OPINION

પર્યુષણ દરમિયાન માંસાહાર પર પ્રતિબંધની માગણી કરી રહેલા મુંબઇના જૈન સમુદાયને ‘મુસ્લિમોની જેમ’ નહીં વર્તવાની શિવસેનાની ‘સલાહ’ને (શિવસેનાને તો ઊંબાડિયા મૂકવાની આદત છે કહીને) ગંભીરતાથી ન લઇએ તો પણ એમાંથી વ્યાપક જનમાનસમાં પડેલો દમિત ભાવ બહાર આવે છે: અને તે એ કે, જૈનો પોતાને હિન્દુઓથી અલગ માને છે અને આ માન્યતામાં હવે એ કટ્ટરવાદી પણ બની રહ્યા છે.

ભારતના 50 લાખ જૈનોને (મુસ્લિમોની જેમ) લઘુમતીનો કાનૂની દરજ્જો આપવામાં આવ્યો છે એટલે ‘હિન્દુત્વની રખેવાળ’ શિવસેનાનો ‘આક્રોશ’ સમજી શકાય તેવો છે, પણ સાચો નથી. બહુ ઓછા લોકો એ હકીકતથી વાકેફ છે કે જૈનોમાં અલગાવની જે ભાવના પેદા થઈ છે તેની પાછળ પૌરાણિક હિન્દુઓનો માંસાહાર અને હિંસક વ્યવહાર કારણભૂત છે. બૌદ્ધિક કાળમાં પશુઓના બલિ ચઢાવવાની હિન્દુઓની પરંપરાનો સૌથી પહેલો વિરોધ જૈનોએ કર્યો હતો.

હિન્દુ ગ્રંથ મનુસ્મૃિતને ટાંકીને જૈન સાધુ હેમચંદ્રાચાર્ય(ધંધૂકા)એ કહેલું કે ગલત શાસ્ત્રોના પ્રભાવમાં આવીને હિન્દુઓ હિંસક બની ગયા છે. દિગંબર સાધુ અલંકાએ વ્યંગમાં એમ કહ્યું હતું કે હત્યા કરવાથી જો મોક્ષ મળતો હોય તો તેમણે શિકારી કે માછીમાર બની જવું જોઈએ. એટલા માટે જ પૌરાણિક સમયથી જ જૈનોએ વેદ, મહાભારત અને રામાયણને ગલત શાસ્ત્ર ગણીને અમાન્ય ઠરાવ્યા હતાં. પાછળથી જૈનોએ આ જ ગ્રંથોને આગવી રીતે લખેલા, જેને હિન્દુઓ સ્વીકારતા નથી.

હિન્દુ રામાયણમાં રામના હાથે રાવણનો વધ થાય છે પરંતુ જૈનોના રામાયણમાં રામ અહિંસક છે અને રાવણ લક્ષ્મણના હાથે મરાય છે. વાલ્મીકિએ રામને ક્ષત્રિય રાજા તરીકે પેશ કર્યા હતા જ્યારે જૈન સંસ્કરણોમાં રામ જૈન મૂલ્યોના પાલન કરનારો એક સાધારણ અહિંસક રાજા છે. એવી જ રીતે જૈન મહાભારતમાં કૃષ્ણની ટીકા કરવામાં આવી છે કારણ કે મહાભારતના હિંસક યુદ્ધ માટે એ જ જવાબદાર છે. જૈન મહાભારતમાં યુદ્ધના અંતે કૃષ્ણ મોક્ષ નથી પામતા પરંતુ હિંસાની સજા રૂપે સાતમા નર્કમાં સબડે છે.

જૈનોના 22મા તીર્થંકર નેમિનાથ કેવી રીતે સાધુ બન્યા તેની પાછળ પણ કૃષ્ણનો હિંસક અભિગમ જવાબદાર છે. જૈન સંસ્કરણ પ્રમાણે નેમિનાથ કૃષ્ણના ભત્રીજા થાય. કૃષ્ણના પિતા વાસુદેવના ભાઈ સમુદ્ર વિજયનો પુત્ર એટલે નેમિનાથ. કૃષ્ણએ આ નેમિનાથમાં ચક્રવર્તી રાજા બનવાનાં લક્ષણ જોયેલાં પણ નેમિનાથ બચપણથી જ આધ્યાત્મમાર્ગી હતો એટલે એનામાં સાંસારિક વૃત્તિઓ પેદા કરવા માટે કૃષ્ણએ એની જ એક રાણી સત્યભામાની બહેન રાજુલ (રાજમતી) સાથે નેમિ કુમારનું ‘ચોકઠું’ ફિટ કરી દીધું. આ નેમિ કુમાર ઘોડે ચઢીને રાજુલને પરણવા જતો હતો ત્યારે રસ્તામાં એણે જોયું કે લગ્નમાં લોકોને ખવડાવવા-પીવડાવવા માટે કૃષ્ણએ અસંખ્ય પ્રાણી-પશુઓનું માંસ રાંધ્યું હતું. આ હિંસા જોઇને નેમિનું હૃદય દ્રવી ઊઠ્યું અને એણે સંસારનો ત્યાગ કરી દીધો.

હિન્દુઓને એ જાણીને આઘાત લાગે કે ઘણા પંડિતો અને અભ્યાસુ ભગવદ્દગીતાને હિંસાને પ્રોત્સાહન આપતા ગ્રંથ તરીકે જુએ છે. અગાઉના સોવિયત સંઘમાં ઇસ્કોન દ્વારા ગીતાનો પ્રચાર જોરશોર પર હતો ત્યારે ગીતામાં હિંસાનો ઉપદેશ છે તેવા આરોપસર ત્યાંની અદાલતમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માગણી થઈ હતી.

આમાં આશ્ચર્ય પામવા જેવું નથી. જગતના તમામ ધર્મો પર હિંસાને પ્રોત્સાહન આપવાનું કલંક છે. પૌરાણિક સંઘર્ષોથી લઈને આધુનિક યુદ્ધો સુધીમાં જેટલી ખૂનામરકી થઈ છે તેની પાછળ એક યા બીજી ધાર્મિક માન્યતા કારણભૂત રહી છે. કોઈપણ ધર્મના મૂળમાં હિંસા ન હોય તો પણ એના અર્થઘટનો અને અનુસરણો વ્યાપક હિંસા, ઉપદ્રવ, હત્યા અને દંગલમાં પરિણમ્યાં છે. ધર્મના નામ પર જ્યારે જ્યારે લોકો સંગઠિત થયા છે ત્યારે ત્યારે સંઘર્ષ પેદા થયો છે. આનું કારણ એ કે પ્રત્યેક ધર્મ ‘પોતાના સત્ય’માં માને છે. મારા સત્ય વિરુદ્ધ તમારું સત્ય આવે એટલે ઝઘડો થાય.

એટલા માટે જ, આતંક કે હિંસાનો કોઈ ધર્મ કે દેશ નથી એવી ચોકલેટ ગળે ઊતરે તેવી નથી. ચોપડીઓમાં પ્રેમ અને શાંતિના પાઠ ભણાવાય તે ઠીક પરંતુ હિંસા અને હેવાનિયત ધર્મ અને રાષ્ટ્રની સીમાઓમાં જ મોટાં થાય છે તે સમજવા યુનિવર્સિટીમાં ભણવા જવાની જરૂર નથી. પ્રેમ અને શાંતિના નામે ક્યાંક બે ધર્મો વચ્ચે દંગલ છે તો ક્યાંક એક ધર્મમાં બે લોકોના ભેગા થવાની સામે સંઘર્ષ છે.

યુનિવર્સિટી ઓફ ઓકલાહોમામાં ધાર્મિક બાબતોના પ્રોફેસર ચાર્લ્સ કિંમ્બાલે ‘વેન રિલિજિયન બીકમ્સ ઇવિલ’ નામની કિતાબમાં ધર્મના નામે હિંસા અને યુદ્ધોનો ઇતિહાસ લખતાં કહ્યું હતું કે તમામ ધર્મો મૂળભૂત રીતે હકારાત્મક અને શાંતિના પ્રેરક છે પરંતુ એમાં (1) સત્ય પર એકાધિકાર (2) અંધશ્રદ્ધા (3) આદર્શ કાળની કલ્પના (4) સાધ્ય સાધનને ઉચિત ઠેરવે અને (5) ધર્મયુદ્ધની માન્યતા બળવત્તર બને ત્યારે હિંસા પેદા થાય છે.

જૈનોની જેમ જ જેનો ઉદય અહિંસાના વિચારની આસપાસ જ થયો છે તે બૌદ્ધ ધર્મ પણ હિંસાનું કલંક સહન કરી રહ્યો છે. બૌદ્ધવાદ, જે મુખ્યત્વે ચિંતનાત્મક છે, તે ઘણા દેશોમાં સંગઠિત ધર્મ તરીકે સ્થાપિત થઈ ચૂક્યો છે અને એ મુલકના બીજા ધર્મો સાથે સંઘર્ષમાં ય ઊતર્યો છે. શ્રીલંકામાં બોદુ બાલા સેના (બૌદ્ધ શક્તિદળ) નામનું લડાયક ધાર્મિક સંગઠન અન્ય સંપ્રદાયો અને લઘુમતીઓ પર ત્રાસ વર્તાવવા માટે જાણીતું છે. થાઇલેન્ડ, મ્યાનમાર, જાપાન અને ચીનમાં ઘણાં બૌદ્ધ ધાર્મિક સંગઠનો ખુલ્લેઆમ હિંસાને સાધ્ય પ્રાપ્ત કરવા માટેના સાધન તરીકે વાપરે છે.

આ પણ એક વિચિત્રતા જ છે કે જૈનોની જેમ હિન્દુવાદમાં હિંસાની હાજરીના કારણે જ છૂટા પડેલા બૌદ્ધ ધર્મમાં હવે હિંસા પ્રવેશી ગઈ છે. મજાની વાત એ છે કે હિંસાનો સહારો લેનાર દરેક ધર્મ પોતપોતાની રીતે એ હિંસાને ઉચિત પણ ઠેરવે છે. આમાં મૂળભૂત પ્રશ્ન એ છે કે : હિંસા સારી છે ખરાબ? એક્ચુઅલી, પ્રકૃતિ અને સમાજની રચના જ હિંસાત્મક છે. પ્રકૃતિમાં પશુઓ હિંસાનો સહારો લઈને જીવતાં રહે છે. એમના ઊંચ-નીચ(કમજોર અને બળવાન)નો ક્રમ, પ્રદેશાધિકાર અને જીવન સહવાસીની પસંદગી હિંસાના આધારે નક્કી થાય છે. માનવીય સભ્યતાની સ્થાપના પણ હિંસાથી થઈ છે. જંગલોનો નાશ કરવો, નદી-નાળા ઉલેચવા, પર્વતો તોડવા, પશુઓને ગુલામ બનાવવાં અને એનું ભક્ષણ કરવું એ માનવીય હિંસા જ છે. જંગલમાં પશુઓ ભૂખ સંતોષવા હત્યા કરે છે. સમાજમાં સંપત્તિનું જતન કરવા હિંસા થાય છે.

પ્રકૃતિ અને સભ્યતાની હિંસામાં એક પાયાનો ફરક એ છે કે માત્ર માણસ જ એક એવું પ્રાણી છે જે એની માન્યતા કે વિચારણા રક્ષણ માટે હિંસા કરે છે. ધાર્મિક હિંસાનો જન્મ જ માણસની એના વિચાર પ્રત્યેની અંધશ્રદ્ધામાંથી પેદા થાય છે. આપણા ધાર્મિક નિયમોથી લઈને કાનૂની વ્યવસ્થામાં એક નિહિત હિંસા છે. રોડ ઉપર બંદૂક લઈને પહેરો ભરતા પોલીસમેનથી લઈને ન્યુિક્લયર બોમ્બની પૂરી ગોઠવણમાં સંગઠિત હિંસા છે. સભ્ય સમાજની રચના કરવા હિંસા જરૂરી છે એવું આપણી તમામ વ્યવસ્થાઓમાં દેખીતી રીતે નજરે પડે છે.

અને હવે તો આપણે એક એવા સમયમાં જીવી રહ્યાં છીએ જ્યાં આચારાત્મક હિંસા અને વિચારાત્મક હિંસા એકબીજાની બરોબર છે. એક સૈનિક એની બંદૂક વડે પીડા પહોંચાડી શકે છે તેવી જ રીતે એક ભણેલો-ગણેલો માણસ એના વિચારથી દુ:ખ આપી શકે છે. આપણે વિચારાત્મક હિંસાને હિંસા ગણતા નથી. જૈન-બૌદ્ધ ધર્મના અહિંસાના વિચારને ગાંધીજીએ અપનાવ્યો ત્યારે તેમણે વૈચારિક હિંસાના જોખમને પણ મહત્ત્વ આપેલું. એટલે ચાર્લી હેબ્દો નામનું ફ્રેન્ચ સાપ્તાહિક મહંમદ પેગમ્બરની મજાક કરતા કાર્ટૂન પ્રગટ કરે એ ઉશ્કેરણી પણ કહેવાય અને (વૈચારિક) હિંસા પણ.

ગાંધીજીએ સામાજિક સાફ-સફાઈ કરવા માટે આધ્યાત્મના મંદિરમાં પડેલા અહિંસાના ઝાડુને બહાર કાઢેલું. આજે એ જ અહિંસાના ઝાડુનો ઉપયોગ સખ્તી આચરવામાં ય થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે ગાયના માંસાહાર પર પ્રતિબંધ મૂક્યો ત્યારે એની પાછળનો તર્ક ગાયોનું જતન કરવાનો હતો. કોણે શું ખાવું અને ના ખાવું એના આ વૈચારિક સંઘર્ષમાંય કેટલી હિંસા છે એ સમજવું અઘરું નથી.

અસલમાં ખાવા-પીવાની આદતો લોકોની ભૌગોલિક પરિસ્થિતિ, આર્થિક હાલત અને સામાજિક રચના સાથે જોડાયેલી છે. સમય અને સંજોગો પ્રમાણે એ બદલાતી પણ રહે છે. અગર મારા દૈનિક આહાર પર કોઈકનું નિયંત્રણ હોય તો એ પણ એક પ્રકારની અહિંસક હિંસા જ છે. નિરામિષતાની આ રાજનીતિમાંથી સમજવા જેવું એટલું જ છે કે આપણા ધાર્મિક આયામો ક્યારેક તો હિંસક બની જ જાય છે. એમાંથી અહિંસાનો આયામ પણ બાકાત રહ્યો નથી. અહિંસાનો આગ્રહ પણ હિંસા જ કહેવાય? સોચો.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 20 સપ્ટેમ્બર 2015

https://www.facebook.com/permalink.php?story_fbid=1480085558986165&id=1379939932334062&substory_index=0

Category :- Opinion Online / Opinion

આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે જ એક અહેવાલ વાંચવા મળે છે - ભારતમાં કરોડપતિઓની સંખ્યા ૧.૯૮ લાખે પહોંચી ગઈ. ૨૦૧૩માં આ આંકડો ૧.૫૬ લાખ હતો, જેમાં એક જ વર્ષમાં ૪૨ હજારનો (૨૬ ટકાનો) વધારો થયો છે. તેમની સંપત્તિની વૃદ્ધિમાં ૨૮.૨ ટકા જેટલો ઊંચો વધારો થયો છે, જે એશિયન દેશો તો જવા દો વિશ્વના દેશોમાં સૌથી ઊંચો વધારો છે. પહેલી નજરે આ ગુડ ન્યૂઝ છે, પણ જરા ઊંડું વિચારીએ તો દેશમાં ગરીબોની-ખેડૂતોની સ્થિતિ વણસતી-વકરતી જાય છે તો બીજી તરફ અમીરો વધારે અમીર થતાં જાય છે. આમ, આ ન્યૂઝ દેશમાં અમીર અને ગરીબ વચ્ચે ઊંડી બનતી ખાઈ તરફ દિશાનિર્દેશ કરે છે. આઝાદીના સાત દાયકા પૂરા થવા આવ્યા છતાં દેશમાં 'ઊંચા નગરો' સ્માર્ટ થતાં જાય છે અને 'નીચા નગરો' ગંદકી અને ગરીબીમાં જ સબડી રહ્યાં છે, એ હકીકત જોતાં ચેતન આનંદની ૧૯૪૬માં બનેલી 'નીચા નગર' ફિલ્મનું સ્મરણ તીવ્ર બને છે અને સાથે એક સવાલ ઊઠે છે કે આપણે શું વિકાસની કોઈ ભળતી દિશા તરફ તો ગતિ નથી કરતા ને?

ખેર, વિકાસ-કંકાશને થોડી વાર માટે ભૂલી જઈએ પણ 'નીચા નગર'ની વાત નીકળી છે ત્યારે આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખનારા ફિલ્મ ફેસ્ટિવલની થોડી વાત કરવી રસપ્રદ રહેશે. ભારતીય સિનેમાની વૈશ્વિક સ્તરે નોંધ પહેલી વખત લેવાઈ હતી, કાન ફિલ્મ ફેસ્ટિવલમાં. ૧૯૪૬માં પહેલી વખત આયોજિત આ ફેસ્ટિવલમાં ચેતન આનંદની 'નીચા નગર' ફિલ્મે આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતીને દેશની શાન વધારી હતી. ફિલ્મની વાત કરતાં પહેલાં થોડી વાત આ ફિલ્મ ફેસ્ટિવલ વિશે ...

કાન ફિલ્મ ફેસ્ટિવલનો ઉદ્દભવ ફાસીસ્ટ અને નાઝીના વિરોધમાં થયો હતો. વિશ્વનો પહેલો વાર્ષિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ૧૯૩૨માં વેનિસ શહેરમાં યોજાયો હતો, પણ ધીમે ધીમે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ નાઝી-ફાસીસ્ટની નાગચૂડમાં ફસાઈ ગયો. જર્મનીના હિટલર અને ઈટાલીના મુસોલિનીએ તેના પર એવો કબજો જમાવેલો કે તેમના ઈશારે જ એવોર્ડ અપાવા માંડયા હતા. આના વિરોધમાં કલાપ્રેમી દેશ ફ્રાંસે પોતાનો અલગથી ફિલ્મ ફેસ્ટિવલ યોજવાનો નિર્ણય લીધો. જૂન-૧૯૩૯માં પેરિસમાં જાહેર કરાયું કે ૧થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન સૌંદર્યસભર બીચ અને રળિયામણા રિસોર્ટના નગર એવા કાન શહેરમાં ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે. કાન ફિલ્મ ફેસ્ટિવલની તૈયારીઓ થઈ રહી હતી અને ઓગસ્ટથી જ ફિલ્મો અને ફિલ્મનિર્માતાઓ ફ્રાંસ આવી પહોંચ્યા હતાં. ૧ સપ્ટેમ્બરે ફેસ્ટિવલ શરૂ થયો અને બરાબર ત્યારે જ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું. બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થતાં સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જ ફ્રાંસ અને બ્રિટને જર્મની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું અને કાન ફિલ્મ ફેસ્ટિવલ અટકાવી દેવો પડયો. બીજું વિશ્વયુદ્ધ છ વર્ષ ચાલ્યું અને આખરે ૧૯૪૫માં હિટલર-મુસોલિનીના અંત અને જાપાનની શરણાગતિ પછી પૂરું થયું. ૧૯૪૬માં ફ્રાંસની સરકારે આ ફિલ્મ ફેસ્ટિવલને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી. આમ, ૨૦મી સપ્ટેમ્બર, ૧૯૪૬ના રોજ પહેલો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો. આ ફેસ્ટિવલમાં કુલ ૧૬ દેશોએ ભાગ લીધો હતો. આ પ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આપણા માટે એટલે ઐતિહાસિક છે કે તેમાં 'નીચા નગર'ને શ્રેષ્ઠ ફિલ્મનું સન્માન મળેલું.

'નીચા નગર' ફિલ્મે ભારતીય સિનેમાને આટલું મોટું સન્માન અપાવ્યા છતાં તે ભારતીય સિનેમાની મોસ્ટ અંડરરેટેડ મૂવિ ગણાય છે. દુર્દશા તો જુઓ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખાયેલી આ ફિલ્મ દેશમાં જ કમર્શિયલી રીલિઝ થઈ શકી નહોતી. વળી, સત્યજીત રેની 'પાથેર પાંચાલી' વિશ્વસ્તરે પોંખાયાના એક દાયકા પહેલાં આ ફિલ્મે દેશને નામના અપાવી હોવા છતાં ભાગ્યે જ તેને યાદ કરાતી હોય છે.

સામ્યવાદી વિચારધારા તરફ ઝોક ધરાવતા ચેતન આનંદની આ પહેલી જ ફિલ્મ હતી, જે આજે ય માસ્ટરપીસ ગણાય છે. 'નીચા નગર'માં આપણા સમાજની વાસ્તવિકતાને કળાત્મક અને અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. ખાસ કરીને તે આર્થિક અસમાનતાની ઊંડી ખાઈનું ચોટદાર દર્શન કરાવે છે. ફિલ્મમાં એક નગર હોય છે, જે અમીરોના 'ઊંચા નગર' અને ગરીબોના 'નીચા નગર'માં વહેંચાયેલું છે. સરકાર સાહેબ નામનું પાત્ર એક અમીર, વગદાર અને મોટો બિલ્ડર હોય છે. સરકાર સાહેબ ઊંચા નગરમાં બાંધકામ માટે ગટરનું પાણી નીચા નગર તરફ વહાવી દે છે, જેને કારણે નીચા નગરમાં રોગચાળો ફાટી નીકળી છે. સરકાર સાહેબનો જ મળતિયો પાછો નીચા નગરમાં હોસ્પિટલ બાંધે છે, પણ આખા ષડયંત્રથી સચેત થઈ ગયેલા લોકો સારવાર માટે પેલી હોસ્પિટલમાં જવાનું ટાળીને અહિંસક આંદોલન કરે છે. ફિલ્મના અંતમાં લોકો જાતિ-જ્ઞાતિ-ધર્મના વાડાથી ઉપર ઊઠીને સંગઠિત બને છે અને પોતાના અધિકાર માટે સંઘર્ષ કરતા દર્શાવાયા છે.

આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સિનેમાને ઓળખ અપાવવા ઉપરાંત પંડિત રવિ શંકર જેવા સિતારવાદકને સંગીતકાર તરીકે રજૂ કર્યા તો કામિની કૌશલ જેવી અભિનેત્રી પણ આપી હતી. કમનસીબે આ ફિલ્મની આપણે ત્યાં જોઈએ એવી કદર-કિંમત થઈ નથી, એટલું જ નહીં આ ફિલ્મમાંથી જે કંઈ શીખ મળે છે, તેને આપણે આટલે વર્ષે પણ ગાંઠે બાંધી શક્યા નથી. 'નીચા નગર' જેવી શરમજનક-સંઘર્ષજનક સ્થિતિ આજે પણ આપણે ત્યાં મોજૂદ છે, એ આપણા માટે 'નીચાજોણું' ક્યારે ગણાશે?

સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 સપ્ટેમ્બર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3136057

આ આખ્ખેઆખી ફિલ્મની કડી : https://www.youtube.com/watch?v=UpweCnKyNVw 

Category :- Opinion Online / Opinion