OPINION

સૌપ્રથમ તો હું ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રત્યે આભારનો અને સવિશેષ તો આનંદનો, ભાવ વ્યક્ત કરું છું. આનંદનો ભાવ એટલા માટે કે વર્ષો પહેલાં આ ઇમારતી ઈંટો હજુ નવીસવી હતી, ત્યારથી મારી આવ-જા આ ભવનમાં શરૂ થઈ છે. અમદાવાદ છોડ્યા પછી પણ જ્યારે અમદાવાદ આવવાનું થયું છે, ત્યારે પરિષદમાં આવવું મારે માટે એક પોતીકી જગ્યાએ આવવાનું હોય એમ લાગ્યું છે અને આજે પણ એમ લાગે છે, તેનો આનંદ છે.

આજે સાંજે મળવાનો પ્રસ્તાવ દર્શક ફાઉન્ડેશન તરફથી થયો, ત્યારે મેં તરત હા પાડી હતી. એનાં બે કારણો હતાં : એક તો હું કોઈ જ્ઞાનગઠરિયાં લઈને આવ્યો નથી એટલે કે મને મૂંઝવતા કેટલાક પ્રશ્નો આપના જેવા સહચિંતકો સાથે વિચારવાનો મોકો મળે તેનો લાભ લેવાની મારી સ્વાર્થવૃત્તિ હતી. બીજા એક અગત્યના કારણમાં સંદર્ભ છેલ્લે દર્શકને અમદાવાદમાં મળ્યો હતો, ત્યારે થયેલી વાતચીત સાથે છે. ત્યારે વિજ્ઞાન અને સમાજના કેટલાક પ્રશ્નો અંગે વાત કરતાં વર્ષો પહેલાં થયેલા અવકાશી પ્રયોગશાળાના સ્પેઇસ લૅબ-ના પતનનો ઉલ્લેખ મેં કર્યો હતો. તે પ્રયોગશાળાનો કૃત્રિમ ઉપગ્રહ ક્યાં ય પણ પડી શકે એવા અખબારી અહેવાલો હતા. તમે આધુનિક યંત્રવૈજ્ઞાનિક સવલતોથી અલિપ્ત એવા કોઈ ગામડાના આંગણામાં બેઠા હોય, ત્યાં પણ એ અવકાશી પ્રયોગશાળા પડી શકે અને તમારી આંખ સામે વિનાશ ફેલાવી શકે. એટલે જો કોઈ વ્યક્તિનો અભિગમ આધુનિક યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃિતના વિરોધમાં હોય તો તેણે પણ અવકાશી પ્રયોગશાળાના કૃત્રિમ ઉપગ્રહની ભલે ઇજનેરી વિગતો નહીં, પણ સામાજિક સંદર્ભની વિગતો તો જાણવી રહી, નહીં તો એ ઉપગ્રહ પોતાના ખોરડા પર ખોળામાં ક્યારે અને કેમ આવી પડે છે, તે સમજી શકશે નહીં. વૈજ્ઞાનિક તથા યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃિતના કડક આલોચક પણ એના જરૂર પૂરતા અભ્યાસ પ્રત્યે ઉપેક્ષા કરશે, તો તે જીવના જોખમે હશે. ત્યારે મને દર્શકે કહેલું કે આ પ્રકારના મુદ્દા વિશે એમની સાથે તળભૂમિમાં અધ્યાપન અને રચનાત્મક કાર્યમાં જોડાયેલા કાર્યકરો સાથે વાર્તાલાપનો એક દોર ગોઠવીએ. દર્શકની ચિંતક તરીકેની આ એક ઉદારતા હતી કે મારા જેવા શિખાઉને એમણે એ રીતે પ્રોત્સાહન આપ્યું હતું. ખેર, ત્યાર પછી તો એ મોટી જાત્રાએ ચાલી નીકળ્યા. અને આ અંગે કંઈક એમના સહકાર્યકર્તાઓ સમક્ષ રજૂ કરવાનો જે સંકલ્પ હતો, તે અધૂરો રહ્યો હતો. એટલે જ્યારે આ આમંત્રણ મળ્યું, ત્યારે દર્શક પ્રત્યેનું મારું ઋણ કંઈક અંશે પણ ભરવાની તક મેં ઝડપી લીધી. બૅંકનો દેણદાર જો યથાશક્તિ હપતો ચૂકવવા આવ્યો હોય તો એકસામટું પૂરેપૂરું દેણું ભરપાઈ નથી કરી શકતો એ બાબત પરત્વે બૅંક એને રહેમનજરથી જુએ છે. એટલે આ વિષય અંગેના વાર્તાલાપ વિશે તમે પણ એવી દૃષ્ટિથી જોશો એવી મને આશા છે.

મારે જે થોડાક મુદ્દા આપની સમક્ષ રજૂ કરવા છે તેને માટેનાં કેટલાંક ઉદાહરણ હું સ્વાસ્થ્યવિજ્ઞાનના વિભાગમાંથી લઈશ. જો કે ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, અવકાશી વિજ્ઞાન એમ વિજ્ઞાનની કોઈ પણ શાખામાંથી ઉદાહરણો લઈ હું એ મુદ્દાઓ રજૂ કરી શકું. પરંતુ રજૂઆતમાં માહિતી અને તારણો એમ જે બે પાસાં હોય છે, તેમાં સ્વાસ્થ્ય-વિજ્ઞાનનાં ઉદાહરણો માટની હું જે માહિતી આપું તે - મારા શિક્ષણ અને અધ્યયનની પૃષ્ઠભૂમિકા આપને ખબર છે તેથી - સ્વીકારવા આપને કશી વિસ્તૃત પ્રસ્તાવનાની આવશ્યકતા ન રહે. હા, એ માહિતીને આધારે કરેલાં મારાં તારણો વિશે મતભેદ હોઈ શકે, જે સ્વાભાવિક છે. પરંતુ મારો મત છે કે જે તારણો હું સ્વાસ્થ્યવિજ્ઞાનને આધારે રજૂ કરીશ, તે તારણો અન્ય વિજ્ઞાનને પણ લાગુ પડે છે. કેટલાંક કારણોસર ઉદાહરણો હું વિજ્ઞાનપ્રવાહના પશ્ચિમ કાંઠેથી લઈશ, વિજ્ઞાનના પશ્ચિમ પ્રવાહને કાંઠેથી નહીં. વિજ્ઞાનનો પ્રવાહ ભૌગોલિક કે રાજકીય વિભાગો પ્રમાણે વહેંચી શકાય, તેવો હોય એમ હું માનતો નથી.

હિપોક્રેટિસ નામના એક ગ્રીક ચિકિત્સક થઈ ગયા, જેમનો જીવનકાળ હતો આશરે ઈ.સ. પૂર્વે આશરે ૪૬૦થી ઈ.સ. પૂર્વે ૩૭૦ સુધીનો. એમનાં ઘણાં લખાણો ઉપલબ્ધ છે. ત્યારે ગ્રીક સમાજમાં દેવોનો મહિમા ભારે હતો, જે આપણને હોમરના ઇલિયડ તથા ઓડેસિયસ કથાકાવ્યોમાં જોવા મળે છે. હિપોક્રેટિસે પ્રતિપાદન કર્યું કે નિદાનની ચિકિત્સાની વિદ્યા માણસ પોતાના નિરીક્ષણથી મેળવી શકે છે. સ્વાસ્થ્ય તેમ જ રોગ ત્રણ પ્રકારના ગુણદોષ આધારિત હોય છે. દૈવનો એમાં પ્રાથમિક ફાળો હોતો નથી. હિપોક્રેટિસનું બીજું એક અગત્યનું પ્રદાન એની વિદ્યાશાખામાં જોડાનારા ચિકિત્સકોને માટે તૈયાર કરેલા શપથ વિશેનું છે. હિપોક્રેટિસના શપથ તરીકે ઓળખાતો દસ્તાવેજ માંડ એક પાનાનો છે, પણ એનું દાર્શનિક અને વૈજ્ઞાનિક મૂલ્ય ઘણું છે. એની વિગતવાર ચર્ચાનો અત્રે અવકાશ નથી. એમાંથી એક કથન ઉપર આપનું ધ્યાન દોરું છું. એ શપથ કહે છે, “હું ચિકિત્સક તરીકે જે ઘરમાં દાખલ થઈશ, ત્યાં રોગીના ભલા માટે જઈશ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, સ્વતંત્ર નાગરિક હોય કે ગુલામ.”2 તત્કાલીન ગ્રીક સમાજ વિશે કાંઈ પણ ન જાણતા હોઈએ તો પણ આપણે આ વિધાન પરથી અનુમાન કરી શકીએ કે ત્યારે પુરુષ અને સ્ત્રી પ્રત્યેના વ્યવહારમાં ભેદભાવ હશે અને સહેજ અટકળથી માની શકાય કે તત્કાલીન સમાજમાં પુરુષની સરખામણીમાં સ્ત્રીનું સ્થાન ઊતરતું ગણાતું હશે, એથી પણ વધુ સ્પષ્ટ સ્થિતિ સ્વતંત્ર નાગરિક અને ગુલામ અંગેની છે. એમાં ગુલામોનું સ્થાન નીચું હશે એ વિશે અટકળ કરવાની પણ જરૂર રહેતી નથી. હિપોક્રેટિસ શપથમાં ચિકિત્સક વચનબદ્ધ થાય છે કે હું પણ રોગીના ભલા માટે એકસરખી રીતે, ભેદભાવ વિના કામ કરીશ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, નાગરિક હોય કે ગુલામ. તો આ શપથમાં તત્કાલીન સ્વાસ્થ્યવિજ્ઞાનની અસર જોઈ શકાય છે. ચિકિત્સક જુએ છે કે જે ગુણદોષ આધારે તે રોગીની સારવાર કરે છે, તે ગુણદોષ અંગે પુરુષમાં અને સ્ત્રીમાં, નાગરિકમાં અને ગુલામમાં ફેર હોતો નથી. તેથી જ્યાં સુધી ચિકિત્સકને લાગેવળગે છે, ત્યાં સુધી તો એ પોતે ચિકિત્સક તરીકે એ પ્રકારના વર્ગીકરણને આધારે ભેદભાવ કરી શકે નહીં. ભલે પછી સામાજિક ક્ષેત્રે એ પ્રકારનું વર્ગીકરણ ચાલુ રહે. અને એ પ્રકારના વર્ગીકરણ આધારિત ભેદભાવ તો ત્યાર બાદ સદીઓ સુધી સમાજમાં ચાલુ રહ્યો હતો. પરંતુ ચિકિત્સક અને રોગના સબંધમાં હિપોક્રેટિસ દ્વારા થયેલી એવા ભેદભાવની સભાન નાબૂદી - અલબત્ત સ્વાસ્થ્યવિજ્ઞાનના ક્ષેત્ર પૂરતી નાબૂદી - એક ક્રાંતિકારી બદલાવ હતો, એક દાર્શનિક બદલાવ હતો અને તે તત્કાલીન વિજ્ઞાન પ્રેરિત હતો.

ઈ.સ. પૂર્વે આશરે પાંચમાં શતકથી શરૂ થયેલી આ ચિકિત્સાપદ્ધતિ લગભગ ૨૨૦૦ વર્ષો સુધી ૧૭મી સદીના ત્રીજા દશકા સુધી ચાલી હતી. સત્તરમી સદી સુધી માનવામાં આવતું હતું કે હૃદય લોહીને ઉષ્મા અને તે દ્વારા શરીરને ઊર્જા પૂરી પાડે છે, જેને લીધે સ્વસ્થ જીવન ટકી રહે છે. એ ઉષ્મા અને ઊર્જા ઓછાં થાય, તો માણસ અસ્વસ્થ થાય છે અને એ પૂરાં થાય, તો જીવન સમાપ્ત થઈ જાય છે. ધમનીઓમાં અને શિરાઓમાં રક્તનું અભિસરણ થાય છે, એ તારણો ઈ.સ. ૧૬૨૮માં હાર્વી નામના એક વૈજ્ઞાનિકે પોતાના સંશોધનનાં પ્રસિદ્ધ કર્યાં, ત્યાં સુધી કોઈને જાણકારી નહોતી. હૃદયનાં ચાર ખાનાંઓમાંથી નીચેના ડાબા ખાનામાંથી હૃદયના પ્રત્યેક ધબકારા સાથે કેટલું લોહી રક્તવાહિનીમાં જાય છે, એની હાર્વીએ ગણતરી કરી અને એક પછી એક મિનિટમાં, એક કલાકમાં અને એક દિવસમાં હૃદયમાંથી રક્તવાહિનીમાં કેટલું લોહી જાય છે, તેની ગણતરી કરી. તો એ સંખ્યા એટલી મોટી હતી કે માણસ અથવા કોઈ પણ અન્ય પ્રાણી આખો દિવસ આહાર જ લીધા કરે અને લીધેલા સઘળા આહારનું લોહીમાં રૂપાંતર થાય તો પણ હૃદયના નીચેના ડાબા ખાનામાંથી રક્તવાહિનીમાં એક દિવસમાં ઠલવાતા લોહીના માપ જેટલું લોહી કોઈ માણસ અથવા અન્ય પ્રાણી પોતાના શરીરમાં પેદા કરી શકે નહીં. આ વિજ્ઞાનીને મન આ કોયડાનો ઉત્તર એક જ હતો કે હૃદયના ડાબા ખાનામાંથી રક્તવાહિનીમાં જતું રુધિર અભિસરણ કરી પાછું જમણી બાજુના ખાનામાં આવે છે.3 આ વૈજ્ઞાનિક શોધ ક્રાંતિકારી હતી.

વિજ્ઞાનની પ્રગતિના બે તબક્કા હોય છે : ધીરે-ધીરે થતા સુધારા વધારાનો અને ક્રાંતિકારી હરણફાળનો. વિજ્ઞાનમાં થતા ક્રાંતિકારી ફેરફાર બાદ વિશ્વની જે-તે વિગતનું ક્રાંતિ થયા પહેલાં જેવું અર્થઘટન થતું હતું તેના કરતાં તદ્દન જુદું જ અર્થઘટન થવા માંડે છે. આજે આપણે હૃદયરોગના નિષ્ણાતો પાસે જે રીતની સારવાર કરાવી શકીએ છીએ, તેના સગડ ઈ.સ. ૧૬૨૮માં થયેલી આ શોધે પહોંચે છે એટલું જ નહીં, ઍલોપથીની ચિકિત્સાપદ્ધતિને બદલે અન્ય પ્રકારની પદ્ધતિમાં પણ આ શોધને પરિણામે થયેલી વિગતોની ઉપેક્ષા શક્ય નથી. ટૂંકમાં, વિજ્ઞાને શોધેલું અને સ્વીકારેલું તથ્ય તે ક્ષેત્ર પૂરતું સર્વવ્યાપી હોય છે. એમાં ભૌગોલિક કે રાજકીય સીમાઓ પેદા કરી શકતી નથી. એવો ભેદભાવ પેદા કરવાનો પ્રયત્ન શિશુસુલભ હોય છે, બાળબોધી હોઈ શકે છે, પરંતુ બુદ્ધિમંતને સ્વીકાર્ય હોતો નથી.

આ શોધ મારફતે હાર્વીએ શરીરમાં રુધિરના અભિસરણના તથ્યનો સ્વીકાર ચિકિત્સાક્ષેત્રના સમકાલીન વિશેષજ્ઞો પાસે કરાવ્યો હતો. ઉપરાંત જે પદ્ધતિ દ્વારા એ વૈજ્ઞાનિકની દલીલ સર્વસ્વીકૃત બની શકી હતી, જે પુરાવાને આધારે એના વિરોધીઓને પણ છેવટે રુધિરનું અભિસરણ થાય છે તે સ્વીકારવું પડ્યું હતું, તે દલીલ આંકડા આધારિત હતી, તેથી વૈજ્ઞાનિક સિદ્ધાંત વિશેની દલીલમાં સંખ્યાપ્રમાણની પ્રાથમિકતા સિદ્ધ થઈ હતી. જો આટલું રક્ત હૃદયના નીચેના ડાબા ખાનામાંથી હૃદયના દરેક ધબકારા સાથે રક્તવાહિનીમાં ઠલવાય, તો ચોવીસ કલાકમાં જેટલું રક્ત ઠલવાય તેટલું રક્ત કોઈ મનુષ્ય કે અન્ય પ્રાણી પોતાના આહારમાંથી પેદા કરી શકે નહીં. અને તેથી શરીરમાં મર્યાદિત માત્રામાં રક્તનું પ્રમાણ હોય તેનું અભિસરણ થતું જ હોવું જોઈએ. એટલે કે આ વૈજ્ઞાનિક ક્રાંતિની સફળતા પાછળ, જેમ કે તત્કાલીન અન્ય વિજ્ઞાનશાખાઓમાં થયેલાં સંશોધનોની સફળતા પાછળ પણ સંખ્યામૂલક દલીલનું પીઠબળ હતું. તેથી આ - તેમ જ આવી અન્ય - વૈજ્ઞાનિક ક્રાંતિની બીજી એક અગત્યની આડપેદાશો એ હતી કે ત્યાર પછી વિશ્વના વૈજ્ઞાનિક અર્થઘટનની ચર્ચામાં કોઈ દલીલમાં વજૂદ છે કે નહીં, તેનો આધાર માત્ર તર્કબલ ઉપર જ નહીં, પરંતુ એ દલીલને સંખ્યાનું, આંકડાનું પીઠબળ છે કે નહીં તેના ઉપર રાખવામાં આવતો થઈ જાય છે. એટલું જ નહીં, વિવાદમાં બે પક્ષોમાં જે પક્ષની દલીલના તથ્યની તરફેણમાં આંકડા વધારે હોય, તે દલીલ વધારે સ્વીકાર્ય બનવા જતી હોય છે. જેનાં તારણો આંકડાની ભાષામાં રૂપાંતર થઈ શકે તેવાં નિરીક્ષણો વધારે આધારભૂત અને તથ્યાત્મક હોય એમ માનવામાં આવતું થઈ થાય છે. વખત જતાં વિવિધ પ્રકારના માપને માટે યંત્રોનો ઉપયોગ સ્વાભાવિક થઈ ગયો. અઢારમી અને ઓગણીસમી સદીમાં શરીરના તાપમાન અને લોહીમાં દબાણ માપવાનાં યંત્રોની શોધ આનાં ઉદાહરણો છે. આજે આરોગ્ય વિશે સામાન્યજ્ઞાન ધરાવતી વ્યક્તિ પણ પૂછશે, ‘કેટલો તાવ રહે છે ?’ એને પણ કોઈ આંકડો ન મળે ત્યાં  સુધી ચેન પડતું નથી. આ પ્રશ્નની પૃષ્ઠભૂમિમાં યંત્રવૈજ્ઞાનિક ક્રાંતિ છે, ભલે પછી એવો પ્રશ્ન કરનાર એ વિશે સભાન હોય કે ન હોય. વૈજ્ઞાનિક અનં યંત્રવૈજ્ઞાનિક ક્રાંતિનું આ એક બીજું લક્ષણ છે, એની અસર નીચે આવતી વ્યક્તિઓ અથવા વ્યક્તિસમૂહે એ ક્રાંતિની સભાનતાપૂર્વક નોંધ લેવાની આવશ્યકતા હોતી નથી. જો કે એવી સભાનતા જેટલા પ્રમાણમાં કેળવાઈ શકે, તેટલા પ્રમાણમાં સ્વસ્થસમાજની રચના સુકર બનતી હોય છે, એ વાત પણ યાદ રાખવા જેવી છે.

સોળમી સદી સુધી સૂર્ય તથા સૂર્યમંડળના સૌ ગ્રહો પૃથ્વીની આસપાસ ફરે છે, એમ માનવામાં આવતું હતું. ત્યાર બાદ કૉપરનિકસ, ગેલેલિયો અને ન્યૂટન દ્વારા ઉત્તરોત્તર જે સિદ્ધાંતો મૂકાતા ગયા, તેનાથી એક ક્રાંતિકારી  ફેરફાર થયો અને પૃથ્વી તથા અન્ય ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, તેવું સિદ્ધ થયું. ત્યાર બાદ હવે માધ્યમિક શાળાનો બાળક પણ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેનું જ્ઞાન ધરાવે છે. આમ, કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત સાબિત થાય છે પછી તે સર્વને એકસરખો સુલભ થાય છે. વૈજ્ઞાનિક તથ્યનું આ એક લક્ષણ છે. હું અને તમે સામાજિક, રાજકીય અથવા અન્ય કોઈ વિભાગીકરણ મુજબ જુદી-જુદી વિચારસરણી ધરાવતા હોઈએ, પરંતુ મારે માટે પૃથ્વી સૂર્યની અસપાસ ફરતી હોય અને તમારે માટે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરતો હોય તેવી માન્યતાને રજમાત્ર અવકાશ રહેતો નથી. ઍલોપથીમાં ન માનનારા માટે પણ શરીરમાં રક્તનું અભિસરણ હાર્વીએ કરેલા વર્ણન મુજબ જ થતું હોય છે. વિલિયમ હાર્વી અંગ્રેજ હતો, પરંતુ તેણે પ્રતિપાદિત કરેલું વૈજ્ઞાનિક તથ્ય અંગ્રેજી નહોતું. વૈજ્ઞાનિક તથ્ય માનવમાત્રની સહિયારી મૂડી થઈ રહેતું હોય છે.

આમ, આધુનિક વિજ્ઞાન વિશેના સંવાદમાં વાદીની સંખ્યામૂલક દલીલનો પ્રતિવાદી ઉપર પ્રભાવ પડતો હોય છે. અને તેની અસરને લીધે માનવજીવનનાં વિજ્ઞાન સિવાયનાં અન્ય ક્ષેત્રોમાં પણ સંખ્યાનો, આંકનો, મહિમા સ્થાપિત થાય છે. એટલે કે કોઈ પણ વાદવિવાદમાં, દલીલમાં, જે પક્ષની દલીલમાં આંકડાનું પ્રાબલ્ય હોય, જે વાદને સંખ્યાનું સમર્થ્ય હોય, તેને સ્વાભાવિક રીતે જ સબળ પક્ષ, સાચો પક્ષ, માનવાનું વલણ સમાજમાં દાખલ થાય છે. કોઈ દલીલના પક્ષમાં આંકડાનું સમર્થન ન હોય પણ એના ગુણદોષને આધારે એ મત સ્વીકારવા જેવો હોય, તો એ સાબિત કરવું અઘરું થઈ પડે છે. ગુણદોષને આધારે થતા વાદસંવાદનું સ્થાન આંકપ્રમાણને આધારે થતા વાદસંવાદ લેવા માંડે છે. સાર્થક અને સબળ વૈજ્ઞાનિક પુરાવા આંકડાને આધારે રજૂ થતા હોય છે એ ઉપરથી આંકડાને આધારે રજૂ થતા પુરાવા સાર્થક અને સબળ વૈજ્ઞાનિક પુરાવા હોય એવું તારણ જાણે-અજાણે સમાજમાં સામાન્ય રીતે સમજુ ગણાતા માણસો પણ સ્વીકારવા લાગે છે.

યંત્રનો અને વિજ્ઞાનનો, યંત્રજ્ઞાનનો અને યંત્રવિજ્ઞાનનો વિરોધ અતાર્કિક, અવ્યવહારુ અને અસમંજસ છે. પરંતુ યંત્રનો અને વિજ્ઞાનનો, યંત્રજ્ઞાનનો અને યંત્રવિજ્ઞાનનો અભ્યાસ, એનાં પ્રત્યેક પાસાંનું વિશ્લેષણ, તથા વિશ્લેષણ બાદ આંધળુકિયા ઉપયોગને સ્થાને વિવેકસરના વિનિયોગ ભલામણ આવકાર્ય જ નહીં, અનિવાર્ય છે. અમદાવાદથી મુંબઈ કે દિલ્હી જવા માટે રેલગાડીની બદલે બળદગાડીમાં જવાની ભલામણ કોઈ માણસ માટે સારી નથી, બળદ માટે તો નથી જ સારી. પરંતુ ગાડીમાં બેસતાં પહેલાં મુંબઈ કે દિલ્હી શા માટે જઈએ છીએ, એની સ્પષ્ટતા જનારના મનમાં હોય તેવી અપેક્ષા વધારે પડતી નથી. વાહનની ગતિશીલતા એમાં બેઠેલી વ્યક્તિની પ્રગતિશીલતાની સૂચક ન પણ હોય. વિમાનમાં બેસીને પણ હીરો ઘોઘે જઈ શકે છે. ઓગણીસમી સદીમાં અમેરિકાના ઉત્તરના રાજ્ય મેઇનથી દક્ષિણના રાજ્ય ટૅક્સાસ સુધી તારસંદેશ માટેનાં યંત્રો ગોઠવાતાં હતાં, ત્યારે અમેરિકી કર્મશીલ સર્જક હેન્રી ડેવિડ થૉરોએ લખ્યું, ‘મેઇનથી ટૅક્સાસ તારસંદેશની વ્યવસ્થા ગોઠવવાની આપણને ઘણી તાલાવેલી છે, પરંતુ એમ બને કે મેઇન અને ટૅક્સાસ પાસે એકમેકને કહેવા જેવું અગત્યનું કશું હોય જ નહીં.’4

યંત્રનો, યંત્રવિજ્ઞાનનો, વિજ્ઞાનનો માનવજીવનમાં ઉપયોગ થાય તે ચિંતાજનક ન હોઈ શકે, ન હોવો જોઈએ, પરંતુ યંત્રની, યંત્રવિજ્ઞાનની, વિજ્ઞાનની માનવજીવન ઉપરની અસર વિશે સભાનતાનો અભાવ ચિંતાજનક હોઈ શકે, હોવો જોઈએ. વૈજ્ઞાનિક પોતાના ક્ષેત્રમાં જે કોઈ નિરીક્ષણ કરે, જે કોઈ તારણ કાઢે, તે વિશે વૈજ્ઞાનિકનો પોતાના ક્ષેત્ર પૂરતો અધિકાર અબાધિત હોય છે. એમાં અન્ય નાગરિક વૈજ્ઞાનિકને એનું તથ્ય આધારિત નિરીક્ષણ કે તારણ બદલવા માટે ફરજ પાડી શકે નહીં. અને જો એવો હસ્તક્ષેપ કરવામાં આવે તો નાગરિક જે સમાજનો ભાગ હોય તે સમાજને જ - અને તેથી નાગરિકને પોતાને - હાનિ થાય. સાથે એ પણ સમજવું રહ્યું કે વૈજ્ઞાનિક પોતે કરેલા સંશોધનના બળ ઉપર સમાજમાં આ કે તે યંત્રવૈજ્ઞાનિક ઉપકરણને સામાજિક લાભહાનિનો વિચાર કર્યા વિના ઉપયોગમાં લેવાનો આગ્રહ કરે, તો સામાન્ય નાગરિકે વૈજ્ઞાનિકને સમજાવવું રહ્યું કે નાગરિકી સત્તાનું વર્તુળ વૈજ્ઞાનિક સત્તાના વર્તુળ કરતાં મોટું અને મૂળભૂત છે, જેમ નાગરિકે પણ યાદ રાખવું ઘટે કે માનવતાની સત્તાનું વર્તુળ નાગરિકી સત્તાના વર્તુળ કરતાં મોટું અને મૂળભૂત છે. આ મુદ્દો ભુલાઈ જાય છે, ત્યારે ભારે અનર્થ થાય છે.

એક ઉદાહરણ લઈએ. આધુનિક સ્વાસ્થ્યવિજ્ઞાનમાં સંશોધન માટેની એક પ્રક્રિયા નિશ્ચિત થયેલી છે. કોઈ એક સારવારપદ્ધતિ અન્ય સારવારપદ્ધતિ કરતાં ચઢિયાતી છે કે નહીં એ તપાસવું હોય, તો સરખા પ્રકારના દર્દીઓની સંખ્યાને બે વિભાગમાં વહેંચી દઈ એક વિભાગને અમુક સારવાર અને બીજા વિભાગને અન્ય સારવાર આપી કોને વધારે ફાયદો થાય છે કે નક્કી કરી શ્રેષ્ઠ સારવાર કઈ હોઈ શકે તે નક્કી થાય છે. આ સામાન્ય સ્વીકૃત વૈજ્ઞાનિકપદ્ધતિ છે. ઈ.સ. ૧૯૩૨માં એક આવો પ્રયોગ અમેરિકાના અલાબામા રાજ્યના ટસ્કગી શહેરમાં શરૂ થયો. એક વિભાગમાં ૩૯૯ જેટલા દર્દીઓ હતા, જેમનો ચેપી રોગ જો સારવાર ન લઈ શકે, તો કુદરતી રીતે આગળ જતાં કેવાં પરિણામ કેવી રીતે લાવે છે તે દર્શાવે. અને અન્ય વિભાગમાં ૨૦૧ દર્દીઓ હતા, જેમને તત્કાલીન ઉપલબ્ધ સારવાર આપવામાં આવતી હતી. ૧૯૩૨થી ૧૯૭૨ સુધી આ વૈજ્ઞાનિક પ્રયોગ ચાલ્યો. દર્દીઓ બધા આફ્રિકી કુળના અમેરિકી નાગરિકો હતા, એટલે કે પ્રચલિત વર્ણવ્યવસ્થા પ્રમાણે કાળીપરજ હતા. થાય છે એવું કે ચોથા દસકામાં એ ચેપી રોગને માટે દવાની શોધ થઈ હોય છે પરંતુ વૈજ્ઞાનિક પ્રયોગના તકાજા હેઠળ સારવાર ન આપવાના વિભાગમાં જે દર્દીઓ હતા, તેમને નવી ઉપલબ્ધ થયેલી દવા આપવામાં આવતી નથી.5 આ વિશે એક અખબાર અહેવાલ પ્રસિદ્ધ કરે છે, ત્યારે આ વૈજ્ઞાનિક પ્રયોગ બંધ થાય છે અને ત્યાર બાદ વર્ષો પછી અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટન આ દર્દીઓને થયેલા અન્યાય બદલ જાહેર માફી માગે છે.

નોંધપાત્ર મુદ્દો જે છે તે આ છે : ૧૮૬૩માં અબ્રાહમ લિંકને ગુલામો માટેની મુક્તિઘોષણા કરી, ત્યાર બાદ જો કે આફ્રિકી વંશીય અમેરિકી નાગરિકોની સ્થિતિમાં સંપૂર્ણ નહીં તો પણ કાનૂની દૃષ્ટિએ નોંધપાત્ર સુધારો થયો હતો. વળી, ૧૯૬૦ પછીનાં વર્ષોમાં માર્ટિન લ્યૂથર કિંગની અહિંસક લડત બાદ તો વધારે સુધારો થયો હતો. છતાં ય સ્વાસ્થ્યવિજ્ઞાનનો આ પ્રયોગ જે આજે આપણને દીવા જેવો ગેરવાજબી લાગે છે, તે પ્રયોગ ચાલુ રહ્યો હતો. એ પ્રયોગમાં જોડાયેલા ચિકિત્સકો, સામાજિક કાર્યકરો, રાજકીય શાસકો પોતાની દૃષ્ટિએ કે એમના સમકાલીનોની દૃષ્ટિએ ક્રૂર કે અનૈતિક નહોતા. તેઓ જે કરતા હતા, તેનું માળખું તેમના મતે તો નિર્ભેળ વૈજ્ઞાનિક માપદંડને હિસાબે તદ્દન વાજબી હતું અને એને પરિણામે મળતી માહિતી વૈજ્ઞાનિક હતી, એમ તે માનતા હતા. જે રોગને માટે અસરકારક ઔષધ પ્રાપ્ત હોય તે રોગીને એ વિશે અજાણ રાખી એને ન આપવું અને માત્ર રોગ કેટલો અને કેવી રીતે આગળ વધે છે, તે વૈજ્ઞાનિક રીતે જોવું, પછી તે દ્વારા મળતી માહિતીમાંથી મળતાં તથ્યો, નિરીક્ષણ માત્રના પરિણામ પરથી ચકાસતાં તથ્યો હોય પણ ખરાં. પરંતુ એના પાયામાં માનવી પ્રત્યે થયેલા અન્યાયનું મિશ્રણ હોવાથી એ માનવ સમાજને માટે બિનઉપયોગી જ નહીં, અત્યંત હાનિકારક થઈ પડતાં હોય છે, એ વિશે આજે કોઈ ભાગ્યે જ અસંમતિ દર્શાવશે. પરંતુ જ્યારે એ પ્રયોગ થતો હતો, ત્યારે એ ચિકિત્સકોને, એ વૈજ્ઞાનિકોને, એ ચિકિત્સકો બુદ્ધિશાળી અને વૈજ્ઞાનિકો વિચક્ષણ હોવા છતાં, અત્યારે આપણને સામાન્ય લાગતો, સ્વયંસ્પષ્ટ લાગતો બોધ વિજ્ઞાનમાંથી ઉપલબ્ધ થયો નહોતો. આ દાર્શનિક દૃષ્ટિહીનતાનું દૃષ્ટાંત છે. હિપોક્રેટિસના સમયથી વીસમી સદી સુધીમાં વિજ્ઞાન તો આગળ વધ્યું હતું, પરંતુ આ દાખલામાં જોવા મળે છે તેમ દાર્શનિક સ્તરે પીછેહઠ થઈ હતી. એ ભુલાઈ ગયું હતું કે પોતાના કાર્યમાં યોગ્ય-અયોગ્યના નિર્ણય માટે વૈજ્ઞાનિક કાર્યના પાયામાં જે દાર્શનિક સિદ્ધાંતોનાં ગૃહિતો પડેલાં હોય છે, તેના વિશે વૈજ્ઞાનિકો સભાનતા કેળવતા રહે તે આવશ્યક છે. અર્થાત્ વિજ્ઞાનીએ પોતાના દૃષ્ટિબિંદુમાં અંતર્ગત કરી લીધેલી માન્યતાઓ વિશે, પોતે પહેરેલા ચશ્માંના કાચના જેવી અને જેને વિશે સામાન્ય રીતે આપણે સતત સભાન નથી હોતા, તેવી માન્યતાઓ વિશે, જે પોતાની વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપર મૂળભૂત અસર પાડી શકે, એવી માન્યતાઓ વિશે જાગરૂકતા કેળવવી રહી. આ જાગરૂકતાનું બીજું નામ તત્ત્વદર્શન.

એક અન્ય ઉદાહરણ જોઈએ. જલદી ન મટે અને હઠીલા ગણાય એવા રોગોમાં ચામડીના રોગ આવી શકે. એટલે એની સારવાર માટે સતત નવી દવાઓની શોધ થતી રહેતી હોય તે વાતમાં નવાઈ ન હોઈ શકે. અમેરિકા દવાઓનાં સંશોધન માટે જાણીતી જગ્યા છે. એટલે જો કોઈ આપણને કહે કે સેંકડો દર્દીઓ ઉપર વૈજ્ઞાનિક ઢબે નિરીક્ષણ કરવાની વ્યવસ્થા રાખી, ચામડીના રોગ માટે જુદી-જુદી દવાઓની સારીમાઠી અસર નોંધવાનો ઉપક્રમ રાખવામાં આવ્યો હતો, અને એનું ચોકસાઈપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો આપણને નવાઈ ન લાગે. પેન્સિલવેનિયા રાજ્યમાં સેંકડો દર્દીઓ ઉપર આશરે ૧૯૫૦થી ૧૯૭૦ સુધીમાં આ વૈજ્ઞાનિક પ્રયોગ કરવામાં આવ્યો હતો. ચોંકાવનારી વિગત એ છે કે આ દર્દીઓ એક જેલના કેદીઓ હતા અને એમની માહિતીપૂર્ણ સહમતિ વિના કરાયેલા આ પ્રયોગ દરમિયાન એ દર્દીઓ દવાઓની ઘણી હાનિકારક આડઅસરોનો ભોગ બન્યા હતા. જ્યારે મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. ક્લિગમેનને પૂછવામાં આવ્યું કે તમે કેદીઓ ઉપર આવા ચામડીના રોગો અંગેના વૈજ્ઞાનિક પ્રયોગો શા માટે કર્યા, ત્યારે એમણે કહ્યું. “અહીં મને જોજનો લગીની ચામડી દેખાતી હતી.”6 પ્રયોગ માટે વિજ્ઞાન વૈજ્ઞાનિકને માનવીની ચામડી દેખાડી શકે છે, પરંતુ એની નીચે ઢંકાયેલા માણસને ઓળખવા માટેની દૃષ્ટિ સારુ આપણને તત્ત્વદર્શનની આવશ્યકતા રહે છે.

જ્યારે કોઈ અસ્વસ્થ વ્યક્તિ ચિકિત્સક પાસે આવે છે, ત્યારે ચિકિત્સક પાસે જે પ્રકારનું વૈજ્ઞાનિક જ્ઞાન હોય છે, તે પ્રકારનું જ્ઞાન સારવારની અપેક્ષાએ આવેલી વ્યક્તિ પાસે હોતું નથી. પરંતુ તેથી એમ માની લેવું કે અસ્વસ્થ વ્યક્તિ અજ્ઞાની છે, તો એ માન્યતા ભૂલભરેલી હશે. એક સમયે આપણે સ્વીકારી લઈએ કે અસ્વસ્થ વ્યક્તિ પાસે વૈજ્ઞાનિક જ્ઞાન નથી હોતું એ વ્યક્તિ પોતે સ્વાસ્થ્ય ક્ષેત્રે વિશેષજ્ઞ હોય તો પણ-છતાં ય તેની પાસે વ્યવહારુ જ્ઞાન તો હોય છે જ. અને વૈજ્ઞાનિક જ્ઞાન તથા વ્યવહારુ જ્ઞાન વચ્ચે ઉચ્ચાવચતાનો ક્રમ નથી પણ યથાસ્થાને ઉપયોગિતાનો છે.

સૂક્ષ્મદર્શકયંત્રમાં કોષના કે કીટાણુંના નિરીક્ષણમાં મગ્ન વૈજ્ઞાનિક પાસે આપણે અપેક્ષા ન રાખી શકીએ કે એ સમય દરમિયાન પ્રયોગશાળામાં કોઈ ચોરી થઈ હોય તો તે ચોરનું વર્ણન આપી શકે. વિજ્ઞાન પોતાના સીમિત વિસ્તારમાં ચોકસાઈપૂર્વકનો અહેવાલ આપી શકે, પરંતુ એનું સંદર્ભલક્ષી મૂલ્ય ન આપી શકે. વિજ્ઞાનની અને યંત્રવિજ્ઞાનની આ એક મર્યાદા છે. વિશ્વની સંરચના વિશે, પ્રકૃતિના ઘડતર અને પ્રકૃતિની ઘટમાળ વિશે, પ્રકૃતિના નિયમો અને પ્રકૃતિના નિયમન વિશે, વિજ્ઞાન આપણને બોધ આપી શકે છે, પરંતુ પ્રકૃતિના આ કે તે પાસાનો, આ કે તે સિદ્ધાંતનો વ્યક્તિ કે વ્યક્તિસમૂહમાં આ કે તે રીતે વિનિયોગ કરવો કે નહીં તે વિશે માર્ગદર્શન આપવા વિજ્ઞાન અસમર્થ છે. એવી અપેક્ષા વિજ્ઞાન પાસે રાખવી તે આપણી વિજ્ઞાન વિશેની ગેરસમજ દર્શાવે છે, એવું માર્ગદર્શન આપણને તત્ત્વદર્શનમાંથી મળી શકે છે.

યંત્ર, યંત્રજ્ઞાન, વિજ્ઞાન, અને યંત્રવિજ્ઞાન, સાથે આજે માનવી એટલો એકરાર થઈ ગયો હોય કે વિશ્વ સાથેના સંપર્કમાં માનવી અન્ય નિર્ભેળ માનવી સાથે કે નિર્ભેળ વિશ્વ સાથે સંપર્કમાં આવતો હોય એવા પ્રસંગો ઘટતા જાય છે. એથી ઊલટું, માણસ માણસ વચ્ચે તથા માણસ વિશ્વ વચ્ચે કોઈ ને કોઈ યંત્રની ઉપસ્થિતિ હોવી એ ઘટના સામાન્ય થતી જાય છે. માનવ માત્ર માનવ મટી જઈ માનવયંત્રનું યુગ્મ થવા જઈ રહ્યો છે. વળી, એક માનવી અને અન્ય માનવી વચ્ચે કડી બનતાં યંત્રો આધુનિક હોય, વૈજ્ઞાનિક ઢબનાં હોય, તેથી તે દ્વારા હાંસલ થતાં કાર્યો કે તે દ્વારા પ્રસારિત સંદેશો પણ આધુનિક અને વૈજ્ઞાનિક જ હોય, એવો આભાસ ઉત્પન્ન થયો હોય છે. સંદેશાવ્યવહારનાં ઉપકરણો આધુનિક હોય અને સંદેશો અશ્મિલયુગનો પણ હોઈ શકે એ શક્યતાની ઉપેક્ષા કરે પાલવે એવું નથી.

વિશેષ તો સ્વાસ્થ્યવિજ્ઞાનના ક્ષેત્રે ચિકિત્સકે પોતાના દૃષ્ટિબિંદુ ઉપરથી માત્ર સૈદ્ધાંતિક વિવાદ જ કરવાનો હોતો નથી, પરંતુ સમય અનુસાર તત્કાલીન અને ઘણીવાર તાત્કાલિક, સારવાર પણ કરવાની હોય છે. તેથી નીતિનું શાસ્ત્ર જે પ્રશિષ્ટ વર્ગીકરણ મુજબ તત્ત્વદર્શનનો એક વિભાગ ગણાય છે, તેની અગત્યતા સ્વાસ્થ્યવિજ્ઞાનના સંદર્ભમાં તત્ત્વદર્શન સમોવડી થવા જાય છે.

બર્ટ્રાન્ડ રસેલ કોઈ લાગણીના પ્રવાહમાં તણાઈને વિધાન કરે એવા વિચારક તો નહોતા. એમના એક વિધાનથી મારી વાત પૂરી કરું છું. એમણે કહ્યું, ‘હું એવા તારણ ઉપર આવ્યો છું કે ‘સત્ય’ એ મૂળભૂત સિદ્ધાંત છે અને ‘જ્ઞાન’ની (પ્રમાણક્ષમ જ્ઞાનની એટલે કે તથ્યની) વ્યાખ્યા ‘સત્ય’ સાપેક્ષ હોવી ઘટે, નહીં કે તેનાથી વિપરીત.’7 જો એ મત સ્વીકારીએ તો વિજ્ઞાન વિશેનો સમ્યક્ વિચાર તત્ત્વદર્શનના સંદર્ભ વિના સ્પષ્ટ કરવો અસંભવિત છે.

હું આપ સૌ સાક્ષરો, શબ્દસાધકો અને સાહિત્યરસિક મિત્રો સમક્ષ અનુવાદના એક અભ્યાસી તરીકે આવ્યો છું, કારણ કે હું માનું છું કે વિજ્ઞાન અને યંત્રજ્ઞાનની અસર જેમ સમાજ ઉપર તેમ સાંપ્રતસાહિત્ય ઉપર પણ પડતી હોય છે અને સાહિત્યનું લક્ષ્ય માનવજીવનના સત્યનું, એની સમગ્ર વિવિધતા સહિતના નિરૂપણ પર હોય છે. વિજ્ઞાનના અને સાહિત્યના બંને પ્રદેશની ભાષાઓના એક અભ્યાસી તરીકે એક અનુવાદકની હેસિયતથી આપની સમક્ષ આટલી વાત મૂકવાનો મેં પ્રયત્ન કર્યો છે.

સંદર્ભ

1. દર્શક ફાઉન્ડેશન તથા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તા. ૩૦-૧૨-૧૪ના રોજ, ગોવર્ધન સ્મૃિતભવનમાં આયોજિત ‘વિજ્ઞાન અને દર્શન’ વિષય ઉપર, પ્રકાશ ન. શાહની અધ્યક્ષતા હેઠળ થયેલા વાર્તાલાપની નોંધને આધારે

2. ‘ઍન્શિયન્ટ મેડિસિન.’ લુડવિંગ એડલસ્ટીન. (જર્મનમાંથી અંગ્રેજી અનુવાદ : લિલિયન ટેમ્કીન.) જોહ્ન્સ હોપકિન્સ યુનિવર્સિટી પ્રેસઃ બાલ્ટીમોર, ૧૯૮૭

3. ‘ઑન ધ મોશન ઑફ હાર્ટ ઍન્ડ બ્લડ ઇન ઍનિમલ્સ.’ વિલિયમ હાર્વી, (લેટિનમાંથી અંગ્રેજી અનુવાદઃ રૉબર્ટ વિલીસ) પ્રોમિથિયસ બુક્સ : ન્યુયૉર્ક, ૧૯૯૩

4. ‘વોલ્ડન.’ હેન્ની ડૅવિડ થૉરો. હ્યુટન મિફૂલીન કંપની : બોસ્ટન, ૧૯૯૫

5. ‘બેડ બ્લડ.’ જેઇમ્સ એચ. જૉન્સ. ફ્રી પ્રેસઃ ન્યુયૉર્ક, ૧૯૯૩

6. ‘એર્ક્સ ઑફ સ્કીન.’ એલન એમ. હોર્નબ્લુમ. રુટલેજઃ લંડન, ૧૯૯૮

7. ‘એન ઇન્કવાયિરી ઇનટુ મિનિંગ ઍન્ડ ટ્રુથ’ બર્ટ્રાન્ડ રસેલ, સ્ટુલેજઃ લંડન, ૧૯૯૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2015; પૃ. 07-11

Category :- Opinion Online / Opinion

ચેાથો વાંદરો આજકાલ વિવિધ પક્ષીઓની સાથે વાર્તાલાપ કરવામાં મશગૂલ છે. ઉનાળાની મધુર અને મહેકતી કો’ક સવારે તેને બુલબુલ અને કાબરનો સંવાદ સંભળાય છે. કાબર બધાને હુકમના સ્વરે કહે છે, લેણમેં ખડે ર્યો - લેણમેં ખડે ર્યો અને બુલબુલ કહે, હાલ્યા જાવ, હાલ્યા જાવ. પેલો દરજીડો તો આખો વખત  આ બહુ મોટું છે અને આ બહુ લાંબું છે, તેની જ રટ લગાવી રહ્યો હોય છે. હોલા તો ‘પ્રભુ તું - પ્રભુ તું’ કરતાં હોલીની પાછળ પૂરા ઠાઠ સાથે ફરતા રહે છે. તેણે ગરમાળાના ઝાડ તરફ નજર દોડાવી. આ એક જ વૃક્ષ સ્વચ્છતા - અભિયાનમાં માનતું હોય તેમ જણાયું. ઉનાળો આવે અને નવી સીઝન શરૂ થાય તે પહેલાં બધાં જ જૂનાં પાંદડાં તે ખંખેરી નાંખે છે. બસ નવા નાકે જ દિવાળી કેમ કરાય તે તો કોઈ આ અમલતાસ પાસેથી શીખે. આજી ફેરા પેલા બિનમોસમ વરસાદ અને ઓલાવૃષ્ટિને કારણે ફૂલોનાં ઝુમ્મરો બેસવામાં મોડું તો થયું હતું. પરંતુ ભમરા અને લાવરીનાં જોડાં તેની આજુબાજુ આંટા મારતાં થઈ જ ગયેલાં. આ બધા જીવોનું આ જ સુખ : સરકારી રાહત આવે તેની રાહ જોવાની જરૂરત જ નહીં.

આ બધા બહુ વાચાળ જીવ તો ખરા જ. કાંક કો’ક મૂંગું પક્ષી મળે, તો તેની સાથે કાં’ક વાત કરીએ, તેણે સમ્યક્ભાવે વિચાર્યું. બાજુમાં બેઠેલા કાગડા પાસે ચતુરાઈભરી ઘણી વાતો હોય છે, એમ માની તેણે પૂછ્યું, હેં ભાઈ, આ જગતના સૌથી વિદ્વાન, પરાક્રમી, ચતુર, મહાન, છપ્પનલક્ષણા નરબંકાના આજકાલ શા હાલ છે ? આવા મહાન અને ચમત્કારી આત્માઓ વિષે પૂછવાનો પણ અધિકાર ચોથિયા જેવા સમાન્ય નાગરિકનો ન હોય તે ભાવે મહાન કાકમહારાજે ચોથિયા સામે નજર ફેંકી. ‘કાં કાં કાં કાં કગ’ તેણે કહ્યું. આવા મહાન પૂર્ણપુરુષોત્તમ વિષે પૂછનાર તું કોણ - એવો તેનો અર્થ થતો હતો. હાસ્તો ભાઈ, અમે રહ્યાં જરા હલકા, કારણ એ કે અમારામાંના એકે પાસે કોઈ ધમધમતી ફૅકટરી ના મળેને ! અમારે તો બાપ, આવતે જનમે આ દેશના ઉદ્યોગપતિ જ થવું છે .. ચોથિયાને થયું કે આવતા જનમે પોતે જે થવાનો છે, તેની વાત કરવાથી કદાચ આ જનમે પોતાને થોડોઘણો લાભ થાય પણ ખરો. પણ મહાન કાકપંડિત આવી બચકાની બાતોમાં આવી જાય તેમ ન હતા.

ઉત્તાનપાદ રાજાની સુનીતિ અને સુમતિ એવી બે રાણીઓ હતી અને જ્યારે ધ્રુવકુમારે રાજાના ખોળામાં બેસીને લાડકોડ પામવાનું મન કર્યું કે તરત જ પેલાં માનીતાં રાણીસાહેબાએ કહ્યું, જો રાજાના ખોળામાં બેસવું હોય તો આવતા જનમે મારા ખોળે જનમજે. અને ધ્રુવકુમારને તો ચાટી ગઈ. અને પછી તો જે તપ કર્યું, આહાહા ... વાત જ મેલી દેજો. સાક્ષાત્ વિષ્ણુ ભગવાને પ્રગટ થઈને તેના ગાલે શંખ ઘસ્યો ત્યારે જે વાચા ફૂટી, શ્રીમદ્દ ભાગવતના સુંદર શ્લોકોમાં તેની ગણતરી થાય છે. ચોથિયાને પણ થયું કે પોતે આ જનમે જ ફૅક્ટરીવાળો થઈ શકે તે વાસ્તે થોડુંક તપ કરે તો સારું અને એણે તો ચોથેશ્વરીના એક પણ સંભવિત વિરોધની દરકાર રાખ્યા વગર પરબારું તપ ચાલુ કરી દીધું.

સૌથી પહેલો તો તે તામિળનાડુ નામના દેશમાં ગયો. આ તેનું જળતપ હતું. લોકો કહે સાહેબો મારા, અહીં પેલા ભસ્માસુરની પ્રસૂતિ ના કરાવશો. ભસ્માસુર પ્રગટશે, તો અમને કોઈને જીવવા જ નહીં દે. અમારાં હાડ ગાળી નાંખશે અને આવનારી પેઢીઓનો ઘાણ કાઢી નાંખશે. પણ પેલા કહે, હોય કાંઈ, અમારે તો વીજળી મેળવવી જ છે. દેશની પ્રગતિ માપવા માટે વીજળીનું અજવાળું તો જોઈએ જ ને. અને જે લોકો ખૂબ વીજળી વાપરે તે તો અમારા દૂધે ધોયેલા કહેવાય. પાંચેક જણના પરિવાર વાસ્તે દર મહિને પૂરા પંચોતેર લાખની વીજળી જોઈએ, અમે માંગ કરીએ અને તમે ગમે તે રીતે ઉત્પાદન કરો. આવનારી પેઢી અને નિકંદન અને રેડિયેશન એવી બધી વાતો તો માત્ર વેવલા લોક કરે. લોકો દિવસો સુધી પાણીમાં ઊભા રહ્યા પણ તેમનું કાંઈ જ ચાલ્યું નહીં.

ચોથિયો તો ત્યાંથી પેલા મધ્યપ્રદેશમાં ચાલતા જળસત્યાગ્રહમાં જોડાયો અને ભૂમિ અધિગ્રહણના કારનામામાં પણ ગોથાં મારી આવ્યો, ઠેર-ઠેર આપઘાત કરનારા ખેડૂતોને મળીને તેમને સમજાવવા-અટકાવવા તેણે પ્રયાસ પણ કરી જોયો. પણ આવા સાવ ગામડામાં રહેતા ખેડૂતોની એક પણ વાતનો તેની પાસે જવાબ ન હતો. ખેડૂત કહે, બસ તમે અમને લૂંટ્યા જ કરશો ? એક તરફ અમારી કાળી મજૂરીની પેદાશો તમારે મફતના ભાવે પડાવી જવી છે. બીજી તરફ અમે થોડુંક ઊછીનું-પાછીનું કરીએ, તો અમારી છાતી ઉપર હાથી ચડાવ્યો હોય તેવા ઊંચાં વ્યાજ ઉઘરાવી ખાવા છે. અમારી જમીનો વેચાઈ જાય, ઢોરઢાંખર તો ઠીક-અમે જાતે વેચાઈ જઈએ, તો ય તમારાં ચોપડાં ફોક થાય જ નહીં. આ વખતે આ મહાન આનર્ત દેશમાં જ કપાસના ભાવ એટએટલા ગગડાઈ મેલ્યા કે એક દૂધમલ દીકરો તો માર્કેટયાર્ડમાં જ ભડભડ બળી મર્યો. એની ચિંતા એ હતી કે હવે કૉલેજની ફી ભરાશે કેમ. એ ભણ્યો હોત તો ખેતી છોડીને શહેરમાં જઈને વસ્યો હોત. સરકારને ઉદ્યોગો માટે જમીન મળી હોત અને ખેડૂત પણ નવી પરિસ્થિતિમાં ગોઠવાઈ ગયો હોત. કોઈને આવા વખતે દેશનું યુવાધન અને ડેમોગ્રાફિક ડિવિડંડ યાદ જ ના આવ્યાં.

ચોથિયો તો પાછો હિકમતબાજ તો ખરો જને ! તેને થયું પોતાના જેવા મહાન તપસ્વીને માટે કદાચ આ ભૂમિ પૂરતી પવિત્ર નથી. મંત્રની સિદ્ધિ ત્યારે જ થાય કે જ્યારે યંત્ર પણ સિદ્ધ થયેલું હોય, પેલા કાકમહારાજે પરિશ્રમપૂર્વક કહ્યું. ચોથિયો એમ સમજ્યો કે હવે પોતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સુયોગ્ય સ્થાને બેસી જઈને તપ કરે, એટલે પોતે પણ ફૅક્ટરીવાળો બની જ જશે.

જો કે તેને પોતાની ભૂલ બહુ મોડી સમજાઈ. કાકમહારાજે જે યંત્રની કથા કરેલી તે કાંઈ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દોરેલા આકારો કે વિવિધ ખૂણાઓની ભૂગોળની વાત હતી નહીં. તો પછી યંત્ર એટલે શું ? અત્યંત દુઃખીભાવે તેણે કાકમહારાજને પૂછ્યું. કાકમહારાજે પોતાની દાનપેટીને બરાબર ખખડાવીને કહ્યું, યંત્ર એટલે જ અપાર અટપટી વાતો. તારે જો એક અતિ તુચ્છ અને વારે વારે આપઘાત કરનારી જાતિમાંથી બહાર નીકળવું હોય, તો આ યંત્રના આત્માને બરાબર સાધી લે.

ચોથિયાના ગજવા તરફ નજર નોંધી રાખી તેમણે આગળ ચલાવ્યું : જો ભાઈ, આમ તો અમે આવી અતિ ગૂઢ વાતો કોઈને ય કરીએ નહીં. તું સમજે છે ને જો દેશમાં બધા ય ફૅક્ટરીઓવાળા થઈ જાય તો દેવાં, લાચારી, અજ્ઞાન, પછાતપણું, આ બધાના વિવિધ ખાડાંઓમાં અમે નાંખીએ કોને ? અને ભાઈ, તું તો ભારે સમજુ છો. આખીયે દુનિયામાં ક્યાં ય પણ ખાડા કર્યા વગર ટેકરા થયા છે ? ખુદ ભગવાન જેવા ભગવાને પણ  એવરેસ્ટ જેવા પર્વત માટે થઈને હિંદ મહાસાગર જેવો મોટો ખાડો રચવો પડ્યો છે કે નહીં.

અને અમે આ થોડા હજાર કે લાખ ખેડૂતો કે ખેતમજૂરોને હલાલ થવા દઈએ તેમાં તમારી આંતરડી શેની રોકકળ કરવા માંડે છે ? અમે તો સાક્ષાત્ કરાળકાળ જ ગણાઈએ. હોશિયારી અને ભગવતકૃપાની જરૂર અહીંથી જ શરૂ થાય છે. અમારી પાસે ઉદ્યોગપતિઓની આપેલી લખલૂટ સંપત્તિ છે. અને જાણે છે - આ પૃથ્વી તો વીરભોગ્યા જ ગણાય. કાકમહારાજે તો જન્મારો આખો ચકળવકળ ડોળા ઘુમાવતા-ઘુમાવતા માત્ર કા... કા... કા જ કરી ખાધેલું. છતાં તેમના મનમાં આટલી બધી વાતો ભરેલી પડી હશે તેની કલ્પના પણ ચોથિયાને હતી નહીં. લોકસભામાં માંડ-માંડ બે બેઠકો મેળવનારા પક્ષને અચાનક જ જંગી બહુમતી હાથમાં આવી જાય તેવું તેને લાગ્યું. પણ ચારે તરફ નજર ઘુમાવતા રહેવાની તેની આદતે કરીને ચોથિયાને આ કાકમહારાજને એમ રેઢા મેલી દેવાનું પરવડે તેમ ન હતું. વળી, પોતે કોઈ સ્થાન, માન, અકરામ કે છેવટે એકાદ સગરામનો પણ જોગ કરી શકેલો નહીં, તેથી એક પ્રકારની સ્વ તંત્રતા તેની પૂંઠે હંમેશાં લટકતી જ રહેતી. તેણે પોતાની પાસેનો બ્રેડનો એક ટુકડો કાકમહારાજની દાનપેટીમાં ઠાલવ્યો અને હળવેક રહીને હૂપકાર કર્યો : હાં તો મહારાજ, તમે પેલા યંત્રની વાત કરતા હતા, તે જરા વિગતે સમજાવોને ભાયા.

ચોથિયા તરફ ભારે કૃપા દાખવતા હોય તેમ કાકમહારાજે વાત માંડી :  જો ભાઈ, આ યંત્ર ભારે અટપટું છે. જો તું માત્ર કાર્યકારણના સંબંધો અને તર્ક કે ન્યાય, સત્ય, વગેરે જેવા શબ્દોનો મોહ ત્યજીશ તો જ તે તને સમજાશે. ન્યાય, સત્ય, અહિંસા વગેરે શબ્દો લપટા પડી ગયેલા છે અને તેનો ઉપયોગ માત્ર લોકોને વિચારશૂન્ય કરવા વાસ્તે - એક પ્રકારના ઍનેસ્થેિશયા તરીકે જ કરવાનો છે. તારા શિક્ષણનું આ પ્રથમ સોપાન છે.

બીજું સોપાન એટલે બૅંકો. જો તું સત્વાદી રાજા હરિશ્ચંદ્ર થઈને ‘લીધેલું કરજ દૂધે’ ધોઈને પાછું આલવાવાળો હોય, તો યંત્રવાળો થઈ રહ્યો. બૅંકોના પૈસા કો દી’ પાછા ના વળાય હોંકે. આ ગરીબ ગણાતા દેશમાં બૅંકોની નોનપરફૉર્મિંગ એસેટ્સ લાખો કરોડો રૂપિયાની છે. કોઈ પણ પ્રકારની કે આકારની સરકાર આવે, આ વ્યવસ્થા અકબંધ ચાલતી જ રહેવાની છે. જો આ તારા ખેડૂતો હડી કાઢીને બૅંકોનાં ફદિયાં પાછાં દેવા જાય છે, તો જીવથી જવાનો વારો આવે છે. મને કે’તો આ મહાન દેશના એક પણ ઉદ્યોગપતિના ફરજંદે જીવ ટંૂકાવ્યો છે ખરો ? બૅંકોના કરોડો અને અબજો રૂપિયા ચાવી જતા આવડે તો જ તમે આ દેશમાં ફૅકટરીવાળા થઈ શકો. ભઈલા મારા, લખપતિ થાતા મોર તો લખ્ખણપતિ થાવું પડે, હોંકે બાપ. લે તને હોરાય એવો એક દાખલો દઉં. આ તારા અમદાવાદ શહેરને એક વખત તો ભારતનું માન્ચેસ્ટર કહેવાતું - ખરું કે નહીં. આજે તેની બધી મિલો બંધ થઈ ગઈ છે. હવે કે’તા’ એમાંના એકે મિલમાલિકનો વંશજ રિક્ષા ચલાવે છે ખરો ? એકેના કુળદીપકે પાણીપૂરીની લારી કરી હોય કે સમી સાંજે સાઇકલ લઈને બ્રેડબ્રેડના પોકારો કરતો જતો હોય, તેવી કલ્પના પણ તને આવે છે ?

યંત્રનું ત્રીજું પગથિયું એટલે સરકાર અને સત્તા. લોકો ખોટું ભણે છે અને ચોપડીઓમાં લખેલી વાતોને સાચી માની લે છે. તે બધા માને છે કે લોકશાહી લોકો માટેની સરકાર છે. પેલા જળસત્યાગ્રહવાળા અને જાતજાતનાં ધરણાં કે આંદોલનો કરનારાઓના મગજમાંથી આ ભૂસું નીકળતું જ નથી. આવી રીતે સરકાર ચલાવવા બેસીએ તો પછી નોટોનાં બંડલો અને વોટોના થોકડા ગણવાનો વખત કયાંથી કાઢવો ? સરકાર લોકો પાસે તો માત્ર વોટ માંગવા પૂરતી જ આવે. તેમાં જેમ સરકારનું તેમ લોકોનું પણ ગૌરવ છે. અમે માંગવા આવીએ તે તો તમારું ગૌરવ વધારવા અને તમે અમને ચૂંટી કાઢો, તેમાં તમારું પણ ગૌરવ.

આ યંત્રનું ચોથું અને આખરી પગથિયું એટલે વાક્ચાતુર્ય. અમે જે ‘નથી’ તે ‘છે’, એમ કહીએ અને જે ‘છે’ તે ‘નથી’, એમ કહીએ ત્યારે તમારે તેને સંપૂર્ણ ભગવત્કૃપા સમજીને સાચું જ માનવાનું હોય. અમારા ભક્તો તો આમ કરે જ છે. જો કે કેટલાક લોકોને હજુ પણ અક્કલ આવતી નથી. આ બધા વાસ્તે અમારી પાસે જાતભાતનાં વાજાં તૈયાર જ છે. રોજ સવારે કે સાંજે કે પછી મોડી રાત્રે પણ અમારાં આ વાજાં વાગતાં જ રહે છે અને તેમાંથી સતત બિરદાવલીઓ છેડાતી જ રહે છે. ભાઈ ચોથિયા, બસ તારે જો આ જનમે જ ફૅકટરીવાળા થવું હોય તો આ અતિગૂઢ જ્ઞાનનો મહિમા કરતો જા અને લાભ લેતો જા.

થોડીક વાર ઊંડા વિચારમાં ઊતરી પડીને ચોથિયો બહાર આવ્યો. કાક મહારાજે તેની તરફ ચારે તરફ ફરતા ડોળા વડે જોયું. ચોથિયાએ પેલાં ગરમાળાનાં ફૂલ, ભમરાં, લાવરી, બુલબુલ, તેતર, દૈયડ-દેવનાં ચકલી અને કાબર તરફ નજર ફેરવી. ખાડા પાડો તો જ ટેકરા થાય - તે મનમાં ગણગણ્યો. પછી અત્યંત ગંભીરભાવે બોલ્યો :  અલ્યા, તારી ભલી થાય. તું તો માણહની વાત કરે છે કે રાખ્ખહની ? જો આ તારી ચારે તરફ. પેલાં ભમરાં કે પક્ષી - કોઈને અકરાંતિયા થવાનું મન થતું નથી, અને તારે તો બીજાને મારીને જીવવું છે, ખરું કે ? અને તું જ્યારે ખેતરો ભરખી જાય છે, ત્યારે કેટકેટલાં પક્ષીઓને મારી નાંખે છે, તે તો જો. ખેતરોને બદલે કારખાનાં જ હશે તો ઝાડ નહીં હોય અને ઝાડ નહીં હોય તો પશુ કે પક્ષી પણ નહીં જ હોય, તારે તો જે વાત કરવી છે તે ખાડા કે ટેકરાની નથી. તે તો સમજુ કે અબુધ - એવા સૌ કોઈનાં લોહી વહાવવાની વાત છે. ખેડૂત મરે, ખેતમજૂર મરે, ગ્રામ કારીગર મરે આ બધું તો દેશને કેમ પરવડે ? આ દેશની આ સંસ્કૃિત ય નથી અને ધરમ પણ નથી.

ચોથિયાને એમ કે આ આખી વાત માત્ર કાકમહારાજ સાથેની જ બની રહી હશે. પણ તે જેવો પાછો વળ્યો કે તેણે જોયું કે ચોથેશ્વરી અને શ્વેતકેશી તો તેની વાત અને ચર્ચાને સાંભળી રહ્યા હતા. બે ય  જણાંએ તેની વાતને વધાવી લેતા કહ્યું, ‘આધિપત્ય અને ગુલામી હેઠળના લાંબા જીવન કરતાં ખુમારી અને ખુદ્દારી સાથેનું અલપ જીવન પણ મીઠું હોય છે, હોંકે !‘          

e.mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2015; પૃ. 05-06

Category :- Opinion Online / Opinion