REVIEWS

જીવતરને ત્રિભેટે :

બકુલા દેસાઈ - ઘાસવાલા
01-03-2019

નીના / નયના પટેલ સાથે આમ તો ‘Facebook Friendship : ચહેરાને ચોપડે મૈત્રી’ હતી, પરંતુ જોતજોતાંમાં એ મૈત્રી હવે રૂબરૂ અને ટેલિફોનિક વાતચીત-દૂરધ્વનિ વાતચીતમાં પલટાઈ ગઈ છે.

મૂળ તો ‘પરમ સમીપે પ્રાર્થનાઓ‘નાં ધ્વનિમુદ્રણ (ઓડિયો કેસેટ) માટે એમણે કુન્દનિકાબહેનને મળવું હતું, એ નિમિત્તે અમે ભેગા મળ્યાં અને વાતોનાં વડાંની લિજ્જત માણવાનાં અમારાં સમાન શોખે નજીક લાવી મૂક્યાં. તે આજે આમ એમની વાર્તાઓ વિશે લખવાની તક આપી એમણે મને વધારે નજદિકીનો અહેસાસ કરાવ્યો છે. મૂળ સુરતી નીનાબહેન વાયા અમદાવાદ યુનાઇટેડ કિંગ્ડમ જઈને સ્થાયી થયાં. હાલ બન્ને સ્થળે અવારનવાર રહે છે. એમનું અનુભવ વિશ્વ ખાસ્સું સમૃદ્ધ છે કારણ કે તેઓ દુભાષિયણ, કર્મશીલ અને લેખિકા છે. એમનો વાર્તાસંગ્રહ ‘ગોડ બ્લેસ હર અને અન્ય વાર્તાઓ’ કુલ અઢાર વાર્તાઓથી સંકલિત છે. એમની અંગ્રેજી અને ગુજરાતી ભાષા- બોલીની હથોટી એમની વાર્તાઓમાં ઝળકે છે.

દમણીઆ માછીસમાજની બોલીમાં લખાયેલી અને પરદેશ સ્થાયી થયેલી સુમનની (વાર્તા નાયિકા) મનોસ્થિતિને તાદ્રશ પ્રગટાવતી ‘દખલગીરી‘ વાર્તા અનેક પાસાંનું રસદર્શન કરાવે છે પરંતુ વાર્તાનો સચોટ અંત સ્થળ, સમય, સંવેદન-સ્પંદનની સાનુભૂતિને એકાકાર કરી એને અડધી આલમનું પોતાપણું બક્ષે છે, ત્યારે એ માત્ર વાર્તા ન રહેતાં જીવાતી જિંદગીનું સાચુકલું દ્રશ્ય બની સાકાર થઈ જાય છે. નીનાની તમામ વાર્તાઓની આ જ ખૂબી છે. દરેક વાર્તાનું પોતીકું સત્ય છે અને સમાવિષ્ટ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક તો અવશ્ય બની હશે એવું લાગ્યા વગર ન રહે.

આ વાર્તા સ્ત્રીઆર્થ-૩માં પ્રગટ થઈ છે. નીનાનું અનુભવવિશ્વ ઈન્ડિયા, આફ્રિકા, ઈન્ગલેન્ડ ઉપરાંત વિવિધ દેશોના વસાહતીઓનો પારિવારિક જીવન સંઘર્ષ, સમાધાનવૃત્તિ અને અનુકૂલનની કથાઓથી સભર છે, એટલે એમની વાર્તાઓનાં વિષયવસ્તુમાં વૈવિધ્યતા છે. આંતરજ્ઞાતિય અને આંતરરાષ્ટ્રીય લગ્ન સંબંધો, રંગભેદ, જ્ઞાતિભેદ, ભાષા-બોલી તફાવત, લિંગભેદ, સામાજિક- સાંસ્કૃતિક અલગાવ, બે- ત્રણ પેઢીનું અંતર, તરુણ વયનાં સંતાનોની સમજ, પારિવારિક હિંસા, બળાત્કારનાં વિવિધ સ્વરૂપો, સમાન સ્તરે સ્ત્રીઓની સમસ્યાઓ, ક્યાંક પુરુષોની વિટંબણાઓ, પ્રેમની અનુભૂતિ માટેની પ્રબળ ઝંખના અને શોધ …… જીવાતી જિંદગીમાં પ્રગટતાં આ તમામ પાસાં નીનાએ વાર્તાઓમાં મજબૂત રીતે વણ્યાં છે. મને તો સતત એવું લાગ્યું કે નીનાની લેખણમાં કલ્પનાવિહાર નથી, પરંતુ એ પોતાની વાર્તાઓને જીવ્યાં છે. વાર્તાઓના પાત્રો સતત એમની સાથે જીવતાં જ હોય જે રીતે પ્રગટ થયાં છે. જેમ કે પીળા આંસુની પોટલી, તરફડતો પસ્તાવો, ડૂસકાંની દિવાલ, આંધીગમન, કોણ કોને સજા કરશે, સુખી થવાનો હક્ક જેવી વાર્તાઓ તો આપણી આસપાસ જ બનતી હોય તેવું મેં તો મહેસૂસ કર્યું.

આ વાર્તા સંગ્રહનું નામ એમની જ એક વાર્તા ‘ગોડ બ્લેસ હર!’ પરથી છે. નીના કહે છે કે એ મારી સૌથી નજીક છે. પ્રેમની પરિભાષાને વ્યક્ત કરવા મથતી આ વાર્તા થોડી ‘હટ કે’ છે. વાર્તાકારની વાસ્તવિક-વ્યવહારુ જિંદગીની અને વાર્તા નાયક માનસશાસ્ત્રી પ્રોફેસર બર્ટની જિંદગીનો ખેલ સમજવાની મથામણને સમાંતર રીતે રજૂ કરતો અંત ભવાટવીમાં અટવાતાં માણસોની મનોભૂમિકાને સાકાર કરે છે, સાથે નગણ્ય દેખાતાં જીવોની દુનિયામાં ડોકિયું કરવાનું કુતૂહલ કેવું આશ્ચર્ય અને નિર્વેદ પેદા કરે છે તે પણ સૂચવે છે. બળાત્કારનો મુદ્દો નીનાની વાર્તાઓમાં મુખર થઈને આવ્યો છે. ભારતના નિર્ભયાકાંડનાં પડેલા વૈશ્વિક પડઘા ‘કોણ કોને સજા કરશે?’ વાર્તામાં પડ્યાં છે. આઠ વર્ષની વયે બળાત્કારનો ભોગ બનેલી બાલકિશોરી અર્ચનાની જીવનભરની હ્યદયવિદારક પીડાની અભિવ્યક્તિ વારંવાર દેખાતાં કે જોવાતાં દ્રશ્યોમાં દ્વારા થાય છે, ત્યારે સ્થળકાળના કોઈ ભેદ રહેતાં નથી અને એ શાશ્વત સમસ્યા બની રહે છે. ઉપરોક્ત વાર્તામાં નિકટના પિતરાઈ અને એના મિત્ર દ્વારા જાતીય શોષણ, ‘આંધી ગમન’માં સાવકા પિતા દ્વારા બે બહેનો પર બળાત્કાર, ભીષ્મ થવું પડ્યું-માં સસરા દ્વારા છેડતી, સુખી થવાનો હક્કમાં પતિ દ્વારા બળાત્કારની ઘટનાઓ બને છે. આ વાર્તાઓ દ્વારા સ્ફુટ થાય છે કે જાતીય અત્યાચારો વૈશ્વિક છે. તે જ રીતે પારિવારિક હિંસા પણ સાર્વત્રિક છે. જ્યારે, જયાં બળાત્કારની ઘટના બને ત્યાં બાળકો અને સ્ત્રીઓ પર સામાન્ય રીતે શારીરિક-માનસિક ત્રાસ સહજ પણ હોય એવું સામાજિક કર્મશીલોના કાર્યક્ષેત્રના અનુભવોનું સત્ય છે. એવી પરિસ્થિતિજન્ય સામ્યતા નીનાએ પરદેશમાં કે મારાં જેવાંએ દેશમાં જોઈ જ છે. અનેક કાયદા અને જાગૃતિ છતાં આજે પણ ‘મૌનના સંસ્કાર’ની અસર છે અને તેની ઝલક આ વાર્તાઓમાં પણ છે.

કોમવાદથી પર જઈ હિન્દુ-મુસ્લિમ પ્રેમકથા ‘ડૂસકાંની દીવાલ’, હિન્દુ કિશ્ચિયન કથા ‘બિંદુ વગરનું ઉદ્દગાર ચિહ્ન’માં છે. પિતૃસત્તાક પરિબળો, દેશી રૂઢિચુસ્ત માનસિકતા આ વાર્તાઓમાં ભારોભાર છલકાય છે. ભિન્ન સંસ્કૃતિઓના સુમેળની સમસ્યાથી ઉદ્દભવતી પરિસ્થિતિમાં દેશી માતાપિતાનું વર્તન-વલણ કેવું હોય છે, તે પણ આ વાર્તાઓમાં જોવા મળે છે. આફ્રો-કેરેબિયન કે અન્ય મિશ્ર લોહીના વંશની વાતો પણ અહીં છે. ‘સેકન્ડ ચોઈસ પણ નહીં’ વાર્તામાં આફ્રો-કેરેબિયન ગેરી સાથે નાયિકા જૂઈના પ્રથમ પ્રેમ પર પ્રતિબંધ મુકાયો જ હતો . જૂઈના મનને વ્યક્ત કરતાં આ વાક્યો ભારે અસરકારક છે. ‘એ જન્મી, ભણીને મોટી થઈ યુ.કે.માં પણ એશિયન લોકોની ડાર્ક રંગ તરફની નેગેટિવ ફિલીંગ્સને એ પહલાં તો સમજી જ શકી નહોતી. કાળા કૃષ્ણ ભગવાનને પૂજતા સમાજનો દંભ એને અકળાવે છે. જાણતા-અજાણતા આ સમાજે કરેલી ટીકાઓએ એના મનને ઉઝરડી નાંખ્યું છે. પછી એ ઉઝરડામાંથી લોહી ઝરે છે ત્યારે ચામડીને ‘ફેર’ કરવાના ઉપાયો પણ એના નજીકના લોકો સૂચવ્યા જ કરે! આ જ વાર્તામાં જૂઈની મા શ્યામ રંગ પ્રત્યે ’કાળિયા’ તરીકે અણગમો બતાવે છે ત્યારે જૂઈને ખ્યાલ આવે છે કે ધવલ રંગ એટલે કે ‘ધોળિયા’ તો સ્વીકૃત છે! આ સમગ્ર વાર્તા દ્વારા દેશી માનસનો પરિચય કરાવવામાં નીના સર્જક તરીકે સફળ જ થયાં છે. કેટલીક વાર્તામાં સ્ત્રીની અસ્મિતા અને સ્વમાનનો મુદ્દો વણાયેલો જ છે, પરંતુ નિર્ણયશક્તિ ધરાવતી નાયિકાઓની ખુમારી પણ વ્યક્ત થઈ છે. ’અંત કે આરંભ, સુખી થવાનો હક્ક, આંધીગમન, સીક માઈન્ડ, સેકન્ડ ચોઈસ પણ નહીં ‘ જેવી વાર્તાઓમાં એ મુખરિત છે.

લગભગ દરેક વાર્તાનું એક પ્રમુખ વિધાન કે વિધાનો છે જે અહીં લખીશ તો અતિ લંબાણ થાય એટલે બે-ત્રણ ઉદાહરણો જ આપીશ. પહેલી વાર્તાનું હાર્દ તો કંઈક અલગ છે પરંતુ મને અહીં પત્નીનું પતિને ઉદ્દેશીને કહેવું ધ્યાનાકર્ષક લાગ્યું એટલે પ્રસ્તુત: (૧) ‘રોજ કંકાસ કરતી પત્ની માત્ર ત્રણ જ વાક્યો બોલી, ‘ઘોડે ચઢીને તમે લેવા આવ્યા હતા મને.’ મને એ નો’તી ખબર કે વગર પૈસાની નોકરાણી જોઈતી હોય ત્યારે પોતાને ખૂબ અક્કલવાળા કહેવાતા લોકો લગ્ન નામનો ત્રાગડો રચે છે’, ‘અને રોજરોજ ડૂબતા સૂરજને જુઓ છો એના કરતાં તો ઊગતા સૂર્યનારાયણને જ પૂજ્યા હોત તો!’ (૨) સુખી થવાનો હક્ક વાર્તામાં કિશોરી બીરજુ માને કહે છે, ‘યુ હેવ રાઈટ ટુ બી હેપ્પી મમ, તને પણ સુખી થવાનો હક્ક છે.’ (૩) ગોડ બ્લેસ હર!માં વાર્તાની કથનકાર કહે છે, ‘હવે મારાથી ન રહેવાયું, ‘બર્ટ, વિશ્વાસ અને પ્રેમ ઉપર તો દુનિયાના સંબંધો ઊભા છે અને સ્વાભાવિક છે કે એ હચમચી જાય ત્યારે માણસથી ન કરવાનું થઈ જાય - જેમ તેં એના બૉયફ્રેંડને માર્યો.’

નીનાની વાર્તાઓ વાસ્તવિકતાની બુનિયાદ પર છે એટલે એમાં ઘટનાઓનું પ્રાધાન્ય તો છે સાથે પાત્રોનું મનોમંથન છે, એની સાહિત્યિક અભિવ્યક્તિ પણ છે, એટલે જ તો એ જીવાતી જિંદગીઓ વાર્તારૂપે સાકાર થાય છે. ભાષાપ્રયોગ - બોલી માટેનુ એક ધ્યાનાકર્ષક નિરીક્ષણ’ પીળા આંસુની પોટલી’માંથી નોંધનીય બને છે. આ એક મહિનામાં બન્ને જણને ભારતીયતાના કાઈં અવનવા અનુભવો થવા માંડ્યાં. યુનાઇટેડ કિંગ્ડમમાં રહેતાં ગુજરાતી લોકો ગુજરાતી બોલે પરતું બિલકુલ સુરતી ઊંધિયા જેવું! સ્વાહિલી (આફ્રિકાની ભાષા), ગુજરાતી અને અંગ્રેજીનું અદ્ભુત મિશ્રણ’ તેના પર અસર સૌરાષ્ટ્રીયન, સુરતી, અમદાવાદી, વડોદરા, મહેસાણા, ચરોતર, ભરુચ જિલ્લાની આમ વિવિધ બોલીઓનો ‘વઘાર’! આ દેશમાં ઉછેરેલાં યુવકયુવતીઓ અંગ્રેજીમાં બોલે તો અંગ્રેજ જ લાગે પરંતુ જેવું ગુજરાતી બોલે કે એમના માતાપિતા ઉત્તર કે દક્ષિણ ગુજરાતમાંથી આવે તેનો ખ્યાલ આવી જાય. આ વાર્તાસંગ્રહમાં અંગ્રજી મિશ્રિત ગુજરાતી ‘ગુજલિશ’નો ભરપેટ ઉપયોગ થયો છે તેનું કારણ દર્શાવતાં નીના કહે છે કે શરૂઆતમાં હું જે ગુજરાતી લખતી હતી તે સમયે એવી સલાહ મળતી કે લોકો બોલે અને સમજે તે ભાષામાં લખો તો વાંચવું ગમે ત્યારે અનાયાસે જ ગાંધીબાપુની ‘ કોશિયા’ ને સમજાય તે ભાષામાં લખવાનો અનુરોધ યાદ આવી ગયો. હું પુસ્તકપ્રેમી છું એટલે મને જે ગમે તે વિશે લખવું ગમે છે એટલે અહીંયે લખ્યું.

વાર્તા સ્પર્ધામાં નીનાની વાર્તાઓ પુરસ્કૃત પણ થઈ છે અને સાહિત્યિક સામયિકો અને વેબસાઈટ્સ પર પણ પ્રગટ થઈ જે આ પુસ્તકમાં સમાવિષ્ટ છે, તેથી પણ આ પુસ્તક નોંધનીય અને આવકાર્ય બને છે. નીના દ્વારા એનું અનુભવ વિશ્વ આ રીતે પ્રગટતું રહે એવી અભ્યર્થના.

વલસાડ ૧/૧/ ૨૦૧૯

પ્રકાશક: સાહિત્ય સંગમ, બાવાસીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત -૩૯૫ ૦૦૧ ફોન:(૦૨૬૧)૨૫૯૭૮૮૨,/૨૫૯૨૫૬૩: મો: ૯૬૮૭૧ ૪૫૫૫૪. E mail:[email protected] (૧) અન્ય પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત-૩૯૫૦૦૩ ફોન:(૦૨૬૧) ૨૫૯૧૪૪૯ (૨) સાહિત્ય ચિંતન, કચરિયા પોળ, બાલા હનુમાન સામે, અમદાવાદ-(૦૭૯)૨૨૧૭૧૯૨૯ કિંમત: ₹:૧૫૦/૦૦"

Category :- Diaspora / Reviews

વિસંવાદિતાનો વિનોદ

અદમ ટંકારવી
29-09-2017

રમૂજી રમખાણ (હઝલસંગ્રહ) : સૂફી મનુબરી : પ્રકાશક - પોતે : 2009

બ્રિટિશ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અરધી સદીનો ગણાય. 12મી ફેબ્રુઆરી 1977ના રોજ યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપના થઈ. આ ગાળા દરમિયાન યુનાઇટેડ કિંગ્ડમમાં જે આછુંપાતળું ગુજરાતી સાહિત્યસર્જન થયું તેનું મૂલ્યાંકન કરતાં 1993માં સુમન શાહે કહેલું કે, આજે ઇંગ્લૅન્ડમાં ગુજરાતી સાહિત્યને નામે જે લખાય / છપાય છે તેમાં એક સળવળાટથી વિશેષ દમ નથી. આ સાહિત્ય ‘પ્રાથમિક’ કક્ષાનું છે. બ્રિટિશ ગુજરાતી સાહિત્યની કોઈ વિશિષ્ટ, મુખ્ય પ્રવાહના ગુજરાતી સાહિત્યથી અલગ એવી મુદ્રા ઉપસી નથી કેમ કે સુમન શાહ કહે છે તેમ, બ્રિટિશ ગુજરાતી સર્જક પોતાને પ્રાપ્ત અને સુલભ એવા તમામ સંદર્ભોમાં વિસ્તરીને વ્યક્ત થતો નથી.

આ નિરીક્ષણ મહદ્દ અંશે તાટસ્થ્યપૂર્ણ અને યથાર્થ છે. અલબત્ત, સૂફી મનુબરીની હઝલો આમાં અપવાદરૂપ ગણી શકાય. હઝલકાર સૂફી 1963માં દેશાટન કરી ભારતથી ઇંગ્લૅન્ડ આવી વસેલા. સાથે કાચીપાકી ગુજરાતી ભાષા - ભરુચી બોલી - અને હઝલસમ્રાટ બેકાર તથા શેખચલ્લીની હઝલનો વારસો. યુનાઇટેડ કિંગ્ડમમાં એમનું હઝલસર્જન મંદગતિએ પણ અવિરત ચાલતું રહ્યું.

તળ ગુજરાતના સાંસ્કૃિતક સંસ્કારો અને ‘બ્રિટિશ કલચરલ ટૃૅડિશન્સ’ના મુકાબલાથી જે વૈચિત્ર્ય સર્જાય છે તે સૂફીની હઝલો અને મુક્તકોમાં પ્રતિબિંબિત થાય છે, અને તેથી જ મુખ્યપ્રવાહની ગુજરાતી હઝલથી નોખી  ‘ફ્લેવર’ની આ હઝલો આસ્વાદ્ય બને છે.

બ્રિટિશરાજ દરમિયાન ભારતમાં બ્રિટિશ સંસ્કૃિતના પગરણ થયાં ત્યારે આ ભેળસેળ વિશે હઝલકાર બેકારે આ મુક્તક લખેલું :

દૃષ્ટિમર્યાદાને તારી શું કહું ?
પૂર્વપશ્ચિમ એકતા તો થાય છે
દાળમાં બોળીને બિસ્કિટ ખાય છે
એમાં તારા બાપનું શું જાય છે ?

સૂફીએ આ હઝલપ્રણાલીને આગળ ધપાવી અને એમાં વિલાયતી પરિમાણ ઉમેર્યું. આ હઝલોમાં બ્રિટિશ ગુજરાતી સમાજના વ્યંગચિત્ર ઉપરાંત એનું દસ્તાવેજીકરણ પણ મળે છે.

1960-70ના ગાળામાં બ્રિટનની મિલોમાં કામદારોની અછત ઊભી થઈ તે પૂરવા સેંકડો વસાહતીઓ ગુજરાતથી યુનાઇટેડ કિંગ્ડમ આવી વસ્યા, એમાંના એક તે આ હઝલકાર સૂફી. પચીસ વર્ષની યુવા વયે પોટલાંબિસ્તરા સાથે લંડનના હિથરો અૅરપોર્ટે ઊતર્યા ત્યારે ખિસ્સામાં ભારતથી હૂંડિયામણમાં મળેલા અઢી પાઉન્ડ,

ભરયુવાનીમાં જ હું તો યુ.કે.માં આવ્યો હતો
ગોદડી સાથે અઢી પાઉન્ડ પણ લાવ્યો હતો

આ ગુજરાતી વસાહતીઓ લેંકેશાયરનાં કાપડ નગરોમાં વસ્યા અને ‘આઇરની’ એવી કે બ્રિટિશરાજ વખતે જે મિલોના વિલાયતી કાપડનો ગાંધીજીએ બહિષ્કાર કરેલો તે જ મિલોમાં મજૂરી કરતા થયા. પાઉન્ડ રળવા રાતપાળીએ કરે,

વીવીંગ એનું કામ છે ને મિલ એનું ધામ છે
જૉબ પર લાગ્યો છે એ બાંધી કફન પરદેશમાં

ભારતમાં જે દરબાર હતા તે અહીં મિલના સંચા પર દોડાદોડી કરતા કામદાર થઈ ગયા,

એક સાંધે એકવીસ તૂટે છે ડૉફીંગ ફ્રેમ પર
થઈ ગઈ હાલત કફોડી આપણા દરબારની

આ વસાહતીઓમાં થોડા ભારતથી ભણીને આવેલા ગ્રેજ્યુએટ પણ હતા,

અંતે સૂફી થઈ ગયા ડોફર ને વીવર જોઈ લ્યો
થઈ ગયું બી.એ. ને એમ.એ.નું પતન પરદેશમાં

‘વર્ક’ ઉપરાંત ‘વેધર’નો ત્રાસ. હાડ થિજાવી દે એવી ઠંડી અને બરફવર્ષા. ઠૂઠવાઈને હીટર પાસે બેસી રહેવાનું,

જરી હીટરની પાસેથી મને હટવું નથી ગમતું
તમારા સમ જીવન વિન્ટરમાં ઠંડુગાર લાગે છે

ત્રીજું ‘ડબ્લ્યુ’ તે ‘વુમન’. સોનેરી વાળ અને ભૂરી આંખોનું કામણ. માદરેવતન ભુલાવી દે એવું,

બ્રેડ ચાખીને તું સૂકો રોટલો ભૂલી ગયો
ચૂસતો’તો કેરીનો તે ગોટલો ભૂલી ગયો
ઇંગ્લૅન્ડની મૅડમના બોબ્ડહૅર જોઈને સૂફી
તું હવે તો બોલવાનું ચોટલો ભૂલી ગયો

ભાષાની ય મોંકાણ. ગુજરાતી જેમતેમ છૂટે નહીં,

યુ.કે.માં વીસ વરસોથી વસે છે આપણી બીબી
છતાં એને ‘બળી ગ્યું’ બોલવાની એ જ આદત છે

પણ આ ‘બળી ગ્યું’ સાથે ય એણે ‘પ્લીઝ’, ‘થેંક યૂ’ જેટલું અંગ્રેજી તો શીખવું પડે. એની જરૂર ડગલે ને પગલે,

અરધો ડઝન ઘરેથી નીકળતાં જ થઈ ગયું
ઝાંપે જતાં જતાંમાં ડઝન થાય ‘થૅંક યૂ’

વળી પડોશમાં કોઈ અળવીતડો અંગ્રેજ રહેતો હોય તો વડછટ પણ થાય, ત્યારે ઇલાજ બતાવતાં આ હઝલકાર કહે છે,

ઝાઝો ન કર વિચાર, એની મેતે ભાગશે
મરચાંનો કર વઘાર, એની મેતે ભાગશે

હઝલકાર સૂફી કહે છે કે, સાઠ-સિત્તેરના ગાળામાં ગુજરાતથી બ્રિટન આવી વસેલા લોકો વર્ક-વુમન-વૅધરની ‘અફરાતફરી’માં ઘરડા થઈ ગયા - શેખચલ્લીના શબ્દોમાં,

આંખ ચૂંચી થઈ ગઈ ને વાળ પાકા થઈ ગયા
જોતજોતામાં અમે ભાઈથી કાકા થઈ ગયા

અને બ્રિટનમાં આ ‘રિટાયર્ડ એશિયન’ની જે અવદશા થાય છે તેનો ટૃૅજિ-કૉમિક ચિતાર સૂફીની હઝલમાં મળે છે,

મારાં ઘરવાળાં કહે છે : બ્હાર નીકળતો નથી
બ્હાર નીકળું તો કહે છે લોક કે, ઠરતો નથી
ઠપકો આપે છે મને ઘરવાળી સાંભળતો નથી ?
ભલભલાનું આવ્યું ને કેમ તું મરતો નથી ?

અને હવે સમસ્યા છે ગુજરાતના સંસ્કાર લઈ અહીં આવી વસેલી જૂની પેઢી અને બ્રિટનમાં જન્મી ઊછરેલી સૅલ્ફ-સૅન્ટર્ડ - સ્વકેન્દ્રી, ઇન્ડિવિડ્યુઆલિસ્ટિક - વ્યક્તિવાદી, તેજતર્રાર નવી પેઢી વચ્ચેના અંતરની, ઘર્ષણની. બ્રિટનનિવાસનું સરવૈયું કાઢતાં સૂફી કહે છે,

આવીને ઇંગ્લૅન્ડમાં કાંદા કશા કાઢ્યા નથી
દેશી મારું છોકરું અંગ્રેજ જેવું થઈ ગયું

બ્રિટનની મુક્ત જીવનશૈલીની અસર જીવનસંગિની ઝીલે ત્યારે આ હઝલકારને લાગે છે કે, બધું ઊલટસૂલટ થઈ ગયું છે,

દેશ બદલાતાં જુઓ આ વેશ બદલાઈ ગયો
બાયડી થઈ ગઈ ભમરડો ને ભમરડી ભાયડો

બ્રિટિશ ગુજરાતી યુવાપેઢી વડીલોના સૂચનને બ્રહ્મવાક્ય ગણતી નથી. એ તરત પૂછે છે : વ્હાય - કેમ ? વડીલોથી આ સહેવાતું નથી. સૂફી કહે છે,

વાતેવાતે પૂછે : વ્હાય ?
મારું માથું ફાટી જાય
અમથી અમથી એ રિસાય
ઘરમાં કાયમ ધાંધલ થાય

હઝલકાર સૂફી કહે છે કે, પાઉન્ડ મજબૂત છે એટલે બ્રિટનના ગુજરાતીઓ સમૃદ્ધ છે,

સંપત્તિની ચિંતા નથી. ચિંતા છે સંતતિની.

જૂની-નવી પેઢી વચ્ચેની ખાઈ - જનરેશન ગૅપ મોટી થતી જાય છે અને તેમની વચ્ચેનું વૈચારિક ઘર્ષણ વધતું જાય છે. આનો નિર્દેશ કરતાં એક મુક્તકમાં ઘરાળુ ઉપમા પ્રયોજી સૂફી કહે છે,

બાપદીકરો રહે છે યુ.કે.માં
બેઉની વચ્ચે રોજ ફાઈટ છે
બાપ છે લેંઘાના જેવો ઢીલો
દીકરો જીન્સ જેવો ટાઈટ છે

આ સમીક્ષામાં હઝલકાર સૂફી મનુબરીની હઝલોમાં ભાષાકર્મની કે રૂપનિર્મિતિની ચર્ચા કરી નથી. ‘રમૂજી રમખાણ’ પુસ્તક બે કારણે અગત્યનું લાગ્યું છે : એક તો એ દ્વારા સૂફીએ બ્રિટનમાં આપણી હઝલપ્રણાલી ને જીવંત રાખી છે અને બીજું, એમાં વિનોદી, હળવી શૈલીમાં બ્રિટિશ ગુજરાતી સમાજનું કૅરિકચર - વ્યંગચિત્ર પ્રસ્તુત થયું છે.

200 Haliwell Road, BOLTON BL1 3QJ

e.mail : [email protected]

Category :- Diaspora / Reviews