OPINION

શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના દસમા અધ્યાય, વિભૂતિ યોગમાં, શ્રીકૃષ્ણે પોતે વૃક્ષોમાં પીપળો, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, શસ્ત્રોમાં વજ્ર, નદીઓમાં ગંગા, શબ્દોમાં ઓમકાર હોવાની વાત કરીને શ્રેષ્ઠતા ત્યાં પ્રભુતાનો સિદ્ધાંત સમજાવ્યો હતો. આ તર્જ પર કહેવું હોય તો કહી શકાય કે શ્રીકૃષ્ણ ડિક્શનરીઓમાં ઓક્સફર્ડ બનવાનું પસંદ કરે! ઓક્સફર્ડની અંગ્રેજી ડિક્શનરી વિશ્વશ્રેષ્ઠ મનાય છે, કારણ કે તે લગભગ તમામ શબ્દોને આવરી લેતી અને ભૂલરહિત છે. ઓક્સફર્ડ ડિક્શનરીમાં શબ્દોની સાચી જોડણી, શબ્દનો અર્થ, તેનું ઉચ્ચારણ તેમ જ શબ્દનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ જાણવા મળે છે. ઓક્સફર્ડ ડિક્શનરીને યાદ કરવાના આજે બે નિમિત્ત છે. એક તો ઇ.સ. ૧૮૮૪ની આજની તારીખે એટલે કે ૧ ફેબ્રુઆરીના રોજ ઓક્સફર્ડ ડિક્શનરીનો પહેલો ખંડ પ્રસિદ્ધ થયો હતો. બીજું નિમિત્ત એ છે કે ઓક્સફર્ડ યુનિર્વિસટી પ્રેસ દ્વારા જ પ્રકાશિત કરવામાં આવતી ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરી(ઓએએલડી)ની નવમી સંશોધિત-સંવર્ધિત આવૃત્તિ તાજેતરમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે.

એકવીસમી સદીમાં દુનિયા એક નાનકડા ગામડા જેવી બની ગઈ છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે અંગ્રેજી અવ્વલ છે અને અંગ્રેજી વિશ્વભાષાનો દરજ્જો અને દબદબો ભોગવે છે, એવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય. અંગ્રેજી વેપારી ભાષા તરીકે પણ વગોવાતી હોવા છતાં તે કરોડો લોકોની વહાલી ભાષા છે. અંગ્રેજીની સ્વીકાર્યતા આટલી વ્યાપક હોવાના ઐતિહાસિક કારણોની ચર્ચા તો ઘણી લાંબી થાય, પણ એક બાબત નોંધવી જ રહી કે ભાષા તરીકે અંગ્રેજીએ અનેક પ્રદેશો-દેશોની ભાષાના શબ્દોને આવકાર્યા અને સ્વીકાર્યા હોવાને કારણે જ તે આ હદે સ્વીકાર્ય બની છે. અંગ્રેજી ભાષાની જેમ અંગ્રેજીનો શબ્દકોશ એવી ઓક્સફર્ડ ડિક્શનરી પણ નવા નવા શબ્દોને સ્વીકારે છે અને પોતાનામાં સમાવતી રહી છે. એમાં ય ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરી, જે ખાસ કરીને એવા લોકોને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કરવામાં આવી છે, જેમના માટે અંગ્રેજી બીજા ક્રમની ભાષા છે, એટલે કે જે લોકોની માતૃભાષા અંગ્રેજી નથી એવા લોકો માટે આ ડિક્શનરી પ્રકાશિત થાય છે.

ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરીનું પહેલી વાર ૧૯૪૮માં પ્રકાશન કરવામાં આવ્યું હતું. આ ડિક્શનરીનું આજ સુધીમાં ત્રણ કરોડ ૮૦ લાખ કોપીનું વેચાણ થયું છે તો ૧૩ લાખ લોકોએ તેની એપ ડાઉનલોડ કરી છે. ઓક્સફર્ડ યુનિર્વિસટી પ્રેસ મુદ્રિત સ્વરૂપ ઉપરાંત છેલ્લાં કેટલાંક વર્ષોથી ડી.વી.ડી. ફોરમેટમાં પણ પ્રસિદ્ધ કરે છે. લર્નર્સ ડિક્શનરીનું આ વખતે પહેલી વાર ઓનલાઇન વર્જન પણ લોન્ચ થયું છે.

ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરીની જે લેટેસ્ટ નવી આવૃત્તિ પ્રકાશિત થઈ છે, તેમાં ૯૦૦ જેટલા નવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. આપણા માટે આનંદની બાબત એ છે કે ૯૦૦ શબ્દોમાંથી ૨૪૦થી વધારે શબ્દો તો ભારતીય ભાષાઓના અને ભારતીય અંગ્રેજીના સમાવાયા છે. ભારતીય લોકો દુનિયાભરમાં પ્રસર્યા છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી વિદેશોમાં જે રીતે ભારતીય મૂળના લોકો પ્રભાવશાળી બનતા ગયા છે, તેને કારણે ભારતીય ભાષા અને સંસ્કૃિતનો પ્રભાવ પણ વિસ્તર્યો છે. ઓક્સફર્ડની લેટેસ્ટ આવૃત્તિમાં ખાસ કરીને ભારતીય ભોજનના શબ્દોને સ્થાન મળ્યું છે. ભારતીય વ્યંજનો ગ્લોબલ થઈ રહ્યા છે ત્યારે ભારતીય ભાષાના 'પાપડ', 'ખીમા' અને 'કરી લીફ' (કઢીમાં નાખવાની પાંદડી) જેવા શબ્દોને સમાવવામાં આવ્યા છે. ભારતમાં બોલાતી અંગ્રેજી ભાષામાં અનેક નવા અંગ્રેજી શબ્દો સર્જાયા છે તો સાથે સાથે અંગ્રેજી શબ્દોને ભારતમાં નવો-વિશિષ્ટ અર્થ પણ પ્રાપ્ત થયો છે. આવા શબ્દોમાં 'જુગાડ', 'કિટ્ટી પાર્ટી', 'વિદેશી', 'મિક્સી' (ખાદ્ય પદાર્થો માટેનું મિક્ચર), 'ટાઇમપાસ'નો સમાવેશ થયો છે. ઓ.એ.એલ.ડી.ની આઠમી આવૃત્તિમાં રોટી, થાળી, પાન, બિરયાની, ભાજી, સમોસાં, સારી, દુપટ્ટા, સલવાર, કમિઝ, ચુડીદાર, બોલિવૂડ, ભાંગડા, રાગ, મોન્સુન, મેદાન, ઓટો રિક્સા વગેરે આશરે ૨૦૦ જેટલા શબ્દો સમાવાયા હતા.

ઓક્સફર્ડ ડિક્શનરી સતત અપડેટ થતી રહે છે. ડિક્શનરી તરોતાજા રાખવા માટે તેના નિષ્ણાતો સમગ્ર વિશ્વમાં ફરે છે અને અંગ્રેજીમાં પ્રચલનમાં આવ્યા હોય એવા નવા નવા શબ્દો શોધે છે અને આ નવા શબ્દો અંગે ચર્ચા-વિચારણા કરીને કયા કયા શબ્દોને નવી આવૃત્તિમાં સમાવવા એનો નિર્ણય લેવામાં આવે છે. હવે તો સોશિયલ મીડિયામાં વપરાતા નવા શબ્દોને પણ આ ડિક્શનરીમાં સમયાંતરે સમાવવામાં આવે છે. નવી આવૃત્તિમાં ૨૦ ટકા શબ્દો સોશિયલ મીડિયામાંથી લેવાયા છે!

ઓક્સફર્ડ જેવી વિશ્વમાન્ય ડિક્શનરીમાં ભારતીય શબ્દો ઉમેરાય તેનો ગર્વ લેવાની સાથે સાથે આપણે ભારતીય ભાષાઓના શબ્દકોશ અંગે પણ ચિંતા અને ચર્ચા કરવી રહી. ગુજરાતીમાં નર્મદે તૈયાર કરેલો નર્મ કોશ, ગાંધીજીની પ્રેરણાથી તૈયાર થયેલો સાર્થ જોડણીકોશ, કે.કા. શાસ્ત્રીએ તૈયાર કરેલો શબ્દકોશ છે તો રતિલાલ ચંદરયાના અથાક પ્રયાસોથી ગુજરાતી લેક્સિકોન નામે ઓનલાઇન કોશ પણ ઉપબ્ધ થયો છે. જો કે, ગુજરાતી ભાષાના આ જુદા જુદા કોશ અંગે મોટા ભાગના કોસિયા (કોમન મેન) અજાણ છે, એ કમનસીબી ક્યારે દૂર થશે?

e.mail : [email protected]

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કોલમ, “સંદેશ’, 01 ફેબ્રુઆરી 2015

http://sandesh.com/article.aspx?newsid=3037512

Category :- Opinion Online / Opinion

જો નરેન્દ્ર મોદીની સરકારે જાણીબૂજીને બંધારણના આમુખમાંથી સેક્યુલર શબ્દ હટાવવાની રમત કરી હોય તો એ આધુનિક રાજ્યમાં શ્રદ્ધા ધરાવનારાઓએ સાવધાન રહેવું પડે એવી ગંભીર ઘટના છે

૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતાએ એક ઍડ્વર્ટાઇઝમેન્ટ અખબારોમાં રિલીઝ કરી હતી, જેમાં ભારતના બંધારણનું આમુખ આપવામાં આવ્યું હતું. આમુખમાં બે શબ્દો આપવામાં આવ્યા નહોતા. આ બે શબ્દો હતા - સેક્યુલર અને સોશ્યલિસ્ટ. જાહેરખબરમાંથી આ બે શબ્દો જાણીબૂજીને હટાવવામાં આવ્યા હતા કે પછી ભૂલ હતી એ વિશે વિવાદ ચાલી રહ્યો છે. સરકારની મથરાવટી જમણેરી હિન્દુ રાષ્ટ્રવાદીની છે એટલે શંકા જવી સ્વાભાવિક છે. વર્તમાન કેન્દ્ર સરકારને સમાજવાદ અને સેક્યુલરિઝમ માટે સૂગ છે એટલે સર્વસાધારણ ધારણા એવી છે કે સરકારે જાણીબૂજીને આમ કર્યું હોવું જોઈએ.આ વિવાદ પછીની સરકારની પ્રતિક્રિયા વિવાદને શમાવવાની જગ્યાએ વિવાદને વકરાવનારી છે અને શંકાને વધારે મજબૂત કરનારી છે. શંકાને પુષ્ટિ આપનારું નિવેદન માહિતી અને પ્રસારણ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન જયવર્દનસિંહ રાઠોડે કર્યું હતું. તેમણે બચાવ કર્યો હતો કે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે જે બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું એમાં આ બે શબ્દો નહોતા. તેમણે શંકાનું નિરાકરણ કરતાં પાછો એવો પણ બચાવ કર્યો હતો કે આગળની UPA સરકારે જે જાહેરખબર આપી હતી એમાં પણ એ બે શબ્દો નહોતા અને વર્તમાન સરકારે એ જાહેરખબર આખેઆખી ઉઠાવી હતી. બીજું આવું જ શંકા પેદા કરનારું નિવેદન કેન્દ્રના કમ્યુિનકેશન અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. મૂળ આમુખમાં આ બે શબ્દોને સમાવવામાં આવ્યા નહોતા અને એની પાછળ કારણ હતું. જવાહરલાલ નેહરુએ અને ડૉ. આંબેડકરે આ બે શબ્દો માટે આગ્રહ નહોતો રાખ્યો, તો શું તેઓ પણ ઓછા સેક્યુલર હતા? એ પછી સરકાર પર જ્યારે પસ્તાળ પડવા માંડી ત્યારે કેન્દ્રના શહેરી વિકાસ ખાતાના પ્રધાન વેન્કૈયા નાયડુએ ખુલાસો કર્યો હતો કે કેન્દ્ર સરકાર બંધારણના આમુખમાં કોઈ પરિવર્તન કરવા માગતી નથી અને સેક્યુલરિઝમ ભારતની પ્રજાના લોહીમાં છે એટલે કોઈએ ડરવાની જરૂર નથી. વડા પ્રધાન હંમેશ મુજબ ચૂપ છે.


એ વાત ખરી છે કે બંધારણના મૂળ આમુખમાં આ બે શબ્દો નહોતા. આ બે શબ્દો ઇમર્જન્સીમાં ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણમાં ૪૨મો સુધારો કરીને ઉર્મેયા હતા. મૂળ આમુખમાં આ બે શબ્દો નહોતા એની પાછળ કારણ હતું. આમુખમાં બંધારણનો આખો સાર આવી જાય છે અને ગણતરીના શબ્દોમાં જ્યારે આખા બંધારણનો સાર અને આત્માને અભિવ્યક્ત કરવા હોય ત્યારે શબ્દોની ચોકસાઈ જરૂરી છે. આમુખમાં એવા જ શબ્દો વાપરવામાં આવ્યા છે જેની વ્યાખ્યા કરવાની જરૂર ન હોય. મૂળ આમુખમાં સોવરેન, ડેમોક્રૅટિક, રિપબ્લિક, જસ્ટિસ, લિબર્ટી, ઇક્વલિટી અને ફ્રેટરનિટી જેવા શબ્દો વ્યાખ્યા કર્યા વિના વાપરવામાં આવ્યા છે, કારણ કે આઝાદીના આંદોલન દરમ્યાન આ શબ્દો પાછળની ભાવના સ્પષ્ટ થઈ ગઈ હતી અને સર્વસંમતિ બની ગઈ હતી. સેક્યુલર શબ્દ એટલા માટે મૂકવામાં નહોતો આવ્યો કે એના અનેક અર્થો થાય છે. નાસ્તિક, ધર્મવિરોધી, ધર્મની બાબતમાં સંપૂર્ણપણે તટસ્થ અને ધર્મનિરપેક્ષ એવા અનેક અર્થો થાય છે. ભારતનું સેક્યુલરિઝમ તો પાછું જરૂર પડે તો ધર્મની બાબતમાં હસ્તક્ષેપ કરનારું પણ છે. મૂળભૂત માનવીય મૂલ્યો અને ધાર્મિક મૂલ્યો જ્યારે અથડાય ત્યારે સરકાર ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર ધરાવે છે. જેમ કે ધાર્મિક શ્રદ્ધાના નામે કોઈની સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર ન કરી શકાય. માનવીય ગૌરવ દલિતનો મૂળભૂત અધિકાર છે અને ઉવેખી ન શકાય એવું માનવીય મૂલ્ય પણ છે.૬૫ વર્ષ પછી હજી આજે પણ જેનો અર્થ અને ભાવના રૂઢ નથી થયા એ સેક્યુલર શબ્દ આમુખમાં વાપરવામાં નહોતો આવ્યો એનું બીજું પણ એક કારણ હતું. બંધારણના મૂળભૂત અધિકારોના પ્રકરણમાં અને ખાસ કરીને આર્ટિકલ ૨૫ અને ૨૬માં તેમ જ રાઇટ ટુ ફ્રીડમ અને રાઇટ ટુ ઇક્વલિટીને લગતા આર્ટિકલ્સમાં સેક્યુલરિઝમના ભારતીય સ્વરૂપની વિગતે અને ઝીણવટપૂર્વક વ્યાખ્યા કરવામાં આવી છે. ભારતનું સેક્યુલરિઝમ એકંદરે ધર્મનિરપેક્ષ અને જરૂર પડ્યે હસ્તક્ષેપ કરવાના સરકારના અધિકારવાળું છે. આમ જ્યારે અનેક અર્થોવાળા શબ્દની યોગ્ય સ્થળે વિગતે અને ચોકસાઈપૂર્વક સ્પક્ટતા કરવામાં આવી હતી એટલે આમુખમાં સેક્યુલર શબ્દ મૂકવાની બંધારણ ઘડનારાઓને જરૂર નહોતી લાગી. ઇન્દિરા ગાંધીની સરકારે સોશ્યલિસ્ટ અને સેક્યુલર શબ્દ ઉર્મેયા હતા, જેની ખરું પૂછો તો કોઈ જરૂર નહોતી. આમાં સોશ્યલિઝમ શબ્દ તો સાવ નિરર્થક હતો. અર્થનીતિ રાજ્યની શ્રદ્ધા અને આત્મા ન હોઈ શકે. એ પ્રસંગોપાત્ત જરૂર પડ્યે બદલાતી રહેતી હોય છે. ૧૯૯૧ પછી કૉન્ગ્રેસ સરકારે જ સમાજવાદને તિલાંજલિ આપવાનું શરૂ કર્યું હતું. ઇમર્જન્સીમાં ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણમાં બીજા પણ સુધારા કર્યા હતા જેમાં સૌથી ઘાતક સુધારો બંધારણના મૂળભૂત માળખામાં પરિવર્તન કરવાનો સંસદ અધિકાર ધરાવે છે એ હતો. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીનો પરાજય થયો અને કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર આવી હતી. જનતા પાર્ટીમાં ભારતીય જનસંઘ એક ઘટક પક્ષ હતો અને અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી સરકારમાં સિનિયર પ્રધાનો હતા. જનતા પાર્ટીની સરકારે બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરવાનો લોકપ્રતિનિધિઓ અધિકાર ધરાવે છે એવો સુધારો રદ કર્યો હતો એટલું જ નહીં, બંધારણના મૂળભૂત માળખામાં સંસદ કોઈ પણ સંજોગોમાં સુધારો ન કરી શકે એવું ઉમેરવામાં આવ્યું હતું. અહીં યાદ રાખવું જોઈએ કે એ જ જનતા પાર્ટીની સરકારે આમુખમાં ઉમેરવામાં આવેલો સેક્યુલર શબ્દ હટાવ્યો નહોતો, જેમાં વાજપેયી-અડવાણી ભાગીદાર હતા. આનું કારણ એ હતું કે ત્રણ દાયકા દરમ્યાન સેક્યુલરિઝમ ભારતીય રાજ્યનો આત્મા છે જેની વ્યાખ્યા બંધારણમાં યોગ્ય સ્થળે કરવામાં આવી છે.નરેન્દ્ર મોદીની સરકારે હજી એક ઇતિહાસ યાદ રાખવાની જરૂર છે જે તાજો છે અને એનો પોતાનો NDA સરકારનો છે. વાજપેયી સરકારે નિવૃત્ત ન્યાયમૂર્તિ એમ.એન. વેન્કટચેલૈયાની અધ્યક્ષતામાં નૅશનલ કમિશન ફૉર રિવ્યુ ઑફ વર્કિંગ કૉન્સ્ટિટ્યુશન નામના એક પંચની રચના કરી હતી જેને બંધારણના પુનમૂર્લ્યાંકનનું કામ સોંપ્યું હતું. કમિશને અહેવાલ આપ્યો હતો કે ભારતના બંધારણના મૂળભૂત માળખામાં પરિવર્તન કરવાની જરૂર નથી, કરવું પણ ન જોઈએ અને સંસદને એવો અધિકાર પણ નથી.જો નરેન્દ્ર મોદીની સરકારે જાણીબૂજીને આવી રમત કરી હોય તો એ આધુનિક રાજ્યમાં શ્રદ્ધા ધરાવનારાઓએ સાવધાન રહેવું પડે એવી ગંભીર ઘટના છે. દેશમાં વ્યાપક ઊહાપોહ થઈ રહ્યો છે એનું કારણ આ છે.

સૌજન્ય : ‘મંતવ્ય સ્થાન’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 ફેબ્રુઆરી 2015

http://www.gujaratimidday.com/features/columns/2015-02-02-06-48-46-2

Category :- Opinion Online / Opinion