OPINION

જે કંઈ વારસામાં મળ્યું હોય તેને સાચવીને રાખવું તે માનવ માત્રનો સ્વભાવ છે. ધર્મ, સંસ્કૃિત, રીત રિવાજ, રાજ્ય, સમાજ, કુટુંબ કે માતા-પિતા પાસેથી મળેલ ઉપદેશ, મૂલ્યો, જીવન પદ્ધતિ, કાયદાઓ, સંપત્તિ, સ્વાસ્થ્યની મૂડી અને સ્થાવર-જંગમ મિલકત એ બધું મોંઘેરી અમાનત ગણીને જીવીએ ત્યાં સુધી સંગ્રહી રાખવું અને આપણા પછીની પેઢીને આપતા જવું એ દરેકની પવિત્ર ફરજ છે, તો પછી આ અનામતની અમાનત એમાંથી કેમ બાકાત રહે?

તાજેતરમાં આ મુદ્દાને લઈને જે માગણીઓ થઈ રહી છે અને ક્યાંક ક્યાંક અમુક સમૂહના લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો છે તે સાંભળીને મારા એસ.એસ.સી.ના અભ્યાસક્રમમાં રાજ્ય બંધારણ અને નાગરિકશાસ્ત્ર વિષયનો એક પાઠ યાદ આવી ગયો. મારાં શિક્ષિકા બહેન - કે જેઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધેલો અને સ્વતંત્ર ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું તેનાં સાક્ષી હતાં  - તેમની પાસેથી સાંભળેલું કે ઈ.સ. 1950માં જયારે આપણું રાજ્ય બંધારણ ઘડાયું ત્યારે દેશની ગણનાપાત્ર સંખ્યા કેટલાક મૂળભૂત અધિકારોથી વંચિત હતી. એ જનસમૂહની જરૂરિયાતો, પરિસ્થિતિ અને માગણીઓને વાચા આપી શકે તેથી ધારાસભા અને રાજ્ય સભામાં લઘુમતી કોમ અને પછાત જ્ઞાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી જેથી તેમને સમાન તક મળે. આ જોગવાઈ દસ વર્ષ માટે હતી. તેમાં ધારાસભા અને રાજ્ય સભાના ઉમેદવારોની ગુણવત્તા ન હોય તો પણ તેમને ચૂંટણી લડવાનો અધિકાર રહેશે તેવું બંધારણમાં કોઈ કલમમાં કહેવામાં નથી આવ્યું એવું મારા પ્રશ્નના જવાબમાં તેમણે સ્પષ્ટ પણે સમજાવેલું. રાજકીય ક્ષેત્રમાં અનામત બેઠકની જોગવાઈ કરવાની શરૂઆત ક્યારથી થઈ એવી અમ વિદ્યાર્થિનીઓની જિજ્ઞાસાને સંતોષવા મારાં એ શિક્ષિકાબહેને 35 મિનીટ સુધી માહિતીસભર વાત કરી. તેનો સાર આ મુજબ છે :

મહારાષ્ટ્રના મહાત્મા જ્યોતિરાવ ફૂલે જ્ઞાતિ મુક્ત અને વર્ગ મુક્ત સમાજ રચવા અને અસ્પૃશ્યતા નિવારણ માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા હતા. તેમણે કન્યા કેળવણી અને સાર્વત્રિક ફરજિયાત શિક્ષણ અપાય તેવી તજવીજ કરી. આ વાત છે ઈ.સ. 1882ની આસપાસની, જયારે તેમણે ફરજિયાત શિક્ષણ સાથે સરકારી નોકરીમાં પણ અનામત બેઠકો માટે માગણી કરેલી. બ્રિટિશ રાજ્ય દરમ્યાન મૂળ ભારતીયોને માત્ર કારકૂની કામ કરવાની તક હતી પણ કોઈ ઉચ્ચ હોદ્દાઓ ગ્રહણ કરવાનો અધિકાર નહોતો. તેથી ઈ.સ. 1908માં ભારતીય ઉમેદવારને સરકારી નોકરીમાં અનામત બેઠક આપવાની જોગવાઈ સૌ પ્રથમ થઈ.

1857ના બળવાને પરિણામે ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સલ્તનતને સંગઠિત પ્રજા ગમે ત્યારે બળવો પોકારીને તેમને તડીપાર કરી દેશે તેવો ભય રહેતો હતો, જેથી કરીને ભાગલા કરીને રાજ્ય કરવાની નીતિ અપનાવી. તેના ભાગ રૂપે ઈ.સ. 1933માં બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડે કમ્યુનલ એવોર્ડ જાહેર કર્યો, જેના અંતર્ગત મુસ્લિમ, સીખ, ઇન્ડો-ક્રિશ્ચિયન, એંગ્લો -ઇન્ડિયન, યુરોપીયન અને દલિતોને અનામત બેઠકો (માત્ર વહીવટી માળખામાં જ) આપવાનું જાહેર કર્યું. 1937ની બંગાળની રાજ્યસભાની કુલ 250 બેઠકોમાંથી 117 બેઠકો ખાસ મુસ્લિમો માટે અનામત રખાઈ એટલે સામાન્ય મતદાર કોઈ પણ ઉમેદવારને મત આપી શકે પણ ધર્મ, જ્ઞાતિ, લિંગ કે વ્યવસાય આધારિત લઘુમતી તરીકે વર્ગીકરણ પામેલા લોકો અનામત રખાયેલ બેઠકો પર પોતાના સમૂહનો ઉમેદવાર ઊભો રાખી શકે અને તે સમૂહના મતદારો તેમને જ મત આપે તેવી વ્યવસ્થા થઈ. ધર્મને આધારે વિભાજન કરવાથી બહુમતી હિંદુ સમાજ પૂરતા પ્રમાણમાં તૂટેલો ન લાગ્યો, તેથી તત્કાલીન શાસકોએ દલિતોને તદ્દન અલગ મતાધિકાર માગવા માટે ઉશ્કેરેલા, પરંતુ ગાંધીજીની દરમ્યાનગીરીને પરિણામે ભારતનું દરેકે દરેક ગામ અને ફળિયું વિભાજીત થતાં અટકી ગયું એ હકીકત સર્વ વિદિત છે.

બંધારણની કલમ 16 પ્રમાણે, “કેન્દ્ર સરકાર સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં પછાત રહેલ નાગરિકોને માટે ખાસ સગવડો પૂરી પાડવા કોઈ રાજ્યને રોકી ન શકે.” અને કલમ 46 પ્રમાણે, “રાજ્યને સમાજના નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતને લક્ષ્યમાં લઈને ખાસ કાળજીપૂર્વક તેમના અધિકારો અને તકોનું રક્ષણ કરવાની સલાહ આપે છે.” તેવો આદેશ અપાયેલો. અનામતની જોગવાઈ કરવાનો હેતુ હતો, સામાજિક ન્યાય જળવાય અને શોષણ થતું અટકે. તે વખતે આવી જોગવાઈ અત્યંત જરૂરી હતી અને સ્વતંત્ર થતાંની સાથે જ આવું પગલું ભર્યું તે માટે ગૌરવ ઉપજે. 

ઈ.સ. 1950માં બંધારણ અસ્તિત્વમાં આવ્યું તે પછી 1979માં મંડળ કમિશન દ્વારા અનામત માટેની કલમોમાં વધુ સુધારા થયા. 1257 જેટલી અન્ય પછાત જાતિ અને જ્ઞાતિ ઉમેરવાથી એ સંખ્યા સ્વતંત્રતા સમયે 25% હતી જે વધીને 52% પ્રજાનો તેમાં સમાવેશ થયો. આજે એ યાદીમાં વધારો થતાં થતાં 2297 અનુસુચિત જ્ઞાતિ/જાતિ અને આદિવાસી મળીને ભારતની 60% જેટલી પ્રજા ખાસ અધિકારો ભોગવવાને પાત્ર ગણાય છે! જે દેશમાં આવડી મોટી સંખ્યાના લોકો પોતાને પછાત ગણાવવા માગે તે દેશ વિકાસ કેવી રીતે કરી શકે? ધારાસભા અને રાજ્યસભા માટે થયેલ અનામત બેઠકની જોગવાઈ વિસ્તરતા વિસ્તરતા આજે હવે શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રે પણ પ્રસરી. પરિણામે અનામતના લાભાર્થીઓ બંને બેઠક માટે ઉમેદવારી કરી શકે જ્યારે બહુમતી પ્રજા માત્ર બાકી રહેલ બેઠક માટે જ અરજી કરી શકે. જેમ કે પંચાયત, મ્યુિનસિપાલિટી, ધારાસભા કે લોકસભા માટે સ્ત્રીઓ તમામ સામાન્ય બેઠકો પર ઉમેદવારી નોંધાવી શકે પણ પુરુષો પોતે સ્ત્રી અને પુરુષ ન હોવાને કારણે માત્ર સ્ત્રીઓ માટેની અનામત બેઠકો સિવાય પરથી જ લડી શકે. આમ અસમાનતાની ગંગા અવળે વહેણે વહેવા લાગી.

1950ના બંધારણમાં માત્ર દસ વર્ષ માટે કરેલી અનામતની જોગવાઈ 65 વર્ષ પછી પણ ચાલુ છે. કોઈ રાજનેતા એ નિયમ બદલીને બંધ કરવા હિંમત નથી કરતો. ખરું જોતાં લોકશાહીમાં સાર્વત્રિક મતાધિકાર અપાયો છે અને દરેક નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનું સરકાર તરફથી વચન અપાયું છે, પણ અનામતવાળા વિસ્તારમાં તે સિવાયના લોકોના અધિકારો જોખમાય છે એટલે અંશે લોકશાહીનો ભંગ થાય છે. આથી જ તો મતદાન ઓછું થાય છે.

આ સંવેદનશીલ મુદ્દા વિષે જરા સમય રેખાને થોડા હજાર વર્ષ પાછી ખેંચી જવાની તસ્દી લઈએ તો કબૂલ કરવું પડશે કે સ્ત્રી-પુરુષ માટેની અસમાનતાના બીજ કદાચ મનુસ્મૃિતમાં મળી આવશે. વેદકાળના થોડા શતકો બાદ કરતાં સ્ત્રીઓને શિક્ષણમાંથી બાકાત રાખવાની શરૂઆત થઈ જે પછીથી ઘરની બહાર વ્યવસાય કરવાની, મિલકતના વારસદાર બનવાની, સંતાનો પેદા કરવાની અને જાહેર જીવનમાં હિસ્સો લેવા જેવી દરેક બાબતોમાં અધિકાર ગુમાવતી ગઈ. આ તો ક્રિકેટની ટીમમાંથી અર્ધી ટીમ બેંચ પર બેસાડીને રમત જીતવા જેવી વાત થઈ. સમાજના 50% એટલે કે સ્ત્રી વર્ગને અશિક્ષિત, બેકાર, બેસમજ અને અબળા બનાવીને કયો સમાજ પોતાને ‘સુ સંસ્કૃત’ કહેવડાવી શકે? આપણી પુરાણ કથાઓ પણ આવા અન્યાયોના દ્રષ્ટાંતોથી ભરપૂર છે. ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્યને ધનુર્વિદ્યા શીખવવાનો ઇન્કાર કર્યો કેમ કે તે રાજ પુત્ર નહોતો, ભીલ કુમાર હતો. ઉત્તમ ધનુર્વિદ્યા ક્ષત્રીય અને રાજકુમારો માટે અનામત હતી. પરશુરામ ઉત્કૃષ્ટ કોટિના ધનુર્ધર હતા, પણ તેમની વિદ્યા બ્રાહ્મણો માટે અનામત હતી તેથી કર્ણને પોતાનો શિષ્ય ન બનાવી શકે. અહીં મજાની વાત તો એ બને છે કે કર્ણ સૂર્ય પુત્ર છે, હવે સૂર્યને તો કોઈ જ્ઞાતિ નથી, કૂળ નથી અને સંતાન, તેમાં ય ખાસ કરીને પુત્રનું કૂળ તો પિતાથી જ નક્કી થાય, પણ અહીં અન્યાય કરવાનો છે એટલે સગવડતા ખાતર તેને કુંતી પુત્ર એટલે ક્ષત્રીય ગણીને પરશુરામ શ્રાપ આપી શક્યા. ફરી અનામતનો જ સવાલ આડો આવ્યો. વેદકાળ બાદ પુરાણ કાળ આવ્યો અને વર્ણ વ્યવસ્થા જ્ઞાતિનો સ્વાંગ સજીને વધુ સામાજિક જડતા લાવનારી બની. બ્રાહ્મણો માટે સહુથી વધુ બાબતોમાં અનામત હોવાને કારણે લાભ મળતા, પછી વારો આવે ક્ષત્રિયોને અને ત્યાર બાદ વૈશ્યોને પણ થોડી અનામત પદ્ધતિનો લાભ મળતો રહ્યો. એક આખો વર્ગ ક્ષુદ્રોનો, જેમને ભાગે ઉચ્છીષ્ઠ અન્ન, ગામ બહાર ઘાસની ઝૂંપડી, અત્યંત નબળું સ્વાસ્થ્ય અને અજ્ઞાનતાની બેડી આવી. આમ તેઓ બધા પ્રકારની અનામતમાંથી સદીઓ સુધી બાકાત રહ્યા.

હવે 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કુદકે ને ભૂસકે આગળ વધતી ભારતની પ્રજાને શું જોઈએ છે? અનામત બેઠકો માટે સમય મર્યાદા અને તેમાં સમાવિષ્ટ લોકોની સંખ્યા વધારીને અસમાનતા વધારવી છે? હજુ થોડા દસકાઓએ પહેલાંની જ વાત છે જ્યારે હરિજનોને ગળે ઘંટ બાંધીને ગામમાં ફરવાની ફરજ પાડવામાં આવતી જેથી ‘સવર્ણ’ નાગરિક તેનાથી અભડાઈ ન જાય તેમ દૂર રહેવાની ચેતવણી મેળવી શકે. તો ‘હું અનામત વાળી/વાળો/ છું’ એવો ઘંટ ક્યાં સુધી બાંધીને ફરશું? હજુ પણ આપણે જન્મને આધારે જ ઓળખ રાખીશું? હાથમાં આધુનિક મોબાઈલ અને ટેબ્લેટ હોય, ઘેર સેટેલાઈટ ટેલીવિઝન હોય એ પોતાને ‘પછાત’ તરીકે ઓળખાવવાનું પસંદ કેવી રીતે કરી શકે? પહેલાના જમાનામાં ભણવામાં ડોબો હોય અને કામ કાજે ઢોલુ હોય તો પણ બ્રાહ્મણના દીકરાને માન-પાન આપવામાં આવતા કેમ કે તેનો જન્મ બ્રાહ્મણના ઘરમાં થયો છે તેવું જ માત્ર કહેવાતી પછાત જાતિ-જ્ઞાતિમાં જન્મ લેવાથી વિશેષ અધિકારો મેળવવાની માંગણી કરવી એ તો પેલા ઉચ્ચ વર્ગીય લોકો જેવું વલણ હોવાનું સાબિત થાય. આપણે કોઈ દિવસ કન્યાઓ માટે, ગામડાંઓ માટે કે શહેરોમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકો માટે રોટી-કપડાં-મકાન-સ્વાસ્થ્યની બાબતમાં અનામતનો વિચાર કરેલો? એ વર્ગો માટે અનામતની જોગવાઈ કરી જુઓ અને પછી જુઓ શો જાદુ થાય છે તે, કેમ કે કન્યા અને સ્ત્રીઓને સમાનાધિકાર મળવાથી અર્ધો અર્ધ સમાજ જાગૃત થઈ જશે અને ગરીબોને કોઈ નાત-જાત નડતી નથી, તેઓ માત્ર નિર્ધન અને તક વિહોણાં માનવો હોય છે.

2009માં અનામત વિષે બંધારણમાં 95મો સુધારો બહાર પડ્યો, તેનાથી શું આપણે સુધર્યા? ઊલટાનું અનામત માટેની મુદ્દત વધારી એટલે હવે 2020 સુધી ‘અમે અસમાન છીએ’ એ વાતનું ગૌરવ લઈશું. કેન્સરનો રોગ થયો હોય તો તેમાંથી મુક્ત થવું સારું કે તેને વિદાય આપવામાં મુદ્દત વધારવામાં ડહાપણ છે? જાતિ અને જ્ઞાતિ આધારિત અસમાનતા અને અન્યાય એ પણ કોઈ પણ તંદુરસ્ત સમાજ માટે રોગીષ્ટ હોવાની નિશાની નથી શું? અત્યાર સુધીમાં અનેક મહાનુભાવો તખ્તનશીન થયા પણ કોઈને આ કાયદાને પરિણામે ઊભી થયેલ અસમાનતા મીટાવવા કંઈ પણ કરવાની હિંમત ન થઈ. વિનોબાજી કહે છે તેમ ઘેટાંને ભરવાડ ચૂંટવાની સ્વતંત્રતા મળી ગઈ એટલે આપણે લોકશાહી આવી ગઈ માનીને રાજી થયા, પણ જ્યાં ભરવાડ જ ઘેટાં જેવો આંધળું અનુકરણ કરનારો હોય ત્યાં વધુને વધુ ઘેટાં બને તેમાં શી નવાઈ? સંસ્કૃિતને નામે સામાજિક કુરિવાજોને પરિણામે ઊભી થયેલ આર્થિક અને સામાજિક અસમાનતા મીટાવવાના શુભ આશયથી અમલમાં લાવેલ અનામત વિશેના કાયદામાં ખોટું શું થયું? એક તો સમય મર્યાદા વટાવી ગયા પછી પણ આ  જોગવાઈ ચાલુ રહી અને સમાજના અન્ય સમૂહને ગેરલાભ થાય છે એ જાણ્યા પછી પણ તે માટે આંખ આડા કાન કર્યા. ખરું જોતાં તો છેવાડેના લોકને શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી અને મૂળભૂત જરૂરિયાતો સંતોષવા જરૂરી તમામ સગવડો પૂરી પાડી હોત તો તેઓ પણ પેલા સવર્ણો જેવા જ ખભ્ભે ખભ્ભા મિલાવીને ઊભા રહી શક્યા હોત. ગુણવત્તાને બાજુ પર મુકીને કોઈ આગળ વધી શકતું હશે, ભલા? ઉચ્ચ વર્ણના લોકોને જન્મને આધારે લાભ મળતા હતા તે દલિતો અને આદિવાસીઓને અન્યાય યુક્ત લાગતું હતું તો હજુ શા માટે એ પ્રથા ચાલુ રાખવી જોઈએ? તેમાં એમનું સ્વમાન કે સન્માન ક્યાં જળવાય? હું આદિવાસી છું માટે એન્જીિનયર થયો એમાં વધુ આનંદ છે કે મારામાં એન્જીિનયર થવાની બૌદ્ધિક અને અન્ય લાયકાત છે એમ કહેવામાં વધુ ગૌરવ સમાયેલું છે?

છેલ્લા થોડા દિવસો દરમ્યાન બહુ ચર્ચિત એવા આ મુદ્દાએ કૃષ્ણ દવેની કલમને સતેજ કરી જેની રચના આ સાથે પ્રસ્તુત છે.

એક ક્ષણીકા ! ! ! • કૃષ્ણ દવે

અનામત વિતરણ સમારંભ :
મિત્રો, લોકલાગણીને માન આપીને સૌને અનામત આપવી -
એવું આપણે નક્કી કર્યું છે,
એટલે કોઈએ ધક્કામુક્કી કરવાની જરૂર નથી.
એક પછી એક તમામ જ્ઞાતિ શાંતિથી અહીં આવે
અને પોતાની અનામત લઈ જાય .
આટલી જાહેરાત પછી વિતરણ સમારંભ શરૂ થાય છે
અને રંગે ચંગે પૂરો થાય છે.
અંતે વિજયી સ્મિત સાથે વરિષ્ઠ નેતા ભાષણ કરવા માટે ઊભા થાય છે -
એ જ વખતે ભીડમાંથી અથડાતી કુટાતી એક વ્યક્તિ માંડ માંડ આગળ આવીને કહે -
સાહેબ ! હું તો રહી જ ગયો ! મને પણ કઇંક આપો.
નેતાશ્રી કહે જરૂર જરૂર; તમને પણ આપવામાં આવશે જ,
બોલો તમારી જ્ઞાતિ ?
હાંફતા હાંફતા એ વ્યક્તિ કહે
“માણસ”
બાજુમાં જ રહેલા વિતરણ અધિકારી લીસ્ટમાં તપાસ કરીને -
નેતાશ્રીના કાનમાં કહે, સાહેબ !
“માણસ” નામની કોઈ જ્ઞાતિ તો આપણાં લીસ્ટમાં છે જ નહીં.

તો ચાલો આપણે સહુ “માણસ” નામની એક જ્ઞાતિ બનાવવા પ્રવૃત્ત થઈએ!

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

મૃત્યુદંડ અંગે

જાગૃત ગાડિત
24-09-2015

હમણાં યાકૂબ મેમણના કેસમાં અપાયેલા મૃત્યુદંડ વિશે જાહેરમાં જે ઊહાપોહ અને ખેંચતાણ થઈ, તેનાથી ઘણાનાં મનમાં સામાન્ય મૂંઝવણથી લઈ ભારે આક્રોશ સુધીના ભાવ જન્મ્યા. ખાસ કરીને મૃત્યુદંડ રદ કરવાની રજૂઆતો મોટા ભાગની જનતાને સમજાઈ નથી. અને આપત્તિજનક લાગી છે. ‘આવા આતંકવાદીને વળી માફી શાની? દયા શાની?’ એમણે આટલા બધા નિર્દોષોની ઠંડે કલેજે હત્યા કરવાની યોજના બનાવી એમાં દયા રાખી હતી?’ ઘણાનાં મોઢે તો એમ પણ સાંભળ્યું કે ‘આવા આતંકવાદીને તો કેસ પણ ચલાવ્યા વિના સીધી જ ગોળી મારી દેવી જોઈએ.’ આવા મનોભાવો વચ્ચે જે લોકો માફી માટે દરખાસ્ત/અરજી કરી રહ્યા હતા, તે બધા દેશદ્રોહી અને આતંકવાદના સમર્થકો છે, એવી આક્રોશપૂર્ણ ભાવનાઓ પણ વ્યક્ત થઈ. પણ આ લેખનો હેતુ યાકૂબ મેમણના કેસ વિશે વિચારવાનો નહીં, આધુનિક લોકશાહીમાં મૃત્યુદંડના વિરોધની તાત્ત્વિક ભૂમિકા તરફ નિર્દેશ કરવાનો છે.

મીડિયામાં ચમકતા ઘણા નિષ્ણાતો, રાજ્ય પોતે કોઈ વ્યક્તિનો પ્રાણ લે તે અનૈતિક અને ખૂની પ્રવૃત્તિ છે, એમ વિવિધ રીતે કહેતા હોય છે. અને ઘણે ભાગે ‘ડિટરન્સ થિયરી’ (મૃત્યુદંડ હોવાથી ગુનેગાર ગંભીર ગુના કરતાં ખચકાય છે) બધા સંશોધનાત્મક અભ્યાસમાં ખોટી પુરવાર થઈ છે, એ વાતને ખાસ મહત્ત્વ આપે છે. ટીવી પર એક નિષ્ણાતને એમ કહેતા પણ સાંભળ્યા કે, જો કોઈ તટસ્થ અભ્યાસનું તારણ નીકળે કે મૃત્યુદંડથી ગુના ઘટે છે, તો તેઓ એને સમર્થન આપવા તૈયાર છે. પણ આવી દલીલો અપર્યાપ્ત છે, ખરેખર તો ડિટરન્સ સાબિત થતું હોય તો પણ લોકશાહીમાં મૃત્યુદંડ શરમજનક અને રદ કરવા યોગ્ય છે.

બીજી વધુ સારી/સાચી દલીલ એ છે કે મૃત્યુદંડ ઇરિવર્સિબલ (Irreversible) છે. એટલે કે એ સજા એક વાર આપ્યા બાદ પાછી લઈ શકાતી નથી. માટે જો પાછળથી ગુનેગાર નિર્દોષ માલૂમ પડે કે એવાં તથ્યો, પુરાવાઓ સામે આવે, જેના આધારે એવી સજા રદ થવા પાત્ર બનતી હોય (Mitigating circumstances), તો પણ એમ કરી શકાતું નથી. કાયદા, ન્યાયાધીશો, વકીલો સાથે આખું ન્યાયતંત્ર એટલે સ્વયંસંપૂર્ણ નથી કે આવી ઇરિવર્સિબલ સજા આપી શકે. સૉક્રેટિસ જેવાને પણ લોકશાહી ઢબે મૃત્યુદંડ અપાયેલો છે.

પરંપરાગત રાજાશાહીમાં રાજ્યશક્તિ ઈશ્વરપ્રદ મનાતી હતી, અને તેથી રાજાનો ઈશ્વરની જેમ જીવન લેવાનો હક્ક પણ મનાતો હતો. લોકશાહીમાં રાજ્યશક્તિ પ્રજા પાસેથી મળે છે. એમાં સીધો કોઈ દૈવી અંશ ગણાતો નથી. માટે જે વસ્તુ લોકો આપી ન શકે તે લઈ કેવી રીતે શકે? કોઈ વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિની હત્યા એ કાયદાની દૃષ્ટિએ અપરાધ છે. તો તે જ કામ રાજ્ય ‘ન્યાય’ તરીકે કેવી રીતે કરી શકે? આધુનિક લોકશાહીમાં ન્યાય બદલાના અર્થમાં બિલકુલ માન્ય નથી.

પણ મૃત્યુદંડ લોકશાહીમાં શોભતો નથી, એનું સૌથી મહત્ત્વનું અને મૂળભૂત કારણ કયું? એ સમજવા લોકશાહી રાજ્ય એ કોઈ પણ વ્યક્તિ કરતાં ઘણી ઉચ્ચતર હસ્તી (Transcendental Being) છે, એ સમજવું ખાસ જરૂરી છે. વ્યક્તિગત સ્તરે કોઈની આપરાધિક કે હિંસાત્મક પ્રવૃત્તિ જોઈને આપણું લોહી ઊકળી આવે અને તેને તાત્કાલિક ગોળી મારી દેવાની ઇચ્છા પણ થઈ આવે. પણ જ્યારે એક લોકશાહી રાજ્ય એવા અપરાધીની સામે નજર કરે, ત્યારે એક વ્યક્તિના સ્તરની ભાવનાઓથી દોરવાતું નથી. એન્કાઉન્ટર વિશેની ચર્ચા પણ આ બે દૃષ્ટિકોણના સંઘર્ષમાંથી જ જન્મી હતી.

આધુનિક લોકશાહી રાજ્ય એક પ્રજા/ દેશની સાથેસાથે મનુષ્યજાતના ઇતિહાસ, સંસ્કૃિત, ધર્મ, નૈતિકતા અને પેઢીઓથી ઉત્ક્રાંતિ પામેલા અને કેળવાયેલા, દૃઢીભૂત થયેલાં ઉચ્ચતર/ ઉચ્ચતમ સંસ્કાર, મૂલ્યો અને આદર્શોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેમાં ઈશ્વરીય અવતારોથી લઈને બધા સંતો, વિચારકો, વિદ્વાનો, કલાકારોનો સમાવેશ થાય છે. જ્યારે લોકશાહી રાજ્યને આવી ઉચ્ચતર હસ્તી તરીકે આપણે જોઈએ (કે જે તે છે જ !) તો તેવી હસ્તી ઘણી ઉદાર અને અનુકંપાશીલ જણાશે કે જે વ્યક્તિગત ભાવનાઓ અને નીતિમત્તાથી પણ ઘણી ઉદાત્ત હોય, માટે જ એક બળાત્કારી, ખૂની કે આતંકવાદીને પોતાના કાનૂની બચાવની પૂરી તક અને સુવિધા અપાય છે. પણ જેઓ સાચો સિદ્ધાંત સમજી શકતા નથી, તેમને લોકશાહી રાજ્યની આવી પદ્ધતિ / પ્રક્રિયા નબળાઈ જેવી દેખાય છે અને તે માટે  રોષ પ્રગટે છે. કસાબને જિવાડી તેના પર કેસ ચલાવવામાં કેટલા પૈસા દેશે ખર્ચ્યા? કસાબને બિરિયાની? આવા-આવા પ્રશ્નો નિર્દોષ દેશભક્તોને પજવે છે. મારા એક ફેસબુક મિત્રે નીચેની પોસ્ટ શેર કરી છે :

जागो भारत जागो

सेना से निवेदन है - किसी आतंकीको पकडने के बजाय गोली मार दैं, नहीं तो बाद में गद्दार लोग राष्टृपति को चिठ्ठी लिखकर उन्हें छोडने की गुहार लगायेंगे

क्या आप सहमत है ?

ઉપરના બકવાસ માટે ન્યાયની અને નૈતિકતાની વાત જવા દઈએ, તો વ્યૂહાત્મક રીતે પણ તે મુર્ખામીભર્યો છે. ખરેખર તો જીવતો પકડાયેલો આતંકવાદી પોલીસ કે લશ્કર માટે માહિતીની મોટી ખાણ પુરવાર થાય છે. માટે જ સુરક્ષાદળોને તેમને શક્ય હોય ત્યાં સુધી જીવતા પકડવાની અને આતંકવાદીઓને તે રીતે ન પકડવાની સૂચના હોય છે.

લોકશાહી રાજ્યને ઉચ્ચતર હસ્તી તરીકે જોવું એ કોઈ આદર્શવાદ નથી - ખાસ જરૂરી છે. અને એ રીતે સમજીએ તો એ પરંપરાગત રાજાશાહી કરતાં ઘણી વધુ અને વાસ્તવિક રીતે દૈવી અંશ ધરાવે છે. આધુનિક લોકશાહી પરંપરાગત રાજ્યવ્યવસ્થાઓ કરતાં આ રીતે જ ઊંચેરી છે. લોકોમાં અને રાજનેતાઓમાં રાજ્યશક્તિની આવી દિવ્યતાનો ખ્યાલ હોવો ખાસ જરૂરી છે. રાજનેતાઓ પણ જ્યારે યાકૂબ મેમણ જેવા કેસમાં વ્યક્તિગત ભાવનાઓથી દોરવાઈ જુસ્સાપૂર્વક નિવેદનો કરે તે મોટી કમનસીબી છે. અત્યારના રાજ્યવહીવટમાં જોવા મળતી તુમાખી, જડતા અને કઠોરતા એવી સમજના અભાવે જ છે, અને એવી સમજથી જ દૂર થઈ શકે. ચળવળિયાઓના ઊહાપોહથી નહીં!

મીડિયામાં પણ ઘણી વાર આતંકવાદ, બળાત્કાર વગેરે સમાચાર ‘અમુકને ન્યાય ક્યારે મળશે?’ કે ‘ફલાણાને પૂરો ન્યાય મળ્યો?’ જેવા પ્રશ્નોથી રજૂ થતા હોય છે. એમાં એ ભૂલી જવાય છે કે લોકશાહી તંત્રમાં ન્યાયપ્રક્રિયા કોઈના વ્યક્તિગત આક્રોશ કે બદલાની ઝંખનાને ઠારવા માટે નથી. તે વધુ વ્યાપક અને ઉચ્ચતર હેતુઓ સિદ્ધ કરવા માટે છે. દિલ્હીના જઘન્ય બળાત્કાર અને હત્યાકેસમાં સગીર તરીકે છૂટેલા (કે જે સૌથી વધુ હિંસક હતો!) આરોપીને ફાંસી આપવાની માંગ છોકરીની મા પહેલેથી જ કરે છે. ઘણાને એની વાત સાથે સહાનુભૂતિ હોય છે, પણ એક રાષ્ટ્ર તરીકે એવા અપરાધીને જોવાની દૃષ્ટિ ઘણી અલગ અને વિશાળ હોય છે - અને હોવી જોઈએ જ. અન્યથા ‘ખૂન કા બદલા ખૂન’ જેવા કાયદા આપણને જંગલરાજ તરફ ધકેલી શકે.

ફ્રેંચ વિચારક ઝાક દેરિદા(The Death Penalty, Vol. 1)ના કહેવા મુજબ પ્રાશ્ચાત્ય તત્ત્વજ્ઞાને સાર્વભૌમ રાજ્યને જીવન લેવાનો હક્ક છે, એ વિચારને સીધી યા આડકતરી રીતે પરિપુષ્ટ કર્યો છે. તેના વિચાર મુજબ, મૃત્યુના સમયની અનિશ્ચિતતા, જે આપણા મર્યાદિત જીવનની જે ખાસ ખૂબી છે, તેનો મૃત્યુદંડ છેદ ઉડાડે છે અને તે રીતે કદાચ એ ખૂબ કરતાં પણ ઘણી મોટી હિંસા છે.

આ લેખમાં આધુનિક લોકશાહી માટે ‘દિવ્યતા’ શબ્દનો પ્રયોગ થોડો અતિશયોક્તિપૂર્ણ, ભારેખમ કે ભાવનાશીલ લાગે; પણ એ હું સમજી-વિચારીને કરી રહ્યો છું. આધુનિક લોકશાહી એક વ્યક્તિને દંડીત કરતી વખતે જે વિશાળ દૃષ્ટિ, ઉદારતા, સંયમ અને સહિષ્ણુતાનો પરિચય આપે છે, તે અત્યાર સુધીના માનવઇતિહાસમાં અભૂતપૂર્વ છે અને બધા ગુણ શું દિવ્યતાના અંશ નથી?  

e.mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 20-21

Category :- Opinion Online / Opinion