REVIEWS

એક ગુજરાતી, દેશ અનેક

કિશોર વ્યાસ
16-08-2021

એક ગુજરાતી દેશ અનેકલે. ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, સંપાદક : કેતન રૂપેરા, S Publications, પ્રથમ આવૃત્તિ  ૨૦૨૧, ડેમી, પાકું પૂઠું, પૃ.૩૫૨, કિં.રૂ. ૫૦૦/-, પ્રાપ્તિસ્થાન : ગ્રંથ વિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ 380 009

રંગેરૂપે તેમ સામગ્રીમાં આકર્ષક એવું આ પુસ્તક ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રીએ ગુજરાતી ડાયસ્પોરાના જાણીતા વિચારપત્ર ‘ઓપિનિયન’માં લખેલાં લખાણોનું સંપાદન આપે છે. વિપુલ કલ્યાણીએ સાતત્યથી અને સૂઝબૂઝથી ‘ઓપિનિયન’ને ગૌરવશાળી બનાવ્યું છે. ગુજરાતી સમાજની વૈચારિક આબોહવાનો નકશો ‘નિરીક્ષક’, ‘ભૂમિપુત્ર’ જેવાં વિચારપત્રોમાં જે પ્રાપ્ત થાય છે એવી અમૂલ્ય સેવા આ વિચારપત્રે પણ બજાવી છે. આ જીવંત વિચારપત્રમાં વિષયવૈવિધ્ય પણ નવાઈ પમાડે એટલું સમૃદ્ધ રહ્યું છે. ‘ઓપિનિયન’માં એકલા ડાહ્યાભાઈ મિસ્ત્રીનાં લખાણો પર નજર ફેરવીએ તો પણ ખ્યાલ આવશે કે કેવા-કેવા નોખા, નિરાળા લેખોનું અહીં પ્રકાશન થવા પામ્યું છે. ‘જીવન ફરીથી જીવવા મળે તો તમે શું કરો ?, એવા પુછાયેલ પ્રશ્નના ઉત્તરમાં લેખક કહે છે કે : ‘ફરી જીવવાનો વારો આવે, તો વિદ્યાના પરિવેશમાં જીવવાનું પસંદ કરું.’ આ પુસ્તક ખરે જ વાચકને વિદ્યાના વાતાવરણમાં દોરી જનારું છે.

ડાહ્યાભાઈ મિસ્ત્રી મૂળ તો નવસારી જિલ્લાના દેલવાડા-વડોલી ગામના. વતનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી આગળનું ભણતર મોમ્બાસામાં થયું. કેટલોક અભ્યાસ ઘરે બેસીને કર્યો. મોમ્બાસાની હાઈસ્કૂલમાં અને તે પછી અન્ય સ્થળોએ શિક્ષણ સાથે જોડાયેલા રહ્યા. સને ૧૯૭૬માં બ્રિટન આવ્યા. લંડનમાં હેલ્થ ઍન્ડ સિક્યૉરિટી ખાતામાં નોકરી કરી. પ્રમોશન મળતા ડિપાર્ટમેન્ટ ઑફ ઍમ્પ્લોયમેન્ટમાં કામ કર્યું. સાહિત્ય ઉપરાંત ત્યાંના રાજકારણમાં પણ રસ લેવા માંડ્યો. લેબર પાર્ટીના સભ્ય હોવાના નાતે પાર્ટીના વિવિધ નેતાઓ સાથે ગાઢ સંપર્કો રચાયા. એમણે ભાષા, શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ, રમતગમત અને પર્યાવરણ જેવા અનેકવિધ વિષયો પરની ચર્ચાઓ પોતાનાં લખાણોમાં કરી છે જે એમની વિચારયાત્રાનો આલેખ આપી રહે છે. જયંત પંડ્યાએ ડાહ્યાભાઈ મિસ્ત્રી વિશે લખેલા ચરિત્રલેખનું શીર્ષક જ ‘જ્ઞાનપિપાસુ’ એવા વિશેષણ સાથે જોડાયેલું છે, એ લેખો જોતાં સાર્થક લાગે. તેઓ નોંધે છે : ‘ઓપિનિયન’માં એમની હાજરી લેખક, વાચક, વિવેચક એમ ભિન્નભિન્ન રૂપે વરતાય છે. સ્વતંત્ર રીતે વિચારવાની એમને ફાવટ છે. એ ધારે તો દૂધમાંથી ય પોરાં કાઢી આપી શકે. પરંતુ એને અવગુણ બનાવવાની હદ સુધી ન લઈ જવાનો વિવેક એમણે કેળવ્યો છે.’ જ્ઞાનના કોઈ પણ ક્ષેત્રમાં સહેલાઈથી વિહરી શકતા આ લેખક માટેનું આ નિરીક્ષણ સચોટ છે.

સંપાદક કેતન રુપેરાએ લેખકનાં લખાણોને તારવીને કુલ પંચાવન લેખોની અહી પસંદગી કરી છે, ભૌગોલિક દૃષ્ટિએ વર્ગીકૃત કર્યા છે. જેમ કે પૂર્વઆફ્રિકાના દેશો અને દક્ષિણ આફ્રિકા જેવા લેખોનું એક ગુચ્છ છે, તો બ્રિટન, અમેરિકા અને યુરોપના દેશોનો પણ એક ગુચ્છ છે. એ જ રીતે નોંધપાત્ર ગુજરાતી, અંગેજી પુસ્તકો અને વ્યક્તિઓ વિશેનાં લખાણોને પણ દર્શાવ્યાં છે. પુસ્તકમાં તો લેખો સળંગ છે, પણ તેનું ભૌગોલિક વર્ગીકરણ ખરા અર્થમાં પુસ્તકના શીર્ષકનું પાછલું અડધિયુ ‘… દેશ અનેક’ની સાર્થકતા બતાવે છે. લેખોના પ્રકાશિત થયાનાં તારીખ, વર્ષને લેખના પ્રારંભે જમણી બાજુ નાના અક્ષરે મુકી દઈને મૂળ રૂપે પ્રકાશિત થયાની વિગત સાચવી લેવાની સજાગતા દાખવી છે. સંપાદકે એક મહત્ત્વનું કામ એ પણ કર્યું છે કે લેખમાં સ્પર્શેલાં એકથી વધુ વિષયક્ષેત્રોની નોંધ લઈ લેખના પ્રારંભે વિવિધ કૅટેગરીમાં એને વહેંચી નાખ્યાં છે. સૌથી વધુ ધ્યાન ખેંચતાં વિષયક્ષેત્રોને આ રીતે દર્શાવવાથી લેખમાં કેવી વિશિષ્ટ સામગ્રીનો સંદર્ભ મોજૂદ છે, એની વાચકને લેખમાં પ્રવેશતા પહેલાં જ જાણ થાય છે. વાચક પોતાના મનગમતા ક્ષેત્રને પસંદ પણ કરી શકે.

આ લેખો ‘ઓપિનિયન’માં સૌ પહેલા પ્રકાશિત થયા છે આથી પુસ્તક રૂપે મૂકતાં પહેલાં સંપાદકે એ લેખોનું સંમાર્જન કર્યું છે. એ સાથે સંદર્ભની સમજ માટે જરૂરી જણાય ત્યાં વિગતપૂર્તિ પણ પાદટીપ રૂપે મૂકી છે. સંપાદકની આ સૂઝ અને પરિશ્રમ સમગ્ર પુસ્તકમાં પથરાયેલો છે. મુદ્રણનું આયોજન અને ‘ઓપિનિયન’ના સઘળા અંકોમાંથી પસાર થઈને બૉક્સમાં મુકાયેલી વિગતો, આંખને ખેંચી રાખતી તસવીરો સંપાદન-કુશળતાનો નમૂનો બની રહે છે. લેખક સુરતની સ્વચ્છતાની બાબતે છબી બદલી કાઢનારા કમિશનર એસ.આર. રાવની પ્રશંસા કરવાનું ચૂકતા નથી, તો ભગવતીકુમાર શર્માની સર્જનાત્મકતાને પણ વિગતે નોંધે છે. ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશેનાં લખાણો જોઈએ ત્યારે લેખકની પરિપક્વ સમજનો અંદાજ આવશે. પેટલીકર, બ.ક.ઠાકોર જેવા સર્જકોનું સ્મરણ કરતી નોંધ જુઓ, દીપક બારડોલીકર વિશે લખાયેલા લેખની અપૂર્ણતા સંપાદક એની ગઝલ અને વિપુલ કલ્યાણીને લખેલા પત્રથી સંપૂર્ણ કરી આપે છે. દક્ષિણ આફ્રિકાના સાંગોપાંગ ગુજરાતી ફાતિમા મીર વિશે વાત કરતાં જે વિગતો લેખક મૂકી આપે છે, એ એમના વાચનમનનનું ચિત્ર આંકી આપે છે. આવાં જ મહત્ત્વનાં લખાણો પૂર્વ આફ્રિકાનું હિન્દી પત્રકારત્વ, બ્રિટનમાં ગુજરાતી પત્રકારત્વ છે.

પર્યાવરણ માટે સતત લડી રહેલા મહેશચંદ્ર મહેતાનું સુભગ ચરિત્ર લેખક કેવું આંકી આપે છે! અહીં ચર્ચામાં વણી લીધેલાં ખ્યાત પુસ્તકોનાં નિરીક્ષણો પણ એટલાં જ મહત્ત્વનાં છે. અરુંધતી રૉયના ‘ધ ગૉડ ઑફ સ્મૉલ થિંગ્ઝ’, પ્રો. ભીખુ પારેખના ‘ગાંધી’, ગુરુચરણદાસનું ‘ઇન્ડિયા અનબાઉન્ડ’ જેવાં પુસ્તકોની નોંધ એનાં ઉદાહરણો બને છે. ‘ગુજરાત-૨૦૦૨ : ઘાને રૂઝ વળી છે’, જેવો લેખ આમ તો અહેવાલરૂપ છે પણ એનો આરંભ બાંગલાદેશ અને ઇન્દિરા ગાંધીના શબ્દોથી થયો છે. બ્લૅકબર્ન પીસ મિશન હેઠળ બ્રિટિશ ગુજરાતીઓ બ્લૅકબર્ન શહેરમાં ‘અમે ગુજરાતનાં છીએ અને ગુજરાતની અમને ખૂબ પડી છે’, એવા ભાવ સાથે ગુજરાતનાં કોમી રમખાણો પછી એકઠા થયા હતા ત્યારે એ સભાનો સંપૂર્ણ ચિતાર લેખકે રજૂ કર્યો છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગુજરાતીઓ વચ્ચે દાઉદભાઈ ઘાંચી જેવા શિક્ષણવિદ્‌ના વિચારો સાથે સંપાદકે માધ્યમોમાં જોરશોરથી ચગેલા બે કોમના યુવાનો અશોક પરમાર અને કુતુબુદ્દીન અન્સારીનીએ બહુ જાણીતી તસવીર આપીને આ ગોઝારી ઘટનાઓને ‘ક્રૂરતા અને કરુણતાના પ્રતીકરૂપ’ ગણી સંપાદક આ બંને યુવાનોની વિકાસશીલ સમજણની પણ નોંધ લે છે. બર્મિંગહામમાં વસતા જાણીતા ગુજરાતી પ્રફુલ્લ અમીન આ સભામાં એમ કહે છે : ‘જ્યારે ગોધરામાં હિન્દુ ભાંડુળાંઓની હત્યા થઈ ત્યારે હું રડતો હતો. ગોધરા પછીના અનેક બનાવોમાં સેંકડો મુસલમાનો મરાયા, તેથી મારું એ રુદન અનેક ગણું વધી ગયું હતું. હિન્દુની હત્યા થાય ત્યારે મુસલમાનની આંખમાં પાણી ભરાઈ આવે અને મુસલમાનની હત્યા થાય, ત્યારે હિંદુની આંખો ભીની થાય, તે મારે મન ભાવગત ભારતીયતા.’

સમગ્ર મુદ્દો રમખાણો પરથી ખસીને ભારતીયતા પર ઊભો રહી જાય છે. પ્રજા-પ્રજા વચ્ચેનો સંપૂર્ણ આદર, આવકારની આ ઝંખના તીવ્ર સંવેદનને પ્રગટ કરી રહેતા અહેવાલને લગતો લેખ માનવીય વિચારથી સભર બની જાય છે. લેખકની નજર ખંભાતના અખાત પાસે મળેલા બે પુરાણાં મહાનગરો સુધી પણ પહોંચે છે. ગુજરાત દુનિયામાં સૌથી પુરાણી સંસ્કૃતિનું સ્થાન હોવાની બાબતે તેઓ ભૂસ્તરશાસ્ત્રીઓ, પુરાતત્ત્વ અને ઇતિહાસવિદોનાં લખાણોના અંશને રજૂ કરે છે. આવા વિવિધ ભાતના અભ્યાસો પર લેખકની નજર સતત ફરતી રહી છે. લેખકનાં અનેક અભ્યાસક્ષેત્રો પરત્વેના રસરુચિ અને સમજણનું એ નિદર્શન આપી રહે છે. આરબદેશોમાં ભારતીય ઉપખંડના મજદૂરોની કરમકહાણી જેવી નોંધ હોય કે સિંગાપોર, દક્ષિણપૂર્વ  એશિયાના દેશો અને વિકાસની વાટ જેવું લખાણ હોય, દુબઈના પ્રવાસવર્ણનની સાથે ખેંચાઈ આવતી ઈરાન, ઇરાક અને આરબદેશોની તેમ એની કલાસંસ્કૃતિની નોંધ દર્શાવે છે કે લેખકે ખુલ્લું મન રાખીને, સચેત નજરે આ સઘળું જોયું-તપાસ્યું છે. અતિશયતાના રંગ વિના સ્પષ્ટતા ને સ્વસ્થતાપૂર્વક કહેવાની રીતિ લેખકનાં લખાણોને સમતોલ બનાવે છે. નોબલ પારિતોષિક વિજેતાઓ, ડાયસ્પોરિક સર્જકો, ભારત અને બ્રિટન ઉપરાંત ઇરાક જેવા દેશોનું સાંપ્રત રાજકારણ અને ઇતિહાસ જેવાં લખાણોમાં વિગતો સાથે જોડાતા ચિંતનમનન આ પુસ્તકનો મહત્ત્વનો અંશ બની રહે છે. સંપાદક કહે છે એમ ‘એક પ્રજા તરીકે ગુજરાતી બની રહેવા સાથે વિશ્વગુજરાતી બનવા માટેની યાત્રા કરાવતું આ પુસ્તક છે.’

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 14 તેમ જ 13

Category :- Diaspora / Reviews

‘એક ગુજરાતી દેશ અનેક’ ડાહ્યાભાઈ મિસ્ત્રીના ‘ઓપિનિયન’ વિચારપત્રમાં પ્રકાશિત લેખોનો સંચય છે. સંપાદન કેતન રુપેરાએ કર્યું છે.

પુસ્તકનાં 332 પૃષ્ઠોમાંથી પસાર થતાં પ્રતીતિ થાય છે કે, ડાહ્યાભાઈનો ‘ઓપિનિયન’ સાથેનો ત્રિવિધ નાતો હતો. જયન્ત પંડ્યાના ડાહ્યાભાઈ વિશેના પરિચયલેખમાં આ કથનને પુષ્ટિ મળે છે. જયન્તભાઈ કહે છે, ‘ઓપિનિયન માસિકમાં એમની હાજરી લેખક, વાચક, વિવેચક એમ ભિન્ન ભિન્ન રૂપે વરતાય છે.’ અહીં સંચયિત લેખોમાં ડાહ્યાભાઈનાં આ ત્રણેય રૂપો પ્રકટ થાય છે.

‘વૉરેશસ્‌’ વાચક તરીકે ડાહ્યાભાઈ પાસેથી ‘પૂર્વ આફ્રિકાનું હિંદવી પત્રકારત્વ’ વિશે માહિતીપ્રચુર લેખ મળે છે. એ જ રીતે તેઓ બ્રિટનના ગુજરાતી પત્રકારત્વના ત્રણેક દાયકાનું ‘સાગમટે સિંહાવલોકન’ કરે છે. બ્રિટનનાં ગુજરાતી સમાચારપત્રો, સામયિકો વિશેના તારતમ્યમાં કહે છે, ‘આ સાપ્તાહિકો એક મોટો વાચક વર્ગ ઊભો કરવામાં નિષ્ફળ ગયાં છે.’ આમાં અપવાદરૂપે આ લેખ લખાયો તેના બે વરસ અગાઉ શરૂ થયેલ ‘ઓપિનિયન’ વિશે કહે છે કે, ‘આ વિચારપત્રે સારું કાઠું કાઢ્યું છે.’ પત્રકારત્વના એક કર્તવ્ય અંગે એમણે નોંધ્યું કે, ‘વાચકો જન્મતા નથી; એ તૈયાર કરવાના હોય છે.’ સજગ વાચક તરીકે ‘ઓપિનિયન’ના ત્રીજા અંક(જૂન 1995)ના અગ્રલેખના પ્રતિભાવરૂપે લેખ આપ્યો, ‘ન મળ્યો કોઈ ગુજરાતી ને !’ આમ, 1995માં ‘ઓપિનિયને’ જે ચાનક ચઢાવી તે ઠેઠ 2017 સુધી અવિરત રહી, અને એના પરિપાક રૂપે મળે છે આ પુસ્તક. વાચક તરીકે ડાહ્યાભાઈ ‘કેઝુઅલ - ઉભડક નહીં. જયન્તભાઈ કહે છે કે, વાંચેલું ‘ગમ્યું હોય અથવા માહિતી આપનારું હોય તેનું કતરણ’ રાખે. પછી એનું વિવરણ ચાલ્યા કરે. જયન્તભાઈએ ડાહ્યાભાઈને ‘જ્ઞાનપિપાસુ’નું બિરુદ આપ્યું તે ઉચિત છે. આ સંચયનાં લખાણોમાં લેખક એ સંચિત જ્ઞાનની વાચકોને લહાણી કરે છે.

‘ઓપિનિયન’માં ડાહ્યાભાઈની બીજી હાજરી તે લેખક તરીકેની. આ લખાણોમાં ડાહ્યાભાઈની અભ્યાસી લેખક તરીકેની મુદ્રા પ્રકટે છે. લેખ વાંચતાં જે તે વિષયમાં એમના અવગાહનનો ખ્યાલ આવે છે. માહિતી પાકી, આંકડાઓમાં ચોક્સાઈ, સંદર્ભો અઘિકૃત. મૂળ લખાણનાં અવતરણો પણ પુષ્કળ. કેતન રુપેરા નોંધે છે કે, લખાણોમાં ‘અંગ્રેજી અવતરણોની માત્ર એટલી મોટી છે કે અડધાં ઉપરાંતનાં પાનાં’ એનાથી દીપી રહ્યાં છે. આ અવતરણો લટકણિયાં નથી, પ્રસ્થાપિત અને પ્રસ્તુત છે.

‘ઓપિનિયન’માં ડાહ્યાભાઈએ સાતત્યપૂર્વક જે લેખો લખ્યા તેને કેતન રુપેરા ‘લેખનયાત્રા’ કહે છે. આ લેખોનું વિષયવૈવિધ્ય નોંધપાત્ર છે, અને વિસ્મયજનક પણ. આ આશ્ચર્ય કેતનભાઈ OMGના ઉદ્દગારથી વ્યક્ત કરે છે, અને ઉમેરે છે, ‘શું રૅન્જ છે આ માણસની’ પછી આશ્ચર્યવિરામ ! સુજ્ઞ વાચકને આનો ખ્યાલ તો અનુક્રમણિકા અને લેખોના વિભાગો જોતાં વેંત આવી જશે. જયન્ત પંડ્યા આના પર મત્તું મારતાં કહે છે : ‘સાહિત્ય, ઇતિહાસ, રાજકારણ બધામાં એમની ચાંચ ડૂબે.’ ડાહ્યાભાઈનાં લખાણોમાં જે તે વિષયની તલસ્પર્શી, તાત્ત્વિક ચર્ચા સરળ, સહજ શૈલીમાં થાય છે. નખશિખ ગુજરાતી ફાતિમા મીર માટે એ ‘સાંગોપાંગ ગુજરાતી’ શબ્દ પ્રયોજે છે.

‘ઓપિનિયન’ વિચારપત્ર અને ડાહ્યાભાઈ વિચારક − ચિંતનશીલ. એટલે ‘મેડ ફૉર ઈચ અધર’ જેવો ઘાટ. ડાહ્યાભાઈ માત્ર વિચારક નહીં, વિચારપ્રેરક પણ ખરા. લેખમાં મુદ્દો પ્રસ્તુત કરે, માહિતી આપે, છણાવટ કરે, પોતાનું દૃષ્ટિબિંદુ જણાવે અને પછી આગળ વિચારવા વાચકને વિવશ કરે. ઘટનાનું વિવરણ ચાલતું રહે એ જ એમની નેમ.

માત્ર વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે જ નહીં, વિશ્વની અને માનવજાતની ભવિષ્યમાં શી વલે થઈ શકે તે વિશે વિચારવા પણ વાચકને પ્રેરે. ડાહ્યાભાઈની યુવાન દીકરી દીપિકા વહીવટીતંત્રમાં કામ કરતાં કરતાં જાતે જ યુદ્ધગ્રસ્ત બૉસ્નિયામાં પોતાની ભરતી કરી ત્યાં જાય છે. યુદ્ધના કારણે થતો નરસંહાર અને તારાજી જુએ છે, રડે છે, અને પિતાને પત્ર લખે છે કે, ‘આવા યુદ્ધગ્રસ્ત જગતમાં બાળકની મા બનવાની ઇચ્છા થતી નથી.’ પ્રત્યેક સંવેદનશીલ માતાપિતાની આ આંતરવ્યથા છે. આપણે જગતને માનવ માટે ગરિમા સાથે વસવા યોગ્ય − liveable રહેવા દીધું છે ખરું ? આવતીકાલે જે બાળકને આ જગતમાં જીવવાનું છે તેને આપણે કેવું જગત વારસામાં આપી જવાના છીએ ? આ હૃદયવિદારક પ્રશ્ન સંવેદનશીલ સર્જકો પૂછતા રહે છે. આવા નિષ્ઠુર જગતમાં ઊછરી રહેલ પુત્રને રમેશ પારેખ પૂછે છે :

બૉમ્બ વાવ્યા છે એણે તારા કૂણા મસ્તકમાં
હવે હવે ઉજ્જડ છે એ ધરતી, તું એમાં શું વાવીશ?

તું છે જિદ્દી, તો છે મુમકિન કે તું કાલે માગીશ
તો નવી દુનિયા, મારા પુત્ર, હું ક્યાંથી લાવીશ?

હાંજા ગગડાવી દે એવા આ પ્રશ્નો છે. આ વ્યથા વ્યક્ત કરતાં રાજેશ રેડ્ડી કહે છે :

મેરે દિલ કે કિસી કોનેમેં ઈક માસૂમ સા બચ્ચા
બડોં કી દેખકર દુનિયા બડા હોને સે ડરતા હૈ

આપણને વિચારતા કરી મૂકે એ આ પુસ્તકની ઉપલબ્ધિ. આવું સંતપર્ક વાચન આપણા સુધી પહોંચે એનું શ્રેય ત્રણ જણને : લેખક ડાહ્યાભાઈ મિસ્ત્રીને, પરામર્શક વિપુલ કલ્યાણીને અને સંપાદક / પ્રકાશક કેતન રુપેરાને.

200, Halliwell Road, BOLTON, Lancs., BL1 3QJ

Category :- Diaspora / Reviews