OPINION

અલ્વિદા ગિરીશ કર્નાડ

પ્રકાશ ન. શાહ
18-06-2019

એક્યાસી વરસનું સમૃદ્ધ એવું સહસ્રચંદ્રદર્શન પૂર્ણાયુષ ભોગવી એ ગયા. હમણે માંદા ચાલતા હતા - ગયા સપ્ટેમ્બરમાં ગૌરી લંકેશને ગયે વરસ થયું ત્યારે ‘મી ટુ અર્બન નક્સલ’ના હાંસડીપાટિયા સાથે એ હૉસ્પિટલમાંથી પરબારા હાજર થયા હતા. એટલે જવું અણચિંતવ્યું નહોતું. પણ ‘જબ તક સાંસ તબ તક આસ’ એ રીતે જોતાં જવું ખટકે તો ખરું; કેમ કે ન ઓલવાવા જેવા જે થોડાએક અવાજો, ગિરીશ કર્નાડ તે પૈકી હતા.

જો કે જે ઢબછબે એમના જવાના સમાચાર પ્રસર્યા અને ઉછળ્યા એ પણ હતું તો ખટકે એવું જ. ‘ઇન્ડિયા ટુ’એ  શરૂશરૂમાં જે ટીઝર (શું કહીશું, સળવળ સળવળ વલૂર વલૂર?) વેબડાવ્યું એ એવું હતું કે ‘ટાઈગર ઝિંદા હૈ’ના અભિનેતા કર્નાડ ગયા. એક સમૃદ્ધ જિંદગીને આમ ઓળખાવાતી હશે? હશે ભાઈ, આ તો આજનું હિંદ છે જ્યાં આવી ખતવણી એ કદાચ રાબેતો છે. મે ૨૦૧૪ પછી તરતના ગાળામાં અનંતમૂર્તિ ગયા, અને મે ૨૦૧૯ પછી તરતના ગાળામાં કર્નાડ ગયા. નકરા નવલકથાકાર કે નકરા નાટ્યકાર - કલાકારમાં એમને ખતવાય તો માસ મીડિયા અને માસિઝ બેઉને સવાલિયા દાયરામાં મૂકવાં રહે.

અનંતમૂર્તિ અને કર્નાડ, સવિશેષ કદાચ કર્નાડ વિષમ સંજોગોમાં પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે બહાર આવ્યા અને એમણે પોતપોતાના કલાહુન્નરને કોઈ ચંદન મહેલ(આઈવરી ટાવર)માં નહીં ગોંધવતા લોકમોઝાર ‘નો સર’થી લઈ ‘ઈટ્‌સ નૉટ ડન’ની અકુતોભય ભૂમિકા લીધી. પ્રતિભાશાળી કર્નાડ ઇંદિરા ગાંધીના વારામાં પુણેની પ્રતિષ્ઠિત ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર હતા, પણ કટોકટીનું સમર્થન કરતી ફિલ્મ ઉતારવાની ‘વરધી’ આવી કે એમણે ચહીને ઊતરી જવું પસંદ કર્યું હતું. એ જ તરજ પરના પણ વધુ આકરા હોઈ શકતા વર્તમાન સંજોગોમાંયે એમની આ ભૂમિકા બરકરાર રહી.

મેધાવી એ અલબત્ત હતા. તેવીસ-ચોવીસના હશે અને ઑક્સ્ફર્ડ યુનિયનના અધ્યક્ષ ચુંટાયેલા ત્યારે સર્જનાત્મક આવિષ્કારો ઉપરાંત ર્‌હોડ્‌ઝ સ્કૉલરને નાતે ફિલસૂફી, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર જેવા વિષયોના તેજસ્વી છાત્ર તરીકે સુપ્રતિષ્ઠ હતા. જે નાટક કે ફિલ્મમાં એમનું સુવાંગ સર્જન રહ્યું કે સિંહપહેલ રહી એમાં એક સમગ્ર દર્શનનો સૌને સાક્ષાત્કાર થતો. એમના ગુજરાત કનેક્શનને અમૂલખ્યાત ‘મંથન’થી વાજબી રીતે જે સંભારાય છે. પણ ૨૦૦૨થી વ્યથિત હોવું એ આ જોડાણને કંઈક ઓર જ ધાર, રિપીટ, ધાર અને આધાર સંપડાવે છે. નમોએ ટિ્‌વટ તો મોકાસર ને મજબૂત કીધું કે કર્નાડ પોતાને જે વિચારો યોગ્ય લાગે તે વિશે જિદ્દથી, રાગાવેશથી, પૅશનેટલી, બોલતા. અલબત્ત, આ માટે નિમિત્ત પૂરાં પાડતી રાજનીતિ અને મંડળી વિશે મોદીએ મલાજો પાળ્યો એ સમજી શકાય એવું છે.

દાયકાઓ પર ‘હયવદન’ નાટક જોયું ત્યારે એ થોમસ માનની લઘુનવલ પરથી ભારતીય સંદર્ભમાં સરજાયાનું જાણ્યું હતું. પછી ખયાલ આવ્યો કે માને લખ્યું એનાં મૂળિયાં કથાસરિત્‌ સાગરમાં પડેલાં છે. ‘સંસ્કાર’, ‘વંશવૃક્ષ’ અંગ્રેજી સબટાઈટલો સાથે જોવા મળી. એક પટ પર આ બધું જોતી વેળાએ સમજાયું કે આપણો સહૃદય એટલો જ સ્વાધ્યાયપુત કળાકાર બૌદ્ધિક છે, સેક્યુલર છે, પણ એને સારું સંસ્કૃતિનિષેધ એ પોતે કરીને કોઈ મજહબ નથી. એ સંસ્કૃતિ સાથે સાતત્યપૂર્વક વળગી રહેનાર જીર્ણમતિ અલબત્ત નથી. એને રસ શોધનમાં છે, નવ્ય અર્થઘટનમાં છે. એટલે નાયપોલ જેવો મુસ્લિમદ્વેષ એને વાસ્તે અગરાજ છે. રાજાજીનાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ વાંચેલાં ... એથી કેળવાયેલ સંસ્કાર!

‘તુઘલક’ નાટકમાં આદર્શવાદી નેહરુ માટેના સહજ ખેંચાણ અને આશાવાદથી માંડી આગળ ચાલતાં અનુભવાયેલ નિરાશાનું એક સમીક્ષાચિત્ર અતીત નિમિત્તે વર્તમાન ટિપ્પણી રૂપ વરતાશે. દૂરદર્શનના પ્રસાર સાથે આર.કે. નારાયણના ‘માલગુડી ડેઝ’ના એક પાત્ર તરીકે એમની વ્યાપક ઓળખ બની. પણ ઉલ્લેખ કરવો જોઈએ યશપાલની સરળરોચક માંડણી સાથેની વિજ્ઞાનચર્ચા ‘ટર્નિંગ પોઈન્ટ’નો; એની પરિકલ્પના અને પ્રાયોજના કેવળ કર્નાડને જ સૂઝે. વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનપરિચયપોથી લખતા રવીન્દ્રનાથ કે રસળતી એવી જ અભ્યાસનીતરતી ભૂગોળ લખતા નાનાલાલ સાંભરે તમને. દર્શક આવી કામગીરીને કરુણાનું સાધારણીકરણ કહેતા. (એમનું એક પ્રિય ઉદાહરણ આનંદશંકરે ‘હિન્દુધર્મની બાળપોથી’ લખી એ હતું.)

કર્નાડ વિશે એક ટિપ્પણીમાં કહેવાયું કે આ એક મોટા સર્જક-કળાકાર છેલ્લા બે દાયકામાં કર્મશીલ તરીકે વધુ પંકાયા. અંદરબહારનો કોઈક ધક્કો જ એમાં કામ કરી ગયો હશે ને. આ ધક્કો પરિવારે પણ પ્રીછ્યો હોવો જોઈએ કેમ કે કર્ણાટક સરકારે રાજ્યસન્માન સાથે અંતિમવિધિનો જે વિવેક દાખવ્યો તે સાભાર - સવિનય નકારી એમણે સ્વજનો અને મિત્રોની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર કર્યા. અલબત્ત, ભીંત ફાડીને ઉગેલ જે પીપળો - અને અશ્વત્થ તો એની વિભૂતિ - કદી વિનષ્ટ થયો જાણ્યો નથી.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 16

Category :- Opinion / Opinion

સોમવારે અવસાન પામેલાં ગિરીશ કર્નાડ નાટ્યકાર તરીકે સાર્થક, વ્યક્તિ તરીકે સિદ્ધિવંત અને નાગરિક તરીકે આખરી શ્વાસ સુધી નિસબતવાળી જિંદગી જીવ્યા ...

નાટ્યકાર તરીકે જ્ઞાનપીઠ સન્માન ઉપરાંત પદ્મશ્રી અને પદ્મભૂષણ મેળવનાર રંગકર્મી ગિરીશ કર્નાડ સિનેમાના તેમ જ ટેલિવિઝનના અભિનેતા, ફિલ્મદિગ્દર્શક અને દેશનાં રાજકીય જીવનમાં સક્રિય બૌદ્ધિક પણ હતા. કર્નાડે બાવીસમા વર્ષે રોહ્ડ્સ્ શિષ્યવૃત્તિ પર ગણિત ભણવા માટે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં જતી વખતે વહાણ પર તેમનું પહેલું નાટક ‘યયાતી’(1961) લખ્યું. આખરી નાટક ‘રાક્ષસા તંગડી’ ઑગસ્ટમાં બહાર પડ્યું. વીસેક નાટકોમાં ‘તુઘલક’, ’હયવદન’, ’નાગમંડલ’, ’અગ્નિ-વર્ષા’ (ગુજરાતી અનુવાદ મહેશ ચંપકલાલ), ‘તલેદંડ’ (‘શિરચ્છેદ’નામે ગુજરાતી અનુવાદ રૂપાલી બર્ક), ‘ટીપુ સુલતાન’ અને ‘વેડિન્ગ આલબમ’ વધુ જાણીતાં છે. કન્નડ તેમ જ આધુનિક  ભારતીય રંગભૂમિને નવો વળાંક આપનારા નાટકોમાં કર્નાડે પુરાણકથા, રામાયણ-મહાભારત, દંતકથા, કર્ણાટકના લોકનાટ્ય સ્વરૂપ  યક્ષગાન અને ઇતિહાસનો પ્રતિભાપૂર્ણ ઉપયોગ કર્યો છે. કેટલાંક નાટકોનો પોતે અંગ્રેજી અનુવાદ કર્યો છે, તો કેટલાંક અંગ્રેજીમાં જ લખ્યાં છે. જાણીતા દિગ્દર્શકો માટે પડકારરૂપ નાટકો પ્રેક્ષકો/વાચકો માટે સંકુલ પણ છે. કર્નાડનું ગુજરાત સાથેનું જોડાણ એ કે અમૂલ ડેરી પર શ્યામ બેનેગલની ‘મંથન’ ફિલ્મમાં તેમણે શ્વેત ક્રાન્તિના જનક વર્ગીસ કુરિયનની ભજવેલી ભૂમિકાને કારણે હતું. બેનેગલની જ ‘નિશાન્ત’, યુ.આર. અનંતમૂર્તિની રૅડિકલ નવલકથા પરની ફિલ્મ ‘સંસ્કાર’, કે.એલ. ભૈરપ્પાની નવલકથા પરની ફિલ્મ ‘વંશવૃક્ષ’, ‘ગોધુલી’ અને ‘ઉત્સવ’ જેવી ફિલ્મો થકી સમાંતર સિનેમામાં તેમણે જુદી જુદી ક્ષમતાઓમાં કરેલાં મહત્ત્વનાં પ્રદાન માટે પણ તેમને રાષ્ટ્રીય અવૉર્ડ્સ મળ્યા છે. વળી, સિત્તેરેક કન્નડ તેમ જ હિન્દી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો, જેમાં પુકાર, ઇકબાલ, ડોર, ટાયગર જિંદા હૈ જેવી ખાસ જાણીતી છે. દૂરદર્શન શ્રેણી ‘માલગુડી ડેઝ’માં તેમનો અભિનય અને લોકવિજ્ઞાન માટેનાં ‘ટર્નિંગ પૉઇન્ટ’ કાર્યક્રમનાં તેમનાં વક્તવ્યો વખણાયાં હતાં.

આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પામનાર ભારતીય નાટ્યકાર કર્નાડનાં વ્યાપક અને સિદ્ધિવંતા જીવનની અનેક રસપ્રદ હકીકતો તેમની આત્મકથા ‘આદાથા આયુષ્ય’માં મળે છે. જેમ કે તેઓ જ્યારે ગર્ભમાં હતા ત્યારે એ ચોથું સંતાન હોવાથી બાળક પડાવવા માટે તેમનાં માતા પૂનામાં ડૉ. મધુમાલતી ગુણે નામનાં તબીબને મળવા ગયાં, તે લાંબો સમય આવ્યાં નહીં  એટલે માતા પાછા ઘરે આવ્યાં, અને સમયાંતરે ગિરીશ દુનિયામાં આવ્યાં. કર્નાડે આત્મકથા ડૉ. ગુણેને અર્પણ કરી છે. હેમા માલિનીની કર્નાડ સાથે લગ્ન કરવાની ઘણી ઇચ્છા હતી, હેમાનાં માતાએ તે માટે કોશિશો પણ કરી હતી. પણ ચેન્નાઈના એક ડૉક્ટર સરસ્વતીને દિલ દઈ બેઠેલાં કર્નાડે અપ્સરાના મોહમાં ન આવ્યાં. આમ પણ તમિળ માણસોના વાન અંગે હેમાએ એક વખત કરેલી ટિપ્પણીને કારણે તેમને એના માટે અણગમો તો હતો જ.

તેમણે ‘આ દિનાગાલુ’ નામની એક ફિલ્મ સુધરેલા ગુંડા અગ્નિ શ્રીધર સાથે લખી છે. સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં કર્નાડે, કેરાલાની નાશ પામી રહેલી પરંપરાગત નૃત્યકલા કુડિયાટ્ટમને, સરકારી નિયમો વચ્ચેથી રસ્તો કાઢીને મોટી રકમ જોગવીને બચાવી લીધી હતી. ‘કર્નાડ’ અટક પ્રચલિત છે, પણ સાચી જોડણી ‘કાર્નાડ’ છે. માથેરાનમાં જન્મેલાં કર્નાડની માતૃભાષા કોકણી હતી, તે કન્નડ અને મરાઠીમાં ભણ્યા. ભાસ, કાલિદાસ અને નાટ્યશાસ્ત્ર તેમણે સંસ્કૃતમાં વાંચ્યાં હતાં. કન્નડ તેમની સર્જક અભિવ્યક્તિની ભાષા હતી અને દુનિયા સાથે તેમણે અંગ્રેજીમાં વાત કરી. ઑક્સફર્ડમાં વિદ્યાર્થી મંડળના અધ્યક્ષ કર્નાડે પછીનાં વર્ષોમાં લંડનનું નહેરુ સેન્ટર પણ સંભાળ્યું હતું. કર્ણાટકમાં સંગીત, સંશોધન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કેન્દ્રસમાં ધારવાડ માટે તેમને ખૂબ જોડાણ હતું, આખર સુધી તે ખુદને ‘ધારવાડ મૅન’ તરીકે ઓળખાવતા. 

અત્યારના સમયમાં કર્નાડની વધુ જાણવા જેવી ઓળખ તે નિરંકુશ સત્તાવાદ, કોમવાદ અને ફાસીવાદના મુખર વિરોધ કરનાર પ્રગતિશીલ સર્જક તરીકેની છે. આ કારણસર  ભા.જ.પ. અને હિન્દુત્વવાદી સંગઠનોનું ભયજનક રીતે નિશાન બનનાર કર્નાડે આપખુદશાહીના વિરોધની શરૂઆત તો છેક 1975માં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન કરી હતી. એ વખતે પૂનાની વિખ્યાત ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના તેઓ વડા હતા. ઇન્દિરા સરકારના વિદ્યાચરણ શુક્લે કર્નાડને બોલાવીને સરકાર કહે તેવી ફિલ્મ બનાવવાના મતલબની વાત કરી અને નાટ્યકારે રાજીનામું આપી દીધું. કર્નાડનું ‘તુઘલક’ નાટક સંકુલ અને માર્મિક રીતે ઇન્દિરા ગાંધીની એકાધિકારિતા અને જવાહરલાલ નહેરુની સમતાવાદી દેશ વિશેની નિર્ભાન્ત અવસ્થા નિરૂપવાની કોશિશ કરે છે. ‘તલેદંડ’(1990) બારમી સદીમાં કર્ણાટકમાં બસવેશ્વરની આગેવાની હેઠળ ચાલેલી વર્ણવ્યવસ્થા વિરોધી ચળવળ અને તેને પગલે થયેલાં હિંસાચારનું ચિત્રણ કરે છે. નાટક રામમંદિર - મંડલ કમિશનના વિવાદમાં ઝંઝોળાતા ભારતીય સમાજનું રૂપક બને છે. ‘સંસ્કાર’ ફિલ્મ પર કર્ણાટક સરકારે લાદેલા પ્રતિબંધની સામે પણ કર્નાડ લડ્યા હતા.

સાંપ્રદાયિકતાનાં વિભાજક રાજકારણ સામે સંઘર્ષ ઊપાડનારા સાહિત્યકારો-કલાકારોએ કર્નાડ પણ હતા. ચિકમંગલૂર ખાતે આવેલા બાબાબુધનગિરી નામના સેક્યુલર સૂફી દર્શનસ્થાનને કટ્ટર હિંદુત્વવાદીઓ ‘દક્ષિણનું આયોધ્યા’ બનાવવા માંગતાં હતા. તેની સામે ઝુઝારુ પત્રકાર ગૌરી લંકેશે ડિસેમ્બર 2003માં શરૂ કરેલી લડતમાં કર્નાડે ખ્હોબ મહેનત લીધી હતી. ગયાં પાંચ વર્ષમાં તો લિન્ચિન્ગ, દલિતો પર જુલમો, મહિલાઓ પર અત્યાચાર, કોમવાદ સામેના અનેક જાહેર કાર્યક્રમોમાં તે સામેલ થતા રહ્યા હતા. પૂનાનાં જનવાદી યુવા ગાયકવૃંદ ‘કબીર કલા મંચ’ પર સરકારે ચલાવેલ દમનના વિરોધમાં તે મંચની એક સી.ડી.ના પ્રકાશન કાર્યક્રમમાં અભ્યાસ અને આક્રોશ સાથે બોલ્યા હતા. પોતે બીફ ખાતા નહીં, પણ રાજ્ય સરકારોએ માત્ર હિન્દુત્વના રાજકારણને ધ્યાનમાં લાદેલા બીફ પ્રતિબંધનો તેમણે વારંવાર વિરોધ કર્યો.

ધારવાડના રૅશનાલિસ્ટ એમ.એમ. કાલબુર્ગીની ઑગસ્ટ 2015માં થયેલી હત્યાના વિરોધ પ્રદર્શનમાં તે ગૌરી લંકેશની સાથે હતા. ગૌરી લંકેશની હત્યાની વરસી પરની સભામાં ગયાં વર્ષે પાંચમી સપ્ટેમ્બરે બંગલુરુની સભામાં તે નાકમાં ઓક્સિજન માટેની ટ્યૂબ અને ગળામાં ‘મી ટૂ અર્બન નક્સલ’ એવું પાટિયું લટકાવીને બેઠા હતા. ‘અર્બન નક્ષલ’ ગણીને પૂનાની પોલીસે સાત કર્મશીલોની કરેલી ધરપકડથી તે ગૌરી લંકેશની હત્યાથી જન્મેલો તેટલો જ અજંપો અનુભવતા હતા. તેમણે કર્મશીલો પર પોલીસે કરેલાં અરોપોનો ઉલ્લેખ કરીને સભામાં ધીમા પણ ધૈર્યવાન અવાજમાં કહ્યું હતું : ‘આ બતાવે છે કે પોલીસ એમ સૂચવવા માગે છે કે અમારે જે કહેવું હોય એ અમે કહી શકીએ એટલે કે અમારે જે કરવું હોય એ અમે કરી શકીએ.’ તે પછી આ સંદર્ભમાં ‘હિન્દુ’ અખબારને આપેલી એક મુલાકાતમાં તેમણે દેશમાં ફેલાઈ રહેલા ફાસીવાદ અંગે તીવ્ર વ્યથા વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું : ‘આજે તમે જે કંઈ જુઓ છો તે બધાંનાં મૂળ 1975માં લાદવામાં આવેલી કટોકટીમાં છે. અત્યારની આપણી સ્થિતિ તરફ માત્ર આર.એસ.એસ.ના સર્જન તરીકે જોવાની જરૂર નથી, એ ખરેખર કૉન્ગ્રેસનું સર્જન છે.’ જો કે 2014ની લોકસભાની ચૂંટણીમાં તેમણે ભા.જ.પ.નો વિરોધ કરીને કૉન્ગ્રેસના બંગલુરૂના ઉમેદવાર નંદન નિલેકણીનો પ્રચાર કર્યો હતો.

હમણાંની ચૂંટણીમાં, અવસાનના માત્ર સવા બે મહિના પહેલાં, ચોથી એપ્રિલે દેશના આઠસો જેટલાં સાહિત્યકારો અને નાટક-સિનેમાના કલાકારોએ તિરસ્કારના રાજકારણને મતદાન દ્વારા ફગાવી દેવાની હાકલ કરતો એક પત્ર બહાર પાડ્યો હતો, તેમાં ગિરીશ કર્નાડની પણ સહી હતી જ. ગૌરી લંકેશની હત્યાની તપાસ દરમિયાન પોલીસને હાથ લાગેલી માહિતી મુજબ કથિત સનાતની હત્યારાઓના હિટ લિસ્ટ પર ગૌરી પછી તરતના ક્રમે ગિરીશ કર્નાડ હતા ! 

++++++++

12 જૂન 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 14 જૂન 2019

Category :- Opinion / Opinion