REVIEWS

“Without inspiration, we’re all like a box of matches that will never be lit.” 


                                                                                                ― David Archuleta

દરેક પોતાના વિચારોનો વ્યસની છે. સમયાનુકૂળ અગર તે પોતાની વિચારસરણી ફેરવે તો ઘણું બધું પરિવર્તન લાવી શકે. ઉપેન્દ્રભાઈ ગોર એક એવી વ્યક્તિ, જેમની જીવનયાત્રા ભારતમાં આરંભ થઈ, પૂર્વ આફ્રિકા પહોંચી અને વિલાયતમાં આવી અટકી. પણ, તે અટકે એવો માણસ નથી, કારણ કે વિચાર આડે એણે વયને આવવા દીધી નથી. શેરડીના સાંઠાની જેમ તેમના વિચારો રસવંતા અને કસસભર રહ્યા છે. એમની લેખિની, તે મારો તેમની સાથેનો પ્રથમ ઔપચારિક પરિચય. પત્રવ્યવહાર થકી અમારો વિચારવિનિમય થતો રહ્યો, સાથે એકબીજાનાં પુસ્તકોનું આદાનપ્રદાન પણ થતું રહ્યું.  પ્રત્યક્ષ તો અમે એક જ વખત મળ્યા, પરંતુ પરોક્ષપણે મેં એકદૂજાનો સાથસહકાર સદા મહેસૂસ કર્યો છે.

‘જળભર્યા કિનારે’, ‘લલાટના લેખ’, ‘નૈવેદ્ય’, અને ‘આનંદછોળ’, એમ તેમનાં ચાર પુસ્તકો મેં અગાઉ વાંચેલાં છે. ભાષા પ્રાસાદિકતા, અનુભવ આકલન, વિષય વિવિધા અને ચિત્તાકર્ષક રજૂઆત તો ખરી જ, પરંતુ કલમ કસબ એવો કે જાણે કિશન મુગટનું ફરફરતું મોરપિચ્છ. તાજેતરમાં તેમના તરફથી મને ‘ભાવ વંદના’ પુસ્તિકા, ‘માતૃત્વની જ્યોત’ નવલિકાસંગ્રહ અને ‘વાલમ સમાજ’ સંશોધન ગ્રંથ મળ્યા. જ્યાં પ્રારંભ ત્યાં જઈ ખુદને મળવું, આ તે ઉપેન્દ્રભાઈનાં નવાં ત્રણ પુસ્તકોની ફલકવસ્તુ. વડીલ મિત્ર તરફથી મને પ્રેમનું નજરાણું મળ્યું, મારા માટે તો આ ગમતાનો ગુલાલ. 

‘ભાવ વંદના’ : કૃષ્ણનાથ છોટાલાલ ગોર જમાનાથી આગળ હતા. સંતાનોના ઉત્કર્ષ માટે તેઓ સદા જાગરૂક પણ રહ્યા. પિતા અને દીકરાના સાનિધ્યનો સુસમાસ મને ‘ભાવ વંદના’માં કળાયો. વડ તેવા ટેટા, જેવા પિતા તેવા બેટા. પિતાજીની સ્વરચિત કૃતિઓની ઉપેન્દ્રભાઈએ પુસ્તિકા બનાવી, તેને હું એમનું સ્મરણ અર્ઘ્ય માનું. ઊર્મિભાવ અને મેળમાત્રાની રીતે સઘળી રચનાઓ, કેટલીક તો વળી છંદોબદ્ધ, મને નોંધપાત્ર વર્તાઈ. પુસ્તિકા  બેશક સરસ અને સુરેખ બની છે.

‘વાલમ સમાજ’ : ફળફૂલનું મૂળ ગોતવું હોય તો ધરતીના પડળો તળે ગોતખોજ કરવી પડે. સંશોધન પણ આવું જ એક ગળણીકાર્ય; જે ખંત, શોધ, તપાસ, સમય, અને અભ્યાસ માંગી લે. કોમ, જાતિ કે સમાજનો ક્યાસ કાઢવો હોય તો ભૂગોળ, ઇતિહાસ, સ્થળાંતર, રીતરસમ, જીવનવ્યવહાર અને આવાં બીજાં અનેકાવિધ પરિબળોને ઉથામવા પડે. ડુંગર ખોદી ઉંદર કાઢવા જેવું આ કામ. ખાંખાખોળા કરી, બલકે વાલમ સમાજનું સુપેરે DNA કરી, ઉપેન્દ્રભાઈએ ક્રમિક દસ્તાવેજીકરણ તુલ્ય ‘વીસમી સદી : વાલમ સમાજ’ ગ્રંથ આપણને આપ્યો. અનુસ્નાતક સંશોધકો માટે આ એક ઉત્તમ સંદર્ભ પુસ્તક બની શકે.

‘માતૃત્વની જ્યોત’ : સંગ્રહમાં કુલ પંદર વાર્તાઓ છે. વાર્તાની ફ્લૅશબૅક ટેકનિક ખાસ ધ્યાન ખેંચે. વાર્તાવસ્તુમાં વિદેશમાં દેશ અને દેશમાં પરદેશનું વાગોળણ સાંપડે. જૂના પ્રસંગોની યાદો અને સ્મરણો થકી જો કે વર્તમાન નિખારને પુષ્ટિ અને વેગ મળ્યો છે. વાર્તાઓમાં પ્રાધાન્યે વરિષ્ઠોનાં પાત્રો ને પ્રસંગો છે. પ્રત્યેક વાર્તા માટે મેં જે નોંધ બનાવી તે અત્રે રજ્ કરી છે.

જીવણજી અને આનંદજીના જીવનઅંતરંગના બે તુલનાત્મક પાસાં, ફલશ્રુતિ શી ? પોતાનું ઘર અને ઘરનાં ખાટલામાં ચેન, આ જ તો ‘ધરતીનો છેડો’.

લોહી, લાગણી, વેદના, સંવેદના અને કશ્મકશ; મહાભારતની કુંતીની ભાવિ બાબતે એક ચિંતા, અને તે જ તો આવતી કાલનો સૂરજ’. અંતના ઝળાંઝળાંના આશાવાદને કારણે વાર્તા અધૂરી વર્તાય છે.

કમભાગ્યે પદ્માના સાસુસસરા જાત્રામાં અકસ્માતમાં મરી ગયા, કમભાગ્યે દીકરા રશ્મિએ ઘર તજી દીધું, કમભાગ્યે રશ્મિ ડ્રગના ધંધામાં પડ્યો અને કોઈએ તેનું કાસળ કાઢી નાખ્યું, કમભાગ્યે પતિ હૃદયકંપનો ભોગ બન્યા, કમભાગ્યે પદ્માને ઘરડાઘરમાં રહેવાનો વખત આવ્યો, કમભાગ્યનો ઘટનાક્રમ વાર્તાના શિર્ષક ‘હું જ છું એવી’ને સાર્થક કરવા જ કદાચ ગોઠવાયો હોય !

ચંદન ચર્ચવું, તે એ ઘસ્યા પછી જ શક્ય. મનોમંથન પશ્ચાત્ રાગ-વિરાગ પાર તારાબહેનનાં મનને જે શાંતિશકૂન મળ્યું, તે એમનું ‘ચંદનપાત્ર’.

શાંત સરોવરમાં કાંકરો પડે તો વમળ થાય ને પાણી સપાટી પાછી પછી સ્થિર થઈ જાય. આવું કંઇક ગ્રેહામ-લીન્ડાના સુખી દાંપત્યમાં થયું, ઘાત ગઈ, અને બધું પાછું યથાવત્ થઈ ગયું; યથાવતતા પાછળનું કારણ તે એકબીજા પ્રત્યેનો પ્રેમભાવ, અને આજ તો એમનો ‘હૃદયવૈભવ’.  પ્રેમભાવનાં બે  સ્વરૂપો, સ્વસેવા અને જનસેવા, આ વણાટે વાર્તામાં બુટ્ટા શુ કામ કર્યું.

પારુલ અને વત્સલનાં મધુમાસી પ્રથમ પડાવે સંવનન, અંકૂરરોપણ ને પતિનું અકસ્માતી નિધન; ઘટનાસંયોજનમાં સિંધૂર વગરની માતાની વિટંબણા પછી એક વિમાસણ બને છે. પતિ, એક ‘આધાર’ હતો, તે રહ્યો નહીં. બાળક પૂરવ, તે હવે પછીનો પારુલનો જીવનઆધાર હતો. ‘આધાર’માં ધાર શો વિચ્છેદ છે; તો, અર્ધ, આધા જીવન, જેવો સમાસ છે; ધારણા જેવું પણ ક્યાંક ખરું !

કાગળ અને પેન્સિલની ચોરી કરી, કોઈએ ના જોઈ, પણ ઉપરવાળો તો જોતો જ હોય ને ? ભૂલ અને તેનો પશ્ચાતાપ, વ્યથાને આત્મનિવેદન રૂપે અહીં વાચા અપાઈ છે. ખોટું કર્યાનો અહેસાસ, ભૂલની હૃદયપૂર્વક માફી, ‘પસ્તાવો .. પાવન ઝરણું’ જ ને ?  

બોસ પ્રત્યેની કસમયની અને પપ્પા પ્રત્યેની સમયસરની ફરજ, વાર્તાનુ છેલ્લું વાક્ય વાંચતા એમ કહેવાનું મન થાય કે સમય બડો બળવાન. ‘ફરજ’, ટૂંકીટચ, પણ TOUCH કરે તેવી સ્પર્શક્ષમ વાર્તા.

પોતે સાચા અને બીજા ખોટા, મમત અને ચસક, પરિણામ શું આવે ? ઊંચાં મન, તે ‘અહમ્’નું કારણ, આ ઓગળે પછી હળવાશ. અહીં તડજોડનો વિચાર છે, પણ વાર્તા નથી. ‘ભૂખ’ ક્યાં છોડે છે કોઈને ? સમર્થન માટે અહીં પ્રસંગ છે, વાર્તાવાઘો પરાણે પહેરાવ્યો તેવું સહેજે ય કળાય.

વાર્તાવસ્તુની રીતે ‘ફરજ’ અને ‘પંગુ લંઘયતે’માં ઝાઝો ફેર નથી. યોગાનુયોગ, બે વાહન અડફટ, ‘પંગુ લંઘયતે’, ને પછી અવળું સીધું, ઈશ્વર સદૈવ સારું જ કરે, એવું થોડું બને ?

સીમા અને સાગર, પ્રેમ અને લગ્ન, મમત અને અહમ, વિચ્છેદ અને વિયોગ, બાળ સૌમ્યનું મા પાસેથી ગૂમ થવું, અને તાકડે પિતાનું તેને મળવું, સીધી ગતિની ‘પુનર્મિલન’ એક સાદી વાર્તા છે.

બે દીકરા, વિશાલ ને વૈભવ, અને બન્ને વિલાયતમાં. તેમને અને તેમના પરિવારને મળવા મગન માસ્તર અને સંતોકબા દેશમાંથી છેક વિલાયત લાંબાં થયાં, અને બાય બાય ચારણી જેવો ડોળડામી અનુભવ પામી દેશ પાછાં ફર્યાં. જાતને તારી લેતાં શીખવા મળ્યું, તે પદાર્થપાઠ એમની ‘જાત્રા’. વાર્તામાં વિલાયતના અલિપ્ય જીવનદોરનું એક સુરેખ વાસ્તવિક ચિત્ર ઉપસ્યું છે. ક્વિનાઇન ગોળી જેવી ઉપાલંભી વાર્તા, તે ‘દાક્તરી વ્યવસાય અને વિડંબણા’.

દ્યુતિ એટલે ચમક, આટલો ખૂલાસો આવશ્યક; બાકી માતૃત્વ તો સ્વયંભૂ જ છે. વેદના અને સંવેદનાની મૂર્ત મૂર્તિ તે માતા. ‘માતૃત્વની દ્યુતિ’માં હર પલ આ અહેસાસ થતો રહે છે. કેન્સરના દર્દીને તો કષ્ટ છે જ, સાથે આપ્તજનો પણ એટલું જ દર્દ અનુભવે છે. ના કહેવાય, ના સહેવાય, જાણ્યાં છતાં અજાણ્યાં, આ પરિસ્થિતિ પાર નીકળવા માટે પણ જિગર જોઈએ. તરૂ અને અંજનાબહેન, દીકરી અને માતા, સબંધ નજાકતતાનું અહીં સ-રસ નિરૂપણ થયું છે.

વાર્તા થવી અને વાર્તા બનાવવીમાં થોડો ફેર છે; એક સ્વયંસ્ફૂિર્ત કળાય તો બીજીમાં મારી મચડીને તે બનાવવાનો પ્રયત્ન થાય. ઉપેન્દ્રભાઈની વાર્તાનું સ્વરૂપ અનુભવ આકલનનું છે. જેવું દર્પણમાં જોયું, તેવું એમણે બતાવ્યું. સમાજની અનેકાવિધ છબિઓ મને તેમની વાર્તાઓમાં સાંપડી. ત્રણ પેઢી, ત્રણ દિશા, તડફડ અને મેળઝોલ, સંધાણ અને અનુસંધાણ; આ મધ્યે વર્તમાનનું નિરૂપણ કરવાનો ઉપેન્દ્રભાઈનો પ્રયત્ન હું સ્તુત્ય ગણું. ઝાકમઝાળનું લપસણું નહીં પણ સમજદારીનું દર્શન, તે વાર્તાઓનું જમા પાસું. લેખિનીમાં વિવેક ને શિસ્ત, અને શબ્દોમાં વયની પરિપક્વતા, નોંધપાત્ર બને. વાર્તાનાં અંત ચમત્કારિક નથી, પરંતુ સુખસમાધિ જેવું અચૂક વર્તાય.

‘લવારી’, ‘ટાંટિયા’, ‘લોહીઉકાળા’ અને એવા બીજા લુપ્ત થતા શબ્દો; કે સરકતો સમય, વયનાં વળાંકો, વિકરાળ વાસ્તવિકતા, અંતરની અકળામણ, જેવા શબ્દયુગ્મો ભાષાવૈભવને ચાર ચાંદ લગાવે છે. મને કેટલાંક વાક્યો પણ ઘણાં ગમ્યાં;  આ તે (૧) અંગ અને આંગણું સાચવવું, સ્ત્રીની આસપાસ તો સંસાર રચાતો હોય છે, (૨) એ  માટી જ મારી મા છે, (૩) સમયનાં પોલાણો મધ્યે સંજોગવશાત થયેલી પીડાઓ, (૪) આંખના અણસારે, અંતરની ઓળખ પામ્યાં, (૫) ઘર હોય ત્યાં ઘોંઘાટ જ હોય, (૬) સંસારમાં સરકીને ક્યાં સંતાવાનું ? (૭) મરતો ગયો, અને જીવેતે મારતો ગયો, વગેરે વગેરે.

પુસ્તક પ્રકાશનો માટે ઉપેન્દ્રભાઈને મારા દિલી અભિનંદન. એમની કલમે નવુંનવું મળતું રહે, તેવું જો કે હું અવશ્ય ઇચ્છું.

એપ્રિલ ર૫, ૨૦૧૩.

e.mail : [email protected]

Category :- Diaspora / Reviews

સત્ત્વશીલ સર્જન

અદમ ટંકારવી
26-01-2013

બળવંત જાની સંપાદિત ‘વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધો’માંથી પસાર થતાં તાજી હવાની લેહરખીની અનુભૂતિ થાય છે. વિવેચકોના મતે, સુરેશ જોષી પછીનું અાપણું નિબંધસર્જન સંકીર્ણ, બીબાંઢાળ, ચીલાચાલુ, બંધિયાર રહ્યું છે. વિચારપ્રધાન નિબંધોમાં છીછરું, ઉપરચોટિયું ચિંતન અાછકલી - ચબરાકિયા શૈલીમાં નિરૂપિત થાય છે. એ વાંચી પ્રતિભાવરૂપે ભાવકને બહુબહુ તો ગલગલિયાં થાય. એમાંથી કોઈ અર્થબોધ કે મૂલ્યબોધ થતો નથી. પ્રવાસનિબંધો સ્થળવર્ણન અને જાણીતી વ્યક્તિઅોના બડાઈખોર નામોલ્લેખ [name - dropping] સુધી સીમિત રહે છે. ચરિત્રમૂલક નિબંધોમાં બહુધા વ્યક્તિના જીવનની સ્થૂળ વિગતો અને સિધ્ધિઅોની યાદી મળે છે. મુખ્યપ્રવાહના સમકાલીન નિબંધસાહિત્ય વિશે એ મહદ્દઅંશે સત્ત્વહીન [stale], રૂઢ [trite] અને ઊતરી ગયેલું, જીર્ણ [hackneyed] છે, એવું અણગમતું તારણ નીકળે છે. અને તેથી જ અાવા સ્થગિત વાતાવરણમાં સમચલન અને નવોન્મેષ પ્રકટાવતા વિપુલ કલ્યાણીના નિબંધો નોંધપાત્ર અને સીમાચિહ્નરૂપ બને છે. અા નિબંધો અાપણા નિબંધસર્જનમાં અપૂર્વ મુદ્રા ઉપસાવે છે, નોખી ભાત પાડે છે અને એને નવું પરિમાણ બક્ષે છે.

બળવંત જાની ઉચિત  રીતે જ અા નિબંધોને સત્ત્વશીલ સર્જન તરીકે અોળખાવે છે. અહીં લેખક નિબંધના વિષયવસ્તુનો મર્મ ખોલે છે, તેનું પોતીકી રીતે અર્થઘટન કરે છે, તે સંદર્ભે સચ્ચાઈપૂર્વક પોતાનું દૃષ્ટિબિંદુ પ્રગટ કરે છે, અને વિપુલછાપ નિજી, અપ્રતિમ [inimitable] શૈલીમાં એનું નિરૂપણ કરે છે.

લેખકની સૂઝસમજણ [perception], અર્થઘટન અને દૃષ્ટિબિંદુમાં નિબંધોનું ડાયસ્પોરિક સ્વરૂપ પણ પ્રતિબિંબિત થાય છે. વિપુલભાઈ ટાન્ઝાનિયામાં જન્મ્યા, ત્યાં સિનિયર કેમ્બ્રિજનું ભણ્યા અને પછી વિલાયતમાં વસ્યા. અા પરિબળોની અસર એમના વિશ્વદર્શન પર હોય જ. અા નિબંધોમાં વ્યક્ત થતાં તેમનાં મંતવ્યો અને પતીજપ્રતીતિ ગાંધીવિચાર અને બ્રિટિશ મૂલ્યોથી પરિષ્કૃત છે. અા મૂલ્યો તે ‘છેવાડાના મનેખને’ સહભાગી બનાવતી લોકશાહી, ઉદારમતવાદી દૃષ્ટિબિંદુ, સમાનતા, સર્વસમાવિષ્ટ અભિગમ, વહેરાવંચા વગરનો નિષ્પક્ષ વાજબી [fair] વ્યવહાર, પારદર્શકતા [transparency] અને ન્યાયનિષ્ઠા. વિપુલભાઈના નિબંધોમાં અા મૂલ્યો ઉજાગર થાય છે. અા મૂલ્યો એમણે અાત્મસાત્ કર્યાં છે. એના પ્રભાવે એમની દૃષ્ટિ સત્ત્વગુણી, નિર્મળ બની છે, અને દર્શન સત્ત્વસ્થ - સ્વસ્થ. તેથી જ અહીં અાપણને ગુજરાતીતા અને બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરાની વિશાળ, સર્વગ્રાહી [comprehensive] વિભાવના મળે છે. દ્વેષભાવ કે સ્વાર્થબુદ્ધિથી અાને સંકુચિત કરી દેનારને લેખક કહે છે કે, ‘ગુજરાતની હવેલી એ કોઈ બાપીકી મિલકત નથી.’

અાફ્રિકા - વિલાયતનિવાસ તથા દૂર દેશાવરના પ્રવાસોથી સંમાર્જિત પરિપ્રેક્ષણને લેખે લગાડી લેખક ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત ઇતિહાસ પરિષદ જેવી સંસ્થાઅોના કાર્યક્ષેત્રોને વિસ્તારવાની હિમાયત કરે છે, અને ‘પોતીકા ખાબોચિયા’માં જ છબછબિયાં કરવા જેવી કાર્યશૈલી બદલવા અનુરોધ કરે છે.

વિચારપ્રધાન નિબંધલેખક પાસેથી ભાવક તરીકે અાપણી અાટલી અપેક્ષા રહે છે : લેખક ચિંતનીય મુદ્દાની સ્પષ્ટ રજૂઅાત કરે, તેનો મર્મ ખોલી અાપે, તેનું સ્વસ્થ પ્રતીતિકર અર્થઘટન કરે, તે સન્દર્ભે પોતાનું સમતોલ, પૂર્વગ્રહમુક્ત મંતવ્ય કે દૃષ્ટિબિંદુ પ્રકટ કરે અને અા ચિંતનક્રિયામાં અાપણને સહભાગી બનાવે. વિપુલભાઈના નિબંધોમાં અા અપેક્ષા સંતોષાય છે, અને તેથી જ એનું વાચન સંતર્પક બને છે.

વિપુલ કલ્યાણીના નિબંધોમાં સર્જકની ડાયસ્પોરિક ચેતનાનો સંસ્પર્શ અનુભવાય છે. અાની નોંધ લેતાં સંપાદક બળવંત જાની કહે છે : લેખક જે સત્ય ઉદ્દઘાટિત કરે છે તે ડાયસ્પોરા વ્યક્તિની ભીતરની સ્વસ્થ, તટસ્થ દૃષ્ટિ સંપન્નતા દર્શાવે છે. અા નિબંધોમાં લેખકનાં દૃષ્ટિબિંદુ તપાસતાં અાપણને પ્રતીતિ થાય છે કે, સ્વસ્થતા અને તાટસ્થ્યના માપદંડ ઉપર તે ખરાં ઊતરે છે. જે મુદ્દો પ્રસ્તુત થાય તેમાં લેખકની પોતીકી પતીજ છે, અર્થઘટનમાં જાતવફાઈ અને સત્યનિષ્ઠા, મૂલ્યાંકનમાં પક્ષપાતરહિત સમદર્શિતા. વૈચારિક મુદ્દાને લોકપ્રિય ખૂણેથી [angle] રજૂ કરી જનસાધારણની વાહવાહની [playing to the gallery] અહીં ખેવના નથી કે તથ્યને મારીમચડી કોઈ બડેખાંને રીઝવવાનાં ઝાવાં નથી.

એક જ વિષયના બે ચિંતનાત્મક લેખોની તુલના અાપણા વિવેચન માટે રસપ્રદ છે. વિચારપ્રધાન નિબંધના મૂલ્યાંકન માટેના માપદંડોને અાધારે અા લખાણો તપાસવાનો અા ઉપક્રમ છે. ગુણવંત શાહના લેખના પ્રતિભાવરૂપે વિપુલ કલ્યાણીનો લેખ ‘ખોવાયેલી દિશાની શોધખોળ’ અા સંગ્રહમાં સમાવિષ્ટ છે. વિષય છે બિનસાંપ્રદાયિક્તા સંદર્ભે સાચ અને જૂઠ. બન્ને લખાણો અડખેપડખે રાખતાં ભાવક તરીકે પ્રથમ પ્રશ્ન એ થાય કે, લેખક નિષ્ઠાપૂર્વક અા મુદ્દાનો મર્મ પ્રસ્તુત કરે છે કે અાળપંપાળ ? મૂળ મુદ્દાને કેન્દ્રમાં રાખી ચર્ચા કરે છે કે ચાલાકીપૂર્વક તેને ચાતરી ચર્ચા અાડે પાટે ચઢાવે છે ? તે પછી, લેખક મુદ્દાનું જે અર્થઘટન કરે છે તે તર્કશુદ્ધ છે કે તરકટી ? મુદ્દા તરીકે લેખકનું દૃષ્ટિબિંદુ સચ્ચાઈપૂર્વકનું, સમતોલ, મૂલ્યનિષ્ઠ છે કે ખંધું, પક્ષપાતી, પૂર્વગ્રહયુક્ત, અધ્ધરિયું ? છેલ્લે લખાણનું પ્રયોજન. ભાવક તરીકે અાપણે એ પૂછવાનું છે કે, અા લખાણ મારામાં ચેતોવિસ્તાર, દૃષ્ટિની નિર્મળતા અને સાત્ત્વિકી પ્રેરે છે કે મારી કૂપમંડૂકતાને કાયમ રાખી, વિચારપ્રક્રિયાને પ્રદૂષિત કરી મારામાં દ્વેષભાવ ઠાંસે છે. નિબંધ કે કોઈપણ સાહિત્યિક રચનાનું મૂલ્યાંકન અાખરે તો ભાવકના પ્રતિભાવ [response] પર અવલંબિત છે. Essay is what essay does. નિબંધ ભાવકની ચેતનાને કઈ રીતે સંકોરે છે ? એ એને ઊર્ઘ્વગામી કરે છે કે અધોગામી ? ઊર્જિત કરે છે કે મૂર્છિત ? પરિષ્કૃત કરે છે કે પરિક્ષીણ ?

લેખકની ચેતનાનો સંસ્પર્શ પામેલ નિબંધમાં એનું શીલ પણ પ્રતિબિંબિત થાય છે. અા નિબંધોમાં વિપુલ કલ્યાણીની જાતવફાઈ, સત્યનિષ્ઠા અને માનવીય સંવેદનશીલતાનાં પ્રમાણ સુપેરે મળે છે.

શીલ તેવી શૈલી છે. અા નિબંધો અાત્મપ્રતીતિની નીપજ છે તેથી એમાં લેખકનો પોતીકો રણકતો અવાજ છે. લેખક સોંસરી અભિવ્યક્તિ અને તળપદા શબ્દોના વિનિયોગથી ભાવક સાથે અાત્મીય સંવાદની ભૂમિકા રચે છે. નિરૂપણ દાધારંગું, દોદળું નહીં, ‘સોજ્જું અને નક્કર’ છે.

ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં મહત્ત્વના નિબંધલેખક તરીકે તો અા સંગ્રહ વિપુલ કલ્યાણીને સ્થાપિત કરે જ છે. લેખક બ્રિટિશ ગુજરાતી હોવાને નાતે દીપક બારડોલીકર કહે છે તેમ, ‘તે કંઈક નોખી ઢબે, નોખી વાત કરે છે.’ બળવંત જાનીનું અા વિધાન − ‘અાવા નિબંધો ગુજરાતની તળભૂમિમાં ક્રિયાશીલ સારસ્વતો દ્વારા ન જ પ્રગટ્યા હોત’ − અા નિબંધોની વિશિષ્ટતા અને અપ્રતિરૂપનો નિર્દેશ કરે છે.

મુખ્ય પ્રવાહના નિબંધસાહિત્યમાં પણ વિપુલ કલ્યાણીનું નિબંધલેખક તરીકેનું પ્રદાન નોંધપાત્ર બની રહે છે. અહીં ગુજરાતી નિબંધની નોખી, અાગવી ભાત ઉપસે છે. એ નિબંધસ્વરૂપની સીમાઅોને વિસ્તારે છે. વિચારપ્રધાન નિબંધોને નામે અાજે ખાસું ડીંડવાણું ચાલે છે. કેટલાક લેખકો જાહેરખબરિયા શૈલીમાં ચિંતનને નામે બજાણિયાવેડા કરે છે. ડાકલાં, ડુગડુગિયાં વગાડી ભોળા ભાવકોને ધુણાવે છે. ત્યારે વિપુલ કલ્યાણીનું મર્મગ્રાહી ચિંતન, પ્રજ્ઞાવાન અર્થઘટન અને મૂલ્યનિષ્ઠ મૂલ્યાંકન અા સ્વરૂપને નવી દિશા ચીંધે છે. સંપાદકીયમાં બળવંત જાનીએ વિપુલભાઈને ‘જાગરૂક’ ચિંતક તરીકે અોળખાવ્યા છે. અા જાગરૂકતા એટલે કહેવાતાં ચિંતનાત્મક લખાણો દ્વારા મૂલ્યહ્રાસ ન થા્ય, જૂઠનો મહિમાં ન થાય અને ભાવકના ચિત્તને દૂષિત, કલુષિત ન કરાય તેની તકેદારી. નર્મદે એના જમાનામાં લખાણો દ્વારા જડતા તોડવાનો જે પુરુષાર્થ કરેલો તે જ કુળની અા ચેષ્ટા છે. અા નિબંધો ભાવકની ચૈતસિક જડતા તોડી સોજ્જી, નરવી વિચારપ્રક્રિયા પ્રેરે છે.

વિવેચન, અાસ્વાદ તો થશે ત્યારે થશે. પણ હાલ તુરત તો અા નિબંધો નિમિત્તે ગુજરાતી તરીકે અાપણી માનસિકતાની ફેરતપાસ થાય, માનવમૂલ્યોને રફેદફે કરવાના ઉધામા સામે ઊહાપોહ થાય અને અપહૃત [hijacked] ગુજરાતીતાની પુનર્પ્રાપ્તિની પ્રક્રિયા અારમ્ભાય તો અા પ્રજ્ઞાવંત લખાણોનું પ્રયોજન સિધ્ધ થશે.

વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધો : સંપાદક - ડૉ. બળવંત જાની : પ્રકાશક - પાર્શ્વ પબ્લિકેશન, નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ - 380 001 : પ્રથમ અાવૃત્તિ - 2012 : ISBN : 978-93-82124-37-5 : પૃષ્ટ - 224 : મૂલ્ય - રૂ. 200
 

Category :- Diaspora / Reviews