OPINION

ચારિત્ર્ય અને પૈસો

પ્રવીણા અવિનાશ
30-07-2013

સારા ચારિત્ર્ય સમાન કોઈ પવિત્ર ધન નથી. માણસ પૈસાથી ધનવાન કહેવાય તેના જેવી કોઈ કરુણતા નથી. જે દિવસે પૈસો માનવને માપવાનું બેરોમિટર ગણાશે તે દિવસે આ ધરા પર અમાસના અંધારા  છવાશે. મહાપુરુષો, ઋષિઓ તેમના ચારિત્ર્યથી શોભાયમાન છે. જેને કારણે સદીઓ અને યુગો પછી પણ તેઓ પંકાય છે.

પૈસો યા લક્ષ્મી ચંચળ છે. તેને પામવી યા ગુમાવવી આસાન છે. પૈસા વગરનો માનવ કંગાલ નથી ગણાતો. ચારિત્ર્ય વગરના માનવની કશી કિમત નથી. ચારિત્ર્ય કોઈ પણ ભોગે સુરક્ષિત હોવું જોઈએ.  

ચારિત્ર્યહીન માનવ ભલેને પૈસામાં આળોટતો હશે તો પણ તેની કશી કિંમત નહીં હોય. સામાન્ય માનવ જેની પાસે સવારે ખાધા પછી રાત્રે મળશે કે નહીં એવો પ્રશ્ન ઊભો હોય, છતાં તે જો ચારિત્ર્યવાન હશે તો આદર પામશે. પૈસો સર્વસ્વ છે એ વિચાર અસ્થાને છે. ધનવાનો ખુલ્લે આમ જાણતા હોય છે કે ‘આ હું નથી બોલતો, મારો પૈસો બોલે છે.’ તેમને આદર અને સન્માન માત્ર સ્વાર્થ સાધવા પૂરતા હોય છે. સ્વાર્થ સર્યો અને 'હું કોણ, તું કોણ' જેવા હાલ થાય છે.

જો પૈસા સાથે ચારિત્ર્યનું બળ હોય તો 'સોનામાં સુગંધ' જેવું લાગે. જે દિવસે પૈસાથી માનવીની કિંમત અંકાશે ત્યારે એ સમાજ ક્યાં જઈને અટકશે એ ગહન પ્રશ્ન છે ! પૈસાથી બધું ખરીદી શકાય ઊંઘ અને શાંતિ પૈસો કદી મેળવી નહી આપે !

ચારિત્ર્યની તો વાત બહુ દૂર રહી.

મનુષ્યએ પ્રયત્ન અને સજાગવૃત્તિથી ચારિત્ર્યનું રક્ષણ કરવું. પૈસો તો હાથનો મેલ છે. ક્યારે છેહ દેશે તેની કોઈને ખબર નથી. માનવ ગુમાવેલ પૈસો મેળવવા શક્તિમાન છે. જેનું ચારિત્ર્ય અનીતિનો પૈસો કમાવામા શિથિલ થાય છે તેનું પતન નિશ્ચિત છે. તેનું રક્ષણ કરવા પ્રયત્ન કરતા રહેવું જરૂરી છે. પૈસો તો આજે છે ને કાલે નથી. જે ગુમાવ્યા પછી પાછો મેળવી શકાય. પૈસો ગુમાવવાથી આદર અને સન્માન ખોવાતા નથી. કિંતુ ચારિત્ર્ય શિથિલ થાય પછી આદર સન્માન પાછાં મેળવવા મુશકેલ છે. માનવનું પતન તેનાથી સંભવિત બને તે હકીકત છે. 'યેન કેન પ્રકારેણ' કદાચ માનવી પૈસો પ્રાપ્ત કરી શકે. સ્વના ચારિત્ર્યનું રક્ષણ તેને સદાબહાર ઇજ્જત અને આદર આપવા શક્તિમાન છે. પૈસાની ઝાકમઝોળ તેને સ્પર્શી શકતી નથી.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

રોયલ બેબીના આગમને વધુ એક વાર સાબિત કર્યું છે કે રાજા પ્રત્યેની સામાન્ય લોકોની માનસિકતામાં આજે પણ કોઈ ફરક પડયો નથી. લાગે છે, 'બિચારા' લોકો આજે પણ 'સ્વરાજ'નો અર્થ કે આસ્વાદ પામી શક્યા નથી!

ગયા સપ્તાહના પ્રારંભે જ આખી દુનિયાને એક 'ગૂડ' ન્યૂઝ મળ્યા, સોળ-સોળ દેશનાં મહારાણી એલિઝાબેથ-દ્વિતીયના દીકરાના દીકરાના ઘરે પુત્રરત્નનો જન્મ થયો! રાણી'શાસિત' સોળ દેશોમાં હરખની હેલી સર્જાય તે તો સમજાય, પણ નવા પ્રિન્સના સમાચારે આખી દુનિયાને ઘેલી કરી. આમ તો પ્રિન્સ વિલિયમ્સની અર્ધાંગિની કેટ મિડલટન પ્રેગ્નન્ટ થવાના સમાચાર મળ્યા ત્યારથી માંડીને તેને લેબર પેઇન ઊપડયું ત્યાં સુધીના વિગતવાર સમાચારો મીડિયામાં હોટ કેક ગણાતા હતા અને છાશવારે ટીવી-અખબારો અને અન્ય માધ્યમોમાં છવાતા હતા, પરંતુ બેબી બોયના જન્મના ખબર આપવા માટે મીડિયામાં રીતસર હોડ જ જામી ગઈ હતી. આ અંગે ઈઝરાયેલના એક અખબારે કટાક્ષમાં લખ્યું હતું, ‘આજે રોયલ પરિવારનો એક નવો હીરો પેદા થયો છે ત્યારે કેમેરોન, હોલાંડે, નસરલ્લા કે ઓબામાને કોણ પૂછે છે? શું (બ્રિટિશ) સામ્રાજ્યનો અસ્ત થયો છે? સામ્રાજ્ય અમર રહો!’ આપણે જાણીએ છીએ કે કેમરોન, હોલાન્ડે કે ઓબામા લોકો દ્વારા ચૂંટાયેલા નેતાઓ છે, છતાં એક નવજાત શિશુ આગળ ઝાંખા પડી જાય છે, શા માટે? આવું થવા પાછળનું સૌથી મોટું કારણ છે - લોકોની માનસિકતા. લોકો આજે પણ રાજાઓ, સમ્રાટો, નવાબો, ઠાકોરસાહેબો કે ગામધણીઓ પ્રત્યે અહોભાવની ભાવના ધરાવે છે.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું એક જાણીતું વાક્ય છે, નવા બાળકનું અવતરણ એ બાબતની સાબિતી છે કે ઈશ્વરે માનવજાત પ્રત્યે હજુ શ્રદ્ધા ગુમાવી નથી! બાળક કોઈ સામાન્ય વ્યક્તિના ઘરે જન્મે કે પ્રિન્સ વિલિયમ્સના ઘરે, બાળજન્મની ઘટના તો આવકારદાયક અને આનંદદાયક જ હોય, પણ રોયલ બેબીના આગમનની ઘટનાને વિશ્વભરનાં માધ્યમો દ્વારા જે રીતે ચગાવવામાં આવી અને સામે વિશ્વભરના લોકોમાં જે હરખના હુમલા જોવા મળ્યા, તેણે આપણી રાજા-રૈયતવાળી જીર્ણ માનસિકતાને વધુ એક વાર પ્રકાશમાં આણી છે. એકવીસમી સદીમાં જ્યારે લોકશાહી તત્ત્વો અને તંત્રો સ્થિર, સ્થાયી અને મજબૂત બન્યાં છે ત્યારે પણ લોકોની રાજ-ઘેલછા, કુળ-ઘેલછા કેટલાક પ્રશ્નો જગાવી જાય છે.

રાજાશાહીની વાત કરીએ તો એકવીસમી સદીમાં આ શાસન પદ્ધતિ આઉટ ઓફ ડેટ છે. વિશ્વના ૨૦૦થી વધારે દેશોમાંથી માત્ર ગણીને સાત દેશોમાં જ પૂર્ણ રાજાશાહી અસ્તિત્વમાં છે. વળી, આ દેશો બહુ જ નાના છે. આ ઉપરાંત ૨૧ દેશોમાં રાજાઓનું અસ્તિત્વ છે ખરું પરંતુ ત્યાં શાસન તો લોકો દ્વારા ચૂંટાયેલી સરકારો દ્વારા જ ચાલે છે. પ્રિન્સ વિલિયમ્સ જેના વારસ છે એ બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત ૧૬ દેશોનો સમાવેશ થાય છે, છતાં આ બધા ય દેશોમાં પણ ચૂંટાયેલી લોકશાહી સરકારો જ શાસન કરી રહી છે.

દુનિયાના ૨૦૦માંથી ૯૭ ટકા દેશોમાં લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર કાર્યરત હોવા છતાં લોકશાહી મૂલ્યો અને સંસ્કારોની મોટી કમી વર્તાઈ રહી છે. રાજા-રજવાડાં પ્રત્યેના અહોભાવના મૂળમાં છે - ભવ્યતા પ્રત્યેનો મોહ. લોકો ભવ્યતાથી અંજાય છે. સદીઓ સુધી રાજાઓ નીચે કચડાયેલા લોકો હવે લોકશાહીના યુગમાં સ્વરાજ પામ્યા છે, છતાં માનસિકતા બદલાઈ નથી. ચૂંટાયેલો પ્રતિનિધિ પણ સીધો-સાદો હોય તો આપણને તેના માટે કદાચ માન થાય પણ અહોભાવ તો ફેશનેબલ અને રાજા જેવા તોર ધરાવતા નેતા પ્રત્યે જ જાગતો હોય છે. આપણા રાજકારણમાં યુવરાજો ઉભરાઈ રહ્યા છે, તેના મૂળમાં પણ લોકોની આ માનસિકતા જ જવાબદાર છે. આપણી માનસિકતા ન બદલાયાનું બીજું કારણ એ છે કે લોકોને આજે પણ 'સ્વરાજ'નો અહેસાસ થતો નથી. વળી, લોકશાહીમાં સૌ સમાનનો સંસ્કાર હજુ આપણામાં કેળવાયો જ નથી, કારણ કે સામાજિક-આર્થિક-રાજકીય અસમાનતાઓ આજેય પ્રવર્તમાન છે. નાત-જાત-કોમ-કુળને ભૂલીને 'સૌને સમાન તક' હજુ દૂરની વાત માલૂમ પડે છે. કોઈ ને કોઈ રીતે ઉચ્ચ કે નીચનો અહેસાસ માનવીને થતો રહે છે. આ સ્થિતિ અને મનોદશા ક્યારે બદલાશે?

e.mail : [email protected]

(સૌજન્યઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, July 27, 2013)

Category :- Opinion Online / Opinion