OPINION

આજકાલ વડાપ્રધાન મોદીની અમેરિકાના પ્રવાસ દરમિયાન સિલીકોન વેલીની મુલાકાત અને ખાસ કરીને ગૂગલ-ફેસબુક વગેરેના મુખ્ય કાર્યાલયોના સ્નેહમિલનો ચર્ચામાં છે. ભારતને ડિજિટલ-ઇન્ડિયા બનાવવાની વાતો જોરશોરમાં છે. આપણે માહિતી યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે ડિજિટલ ટેક્નોલોજી અપનાવ્યા વિના છૂટકો જ નથી. આપણા દેશે છેલ્લાં ૧૫ વર્ષથી ડિજિટલના પથ પર ચાલવાનું શરૂ કરી દીધું છે અને હવે આ માર્ગ પર ચાલવાની નહિ પણ દોડવાની વાત છે. અલબત્ત, દોડ ક્યારેક આંધળી બની જતી હોય છે ત્યારે દોડવા માટે તત્પર આપણે સૌએ કેટલીક બાબતો પ્રત્યે સભાનતા કેળવવી પડશે. બાકી ફેસબુકના સી.ઈ.ઓ. ઝકરબર્ગની વાદે વાદે આપણે પણ પ્રોફાઇલ પિક્ચરો બદલી નાખ્યા એવા ભગા વળતા રહેશે. ખેર દેશને ડિજિટલ હાઇ-વે પર લઈ જવો, એ આજના સમયની જરૂરિયાત છે, તેને અવગણીને વિકાસ શક્ય નથી. ડિજિટલાઇઝેશનના કેટલાક ફાયદામાંનો એક ફાયદો પારદર્શકતા છે, જે પચાવવી થોડી અઘરી છે, પણ સમય સાથે આપણે સર્વસમાવેશક બનવાની સમજ કેળવવી પડશે.

ડિજિટલ ઇન્ડિયાની ગરમાગરમ ચર્ચાઓ વચ્ચે એક નામ દિમાગમાં ઝળક્યા વિના રહેતું નથી. આ નામ છે - એલ્વિન ટોફલર. ગુજરાતના કેટલાક સુજ્ઞ વાચકોએ કાન્તિ શાહ દ્વારા અનુવાદિત અને યજ્ઞ પ્રકાશન દ્વારા પ્રસિદ્ધ પુસ્તક 'ત્રીજું મોજું' વાંચ્યું હશે. એલ્વિન ટોફલરને આજે યાદ કરવાનું બીજું નિમિત્ત છે, તેમનો બર્થ-ડે. ૪ ઓક્ટોબર, ૧૯૨૮માં જન્મેલા એલ્વિન ટોફલરનો આજે ૮૭મો જન્મ દિવસ છે. ન્યૂ યોર્કમાં જન્મેલા અમેરિકાના આ લેખક, પત્રકાર અને બિઝનેસ સલાહકાર આખી દુનિયામાં વિશ્વના સૌથી વિખ્યાત ફ્યુચરોલોજિસ્ટ તરીકે જાણીતા છે. બિઝનેસ લીડર્સમાં સૌથી વધારે પ્રભાવી અવાજ અને અસર ધરાવતા લોકોમાં બિલ ગેટ્સ અને પીટર એફ. ડ્રકર પછી ટોફલર ત્રીજા ક્રમે આવે છે. એક વિશ્વસ્તરીય સામયિકે ટોચના ૫૦ બિઝનેસ ઇન્ટેલેક્ચ્યુઅલ્સમાં તેમને આઠમો ક્રમાંક આપ્યો હતો. કારકિર્દીના પ્રારંભિક ગાળામાં ટોફલરે વિશ્વવિખ્યાત 'ફોર્ચ્યુન' મેગેઝિનના એડિટર તરીકે કેટલાંક વર્ષો કામ કર્યું હતું. એલ્વિને આઈ.બી.એમ., ઝેરોક્ષ, એ.ટી. એન્ડ ટી. જેવી માંધાતા કંપનીઓમાં વ્યૂહાત્મક સલાહકાર તરીકે ફરજ નિભાવી છે. એલ્વિન ટોફલરે કોર્પોરેટ ગૃહો ઉપરાંત એન.જી.ઓ. અને જુદા જુદા દેશોની સરકારોના સલાહકાર તરીકે પણ ભૂમિકા ભજવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ અમેરિકન વિચારકનો આધુનિક ચીનને સાકાર કરવામાં ફાળો આપનારા ૫૦ વિદેશી લોકોમાં પણ સમાવેશ થાય છે.

એલ્વિન ટોફલરે 'ધ થર્ડ વેવ', 'ફ્યુચર શોક' અને 'પાવરશિફ્ટ' જેવાં ચર્ચિત પુસ્તકો આપ્યાં છે. ટોફલરે પોતાની પત્ની હૈદી સાથે પણ 'રિવોલ્યુશનરી વેલ્થ', 'વોર એન્ડ એન્ટિ-વોર' તથા 'ક્રિએટિંગ અ ન્યૂ સિવિલાઇઝેશન' જેવાં પુસ્તકો આપ્યાં છે, જેમાં નવા જમાના અંગેના અનુમાન અને અપેક્ષા વ્યક્ત થયાં છે. ટોફલર ખાસ કરીને ડિજિટલ રિવોલ્યુશન, કમ્યૂિનકેશન રિવોલ્યુશન અને ટેક્નોલોજીકલ સિંગ્યુલારિટીની તેમણે કરેલી ચર્ચા માટે વિશ્વભરમાં જાણીતા છે.

આપણે સૌ ડિજિટલાઇઝેશન માટે ઉત્સાહી છીએ ત્યારે ડિજિટલાઇઝ્ડ વિશ્વની કલ્પના કરવા ઉપરાંત તેને આવકારનારા ટોફલરે શબ્દો ચોર્યા વિના કબૂલેલું છે કે ડિજિટલ રિવોલ્યુશન થવાને લીધે લોકોની એકાગ્રતા અને ધ્યાન પહેલાં જેવા સતેજ નથી રહ્યાં. જો કે, ડિજિટલ ક્રાંતિને કારણે તેમને આશા છે કે માનવ સભ્યતાનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે છે. હેન્રી ડેવિડ થોરોએ 'વોલ્ડન' નામના પુસ્તકમાં સચોટ સવાલ ઉઠાવેલો કે શિકાર યુગમાં માણસે પેટ ભરવા માટે જેટલા કલાકો ગાળવા પડતાં તેટલા જ કલાકો આજે પણ ગાળવા પડતા હોય તો માનવ સભ્યતા વિકાસ પામી છે, એવું કઈ રીતે કહી શકાય? ખરેખર આજે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સનાં ઉપકરણોએ માનવીનાં અનેક કાર્યો આસાન કર્યા હોવા છતાં આપણે એવી સામાજિક-આર્થિક વ્યવસ્થા ઊભી કરી છે કે એકવીસમી સદીમાં પણ નોકરીની લાંબી સિફ્ટ ઉપરાંત બે-ત્રણ કલાક તો ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરની આવન-જાવનમાં જ નીકળી જતા હોય છે. પણ, ટોફલર ધારે છે કે "આપણા જ જીવનકાળમાં મોટી મોટી ફેક્ટરીઓ અને બહુમાળી મકાનો અડધાં ખાલી થઈ જશે. તેમના મતે નવલા સ્વરૂપે ઇલેક્ટ્રોનિક્સ પર આધારિત ગૃહઉદ્યોગોનો જમાનો શરૂ થશે. વાહનવ્યવસ્થા પરનો બોજ ઘટશે. આવનજાવનની રોજિંદી તાણ ઘટશે અને પરિવારજીવન પર તેની રૂડી અસર પડશે." આજે કમ્પ્યૂટર, મોબાઇલ અને ઇન્ટરનેટના સમયમાં સ્થળ (ઓફિસ)નું મહત્ત્વ ઘટાડી શકાય છે, પરંતુ સંસ્થાઓ અને સ્થાપિત હિતો એ દિશામાં વિચારતાં હોય એવું હાલ તો જણાતું નથી.

ટોફલરના એક ધારદાર વિચાર સાથે લેખ પૂર્ણ કરીએ, "સમાજને એવા લોકોની જરૂર છે, જે વૃદ્ધજનો અને કઈ રીતે અનુકંપાશીલ તથા પ્રામાણિક બનવું એ જાણનારાની પૂરતી કાળજી લે. સમાજને એવા લોકોની જરૂર છે, જેઓ હોસ્પિટલોમાં સેવાકાર્યો કરે. સમાજને એ તમામ પ્રકારનાં કૌશલ્યોની જરૂર હોય છે, જે માત્ર ચિંતનાત્મક જ નહિ, પણ સંવેદના અને સદ્દભાવથી સભર હોય. તમે માત્ર માહિતી અને કમ્પ્યૂટર્સ થકી સમાજ ન ચલાવી શકો."

e.mail : [email protected]

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 04 અૉક્ટોબર 2015

Category :- Opinion Online / Opinion

ફ્યુનરલ - એક હાસ્યલેખ

નવીન બેન્કર
03-10-2015

‘આપણાં સિનિયર્સ એસોસિયેશનનાં મેમ્બર - પેલા જીવીકાકી - ગુજરી ગયાં. તેમનું ફ્યુનરલ ગુરુવારે બપોરે ૧૧ થી ૧ વચ્ચે, ગાર્ડન ઓક ફ્યુનરલ હોમમાં રાખ્યું છે.’

સામાન્ય રીતે કોમ્યુિનટીમાં કોઈ ગુજરી જાય, ત્યારે ઇ-મેઈલ મારફતે મેસેજ મળતા હોય છે.  જીવીકાકી નામ તો જાણીતું હતું પણ ચહેરો યાદ આવતો ન હતો. કદાચ વર્ષોથી કાકી બિમાર હોવાના કારણે મિટિંગમાં કે પિકનિકમાં દેખાતાં ન હતાં.

આવો શોકસંદેશ મળતાં જ, હું મારા કોમ્પ્યુટર પર ગુજરાતી ફોન્ટ્સમા શોકસંદેશ કે શ્રદ્ધાંજલિ લખી નાંખું અને બધાંને મોકલાવું. ફ્યુનરલમાં પણ જઉં અને સિનિયર્સના વડીલ તરીકે કોઈ મને માઈક પર બોલાવે તો બે શબ્દો કહું પણ ખરો. મને આ બધાંની સારી ફાવટ છે. છાપાંમાં ફોટા સહિત ‘ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ’ જેવી શ્રદ્ધાંજલિઓ પણ લખી આપું.

એ દિવસે મારે, બે વખત નહાવું પડે. મારી પત્ની ચુસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે. એટલે ફ્યુનરલમાંથી આવ્યા બાદ, મારે તરત જ, ક્યાં ય અડ્યા વગર, બાથરૂમમાં જઈને બધા જ કપડાં કાઢી નાંખીને, પલાળી દઈને સ્નાન કરવું પડે. ઘરમાં પગ મૂકતાં જ ચીસાચીસ કરવા લાગે કે - ‘જોજે ક્યાં ય અડતો નહીં. ખિસ્સામાંથી રૂમાલ કાઢવાનું ભૂલતો નહીં. બધો બોળાવાળો કરી મૂકીશ. મારા ઠાકોરજીને - ’ વગેરે વગેરે .. અને હું એના ઠાકોરજીને મણમણની ચોપડાવતો, નિર્વસ્ત્ર થઈને નહાવા બેસી જઉં. ગાળાગાળી કરું પણ પત્નીના ડરથી એનું કહ્યું તો માનું જ.

હા ! તો આ કયા જીવીકાકી ગયાં, એ જાણવા હું ફ્યુનરલમાં ગયો. ૧૬” બાય ૨૦”ની તસ્વીર જોઈને હું જીવીકાકીને ઓળખી ગયો. પહેલી હરોળમાં સફેદ વસ્ત્રો પહેરેલાં એમના આપ્તજનોને જોઈને મને થયું કે અરે! આ બધાંને તો હું ઓળખું છું. ચાર દીકરીઓ, બે દીકરા, પ્રપૌત્રો, ભાઈઓ બધાંને હું ઓળખું. પણ કોઈને, જીવીકાકીને કારમાં લઈને મિટિંગસ્થળે મૂકવાં આવતાં જોયેલાં નહીં. જીવીકાકી હંમેશાં પાડોશણની રાઈડ લઈને જ આવતાં હતાં. અથવા મારા જેવા પરગજુ વોલન્ટીઅરને વિનંતિ કરીને બોલાવી લેતાં. જીવીકાકીના નવ પરિવારજનોએ ગળગળા થઈને, ગળે ડૂમો ભરાઈ જવાના અભિનય સાથે, શ્રદ્ધાંજલિઓ આપી. બેક ગ્રાઉન્ડમાં, કોફીનની પાછળથી, જીવીકાકીનાં બાળપણથી જુવાની અને ઘડપણ સુધીના ખૂબસુરત ફોટાઓની સ્લાઈડો સ્ક્રીન પર દર્શાવાતી હતી. હું, પણ, કારમાં રાઈડ આપતી વખતે, જીવીકાકીએ કહેલી તેમના જીવનની ખાટીમીઠી વાતોને યાદ કરી રહ્યો હતો.

એક બીજા ફ્યુનરલમાં એક ડોક્ટરના પિતાશ્રી ગુજરી ગયેલા. એમના ભાઈઓ પણ બધા જ ડોક્ટર્સ. સદ્દગત પિતાશ્રી પણ ડોક્ટર હતા, ડાઘુઓની સામે કોફીનમાં મૃતદેહ પડ્યો હતો અને એક પછી એક દીકરાઓ, સદ્દગત પિતાશ્રીને શ્રદ્ધાંજલિ આપતા હતા. એમના એક દીકરા ડોક્ટર આદિત્ય ઐયરે પિતાજીની અંત્યેિષ્ઠ ક્રિયામાં મદદરૂપ થવાં આવેલાં એક રૂપાળાં, પ્રૌઢ સન્નારીને જોઈને, કાંઈક આવી મતલબની શ્રદ્ધાંજલિ આપવા માંડી.

‘આજથી ત્રીસ વર્ષ પહેલાં, હું આ શહેરમાં આવેલો ત્યારે અમે એક નાટક કરેલું. એમાં આ બહેન (પેલા પ્રૌઢ ખૂબસુરત સન્નારી) પણ એમાં કામ કરતાં હતાં. એ મારા હિરોઇન હતાં. નાટક કરતાં, એના રિહર્સલ / પ્રેક્ટીસ  કરવામાં વધારે મજા આવતી. ખરું ને પ્રિયંકાબે’ન ? (નામ બદલ્યું છે) …. અને પછી આદિત્ય ઐયર સાહેબ ભૂતકાળની સ્મૃિતઓમાં ખોવાઈ ગયેલા. અને ડાઘુઓ સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા. ફ્યુનરલમાં આવા યે નંગ ભટકાઈ જાય છે.

અમારા શહેરના એક ભાઈને જો શ્રદ્ધાંજલિ આપવા માટે માઈક હાથમાં આપીએ, એટલે, પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવા માટે, સંસ્કૃતમાં ફાડવા માંડે અને પછી ‘ઇતિ, મતિ, બુદ્ધિ’…થી શરૂ કરીને આખી ભીષ્મ-સ્તૂિત શરૂ કરી દે. ત્યાંથી નહીં અટકતાં, મતિ અને બુદ્ધિનો તફાવત સમજાવવા માંડે અને મહાભારતના યુદ્ધમાં ભીષ્મપિતામહ, બાણશય્યા પર પડેલા અને શ્રીકૃષ્ણ ભગવાનને બોલાવી પોતાની બે માનસપુત્રીઓનું દાન કરેલું એની કથા કહેવા માંડે. અમે તો આ બધું અગાઉ પણ એટલી બધી વાર સાંભળેલું કે જેવો એ વક્તા ઊભો થાય કે અમે તો બીડી પીવા ફ્યુનરલ હોમની બહાર જતા રહીએ અને પુષ્પાંજલિ સમયે હાજરી આપવા જ આવીએ.

એક બીજા વક્તા શ્રદ્ધાંજલિ આપવા ઊભા થાય કે તરત મૃતદેહના કોફીન સામે બે હાથ જોડીને, ગળગળા થઈ જવાના અભિનય સહિત શરૂ કરે - ‘દાદા …’ શ્રોતાઓમાંથી કોઈ સુધારે - ‘દાદા નથી, દાદી છે.’ એ સાંભળીને સુધારી લે કે - ‘દાદી … છેલ્લા દિવસોમાં તમે મને ફોન કરી કરીને કહેતા કે’ સુધાકર, પેલું ભજન સંભળાવ ને ! અને મને તમારી પાસે આવવાવો સમય જ ન મળ્યો.’ આવો, આપણે બધા ‘બા’નું પ્રિય ભજન ગાઈને તેમને અંજલી આપીએ’. અને પછી એક લાં..બ્બુ ભજન એમના ખોખરા સ્વરે આપણા માથે ઠપકારે. પાછું આ જ નાટક બીજી કોઈ ડોશીના ફ્યુનરલમાં યે સાંભળવાની આપણે તૈયારી રાખવાની.

હવે તો, ફ્યુનરલ ૧૧ વાગ્યે હોય તો હું ૧૨ કે સવા બાર વાગ્યે જ જઉં અને વિઝીટર્સ બુકમાં નામ લખીને, કોરીડોરમાં સોફા પર જ બેસું છું અને પુષ્પાંજલિ સમયે, લાઈનમાં ઊભો રહીને, મૃતદેહ સમક્ષ નતમસ્તકે ઊભો રહી, મૃતકના અન્ય પરિવારજનો, મારી હાજરીની નોંધ લે એ રીતે, પુષ્પાંજલિ કરીને, દરવાજા પાસે લાઇનસર ઊભેલા પરિવારજનોને ભેટીને કે જયશ્રીકૃષ્ણ કરીને વિદાય લઉં છું.

ફ્યુનરલની આગલી સાંજે મૃતકના નિવાસસ્થાને ભજન રાખ્યા હોય ત્યાં જવાનું હું ટાળી દઉં છું. એના બે કારણો -  એક તો, સૂતકીને ઘેર જવાથી યે સૂતક લાગે અને કપડાં બોળીને મારી પુષ્ટિમાર્ગીય ભક્તાણી પત્ની મને નવડાવે. અને બીજું, એમના નિવાસસ્થાન પાસે પાર્કીંગ ન મળે અને દૂરદૂર ગાડી પાર્ક કરીને ચાલવું પડે. સોફામાં બેસવાની જગ્યા ન મળે અને નીચે શેતરંજી પર બેસવું પડે તો ટાંટિયા વળતા નથી. વળી ભજન આઠ વાગ્યા પછી જ હોય એટલે રાત્રે ડ્રાઇવ કરવું પડે.

અમુક સમજુ સજ્જનો ફ્યુનરલમાં ચોક્સાઈપૂર્વક અમુક સમયમર્યાદામાં પ્રસંગને સમેટી લેતા હોય છે. બિનજરૂરી વક્તાઓને કે ચીટકુ વિદ્વાનોને માઈક આપવાનું ટાળે છે.

મેં તો મારા રજિસ્ટર્ડ વીલમાં લખી દીધું છે કે મારા અવસાન પછી, ‘દેહદાન’ જ કરી દેવું.

નો ફ્યુનરલ …     નો  શ્રદ્ધાંજલિઓ ….    નો ભીષ્મસ્તુિતઓ …

લખ્યા તારીખ :- બીજી ઓક્ટોબર ૨૦૧૫

https://gadyasarjan.wordpress.com/2015/10/02/funeral-ek-hasya-lekha-navin-banker/

Category :- Opinion Online / Opinion