OPINION

૨૦૧૬ના ઓગસ્ટ મહિનામાં આનંદીબહેને પટેલે વિજયભાઈ રૂપાણીની માફક અચાનક પોતાનાં રાજીનામાંની જાહેરાત કરી હતી અને તેમના અનુગામી મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીને કોઈની નજર ન લાગે એમ વીણીને પસંદ કરવામાં આવ્યા હતા. વીણવાનો માપદંડ એવો હતો કે મુખ્ય પ્રધાન બનનારો માણસ કદાવર ન હોવો જોઈએ અને કદાપી કદાવર બનવાની ક્ષમતા ધરાવતો ન હોવો જોઈએ. રાજ્યોમાં મુખ્ય પ્રધાનો પૂછીને પાણી પીનારા હોવા જોઈએ કે જેથી ભવિષ્યમાં કેન્દ્રીય નેતૃત્વ સામે પડકાર પેદા ન કરે. પણ આમાં સમસ્યા એ છે કે સરેરાશ ગજું ધરાવતા માણસમાં આવડત પણ સરેરાશ હોવાની એનું શું કરવું? પણ આની ચિંતા તો એણે કરવાની હોય જેને શાસનમાં રસ હોય, માત્ર સત્તામાં રસ ધરાવાનારાઓએ આની ચિંતા કરવાની જરૂર નથી.

ગુજરાતના અને ભા.જ.પ.ના દુર્ભાગ્યે વિજય રૂપાણી ધાર્યા હતા એનાથી વધારે આવડત વિનાના સાબિત થયા. થોડી વીણવામાં ભૂલ થઈ. ખાસ કરીને કોવીડના બીજાં મોજાં વખતે તેમણે જે ભૂંહડિયો વાળ્યો એની તો ગુજરાતની વડી અદાલતે નોંધ લેવી પડી અને સરકારને ખખડાવવી પડી હતી. ગુજરાતમાં વિજય રૂપાણી ચાને ગલ્લે બે ઘડી મોજ અને ઠેકડીનો વિષય હતા. હવે તેમની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ નામના કોઈ ધારાસભ્યને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વીણીને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ પટેલ છે એ તેમની લાયકાત છે, બીજી લાયકાતો વિષે કોઈ કશું જાણતા નથી, કદાચ પસંદ કરનારાઓએ પણ આશરે આશરે તેમની પસંદગી કરી હશે. તેઓ પહેલી વખતના ધારાસભ્ય છે.

એક સમય હતો જ્યારે બી.જે.પી. પક્ષઅંતર્ગત લોકતંત્ર માટે ગર્વ અનુભવતો હતો અને આવું સાચું લોકતંત્ર ધરાવનારા ભારતમાં માત્ર ત્રણ પક્ષો હતા. બે સામ્યવાદી પક્ષો (ભારતીય સામ્યવાદી પક્ષ અને માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ) અને ત્રીજો બી.જે.પી. ૧૯૯૬માં ત્રીજા મોરચાએ એ સમયના પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન જ્યોતિ બસુની વડા પ્રધાનપદ માટે પસંદગી કરી ત્યારે માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે નિર્ણય લીધો હતો કે સરકારને સામ્યવાદી પક્ષની ફિલસૂફી મુજબ દિશા આપવા જેટલી બેઠકો ડાબેરી મોરચો નથી ધરાવતો એટલે જ્યોતિ બસુ વડા પ્રધાન નહીં બને. મોઢામાં આવી ચુકેલો કોળિયો ફગાવી દીધો હતો. જ્યોતિ બસુએ પક્ષના નિર્ણયને માથે ચડાવ્યો હતો અને વડા પ્રધાનપદ જતું કર્યું હતું. ભારતના સંસદીય લોકતંત્રના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ ઘટના હતી.

સામ્યવાદીઓની જેમ બી.જે.પી. પણ પક્ષઅંતર્ગત લોકતંત્રનો ઉજ્વળ ઇતિહાસ ધરાવે છે. ખુદ નરેન્દ્ર મોદી પક્ષઅંતગર્ત લોકતંત્રના લાભાર્થી છે. ૨૦૦૨ના ગોધરા-ગુજરાત કાંડ પછી એ સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આગ્રહ કર્યો હતો કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવું જોઈએ. પક્ષની ગોવામાં મળેલી કાર્યસમિતિએ નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહે એવો ઠરાવ કર્યો હતો જે પક્ષના સર્વોચ્ચ નેતા વાજપેયીએ માન્ય રાખ્યો હતો. એ પછી ૨૦૧૩માં નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે દાવેદારી કરી ત્યારે પણ તેમને લાલકૃષ્ણ અડવાણી અને બીજા સિનિયર નેતાઓનો વિરોધ હોવા છતાં લોકતાંત્રિક બહુમતીનો લાભ મળ્યો હતો. પક્ષની પરંપરા એવી રહી છે જેમાં પક્ષના મંચ ઉપર મુક્ત ચર્ચા થાય અને બહુમતીના આધારે નિર્ણય લેવાય. પણ હવે એ યુગ પૂરો થયો છે.

courtesy : Manjul; 13 September 2021

પોતપોતાના પ્રાંતમાં વ્યાપક લોકસંપર્ક ધરાવનારા કદાવર નેતાઓને કદ પ્રમાણે વેતરી નાખવાની અને ભવિષ્યમાં કદાવર નેતાઓ પેદા ન થાય એવી જોગવાઈ કરવાના રાજકારણને કૉન્ગ્રેસ સિસ્ટમ તરીકે ઓળખાવવામાં આવે છે. ઇન્દિરા ગાંધીના સમયમાં આની શરૂઆત થઈ હતી અને રાજીવ ગાંધીએ તે પરંપરા કાયમ રાખી હતી. રાજીવ ગાંધીએ બેંગલોરમાં પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે કર્ણાટકને નવા મુખ્ય પ્રધાન મળશે. ત્યારે કર્ણાટકના કદાવર નેતા વીરેન્દ્ર પાટિલ મુખ્ય પ્રધાન હતા અને તેમને વડા પ્રધાન રાજીવ ગાંધીના કથનથી આંચકો લાગ્યો હતો. વીરેન્દ્ર પાટિલને વિશ્વાસમાં લેવાની જરૂર રાજીવ ગાંધીએ નહોતી અનુભવી. ૧૯૮૨માં ઇન્દિરા ગાંધીએ પણ આ જ રીતે મહારાષ્ટ્રમાં બાબાસાહેબ ભોંસલે નામના ભૂપેન્દ્ર પટેલ જેટલા જ સાવ અજાણ્યા અને નાના કદના વિધાનસભ્યને મુખ્ય પ્રધાનપદે બેસાડ્યા હતા. આ માણસ કોણ છે એવો પ્રશ્ન ત્યારે પણ પૂછાયો હતો.

ઈરાદો પોતાના સ્થાનને સુરક્ષિત રાખવાનો હતો. જો પક્ષઅંતર્ગત લોકતંત્ર હોય તો લોકતંત્રનો લાભ લઈને આવડત ધરાવનારા મોટા ગજાના નેતાઓ પેદા થાય. પોતાની સ્વતંત્ર લોકચાહના ધરાવનારા મોટા કદના નેતાઓ હોય તો તેમની વાત સાંભળવી પડે. તેઓ કદાચ કોઈ બાબતનો વિરોધ પણ કરે અને વિરોધનો સામનો કરવો પડે અને વળી એવું પણ બને કે તેમના વિરોધ સામે ઝૂકવું પણ પડે જે રીતે એક સમયે કૉન્ગ્રેસમાં જવાહરલાલ નેહરુને પણ ઝૂકવું પડતું હતું અને બી.જે.પી.માં વાજપેયી અને અડવાણીને ઝૂકવું પડ્યું હતું. આગળ જતા કદાચ એવું પણ બને કે કોઈ ઐશ્વર્યવાન કદાવર નેતાની તરફેણમાં ખુરશી પણ ખાલી કરવી પડે. સત્તાને પ્રેમ કરનારાઓને અને સરમુખત્યારી માનસ ધરાવનારા નેતાઓને આ પસંદ હોતું નથી, એટલે તેઓ કદાવર નેતાઓને કિનારે રાખે છે અને કરે છે. કોઈ હોય તો પડકારે ને! જો વાજપેયી-અડવાણીએ તેમના યુગમાં બીજા પક્ષોની જેમ કૉન્ગ્રેસ સિસ્ટમ અપનાવી હોત તો આજે નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન ન હોત.

આની પણ એક કિંમત હોય છે અને એ કિંમત કૉન્ગ્રેસ પક્ષ આજે ચૂકવી રહ્યો છે. કૉન્ગ્રેસની જે તાકાત હતી એ રાજ્યોના ગજાદાર નેતાઓની સંયુક્ત તાકાત હતી અને એ તાકાત લોકતાંત્રિક માર્ગે ગામડાથી શરૂ કરીને દિલ્હી સુધી પહોંચતી હતી. એ તાકાત દિલ્હીથી રાજ્યોમાં નહોતી આવતી. આનો સૌથી મોટો ફાયદો એ હતો કે રાષ્ટ્રનિર્માણના યજ્ઞમાં સમગ્ર દેશમાં ખૂણેખૂણેથી અનેક મજબૂત, રચનાત્મક અને વિચારનારા હાથોની વિશાળ ભાગીદારી જોવા મળતી હતી. ઇન્દિરા ગાંધીએ ભાગીદારી કરી શકે એવા નેતાઓને ખતમ કરી નાખ્યા અને તેની જગ્યાએ લાભાર્થીઓ તેમ જ કૃપાર્થીઓને પેદા કર્યા અને પરિણામે પક્ષ અંદરથી નિર્બળ થતો ગયો. કૉન્ગ્રેસ નિષ્પ્રાણ બનતી ગઈ અને હવે તો કલેવર પણ તૂટી રહ્યું છે.

કૉન્ગ્રેસનો વર્તમાન બી.જે.પી.નું ભવિષ્ય બની શકે છે અને બનશે જ જો આ પરિપાટી ચાલુ રહેશે.  ઇન્દિરા ગાંધી પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માગતાં હતાં કારણ કે તેઓ અસલામતીથી પીડાતાં હતાં. નરેન્દ્ર મોદી પણ એ જ લક્ષણો ધરાવે છે અને માટે એ જ માર્ગે ચાલે છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 સપ્ટેમ્બર 2021

Category :- Opinion / Opinion

No, Thank You

આશા બૂચ
15-09-2021

પ્રતિ,

ટ્રસ્ટીમંડળ,

ગાંધીસ્મારક સંગ્રહાલય

સાબરમતી આશ્રમ

અમદાવાદ

માનનીય શ્રી ઇલાબહેન ભટ્ટ, કાર્તિકેય સારાભાઈ, સુદર્શનભાઈ આયંગાર, નીતિનભાઈ શુક્લ, અશોક ચેટર્જી, અમૃતભાઈ મોદી તથા અતુલભાઈ પંડ્યા,

નમસ્કાર.

સાબરમતી આશ્રમનું રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે ‘નવીનીકરણ’ કરવાની ભારતની કેન્દ્ર સરકારની અને ગુજરાતની રાજ્ય સરકારની યોજના વિષે જાણકારી મળી.

સૌ પ્રથમ શ્રી તુષારભાઈ ગાંધીના લેખ અને ત્યાર બાદ ૧ સપ્ટેમ્બર ’૨૧ના ‘નિરીક્ષક’ના અંકમાં પ્રગટ થયેલ આદરણીય શ્રી રાજમોહન ગાંધીના લેખ, તેજસ વૈદ્યના આપ સહુની બી.બી.સી. સાથેની મુલાકાત પર આધારિત લેખ તેમ જ થોમસ વેબર, ચાર્લ્સ ડી સિલ્વા તથા ડેનિસ ડાલ્ટનના લેખો દ્વારા વધુ માહિતી મળી. સહુનાં મંતવ્યો જાણ્યાં. 

આ વિષે મારા વિચારો નમ્રપણે જણાવવા માગું છું.

એક હકીકત સ્પષ્ટ છે કે સરકાર ભલે આશ્રમની સાદગી જાળવી રાખવાનું વચન આપે, પરંતુ તેની આસપાસ જે આધુનિક સગવડો ઊભી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, તે આશ્રમની પ્રતિમાને ઝાંખપ લગાડનારો છે. ભૌતિક સુખસગવડો પાછળ પાગલ થઈને દોડતી ભારતની અને અન્ય દેશોની પ્રજાને ફૂડકોર્ટમાં જઈને પીઝા અને બર્ગર આરોગવાનું આકર્ષણ વધુ રહેશે અને ગાંધીવિચારને સમજવાની જગ્યા તેમના પેટમાં કે દિમાગમાં નહીં રહે એ સંભવિતતા નિશ્ચિત છે.

ગાંધીજી કરતાં વધુ સારી વક્તૃત્વશક્તિ, શારીરિક મોહક પ્રતિભા અને વધુ માનપ્રદ ઉચ્ચ સ્થાન ધરાવતી હસ્તીઓ ૧૯મી-૨૦મી સદીમાં અસ્તિત્વમાં હતી. છતાં માત્ર ધોતી પહેરેલ, બહારથી તદ્દન સાધારણ દેખાતા ગાંધીજી ધીમા અને નરમ અવાજે બોલતા, તો કરોડો લોકો તેમને સાંભળતાં અને લાખો લોકો અનુસરતાં; તેનું કારણ તેઓ જે અમલમાં મૂકતા તે જ બોલતા એ છે. તો એમના વિશેની જાણકારી એમ્ફિથિયેટરના ઝગમગાટથી લોકોને વધુ સમજાશે કે હાલના સાદગીભર્યાં માહિતીપ્રસારનાં માધ્યમોથી?

યુ.કે.માં વડ્‌ર્ઝવર્થ અને જ્હૉન રસ્કિનનાં નિવાસસ્થાનો યથાવત્‌ રાખવામાં આવ્યાં છે. માર્ટિન લ્યુથર કિંગનાં સ્મારકો પણ સાદગીભર્યાં છે. જે લોકો અને નેતાઓ આપણા મહાપુરુષોનાં વિચારો અને કાર્યોને ઓળખતાં નથી તેઓ જ આવું છીછરું પગલું ભરે, વિચારે. શ્રીરામ અને શ્રીકૃષ્ણને આદર્શ માનવી ગણી, તેમના બોધને જીવનમાં ઉતારવાને બદલે પથ્થરની મૂર્તિમાં ચણી દીધા. સરદાર પટેલનું પણ બાવલું બનાવ્યું. હવે ગાંધી આશ્રમને સરકારી તિજોરી ભરવા માટેની કામધેનુ બનાવવાના પ્રયાસ ચાલે છે. આ કૃત્ય આપણી હયાતીમાં તો નહીં જ થવા દેવાય.

ઈ.સ. ૧૮૩૦માં થેમ્સ નદીના બે કિનારાને જોડતો લંડનબ્રિજ બાંધવામાં આવેલ. ઈ.સ. ૧૯૬૮માં McCullock નામના ધનપતિએ તે ખરીદી લીધો અને અમેરિકાના રેતાળ પ્રદેશ એરિઝોનામાં પ્રવાસીઓને આકર્ષવા માટે ત્યાં લઈ જઈને ફરી બાંધ્યો. જો ભારત સરકારને પણ ધન કમાવાનો અને વર્તમાન રાજકીય પક્ષ અને ખાસ કરીને વડા પ્રધાનને પોતાના નામે વર્લ્ડક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છોડી જવાનો મનસૂબો હોય, તો આ પ્રકલ્પ ગુજરાત કે ભારત કરતાં બીજા રાજ્ય કે દેશમાં વધુ નાણાં મેળવી આપે એ શક્ય છે.

ગુજરાતની પ્રજા સરદારનું બાવલું બનાવવા ખાતર અસંખ્ય લોકોનાં ઘર, જમીન અને આજીવિકાનાં સાધનો લૂંટાઈ જતાં રોકી ન શકી. હવે સાબરમતી આશ્રમનું વ્યાપારીકરણ થતું અટકાવવા માટે પ્રતિબદ્ધ થવું રહ્યું. NO, THANK YOU જ કહી દેવું રહ્યું.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીના આસપાસનાં ભવ્ય બગીચાઓ, તળાવ, રોપવે વગેરે પાછળ ખર્ચેલ રાશિ કિસાનોને ખેતસુધાર માટે, મહિલાશિક્ષણ અને રોજગારી વાસ્તે, જ્ઞાતિવાદ અને કોમવાદની નાબૂદી માટે તાલીમ પાછળ ખર્ચવા સરદાર પટેલે કહ્યું હોત. તેમ જ ગાંધીજી પણ કહેત કે આ ભૂમિને એક શાંતિસૈનિકો માટેનું તાલીમકેન્દ્ર અને સત્ય-અહિંસાના શાસ્ત્ર માટેનું અભ્યાસ તેમ જ સંશોધનકેન્દ્ર બનાવો, તો જ દુનિયાનું World Class d=Destination બનશે. ફિનિક્સ સેટલમેન્ટે આ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે.

સરકાર ૫૫ એકર જેટલી જમીન કબજે કરવા માંગે છે, ત્યાં અત્યારે કોણ વસે છે, શો વ્યવસાય કરે છે અને તેમની ભાવિ યોજના શી છે, એ જાણીને હાલની પરિસ્થિતિનો ખ્યાલ આપી, આ નવીનીકરણના પ્રસ્તાવનો વિરોધ કરવા તેમને ગાંઠે બાંધી શકાય. જ્યારે દુનિયાના બીજા દેશો વાહનો ઓછાં વાપરીને પર્યાવરણને બચાવવા પગલાં લે છે, ત્યારે ગાંધીના હૃદય સમા હૃદયકુંજને જોવા જવા માટે મોટા રસ્તાઓ અને કારપાર્ક બાંધવા છે? પછી તેની વચ્ચે આશ્રમ સુરક્ષિત રહ્યો તેમ શી રીતે માની શકાય? આવા કાર્યમાં આપણે શી રીતે સાથ આપી શકીએ?

આપ સહુ ટ્રસ્ટીઓ ભારતની અને વિદેશમાં વસતી ભારતીય પ્રજા કે જેને ગાંધી - વિચાર અને આચારનું મૂલ્ય સમજાય છે અને તેને જાળવવાની તરફેણમાં છે, તેમના વતી આ નવીનીકરણના પગલાંને ઊગતું જ રોકી દેવાની અસરકારક ચળવળ આરંભ કરશો તેવી શ્રદ્ધા છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર ગુજરાત અને ભારતની પ્રજાને લેખિત ખાતરી આપે કે વર્તમાનમાં કે ભવિષ્યમાં આ પ્રકારના ફેરફારો કરવામાં નહીં આવે. આ સ્થળ રાષ્ટ્રીય ધરોહર છે. આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે.

આવનારી પેઢી માટે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના અતિ મહત્ત્વપૂર્ણ ઇતિહાસ, તેની પાછળની ભૂમિકા અને તેના હાર્દને પોતાની માટીમાં સંકોરીને ગરિમાપૂર્ણ સાદગીથી, શાનદાર છટાથી પલાંઠી વાળીને બેઠેલા સાબરમતી આશ્રમને દેણગીમાં આપી જવાની આપણી ફરજ છે. ગુજરાત કે કેન્દ્ર સરકાર તેમાં દખલ ન કરી શકે.

આપ સહુને વિગતવાર નિવેદન કરવાની અનધિકૃત ચેષ્ટા કરવા બદલ માફી ચાહું છું, પરંતુ મારી આ વ્યથા, આશંકા અને કંઈક કરી છૂટવાની લાગણીમાં ઘણાં લોકોના મંતવ્યોનો પડઘો છે. આપ સહુ આ હકીકતો જાણો છો, માત્ર અમારા વતી સરકારોને જણાવો તેવી વિનંતી.

આશા રાખું છું, થોડા જ સમયમાં સરકારે આ આખો પ્રકલ્પ પાછો ખેંચી લીધો છે, એવા શુભ સમાચાર મળશે.

આપની વિશ્વાસુ

આશા બૂચના વંદન

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 09 તેમ જ 08

Category :- Opinion / Opinion