસાત મહિનાની જીવલેણ બીમારીમાંથી બહાર નીકળી મિત્રો સાથે તન્મયતાથી રસપૂર્વક ગોષ્ઠીમાં પરોવાયેલા રહ્યા. પ્રફુલ્લભાઈ જોડે પ્રવીણભાઈ તેના પોતાના લહેકામાં, અને તેને અનુકૂળ તોરમાં વાતે વળગેલા અને હંફાવતા રહ્યા. પ્રવીણભાઈનાં પત્ની સરલાબહેન આ બધું કૌતુકભરી આંખે નીરખતાં રહ્યાં. ચંપાબહેનનો ય આવો આનંદ અમે લોકોએ સવારે  અનુભવ્યો જ હતો.

બહ્મીગામમાં નાગેશભાઈ, પ્રવીણભાઈ અને રમણભાઈને ઘેર જામેલી મજલિસમાં અમે અન્નકૂટની મજા માણી. ચોતરફ હેતના ફૂવારા ઊડતા હતા અને અમે તેનો છંટકાવ માણતા રહ્યાં.

આ બેઠકે ફરી સાબીત કરી આપ્યું કે મૈત્રી અજીબ ઔષધ છે. સિસરે અને બેકનના મંતવ્યો સાચા હોય તેમ અમે અનુભવતા રહ્યા.

[‘Kamal Kunj’, 3 Buckingham Mews, SUTTON COLDFIELD, West Midlands B73 5PR, U.K.]    

Category :- Opinion Online / Opinion