OPINION

ફિલ્મનું  એક દૃશ્ય  છે, જેમાં ગટર સાફ કરતાં મૃત્યુ પામનાર સફાઈ-કામદારનો કેસ લડી રહેલ એક વકીલ કામદારની પત્નીને પોતાની કારમાં એની ઝૂંપડીએ મૂકવા જઈ રહ્યો છે. કાર ચાલુ છે. વચ્ચે વકીલનું ધ્યાન પડતાં તે કામદારની પત્નીને સીટ-બેલ્ટ બાંધવા કહે છે. બોલકી આંખવાળી કામદાર પત્ની ચૂપચાપ સીટ-બેલ્ટ બાંધે છે.

ક્ષણ નાની છે પણ એ દર્શકના મનમાં એક અણિયાળો પ્રશ્ન ખડો કરી દે છે-કાર ચલાવનારની સેફ્ટીનો આપણા દેશમાં જેટલો વિચાર થાય છે, એટલો વિચાર ગંદી અને જોખમી ગટરોમાં કામ કરનાર સફાઈકામદારની સુરક્ષાનો થાય છે ખરો ?

મરાઠી કલાકારો, ફિલ્મકારો, વાર્તાકારો, નાટ્યકારો તેમની સામાજિક સભાનતા અને સામાજિક મુદ્દાઓ પ્રત્યેના ઝુકાવ માટે જાણીતા છે. ઘણી વાર સામાજિક સમસ્યા પ્રત્યે તેમનો અભિગમ અત્યંત વાચાળ, પ્રચારાત્મક અને કંટાળાજનક પણ બની જતો હોય છે, પરંતુ કોર્ટમાં એમ બનતું નથી. કારણ? કોર્ટની વાસ્તવિક માવજત. અન્ડરટોન જાળવવાની યુવા દિગ્દર્શક ચૈતન્ય તામણેની સૂઝ ને પરિસ્થિતિઓને જ બોલતી રાખવાનો તેમનો આગ્રહ.

ફિલ્મ બે સમાંતર ટ્રૅક પર ચાલે છે. એક છે કોર્ટરૂમનાં દૃશ્યો ને બીજું કોર્ટકેસ સાથે જોડાયેલા વકીલો અને જજની અંતરંગ જિંદગી.

કોર્ટરૂમ દૃશ્યોમાં આપણા દેશની ન્યાયવ્યવસ્થાનો સ્થાપિત હિતો કેવો દુરુપયોગ કરે છે, એનું બયાન છે. કેસ એક સફાઈ કામદારના મોત અંગેનો છે, જે પોલીસે આત્મહત્યાના કેસ તરીકે દર્જ કરેલ છે ને આત્મહત્યાને ઉત્તેજન આપવા માટે નારાયણ કામ્બલે નામના લોકકવિ-ગાયકની ધરપકડ કરવામાં આવે છે, જેને ૧૮૬૪ના જૂના કાયદાને આધારે ઘણું વેઠવું પડે છે. કારાવાસ વેઠવો પડે છે.  જામીન મળતાં નથી. તેમના વકીલ વિનય વોરા પોતાની રીતે લડતા રહે છે.  એક પછી એક તારીખો અપાય છે. બોગસ સાક્ષીઓ રજૂ થાય છે. છેવટે કામદારની પત્નીની જુબાની બાદ અને સાક્ષી બોગસ હોવાનો ઘટસ્ફોટ થયા બાદ નારાયણ કામ્બલેને છોડવામાં આવે છે. દરમિયાન, પાંસઠ વર્ષના નારાયણ કામ્બલેની તબિયતને જેલવાસના કારણે ઘણું જ નુકસાન થાય છે. વળી, નિર્દોષ ઠર્યા હોવા છતાં તોતિંગ દંડ થાય છે એ તો લટકામાં.

પોલીસ-કાયદો-વકીલો ભેગા મળીને છેવાડાના માણસને ઓર હાંસિયામાં ધકેલવા માટે કાર્યરત છે ને શાસનવિરોધી અવાજને દબાવવા માટે તેના પર કેવી ‘સૉફ્ટ વાયોલન્સ’ આચરવામાં આવે છે, તેનો આ ફિલ્મમાં એક નીડર આલેખ જોવા મળે છે .

બીજો ટ્રૅક છે વકીલોની અંતરંગ જિંદગી. વિનય વોરા નારાયણ કામ્બલેના પક્ષે લડતા વકીલ છે. વિનયસંપન્ન ઘરના પણ એક જાગૃત નાગરિક છે. છેવાડાના માણસ માટેની તેમની નિસબત સાચૂકલી છે, પરંતુ અંગત જીવનમાં તેઓ એકાકી છે. દીકરાને જીવનમાં ઠરીઠામ જોવા ઇચ્છતાં ટિપિકલ ભારતીય માબાપથી દૂર તે એકાકી જીવન ગાળે છે. ક્યારેક શરાબ પણ પીએ છે. પ્રોસિક્યુશન વકીલ (ગીતાંજલિ કુલકર્ણી) પ્રશ્નો નહીં પૂછનારા ને ગતાનુગતિકમાં રાચનારા (કન્ફર્મિસ્ટ) છે. કાયદાના ચોપડે લખ્યું એ બ્રહ્મવાક્ય એમ માનનારાઓમાંના છે. નારાયણ કામ્બલે જેવા લોકો તેમના માટે માથાનો દુખાવો છે,  કિન્તુ કોર્ટની બહાર તેઓ એક મધ્યમવર્ગી ગૃહિણી છે. કોર્ટથી ઘેર જઈ તે પરિવાર માટે રસોઈ બનાવે છે. પતિના ડાયાબિટીસનું ધ્યાન રાખે છે. રજાના દિવસોમાં કુટુંબ સાથે મરાઠી નાટકો જોવા જાય છે. ટૂંકમાં, સામાન્ય મધ્યમવર્ગની વર્કિંગ-હાઉસવાઇફ જેવી એમની જિંદગી છે. ને છેલ્લે આવે છે જજ(પ્રદીપ જોશી). જજ સ્વાભાવિક રીતે ઉચ્ચ-મધ્યમવર્ગીય પરિવારના મોભી છે. મિત્રવર્તુળમાં પ્રતિષ્ઠિત છે. પોતાના એક મિત્રને તેઓ પુત્રના મૂંગાપણાને દૂર કરવા આંકડાશાસ્ત્ર અને રંગીન સ્ટોનનો સહારો લેવા કહે છે. જે બતાવે છે, કે અતિ-શિક્ષિત હોવા છતાં તે  કેટલા અંધવિશ્વાસુ છે.

ફિલ્મની વખાણવાલાયક બાબત એ છે કે વકીલ-જજોની અંતરંગ જિંદગીને પ્રસ્તુત કરીને સહેજ પણ બોલકા બન્યા વિના ભારતની ભીષણ આર્થિક અસમાનતાને લેખક-દિગ્દર્શકે ખોલી આપી છે. ક્યાં આ જજો ને વકીલોની આરામી જિંદગી ને ક્યાં પેલા ગટર સાફ કરનારા સફાઈકામદારને મળતા જીવલેણ સંજોગો !

આ બે સમાન્તર પાટા  સિવાય ફિલ્મની એક ત્રીજી ધારા છે  લોકકવિ-ગાયક નારાયણ કામ્બલેના કવનની મળતી આછી ઝલક, જેમાંથી કળા એ કેવળ મનોરંજન કે આનંદનું જ નહીં પરંતુ અન્યાયના  પ્રતિકારનું ય  સબળ માધ્યમ છે, એવો સૂર વ્યક્ત થતો રહે છે.

અરે, એક ગીતમાં તો કામ્બલે ત્યાં  સુધી કહે  છે  કે કળાને નામે સૌન્દર્યનો બકવાસ ચાલે છે. અને સત્યનો અવાજ ખોવાઈ ગયો છે. જો આ જ કળા હોય, તો અમને કળાકાર કહેશો નહીં. બીજા એક ગીતમાં તેઓ સત્તાસ્થાને બિરાજેલા લોકો મૉલ કલ્ચરને પ્રતાડિત કરી કેવી રીતે પોતાનું શાસન જમાવે છે, એની વાત થઈ છે.

આમ, નારાયણ કામ્બલેના પાત્ર ને તેમનાં ગીતો દ્વારા સૌન્દર્યને નામે પલાયનવાદી (escapist) વૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેતા અને સર્વત્ર વ્યાપી રહેલા અન્યાય-શોષણ સામે આંખ આડા કાન કરતા સર્જકોને સૂક્ષ્મપણે ચાબૂક ફટકારવામાં આવી છે. વળી, પોતાની ફિલ્મ પણ, કળાનો અન્યાયના પ્રતિકાર માટેનો આવો જ સાધન તરીકેનો ઉપયોગ છે, એમ નારાયણ કામ્બ્લેના ગીતોથી દિગ્દર્શકે સૂચવી દીધું છે.

ફિલ્મનાં ટેક્‌નિકલ પાસાંઓ અંગે વાત કરવાની આ લખનારની વિશેષ યોગ્યતા નથી છતાં અગાઉ કહ્યું એમ એની એકદમ વાસ્તવિક લાગતી માવજત એનું જમા પાસું છે. અગાઉ ઘણા દિગ્દર્શક  આમ કરી ચૂક્યા છે, પરંતુ આ ફિલ્મમાં આ કામ અત્યંત સફળતાપૂર્વક થયું છે. જાણે કોર્ટરૂમમાં કોઈ કૅમેરા મૂકી દીધો હોય ને કોઈ પણ સભાનતા વગર શૂટિંગ થયું હોય એવી સ્વાભાવિકતા આખી ફિલ્મમાં વણાયેલી છે. કોર્ટના નિયમો, ગતિવિધિઓ, પદ્ધતિઓ, એની રોજિંદી ઘરેડ બધું આપણને  ઘેરી વળે છે ને એનો અમલદારશાહી અને અમાનવીય ચહેરો આપણી સામે પ્રગટ થયા કરે છે, એય અત્યંત અસરકારક રીતે. છતાં, ફિલ્મ ક્યાંક શિથિલ થઈ ગઈ હોય એવું લાગે છે. ખાસ કરીને વકીલ -જજની અંતરંગ જિંદગીવાળા ભાગમાં થોડું ઍડિટિંગ કરી શકાયું હોત. ત્યાં કેટલાંક બિનજરૂરી દૃશ્યો અને વિગતો અકળાવે છે. અંત પણ લંબાઈ ગયો એમ લાગે છે.

ફિલ્મના  દિગ્દર્શક  ચૈતન્ય તામણેને અને નિર્માતા વિવેક ગોમ્બર થિયેટરના સમયના સાથીઓ છે. જૂના મિત્રો છે. નિર્માતા વિવેક ગોમ્બર ડિફેન્સના વકીલની મુખ્ય ભૂમિકા પણ ભજવે છે. ગોમ્બરના  કહેવા પ્રમાણે આ સંપૂર્ણપણે તામણેનો નિર્ણય છે. પોતે ક્યારે ય કાસ્ટિંગમાં દખલ કરી નથી. ફિલ્મના મોટા ભાગના કલાકારો અને મુખ્ય ટેક્‌નિશિયનો  પ્રિપ્રોડકશનની સઘન તાલીમમાંથી પસાર થયા છે, જેમાં ‘જય ભીમ કોમરેડ’ જેવી ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ જોવી, રાજકીય ઍક્ટિવિસ્ટને  મળવું, એમના ઘરની મુલાકાત લેવી વગેરેનો સમાવેશ થાય છે. વળી, ફિલ્મની વાસ્તવપૂર્ણ માવજત માટે પણ તેમની તૈયારી અત્યંત વિશેષ છે. કોર્ટની અસંખ્ય મુલાકાતો, તામણેના આર્કિટેક્ટમિત્ર દ્વારા થયેલું કોર્ટના વાતાવરણનું પુનઃનિર્માણ, સાવ નાની ભૂમિકાઓ માટે પણ જુનિયર આર્ટિસ્ટનો આગ્રહ, ડીપ ફોકસ શોટ્‌સ, એક સીનને એક જ ઍંગલથી ઝડપવાની રીત ... વગેરેએ ફિલ્મની વાસ્તવિક છતાં સુઘડ એવી બનાવટમાં મહત્ત્વનો ફાળો ભજવ્યો છે. ફિલ્મના નિર્માણમાં તમ્હાને-ગોમ્બરને  અનેક  મુશ્કેલીઓ નડી છે, જેમાં આર્થિક ભંડોળથી માંડીને કોર્ટમાં ફોટોગ્રાફ લેવાની મનાઈ હોવાની વ્યવસ્થાગત તકલીફોનો સમાવેશ થાય છે. પરંતુ ફિલ્મને જોતાં તેમની મહેનતને જોસ્સો રંગ લાવ્યો હોય એવો સંતોષ સૌ કોઈને થાય છે. વળી, દિગ્દર્શક ફક્ત ૨૭ વર્ષના  હોઈ  ઇન્ડિપેન્ડન્ટ  સિનેમાના  વિલાતા જતા ક્ષેત્રમાં કશુંક નક્કર પ્રદાન કરશે, એવી આશા બંધાય છે.

ટિકિટબારી પર કોર્ટે કેવું પ્રદર્શન કર્યું છે, એ જાણવામાં આવ્યું નથી, પરંતુ ફિલ્મ ફૅસ્ટિવલમાં એને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે .. નૅશનલ ઍવૉર્ડ ઉપરાંત તે વેનિસ, હોંગકોંગ, મુંબઈ, સિંગાપોરના  આંતરરાષ્ટ્રીય ફિલ્મ-ફૅસ્ટીવલ્સમાં પુરસ્કૃત થઈ છે, જે યુવા નવોદિત દિગ્દર્શક માટે એક મોટી સિદ્ધિ છે. તામણેને અને ગોમ્બર બંને  માટે આ પ્રતિસાદ આશ્ચર્યજનક છે. ડર સાથે આશા રાખીએ કે તામણેને ઇન્ડિપેન્ડન્ટ સિનેમાના સાવ બિન-પ્રોત્સાહક વાતાવરણમાં વન-ફિલ્મ -વન્ડર ન બની રહે.

બાકી આજે અત્યંત મર્યાદિત સુખાકાંક્ષી અને ભોગવાદી જીવનમાં રાચી રહેલા અનેક મધ્યમવર્ગી- ઉચ્ચ વર્ગી મલ્ટીપ્લેક્સ ઑડિયન્સ માટે ‘કોર્ટ’ ફિલ્મ લાંબા સમય સુધી ઊંઘ ઉડાડી નાખનારા ઍલાર્મ જેવી છે. વેકઅપ કૉલ જેવી.  શરત એક  જ છે : જો - તેઓ - ફિલ્મ - જુએ - તો.

e.mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2016; પૃ. 11-12

Category :- Opinion / Opinion

સાંધ્યતેજ

સુશીલા સૂચક
20-05-2016

તપસ્વીઓ સામસામા મળે ત્યારે પૂછે, नमो नम: |  किं वर्धते तप: | આવા વધી રહેલાં તપયુક્ત તપસ્વીનું નામાભિધાન 'તાપોવૃધ' થાય. વિદ્વદ્દવર્યને 'જ્ઞાનવૃદ્ધ' કહીએ. જીવનના સંઘર્ષો અને અવરોધોનો સામનો કરીને પક્વ થયેલા, અનુભવ અને જ્ઞાનસહિત વયના સોપાનો વટાવી ગયા તે ‘વયોવૃદ્ધ’! પર્યાય રૂપે ‘અનુભવવૃદ્ધ’ પણ કહી શકીએ. વયની સમાંતર અનુભવની વૃદ્ધિ થતી જ રહે છે. વ્યક્તિએ વ્યક્તિએ પોતાના અનુભવનો અંગત ખજાનો સ્મૃતિમંજૂષામાં સંગોપાઈને પડ્યો હોય છે. નિત્ય નવીન રંગપૂર્તિથી અનુપમ સ્વરૂપ ધારણ કરતી ઢળતા સૂરજની સંધ્યા સમાન વૃદ્ધોની વયની, અનુભવસમૃદ્ધિની રંગોળીની-સાંધ્યતેજની વાત કરવી છે.

સંસાર સાગરના નાનાવિધ તરંગો, ભરતી અને ઓટ જેવા પ્રસંગોની ભરમારમાં વહેતા રહ્યા. આડે અવરોધોને અતિક્રમીને કે ક્યારેક તેને આધીન થઈને, સુખદુખ, આનંદ-વિષાદનાં દ્વંદ્વને અનુભવતાં અનુભવતાં કિનારાની સમીપની સ્થિતિએ તો પહીંચી ગયા. વયાનુસાર શૈથિલ્ય અને કાર્યક્ષમતામાં ક્ષીણતા તો સહજ જ આવે. અનેક કાર્યો એકસાથે કરી શકતા, હવે એ વિષે વિચાર કરતા ય જાણે શ્રમ પડે છે. પરંતુ નિષ્ક્રિયતા તો ન જ પાલવે. નિષ્ક્રિયતા આરામ નહીં પરંતુ અનેક તકલીફોનું કારણ બની શકે. આપણે અનુભવોનાં સ્મરણોનો પટારો ખોલીએ. આપણે જ આપણા માર્ગદર્શક બનીએ. ઊંધું માથું ઘાલીને કામકાજની ચુંગાલમાં સપડાઈને કેટકેટલી મનીષાને ધરબી દીધી હતી ? આવડત હોવા છતાં સમયાભાવે કેટકેટલી મનગમતી પ્રવૃત્તિથી દૂર રહ્યા છીએ અથવા તો ક્યાં ક્યાં પ્રવાસે નહોતા જઈ શક્યા? મનસા, વાચા કર્મણાથી સમાજમાં અભાવયુક્ત અને યાતનાગ્રસ્ત માણસોને જોઈ દ્રવિત તો થવાયું અને તેના માટે કંઈક કરવાની ઈચ્છા માત્ર ‘મનસા’થી જ અટકી જવાયું. ફંફોસતા ફંફોસતા તો કંઈક કેટલું ય જડશે. એક કહેવત અનુસાર “મોતી સર્વે વેરાઈ ગયા ને હીરલો લાગ્યો છે હાથ” આવી હીરા જેવી એક પ્રવૃત્તિ મળી જાય તો ય અતિ ઉત્તમ ! હીરલાને જેમ પાડીએ કે પડાવીએ તો જીવન શણગારાઈ જાય, ભર્યું ભર્યું થઇ જાય.

સર્વસામાન્ય રીતે કેટલીક વાતો એવી છે કે જે દરેકના અનુભવમાં બની હોય. કૌટુંબિક જીવનમાં બાળકો ભણીગણી વ્યવસાયે વળગ્યા હોય અને પોતાના ગૃહસ્થાશ્રમમાં વ્યસ્ત હોય ત્યારે દ્રષ્ટાભાવ કે સાક્ષીભાવથી કેળવી શબ્દકોષ બની જવું. અર્થાર્થી બાળકોને સામેથી પ્રશ્ન લઇ આવે તો આવવા દેવા. બાળકો દૂર હોય કે સાથે વસતા હોય, બન્ને સ્થિતિમાં સમભાવ કેળવી શકીએ તો સાર્થક. પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રી સાથે સ્નેહસેતુ વધુ પ્રબળ રીતે બંધાતો હોય છે. આપણા બાળકોને  સમય ન આપી શકવાનું સાટુ એમના બાળકોને સાચવી લેવામાં વળી જાય. આપણને પણ બાળક બની જઈ આનંદ મળે એ વધારામાં. જેમ અન્ય સંબંધોમાં એક લક્ષ્મણરેખા હોય તેમ અહીં પણ ખરી જ. માબાપ અને દાદાદાદીની રીતિ-નીતિમાં એક સૂક્ષ્મ અંતરપટનું અસ્તિત્વ સ્વીકારવું જ પડે. એની ઋજુતાને જરા ય ઠેસ ન પહોંચે તો ભયોભયો !

જીવનમાં મૈત્રી એ અગત્યનું અને અનિવાર્ય પાસુ છે. બાલ્યાવસ્થાથી માંડી વૃદ્ધાવસ્થા પર્યંત જુદાજુદા તબક્કે મિત્રતા અને મિત્રોમાં પણ વિવિધતા પ્રવર્તતી હોય. શાળાના, કોલેજકાળના, વ્યાવસાયિક સમયના, વૈવાહિક જીવનકાળના સર્વ કાળખંડોમાં મિત્રોનું વૈવિધ્ય સ્વાભાવિક હોય છે. બાળપણથી વૃદ્ધાવસ્થા સુધીના આ વિવિધ સ્તરોની મિત્રતા જીવનભર ટકી રહે તેવું જવલ્લે જ કોઈ વિરલાના જીવનમાં જ બનતું હશે. અકારણ, સકારણ કે ગેરસમજને લીધે મિત્રતામાં તડ પડતા વાર લાગતી નથી. ક્યારેક સમજની કે બૌદ્ધિક સ્તરની અસમાનતા વગેરેથી પણ મિત્ર કે મિત્રતા સીમિત બની જતી હોય છે. મિત્રતા એ વૃદ્ધાવસ્થાની મોટી મૂડી છે. આપણી ક્ષમતાની, ક્ષતિઓની, અતીત વાગોળતી અને ક્યારેક ગાંડી ઘેલી વાતોને સાંભળવા આ વ્યસ્ત સમાજમાં મિત્ર સિવાય કોણ નવરું હોય ? ખોટું કરતાં વારનાર પણ મિત્ર જ ! મિત્રની વ્યાખ્યા કરતું સુંદર સુભાષિત છે.

पापान्निवारयति योजयते हिताय
गुह्यं च गुहति गुणान्प्रकटी करोति |
आपद्गतं च न जहाति ददाति काले
सन्मित्रलक्षणमिदं प्रवदन्ति संत: |    

પાપમાંથી છોડાવે, હિતાર્થ કાર્ય કરે, ખાનગી વાતોને ગુપ્ત રાખે, દુ:ખ સમયે છોડી ન દે, જરૂર પડ્યે સહાય કરે એને સત્પુરુષો સન્મિત્ર કહે છે. સૌને આવા સન્મિત્ર મળે એવી શુભ ભાવના રાખીએ.

अतिपरिचयात अवज्ञा | એ ન્યાયની વાત કરીએ. આ પરિસ્થિતમાં ઘરમાં જ ઉપેક્ષા થતી અનુભવાય એ અતિ દુખ:દ હોય છે સહન કરવું સહેલું નથી. અહીં આંતરખોજ કરતાં રહેવું જોઈએ. ઘરની વ્યક્તિઓનો પ્રેમ અને આપણી અપેક્ષા એ બેમાં આપણી અપેક્ષાનું પલડું ભારી તો નથી થઇ જતું ને ? આવા અવરોધના ઉંબરા ધીરે ધીરે પર્વત થઇ જતા પ્રશ્નો માટે ચાલશે, ફાવશે, ગમશે આ ત્રણ જડીબુટ્ટીનો પ્રયોગ અકસીર ઈલાજ છે. શ્રીમદ્દ ગીતામાં દર્શાવેલ ઉદાસીનવૃતિ કે સ્થિતપ્રજ્ઞતા કેળવવી એ જ પ્રાજ્ઞ લોકોનું કામ છે.

વળી, નિરામય રહેવા પણ પ્રયત્ન કરતાં રહેવું જોઈએ. મીતાહાર, ક્ષમતાનુસાર ચાલવું, વ્યાયામ, યોગાસનોને અપનાવીએ. આમ છતાં લાંબી મજલ કાપી ચૂકેલું દેહયંત્ર મોટી કે લાંબી માંદગીમાં પટકાય તો અવગણનાનો ખાસ અવકાશ રહે. આ સમયે સમતા વૃતિ જ સાથ આપે. सदा मे समत्वं | ‘जातस्य हि ध्रुवो मृत्यु’  પ્રમાણે જીવનસંધ્યા સમયે બેમાંથી એક તારલો ખરી પડે ત્યારે એકલતાનો ખાલીપો સહ્ય થઇ શકે તે માટે આપણી કોઈ ગમતી પ્રવૃતિમાં પરોવાવાની પહેલેથી તૈયારી આવશ્યક છે. ધ્રુવ તારો આકાશમાં એકલપંથી હોવા છતાં સ્વયં પ્રકાશના બળે અન્યનો પણ પથદર્શક બની રહે છે ને !

આદિ શંકરાચાર્ય કહે છે ને કે काल:क्रीडति गच्छति आयु, तदपि न मुञ॒चति आशावायु | વળી એમ પણ કહેવાયું છે કે कालो न याति वयमेव याता |  કાળ સરતો નથી પરંતુ આપણે જ અંત તરફ ગતિમાન હોઈએ છીએ. કાળની ક્રીડાના પ્રવાહમાં આયુ વહી જાય છે. જીવન અને આશાનો અવિનાભાવિ સંબંધ છે. પરંતુ આશાને ય પોતાના અનેકવિધ રંગો છે. જેમ સૂર્ય સંધ્યા સમયે પોતાના રંગોની ઝોળી ખાલી કરી, આકાશને રંગથી ભર્યું ભર્યું બનાવી દે છે તેમ અને ધરતી પરથી તેને જોનારના હૃદયને પણ રંગમય બનાવી દે છે. એવી જ રીતે વૃદ્ધાવસ્થાની ઝોળીમાં સાચવીને રાખેલાં રંગોને લૂંટાવી, ગમતાનો ગુલાલ કરી, નિર્ભાર થઇ, એય … ને હાલતા થવું.

એ રામ રામ ......

તા.૧૨.૦૨.૨૦૧૬

e.mail : [email protected]

Category :- Opinion / Opinion