OPINION

એક સંવાદ : પ્રાઇમસ મૉડલ

જયંતી પટેલ
19-05-2015

પ્રાઇમસ : આપ જાણતા હશો તેમ, રસોઈ માટે ગૅસના આગમન પહેલાં, કેરોસીનથી ચાલતા પ્રાઇમસનું ચલણ હતું. સરળતાથી હેરફેર કરી શકાય તેવું સાધન ઘર ઉપરાંત લારી-ગલ્લાં તથા નાની-મોટી ઑફિસોમાં પણ ચા-નાસ્તો બનાવવા બહોળા પ્રમાણમાં વપરાતું. તેમાં નીચે કેરોસીન ભરવાની ટાંકી અને હવા ભરવાનો પંપ, વચ્ચેના ભાગમાં બર્નર, જેમાં પ્રવાહી તથા તે ગરમ થતાં જ્વલનશીલ વાયુ આવે તેવા છિદ્રોવાળું લવિંગ લગાવેલું રહેતું. ઉપર તપેલી, તાવડી વગેરે મૂકી શકાય, તેવી જાળીની રચના હતી.

હવે આગળ ...

પ્ર. રાજકીય સત્તા હાંસલ કરવા માટેની તમારી વ્યૂહરચના તમને કેવી રીતે સૂઝી ?

ન. ચા બનાવવાની મારી સાધના દરમિયાન પ્રાઇમસ સળગાવતાં.

પ્ર. વિગતથી સમજાવશો ?

ન. પ્રાઇમસ ચાલુ કરતાં પહેલાં પંપ મારવો પડે.

પ્ર. બરાબર

ન.  પંપ મારી થોડું કેરોસીન બર્નરની વાટકીમાં કાઢવું પડે. પણ લવિંગમાં ભરાયેલો કચરો રુકાવટ કરતો હોય, તો પીન મારી તેને દૂર કરવો પડે.

પ્ર. દાખલા તરીકે ચાલુ સત્તાધીશ કે અન્ય અડચણકર્તા વ્યક્તિઓ.

ન. પછી, વાટકીમાંના કેરોસીનને સળગતી દીવાસળી ચાંપો.

પ્ર. એટલે ભડકો થાય.

ન. બર્નરને ગરમ કરવા તે જરૂરી છે.

પ્ર. સમાજમાં ભડકો એટલે હિંસાખોરી ?

ન. આ તો પ્રક્રિયાના તબક્કા છે. પછી પંપ મારી હવાનું દબાણ વધારી પ્રાઇમસ ભમભમાવો.

પ્ર. એટલે કે લોકોના મનમાં હવા ભરી ભરમાવવા ?

ન. બધી ચોખવટ કરવી જરૂરી નથી.

પ્ર. પ્રાઇમસ તો ભમભમાવ્યો. હવે, ચા બનાવવાની.

ન. હવે, તપેલીમાં દૂધ અને પાણી ભેગાં કરો.

પ્ર. એટલે કે નીરક્ષીરવિવેક જાળવ્યા વિના, સાચા-ખોટાની ભેળસેળ ?

ન. ભાઈ તમે તો બહુ અર્થ તારવો છો.

પ્ર. તેમાં થોડું ગળપણ પણ નાંખવું પડશેને ?

ન. હાસ્તો. લોકોના ગળે ઊતરે તેવું તો કરવું પડેને ?

પ્ર. હવે, શું ઉમેરવાનું ?

ન. થોડો તમતમતો (ભાષણ જેવો) ગરમ મસાલો, ચાની પત્તી કે ભૂકી.

પ્ર. અને, તેને બરાબર ઉકાળવાના (ઉશ્કેરવાના).

ન. કડક ચા બને પણ કડવી ના થઈ જાય, તેનું ધ્યાન રાખવું પડે.

પ્ર. ક્યારેક પ્રાઇમસ ભભકભભક થતો હોય છે.

ન. હા, શક્તિના સ્રોત જેવા કેરોસીનમાં કચરો કે પાણી જેવાં ઉધમાતિયાં કે અળવીતરાં તત્ત્વોને કારણે એવું બને. તેમના બકવાસને સહી લેવા પડે.

પ્ર. ચા ઊકળ્યા પછી ?

ન. તપેલી ઉતારતાં આપણા ઉપર ના પડે તેનું પણ ધ્યાન રાખવું પડે. પછી, ચાને ગાળી લેવાની.

પ્ર.  ચા ગાળતાં વધેલા કૂચા -

ન. રસકસ નિતારી લીધા પછી તેને કચરાપેટીમાં જ પધરાવવાના હોયને.

પ્ર. હવે કામના ના રહેલા સાથીઓ માફક.

ન. તેમને વેંઢારવાનો કોઈ અર્થ ખરો ?

પ્ર. પ્રાઇમસમાં હવા ભરવાનો પંપ ક્યારેક લપટો પડી જતો હોય છે.

ન. ત્યારે વાઇસર, બદલવું પડે.

પ્ર. એટલે કે કોઈ ઘસાઈ ગયેલા ઢીલાપોચા નેતાને દૂર કરવા પડે.

ન. હં.

પ્ર. તમારો પ્રાઇમસ અમુક ભાગમાં સળગતો નથી.

ન. તેના રિપૅરિંગની જવાબદારી એક નિષ્ણાંત વ્યક્તિને સોંપી છે.

પ્ર. તમારા પ્રાઇમસમાં હવાનું દબાણ ઘડાટવાની ચાકી દેખાતી નથી. પરિણામે, બહુ હવા ભરતાં પ્રાઇમસ ફાટે ખરો ?

ન. ક્યારેક એવું પણ બને.

સૌજન્ય : “નિરીક્ષક” 16 મે 2015, પૃ. 20

Category :- Opinion Online / Opinion

ભારતીય જનતા પાર્ટીનાં આંતરિક વર્તુળોમાં કેટલાક સમય પહેલાં એક એસ.એમ.એસ. ફરતો થયેલો, તેમાં જણાવવામાં આવેલું કે અમને જણાવતા અત્યંત આનંદ થાય છે કે ભારતના માનનીય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા દસ મહિના દરમિયાન ભારતીય પ્રજાસત્તાકની પાંચમી, સૉરી, છઠ્ઠી સત્તાવાર મુલાકાત લીધી છે, તે બદલ તેમનું હાર્દિક સ્વાગત ! આ સંદર્ભમાં વિદેશમંત્રાલયનાં જવાબદાર વર્તુળો એવું માને છે કે ભારતનું વ્યૂહાત્મક મહત્ત્વ ઘણું વધ્યું છે.

આ અને આવી અનેક મજાકો સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે. કેટલાક રાજકીય નિરીક્ષકો એવું માને છે કે મોદી સરકારની ઍન્ટિ ઇન્કમ્બસીનો આરંભ થઈ ગયો છે. તેનો અકાટ્ય પુરાવો ત્રણેક મહિના અગાઉ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો દ્વારા મળ્યો છે. મોદીએ એ ચૂંટણી અગાઉ દિલ્હીમાં પાંચ-છ જેટલી પ્રચારસભાઓ ગજવી હતી, છતાં ૭૦ બેઠકોમાંથી ગણીને માત્ર ત્રણ જ બેઠકો ભા.જ.પ.ને મળી. જો કે તે પછી તેમણે ત્રણ-ચાર વાર ‘મન કી બાત’ કરી, પણ તેમાં તેમણે દિલ્હીનાં પરિણામોનો એકેય વાર ઉલ્લેખ ન કર્યો.

ભૂમિ-અધિગ્રહણ બિલ(હવે વટહુકમ)માં ધરખમ ફેરફારો કરવાની તેમણે જીદ પકડી છે, તેને તેમણે પોતાની અંગત પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે. અને તે દ્વારા તેમણે પોતાના જ પક્ષ ભા.જ.પ.ને મુશ્કેલીમાં મૂકી દીધો છે. ખરેખર તો કૉંગ્રેસ સહિત બધા નાનામોટા વિરોધપક્ષો અને તેમના નેતાઓએ વડાપ્રધાન મોદી અને ભૂમિ-અધિગ્રહણ બિલ વિશે જે જીદ્દી વલણ ધારણ કર્યું છે, તેનો ખાસ આભાર માનવો જોઈએ. પણ વિશેષ આભાર તો કૉંગ્રેસે માનવો જોઈએ. ‘વિપશ્યના’માંથી તાજામાજા થઈને પાછા આવેલ રાહુલ ગાંધી આ બંને મુદ્દાઓને કારણે જુસ્સામાં આવી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી સંસદમાં ગેરહાજર રહ્યા, તેનું સાટુ તેમણે સંસદમાં ત્રણ-ચાર જોરદાર ભાષણો આપીને વાળી દીધું. તેમની ગેરહાજરીમાં કૉંગ્રેસ-પ્રમુખ સોનિયા ગાંધીને આ ઉંમરે નાનીમોટી કૂચો કાઢવી પડી. રાહુલ પરત આવી ગયા પછી હવે તેમને થોડો આરામ મળશે. અગાઉ રાહુલ ગાંધી થાકેલા લાગતા હતા, પણ હવે તેમનામાં જાણે કે જોરદાર સ્ફૂિર્ત આવી હોય એવું લાગે છે.

હવે જે રાજ્યોમાં પાક નિષ્ફળ ગયો છે અને જ્યાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, તે રાજ્યોમાં તેમણે પદયાત્રાઓ શરૂ કરી છે. ઍરકન્ડિશન્ડ ઑફિસ અને ઘરોમાં રહેવા ટેવાયેલા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં જ્યાં ગરમીનો પારો ૪૪થી ૪૫ ડિગ્રી જેટલો સામાન્ય રીતે રહે છે, ત્યાં તાજેતરમાં પદયાત્રા કરી. બીજી બાજુ, ગુજરાતના મુખ્યમંત્રીમાંથી દેશના પ્રધાનમંત્રી બનેલા નરેન્દ્ર મોદી તો પદયાત્રા કરવાનું લગભગ ભૂલી ગયા છે. પ્લેનમાંથી ઊતરી પોતાની ખાસ ગાડીમાં બેસવા જવા માટે જેટલું ચાલવું પડે, તેટલું તેઓ ચાલે છે. તેમના પ્રશંસકો તેને મોદીની પદયાત્રા કહી શકે ! તેમણે અડવાણીની સાથે ઊભા રહીને ‘રથયાત્રાઓ’ ઘણી કરી છે, પણ એ તો હવે ઇતિહાસનો ભાગ બની ગઈ છે. રાહુલ ગાંધીને ધખધખતા તાપમાં પદયાત્રા કરતા કરી દીધા, તે માટે તેમણે મોદી અને તેમની જીદનો આભાર ન માનવો જોઈએ?

‘મોદી સરકાર, સૂટબૂટ કી સરકાર’ એવું એક નવું સૂત્ર ચલણી બને તો નવાઈ નહીં. તેનો એક સૂચિતાર્થ એ પણ છે કે મોદીની ‘સૂટબૂટ કી સરકાર’, ટાઈ અને સૂટબૂટમાં સુસજ્જ મોટા ઉદ્યોગપતિઓ અને કૉર્પોરેટ હાઉસના સી.ઈ.ઓ.ના લાભમાં અને હિતમાં કામ કરી રહી છે.

જનતા પરિવાર તરીકે ઓળખાતા જુદા-જુદા પ્રાદેશિક પક્ષો અને તેમના નેતાઓને એકત્ર કરવાનું કામ પણ મોદી અને ભૂમિ-અધિગ્રહણ બિલ માટેની તેમની જીદે કર્યું છે, તેમણે પણ મોદીનો આભાર માનવો જોઈએ. હવે નજીકના ભવિષ્યમાં જે રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણીઓ આવી રહી છે, જેમ કે પહેલા બિહાર અને ત્યાર બાદ ઉત્તરપ્રદેશ - આ રાજ્યો ખેતીપ્રધાન છે, એટલે ફેરફારોવાળા ભૂમિઅધિગ્રહણ બિલની માઠી અસર સૌ પ્રથમ આ રાજ્યોમાં પડશે, ત્યાર બાદ પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઓડિસા વગેરે, તે પણ મુખ્યત્વે ખેતીપ્રધાન છે ત્યાં પણ તેની અસર પડશે.

સમગ્ર દેશમાં વધતે ઓછે અંશે મોદીવિરોધી વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. નાના-મોટા વિરોધપક્ષો માટે મોદી એ ‘કૉમન એનિમી’ છે, એટલે જો તેમને હટાવવા હોય તો સૌએ ભૂતકાળ ભૂલી જઈને એકત્ર અને સંગઠિત થવું જોઈએ. ભૂમિ-અધિગ્રહણ બિલના સંદર્ભમાં સાથી પક્ષ શિવસેના ભા.જ.પ.ની સાથે નથી. તેના નેતા ઉદ્ધવ ઠાકરે અવારનવાર તેમના વિરોધને શિવસેનાના મુખપત્ર ‘સામના’માં વાચા આપે છે, તો ક્યારેક ભા.જ.પ.ની ટીકા પણ કરવામાં આવે છે. આર.એસ.એસ.ની કિસાનપાંખ ભારતીય કિસાનસંઘે તો આ મુદ્દે ભા.જ.પ.(મોદી)ની જાહેરમાં ટીકા કરી છે.

અધૂરામાં પૂરું દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો, તેને કારણે ઘઉંના પાકને ઘણું નુકસાન થયું છે. એપ્રિલ-મેનો સમયગાળો રવિ પાકની લણણીનો સમય હોય છે, તેને કારણે ઘઉંના પાકને ઘણું નુકસાન થયું છે. આ સંદર્ભમાં દેવામાં ડૂબેલા નાના-સીમાંત ખેડૂતોની આત્મહત્યાઓનું પ્રમાણ વધે, એની પૂરેપૂરી શક્યતા છે. કમનસીબે આપણાં શહેરકેન્દ્રી સમૂહમાધ્યમો ગ્રામીણ વિસ્તારો અને ત્યાં રહેતા સામાન્ય લોકો, ખાસ કરીને નાના-સીમાંત ખેડૂતોના સમાચાર ભાગ્યે જ આવે છે.

મોદીને કેન્દ્રમાં સત્તા પર આવે એક વર્ષ પૂરું થવામાં છે. તે વખતે ભૂમિ અધિગ્રહણ બિલ અને અન્ય કારણોસર તેમની અગાઉની ઇમેજ, જે ખાસ પ્રયત્નપૂર્વક ઊભી કરવામાં આવેલી, તેમાં ઘસારો પડવો શરૂ થયો છે. પોતે નિમ્ન મધ્યમ વર્ગમાંથી અને ચાનો ગલ્લો ચલાવનારા કુટુંબમાંથી આવતા હોવાથી અને સામાન્ય ગરીબ લોકોને કેવી હાડમારીઓ ભોગવવી પડે છે, તેનો જાત-અનુભવ હોવાથી, તેમણે પોતે ગરીબ તરફી, ઓ.બી.સી. તરફી રાજકીય નેતા હોવાની ઇમેજ, ખાસ કરીને ગુજરાતમાં ઊભી કરેલી. ઉપરાંત, ૨૦૦૨માં તેમના શાસન દરમિયાન ગુજરાતમાં થયેલ વ્યાપક સાંપ્રદાયિક હિંસાને કરાણે તેઓ મુસ્લિમોના કટ્ટર વિરોધી હોવાની છાપ પણ ઊભી થઈ. પણ હવે વડાપ્રધાન બન્યા પછી એ બધી જૂનીપુરાણી ઇમેજને સ્થાને તેમની નવી ‘ઇમેજ’ ગરીબ વિરોધી, કિસાન વિરોધી તો સાથેસાથે મોટા ઉદ્યોગપતિઓ, કૉર્પોરેટ હાઉસોના પાક્કા તરફદાર હોવાની ઊભી થઈ છે. બીજી બાજુ તેઓ મુસ્લિમ વિરોધી નથી, એવી છાપ ઊભી કરવાનો તેઓ ખાસ પ્રયત્ન કરી રહ્યા છે. “હું તો ‘સબ કા સાથ, સબ કા વિકાસ’માં માનું છું.”

ભા.જ.પ.ના કેટલાક નેતાઓ અને કેટલાક મંત્રીઓ સંસદમાં અને ઘણું ખરું સંસદની બહાર જે બેફામ વાણીવિલાસ કરે છે, તેમને કાં તો મોદી રોકવા માંગતા નથી અથવા તો એ બધા તેમના કહ્યામાં નથી. જે રીતે ધાર્મિક લઘુમતીઓનાં ધર્મસ્થળો પર હુમલા થાય છે, જેમાં હિન્દુવાદી સંગઠનોનો હાથ હોય છે, તે બધાના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પડઘા પડે છે અને ધાર્મિક સહિષ્ણુતા ધરાવતા દેશ તરીકે ભારતની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચે છે.

ઝંઝાવાતી પ્રચારમાં લોકોની આંખોમાં ધૂળ નાંખીને મોદી ચૂંટાઈ તો આવ્યા પણ ઝડપથી તેમની ‘લોકપ્રિયતા’માં ઘડાટો થઈ રહ્યો છે, સત્તા ગ્રહણ કર્યાની પહેલી વર્ષગાંઠ ભારે ધામધૂમથી ઊજવવામાં આવશે, એવા અખબારી અહેવાલો છે. એક બાજુ ખેડૂતો વિવિધ કારણોસર આત્મહત્યા કરતા હોય ત્યાં આવી ઉજવણીએ ઘા પર મીઠું ભભરાવવા જેવી ન ગણાય કે ?

સૌજન્ય : “નિરીક્ષક” 16 મે 2015, પૃ. 17-18

Category :- Opinion Online / Opinion