OPINION

ફ્યુનરલ હળવે હૈયે

પ્રવીણા કડકિયા
06-10-2015

"અરે, યાર, પ્રસંગ મારો હતો ને મારી ગેરહાજરી હતી."

આરામથી લાંબી થઈને સૂતી હતી. સફેદ ચાદરમાં માથાથી પગ સુધી ઢંકાયેલી અંદર ગુંગળામણ થતી હતી. જરા પણ યાદ નથી, ક્યારે છેલ્લે આવી ગાઢ નિદ્રામાં હું પચીસ વર્ષથી એક રાત પણ સૂતી હોઉં. હાજર થયેલા બધાને એમ હતું કે, 'મારા રામ બોલો ભાઈ રામ થઈ ગયા છે!’

ખરી રીતે, તો થઈ ગયા હતા. જો માનવામાં ન આવતું  હોય તો મારું કાંડું પકડી જુઓ ધબકારા નહીં સંભળાય. પેલો મારો ડૉક્ટર દીકરો છે ને એ પણ કહેશે, 'મારી વહાલી મમ્મી હવે આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ છે.’

એના આંખના આંસુ બંધ થવાનું નામ લેતા ન હતા.

છેલ્લાં બે વર્ષથી હું તેને હાથ બતાવીને કહેતી, 'જો ને બેટા, મારા હાથમાં મરવાની રેખા નથી, એ હસીને કહેતો મા, કોઈ કાયમ નથી રહેતું. તારો સમય આવ્યે તું પણ જઈશ, અમને તારો પ્રેમ મળે છે.' બાળકો તો માને પ્રેમ કરે. પેલા ખૂણામાં બેઠેલી મારી પડોશણ ખોટાં ખોટાં આંસુ પાડે છે. હંમેશાં મારી ઈર્ષ્યા કરતી. આજે બધાના

દેખતાં, 'અમે વર્ષોથી બાજુમાં રહીએ છીએ. ખૂબ સુંદર સ્વભાવ હતો!’

સાવ ખોટું બોલે છે. તેને ખબર હતી હું ક્યાં જવાબ આપવાની છું. ખેર,જવા દો હવે તો બધાં સંબંધ પર પૂર્ણ વિરામ આવી ગયો.

આજે મને સત્ય સમજાયું, હતી ત્યારે પરવા ન કરનાર હવે નથી એટલે મગરનાં આંસું સારે છે. મારા બેટાઓ રાહ જોતા હતા, 'ક્યારે આ ડોશી જાય'! તેની માલ મિલકત, જુવાની છે તો છોકરાઓ ભોગવે. તેઓ ભૂલી ગયા કે મારા મર્યા પછી તેમનું જ છે. પેલો ઉપરવાળો કેશ કે ચેક કશું સ્વિકારતો નથી. પેલી દાગીનાની પોટલી તો ખાસ અહીં જ મૂકીને જવાની છે.

જીવતી હતી ત્યારે ઘણાં ફ્યુનરલમાં ગઈ છું. આગલી બે હરોળમાં બેઠેલા નજદિકના સગાં તેમ જ વહાલામાં અડધા ઉપર શોભામાં અભિવૃધ્ધિ કરવાવાળા હોય છે. 'જે ગયું એમના અમે ખૂબ નજીકના રિશ્તેદાર છીએ!' સાચું માનજો તેમાં માત્ર બે કે ત્રણ જણાને વિશાદ હોય છે.

બાકી બીજા અમે ખાસ બહારગામથી આવ્યા તેનો ફાંકો રાખતા હોય છે. ખોટ તો કુટુંબને જ પડવાની હોય. તે દર્દ પણ સમય જતાં હળવું થાય છે. શું થાય બીજો કોઈ ઈલાજ છે ખરો?

ફ્યુનરલનો ખર્ચો રોજને રોજ વધતો જાય છે. જો આપણા ધાર્યા સમયે ફ્યુનરલની 'ફેસિલિટી' ન મળે તો મારું શબ બીજા ત્રણથી ચાર દિવસ 'મોર્ગ'માં સડે. સૉરી, સડે ના કહેવાય બરફની પાટ પર સુવાડી રાખે. મને ક્યાં ઠંડી લાગવાની. 'હું તો મડદું છું'.

આ સમયે ભારત બહુ યાદ આવે. હજુ તો માણસને ડૉક્ટરે મૃત્યુ પામ્યો છે એવું નિદાન બહાર પાડ્યું કે તરત જ ઠાઠડીની વ્યવસ્થા થઈ જાય. બેથી ત્રણ કલાકમાં તો ડાઘુઓ તેને સ્મશાને બાળી ઘર ભેગા. ચટ મંગની પટ બ્યાહ જેવું. અહીં તો ભાઈ, ખૂબ લાંબી પળોજણ. ભાઈ, આ તો અમેરિકા છે ?

પેલા મોટા અને મોભી ગણાતા પટેલના ફ્યુનરલમાં ગઈ; જગ્યા ઓછી હોય એવા દૂરના મોંઘામાં મોંઘા ફ્યુનરલ હોમમાં નક્કી કર્યું. મઝા જુઓ માણસોને બેસવાની જગ્યા થોડી. માણસ મોટો (પૈસાવાળો, સમાજમાં કાર્ય કરતો) લોકો રસ્તા પર ઠલવાયા. 'ગેસ્ટ બુકમાં" સહી કરવા રેશનિંગ લેવા જાય તેવી લાંબી કતાર. જરા ધક્કા મુક્કી જેવું વાતાવરણ ઊભું થયું. સારું હતું પૉલિસ હાજર હતી. શાંતિથી બધું પતાવ્યું. મર્યા પછી પણ તેની મહત્તા ઓછી થવી ન જોઈએ!

સિનિયર સિટિઝનમાં મળતાં પેલાં કુમુદબહેન વર્ષોથી એકલાં હતાં. પતિ પાંચ વર્ષ પહેલાં કેન્સર હોવાને કારણે ટુંકી માંદગીમાં ગયા. બાલ બચ્ચાં હતાં નહીં. મારે ઘણાં વર્ષોથી સંબંધ એટલે હાજર રહી. માંડ ૭૦થી ૮૦ માણસ પણ ન હતું. વાત સીધી છે. એકલા હતાં. મિલિયોનેર ન હતાં, બાલ બચ્ચાં ન હતાં. મર્યાં પછી બધી મિલકત 'એકલ'ને અને સિનિયર સિટિઝનના મંડળને આપી. જ્યારે ખબર પડી ત્યારથી તેમને બે મોઢે વખાણ સંભળાય છે. ફ્યુનરલમાં ન ગયાનો દેખાવ પૂરતો લોકો અફસોસ પણ કરે છે. કોને બતાવવા ?

જુઓ તમે કોઈના ફ્યુનરલમાં ન ગયા, તો યાદ રાખજો એ તમારા ફ્યુનરલમાં નહીં આવે. જુઓ હવે એ ગયા, એ તો આવવાના નથી. જે આવશે તેની તમને ખબર પડવાની નથી. શાને કડાકૂટ કરવી. 'આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા'! આપણાં બાળકો, તેમને તો આપણા ઓળખીતા અને સંબંધી કોણ છે તેની જાણ સુધ્ધાં નથી.

બસ નિશ્ચિંતપણે જીવો. મરવાનું તો બધાને છે.હું મરી ગઈ તમે પણ મરશો ! કાઢ્યા એટલા કાઢવાના નથી. ભલે ને તમે તમારું શરીર દાનમા આપી ખાંડ ખાવાના હો! એ તો હવે જગ જુનું થઈ ગયું છે.

વિચાર કરજો તમે કેટલું શરીર સાચવ્યું હતું. હવે ખખડી ગયેલા હો, કેન્સર અને બ્લડપ્રેશરનું સામ્રાજ્ય છવાયું હોય. ડાયાબિટિસ તો ૨૫ વર્ષથી ડેરા તંબુ તાણીને પડ્યો હોય તો તમારા શરીરનું કયું અંગ ખપમાં આવશે. ખાલી મરતાં પહેલાં યશ ખાટવાનો ઠાલો પ્રયાસ નિષ્ફળ જશે.

જો મરવાના વિચારથી ગભરાતા હો, તો દર કાઢી નાખજો. વહેલા વેળાસર વિદાય થયા તો જીવન તરી ગયા બાકી હેરાન થયા અને સહુને હેરાન કર્યા તેમાં કોઈનું ભલું નથી! એક વાત ચોક્કસ છે ડરને બદલે પ્રાર્થના કરીશું તો આપણું મડદું આપણને દુઆ દેશે. ઘરના હસીને આનંદથી ઉત્સવ મનાવશે ! આપણું જીવન તેમને ગમ્યું હશે તો યાદ કરશે. બાકી કાંઈ પણ ન લખવામાં માલ છે.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

છેલ્લાં બસો-અઢીસો વર્ષમાં હજારેક કોમી હુલ્લડોની ઘટનાઓમાં ગાય અને વાજિંત્રો સરખાં કારણો તરીકે આગળ કરવામાં આવે છે. અઢીસો વર્ષ, કોમી હુલ્લડોની હજાર ઘટનાઓ અને છતાં એકનું એક બહાનું કામ કરે એ તો આશ્ચર્ય છે. કાં તો પ્રજા બેવકૂફ છે અને કાં ધાર્મિક અનુયાયીઓની ઉશ્કેરાયેલીઓ લાગણી માત્ર એક બહાનું જ છે, બાકી બધું જ કોમવાદીઓનું આયોજન હોય છે

વડા પ્રધાન અમેરિકામાં બહુરાષ્ટ્રીય કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરોને ભારતની ગ્રોથ-સ્ટોરી વેચી રહ્યા હતા ત્યારે ઘરઆંગણે દિલ્હીની ભાગોળે દાદરી નજીક બિસાહડા નામના ગામમાં એક મુસલમાનને જીવતો મારી નાખવાની તૈયારી ચાલતી હતી. વડા પ્રધાને રજૂ કરેલી ભારતની ભવ્ય ગ્રોથ-સ્ટોરી વાગોળતાં-વાગોળતાં કંપનીના સંચાલકો ઘરે જઈ રહ્યા હતા ત્યારે બિસાહડા ગામના મંદિરના પૂજારીએ ગામના લોકોને એકઠા કરીને કહ્યું હતું કે ‘મેં પોતે સગી આંખે ઇખલાકના ફળિયામાં મારેલી ગાયના અવશેષ જોયા છે. તે ગોમાંસ ખાય છે અને વેચે છે. અત્યારે જો તમે તેના ઘરે જશો તો તેના ફ્રિજમાં ગોમાંસ મળી આવશે.’ હિન્દુઓનું ઉત્તેજિત ટોળું ઇખલાકના ઘરે ગયું હતું અને તેને ઢોરમાર મારીને મારી નાખ્યો હતો. ઇખલાકના દીકરાને પણ મારવામાં આવ્યો હતો જે અત્યારે મૃત્યુ સામે સંઘર્ષ કરી રહ્યો છે.

નરેન્દ્ર મોદીની ભવ્ય ગ્રોથ-સ્ટોરી અને દાદરીની ઘટના વચ્ચે આમ તો કોઈ સીધો સંબંધ નથી અને છે પણ. સંબંધ એટલા માટે કે વડા પ્રધાન નાટકની ઠરાવેલી સ્ક્રિપ્ટ મુજબ ગ્રોથ-સ્ટોરી વેચે છે અને તેમના પ્રધાનો હિન્દુત્વ વેચે છે. આ ઉપરાંત સંઘપરિવારને મોસાળમાં જમણ અને મા પીરસનારી એમ પૂરી મોકળાશ છે. ઠરાવેલી સ્ક્રિપ્ટ મુજબ વડા પ્રધાન મોઢું ખોલતા નથી અને પ્રધાનો અને પ્રવક્તાઓ જે વાતો કરે છે એને જો સિલિકૉન વૅલીમાં કહેવામાં આવે તો ભારતને મોઢું બતાવવા જેવું ન રહે. વડા પ્રધાન કદાચ ભ્રમમાં છે કે વિશ્વસમાજ તેમનો બીજો અને તેઓ જે વિચારધારામાંથી આવે છે એ પરિવારનો સાચો ચહેરો જાણતો નથી. હવે સમય આવી ગયો છે જ્યારે વડા પ્રધાને અને કેન્દ્ર સરકારે વિકાસ અને હિન્દુત્વમાંથી એકની પસંદગી કરી લેવી જોઈએ. ક્યાંક બાવાના બેઉ ન બગડે એવું ન બને એ માટે આ જરૂરી છે.

બે સંભાવના છે. એક સંભાવના એવી છે કે સંઘપરિવાર સાથે પાછલે બારણેથી હિન્દુત્વની પ્રવૃત્તિ કરવાની ગોઠવણ થઈ છે અને એમાં કેન્દ્ર સરકારની, ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્ય સરકારોની અને પરિવારની ભાગીદારી છે. બીજી સંભાવના એવી છે કે પરિવારનાં સંગઠનો અને સ્વયંસેવક ગાંઠતાં નથી. મને પહેલી સંભાવના વધુ નજરે પડે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પરિવારને હાંસિયામાં ધકેલી શકે અને વડા પ્રધાન તરીકે સ્પષ્ટ બહુમતી હોવા છતાં લાચાર હોય એ શક્ય નથી. એવું બને કે દિલ્હી સુધી પહોંચવા માટે પરિવારને હાંસિયામાં ધકેલી દીધો હોય અને પરિવારે હાંસિયામાં રહેવાનું મંજૂર કર્યું હોય. એ પણ કદાચ એક સમજૂતી હશે.

આવો ઇશારો કરવો પડે છે એનું કારણ વડા પ્રધાન પરત્વેનો પૂર્વગ્રહ નથી; પરંતુ કેન્દ્ર સરકારના પ્રધાનો, પક્ષના પ્રવક્તાઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શેષાદ્રિ ચારીનાં કથનો છે. જેની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરવી જોઈએ એનો બચાવ કઈ રીતે થઈ શકે? મહેશ શર્મા નામના કેન્દ્રના પ્રધાને કહ્યું હતું કે હુમલાખોરો એટલા સંસ્કારી હતા કે તેમણે ઇખલાકની જુવાન છોકરીને હાથ પણ નહોતો લગાડ્યો. બાકી એ ઘટના ઉશ્કેરાટના કારણે બની હતી. આ એ બત્રીસલક્ષણા ભાઈ છે જેમણે હજી ગયા અઠવાડિયે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. કલામનાં વખાણ કરતાં કહ્યું હતું કે તેઓ મુસલમાન હોવા છતાં દેશભક્ત હતા. શેષાદ્રિ ચારીએ મુસલમાનોને સલાહ આપી હતી કે તેમણે હિન્દુઓની ગાય માટેની ભાવનાનો આદર કરવો જોઈએ, મુસલમાનોએ ગુડ મુસલમાન બનવું જોઈએ. ડાહી સાસરે જાય અને ઘેલી શિખામણ આપે એમ બૅડ હિન્દુઓ મુસલમાનોને ગુડ મુસલમાન બનવાની સલાહ આપે છે. જો કોઈ પણ પ્રકારના બચાવ વિના ઘટનાની નિંદા કરવામાં આવી હોત તો ભાગીદારીની શંકા કરવા માટે કોઈ કારણ ન રહેત.

હવે રવિવારના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં જે સ્ટોરી પ્રગટ થઈ છે એ જોઈને છેડા મળી રહ્યા છે કે નિર્વિવાદ નિંદનીય ઘટનાનો બચાવ શા માટે કરવામાં આવી રહ્યો છે. મંદિરના પૂજારીએ કબૂલ કર્યું છે કે તેણે નહોતો ઇખલાકને ગાયને મારતા જોયો કે નહોતા તેના ફળિયામાં ગાયના મૃતદેહના કોઈ અવશેષ જોયા. તેને તો આ રીતે કહેવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે તેણે ખોટું બોલવાની ના પાડી ત્યારે તેને ધમકાવવામાં આવ્યો હતો. છેવટે દબાણ હેઠળ આવીને તેણે ગામના લોકોને એકઠા કર્યા હતા અને જૂઠી કહાની સંભળાવી હતી. એ પછી લોકોને ઉશ્કેરવાનું કામ એ લોકોએ કર્યું હતું જેમણે પૂજારીને જૂઠું બોલવાની ફરજ પાડી હતી. જે ત્રણ યુવકો સામે આરોપ છે એમાંનો એક ભારતીય જનતા પાર્ટીના દાદરીના ભૂતપૂર્વ વિધાનસભ્યનો પુત્ર છે અને બીજો હોમગાર્ડનો જવાન છે. હોમગાર્ડનો જવાન પૂજારીને ધમકાવવા અને ફરજ પાડવા ખાસ યુનિફૉર્મ પહેરીને રાતે મંદિરે ગયો હતો.

ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારથી કોમી હુલ્લડો થાય છે અને એમાં ગાયનો અને વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લાં બસો-અઢીસો વર્ષમાં એકાદ હજાર કોમી હુલ્લડોની ઘટનાઓમાં ગાય અને વાજિંત્રો એકસરખાં કારણો તરીકે આગળ કરવામાં આવે છે. કાં તો કોઈ મુસલમાને ગાયને મારી હોવાની અફવા ઉડાડવામાં આવે છે, કાં મંદિરમાં માંસના લોચા ફેંકવાની ઘટના બને છે જે ગાયના હોવાનું અને મુસલમાનોએ ફેંક્યા હોવાનું કહેવામાં આવે છે, કાં નમાજના સમયે મસ્જિદની બહાર વાજિંત્રો સાથે જુલૂસ કાઢવાની ઘટના બને છે. અઢીસો વર્ષ, કોમી હુલ્લડોની એકાદ હજાર ઘટનાઓ અને છતાં એકનું એક બહાનું કામ કરે એ તો આશ્ચર્ય છે. કાં તો પ્રજા બેવકૂફ છે અને ઉશ્કેરાઈ જાય છે અને કાં ધાર્મિક અનુયાયીઓની ઉશ્કેરાયેલીઓ લાગણી માત્ર એક બહાનું છે, બાકી બધું જ કોમવાદીઓનું આયોજન હોય છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 05 અૉક્ટોબર 2015

http://www.gujaratimidday.com/features/columns/2015-10-05-05-28-19

Category :- Opinion Online / Opinion