REVIEWS

પુસ્તક પરિચય

રમેશ મહેતા
19-01-2016

આચમન (ડાયસ્પોરિક વાર્તા-કવિતા-નિબંધ સંચય) સંપાદક : અનિલ વ્યાસ - રમણભાઈ પટેલ, પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, પ્ર.આ. ૨૦૧૦ મૂલ્ય : ૧૭૫/- રૂ. પૃ. ૨૫૯

બ્રિટનમાં વસતા સર્જકો દ્વારા લખાયેલી વાર્તા-કવિતા અને નિબંધોનો આ સંચય બ્રિટનની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. સંસ્થાના પ્રમુખ ભદ્રા વડગામા પુસ્તકના નિવેદનમાં લખે છે : ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામંત્રી તરીકે બ્રિટનમાં તેમણે (શ્રી વિપુલ કલ્યાણી) છેલ્લાં ત્રીસ વર્ષથી ગુજરાતી ભાષા અને એના સતત વિકાસ માટે જે અજોડ સેવા આપી છે, તેને લક્ષમાં રાખીને તેમના બહુમાનરૂપે આ પુસ્તકનું સંકલન કરાયું છે.

ગુજરાતી સાહિત્ય અકાદમી છેલ્લા ત્રીસ વર્ષથી બ્રિટનનું ગુજરાતી ભાષા અને સાહિત્યને માત્ર જીવંત નહીં પરંતુ ધબકતું રાખવાનો પ્રશસ્ય પ્રયાસ કરે છે. ડાયસ્પોરિક સાહિત્યને ઉત્તેજન આપે છે. વિદેશમાં વસતા સર્જકોની સર્જકતાનું પ્રતિબિંબ આ ગ્રંથમાં પડે છે. ‘આચમન’માં તેર જેટલી વાર્તાઓ, ૩૯ જેટલી કવિતાઓ અને આઠ નિબંધોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રસ્તુત સંપાદનની વાર્તાઓ પ્રમાણમાં વધુ સર્જકો-ઉન્મેષ પ્રગટાવે છે, તેમ કહી શકાય. આનંદરાવની ‘મીનાક્ષીની મૉટેલ’માં વિદેશમાં વસતી નારીના સંઘર્ષની કહાની છે. લંપટ પતિને વિદેશી મિત્રની સહાયથી પાઠ ભણાવતી મીનાક્ષી જાનદાર પાત્ર છે. ‘ત્રણ મોસંબી અને કોબીનો દડો’ વાર્તામાં સમાજમાં વાહ વાહ કરાવતા દાનવીર તરીકેની ખ્યાતિ ધરાવતા ચીનુભાઈની બધિરતાને કળાકીય રીતે વ્યક્ત કરી છે. ડૉ. જયંત મહેતાએ તેમની વાર્તા ‘રૂંધાતા શ્વાસ’માં પોતાની વ્યવસાયિક જાણકારીને ખપમાં લઈ સુંદર વાર્તા રચવા પ્રયત્ન કર્યો છે. બ્રિટનના જાણીતા સર્જક કવિ ડાહ્યાભાઈ પટેલની ‘સંસ્કૃિત ખાતર’ વાર્તામાં ઍડવર્ડ અને રોબર્ટનાં પાત્રો સાથે સંસ્કૃિતનો સંઘર્ષ વ્યક્ત થયો છે. પન્ના નાયકની ‘લેડી વિથ અ ડૉટ’માં વિદેશમાં વસવાટ કરતી અલ્પાને ભારતીય પોષાક(સાડી)ને કારણે પડતી મુશ્કેલી અને અલ્પા દ્વારા કરાતો સામનો વાર્તાનું રૂપ ધરે છે. આ જ રીતે સંચયની અન્ય વાર્તાઓમાં વલ્લભ નાંઢાની ‘ચામડીનો રંગ’, ભ્રૂણ હત્યાના વિષયને લઈ આવતી બળવંત નાયકની ‘છીપનું મોતી’, પત્રશૈલીથી આરંભાતી ભદ્રા વડગામાની ‘મારા અતિ પ્રિય ગૌતમ’ વગેરે નોંધપાત્ર વાર્તાઓ છે.

સંપાદનની કવિતા વિશે વાત કરીએ તો કહેવું પડે કે મોટાભાગની રચનાઓ ‘કવિતા’નો અનુભવ કરાવતી નથી. કેટલીક રચનાઓમાં જ કવિતા માણ્યાનો પરિતોષ અનુભવાય છે. જેમાં અદમ ટંકારવીની ‘ગઝલ’, અહમદ ગુલની ‘સ્લમ ડૉગ’, આદિલ મન્સુરીની ગઝલ, ડાહ્યાભાઈ પટેલની ‘ઇંગ્લૅન્ડની ઓટમ.. થાય વસંત ?’ મોટું આશ્વાસન છે. વિદેશની ધરતી પર કે જ્યાં પોતાની ભાષા બચાવવાના બળકટ પ્રયત્નો કરવા પડતા હોય ત્યાં સર્જન-અભિમુખ રહેવાનો કવિઓનો ઉત્સાહ જરૂર ગમે.

સંપાદનના નિબંધોમાં ખાસ્સુ વિષય વૈવિધ્ય છે. ડૉ. જગદીશ દવેના વિદેશમાં વસવાટ કરીને ગુજરાતી ભાષાશિક્ષણ પરત્વે હૃદયથી ચિંતા અને ચિંતનથી આપણે પરિચિત છીએ. તેમના આ સંચયમાં લેવાયેલા નિબંધમાં વિદેશની ધરતી પર ગુજરાતી ભાષાશિક્ષણ વિશેના વિચારો અત્યંત સહજ રીતે વ્યક્ત થયા છે. દીપક બારડોલીકરનો નિબંધ ‘કરાંચીથી કેલિફોર્નિયા સુધી’માં પાકિસ્તાનમાં થયેલા-થતા ગુજરાતી સાહિત્ય સર્જનનો લઘુ આલેખ મળે છે. મધુ રાયે ‘ઈનવર્ટેડ કારપેટ ઈયાને ઊંઘી જાજમ’માં સર્જન કૃતિના અનુવાદ પર લાક્ષણિક શૈલીમાં પરામર્શ અને પ્રશ્નો રજૂ કર્યા છે. વિપુલ કલ્યાણીના બે નિબંધો જુદી જુદી તાસીર પ્રગટાવે છે. ‘હરખપદુડાની હૈડાપાટુ’માં તેમણે પ્રકાશ શાહ સાથે કરેલા દક્ષિણ આફ્રિકાના પ્રવાસની વાત માંડી છે. તો અન્ય નિબંધાત્મક લખાણમાં અંગ્રેજી-ગુજરાતીનું વાતચીતિયું રૂપ હળવી શૈલીમાં રજૂ કર્યું છે.

સરવાળે જોઈએ તો આ પુસ્તકમાંથી વિદેશમાં વસતા ગુજરાતી સર્જકો અને ચિંતકોનો આંતર સમૃદ્ધિનો આલેખ મળી રહે છે. પોતાની ભાષાને બેહિસાબ ચાહતા આ સર્જકોને સલામ !

માંગરોળ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, 10 જાન્યુઆરી 2016; પૃ. 18-19

Category :- Diaspora / Reviews

અર્થચ્છાયામૂલક અનુવાદ

અદમ ટંકારવી
18-01-2016

નારીવાદ : પુનર્વિચાર; સંપાદકો - રંજના હરીશ તથા વિ. ભારતી હરિશંકર; અનુવાદક - નીતા શૈલેષ; ગૂર્જર સાહિત્ય પ્રકાશન, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ - 380 001; કિંમત - રૂ. 300; પહેલી આવૃત્તિ -  2015; પૃષ્ઠ - 16+272

‘નારીવાદ : પુનર્વિચાર’ મૂળ અંગ્રેજીમાં રંજના હરીશ અને વિ. ભારતી હરિશંકર સંપાદિત ‘રિ-ડિફાઇનિંગ ફૅમિનિઝમ્સ’ પુસ્તકનો નીતા શૈલેષે કરેલ ગુજરાતી અનુવાદ છે. ટી.એસ. અૅલિયટના Translation is rejuvenation કથનને આ પુસ્તક યથાર્થ સાબિત કરે છે. આ પુસ્તકમાંથી પસાર થયો તે અગાઉ નારીવાદ વિશે મારી સમજ ઉપરછલ્લી, મર્યાદિત, cliched - બીબાઢાળ હતી.  શબ્દકોશ આધારિત એવી સમજ કે, નારીવાદ એટલે સ્ત્રી પુરુષ સમોવડી છે એવી માન્યતા. આ પુસ્તકે ઘણી ગેરસમજો - misconceptions દૂર કરી. નારીવાદ સંજ્ઞાના સંકુલ સ્વરૂપનો ખ્યાલ આવ્યો. નારીવાદના અનેક સંદર્ભો છે, એ બહુપરિમાણીય છે, એના વિશે વિવિધ દૃષ્ટિકોણો છે, એ સતત વિકસતી પ્રક્રિયા છે, એ કેવળ સ્ત્રી - હકોની માંગ નહીં બલકે જીવનશૈલી છે, એવી ગેડ બેઠી. હમણાં સુધી આ સંજ્ઞાના એક વચન નારીવાદથી ટેવાયેલાં આંખકાનને બહુવચન નારીવાદોનો પરિચય થયો. આમ, નારીવાદ સંદર્ભે પુનર્રચના, પુનર્વિચાર, પુનર્નિમાણ પુનર્મૂલ્યાંકનનો આ પુસ્તકનો ચતુર્વિધ હેતુ સિદ્ધ થતો લાગ્યો.

આ વિષયના તજ્જ્ઞોએ રજૂ કરેલ અભ્યાસલેખોના સંચયરૂપ મૂળ અંગ્રેજી પુસ્તક તો મૂલ્યવાન છે જ, પણ આ અનુવાદ દ્વારા એ વિશાળ ગુજરાતી વાંચકસમુદાય સુધી પહોંચે છે એ વિશેષ ઉપલબ્ધિ છે. આને પરિણામે ગુજરાતી વાંચકોની ચિંતનપ્રક્રિયા ઉદ્દીપ્ત થશે અને તેઓ આ વિષય પરત્વે વધુ સંવેદનશીલ બનશે. ડબલ્યુ.એચ. અૉડન કહે છે તેમ, Translation introduces new kinds of sensibilities. ‘નારીનો સમાજ તથા તેના પોતાના દ્વારા એક અલાયદી, આત્મનિર્ભર વ્યક્તિ તરીકેના સ્વીકાર’ની ભૂમિકા રચાશે.

અનુવાદ વિશુદ્ધ, ચોક્કસાઈપૂર્વકનો, પ્રવાહી શૈલીનો મૂળને વફાદાર છે. આનું કારણ અનુવાદક તરીકેની નીતાબહેનની સજ્જતા. વ્યવસાયે દુભાષિયા એટલે source language અંગ્રેજી અને target language ગુજરાતી પર પ્રભુત્વ. પણ ભાષાંતર કરવા માટે કેવળ ભાષાકૌશલ્ય પર્યાપ્ત નથી. અનુવાદક વિષયને આત્મસાત્ કરે એ આવશ્યક છે. નારીવાદ વિશે નીતાબહેન સતત ચિંતનશીલ રહ્યાં છે. એમને નારીવાદ સંદર્ભે ઊંડાણપૂર્વક વિચાર્યું છે એટલું જ નહીં, બલકે એ નારીવાદ જીવ્યાં છે. અગાઉ મુશાયરા નિમિત્તે અનેકવાર મારે ટૉરન્ટો જવાનું થયેલું ત્યારે નીતાબહેન સાથે આ વિષય પર ખાસ્સી ચર્ચા થયેલી. ત્યારે હું નીતા દવેને મળેલો. આ પુસ્તક દ્વારા નીતા શૈલેષનો મેળાપ થયો. આમ આ પુસ્તકના પ્રકાશન ટાણે નીતાબહેન પોતાને re-define -પુનર્વ્યાખ્યાયિત કરે છે એ પણ આ ચિતનપ્રક્રિયાનું જ પરિણામ છે. વિષયના તલસ્પર્શી પરિશીલન અને ભાષાકીય સજ્જતાની સાથે ભળ્યાં, રંજના હરીશ કહે છે તે, ઉમળકો અને ખંત. આમ પ્રસ્તુત પુસ્તકના ગુજરાતી અનુવાદ માટેની પરફૅક્ટ રૅસિપિ તૈયાર થઈ.

આ પ્રકારનું પુસ્તક ગુજરાતીમાં અનૂદિત થાય એ ઘટના પણ મહત્ત્વપૂર્ણ છે. આપણી ભાષાનું ચિંતનપ્રધાન સાહિત્ય ગરીબડું, રાંક છે. નારીવાદની વિશદ વિચારણા કરતાં પુસ્તકો નહીંવત્ છે ત્યારે આ અનુવાદ એ અભાવની પૂર્તિરૂપે આવે છે. પોતાની ભાષાના સાહિત્યને વધુ વ્યાપક, વધુ પ્રાણવાન બનાવવાની નેમ પણ ખરી. આનું પ્રેરકબળ તે નીતાબહેન અને શૈલેષની ભાષાપ્રીતિ. ટૉરન્ટોમાં ગુજરાતી ભાષા-સાહિત્યના જતન, સંવર્ધન માટેની એમની ખેવનાનો હું સાક્ષી છું. આ પુસ્તક પુત્ર અદ્વૈતને અર્પણ કરતાં નીતાબહેન લખે છે : માતૃભાષાની મશાલ હવે તારા હાથમાં. આ પુસ્તક વૈચારિક સ્તરે તો નોંધપાત્ર પ્રદાન છે જ, ઉપરાંત સાહજિક, રસાળ, ગુજરાતી લઢણયુક્ત અનુવાદના ઉદાહરણ તરીકે પણ મહત્ત્વપૂર્ણ છે.

પુસ્તકના આરંભે નીતાબહેને પોતાના અનુવાદકર્મ વિશે જે નોંધ મૂકી છે તે પણ ઉપયોગી છે. અનુવાદ દરમિયાન એમની સામે ઊભા થયેલ પડકારો અને તે ઝીલવાની એમની મથામણ એ કોઈ પણ સજાગ અનુવાદક માટે દિશાસૂચન બને તેમ છે.

આપુસ્તક નિમિત્તે ગુજરાતના ચિંતકો અને સમાજશાસ્ત્રીઓમાં નારીવાદ સંદર્ભે વિચારવિમર્શ જાગે એ એનું મુખ્ય ઉપાદાન. તદ્દઉપરાંત reader friendly અનુવાદનાં લક્ષણોની ચર્ચા થાય તો તે વળી મંડામણ. ગુજરાતીઓને બેવડો નફો.

e.mail : [email protected]

Category :- Diaspora / Reviews