FEATURES

ભાગ 3. ઑસ્ટ્રેલિયામાં ઘોળાયો ગુજરાતી રંગ ..

એકીસાથે ત્રણ-ત્રણ મહાસાગરને ખોળે ઉછરતો ઑસ્ટ્રૅલિયા દેશ. એના ખોળે ઉછરતી આદિમવાસીઓની અઢીસો જેટલી જાતિઓ. અને લગભગ અઢીસો વર્ષ પહેલાં જ એ આદિમવાસીઓની ભૂમિ પર અચાનક આવી ચડતા અણધાર્યા આગંતુકો. કેવી રીતે એ અણગમતા મહેમાનોએ આદિમવાસીઓની એ ભૂમિને ‘Terra Nullius’ જાહેર કરી, સામ, દામ, દંડ, ભેદથી એમને જ સગેવગે કરી ત્યાં પોતાનો ઝંડો ફરકાવી ને અંગ્રેજી શાસનના પાયા નાંખ્યા એ આપણે જોયું આ લેખમાળાની પહેલી કડીમાં. બીજી કડીમાં આપણે જોયો શ્વેતરંગી ઑસ્ટ્રેલિયાનો ઊગી રહેલો સુવર્ણકાળ. ‘જહાઁ ડાલ-ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા’ જેવું ચમકી રહેલા ઑસ્ટ્રેલિયા દેશને પોતાનો કરવા ચીન ને બીજા અનેક દેશોમાંથી એ સમયે ત્યાં ઊમટી પડેલાં અનેક લોકો, જેના લીધે ડોલવા માંડેલું અંગ્રેજી રામરાજ્ય. ને એ અંગ્રેજી રામરાજ્યને શ્વેતરંગી રાખવા માટેના એમના મારણિયા (મરણિયા નહીં જ) ને સફળ પ્રયાસો. હા, લેખમાળાની એ બીજી કડીમાં જ આપણે સાક્ષી બન્યાં White Australia Policyનાં; એમાં જ આપણે એને બનતી ય જોઈ અને જોઈ વિખેરાતી ય. અને એમાં જ ઉપસતું જોયું આજનું વિવિધરંગી, બહુસાંસ્કૃતિક ઑસ્ટ્રૅલિયા. તો ક્યારે ભળ્યા એમાં ભારતીય રંગો ને ક્યારે ઘોળાયો એમાં ગુજરાતી રંગ !? જાણશું લેખમાળાની આ ત્રીજી ને અંતિમ કડીમાં. પણ એ માટે શરૂઆત કરીએ રંગોળીની મૂળ ભાતમાં પડતાં ભારતીય રંગ છાંટણાંથી.

એક રસપ્રદ અભ્યાસ મુજબ, મૂળ ઑસ્ટ્રેલિયન એટલે કે આદિમવાસીઓનાં DNA તપાસતાં એવું જાણવા મળ્યું હતું કે ભારતીયો સાથેનો એમનો નાતો અંદાજે ચાર હજાર વર્ષ જૂનો છે. એક માન્યતા પ્રમાણે કોઈ ભારતીયો ઇન્ડોનેશિયન લોકોના સંપર્કમાં આવ્યા હોય, એ ઈન્ડોનેશિયન લોકો આગળ જતાં ઑસ્ટ્રેલિયાના આદિમવાસીઓ સાથે જોડાયા હોય અને એમ ઑસ્ટ્રેલિયન લોકોમાં ભારતીય જીન્સ ભળ્યાં હોય, અથવા તો કોઈ ભારતીયોએ જ દુનિયાના એ દક્ષિણ ભાગમાં સ્થળાંતર કર્યું હોય અને ઑસ્ટ્રેલિયાનાં એ સ્થાનિક લોકો સાથેના સંબંધનું આ પરિણામ હોય. જે હોય તે, પણ ભારતીયોનાં બીજ તો અહીં સદીઓ પૂર્વે રોપાયેલાં છે એમાં ના નહિ. આ તો વાત થઈ સહસ્ત્રાબ્દિ પહેલાંની, પણ આપણને અત્યારે રસ છે એ જાણવામાં કે સવા બે સદી પહેલાં, અંગ્રેજોએ અહીં કૉલોની સ્થાપ્યા પછી, પહેલા ભારતીયોએ આ ભૂમિ પર ક્યારે પગ મૂક્યો !

આગળના લેખમાં આપણે જોઈ ગયાં એમ, ઓગણીસમી સદીના પ્રારંભે અંગ્રેજો ઑસ્ટ્રેલિયાને વસાવી ને વિકસાવી રહ્યા હતા. એ સમય એવો હતો જ્યારે વિશ્વના ઘણા બધા દેશોમાં અંગ્રેજો શાસન સ્થાપવાની પેરવીમાં હતા. આપણને ખ્યાલ છે એમ ભારતમાં ઈ.સ. 1758થી ઈસ્ટ ઈન્ડિયા કંપની સ્વરૂપે એમનાં શાસનનો નક્કર પ્રવેશ થઈ ગયો હતો. એટલે મળી આવતી કેટલીક માહિતી પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ઘરકામમાં મદદરૂપ થાય એવા પહેલા ભારતીય શ્રમિકો કલકત્તા બંદરેથી ઈ.સ. 1816ના ગાળામાં આ દેશમાં આવ્યા. પણ આ તરફનું ભારતીયોનું નોંધપાત્ર દેશાંતર જોઈ શકાય છે ઈ.સ.1830 પછીના સમયમાં. એ વખતે ઇંગ્લેન્ડથી ઑસ્ટ્રૅલિયા આવતા કેદીઓની સંખ્યા ઘટવા માંડી હતી, એટલે બાંધેલા કારીગરો તરીકે ભારતથી કેટલાક લોકોને આ તરફ લાવવામાં આવ્યા. મુખ્ય જરૂરિયાત શારીરિક મહેનતનાં કામ માટે હતી, એટલે આવનાર લોકોમાં સૌથી વધુ હતા શીખ લોકો, અને બાકી અફઘાન બાજુના મુસ્લિમ પણ ખરા. તેમને ઊંટો સંભાળવાનું કામ મળતું અને શીખ લોકોને મોટે ભાગે ઢોર ઉછેરના નેસડાઓ - sheep stations - પર કે ખેતરોમાં મજૂરી કામે રાખવામાં આવતા. પંજાબથી આવેલા એ મુઠ્ઠીભર શીખ લોકો પહેલાં કવીન્સલૅન્ડ રાજ્યનાં શેરડીનાં ખેતરો પર કામ કરતા હતા. કેટલાંક વર્ષોમાં પહેલું વિશ્વ યુદ્ધ થયું, એ સમયે આ શીખ લોકો ઑસ્ટ્રૅલિયા તરફથી લડ્યા. એમની આ સેવાઓને બિરદાવવા ઑસ્ટ્રેલિયાએ એક ઐતિહાસિક પગલું ભર્યું. દેશને માટે જાનનું જોખમ ખેડનાર આ શીખ લોકોને સરકારે ત્રણ હક્કો આપ્યા; મતદાન કરવાનો, પૅન્શન મેળવવાનો અને બાકીનાં કુટુંબીઓને બીજા દેશમાંથી અહીં લાવવાનો. રંગ, જાતિ અને વંશીય ભેદભાવ ટોચ પર હતો એવા સમયમાં ઑસ્ટ્રેલિયામાં આવા હક્કો મેળવનાર આ પંજાબી ભારતીયો પહેલા બિનઅંગ્રેજી લોકો હતા. પછી તો બીજું વિશ્વ યુદ્ધ થયું. એને લીધે ન્યુ સાઉથ વૅલ્સ રાજ્યમાં ઉત્તર તરફ આવેલાં વૂલગૂલગા(Woolgoolga)નાં કેળાંનાં ખેતરો ખાલી પડ્યાં. કેળની ખેતી અતિ શ્રમ માગી લે એવી હતી, એટલે શીખોને ત્યાં મોકલવામાં આવ્યા. એવામાં ભારત સ્વતંત્ર થયું, એના ભાગલા પડ્યા. ભારતની એ અસલામત પરિસ્થિતિથી બચવા એ શીખ લોકો ત્યાંથી પોતાનાં કુટુંબીઓને ઑસ્ટ્રેલિયા લઈ આવ્યા. એના થોડા સમયમાં વૂલગૂલગામાં કેળની ખેતી પૂરી થઈ, પણ પંજાબથી આવેલાં એ મહેનતુ લોકોએ ત્યાં ફરી ખૂબ શ્રમ માગી લે એવી બ્લૂ બૅરિનું વાવેતર કર્યું. જેમ કોઈપણ કામમાં રોપેલી મહેનત ક્યારે ય નિષ્ફળ જતી નથી, એમ અહીં પણ ખંતથી કરેલી એમની બ્લૂ બેરિની ખેતી તો વિસ્તરી જ સાથે-સાથે વિસ્તરી તેમની સમૃદ્ધિ ને શાખ. અને ખેત મજૂર તરીકે આવેલા એ લોકો જોતજોતાંમાં ખેત માલિકો અને મકાન માલિકો બની ગયા. ઈ.સ.1968માં તો ત્યાં ઑસ્ટ્રેલિયાનું પહેલું શીખ મંદિર - ગુરુદ્વારા બની ગયું.

ઑસ્ટ્રેલિયાના પહેલા શીખ ગુરુદ્વારાના અનાવરણની તક્તી

(Source : https://www.sikhiwiki.org/index.php/File:The_First_Sikh_Temple_of_Australia_plaque.jpg)

આજે સ્થિતિ એવી છે કે તમે જો એ વૂલગૂલગા ગામે પહોંચો તો તમને ઑસ્ટ્રૅલિયાને બદલે પંજાબ પહોંચી ગયાં હો એવું લાગે ! ખરેખર. ગામમાં છે મોટ્ટા સોનેરી ઘુમ્મટવાળું ગુરુદ્વારા અને બોલ્યે-ચાલ્યે ને પહેરે-ઓઢ્યે નખશીખ એવા પંજાબીઓની ત્યાં રહેતી લગભગ ચોથી પેઢીઓ. બસ, તો આમ થયાં હતાં ઑસ્ટ્રેલિયાનાં વૂલગૂલગામાં શિક્ષિત અને સમૃદ્ધ ભારતીય ઇતિહાસ રચાવાનાં મંડાણ. આ ઉપરાંત એવું જાણવા મળે છે કે એ ઓગણીસમી સદીની મધ્યમાં, ઈ.સ.1850ની આસપાસ શ્રી પમ્મુલ નામનો એક હિન્દુ સિંધી વેપારી વિક્ટોરિયા રાજ્યનાં મેલબર્ન શહેરમાં આવ્યો હતો, જ્યાં એણે ઑસ્ટ્રેલિયાની ખાણોમાંથી મળી આવતા કિંમતી પથ્થર ‘ઓપલ’નો ધંધો શરૂ કર્યો હતો, જે એની પેઢીઓ સુધી ફળ્યો હતો. 

આ તો વાત થઈ ઑસ્ટ્રેલિયામાં બ્રિટિશ કૉલોની સ્થપાયા પછી સૌથી પહેલા, ઓગણીસમી સદીમાં અહીં આવેલા ભારતીયોની. પણ લગભગ એ જ સદીના અંતમાં ઑસ્ટ્રેલિયામાં ‘વ્હાઈટ ઑન્લી પૉલિસી’ આવતાં અશ્વેતો માટે આ દેશના દરવાજા બંધ થયા હતા, જે વીસમી સદીના મધ્ય પછી, અનેક દેશોના આંતરવિગ્રહો અને ખાસ કરીને બીજાં વિશ્વ યુદ્ધ પછી થોડા ખુલવા શરૂ થયા. આગળના લેખમાં આપણે જેનો સંદર્ભ જાણ્યો એ કોલંબો પ્લાન અંતર્ગત શ્રીલંકાની સાથે ભારતથી પણ કેટલાક લોકો આવ્યા. પછી તો આપણે જાણીએ છીએ એમ ઑસ્ટ્રેલિયામાં જે કૌશલ્યોની અછત હતી, એ આવડત ધરાવતા લોકોને આ દેશમાં લાવવા માટે અહીંની સરકારે અન્ય દેશોમાં જાહેરાત આપવા માંડી હતી. એનાં પરિણામ સ્વરૂપ અહીં આવ્યા ભારતીય ડૉક્ટર્સ, એન્જિનિયર્સ અને શિક્ષકો. ઑસ્ટ્રેલિયામાં ભારતીયોનાં દેશાંતર ઉપરના આ લેખ માટેની શોધખોળ કરવામાં મને એક પુસ્તક ખાસ કામ લાગ્યું અને બહુ સ્વાભાવિક રીતે અનેક લોકો, જેમનો ઉલ્લેખ હું છેલ્લે અચૂક કરવાની, એમાંનાં કેટલાંક સાથે વાત કરતાં મને મળેલી માહિતી આપણને સીધી લઈ જાય છે વીસમી સદીના ઉત્તરાર્ધમાં. એ સમયે અહીંનાં વિક્ટોરિયા રાજ્યમાં સૌથી પહેલા આવેલા ભારતીયોમાં હતા બંગાળ અને દક્ષિણ ભારતના ડૉક્ટર્સ, મહારાષ્ટ્રના કેમિકલ એન્જિનિયર્સ અને ઉદ્યોગપતિઓ. પણ પહેલવહેલા ગુજરાતીઓનું પગેરું શોધતાં હું સીધી જઈ પહોંચું છું ઈ.સ.1959માં અહીં આવી પહોંચેલા ઋષિ શેઠ, ઋષિકેશ અમૃતલાલ શેઠ સુધી. છૂટ્ટા છવાયા ગુજરાતીઓ આ પહેલાં અહીં આવ્યા હોઈ શકે, પણ લગભગ આ સમયથી ગુજરાતીઓના નોંધી શકાય એવા એકધારા પ્રવાહની શરૂઆત થઈ હોય એવું લાગે છે, એટલે આપણા માટે અહીંથી વહી છે ગુજરાતીતાની ગંગોત્રી.

આવાં કોઈનાં પણ દેશાંતર પાછળ કેટલાંક ‘Push and pull factors’; વ્યક્તિને પોતાના દેશની બહાર ધકેલતાં અને નવા દેશ તરફ આકર્ષતાં પરિબળો જોવા મળે છે, એની ચર્ચા આપણે આ લેખમાળાની બીજી કડીમાં વિગતે કરી ગયાં છીએ. સ્વાભાવિક રીતે, એવાં જ પરિબળો ઑસ્ટ્રેલિયા આવી વસનાર ગુજરાતીઓ માટે પણ કારણભૂત રહ્યાં છે. ભારત કે લંડનથી આવેલા ગુજરાતીઓને ઑસ્ટ્રેલિયાએ ઘણુંખરું એના તરફ ખેંચ્યા હતા, જ્યારે યુગાન્ડા, આફ્રિકાના ગુજરાતીઓને એ દેશની પરિસ્થિતિએ ત્યાંથી બહાર જવા મજબૂર કર્યા હતા. જાણીએ અહીં આવેલા ગુજરાતીઓનાં આવાં સારાં-નરસાં કારણો, અને ડોકિયું કરીએ એ સમયનાં ઑસ્ટ્રેલિયામાં. 

ચાલો, માંડીએ વાત ઋષિ શેઠની. એમના વિષે નોંધવા જેવી વાત એ છે કે ભારતથી તેઓ એક સામાન્ય માઈગ્રન્ટ તરીકે નહિ, પણ એક કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકે પહેલાં સિડની અને પછી મેલબર્ન પહોંચ્યા હતા. આ કારણે એમની આર્થિક અને માનસિક પરિસ્થિતિ બીજા કોઈપણ માઈગ્રન્ટ કરતાં જુદી અને સ્વાભાવિક રીતે ઘણી સારી રહી. એ સમયના એમના અનુભવો પરથી ત્યારનાં ઑસ્ટ્રેલિયાનું એક જીવંત ચિત્ર આપણી સામે ખડું થાય છે. અત્યારે ઑસ્ટ્રેલિયામાં જ્યારે અમે કોઈપણ નળ ખોલીને બિન્દાસ્ત પાણી પી લઈએ છીએ, ત્યારે છએક દસક પહેલાંના ઑસ્ટ્રેલિયા વિષે ઋષિ શેઠ પાસે જાણવા મળે છે નવાઈ પમાડે એવી કેટલીક વાતો; “ઘણાં પરાંઓ ત્યારે ગટરવ્યવસ્થા વિનાનાં હતાં. દુકાનો અને સુપર માર્કેટ્સ ખુલ્લી રહેવાનો સમય સોમથી શુક્રવાર સવારના નવથી સાડા પાંચ અને શનિવારે બપોરે એક સુધીનો હતો, રવિવારે તો બધું જ સદંતર બંધ.” તેઓ આગળ નોંધે છે કે “રસ્તા પર પસાર થતા ઘણા સ્થાનિકો બીજાં વિશ્વયુદ્ધની અસરરૂપે શારીરિક ખોડવાળા દેખાતા. બાકી, આપણી સાથેનાં એમનાં વર્તનમાં ભેદભાવની તો કોઈ વાત જ નહિ, ખૂબ મૈત્રીપૂર્ણ લોકો.” પાડોશીનો એમને થયેલો આ અનુભવ વાંચીને આપણને અત્યારે ય એમની હૂંફ પહોંચ્યા વિના ન રહે; “નવો નવો રહેવા આવેલો હું એ વિસ્તારમાં. એક રવિવારે સવારે કંપનીની ગાડી ધોઈ રહ્યો હતો, ત્યારે પાડોશી ફ્રેડ સામે ચાલીને ઓળખાણ કરવા આવ્યો. વાતવાતમાં એને ખબર પડી કે બીજે દિવસે સવારે મારી પત્ની ને નાનો દીકરો ભારતથી આવી રહ્યાં છે. હું એમને ઍરપોર્ટથી લઈને ઘેર પહોંચ્યો, અને જેવું ફ્રીઝ ખોલ્યું તો એમાં દૂધ, બ્રેડ-બટર, ફળો ને શાકભાજી ભરેલાં હતાં અને બહાર હતી એક ચિઠ્ઠી કે ‘આટલી લાંબી મુસાફરી પછી એક નવા દેશમાં આવેલાં તારી પત્ની અને દીકરાને આ વસ્તુઓની જરૂર પડશે. સાથે બિલ રાખ્યું છે, નિરાંતે સગવડ થયે ચૂકવવું.’” વિચાર તો કરો, એક પારકા પ્રદેશના ને ગઈકાલ સુધી બિલકુલ અજાણ્યા એવા ફ્રેડે કેવી તો કાળજી લીધી એમની! આ હતી ઑસ્ટ્રેલિયા પહોંચેલા પહેલ-વહેલા ગુજરાતીની લાગણી. એકાદ-બે ગુજરાતીઓને બાદ કરતાં મારી જાણમાંના મોટા ભાગનાનો મત મને આવો જ જોવા મળ્યો. પહેલાં ઔપચારિક ભારતીય સંગઠન વિષે ઋષિ શેઠ કહે છે કે, કોલંબો પ્લાનમાં આવેલા વિદ્યાર્થીઓનું Indian students’ association બન્યું, જેના ભાગરૂપે દિવાળી કે અન્ય મેળાવડા ઉજવાતા થયા. ધીમે-ધીમે ભેગા થયેલા કેટલાક ગુજરાતી પરિવારોએ 70મા દસકની શરૂઆતમાં પહેલી નવરાત્રિ ઋષિ શેઠનાં આંગણામાં મનાવી. એમની દીકરી ઓસ્ટ્રેલિયામાં જન્મેલું એવું પહેલું ગુજરાતી બાળક જેનાં માતાપિતા બંને ગુજરાતી હોય. એ દીકરીનાં લગ્નનું જમણ પણ ઘરની અને અન્ય ગુજરાતી સ્ત્રીઓ દ્વારા ઘરનાં આંગણામાં જ બનાવાયું. આપણે જાણીએ છીએ કે એ સમયગાળામાં વિશ્વના લગભગ દરેક દેશની સ્થિતિ આવી જ હતી, ઘરમેળે જ ઉજવાતા સારા-માઠા પ્રસંગો, પણ આપણે જ્યારે ઑસ્ટ્રેલિયામાં ગોઠવાઈ રહેલા ગુજરાતીઓની વાત માંડી છે, ત્યારે એમનાં અહીંનાં જીવનના આ પડાવો આપણા માટે માત્ર મહત્ત્વના જ નહિ રસપ્રદ પણ રહેશે.

આરંભના દિવસો વેળા ઘર આંગણે થતા નવરાત્રી શા ઉત્સવોની એક ઝાંખી

(Source : Early Gujarati Migration to Australia 2015, Page 59)

અહીંથી આપણો કાફલો આગળ વધે છે ને સીધો અટકે છે એક દસક પછી, ઈ.સ.1968માં અહીં પહોંચેલા ડૉ. ભાસ્કર દેસાઈ અને ડો. વિઠ્ઠલ પટેલ પાસે જઈને. આપણી પાસે વધુ વિગત છે ડો. વિઠ્ઠલ પટેલ વિષે, તો એમનો પરિચય મેળવીએ. ભારતથી ડૉક્ટર થઇ, પરણી, યેમનથી નાઈરોબી ગોઠવાયા વિઠ્ઠલ પટેલ, પણ એ સમયની ત્યાંની સામાજિક ને રાજકીય સ્થિતિને લીધે એમણે ઑસ્ટ્રેલિયા સ્થાયી થવાનો વિચાર કર્યો. ઈ.સ.1963માં ‘વ્હાઈટ ઑસ્ટ્રેલિયા પોલિસી’ને લીધે એમની અરજી નામંજૂર થઈ. કૅનેડાની મંજૂરી મળી, પણ એમને ઑસ્ટ્રેલિયાની જ ઈચ્છા હોતાં એમણે રાહ જોઈ. ને અંતે1968માં ઑસ્ટ્રેલિયામાં ડૉક્ટર્સની જરૂરિયાત ઊભી થતાં એમને ધાર્યું પરિણામ મળ્યું, ને એ લોકો પહેલાં ઑસ્ટ્રેલિયાનાં ન્યુ સાઉથ વૅલ્સ રાજ્યનાં એક નાનાં ગામ ગૉલબર્ન ને ત્યાંથી ચાર મહિના પછી સિડની પહોંચ્યા. આજે એ ઘટનાને વર્ષો વીતી ગયાં છે, પણ એક ગુજરાતી તરીકે ગૌરવની વાત એ છે કે એમના દીકરાઓ હવે સિડનીના ખ્યાતનામ ડૉક્ટર્સ છે.

એ જ અરસામાં અહીં આવી વસનારા ડૉક્ટર્સની યાદીમાં હવે ઉમેરાય છે ડૉ. શશાંક યશશ્ચંદ્ર મહેતા. તમને આ નામમાં કૈંક જાણીતું લાગે તો તમે સાવ સાચાં છો. ગુજરાતી સાહિત્યમાં ખૂબ બળુકું અને આગવું પ્રદાન કરનાર આપણા સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રના એ મોટા ભાઈ. શશાંકભાઈ મૂળે મુસાફર પ્રકૃતિ એટલે ભારતથી આફ્રિકા અને ઇંગ્લેન્ડ થઈને અંતે બાળકોનાં વિકસિત અને સુરક્ષિત ભવિષ્ય માટે એમણે ઑસ્ટ્રેલિયા પર પસંદગી ઉતારી. 1969ની સાલમાં પહેલાં અહીંનાં વિક્ટોરિયા રાજ્યમાં જીલોન્ગ અને મેલબર્નમાં પાંચેક વર્ષ રહીને 1974થી સિડનીને એમણે પોતાનું ઘર બનાવ્યું. અહીં પોતાનાં કામ અને અન્ય પ્રવૃત્તિઓ સાથે અજાણતાં જ તેઓ ગુજરાતી ભાષા સાથે સંકળાઈ ગયા, અને ત્રીસ વર્ષો સુધી ગુજરાતીને ગુજરાતીઓ સાથે જોડતી મજબૂત સાંકળ બની રહ્યા. બન્યું એવું કે, 1975માં અહીંના ભારતીય સમાજને ધ્યાનમાં રાખીને એથ્નિક કાઉન્સિલ રેડિયો  2EA માં હિન્દી, પંજાબી, બંગાળી, ઉર્દૂ અને તમિળ સાથે ગુજરાતી ભાષાનો રેડિયો શરૂ કરવાની તૈયારી બતાવી. પણ પ્રશ્ન એ ઊભો થયો કે પોતાનો સમય, શક્તિ અને પૈસા ખર્ચીને આમાં જોડાય કોણ? ભારતમાં રેડિયો કાર્યક્રમ આપવાનો શશાંક દંપતીને, વિનીતાબહેનને વધુ અને શશાંકભાઈને થોડો અનુભવ ખરો, એટલે શશાંકભાઈના શબ્દોમાં કહીએ તો ‘અંધામાં કાણો રાજા’ના ન્યાયે ગુજરાતી ભાષા માટેનો કળશ એમના પર ઢોળાયો. ત્યારથી શશાંકભાઈએ ગુજરાતીનો અને વિનીતાબહેને હિંદીનો હાથ ઝાલ્યો. 1978થી આ કમ્યૂનિટિ રેડિયો 2EA ઑસ્ટ્રેલિયાનો પબ્લિક રેડિયો SBS (Special Broadcasting Services) બન્યો. શશાંકભાઈએ એમનાં જીવનનાં ત્રીસ વર્ષો સુધી, 1975થી 2004 સુધી, ઑસ્ટ્રેલિયાની ઓળખ એવા SBS રેડિયોની ગુજરાતી ભાષાને જતનપૂર્વક ઉછેરી અને પછી આગલી પેઢીના હાથમાં સોંપી. આજે પણ હું જ્યારે SBS જાઉં છું, ત્યારે એમના પ્રસારણ છોડ્યાના દોઢ દાયકા પછી, ભલે, ગુજરાતી ન જાણતા, પણ એમની સાથે કામ કર્યું હોય એવા કેટલાક સ્ટુડિયો ઓપરેટર્સ ‘શશ’ મહેતાના ભારતીય શાસ્ત્રીય સંગીત માટેના પ્રેમને અને પસંદગીને ખૂબ ભાવથી સંભારે છે.

2EA રેડિયો : ભારતીય ભાષાઓને સાંકળતી જાહેરાત

(Source : Early Gujarati Migration to Australia 2015, Page 42)

1969ની જ સાલમાં ઑસ્ટ્રેલિયા આવ્યા ડૉ. જીતેન્દ્ર વોહરા. અહીં ગુજરાતીઓનું ગૌરવ બની રહેનાર ડૉ. વોહરા ભારતમાં MBBS અને MD કરી, ઇંગ્લેન્ડમાં કાર્ડિયોલોજીનું ભણવાનું પૂરું કરી રહ્યા હતા ત્યારે જ મેલબર્નની રૉયલ હૉસ્પિટલના ડિરેક્ટરે એમને પોતાને ત્યાં નોકરી માટેની ઑફર આપી. ડૉ. વોહરાએ એ સ્વીકારી લીધી. અહીં આવીને તેઓ હૃદયરોગનાં ક્ષેત્રે સતત અવનવી શોધ કરતા રહ્યા અને તબીબી ક્ષેત્રને એમનાં જ્ઞાન અને અનુભવથી સમૃદ્ધ કરતા રહ્યા. વર્ષ 2013ના ઑસ્ટ્રેલિયા દિવસે, 26મી જાન્યુઆરીએ અહીંનાં તબીબી ક્ષેત્રમાં, ખાસ કરીને હૃદયરોગનાં ક્ષેત્રમાં એમનાં એ અમૂલ્ય પ્રદાન બદલ એમને AM- Member of Order of Australia સન્માનથી નવાજવામાં આવ્યા. ઑસ્ટ્રેલિયાની સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતું આ સન્માન ભારતનાં ‘પદ્મશ્રી’ની જેમ આ દેશનાં કોઈ એક ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. ભારતથી દૂરના દેશમાં થયેલું એમનું આ સન્માન ગુજરાતની ગરિમા વધારનારું બની રહ્યું છે.

લગભગ એ જ સમયમાં બહેતર ભવિષ્ય માટે ભારતથી મેલબર્ન આવ્યાં ડૉક્ટર દંપતી કિરીટ અને રેખા પરીખ. પહેલા દિવસથી જ કામ પર લાગી ગયાં હતાં કિરીટભાઈ અને અત્યાર સુધી કાર્યરત છે. આ દેશનો અને લોકોનો ઉદારતાભર્યો અનુભવ યાદ કરતાં હજી તેઓ કહે છે કે, તમારા પાસે જો યોગ્ય લાયકાત હશે તો આ દેશમાં પ્રગતિ કરતાં તમને કોઈ નહિ રોકે. જ્ઞાનનું આ દેશમાં ખૂબ માન છે. અને આજ સુધી કોઈનું પણ ભેદભાવભર્યું વર્તન એમની સ્મૃતિમાં નથી. શરૂઆતમાં એ બંને એક વાર ભારત પાછાં ફરી ગયાં હતાં, પણ ત્યાંનું વ્યવસ્થાતંત્ર ન રુચતાં ફરી આ દેશમાં આવ્યાં અને રહી ગયાં. આજે એ નિર્ણય માટે ખૂબ આનંદ અને સંતોષ છલકે છે એમની વાતોમાં.

આ જ દશકના અંત તરફ અહીં આવી પહોંચે છે હર્ષદ દેસાઈ. પરિસ્થિતિ કૈંક એવી થઈ કે તેઓ ગયા હતા ઇંગ્લેન્ડનો વિઝા લંબાવવા ને ઓસ્ટ્રેલિયા માટે અરજી કરી આવ્યા. ચાર જ અઠવાડિયાંમાં પ્રોવિઝનલ PR મળી ગયો: સાથે હતી બે શરતો - દેશમાં દાખલ થતી વખતે 100 $નો ડ્રાફ્ટ, અને Good Neighbour Council અથવા Catholic Churchમાંથી એકમાં રહેવાની બાંયધરી. હર્ષદભાઈએ ભારતમાં કરેલાં સામાજિક કાર્યોને લીધે એ વ્યવસ્થા થઈ ગઈ. પહેલાં ઑસ્ટ્રેલિયા તેઓ એકલા પહોંચ્યા, પછી કુટુંબને ભારતથી ઑસ્ટ્રેલિયા પહોંચવાના ખર્ચ માટે વગર વ્યાજની લૉન માટે ચર્ચના એક પાદરીએ તેમને ખૂબ મદદ કરી. પતિ-પત્ની બંનેની નોકરીને લીધે બાળકોને શાળા પછીનો થોડો સમય પાડોશીને ત્યાં રાખવાનું બનતું. આમ, દેસાઈ પરિવારને સ્થાનિક લોકોનો ખૂબ સારો સાથ મળ્યો. બાળકો મનીષ અને સ્વાતિ માટે શરૂઆતમાં નવા દેશમાં, નવી ભાષામાં ગોઠવાવું મુશ્કેલીભર્યું હતું. દીકરી સ્વાતિ હાઈસ્કૂલ સુધી વર્ગમાં એક માત્ર ભારતીય, જો કે આગળ જતાં ગ્રીસ, જર્મની, ઇટલિ, લેબેનન જેવા દેશના મિત્રો એને મળ્યા હતા. એ અને મનીષ કહે છે કે ઑસ્ટ્રૅલિયાએ એમનાં મનમાં વિશ્વની જુદી-જુદી સંસ્કૃતિઓ માટેની સમજ અને માન કેળવ્યાં. હર્ષદભાઈએ અહીં આવતાંવેંત બીજું એ નોંધ્યું કે ઇંગ્લેન્ડ ને અમેરિકાની સરખામણીમાં આ દેશમાં ગુજરાતીઓ નહિવત્ હતા. એને લીધે ઘરની જરૂરિયાત માટે ભારતીય કરિયાણું ક્યાં ય નજીક નહોતું મળતું. એના માટે છેક દૂરનાં Bondi પરામાં એક માત્ર દુકાન હતી ભારતીય યહૂદીની - Ezy Moses, જેમાં પણ ઘઉંનો લોટ તો ન જ મળતો. પણ એ દુકાનમાંથી ખરીદીને બહાને આસપાસના વિસ્તારના ગુજરાતીઓને મળવાનું બનતું. પછી તો ભેગાં થવા ગુજરાતીઓએ પ્રવાસોનું આયોજન કરવા માંડ્યું અને શરૂઆત થઈ તહેવારો ઉજવવાની. પહેલી નવરાત્રિનું આયોજન ઘર આંગણે થયું હતું એ તો આપણે જાણીએ છીએ, પછી આ અરસામાં અહીં ગુજરાતી કુટુંબો વધતાં આવી ઉજવણી કમ્યૂનિટિ હૉલમાં શરૂ થઈ. ટૂંક સમયમાં જ ઔપચારિક સંગઠનની જરૂર ઊભી થતાં પહેલી વિધિવત Indian-Australian Cultural Societyની રચના થઈ, જેમાં આગળ જતાં ગુજરાતી સમાજ અને વૈષ્ણવ સંઘ ઉમેરાયા. મેં આગળ વાત કરી એમ હર્ષદભાઈ પહેલેથી એક સામાજિક કાર્યકરનો જીવ, એટલે અહીં આવીને પણ ગુજરાતી સમાજ અને ભાષાને ઉછેરવામાં એમણે ખૂબ ભાગ ભજવ્યો. અરે, ગુજરાતી ભાષાને અહીંના રેડિયોમાં સ્થાન અપાવવામાં તો એમનો મુખ્ય ફાળો. એમનાં સૂચન અને પ્રયત્નોથી વર્ષ !973થી 75માં દિવાળી-હોળી અહીં પહેલવહેલાં ખુલ્લામાં ઉજવાયાં. હિન્દી ફિલ્મો અહીં લોકોને ખૂબ યાદ આવતી, અને ઋષિ શેઠ ને ડૉ. નવીન ખંધારને ફિલ્મ ઉદ્યોગનો થોડો અનુભવ ખરો, એટલે હર્ષદભાઈએ એમની સાથે મળીને અહીં SKD Film Distributors નામે એક કંપની શરૂ કરી, જેમાં પહેલી ફિલ્મ બતાવી ‘કટી પતંગ’. પોતાના દેશથી કપાયાં હોવાની લાગણીને એમણે આ રીતે સમાજ સાથે વહેંચી.

SKD Film Distributorsનું પ્રચારસાહિત્ય

(Source : Early Gujarati Migration to Australia 2015, Page 44)

ઈ.સ. 1991માં પ્રતાપભાઈ અમીન જેવા બીજા કેટલાક લોકો સાથે મળીને આ બધાંએ ગુજરાતી સમાજની સ્થાપના વિધિસર કરી. પછી તો એમાં વડા પ્રધાન પદેથી મોરારજી દેસાઈ અને મુખ્યમંત્રી પદેથી નરેન્દ્ર મોદી જેવા રાજનેતાઓ અને લતાજી જેવાં કલાકારો સાથે અહીંના ગુજરાતીઓની મુલાકાત પણ ગોઠવી.

 

નરેન્દ્ર મોદીની સિડનીની મુલાકાત, 2005

(Source : Early Gujarati Migration to Australia 2015, Page 93)

1971નાં વર્ષમાં મુંબઈમાં સાથે ભણેલા મિત્રોની પાછળ ઑસ્ટ્રેલિયા આવી પહોંચ્યા ડો. કીર્તિ જસાણી. અહીં આવીને એક અસ્સલ ગુજરાતીની જેમ નોકરી સાથે ડૉક્ટરીના પ્રાઈવેટ ધંધામાં અન્ય સાથે ભાગીદારી કરી અને ખૂબ સફળ કારકિર્દી બનાવી. એ જ વર્ષમાં ઘણા ડૉક્ટર્સ અહીં સ્થાયી થવા આવ્યા, જેમાનાં ડો.સુરેખા દેસાઈએ બે ડૉક્ટર્સ લાંબી રજામાં હોવાને લીધે સિડની આવવાનું બન્યું. બધું જ પહેલેથી નિશ્ચિત હોવાને લીધે અહીં ગોઠવવામાં એમને કોઈ મુશ્કેલી ન પડી. લગભગ એ જ અરસામાં અહીં આવ્યા ડો. સુરેશ ખત્રી. 1968માં એમને લાગ્યું કે ભારત પોતાની સમાજવાદી વિચારધારાને પરિણામે વિશ્વથી આર્થિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ અળગું છે, જેને લીધે ત્યાં નવા તબીબો માટે બૌદ્ધિક એકલતાનો માહોલ છે. આ કારણે એમને વિદેશ માટે આકર્ષણ થયું અને ઑસ્ટ્રેલિયામાં સરળતાથી વિઝા ને નોકરી મળી જતાં તેઓ અહીં આવી ગયા. એમને સ્થાનિક ડૉક્ટરોનાં ભેદભાવભર્યાં વર્તનનો અનુભવ થયો હતો, જે અત્યાર સુધીનાં લોકો કરતાં થોડો જુદો કહી શકાય. તો ભારતથી જ અહીં આવેલા ડો. અવિનાશ જોશીને શરૂઆતમાં અહીંના વૃદ્ધોની સ્થિતિ જોઈને ચિંતા થઈ અને ઑસ્ટ્રેલિયામાં ન રહેવાનો વિચાર કર્યો, પણ પછી તેઓ અહીં જ સ્થાયી થયા. એમની દીકરીઓ કહે છે કે એમના માટે ભારતીય સંસ્કૃતિ એટલે કુટુંબ, મિત્રો, સાથે જમવાનું અને રંગીન ઉજવણીઓ, પણ પોતાને ભારતીય કહેવાં કે ઑસ્ટ્રેલિયન !? એ મૂંઝવણનો ઉકેલ કાઢતાં તેઓને એક જ લાગણી થઈ કે પોતાની ઓળખ એટલે આ બંને સંસ્કૃતિઓનું સુંદર મિશ્રણ.

યુગાન્ડાથી આવેલા પહેલવહેલા વસાહતીઓના આગમન અંગે સ્થાનિક “ડેયલી ટેલિગ્રાફ” અખબારમાં આવેલી બાતમી

(Source : Early Gujarati Migration to Australia 2015, Page 149)

અત્યાર સુધી જે ગુજરાતીઓની આપણે વાત કરી એમાંથી મોટા ભાગના ભારતથી કે ઇંગ્લેન્ડથી અહીં આવ્યા હતા. હવે આવનારામાં હતા આફ્રિકાના ગુજરાતીઓ. અત્યારે આ વાત કરતાં-કરતાં આપણે વીસમી સદીના લગભગ અંત તરફ પહોંચ્યાં છીએ, અને આપણે જાણીએ છીએ એમ એ સમય આફ્રિકામાં, ખાસ કરીને યુગાન્ડામાં વસતા ભારતીયો માટે ઊથલપાથલનો હતો. 1971ની સાલમાં ઈદી અમીન યુગાન્ડાનો વડો બન્યો અને એનાં એક જ વર્ષમાં, 1972ના ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં, એણે એશિયાનાં લોકોને નેવું દિવસની અંદર દેશ છોડી જવાનો હુકમ બહાર પાડી દીધો. ઘણાખરા ગુજરાતીઓ એ સમયે ઇંગ્લેન્ડ પહોંચી ગયા, અને કેટલાકે ઑસ્ટ્રેલિયાને પોતાની નવી ઓળખ બનાવી.

આ સ્થિતિને આગળથી કળી જનાર ડો. ગુણુ નાકર વર્ષ 1971માં જ તાન્ઝાનિયાથી અહીં આવી ગયા હતા. આ વર્ષે, 2020ના ઑસ્ટ્રેલિયા દિવસે, આંતરરાષ્ટ્રીય સમાજને તન,મન, ધનથી એમની તબીબી સેવાઓ પૂરી પાડવા માટે એમને OAM - Order of Australia સન્માન આપવામાં આવ્યું. ગુજરાતીઓનું ગૌરવ બનનાર આ ડૉ. ગુણુ નાકરની અહીં ગોઠવાવાની સફર રસ પડે એવી છે. એ વિષે તેઓ કહે છે; અમેરિકા કે ઇંગ્લેન્ડ જવું ત્યારે શક્ય નહોતું બની શક્યું, સાથે એ ગાળામાં ઑસ્ટ્રેલિયામાં ડૉક્ટરોની જરૂરિયાતને લીધે અહીંના વિઝા સરળતાથી મળતા, અને ઑસ્ટ્રેલિયાના નકશા અને ભૂગોળનું એમનું અગાઉનું આકર્ષણ પણ એમને અહીં લાવવામાં નિમિત્ત બન્યું. ખૂબ આર્થિક ખેંચતાણ વચ્ચે તેઓ પત્ની સાથે સિડની પહોંચ્યા. પણ અહીં એમને અહીંના લોકોના માત્ર સારા અનુભવો જ મળ્યા, એવું કહીશ તો એમાં જરા ય અતિશયોક્તિ નથી. અરે, ઊતરતાંવેંત એક ઑસ્ટ્રેલિયન દંપતીએ એટલી મદદ કરી કે એમના ખર્ચની ટૅક્સીને પરિણામે તો એ લોકો રાતવાસો  કરવાનું ઠેકાણું નક્કી કરી શક્યાં, અને પહેલા ભારતીય, પંજાબીનો સંપર્ક થઈ શક્યો. પછી તો એ પંજાબી થકી અન્ય બે ગુજરાતી ડૉક્ટર્સ મળ્યા અને એમની સાથે મિત્રતા થઈ. અહીંનાં મૅડિકલ બૉર્ડનો પણ સારો અનુભવ રહ્યો, જેમણે નોકરી માટે પણ મદદ કરી, અને નોકરી મળી. કામની નજીકના વિસ્તારમાં રહેવાનું નક્કી કર્યું અને ખૂબ સારા, વડીલ ઑસ્ટ્રેલિયન પાડોશીઓ મળ્યા, જેમણે એમને અહીં સ્થિર થવામાં પોતાનાં કુટુંબ જેવી મદદ કરી. એમની પહેલી ગાડી માટે લૉન પણ એ પાડોશીએ જ આપી! બીજા દેશમાં રહેતાં પોતાનાં કુટુંબીઓ સાથેના સંપર્કની વાત કરતાં ડૉ. નાકર કહે છે કે પહેલાં તો પત્રવ્યવહાર જ હતો, કેમ કે ફોન બહુ મોંઘા પડતા, પણ ધીમે-ધીમે એનો એક સરસ રસ્તો સૂઝ્યો, ને એ લોકો પોતાની વાતો કૅસેટમાં રેકૉર્ડ કરીને મોકલાવવા માંડ્યાં. એનાથી બે ફાયદા થયા; એક તો સમય મર્યાદાની ખાસ ચિંતા ન રહી અને બધાં લોકો એમનો અવાજ પણ નિરાંતે સાંભળી શક્યાં. આ બધી વાતો વાંચીને આજે આપણે ય જાણે એ સમયમાં પહોંચી ગયાં હોઈએ એટલી મજા આવી જાય, નહીં?!

બાકી, યુગાન્ડાની અસ્થિર સ્થિતિને લીધે ડો. બાબુ ગોરડિયા, ડો.વજુ ઘેલાણી, ડો. જયંત દવે, ડો. એન.સી.પટેલ જેવા પૂર્વ આફ્રિકામાંના ઘણા નામાંકિત ડૉક્ટરો આ તરફ આવી ગયા. ડૉ. નાકર જેવા એક યા બીજા મિત્રોના અનુભવને લીધે મોટા ભાગનાંઓને અહીં ગોઠવાવામાં ખાસ અગવડ ન પડી. એ જ સમય આસપાસ આફ્રિકાથી શરણાર્થી તરીકે સિડની આવ્યા એન્જિનિયર અશોક મહેતા. એમને રહેવાનું હતું માઈગ્રન્ટ સેન્ટરમાં, જે માત્ર શ્વેતો માટે હોવાથી એમની હાલત સાવ નિરાશ્રિત જેવી થઈ હતી. અહીંનાં રાષ્ટ્રીય પ્રસારણ- ABC(The Australian Broadcasting Corporation)એ લીધેલી એમની મુલાકાત જોઈને મૂળ ભારતના એક બંગાળી ધંધાર્થી મદદે આવ્યા અને એમની સ્થિતિ સુધરી. બીજો પ્રશ્ન થયો નોકરી માટેનો; આફ્રિકાના એન્જિનિયર્સ અહીં માન્ય નહોતા ગણાતા, એટલે અશોકભાઈ સિડની યુનિવર્સિટીના એક પ્રૉફેસરને મળ્યા. એમની સાથે નૈરોબીના પ્રૉફેસરની ઓળખાણ નીકળતાં એમની મદદથી એક જ દિવસમાં એ પ્રશ્ન હલ થયો અને એમને સારી નોકરી મળી ગઈ હતી. એમને પણ ઑસ્ટ્રેલિયાનાં લોકોની સરળતા, નિખાલસતા અને ઉદારતા સ્પર્શી ગઈ.

અશોક મહેતાના કહેવાથી નૈરોબી યુનિવર્સિટીના એમના સહકર્મી આશક નથવાણીએ આફ્રિકામાં જ ઑસ્ટ્રેલિયન હાઈ કમિશનના કર્મચારીને હાથોહાથ અરજી આપતાં એમનો તત્કાલ ઇન્ટરવ્યૂ થઈ ગયો, અને પોતે પ્રાધ્યાપક-લેક્ચરર હોવાને પરિણામે એ જ ક્ષણે ઓસ્ટ્રેલિયા માટે મંજૂરી પણ મળી ગઈ ! ઓસ્ટ્રેલિયાનું પર્થ શહેર ભારતથી સૌથી નજીક હોતાં આશકભાઈની ઈચ્છા ત્યાં જવાની હતી, જો કે ઑફિસરે આશકભાઈની લાયકાત અને ઑસ્ટ્રેલિયામાં એની જરૂરિયાત જોઈને સિડનીને ‘ઘર’ બનાવવા કહ્યું ને ત્યારથી નથવાણી પરિવારનું એ જ સાચું ઘર બની રહ્યું. એ અહીં પહોંચ્યા ત્યારની પરિસ્થિતિ વર્ણવતાં કહે છે કે યુગાન્ડામાં બાકી રહેલા શરણાર્થીઓનાં હિત માટે ત્યારે અહીં એક પ્રેસ કૉન્ફરન્સ યોજાઈ હતી જેમાં એમને પૂછવામાં આવ્યું કે, ‘શું ઑસ્ટ્રેલિયાએ તમને અહીં લાવીને તમારા પ્રત્યે સદ્ભાવ દેખાડ્યો છે?’ આનો સ્પષ્ટ જવાબ આપતાં તેમણે કહ્યું હતું, ‘ના, અમે અમારી લાયકાત ને યોગ્યતાને કારણે અહીં છીએ. એ માપદંડ સિવાય જો ત્યાંનાં લોકોને આ દેશ સ્વીકારશે તો એ સાચો સદ્ભાવ હશે’. ત્યારથી લઈને આજની તારીખે પણ અહીં આવનારાં લોકોની પસંદગી ઑસ્ટ્રેલિયા એમની લાયકાતને આધારે જ કરે છે, અને વિશ્વના વિકસિત દેશોમાંથી ઓછામાં ઓછા શરણાર્થીઓને સ્વીકારનારો દેશ પણ આ જ છે. શરૂઆતથી જ આવી સ્પષ્ટતા અને નેતૃત્વનાં લક્ષણો ધરાવતા હતા આશકભાઈ.

એક પાયાના સ્થાપક તરીકે તેઓ નોંધે છે કે ઈ.સ. 1972માં અહીં ઈસ્માઈલીઓનું એક ઔપચારિક સંગઠન બન્યું અને આગાખાન સમિતિની રચના થઈ, અને ઈ.સ. 1979ના નવેમ્બર મહિનામાં એમના આધ્યાત્મિક વડા આગાખાન અહીંની મુલાકાતે આવ્યા. અહીં આવ્યાનાં થોડાં વર્ષો પછી એમની પત્ની બનનાર સમીમને તો અહીં આવ્યાના બીજે જ દિવસે નોકરી અને થોડા મહિનામાં PR મળી ગયો હતો. જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા એમણે વર્ષો સુધી હેલ્પ લાઈન પ્રોગ્રામ ચલાવ્યો. પણ આશકભાઈને પહેલી નોકરી સિડની યુનિવર્સિટીની મદદથી મળી. પછી તો એન્જિનિયર તરીકે એમણે અનેક નામાંકિત પ્રોજેક્ટ્સ કર્યા. આગળ જતાં તેઓ એક સારી કંપનીમાં ડિરેક્ટર થયા, અને કંપનીએ એમની નિવૃત્તિ માટેનો કાર્યક્રમ એમને એક ‘મહારાજા’ જેવા દમામથી આપ્યો. અહીંનો સમાજ એમને ખૂબ નિખાલસ, બહુસાંસ્કૃતિક અને આવકારનારો લાગ્યો. ગૌરવની વાત એ છે કે ખિસ્સામાં માત્ર વીસ સેન્ટ્સ સાથે અહીં પહોંચેલા આશકભાઈની ઝોળીમાં હવે આ દેશનું AM સન્માન પણ છે, જે એમનાં સામાજિક કાર્યોની સાથે એન્જિનિયરિંગના ક્ષેત્રમાં એમનાં નોંધપાત્ર પ્રદાનનો બોલતો પુરાવો છે. અહીં આવીને સ્થાયી થયેલા ગુજરાતીઓ વિષે હર્ષદ દેસાઈના સહકારથી 2015માં એમણે પુસ્તક બહાર પાડ્યું-  Early Gujarati Migration to Australia: A Pioneer’s Perspective. એક શૈક્ષણિક દસ્તાવેજ બની શકે એટલું વિગતે અને વ્યવસ્થિત કામ થયું છે આ પુસ્તકમાં. મેં આગળ ઉલ્લેખ કર્યો હતો એમ આ લેખમાં મને ખૂબ કામ લાગ્યું એ પુસ્તક આ જ.

‘ઑર્ડર ઑવ્ આસ્ટૃેલિયા’ સન્માન સ્વીકારતા આશક નથવાણી

(Source : supplied)

હંઅ..તો આપણે આગળ વધીએ સિત્તેરના એ દસકમાં જ્યારે આફ્રિકાથી એક શરણાર્થી તરીકે વિક્ટોરિયા રાજ્યમાં આવ્યા પ્રવીણ ઘેલાણી. આજે પોતાનાં જીવનના સિત્તેરમા દસકને આરે ઊભેલા હોવા છતાં એક સારા ટેનિસ ખેલાડી એવા એ યાદ કરે છે એમની અહીંની શરૂઆત. નવા દેશમાં પહેલાં તો નોકરીની શરૂઆત કરવી પડી પોતે હતા એના કરતાં ખૂબ ઓછી લાયકાતવાળાં કામથી, પણ જો ગુણવત્તા હોય તો વ્યક્તિનો વિકાસ કોઈ અટકાવી શકતું નથી એનું પોતે જ જીવંત ઉદાહરણ બન્યા. ગુજરાતી સમાજ માટે એમનું ખૂબ નોંધપાત્ર કામ એટલે કોઈની અંતિમક્રિયા માટે મદદરૂપ થવું. કોઈ સગાં-વહાલાંનું અચાનક દુનિયા છોડી જવું અને એ પણ માતૃભૂમિથી દૂર બને ત્યારે એ કુટુંબીનાં દુઃખ ને તકલીફની કલ્પના માત્ર પણ આપણને હચમચાવી નાખે, એવાં કામ માટે વર્ષો પહેલાં પ્રવીણભાઈ આગળ આવ્યા અને પૂરાં માન- સન્માન અને વિધિપૂર્વક એ વિદાય લેનાર લોકોના અંતિમ સંસ્કાર થાય એવી વ્યવસ્થા કરાવી આપી. ઑસ્ટ્રેલિયામાં આવું પહેલું કપરું કામ એમણે કર્યું, અને આજ પર્યંત ચાલુ છે. સમાજ માટે બીજા આટલા જ પ્રવૃત્ત એવા દીપક મંકોડી સાથે મળીને બાકીની સાંસ્કૃતિક ઉજવણીઓની સાથે-સાથે નવી પેઢીમાં ગુજરાતી ભાષા ટકાવવા માટે એમણે વર્ગો ચાલુ કર્યા અને પુસ્તકાલય પણ શરૂ કર્યું. અહીં ઉછરતી બીજી પેઢીનાં લગ્ન એ અહીંનાં માતા-પિતાઓ માટેનો એક મોટી ચિંતાનો મુદ્દો હતો. દીપકભાઈએ એમનાં બીજાં અનેક સમાજ ઉપયોગી કામો સાથે આ ચિંતાના હલ તરીકે એક મેરેજ બ્યુરો પણ ચાલુ કર્યો. આશા રાખીએ કે આવી સેવાઓથી અહીંનાં માતાપિતાઓ થોડાં હળવાં થશે.

ભારત અને આફ્રિકા થઈને અહીં આવ્યા પ્રતાપ અમીન. એમને પૉન્ડિચેરીમાં સુંદરમ્ પાસે ગુજરાતી ભાષા શીખવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે, એટલે ગુજરાતી માટેનો એમનો પ્રેમ અને આગ્રહભરી કાળજી સહજ રીતે અહીંની એમની પ્રવૃત્તિઓમાં પડઘાય છે. ફીજીથી 1984ની સાલમાં અહીં આવેલા કાંતિલાલ ઝીણાએ ઑસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં પ્રવીણભાઈની જેમ બહારથી આવેલાં અને માત્ર અંગ્રેજી સિવાયની ભાષા સમજતાં લોકોને એમનાં કુટુંબીઓની અંતિમક્રિયાની વ્યવસ્થામાં ખૂબ મદદ કરી. એ ઉપરાંત એવા સમાજનાં વૃદ્ધોની ખાસ સંભાળ માટેનાં કામોમાં પણ ખૂબ પ્રવૃત્ત રહ્યા. એમની આવી અમૂલ્ય સેવાઓ માટે એમને વર્ષ 2018નો OAM એવૉર્ડ આપવામાં આવ્યો છે. આવા લોકો થકી અમારા જેવા આજના ગુજરાતીઓ અહીં નિશ્ચિંન્ત રીતે જીવી રહ્યા છે.

આપણે હવે જઈએ 1973ની સાલમાં અહીં આવેલાં કાંતિભાઈ અને પ્રતિભાબહેન ગોકાણી પાસે. એમણે હવામાનને લીધે કૅનેડાને બદલ ઑસ્ટ્રેલિયાની પસંદગી કરી હતી. અહીંના એમના અનુભવોમાં એક ખાસ વાતે મારું ધ્યાન ખેંચ્યું તે એ કે, એમનાં એક વડીલ ઑસ્ટ્રેલિયન પાડોશી પિયાનો ખૂબ સારો વગાડતાં, એમણે પ્રતિભાબહેનને દીકરી અમિતાને પિયાનો શીખવા મોકલવા કહ્યું. પ્રતિભાબહેન કહે છે કે એ સમયે ઘરની આર્થિક પરિસ્થિતિ એવી હતી કે પૈસા ખર્ચવા બાબતે પસંદગી કરવી પડે, અને એમણે નિખાલસતાથી પાડોશીને આ કારણ સમજાવીને ના પાડી. મારી જેમ તમને ય જાણીને આશ્ચર્ય અને આનંદ બંને થશે કે એ પાડોશીએ પોતાની કળા આગળ વધારવાના નાતે એક પણ પૈસો લીધા વિના અમિતાને પિયાનો શીખવ્યો. બાકી, પૈસાની જરૂર તો એમને ય નહિ હોય શું? પ્રતિભાબહેને આવું જ કૈંક આગળ વધારવા, અહીં ભારતીય વારસો જાળવવા, સિડની પ્રાર્થના મંડળની રચના કરી. એ બધાં ઉપરાંત, આ પરિવારે ઉદ્યોગ સાહસિક તરીકે અહીં અનેક સફળ ખેડાણ કર્યાં.

હવે, વર્ષ 1976માં લંડનથી અહીં આવ્યા અલાદીન રહેમતુલ્લા. વર્ષો સુધી કવીન્સલેન્ડ રાજ્યની સુપ્રીમ કોર્ટમાં મુખ્ય લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવી. એ દરમિયાન ઘણા બધા મહત્ત્વના પ્રોજેક્ટ્સ માટે ગ્રાન્ટ મેળવી આપી તો સાથે કવીન્સલેન્ડનાં બંધારણ જેવાં ઘણાં મહત્ત્વનાં પ્રકાશન પણ કર્યાં. કવીન્સલેન્ડની કોર્ટને, ત્યાંના સમાજને આવી સેવાઓ પૂરી પાડવા માટે અને દેશનો કાયદાકીય વારસો જાળવવામાં મહત્ત્વનું પ્રદાન કરવા માટે વર્ષ 2011માં એમને OAM સન્માન મળ્યું. આ સન્માનની વાતમાં એક વધુ ગુજરાતી નામ ઉમેરાય છે 1988ની સાલમાં અહીં આવેલા દર્શક મહેતાનું. ભારતથી જ અનેક ક્ષેત્રે આગળ રહેલા અને ક્રિકેટના ખેલાડી રહી ચૂકેલા દર્શક્ભાઈએ અહીં આવીને LB W- Learning for a better world ટ્રસ્ટ ચાલુ કર્યું ને એના ભાગ રૂપે ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા, અફઘાનિસ્તાન ને જમૈકા જેવા દેશોના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી. આવા ઓછા વિકસિત કે વિકસી રહેલા દેશોનાં બાળકોનાં ભવિષ્ય માટે આવી મહત્ત્વની સેવાઓ માટે એમને પણ OAMથી નવાજવામાં આવ્યા. તો એડિનબરોથી 1995ની સાલમાં કૅનબેરા આવેલાં ડૉ. વનિતાને સન્માન મળ્યું સેક્સ્યુઅલ હેલ્થ અને ફોરેન્સિક મેડિસીનનાં ક્ષેત્રમાં એમનાં પ્રદાન માટે. કેનબેરામાં એક રાતે એક સ્ત્રી પર થયેલા બળાત્કારે એમને અંદરથી હલબલાવી મૂક્યાં અને ત્યારથી આ પ્રશ્નને એમણે પોતાનાં જીવનનો ઉદ્દેશ બનાવી દીધો. હવે તો ઑસ્ટ્રેલિયન ડિફેન્સ ફૉર્સ અને ફેડરલ પોલીસ ઓફિસર્સ ઘણા કેસમાં એમની સેવાઓનો લાભ લે છે. એક નવા દેશનાં આટલાં જુદાં જુદાં ક્ષેત્રમાં આવા ગુજરાતીઓનું નામ ચમકે ત્યારે આપણા કોલર આપોઆપ ઊંચા થઈ જ જાય ને!

હંઅ, તો આપણે અટક્યાં હતાં ત્યાંથી આગળ વધીએ. 1977ની સાલમાં આફ્રિકાથી યુનિવર્સિટી લેક્ચરર તરીકે મેલબર્ન આવ્યા ઈશ્વર દેસાઈ. Gujarati Association of Victoriaના તેઓ સ્થાપક પ્રમુખ બન્યા, ને અહીં અને ભારતમાં અપંગ લોકો માટે ખૂબ કામ કર્યું, જેના માટે એમને સન્માન પણ મળ્યું છે. સિત્તેર-એંસીના દસકનો આ સમય એવો હતો જ્યારે અહીં ડૉક્ટર્સ ઉપરાંત લેક્ચરર્સ અને એન્જિનિયર્સ આવવા માંડ્યા હતા ને એમ, 1986માં આફ્રિકાથી સ્કિલ્ડ માઇગ્રન્ટ્સ-એન્જિનિયર તરીકે અહીં આવ્યાં સમીર અને મીના, તો 1988માં ભારતથી અહીં આવી પહોંચ્યાં પ્રદીપ અને કામિની પંડ્યા. અહીંના ગુજરાતી સમાજમાં ને સાથે ઑસ્ટ્રેલિયાના સમાજમાં પણ અનેક સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ખૂબ રસપૂર્વક જોડાયેલું છે આ દંપતી. આ બધાં લોકોએ ખાસ એમનો સમય ફાળવીને મારા અનેક પ્રશ્નોના ધીરજપૂર્વક જવાબ આપ્યાં છે, ત્યારે હું અહીંના ગુજરાતીઓ વિષે તમને આટલું કહી શકી છું. આભારી છું આવાં અનેક લોકોની.

આફ્રિકા, અમેરિકા, કૅનેડા કે યુનાઇટેડ કિંગ્ડમ - યુરોપ કરતાં આ દેશ નાનો છે, એટલે ગુજરાતીઓ અહીં ઘણાં વર્ષો મોડાં પહોંચ્યાં છે અને સંખ્યામાં ય ઘણાં ઓછાં છે. 2009ની સાલમાં અહીં ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલા અનેક વંશીય હુમલાઓને લીધે ભારતીયો, ગુજરાતીઓ અહીં આવતાં અચકાતા જરૂર હતા, ખાસ કરીને મેલબર્ન અને સિડનીમાં, પણ હવે તો અહીંનાં નાનાં ગામોમાં પણ ગુજરાતી કુટુંબો વસેલાં જોવા મળે છે, એટલું જ નહિ મોટા ભાગના સંપ્રદાયોનાં આસ્થાનાં સ્થાનકો પણ બની ગયાં છે. આજે અહીં ગુજરાતીઓની બીજી પેઢીઓ સમૃદ્ધ થઈ છે અને ત્રીજી પેઢીઓ ઉછરવા લાગી છે. ઓસ્ટ્રેલિયાનાં લગભગ દરેક રાજ્યનાં મુખ્ય શહેરોમાં પહેલાં શરૂ થયેલાં ગુજરાતી સંગઠનની હવે અલગ-અલગ શાખાઓ વિસ્તરી છે. જો કે એનાથી ગુજરાતી ભાષા, સાહિત્ય કે સંસ્કૃતિ સાચા અર્થમાં વિસ્તર્યાં હોવા વિષે ખાતરી નથી, કેમ કે એમની મોટા ભાગની પ્રવૃત્તિઓ નવરાત્રિના ગરબા કે સામાન્ય સ્તરનાં નાટકો જેવી વ્યવસાયિક હેતુ સિદ્ધ કરનારી વિશેષ બની છે. હા, ગુજરાતી ભાષા અહીં સચવાઈ રહે એ માટે એક સ્વયંસેવી સંસ્થા ORA(Om Rameshwar Association Inc.)એ 2016ની સાલમાં સિડનીમાં ગુજરાતી ગ્રામર સ્કૂલ શરૂ કરી છે. એમનો અભ્યાસક્રમ ન્યુ સાઉથ વૅલ્સ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે માન્ય રાખ્યો છે અને કમ્યુનિટી લૅન્ગવેજિસ પ્રોગ્રામ હેઠળ એમને સરકારી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. આ શાળાના શિક્ષકો ગુજરાતી ભાષા થકી વિદેશમાં પોતાની સંસ્કૃતિ વિકસે એ માટે આ કાર્યમાં પોતાનો સમય અને શક્તિ રોપે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતી બાળકો સાથે આ શાળામાં મૂળ વિયેતનામનાં લિન ટ્રેન પણ ગુજરાતી શીખવા આવે છે. એક ગુજરાતીને પરણ્યા પછી પોતાનાં સાસરાંનાં સંબંધીઓ સાથે વાત કરી શકે એટલે પોતાનાં ત્રણ બાળકો સાથે આ માતા પણ એક નવી ભાષાને અપનાવી રહી છે!

આવાં અનેક ઉત્સાહી વિદ્યાર્થીઓમાં ગુજરાતીનો પ્રસાર કરી રહેલી આ શાળાની શાખાઓ આજે ઓસ્ટ્રેલિયાનાં એકથી વધારે શહેરોમાં ફેલાઈ છે અને દૂરના વિસ્તારનાં બાળકો માટે ઑનલાઇન વર્ગો પણ ગોઠવે છે. હિન્દી, પંજાબી અને તમિળ ભાષાઓ તો આજે ઑસ્ટ્રેલિયાની શાળાઓમાં એક વિષય તરીકે સ્વીકારાઈ ગઈ છે, હવે ગુજરાતી માટે પણ ખાસ રાહ નહિ જોવી પડે એવું લાગે છે, કેમ કે અગત્યના ઘણા સરકારી સંદેશ હવે ગુજરાતીમાં છપાવા લાગ્યા છે. આ જ મુદ્દે આગળ વધીએ તો, અહીંનો પબ્લિક રેડિયો SBS ગુજરાતી અઠવાડિયાંમાં બે દિવસ એક-એક કલાકનું પ્રસારણ કરે છે, જેમાં મોટે ભાગે સમાચારો અને સાંપ્રત ઘટનાઓની સાથે મહત્ત્વની મુલાકાતો વણી લેવાતી હોય છે. ડૉ. શશાંક મહેતાએ શરૂ કરેલ આ કામને નિતલ દેસાઈ એમની ટીમ સાથે સરસ રીતે આગળ વધારી રહ્યાં છે. તો છેલ્લાં તેર વર્ષોથી આરાધના ભટ્ટ ‘સૂર સંવાદ’નાં નામથી દર રવિવારે એક કલાક માટે કમ્યુનિટી ગુજરાતી રેડિયો ચલાવી રહ્યાં છે. એનાં પ્રસારણમાં તેઓ ગુજરાતી સાહિત્ય અને સંગીત ઉમેરી સાંપ્રત બાબતોને પણ રસાળ બનાવી પીરસે છે. તેઓના લેખો અવારનવાર ગુજરાતનાં જાણીતાં સામાયિકમાં છપાતા હોય છે. એ ઉપરાંત ‘સૂર- સંવાદ’ની એમની સક્ષમ અને સ્વયંસેવી ટીમ સાથે તેઓ બે વર્ષે એકાદવાર ગુજરાતી સાહિત્ય સાથે સંગીત, નૃત્ય ને નાટકનો એક સ્ટેજ કાર્યક્રમ પણ આપે છે, જેની સિડનીનાં કળાપ્રેમી લોકો આતુરતાથી રાહ જોતાં હોય છે. એમની ટીમનો જ એક અતૂટ હિસ્સો છે પાર્થ નાણાવટી. વ્યવસાયથી તો તેઓ અહીંનાં પબ્લિક હૅલ્થ ડિપાર્ટમેન્ટમાં ઊંચા હોદ્દા પર કાર્યરત છે, પણ પોતાની માતૃભૂમિ અને માતૃભાષાના પ્રેમને તેઓ પોતાના શબ્દમાં અભિવ્યક્ત કરતા રહે છે. ગુજરાતીઓમાં ખૂબ વખણાતાં સામાયિકમાં તેમની નવલકથાઓ છપાતી રહે છે. એ ઉપરાંત તેઓ કવિતાઓ અને ટૂંકી વાર્તાઓ પણ લખે છે. આવાં અનેક વ્યક્તિગત પ્રદાનો અહીં ગુજરાતીને ધબકતી રાખે છે. બાકી, કેટલાંક શોખીનો સાથે મળીને ગુજરાતી શબ્દને, સંગીતને ગીતો ને ગરબા સાથે ઘરમેળે તો અવારનવાર ઉજવતાં હોય જ છે.

વાતવાતમાં આપણે ય જુઓને, કેટકેટલી સંસ્કૃતિઓને ઉજવી! અંગ્રેજો અહીં આવી વસ્યા એનાં મૂળિયાં ખોળતાં આપણે મળ્યાં ઑસ્ટ્રેલિયાના આદિમવાસીઓને, અને ધીમે- મે એમાં ભળતાં ભાળ્યાં વિશ્વનાં અનેકવિધ લોકોને. મૂળે બહુરંગી રહેલી ભૂમિને એકરંગી થતી જોઈ, ને જોયા એમાં વિધવિધ રંગો ફરી પૂરાતા. ને હવે આ રંગપૂરણીમાં મેઘાણીનો કસૂંબલ ગુજરાતી રંગ ઘોળાયો. અહીં આવેલા ગુજરાતીઓની સાથે આપણે લગભગ અડધી સદીની યાત્રા ખેડી. અને યાત્રા કોઈ પણ હોય, એની શરૂઆત તો સંઘર્ષમય હોવાની જ. એમના એ શરૂઆતી દૌરમાંથી પસાર થતાં મને ‘શૂન્ય’ પાલનપુરીની આ પંક્તિઓ સાંભરી આવી હતી;

સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’! હિંમત બોલી ‘અલ્લા બેલી’!

આજે તો વૈશ્વિક ભૂગોળની સરહદો ઘણી ભૂંસાઈ રહી છે, હવાઈ ઉડાનોએ દેશો વચ્ચેનું અંતર પણ ઓગાળ્યું છે, એટલે કોઈ નવા દેશને પોતાનો બનાવવો ખાસ મુશ્કેલ નથી. પણ હજી થોડા સમય પહેલાં જ અહીં પહોંચેલાં અમે જે સરળતાથી અહીં ભળી શક્યાં એનું મોટા ભાગનું શ્રેય દાયકાઓ પહેલાં સંઘર્ષથી આ દેશને પોતાનો બનાવનાર આ બધાંને જાય છે. આજે અમને અહીં ગામેગામ અને ગલીએ ગલી ગુજરાત ગુંજતું અનુભવાય છે એ એમણે છેડેલા ગુર્જરી તારને લીધે. પ્રામાણિકપણે કબૂલવું પડે કે અત્યારે અમને અહીં best of both the worldsનો પૂર્ણ અહેસાસ થાય છે. 

બાકી, ઇતિહાસ કોઈ પણ દેશનો ઊલેચીએ તો કદાચ લોહિયાળ જ નીકળે. પરિવર્તન પીડા વિના શક્ય નહિ બનતું હોય, એ સમજ સાથે આ દેશના જન્મની આપણે કરેલી વાતો વિષે ફરી વિચારતાં એમાંના અન્યાયો થોડા સહ્ય બનશે. આદિમવાસીઓની આ ભૂમિના ભૂતકાળને આદરપૂર્વક પાયામાં રાખી ધબકી રહ્યો છે આજે અહીંનો વર્તમાન. અંગ્રેજોનાં પ્રકૃતિદત્ત શાણપણને પરિણામે ભવિષ્ય પણ સુરક્ષિત દેખાય છે આ દેશનું. અને એટલે જ મૂળે કેદીઓને ઠેકાણે પાડવા માટે બનેલા આ દેશે આજે લગભગ આખાં વિશ્વને પોતાની કાળજીભરી વ્યવસ્થાનું બંદી બનાવ્યું છે. પણ એની પાછળ રહેલા સદીઓના સંઘર્ષને કાગળ પર ઉતારવો મારા માટે સરળ નહોતો, એટલે એને ઉઘાડવામાં રહી ગયેલી મારી તમામ ક્ષતિઓને તમે ક્ષમ્ય ગણશો એવી શ્રદ્ધા છે. ખૂબ આનંદ આવ્યો તમારા સૌ સાથે આ સફર ખેડ્યાનો. ફરી મળશું કોઈ નવા પડાવે.

~~~~~~~~~~

References

*Books:

The Australian People: General Editor- James Jupp
Aboriginal Australians by Diana Marshall
A short history of Australia by Manning Clark
Indigenous Australia for Dummies by Larissa Behrendt
A Failure to Understand: Early Colonialism and the Indeginous Peoples by Margaret McPhee
Story of Migration to Australia from Asia by Nicolas Brasch
Stories of Australian Migration: Edited by John Hardy
The Changing Face of Australia: A century of Immigration (1901-2000) by Kate Walsh
From White Australia to Woomera: The Story of Australian Immigration by James Jupp
Early Gujarati Migration to Australia- A pioneer’s perspective: Compiled by Samim and Ashak Nathwani with Harshad Desai

*Documentaries:

Sbs Documentary: First Australians
Sbs Documentary: Immigration Nation- The secret history of us
Sbs Documentary: Dirty Business- How mining made Australia
Interviews and articles from Sbs radios- Gujarati and Hindi

*Websites:

www.adb.anu.edu.au
www.nationalgeographic.com.au
www.aiatsis.gov.au

*Special thanks to Dipak Mankodi, Pravin Ghelani, Dr. Kirit Parikh, Dr. Ishwar Desai (Melbourne), Harshad Desai, Ashak Nathwani, Vini Mehta, Pradip Pandya, Sameerbhai (Sydney) and Amit Mehta (Perth).

~~~~~~~~~~

જેલમ હાર્દિક સિડની(ઓસ્ટ્રેલિયા)સ્થિત મીડિયા બ્રૉડકાસ્ટર છે.

e.mail : [email protected]

પ્રગટ : “ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક”; પુસ્તક 85, અંક 3; જુલાઈ - સપ્ટેમ્બર 2020; પૃ. 25-41

Category :- Diaspora / Features

ભાગ 2. બહુસાંસ્કૃતિક બનતું ઑસ્ટ્રેલિયા

આજે દુનિયાના અનેક દેશોનાં અઢળક લોકો માટે Dream country બનેલ ઑસ્ટ્રેલિયા સદીઓ પૂર્વે એના આદિમવાસીઓ માટે કેવી રીતે ઉપસ્યો હતો Dreamtime Storiesમાં, એ જાણ્યું આપણે આ લેખમાળાની પહેલી કડીમાં. એમાં આદિમવાસીઓની સાથે આપણે ય હિસ્સો બન્યાં, અંગ્રેજોએ બનાવેલ ઑસ્ટ્રેલિયાનો કે પછી એમણે બદલાવેલ ઑસ્ટ્રેલિયાના ઇતિહાસનો. એ ઇતિહાસ પાછળ રેડાતાં લોહીના છાંટા આપણને ઉડ્યા તો આગળ જતાં આદિમવાસીઓની ક્રાંતિએ આપણું શેર લોહી પણ ચડાવ્યું. પછી કઈ રીતે એ ક્રાંતિ સમજદારીથી શાંતિમાં અને સહકારમાં ફેરવાઈ, અને આદિમવાસીઓનું એ ઑસ્ટ્રેલિયા અંગ્રેજોના રંગે રંગાયું એ આખી સફરમાં આપણે સહયાત્રી બન્યાં. અંગ્રેજો માટે એ ઑસ્ટ્રેલિયા હવે એક આદર્શ રાજ્ય બનવા જઈ રહ્યું હતું. જાણે એક અંગ્રેજી રામરાજ્ય ! એ તો આપણે સમજ્યાં કે આદિમલોકો તો સૈકાઓથી અહીંની ભૂમિ પર આવી વસ્યાં હતાં, પણ આ ઑસ્ટ્રૅલિયાને યોજનાપૂર્વક પોતાનું બનાવનાર અંગ્રેજો સાથે, એ અણધાર્યા આગંતુકો સાથે વાત અટકી નહિ, ઊલટું એણે તો જાણે આખાં વિશ્વ માટે શ્રીગણેશ માંડ્યા દેશાંતરના. તો પછી શું પૂરું થયું અંગ્રેજી રામરાજ્યનું એમનું સ્વપ્ન? અને તો કઈ રીતે બન્યું આજનું બહુરંગી ઑસ્ટ્રૅલિયા? આ બધા સવાલોના જવાબ મેળવતાં પહેલાં આપણે કેમ નહિ એ જાણી લઈએ કે કોઈ પોતાનો દેશ કેમ અને કયા સંજોગોમાં છોડતાં હશે કે પછી એમને છોડવો પડતો હશે !

કૅનેડામાં જન્મેલા અમેરિકન કવિ માર્ક સ્ટ્રૅન્ડ સરસ કહે છે :

We all have reasons
for moving.
I move
to keep things whole.

આવાં કોઈ દેશાંતરનાં મૂળ તપાસીએ તો કેટલાંક ખાસ કારણો હાથ લાગે; જેમાં અમુક તમને દેશની બહાર ધકેલતાં હોય, જેમ કે જે તે પ્રદેશનું વાતાવરણ; દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર, ભૂકંપ કે સુનામી જેવી કુદરતી આફતો, જે તે દેશની રાજકીય પરિસ્થિતિ, એટલે કે એ દેશમાં થયેલ અશાંતિ, આંતરવિગ્રહ કે શાસન પલટો, જેને લીધે લોકો જુલમોનો ભોગ બનતા હોય, તો અમુક કારણો તમને એ નવા દેશ તરફ સ્થળાંતર કરવા ખેંચતાં હોય, જેમ કે આર્થિક સદ્ધરતા માટે જે તે દેશમાં સારી નોકરીની અનુકૂળતા, ઉચ્ચ શિક્ષણ માટેની સાનુકૂળતા કે પછી જુદી કે બહેતર જીવનશૈલી માટે પહેલેથી જ તે દેશમાં સ્થાયી થયેલાં કુટુંબીજનો. આમાંના એક યા એકથી વધુ કારણસર લોકો પોતાનો દેશ છોડીને બીજા દેશમાં વસવાનો પ્રયાસ કરતાં હોય છે. ભલે, કેટલાંક કાયમી બીજે જઈ વસે છે, તો કેટલાંક થોડા સમય પૂરતાં સ્થળાંતર કરે છે. ચાલો, દેશાંતરની આ સમજને આપણે ઑસ્ટ્રૅલિયાના સંદર્ભમાં વિસ્તારવાનો પ્રયત્ન કરીએ.

ઑસ્ટ્રૅલિયાના આદિમવાસીઓની જેમ હવે આપણે પણ જાણી ગયાં છીએ કે એમના માટે અણધાર્યા આવી પડેલા અંગ્રેજો એમના પ્રદેશમાંથી ક્યારે ય ન જવા માટે આવી ગયા હતા. કાયમી દેશાંતરનાં એમનાં કારણો વિષે આપણે પહેલા લેખમાં વાત કરી ગયાં. એ લેખમાં જ આદિમવાસીઓની આંગળી પકડીને આપણે લગભગ વીસમી સદી પૂરી કરી. અત્યારે આપણી સરળતા માટે આદિમવાસીઓને આપણે મૂળ ઑસ્ટ્રૅલિયાવાસીઓ ગણી લઈએ, તો એમના પછી ઑસ્ટ્રૅલિયામાં વસી જવાની શરૂઆત કરનાર અંગ્રેજોની સાથોસાથ અન્ય પ્રજાનાં દેશાંતરને સમજવા, ચાલો, ટાઈમ-મશીનમાં બેસીને ફરીવાર જઈએ ઓગણીસમી સદીમાં. કેમ કે અઢારમી સદીના કેટલાક દશક તો આદિમવાસીઓનો સફાયો કરવામાં જોતજોતાંમાં વીતી ગયા હતા ને !

પોર્ટ જેકસન ખાતે લાંગરતો પહેલો નૌકા કાફલો

(Source : http://www.acmssearch.sl.nsw.gov.au/search/itemDetailPaged.cgi?itemID=845003)

હવે અંગ્રેજોનું ધ્યેય હતું આ પ્રદેશને નવું ઈંગ્લેન્ડ બનાવવાનું; આદિમવાસીઓનો કુદરત આધીન પ્રદેશ હતો એવું નહિ, પણ હવે એ બનવો જોઈએ એક સાવ નવો, શિષ્ટ દેશ. સ્વાભાવિક રીતે દેશ નવો વસી રહ્યો હોય ત્યારે બધું જ એકડેએકથી શરૂ કરવાનું થાય. પહેલાં તો એના માટે જોઈએ વસતિ ને પછી એમના વસવાટની વ્યવસ્થા; મકાન, રસ્તા, તળાવ, પુલ ને રેલગાડીના પાટા જેવું કેટલું ય. આ વ્યવસ્થા પાર પાડવા માટે લોકોનું દેશાંતર કરવાનું થયું. ઑસ્ટ્રૅલિયામાં રાજનીતિશાસ્ત્રના સંશોધક અને નિષ્ણાત બ્રિટિશ - ઑસ્ટ્રૅલિયન ડો. જેઈમ્સ જુપ્પ (Dr. James Jupp) દરિયાપાર થયેલાં આ દેશાંતરને મુખ્યત્વે ત્રણ વહેણ, ત્રણ પ્રવાહોમાં વહેંચે છે: ગુનેગારો, સહાય પર આવનારાં લોકો અને વ્યક્તિગત પસંદગીથી આવનારાં લોકો.

આપણે પહેલા લેખમાં વિગતે જાણ્યું એમ ઑસ્ટ્રૅલિયામાં સૌ પહેલાં ગુનેગારો આવ્યા હતા. આવનારા એ ગુનેગારોમાં વધુ સંખ્યા પુરુષોની હતી, એટલે એમને મહેનતનાં, શારીરિક શ્રમનાં કામમાં લગાડી દેવામાં આવ્યા હતા. પણ સમાજ વિકસાવવા હવે જરૂર હતી સારાં અને કુટુંબ જીવનમાં ગોઠવાઈ શકે એવાં લોકોની, એટલે શરૂઆત થઈ સરકારી સહાયની. આર્થિક નીચલા વર્ગનાં લોકોને ઈંગ્લેન્ડમાં મુશ્કેલી તો હતી જ, સાથે ત્યાં બેરોજગારી જેવી તકલીફો વધવા લાગી હતી. એવાં લોકો જો ઑસ્ટ્રૅલિયા આવી જાય તો અહીં બધી રીતે ખપમાં આવે ને ત્યાં ઈંગ્લેન્ડનું ભારણ ઘટે. આ તો બંને હાથમાં લાડુ જેવી વાત હતી.

ઓગણીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં ઈંગ્લેન્ડ અને અમેરિકામાં ઔદ્યોગિક ક્રાંતિના પાયા નંખાયા હતા, જેની અસર મુખ્યત્વે શહેરોને થઈ હતી. એ જ અરસામાં ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટ્લેન્ડના અમુક વિસ્તારો ગરીબીનો સામનો કરી રહ્યા હતા. અંગ્રેજ સરકાર લંડન આસપાસનાં નાનાં ગામો, પરગણાંઓમાં દેખા દીધેલાં આ દારિદ્રયને દૂર કરવાનો રસ્તો શોધી રહી હતી. એક તરફ જ્યાં આવાં લોકો માટે અમેરિકા અને કૅનેડાના દરવાજા લગભગ બંધ જેવા દેખાતા હતા, ત્યાં બીજી તરફ ઑસ્ટ્રેલિયામાં નવી વસી રહેલી એમની કૉલોનીમાં ખેડૂતો અને અન્ય શ્રમજીવીઓની જરૂર ઊભી થઈ હતી. આપણે આગળ વાત કરી એમ ઑસ્ટ્રેલિયામાં એ સમયે પુરુષોની સંખ્યા વધુ હોતાં જાતિની સાથોસાથ મતિ અને સંસ્કૃતિ સંતુલન જાળવવા સ્ત્રીઓને લાવવી પણ જરૂરી બની હતી. એટલે ખાસ કરીને આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ બાજુથી સ્ત્રીઓને ઑસ્ટ્રૅલિયા આવવા તૈયાર કરવામાં આવી. ઈંગ્લેન્ડમાં ઈ.સ. 1834માં નવો ગરીબી કાયદો Poor Law અમલમાં આવ્યો હતો, જેના ભાગરૂપે ગરીબોને બેઠા-બેઠ આપવામાં આવતી આર્થિક મદદને બદલે એ લોકોને કામે લગાડી પગભર બનાવવાનું  ઠરાવવામાં આવ્યું હતું. એટલે એ આસપાસના સમયગાળામાં વધુમાં વધુ શ્રમિકો અને કારીગરોને થોડી બ્રિટનની અને મોટા ભાગની ‘નવાં બ્રિટન’ની મદદ વડે એ નવાં બ્રિટન - ઑસ્ટ્રૅલિયા તરફ રવાના કરવામાં આવ્યા. આમ, ઈ.સ. 1831થી 1860ની વચ્ચે સરકારી કે ચર્ચની સહાય પર ઘણી મોટી સંખ્યામાં લોકોએ દેશાંતર કર્યું. આ બધા બીજાં વહેણમાં એટલે કે સહાય પર દેશાંતર કરનારા થયા. ‘સસેક્સ એડવર્ટાઇઝર’ નામનાં અખબાર માટે સાઉથ ઑસ્ટ્રૅલિયામાં કામ કરતા જે. હૅક. 23 જૂન, 1838નાં સસેક્સ એડવર્ટાઇઝરમાં નોંધે છે :

‘Ship loads of emigrants were constantly arriving, but such was the demand for labour that there was not a single individual who was not employed, and at  very high wages …’

ઑસ્ટ્રૅલિયામાં ઠલવાતાં વહાણ ભરી ભરીને આવતાં દેશાટની વસાહતીઓ

(Source : https://neoskosmos.com/en/143830/learning-from-regional-migration-success-stories/)

અને હજી તો ઑસ્ટ્રૅલિયાનું અસ્તિત્વ જુદા- જુદા પ્રદેશો તરીકેનું હતું. ઈ.સ. 1850માં બ્રિટિશ સરકારે ઑસ્ટ્રૅલિયન કોલોનીઝ ગવર્મેન્ટ એક્ટ પસાર કર્યો, જેના ભાગરૂપે એ પ્રદેશોને પોતાની રીતે શાસન ચલાવવાની સ્વતંત્રતા મળી. હવે રાજકીય પરિસ્થિતિ મુજબ એ દરેક પ્રદેશ વધુમાં વધુ લોકોને પોતાના તરફ આકર્ષવા ઘણા ખરા અંશે સ્વાયત્ત રીતે કામ કરતો થયો. આ જ અરસામાં, ઈ.સ.1880 આસપાસ ઑસ્ટ્રૅલિયાના ન્યુ સાઉથ વૅલ્સની કોલસાની ખાણો માટે અને કવીન્સલૅન્ડના દરિયા કિનારાના વિસ્તારો તરફ કામ માટે ઘણાં લોકોએ દેશાંતર કર્યું. જો કે એ પ્રવાહમાં આવનારાં લોકો આયર્લેન્ડને બદલે નોર્થ ઇંગ્લેન્ડ અને સેન્ટ્રલ સ્કોટલેન્ડનાં હતાં.

ઑસ્ટ્રૅલિયામાં સોનું મેળવવા સારુ ધસારો

(Source : https://www.nationalgeographic.org/thisday/feb12/australian-gold-rush-begins/)

ઓગણીસમી સદીનો આ મધ્યકાળ ઑસ્ટ્રેલિયાના ઇતિહાસમાં સુવર્ણકાળ બની રહ્યો, ખરેખરો સુવર્ણકાળ. કઈ રીતે એ જાણવા ચાલો, આપણે ય ખાણિયા થઈએ. એ સમય હતો ઈ.સ. 1851નો જ્યારે અચાનક વિશ્વભરમાં જાહેર થયું કે ઑસ્ટ્રેલિયામાં સોનું મળી આવ્યું છે. આ ‘જાહેર’ શબ્દ વાપરવા પાછળનું મારું કારણ તમને સમજાવું, તો મૂળ વાત એમ હતી કે બ્રિટિશ કોલોની વસાવવા આવેલા પહેલા અંગ્રેજોમાંના એક ભૂસ્તરશાસ્ત્રીને ઈ.સ. 1841ના અરસામાં સિડનીના બ્લુ માઉન્ટેઇન્સ તરીકે ઓળખાતા વિસ્તારમાં સોનું દેખાયું હતું, જે ત્યારના ગવર્નરને ગુનેગારોથી ભરેલાં ઑસ્ટ્રેલિયામાં જાહેર કરવું સુરક્ષિત નહોતું લાગ્યું. પણ ઈ.સ.1848માં જ્યારે અમેરિકાનાં કેલિફોર્નિયા પાસે સોનું મળી આવવાના સમાચારે બ્રિટિશ કૉલોનીમાંથી હજારો લોકો ભાગ્ય અજમાવી જોવા ત્યાં સ્થળાંતર કરવા લાગ્યા, ત્યારે ઑસ્ટ્રેલિયાનું અર્થતંત્ર ખોરવાઈ પડ્યું. અને એટલે સત્તાધીશોને ઑસ્ટ્રેલિયામાં મળી આવેલાં સોનાંને જગજાહેર કરવું પડ્યું. ઈ.સ. 1851માં પહેલાં ન્યુ સાઉથ વૅલ્સ રાજ્યમાં, પછી વિક્ટોરિયામાં, ટાઝમેનિયામાં, નોર્ધન ટેરિટરીમાં અને પછી તો પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં એમ એક પછી એક સોનાની ખાણો મળતી આવી. ઑસ્ટ્રેલિયાની સમૃદ્ધિની આ તો માત્ર ઝલક જ હોય, એમ વધુમાં પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના દરિયામાં મોતી મળી આવ્યાં. ભલે, આદિમવાસીઓ તો સદીઓથી આ મોતીઓનો ખપજોગો વ્યવહાર કરતા હતા, પણ હવે એ અંગ્રેજોની નજરમાં આવી ગયું હતું. અને અંગ્રેજો એને છોડે? એમણે તો આગળ જતાં કવીન્સલૅન્ડમાં પદ્ધતિસરનો મોતી ઉદ્યોગ સ્થાપી દીધો. આ ઝવેરાતોએ ઑસ્ટ્રેલિયાની કિસ્મત ચમકાવી દીધી અને વિશ્વની આંખો. ને એ ચમકથી આકર્ષાઈને શરૂઆત થઈ વ્યક્તિગત પસંદગીથી આવનારાં લોકોની; એટલે કે દેશાંતરના ત્રીજા પ્રવાહની. મોતીના જાણકાર મરજીવાઓ આવ્યા હતા જાપાનથી, અને સોનું શોધવા લોકો આવ્યાં યુરોપ સિવાય અમેરિકા અને ચીનથી. જો કે એમાં સૌથી વધારે બિનઅંગ્રેજીઓ ચીનના હતા. ઈ.સ.1850થી 1860ના દસકામાં દેશાંતર કરી ઑસ્ટ્રેલિયા આવનારાં લોકોએ દેશની વસતિ સવાચાર લાખમાંથી ચારગણી વધારી અંદાજે સત્તર લાખ જેટલી કરી નાખી. સોનાની ખાણમાં કામ કરવા માટે માત્ર ચીનમાંથી જ વીસ હજાર તો બાંધેલા કારીગરો આવ્યા હતા. કેટલા ય ઉદ્યોગપતિઓ પણ આ દરમિયાન ઑસ્ટ્રેલિયાની સમૃદ્ધિ સર કરવા આવી પહોંચ્યા હતા. વિશ્વના નકશામાં ઑસ્ટ્રેલિયા રાતોરાત રાજાશાહી ઠાઠનું સરનામું બની ગયું હતું. પણ આ રાજાશાહી દરેકને ખુદ ભોગવી લેવી હતી, એટલે શરૂ થયા વાદ, વિવાદ ને વિખવાદ. યુરોપિયન મૂળના અને ચીનના કારીગરો વચ્ચેના ઝગડા મારામારી ને કાપાકાપી સુધી પહોંચી ગયા. ચીની કારીગરો એ પ્રદેશ છોડી શહેર આવી ગયા અને ત્યાં ઓછા પગારનાં શોષણ છતાં જે મળે એ કામ કરવા લાગ્યા. એમાં પણ શ્વેતોને પોતાનો નોકરી-ધંધો છીનવાતાં લાગ્યાં. સરકારને પણ અંગ્રેજી રામરાજ્યનું પોતાનું આદર્શ સ્વપ્ન ડોલતું લાગ્યું, એટલે સમાજમાં પ્રસરેલા ઊંચનીચના આંતરિક ભેદભાવને એમણે હવા આપી અને બીજ રોપાયાં વ્હાઈટ ઑસ્ટ્રેલિયા પૉલિસી(White Australia Policy) - Australia for the Australiansનાં.

ઈમિગ્રેશન રિસ્ટૃિકશન એક્ટ, 1901

(Source : National Archives of Australia)

ઈ.સ. 1901ની પહેલી જાન્યુઆરીએ ઑસ્ટ્રેલિયાનું ફૅડરેશન સ્થપાયું, એટલે કે ત્યાર સુધી જે છ રાજ્યો - કવીન્સલેન્ડ, ન્યુ સાઉથ વૅલ્સ, વિક્ટોરિયા, ટાઝમેનિયા, સાઉથ ઑસ્ટ્રૅલિયા ને વૅસ્ટર્ન ઑસ્ટ્રૅલિયા જુદી-જુદી બ્રિટિશ કૉલોની હતાં, એ હવે રાજકીય બાબતોમાં એક સ્વતંત્ર દેશ અને આંતરિક રીતે એ દેશનાં સ્વાયત્ત રાજ્યો બન્યાં. સામાન્ય રીતે સ્વાયત્તતા કે સ્વતંત્રતા સાથે જોર- જુલ્મ, શોષણ કે બીજી કોઈપણ નકારાત્મક પરિસ્થિતિઓનો અંત આવતો હોય, પણ ઑસ્ટ્રેલિયાના સંદર્ભમાં એનાથી સાવ ઊંધું થયું. દેશ સ્વાયત્ત થયો, પણ વિચારધારા સંકોચાઈ. કેમ કે એ જ વર્ષની, ઈ.સ. 1901ની,  23મી ડિસેમ્બરે ‘શ્વેતો એ જ ઑસ્ટ્રેલિયન્સ’ એ આખી ભેદભાવ ભરેલી બાબતને ઈમિગ્રેશન રિસ્ટ્રિક્શન એક્ટ (Immigration Restriction Act) દ્વારા કાયદાકીય મહોર લાગી. આ કાયદો મુખ્યત્વે ચીની લોકોને નામે એશિયાનાં લોકોને બહાર રાખવા ઘડાયો હતો, પણ એમાં તમામ અ-શ્વેતોનો સમાવેશ થતો હતો. એટલે સુધી કે મૂળ જેમનો આ દેશ હતો એ આદિમવાસીઓને પણ ડાર્વિનને રવાડે ચડીને ‘લુપ્ત થતી જાતિ’ ગણીને નામશેષ કરવાનો આ પેંતરો હતો. ટૂંકમાં, સ્પષ્ટ રંગભેદ ઉપર આ કાયદો પસાર થયો. આનાથી વધુ હાસ્યાસ્પદ બીજું શું હોય કે આ એ જ ઑસ્ટ્રેલિયા દેશ કરી રહ્યો હતો જેણે વિશ્વ સમક્ષ લાયકાતવાળાં દરેકને સમાન તક અને સમાન હક્કો આપવાનાં, અને દરેક કારીગર માટેનો એક પ્રગતિશીલ અને આદર્શ સમાજ ઘડવાનાં બણગાં ફૂંક્યાં હતાં !

સૌથી પહેલાં તો એમણે નૈતિક અને બૌદ્ધિક દૃષ્ટિએ ‘શ્વેતોથી ઊતરતાં’(!) તમામને બહારનો રસ્તો દેખાડવાનું શરૂ કર્યું. જેમાં સોનું ખોદવા આવેલા ચીની મજૂરો તો હતા જ, સાથે કવીન્સલેન્ડમાં શેરડીનાં અને બીજાં ખેતરો પર કામ કરનાર મજૂરો પણ હતા. હોશિયાર તો અંગ્રેજો પહેલેથી જ, એટલે બીજાઓની જેમ ખેતીકામ માટેના એ મજૂરોને પણ દક્ષિણ પૅસિફિક ટાપુઓ પરથી બાંધી મુદ્દતના કરાર સાથે લાવ્યા હતા. એટલે રાતોરાત વહાણો ભરી-ભરીને એમને પાછા રવાના કર્યા. વર્ષો સુધી ઑસ્ટ્રેલિયામાં રહીને, એને ઘર માનીને લોકોએ પોતાનાં કુટુંબ વસાવ્યાં હતાં, એ તમામ વેરવિખેર થઈ ગયાં. એક રહી શક્યું ને બીજાંને જવું પડ્યું. પતિ, પત્ની, બાળકો ને એનાં માતાપિતા કાયમ માટે એકબીજાંથી છૂટાં પડી ગયાં. કેટલા ય માનવવંશનો દેશમાંથી સફાયો કરવાનો આ પ્રયત્ન હતો. હવે વાત હતી નવાંને આવતાં રોકવાની. એ માટે ઈમિગ્રેશન ઑફિસર્સને છૂટ દેવામાં આવી કે એમણે ઑસ્ટ્રૅલિયામાં દાખલ થવા ઇચ્છતા દરેકની 50 શબ્દોની ડિક્ટેશન ટેસ્ટ- શ્રુતલેખનની પરીક્ષા કરવી. અંગ્રેજો સિવાય બીજું કોઈ આ દેશમાં ન આવી શકે એ માટે તેમની યુરોપની કોઈ પણ ભાષામાં પરીક્ષા લેવાતી. અને આવનારો જો એશિયાનો કોઈ હોય, તો એ નિષ્ફળ ન થાય ત્યાં સુધી પરીક્ષા લેવાતી ! પરિણામ ધાર્યું જ આવ્યું; ઑસ્ટ્રેલિયાની વસતિની વ્યાખ્યા જ બદલાઈ ગઈ. મોતી કાઢવામાં નિષ્ણાત એવા જાપાનના ખલાસીઓ ને મરજીવાઓની દેશને ગરજ હતી, એ સિવાય તમામ અ-શ્વેતો માટે ઑસ્ટ્રેલિયાના દરવાજા બંધ થઈ ગયા. વ્હાઈટ ઑસ્ટ્રેલિયા પૉલિસીના મુખ્ય શિલ્પીઓમાંના એક એવા ઍટર્ની જનરલ આલ્ફ્રેડ ડીકિને એમનાં એક જાણીતાં ભાષણમાં કહ્યું હતું કે, ‘આ ‘વ્હાઈટ ઑસ્ટ્રૅલિયા પૉલિસી’ એક એવી વ્યવહારકુશળ નીતિ છે, જે પારકાંઓને- ‘aliens’ને બહાર કાઢીને ઑસ્ટ્રેલિયાનું ચારિત્ર્ય જાળવશે, અને અહીંના સમાજમાં ન્યાયનું પુનઃ સ્થાપન કરશે.’ અને ‘aliens’ કહીને અ-શ્વેત એશિયનો જ નહિ, સાથે ‘પહેલા ઑસ્ટ્રેલિયન’ એવા આદિમવાસીઓની પણ બાદબાકી કરનાર ડીકિન ઑસ્ટ્રેલિયાના બીજા વડા પ્રધાન બન્યા!

પરિસ્થિતિ વૈશ્ચિક સ્તરે પણ ખાસ સારી નહોતી. એમાં પહેલું વિશ્વયુદ્ધ થયું. ઈ.સ.1914થી ઈ.સ. 1918 સુધી ચાલેલાં વિશ્વયુદ્ધે મોટા મોટા દેશોની પણ હાલત બગાડી નાખી. વિશ્વની ખોરવાયેલી શાંતિ પુનઃ સ્થાપિત કરવા ઈ.સ. 1919માં પૅરિસ ખાતે એક શાંતિ સભા યોજાઈ. લગભગ એક વર્ષ સુધી ચાલેલી આ Paris Peace Conferenceમાં પહેલું વિશ્વ યુદ્ધ જીતેલા શક્તિશાળી દેશો હારેલાં રાષ્ટ્રો માટે શાંતિ વ્યવસ્થા નિયત કરવા ભેગા થયા હતા. એમાં વૈશ્ચિક પ્રશ્નોને ઉકેલીને સુલેહ શાંતિ સ્થાપવા માટેનાં લીગ ઑફ નેશન્સ(League of Nations)ની રચના કરવાની હતી. અન્ય રાષ્ટ્રોની સાથે ત્યાં જાપાનની હાજરી પણ હતી. દસ્તાવેજી વાટાઘાટ દરમિયાન જાપાને જૂના ભેદભાવ ભૂલી પોતાને બીજાં અંગ્રેજી રાષ્ટ્રોની સમકક્ષ સ્વીકારવાની દરખાસ્ત મૂકી, ત્યારે સૌથી ઉપર ઊઠીને એને નકારી કાઢવામાં મુખ્ય હતા બિલી હ્યુઝ (William Morris (Billy) Hughes). ઑસ્ટ્રેલિયાના એ સમયના અને સાતમા વડા પ્રધાન બિલી હ્યુઝ જાપાન તરફ અસમાનતા દેખાડીને પોતાના શ્વેત દેશનો વિશેષ પ્રેમ મેળવવા માગતા હતા. પહેલાં વિશ્વયુદ્ધમાં એમણે ઑસ્ટ્રેલિયાનું સારું પ્રતિનિધિત્વ તો કર્યું જ હતું, હવે જાપાનને ઊતરતું દેખાડી, એનો તમામ રીતે અસ્વીકાર કરી એમણે વ્હાઈટ ઑસ્ટ્રૅલિયા પૉલિસીને વધુ સુરક્ષિત બનાવી. ભલે, પછી ઑસ્ટ્રેલિયાની રાજનીતિમાં એમનું સારું લગાડનાર આ પગલું જાપાનનાં મનમાં ઑસ્ટ્રેલિયા માટેનાં વેરનું કારણ જરૂર બન્યું.

પૅરિસ શાન્તિ પરિષદ [પૅરિસ પીસ કૉન્ફરન્સ] પછી ઑસ્ટ્રેલિયા પરત થયેલા બિલી હ્યુઝ

(Source: theaustralians.com.au)

એ જ અરસામાં, ઈ.સ. 1919માં, ઑસ્ટ્રેલિયામાં પ્લૅગ ફેલાયો. એવું માનવામાં આવે છે કે પહેલાં વિશ્વયુદ્ધમાંથી પાછા ફરેલા સૈનિકો આ રોગ પોતાની સાથે લાવ્યા હતા. જે બન્યું તે, પણ આ રોગે ઓછામાં ઓછાં સાડા અગિયાર હજાર લોકોનો ભોગ લીધો. હવે ઑસ્ટ્રેલિયાને પોતાનાં ગામડાં વિકસાવવાં હતાં, એટલે પોતાની ‘શ્વેત’ વસતિ વધારવા એમણે ફરી બ્રિટિશ સામ્રાજ્ય તરફ દૃષ્ટિ માંડી. એના ભાગરૂપે, બ્રિટિશ સરકારે પોતાનાં લશ્કરમાંથી નિવૃત્ત થયેલી વ્યક્તિઓને ઑસ્ટ્રેલિયા દેશાંતર માટે નિઃશુલ્ક સગવડ કરી આપી, અને કેટલાંકને ચર્ચે સહાય કરી. ચર્ચમાં ત્યારે કહેવામાં આવતું કે દેશાંતર કરવાથી વ્યક્તિનો ઉદ્ધાર થાય છે! એટલે એ સમયમાં ઇંગ્લેન્ડથી ઑસ્ટ્રેલિયા નોંધપાત્ર સ્થળાંતર થયું. અંદાજે સવા બે લાખ લોકો ‘Land of milk and honey’ કહેવાતા આ નવા દેશ તરફ આવ્યાં. જો કે આ વખતે પણ ગામડાંઓને બદલે શહેરમાંથી આવનારા અંગ્રેજોની સંખ્યા વધુ હતી. શહેરી અંગ્રેજો ગામડાંનાં જીવનથી ટેવાયેલા નહોતા કે નહોતો એમને ખેતીનો ખાસ અનુભવ. એટલે કેટલાક ઑસ્ટ્રેલિયાના ખડકાળ વિસ્તારમાં સફળતાથી ખેતી કરી શક્યા, ટકી શક્યા, પણ બીજા ઘણા એ પ્રતિકૂળ વાતાવરણ અને અતિશય શારીરિક શ્રમ સહન ન કરી શક્યા. ઑસ્ટ્રૅલિયા ઇંગ્લેન્ડ કરતાં સારું હોવાની એમની માનસિક પ્રતિમા ભાંગી પડતાં એમાંના મોટા ભાગના ઓસ્ટ્રેલિયાનાં શહેરોમાં અને કેટલાક ઇંગ્લેન્ડ પાછા ફર્યા.

વીસમી સદીનો બીજો દસકો જેમ અમેરિકા માટે સારો હતો એમ ઑસ્ટ્રેલિયાના ઉદ્યોગ-ધંધા માટે પણ ઉજાશવાળો હતો. પણ અચાનક અમેરિકાની શૅર બજાર પડી ભાંગતાં ત્યાં મહામંદી આવી પડી. અને એના પર આધારિત ઉદ્યોગપતિઓએ અન્ય દેશોમાં કરેલું રોકાણ ઉપાડી લીધું, એટલે સ્વાભાવિક રીતે આ મંદીએ વિશ્વના તમામ દેશોમાં દેખા દીધી. ઑસ્ટ્રેલિયા પણ એમાંથી બાકાત ન રહ્યું. ઇંગ્લેન્ડથી ઘણી આશાઓ સાથે આવી ગયેલાં લોકો આમે ય માંડ ગોઠવાયાં હતાં, ત્યાં મંદીને લીધે ઉદ્યોગો ભાંગી પડતાં બેરોજગારી વધી ગઈ. એવામાં ‘દુકાળમાં અધિક માસ’ની જેમ પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં સોનું ય ખાલી થવા માંડ્યું. ઈ.સ. 1930થી ઈ.સ. 1939ની વચ્ચે ઑસ્ટ્રેલિયાનો વિકાસ લગભગ અટકી પડ્યો. દેશની સરકાર અને એનાં અર્થતંત્ર પરથી દુનિયાનો ભરોસો ઊઠી ગયો. આ સમય એવો હતો કે જ્યારે ઑસ્ટ્રેલિયામાં જન્મદર ઘટી ગયો અને નવાં લોકોનું એ તરફનું દેશાંતરણ પણ ખોરવાઈ ગયું. 

આખી દુનિયા પરની પહેલાં વિશ્વ યુદ્ધની અસર હજુ પૂરેપૂરી ઓસરી નહોતી ને ત્યાં બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. કોણ જાણે કેમ પણ વીસમી સદી જાણે વિશ્વયુદ્ધોની સદી બની ગઈ! દુનિયામાં દરેકને સત્તાની શક્તિ મેળવી લેવી હતી. એકબાજુ યુરૉપ લડી રહ્યું હતું, જર્મની યહૂદીઓના સંહારે ચડ્યું હતું, તો બીજી તરફ જાપાનને દક્ષિણપૂર્વી એશિયા સર કરવું હતું. અમેરિકા પોતાનાં એ લક્ષમાં આડખીલી ન બને, એ માટે જાપાને અચાનક અમેરિકાના પર્લ-હાર્બર પર પણ હુમલો કરી દીધો હતો. ઑસ્ટ્રેલિયા સ્વાભાવિક રીતે જ ઇંગ્લેન્ડ અને અમેરિકા બાજુથી લડી રહ્યું હતું. ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધ જેટલી ખાનાખરાબી કરે છે એટલી બીજી ક્યારે ય થતી નથી. અહીં પણ એવું જ બન્યું. યુરોપનાં યુદ્ધમાં લડી રહેલા ઑસ્ટ્રેલિયાના સૈનિકો તો મરી જ રહ્યા હતા, ત્યાં અચાનક ઓસ્ટ્રેલિયાના ઉત્તરપૂર્વી દરિયા કાંઠે, એનાં ડાર્વિન શહેર પર જાપાને એશિયા બાજુથી હુમલો કરી દીધો. ઑસ્ટ્રેલિયા પર ચડાઈ કરવાની જાપાનની કોઈ યોજના નહોતી, પણ ઑસ્ટ્રૅલિયાના દરિયાઈ કે હવાઈ માર્ગનો અથવા તો એમનાં સૈન્ય વિમાનો કે સામગ્રીનો પોતાના વિરોધીઓ ઉપયોગ ન કરી શકે, ખાસ કરીને અમેરિકા, એટલે એનાં સામર્થ્યને નબળું પાડવા આ હુમલો કરવામાં આવ્યો હતો. મને તો જો કે આમાં ક્યાંક ને ક્યાંક આપણે વાત કરી ગયાં એ Paris Peace Conferenceના પડઘા સંભળાયા. 

ઈ.સ. 1939થી ઈ.સ.1945 સુધી ચાલેલાં બીજાં વિશ્વ યુદ્ધે તમામ દેશોને એક યા બીજી રીતે અરીસો દેખાડી દીધો. જાપાનના અચાનક થયેલા હુમલાથી ઑસ્ટ્રેલિયાને પોતાનાં લશ્કરી બળ વિષે વિચાર કરવાની જરૂરિયાત ઊભી થઈ. ઑસ્ટ્રેલિયામાં ત્યારે સોળમા વડાપ્રધાન તરીકે બેન ચીફલી હતા. એમની સરકારે પહેલા ઈમિગ્રેશન મિનિસ્ટર તરીકે આર્થર કોલવેલની નિમણૂંક કરી. આર્થર કોલવેલને લાગ્યું કે દેશની આર્થિક અને લશ્કરી શક્તિ વધારવા માટેનો એક માત્ર રસ્તો હોય તો એ છે દેશની વસતિ વધારવી, અને એમણે નારો આપ્યો, ‘Populate or perish.’ આ વિચારને ચરિતાર્થ કરવા એમણે ફરી બ્રિટિશ સરકાર સાથે ‘આસિસ્ટેડ માઈગ્રેશન પૅસેજ સ્કીમ’ની શરૂઆત કરી. આ સ્કીમના ભાગરૂપે કોઈ પણ બ્રિટિશ નાગરિક દસ પાઉન્ડ જેવી નજીવી ફી આપીને ઑસ્ટ્રેલિયા સ્થાયી થઈ શકતો હતો. ઑસ્ટ્રેલિયાના લોકોના Immigrant શબ્દના મશ્કરા ઉચ્ચાર Pomegranate પરથી આ દરમિયાન બ્રિટનથી ઑસ્ટ્રૅલિયા આવી વસનાર લોકો 10 Pound Poms કહેવાયા. જો કે આર્થર કોલવેલે આ Pommies માટે સારો શબ્દ શોધ્યો; New Australians. આમ, ઈ.સ.1945થી ઈ.સ.1972ની વચ્ચેના ગાળામાં આવાં દસ લાખથી ય વધુ ‘ન્યુ ઑસ્ટ્રેલિયન્સ’ ઑસ્ટ્રેલિયા આવ્યાં. જો કે બે એક વર્ષમાં બ્રિટનમાંથી ધારી સંખ્યા ન મળતાં, ઈ.સ. 1947માં આર્થર કોલવેલે ‘White’ની સમજણને થોડી વિસ્તારી ને માત્ર બ્રિટનને બદલે એને યુરૉપ ખંડ સુધી પહોંચાડી. પણ આપણે એ ભૂલવા જેવું નથી કે એમણે હજુ ‘શ્વેત’ રંગ સાથે તો સમાધાન નહોતું જ કર્યું. બદલાવ માત્ર એટલો હતો કે હવે બ્રિટન ઉપરાંત એમણે સાઉથ, નોર્થ, ઈસ્ટ ને સેન્ટ્રલ યુરોપના શરણાર્થીઓને લેવા શરૂ કર્યા. ઑસ્ટ્રેલિયાની નવી ઓળખના જાણે એ સમયે જ ક્યાંક ઊંડે ઊંડે પાયા નંખાયા.

અત્યાર સુધી આદિમવાસીઓ સિવાય માત્ર અંગ્રેજોને જોવા અને અંગ્રેજોની જ સાથે રહેવા ટેવાયેલી પ્રજાને આ વાત ગળે ઉતરાવવા આર્થર કોલવેલે એવી બાંહેધરી આપી હતી કે સરકાર દર એક બિનઅંગ્રેજ઼ સામે દસ અંગ્રેજ લોકોને દેશમાં લાવશે, જેથી એમનું ‘વ્હાઈટ યુટોપિયા’- White Utopia જેમ છે એમ જળવાઈ રહેશે. ઑસ્ટ્રેલિયાનાં લોકોનાં મનમાં રહેલું એ ‘શ્વેત-સુંદર’ ચિત્ર ખરડાય નહિ એ માટે આર્થર કોલવેલે એવી ગોઠવણ કરાવી હતી કે, યુરોપના શરણાર્થીઓને લઈને આવી પહોંચેલાં એ વહાણમાંથી સૌથી પહેલાં ઉત્તર-પૂર્વી યુરોપના બાલ્ટીક દેશની સ્ત્રીઓ ઊતરે. એ ‘beautiful balts’ના શ્વેત રંગ અને આકર્ષક દેખાવને લીધે લોકો એમને ઝડપથી સ્વીકારે. ભલે, એ તો માત્ર શરૂઆત હતી. હજી અંદાજે પોણા બે લાખ જેટલા આ નવા આગંતુકોએ ઑસ્ટ્રૅલિયા આવતાંવેંત એને આત્મસાત કરવાનું હતું, પૂરેપૂરું પચાવવાનું હતું. રંગ, રૂપ, વાણી, વર્તન ને વ્યવહારથી અંગ્રેજ બનવાનું હતું. અને એમાં પસંદગી જેવી કોઈ છૂટછાટ નહોતી. કોઈ વૃક્ષે જાણે કે પોતાની જમીનમાંથી ઉખડીને ક્યાંક બીજે રોપાવાનું જ નહિ, વિકસવાનું પણ હતું. બસ, એ જ રીતે એ લોકો ગોઠવાવા માટે, ઑસ્ટ્રેલિયાના અંગ્રેજી સમાજનો હિસ્સો બનવા માટે બનતું બધું જ કરવા લાગ્યાં. ઑસ્ટ્રેલિયાના નોબૅલ વિજેતા લેખક પેટ્રિક વ્હાઈટની નવલકથા ‘The Tree of Man’નાં પાત્ર ડૉલ કવિગ્લીનો એક સંવાદ આ લાગણીને બહુ સરસ રીતે વ્યક્ત કરે છે; ‘It’s funny the way you take root. You get to like people.’

આ તો વીસમી સદી અર્ધે પહોંચી હતી, પણ કહેવાતી આવી જ assimilation policy સરકારે અમલમાં મૂકી હતી વીસમી સદીની શરૂઆતમાં આદિમવાસીઓ સાથે. આ લેખમાળાની પહેલી કડીમાં મેં જેનો ઉલ્લેખ કર્યો હતો એ Stolen generationsની વાત પણ કૈંક આવી જ હતી. સરકારે આદિમવાસીઓનાં બાળકોને એમનાં માતાપિતા, કુટુંબીઓ અને સમાજથી ઝૂંટવી લઈને ચર્ચ કે એવી કોઈ કલ્યાણકારી(!) સંસ્થાને સોંપી દીધાં હતાં, જેથી એ લોકો અંગ્રેજી રીતભાત અને જીવનશૈલી ઝડપથી અપનાવી લે. આપણે ધારી લઈએ કે એ બાળકો ધીમે-ધીમે અંગ્રેજ જેવાં બની ગયાં, પણ પછી શું એ પાછાં પોતાનાં માતાપિતાને મળી શક્યાં ? આ પ્રશ્નનો જવાબ મોટે ભાગે નકારમાં આવે કેમ કે માહિતીના અભાવને લીધે દરેકનાં ઘરની કે ઘરનાંની ભાળ ન મળી શકી. આનું પરિણામ એ આવ્યું કે પેઢીઓની પેઢીઓ પોતાનાં કુટુંબથી હંમેશ માટે વિખૂટી પડી ગઈ. આ વર્તન બદલ ઑસ્ટ્રેલિયા સરકારે 26 મે, 1998ને National Sorry Day જાહેર કર્યો. જો કે એ માટે આદિમવાસીઓની ઔપચારિક ક્ષમાયાચના તો છેક 13 ફેબ્રુઆરી, 2008ના, કુટુંબોને તોડી પાડ્યાનાં લગભગ સો વર્ષે, ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન કેવિન રડે (Kevin Rudd) કરી.

વિખૂટી પડેલી પેઢીની ક્ષમા યાચતા તત્કાલીન વડા પ્રધાન કેવિન રડ

(Source: The Australian news paper)

ઈ.સ. 1940 આસપાસ, બીજાં  વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને સોવિયેટ યુનિયન વચ્ચે રાજકીય અને આર્થિક અથડામણો થઈ, જે કૉલ્ડવૉર તરીકે ઓળખાઈ. એના પરિણામે દક્ષિણ એશિયાના દેશો સહિત અનેક દેશોમાં સામ્યવાદની પક્કડ વધી. એશિયા અને પૅસિફિકના કેટલાક દેશોને આ ‘Red Scare’ને વધતો ડામવો હતો, ઑસ્ટ્રૅલિયા અને કૅનેડા જેવા પશ્ચિમના દેશો સાથેના આંતરિક સંબંધો ગાઢ કરવા હતા અને પોતાના દેશોનો પણ આર્થિક વિકાસ કરવો હતો. આવા આશયથી ઈ.સ. 1951માં શ્રીલંકામાં કોલંબો પ્લાનની રચના થઈ. ઑસ્ટ્રૅલિયાને પોતાના દેશના મૂડીવાદી વિકાસથી લોકોને જાગૃત કરવામાં રસ હતો, એટલે કોલંબો પ્લાનના જે દેશો સભ્ય હતા, એના વિદ્યાર્થીઓ માટે ઑસ્ટ્રેલિયન સરકારે શિષ્યવૃત્તિની એક યોજના બહાર પાડી, જેના ભાગરૂપે એ લોકો ઑસ્ટ્રૅલિયામાં આવીને રહે, ત્યાંની ટેક્નોલોજી, અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, ને રાજનીતિ ભણે, અને સામ્યવાદથી ભિન્ન એવી પોતાની મુક્ત જીવનશૈલી અને વિચારધારા વિષે જે નવું જાણે એને પોતાના દેશમાં પાછાં ફરીને ઉપયોગમાં લાવે. અંદાજે વીસ હજાર વિદ્યાર્થીઓ આ દરમિયાન ઑસ્ટ્રેલિયા આવ્યા. એક રીતે જોઈએ તો ભલે, માર્યાદિત સમય પૂરતું, પણ આ પહેલું સત્તાવાર બિનઅંગ્રેજી સ્થળાંતર હતું. શરૂઆતમાં તો એશિયાના આ ‘ગરીબ’ અને ‘ઓછા ભણેલા’ દેખાતા વિદ્યાર્થીઓ શ્વેતોને પોતાના દેશ માટે ખતરો લાગ્યા, પણ ધીમે- ધીમે એમનાં ‘Rice and curry’-એ એમની છાપ બદલીને એકદમ સ્વાદિષ્ટ બનાવી દીધી, એટલે સુધી કે શ્વેતો પોતાનાં ઘરની બહાર પાટિયાં લગાવવા માંડ્યા કે; ‘Rooms available to Asian students only !’

ઑસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટૃીય વિદ્યાર્થીઓ, કોલમ્બો યોજના [The Colombo Plan]

(Source: Southerncrossings.com.au)

યુરૉપ સિવાયનાં લોકોનું બીજું નોંધપાત્ર દેશાંતર થયું ઈ.સ. 1949માં હૅરોલ્ડ હૉલ્ટના સમયમાં. ઈમિગ્રેશન મિનિસ્ટર તરીકે ત્યારે એમણે 800 જેટલા નોન-યુરોપિયન્સ શરણાર્થીઓને આ દેશમાં રહેવાની મંજૂરી આપીને એમનાથી આગળની સરકારની માત્ર શ્વેત તરફી નીતિને હળવી બનાવી. પોતાની આ ઉદારમતવાદી નીતિને એમણે ઑસ્ટ્રેલિયાના સત્તરમા વડા પ્રધાન તરીકે આગળ વધારી ઈ.સ. 1966માં. આ સમય ઑસ્ટ્રેલિયાના ઇતિહાસમાં મુખ્ય બદલાવ લાવનારો બની રહ્યો કેમ કે હૉલ્ટ પ્રમુખ સ્થાને આવ્યા તે પહેલાં શ્વેતો અને અશ્વેતો માટે ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટેના માપદંડો જુદા હતા. શ્વેતો માટે જે જરૂરી સમયગાળો પાંચ જ વર્ષ હતો, એ અન્યો માટે પંદર વર્ષનો હતો. હૅરોલ્ડ હૉલ્ટે દરેક માટે એને કાયદેસર પાંચ વર્ષનો એટલે કે સમાન કરી નાખ્યો. એટલું જ નહિ, એના સમયથી જ ઓસ્ટ્રેલિયા દેશાંતર માટેનું મૂલ્યાંકન વ્યક્તિનો રંગ, જાતિ કે રાષ્ટ્રીયતા નહિ, પણ એની યોગ્યતા, શૈક્ષણિક લાયકાત અને આ દેશમાં ગોઠવાવામાં અને દેશના વિકાસમાં ખપ લાગે એવાં એનાં કૌશલ્યો આધારિત થઈ ગયું. ‘વ્હાઇટ ઑસ્ટ્રેલિયા પૉલિસી’નાં આ વળતાં પાણી હતાં અને ‘સ્કિલ્ડ માઈગ્રેશન’નાં ચડતાં. લગભગ સાત સબળ દાયકાઓ પછી, છેવટે હવે શ્વેતરંગી ઑસ્ટ્રેલિયા બહુરંગી બનવાને પંથે હતું.

રેશિયલ ડિસ્ક્રીમિનેશન એક્ટ [Racial Discrimination Act]

(Source: https://castancentre.com/ )

હૉલ્ટ સરકારે ‘વ્હાઈટ ઑસ્ટ્રેલિયા પૉલિસી’ને વેરવિખેર કરી, પણ ઈ.સ. 1973માં એને કાયદેસરની હાંકી કાઢી વિટલમ સરકારે. ઑસ્ટ્રેલિયાના એકવીસમા વડા પ્રધાન ગૌફ વિટલમની સરકારમાં મિનિસ્ટર ફોર ઈમિગ્રેશન હતા અલ ગ્રાસબી (Al Grassby). ઑસ્ટ્રેલિયામાં પ્રસરેલા વંશ અને જાતિના ભેદભાવના એ સખત વિરોધી હતા. પોતાના સમયમાં ‘વ્હાઈટ ઑસ્ટ્રેલિયા પૉલિસી’ને નાબૂદ કરી માનવ હક્કોને લગતા ઘણા સુધારા કરવાને લીધે તેઓ ‘Father of Australian multiculturalism’ કહેવાયા. આગળ જતાં, ઈ.સ.1975માં વિટલમ સરકારે Immigration Restriction Actને લગભગ ઊંધો વાળતો Racial Discrimination Act પસાર કર્યો, જેના ભાગરૂપે દેશનાં કોઈપણ પ્રકારનાં સત્તાવાર કામ માટે જાતીય ધોરણોનો ઉપયોગ ગેરકાયદેસર ઠરાવવાનું જાહેર થયું. ઈ.સ. 1978માં ફ્રેઝર સરકારે એને કાયદાની મહોર મારી દીધી. ઈ.સ. 1981માં સરકારે Special Humanitarian Assistance Programme (SHP) જાહેર કર્યો, જેના ભાગરૂપે એશિયાના શરણાર્થીઓને પણ ઑસ્ટ્રૅલિયામાં રક્ષણ મેળવવાની છૂટ અપાઈ.

વીસમી સદી વિશ્વયુદ્ધો ઉપરાંત અનેક દેશોના આંતરવિગ્રહ ને આંતરિક ઊથલપાથલની પણ સાક્ષી બની હતી. ક્યાંક સામ્યવાદ ફેણ ચડાવીને બેઠો હતો તો ક્યાંક કેટલાંક રાષ્ટ્રો સ્વાતંત્ર્ય ચળવળમાં વ્યસ્ત હતાં. કારણ એક હોય યા બીજું, શરણનું કોઈ નિવારણ નહોતું. ઈ.સ. 1975થી 1985 વચ્ચે, વિયેતનામ યુદ્ધને અંતે નેવું હજાર જેટલા શરણાર્થીઓ તો માત્ર વિયેતનામ, કંબોડિયા અને લાઓમાંથી જ ઑસ્ટ્રેલિયા આવ્યા. લગભગ એ જ ગાળામાં લેબેનન આંતરવિગ્રહના સોળ હજાર શરણાર્થીઓ પણ આ દેશમાં ઉમેરાયા. બાકી, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, ઈરાક, અફઘાનિસ્તાન અને સુદાનથી લોકો હજી આજે પણ અહીં આવતા રહે છે. નહિ તો શું સાવેસાવ એકવિધ હતું એ ઑસ્ટ્રેલિયા આટલું અનેકવિધ બને !

આજે ઑસ્ટ્રેલિયામાં દેશાંતર માટે બે પદ્ધતિઓ અસ્તિત્વમાં છે; એક તો લાયકાત કે કૌટુંબિક કારણ અને બીજી શરણાર્થીઓ માટે માનવતાનાં ધોરણે રાજકીય આશ્રય. એનું પરિણામ એ આવ્યું છે કે અત્યારે વિશ્વના લગભગ તમામ દેશોનાં લોકો ઑસ્ટ્રેલિયામાં આવી વસ્યાં છે, જે પોતાની જુદી ભાષા, સંસ્કૃતિ અને આસ્તિકતાને અકબંધ રાખીને આનંદથી અહીં જીવે છે. અરે, વિશ્વમાં કદાચ સૌથી વધુ આંતરજ્ઞાતિ તો શું, આંતરસંસ્કૃતિ લગ્નો થતાં હોય તો એ ય ઑસ્ટ્રેલિયામાં છે!

જો કે આપણને વિચાર તો આવી જાય કે ક્યાં 1788ની એ સાલ, જ્યારે હજજારો આદિમવાસીઓનાં ઑસ્ટ્રેલિયામાં એ હજારેક શ્વેત આગંતુકોનું અણધાર્યું આવી ચડવું ! ક્યાં લગભગ સવા સદી પછીની 1901ની એ સાલ, જ્યારે તમામ અ-શ્વેતો તો શું મૂળ ઑસ્ટ્રેલિયન એવા આદિમવાસીઓની એ અઢીસો જાતિ સામે નાકનાં ટેરવાં ચડાવીને એમને બહારનો રસ્તો દેખાડી દેવો ! ને ક્યાં સવા બે સદી પછી, આ જ વર્ષ 2020નો ‘ઑસ્ટ્રૅલિયા દિવસ’(હા, આપણે પહેલા લેખમાં જાણ્યું એમ આ એ જ દિવસ જ્યારે આદિમવાસીઓની આ ભૂમિને અંગ્રેજોએ પોતાની જાહેર કરી દીધી હતી), જેને સત્કારવા ‘નવા ઑસ્ટ્રેલિયન્સ’ની એક નહિ, અનેક જાતિને લાલ જાજમ બિછાવી આવકાર અપાવો, અને એ એક જ દિવસે દસ દેશોનાં સત્યાવીસ હજાર લોકોને ઑસ્ટ્રેલિયાનું નાગરિકત્વ અપાવું ! ભલે, શ્વેતરંગી રંગાયેલ રાષ્ટ્રમાં આ બહુરંગી રંગોળી ફરી કેટલી મુશ્કેલીઓ વચ્ચે પૂરી શકાઈ, એ તો સાચું ‘ઉપરવાળા’ જ જાણે (બ્રિટન ઑસ્ટ્રેલિયાથી તો ઉપર જ ને) ! પણ આપણે જેટલું જાણ્યું એના પછી એટલું કહી શકીએ કે All’s well that ends well. જો કે અંત તો વ્હાઈટ ઑસ્ટ્રૅલિયા પૉલિસીનો થયો છે, આપણી લેખમાળાનો નહિ. ને આપણી આ લેખમાળાની, આ બહુરંગી ઑસ્ટ્રેલિયાની રંગોળી ભારતીય રંગ વિના પૂરી ય ક્યાંથી થાય ! બસ, તો લેખમાળાની ત્રીજી અને અંતિમ કડીમાં, આ બહુરંગી ઑસ્ટ્રેલિયામાં આપણે પૂરીશું ભાતીગળ ભારતીય રંગ ..

~~~~~~~~~~~~~

જેલમ હાર્દિક સિડની(ઓસ્ટ્રેલિયા)સ્થિત મીડિયા બ્રૉડકાસ્ટર છે.

e.mail : [email protected]

પ્રગટ : “ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક”; પુસ્તક 85, અંક 1; જાન્યુઆરી−માર્ચ 2020; પૃ. 23-35

Category :- Diaspora / Features