FEATURES

"શ્રુતિ આર્ટ્સ''ના પ્રણેતા, સુગમ સંગીતના મરમી ગાયક અને સાહિત્યના ઉપાસક ચંદુભાઈ મટાણીને સન્માનવા, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ લેસ્ટર શહેર સ્થિત સુખ્યાત બેલગ્રઈવ નેબર્હૂડ સેંટરમાં, રવિવાર 28 મેના બપોરે 2:00 થી 5:00 દરમિયાન એક સન્માનસમારોહનું આયોજન કરેલું હતું. આ આયોજનમાં આશરે બસો જેટલા ઉત્સુકોએ હાજરી આપી હતી. લંડન સમેત નોટિંગમ, બર્મીગમથી  પણ ઘણાં સાહિત્યકારો આવ્યાં હતાં. અકાદમીએ તો ઉત્સુકો સારુ લંડનથી એક કોચની વ્યવસ્થા કરેલી. અમેરિકાની ગુજરાતી વસાહતનાં પ્રતિનિધિ શાં સાહિત્યસર્જકો- પન્ના નાયક તથા નટવર ગાંધી પણ આ સમારોહના અતિથિ સહભાગી થવા ખાસ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ વિપુલ કલ્યાણીએ કર્યું હતું.

કાર્યક્રમનો આરંભ વિપુલભાઈના આવકાર ઉદ્બોધન સાથે થયો. ઉપસ્થિત સંગીત રસિયાઓ તેમ જ સાહિત્યરસિકોને આદરે આવકારતા વિપુલભાઈએ સૂચવ્યું હતું: "આપણે આ દેશના નાગરિક હોવાને નાતે માંચેસ્ટરમાં આતંકવાદની ઝાપટને કારણે આપણામાંના ઘણા નાગરિકો હણાયા. એમને અંતરનાં ઊંડાણમાં જઈ બે મિનિટ મૌનાંજલિ - શ્રદ્ધાંજલિ પાઠવીએ અને આ આતંકવાદ વધુ વકરે નહીં તે માટે પ્રાર્થના કરીએ." આતંકવાદનો ભોગ બનેલાઓને શ્રોતાવર્ગે બે મિનિટ મૌન અંજલિ આપી હતી.

પછી પોતાના સ્વાગત-પ્રવચનનું તાંતણું જોડતા વિપુલભાઈએ કહ્યું હતું: "યાદ આવે છે 1976ની સાલ? જ્યારે આ જ હૉલમાં એક કવિ સમ્મેલન થયેલું. 300થી 350 રસજ્ઞોની હાજરીથી ખીચોખીચ આ હોલમાં, 60 થી 70 જેટલા કવિઓની હાજરી પણ હતી. શ્રોતાઓમાંથી કેટલાક મિત્રોનું એક જૂથ સામેના ‘બોબી રેસ્ટોરન્ટ’માં જમવા જાય છે, અને ત્યાં થયેલી ચર્ચાવિચારણા બાદ તેમાંથી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની રચનાનું બીજ રોપાય છે. એ ઐતિહાસિક ઘટનાને આ વર્ષે 40 વરસ થવા જાય છે. ત્યારે આ પ્રસંગને યાદગાર બનાવવા ગુજરાતી સાહિત્ય અકાદામીએ આ દેશમાંના ગુજરાતી નાગરિક તરીકે ઓરશિયે પંડને સુખડ શું ઘસતાં ઘસતાં સમગ્ર ગુજરાતી સમાજ માટે કામ કર્યુઁ છે, એવા ચાર મિત્રોનું સન્માન કરવાનું નક્કી કર્યું છે. તેમાં આ બીજો અવસર છે અને તે છે ચંદુભાઈનો. ચંદુભાઈને આપણે સૌ જાણીએ છીએ, પણ હકીકતમાં આપણે એમને પૂરેપૂરા જાણતા નથી. ચંદુભાઈની સમગ્રયતાને પામવા આપણે એમનાં જીવનચરિતનાં વિવિધ પાસાંઓની વણકહી વાતો, એમનાં નીકટવર્તી મિત્રો અને સ્વજ્નો પાસેથી સાંભળવી જ પડે. ત્યારે જ આ માણસ કેવો હશે તેનો આપણને પૂરેપૂરો ખયાલ આવે." આમ કહી એમણે કાર્યક્રમની સુંદર ભૂમિકા બાંધી આપી.

લેસ્ટર નગર સ્થિત જાણીતાં ગુજરાતી વાર્તાકાર/નવલકથાકાર નયના પટેલને બોલવા માટે પ્રથમ પહેલાં મંચ પર આવવા આમંત્ર્યાં હતાં. નયનાબહેને સૌ પ્રથમ યજમાન સંસ્થાને બિરદાવતાં જણાવ્યું: "1976માં શરૂ થયેલી ગુજરાતી સાહિત્ય અકાદમી, સાહિત્યની અસ્મિતાને ટકાવી રાખી, ચાળીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે, તો સૌથી પહેલાં એ સંસ્થાને અભિનંદન. એ જ અરસામાં ઝામ્બિયા દેશના મુફલીરાથી આવેલા ને લેસ્ટરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિના ઉદ્દ્બોષક રહેલા તેમ જ ‘શ્રુતિ આર્ટ્સ'ના સ્વપ્નદૃષ્ટા ચંદુભાઈ મટાણીના આંગણે આવીને, અકાદમી ચંદુભાઈને સન્માને એવું ગૌરવ બીજું કયું હોઈ શકે?

એમનું મૂળ નામ તો ચંદ્રસિંહ મટાણી. સિંહ કદી એકલો ના ફરે. કુટુંબકબીલાને સાથે લઈને ફરે. એ પરિવાર આપણને "શ્રુતિ આર્ટસ" દ્વારા ચંદુભાઇએ આપ્યો. મુફલીરા છોડીને અહીં આવ્યા ત્યારે આફ્રિકામાં એક બહોળો પરિવાર છોડીને આવ્યા અને સાહિત્ય અને સંગીતના પાયા ઉપર અહીં પણ એક નવો પરિવાર સર્જી બતાવ્યો. આ ટાંકણે સુરેશ દલાલના શબ્દો યાદ આવે છે. સુરેશ દલાલ ચંદુભાઈના બહુ જ આત્મીય મિત્ર. આ જ હૉલમાં તે એકવાર બોલ્યા હતા: 'ચંદુભાઈના ઘરની દીવાલોમાંથી પણ સંગીતની સૂરાવલિ ઝરે છે.'

માંડવી ગામ વિશે ચંદુભાઈ બહુ સરસ લખે છે: જાજરમાન આ ગામે મને પંપાળ્યો, થાબડ્યો અને મારી અંદર રહેલી અભિપ્સા ને સંગીતભાવને વિકસવવા અનુકૂળ વાતાવરણ રચી આપ્યું.' તો ચંદુભાઈના આ માંડવી ગામને પણ હું વંદન કરું છું. ચંદુભાઈએ આ દેશમાં આવી પોતાના સંગીતરસની જિજ્ઞાસુઓની લહાણી કરી, એટલે ક્લાસિકલ અને પ્રેકટિકલ સંગીત સાંભળવાનો રસ ચાખવા મળ્યો; નહીં તો આપણામાંના કેટલાં ય હજુ પણ બોલીવુડનાં અરુચિકર સંગીતને માણતાં હોત. લોકસંગીત અને પ્રેક્ટિકલ સંગીત તરફ અભિરુચિ કેળવવમાં "શ્રુતિ આર્ટ્સ'નો ખૂબ મોટો ફાળો છે. એ તરફ આપણી ભૂખ જાગૃત કરી અને એ સાથે બીજા વિવિધ કાર્યક્રમો પ્રસ્તુત કરી એ ભૂખ ભાંગી. આજે ભારતમાં પણ ન મળતો હોય તેવો પરંપારિક નવરાત્રિનો ઉત્સવ અહીં માણવા મળે છે તે આપવાવાળાં આશિતભાઈ અને હેમાંગિનીબહેન દેસાઈ માટે સેકન્ડ હૉમ એટલે ચંદુભાઈનું ઘર. જાણીતાં અજાણ્યાં કલાકારો માટે આ ઘરનો દરવાજો સદાય ખુલ્લો જ રહ્યો છે. ચંદુભાઈ પણ "ધરતીનો છેડો' પુસ્તકમાં નોંધે છે કે, "મારી સામાન્ય સંગીતની પ્રવૃત્તિઓને કારણે ઘણાં કલાકારો, સાધુસંતો મારે ત્યાં આવતા.'' આવો ભીડો વેઠનાર આ સમગ્ર પરિવારને હું વંદન કરું છું.''

મારી સર્જનાત્મક પ્રવૃત્તિની ચંદુભાઈ સરાહના કરતા. વર્તમાનપત્રોમાં  મારી ધારાવાહિક છપાઈ હોય કે શોર્ટસ્ટોરી આવી હોય, ચંદુભાઈ મને અભિનંદન આપ્યા વિના રહે નહિ. એ જ રીતે લગ્નપ્રસંગે બેંડવાજા વગાડતા નાના કલાકારોની પણ પ્રશંસા કરવાનું પણ ચૂકતા નહિ. સુલેમાન જુમા એ જમાનામાં કચ્છનું ગૌરવ હતું, તેનાં ગીતોનું રેકોર્ડિંગ કરી અહીં લાવવું અને તેને સાંભળવું તેને જ સંગીત તરફનો સાચો પ્રેમ કહી શકાય. ચંદુભાઈનું સન્માન એટલે અમારા સૌનું સન્માન. આ ગૌરવનો લહાવો લઈ હું બેસી જાઉં છું.''

આ પછી આ દેશની એક અગત્યની વ્યક્તિ, અગ્રગણ્ય ગુજરાતી શહેરી, જાણીતા પત્રકાર અને સાહિત્યસર્જક વનુ જીવરાજનું પ્રવીણ લુક્કાએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જ્યારે વનુભાઈનાં પત્ની મંજુબહેન સોમૈયાને કુંજ કલ્યાણીએ શાલ ઓઢાડી સન્માનિત કર્યાં હતાં.

એ પછીનાં વક્તા રેખાબહેન પટેલ હતાં. ચંદુભાઈ જ્યારે મુફલીરા ગયા ત્યારે બત્રીસ લક્ષણા એમના બત્રીસ મિત્રો હતા. એમાંથી ઘટતા ઘટતા જે થોડા મિત્રો રહ્યા તેમાંના એક ગોવિંદભાઈ પટેલ. થોડા સમય પહેલાં જ એ પાછા થયા છે અને આજે એ જો હયાત હોત તો તે નેવુંમાં પ્રવેશ્યા હોત. રેખાબહેન એમના પુત્રી થાય.

રેખાબહેને મંચ પર પધારતં પહેલાં જણાવ્યું કે, "મને માફ કરજો. હું અંગ્રેજીમાં બોલીશ. મારે ચંદુકાકાનો પરિચય આપવાનો છે. ચંદુકાકા મારા બાપુજીના ખાસ મિત્ર હતા. ઝાંબિયામાં તેઓએ ખૂબ નિકટતા કેળવી હતી. ચંદુકાકા સાથે મારા પિતાશ્રીનો પરિચય 1953ની સાલમાં થયો હતો. અને ત્યાર પછી બન્ને વૈપારિક સંબંધથી જોડાયા હતા. એ ઉપરાંત બન્ને મિત્રો સાહિત્ય, સંગીત, ધાર્મિક અને સામાજિક સમાન રસપ્રવૃત્તિઓએ બન્નેને વધુ નજીક લાવી મૂક્યા હતા. ઝાંબિયા મૂકી, અહીં આવ્યા પછી પણ એમની મૈત્રી ચાલુ રહી હતી. કલાકો સુધી એકબીજા ફોન પર વાતો કરતા. મારા બાપુજી કાકાને સપોર્ટ કરતા. મેગેઝિનમાં કોઈ સારું લખાણ આવ્યું હોય તો તેનું કટિંગ મારા બાપુજીને ચંદુકાકા મોકલી આપતા અને બાપુજી એ વાંચીને કાકાને ફોન જોડતા અને પોતાનો અભિપ્રાય જણાવતા.

બે ય મિત્રો સાંસ્કૃિતક કલાઓનો કિંમતી ખજાનો ઝાંબિયાથી સાથે લઈને આવ્યા હતા. ઝાંબિયા હતા ત્યારે પણ ઘણા બધા આર્ટિસ્ટ્સ અને સાધુસંતો આવતા જેમને ચંદુકાકા અને મારા બાપુજી રાખતા, ફેરવતા અને એમની સંભાળ રાખતા. પુરુષોત્તમ ઉપાધ્યાય મહિનાઓના મહિનાઓ સુધી અમારે ત્યાં રહ્યા છે, રામ ભક્તે પણ અમારી મહેમાનગીરી માણી છે. આ મિત્રોને ભજનનો ઘણો શોખ હતો. 30 જણાની ભજનમંડળી સ્થાપી હતી અને દર અઠવાડિયે મુફલીરાથી 40 માઈલનું ડ્રાઈવિંગ કરી કાકા તેની ભજનમંડળી સાથે ન્ડોલા આવતા અને ભજનોની રમઝટ જમાવતા. આ કાર્યક્રમ ફક્ત મુફલીરા કે ન્ડોલા પૂરતો જ સીમિત ન રાખતાં એમણે બીજા દેશોમાં જઈને આવા ભજનના કાર્યક્રમો પણ પ્રસ્તુત કર્યા હતા. એમની ગાવાની શૈલી સાવ અલગ જ પ્રકારની હતી. રસજ્ઞોને ખબર પડે કે ચંદુભાઈ આવવાના છે, ત્યારે ભાવુકોથી ઘર ચિક્કાર ભરાઈ જતું. બાપુજી તબલાં વગાડે અને ચંદુભાઈ પોતાના કંઠમાધુર્ય વડે ભાવુકોને ભીંજવી નાખે. આમ ચંદુકાકા આફ્રિકામાં પોતાની ધાર્મિક, સાહિત્યિક અને સંગીતકીય પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેતા. અહીં આવીને પણ "શ્રૃતિ આર્ટ્સ'ના બેનર તળે એમણે આ પ્રવૃત્તિ ચાલુ રાખી છે. કાકાના બહુમાન પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.''

એ પછી ચંદુભાઈનાં સૌથી નાનાં દીકરી સાધના આશરે એક પુત્રીનાં નજરિયાથી મટાણી પરિવાર સાથેનાં પોતાનાં સંસ્મરણોનાં તાણાવાણા જોડવા માઈક હાથમાં લીધું અને ગુજરાતીમાં પોતે કદાચ પૂરી રીતે વ્યક્ત ના થઈ શકે એટલે શ્રોતાજનોની અનુમતિથી અંગ્રેજીમાં રજૂઆત કરી હતી જેનો સાર નીચે મુજબ નીકળતો હતો:

"આ વકતવ્ય મારા મોટાભાઈ હેમન્ત, અને મારી બહેન દીના વતી રજૂ કરું છું. ગુજરાતી સાહિત્ય અકાદમીએ મારા પિતાશ્રીને સન્માનિત કરવા માટે ગુજરાતી સાહિત્ય અકાદમીએ આ પ્રસંગ ખાસ યોજ્યો છે, જે માટે હું અકાદમીની આભારી છું. મારા પિતાજી ભારતથી આવીને થોડો સમય મલાવીમાં રહ્યા હતા અને ત્યાંથી ન્ડોલા અને ન્ડોલાથી શિફ્ટ થઈ મુફલીરા આવી વસ્યા હતા. એ પછી અમારો ત્રણ ભાઈબહેનનો ઝાંબિયામાં જન્મ થયેલો. ઝાંબિયામાં સ્થાયી થવામાં, ધંધાની શરૂઆત કરવામાં અને તેને વિકસાવવામાં મારાં મમ્મી-પપ્પાએ તનતોડ મહેનત કરેલી. પપ્પાનો સ્વભાવ મૂળે સેવાભાવી, એટલે ધંધો સંભાળવાની સાથે સાથે મુફલીરામાં લોક્સેવાનાં કામો પણ કરે, લોકોને મદદ કરવા દોડી જાય, એમનાં દુ:ખમાં ભાગીદારી કરે; આવાં કામથી એમને સંતોષ મળતો. એ સાથે પોતાના ગાવાના શોખને પણ પોષતા રહે, નવરાત્રીના દિવસોમાં ગરબા પણ ગવડાવે. સમાજસેવાનાં આવાં કામ એમને બહુ ગમતાં.

એ સાથે ઘરમાં એક આદર્શ પિતા તરીકે પોતાની ફરજ બજાવવાનું ઉતરદાયિત્વ પણ કદાપિ ચૂકયા નથી. પપ્પા ભલે જૂની પેઢીના હતા પણ તેમના વિચારો આધુનિક હતા. એક પ્રેમાળ પિતા હતા જે ક્યારે ય અમારી સ્વતંત્રતા આડે આવ્યા નહોતા. અમને ખૂબ વહાલ કરે, વાત્સલ્ય વર્ષાવે અને આંગળી ઝાલી ફરવા પણ લઈ જાય. પોતાનાં પૌત્ર - પૌત્રીઓ પર પણ આજે અનર્ગળ હેતની વર્ષા વર્ષાવે જ છે.

પપ્પાના સંગીતશોખને લીધે જીવનમાં ઉચ્ચ કક્ષાનાં કલા-તજજ્ઞોને મળવા-કરવાના અનેક પ્રસંગો આવ્યા છે. પપ્પાનો સ્વભાવ ખૂબ જ મિલનસાર હોવાથી કોઈ પણ વ્યક્તિ સાથે સાવ સહજપણે ભળી શકતા અને પપ્પાનું આ આભિજાત્ય વ્યક્તિત્વ દરેકને સ્પર્શી જતું.

40 વર્ષ પહેલા અમારા ભણતર ખાતર, અમારું ભવિષ્ય ઉજળું બનાવવા સારુ પપ્પાએ ઝાંબિયા છોડ્યું અને યુનાઇટેડ કિંગ્ડમ આવી લેસ્ટરમાં અઠ્ઠે દ્વારકા કર્યા, ત્યારે ઘણા મિત્રોએ પપ્પાની પડખે ઊભા રહી, એમને ટેકો કર્યો હતો અને તેમની મદદથી લેસ્ટરમાં પોતાના સ્વતંત્ર ધંધાનો પાયો નાખ્યો. ધંધાને વિકસાવવામાં રતનશીભાઈ, કાન્તિભાઈ, અમરશીભાઈ જેવા મિત્રોનો સાથ મળ્યો, એમાં પણ વળી મમ્મીની હૂંફ તો ખરી જ. મમ્મીએ પપ્પાના દરેક કામમાં પપ્પાનું ડાબું અંગ બની એક આદર્શ ગૃહિણીને છાજે એ રીતે ઘર સંભાળ્યું છે, એક વત્સલ માતા તરીકે સંતાનો ઉપર અનરાધાર વાત્સલ્યનો અભિષેક કર્યો છે. અને પપ્પાને પણ મમ્મીનાં સુખ દુ:ખમાં ટેકણ-લાકડી બની મમ્મીની પડખે ઊભા રહેલા નિહાળ્યા છે. પપ્પાએ પ્રીતિભાભીને પોતાની પુત્રવધૂ નહીં, પણ પોતાની દીકરી જ માની છે. કુટુંબવત્સલ પપ્પા પોતાના પૌત્ર-પૌત્રીઓને લાડ લડાવે પણ સાથે એજ્યુકેશનનું મૂલ્ય પણ સમજાવે..

અંતમાં નરસિંહ મહેતા રચિત અને  ગાંધીજીનું પ્રિય એવું - "વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' ભજનની પ્રસ્તુતિ કરી સાધનાબહેને ચંદુભાઈને વૈષ્ણવજન તરીકે બિરદાવી વકતવ્ય આટોપ્યું હતું.

"ચાળીસ વર્ષ પહેલાં જે સંસ્થાનો છોડ રોપ્યો હતો, તે કામ આજે ક્યાં પહોંચ્યું છે? બ્રિટન હો કે અમેરિકા, આફ્રિકા હો કે ભારત - ગુજરાત, નામ ઊભું કરવા માટે એક તપશ્ચર્યા કરવી પડે છે. એ તપશ્ચર્યા કરવા માટે "શ્રુતિ આર્ટસ"ના સામ્પ્રન્ત પ્રમુખ યોગેશ જોશી, કે જેઓ સંગીતના અચ્છા જાણતલ પણ છે તેમનો ચંદુભાઈને મજબૂત ટેકો મળતો રહ્યો છે.'' એમ કહી વિપુલ કલ્યાણીએ યોગેશ જોશીને પોતાનું વક્તવ્ય પેશ કરવા મંચ પર બોલાવ્યા હતા.

યોગેશ જોશી પોતાનો વાણીપ્રવાહ વહેતો મૂકતાં બોલ્યા : "1983માં શ્રુતિ આર્ટ્સ વિશેની એક સોચ, એક વિચાર, એક અભિગમ ચંદુભાઈએ એમના સાથી મિત્રો ડૉ. હીરાણી, ડૉ. વ્યાસ, પ્રતાપભાઈ જેવા સામે મૂક્યો અને સાથે મળીને પોતાની સંગીતની સૂઝ, પોતાનો સાહિત્યનો શોખ, જેને સંગીત ગળથૂથીમાં મળ્યું હતું એવા એક સક્ષમ ગાયક તરીકે ચંદુભાઈએ પોતાના શોખને આગળ વધાર્યો, જેમાં "શ્રુતિ આર્ટ્સ'' એક માધ્યમ બન્યું અને એક સારી સંસ્થાને એમણે જન્મ આપ્યો. શ્રુતિ એટલે બે સ્વર વચ્ચેની જગ્યા. જીવનમાં જ્યાં જરૂરિયાત પૂરી થાય છે અને આવશ્યક્તાની કદાચ ઇચ્છા પણ ના હોય ત્યારે એ બે વચ્ચેની જગ્યા એટલે સાહિત્ય, સંગીત વચ્ચેની જગ્યા. આવા સરસ નામે સંસ્થાની શરૂઆત કરી હતી.

છેલ્લા પાંચ વર્ષથી હું આ સંસ્થા સાથે જોડાયેલો છું. સંસ્થામાં જોડાયા પછી ચંદુભાઈના વ્યક્તિત્વએ મને વિચારતો કર્યો છે કે આ માણસ પોતાની સાથે વિચારને લઈને જ જાણે ચાલે છે. અને પોતાના વિચારનો તણખો સમાજ સુધી પહોંચાડે છે અને સમાજમાં પરિવર્તન લાવે છે. ચંદુભાઈની આવી આગવી સોચ વિશે ઉદાહરણ રૂપે બે ત્રણ દાખલા આપું:

પાંચ વર્ષ પહેલાં બ્રહ્મસમાજ હૉલમાં મહાત્મા ગાંધીના સ્ટેચ્યુનું ઉદ્દઘાટન હતું. ત્યાં હાજરી આપી અમે લફબોરો જતા હતા, ત્યારે ચંદુભાઇએ મને કારમાં વાત કરી હતી: "આપણી સાથે જીવનમાં શું રહે છે?  નામ નથી રહેતું, પદવી પણ નથી રહેતી, સંગીત પણ નહીં - આપણી સાથે તો રહે છે માત્ર આપણા નિ:સ્વાર્થ સુવિચારો and when selfless thoughts touches some one that makes a selfless life.

ચંદુભાઈએ ત્રીસ વર્ષ સુધી શ્રુતિ આર્ટ્સનું સુકાન સંભાળ્યું હતું અને આજે હું જરા પણ અતિશયોક્તિ વિના કહું છું કે ચંદુભાઈ હવે આ સંસ્થાનું સુકાન નવી પેઢી સંભાળે એવું વિચારે છે, નવી પેઢી, એક નવો અભિગમ, એક નવી દિશામાં આ સંસ્થાને આગળ ધપાવે  એવી ઇચ્છા અવારનવાર વ્યક્ત કરતા રહ્યા છે. નવા લોકો ને નવી વિચારધારા લાવવાં જરૂરી છે. છેલ્લાં વીસ વર્ષ દરમિયાન "શ્રુતિ આર્ટ્સ"ના આશ્રયે, ભારતથી લતા મંગેશકર, પંડિત રવિશંકર, ભીમસેન જોશી, પંડિત જશરાજ, નીખિલ બેનરજી જેવાં અનેક વિશ્વપ્રસિદ્ધ કલાકારો સાથે એમનો સંપર્ક રહ્યો છે અને આ સંપર્કનો લાભ શ્રુતિ દ્વારા આપણા સુધી પહોંચાડ્યો છે. આ કામ કંઈ સહેલું નથી. તન, મન અને ધન સમર્પિત કરીને ત્રીસ ત્રીસ વર્ષ સુધી ચંદુભાઈએ ઓરશિયે ચંદન ઘસાય તેમ ઘસાઈને કામ કાર્યું છે અને એ પણ ક્વોલિટી સ્ટાન્ડર્ડ પ્રકારનું થયું છે. તેનું એક ધોરણ પણ રહ્યું છે.

એક વાર ચંદુભાઈએ મને ફોન કરી એમને ઘેર બોલાવ્યો હતો. મને કહે, "આશિત અને હેમા દેસાઈ વર્ષોથી આવે છે. એમને મળીને કોઈ સરસ કાર્યક્રમ કરીએ તો? પણ શું કરવું તે મને સૂઝતું નથી.'' જે વ્યક્તિ આટલાં વર્ષોથી સંસ્થા ચલાવે છે, અસંખ્ય કલાકારોને બોલાવી સુંદર કાર્યકર્મો રચે છે તે માણસ મને પૂછી રહ્યો છે : મને ખબર નથી પડતી કે શું કરવું? આમ પૂછવા માટે પણ કરેજ હોવી જોઇએ. એમના ઉમળકાને વધાવી લેતા મેં કહ્યું: "ચાલો, આ વખતે આપણે કાંઈક જુદું કરીએ." અને 2010ની સાલમાં એક ભગીરથ વર્કશોપે આકાર લીધો જેનું નામ રાખ્યું હતું: 'Music for all and music for life.' છ અઠવાડિયા પર્યંત ચાલેલી આ વર્કશોપ માત્ર લેસ્ટરવાસીઓ માટે જ નહીં, આશિતભાઈ અને હેમાબહેન માટે પણ માઈલ્સ્ટોન બની રહી. અને લેસ્ટરની કમ્યુનિટીમાંથી 70 જેટલાં સંગીતરસિયાઓ આગળ આવી અમારી સંગીતસાધનામાં જોડાયાં એ કાંઈ ઓછા ગૌરવની બાબત કહેવાય?

ત્યાર પછી પણ ઘણા કાર્યક્રમો થયા છે, જેને કારણે "શ્રુતિ આર્ટ્સ'' નવી વાઈટાલિટીથી આગળ વધી છે. આ બધા કાર્યક્રમોના આયોજનોમાં ચંદુભાઈનું વિઝન મુખ્ય પથદર્શક રહ્યું હતું.'' આમ કહી યોગેશભાઈએ એક પ્રસ્તાવ મૂકતાં જણાવ્યું કે "હું આગ્રહ રાખું છું કે શ્રુતિ આર્ટ્સ'ની દરેક મિટિંગમાં શરૂઆતની દસ મિનિટ ચંદુભાઇને ફાળવવામાં આવે.'' આ પ્રસ્તાવ મૂકી ચંદુભાઇને સાભાર પ્રણામ કરી એમણે વકતવ્ય પૂરું કર્યું હતું.

એ પછી ચંદુભાઈના અંગત મિત્ર અને લેસ્ટર નગરનું ગૌરવ એવા અને શિક્ષણસંસ્થાઓના મુખી ડૉ. ગૌતમભાઈ બોડીવાલા પોતાનું પ્રવચન આપવા મંચ પર ઉપસ્થિત થયા હતા.

ગૌતમભાઈએ ગુલાબદાસ બ્રોકરની એક કાવ્યપંકતિ ટાંકીને કહ્યું કે, "અમે 70ની સાલમાં આ દેશમાં આવ્યાં. ત્યાર પછી સાત આઠ વર્ષ પછી એક કચ્છી ભાટિયા સજ્જ્ન આફ્રિકાથી લેસ્ટર નિવાસ કરવા સારુ આવે છે. આજે તેની યશગાથા ગાવાનું મન થાય છે." એ પછી ગુજરાતી સાહિત્ય અકાદમીના વર્તમાન પ્રમુખ વિપુલ કલ્યાણીને સંબોધી એમણે વકતવ્ય આગળ ચલાવતાં જણાવ્યું: "વિપુલભાઈ, તમે વર્ષો પહેલાં આ નગરીને "નર્મદ નગર'' તરીકે ઓળખાવી હતી. આજે એ નગરીમાં એક સ્વરસાધક્નું બહુમાન થાય છે ત્યારે રમેશ ગુપ્તાની એક ખૂબજ સુંદર કવિતાની પંક્તિ હોઠે ચડી આવે છે:

અમર કાવ્યો નર્મદના ગુંજે, ને નરસૈયો ભુલાય નહીં, મેઘાણીની શૌર્યકથાઓ મનથી તો વિસરાય નહીં.

સુવર્ણ અક્ષરે કવિઓ લખશે, યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતી, જય જય ગુજરાતી ...

અને જ્યારે આ ગાથાની નોંધ લેવાશે ત્યારે વિપુલભાઈ અને તેના સાથીદારોની યશગાથા લખાશે, કારણ કે એમના સાથ વડે ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થપાના થઈ છે. આજે એ યજમાન સંસ્થાની ઉપસ્થિતિમાં એક એવી વ્યક્તિનું સન્માન થાય છે કે જે આપણી સામે છે. તેમને સત્કારીએ અને પુરસ્કારીએ. સાગર અને નદીમાં આટલો જ ફરક હોય છે. વર્ષાની ગમે તેટલી વૃદ્ધિ થાય પરંતુ સાગર કદી છલક્તો નથી. જ્યારે નદી ઉભરાય છે. એક સારા અને એક સાધારણ માણસ વચ્ચે આટલો ફેર રહ્યો છે. આપણા ચંદુભાઈ આવા છે:

લાંબુ કદ ને ચમકતો ચહેરો, શિરે પાઘડી ચાંદીની
ગીતો ગાતો તોળી તોળીને છેલ છબીલો ગુજરાતી
ભલે લાગતો ભોળો પણ એ છે છેલ છબીલો ગુજરાતી

આ છેલ છબીલા ગુજરાતી ચંદુભાઈનો જન્મ 1934માં એક સંસ્કારસમૃદ્ધ ભાટિયા કુટુંબમાં થયો. 16 વરસની ઉંમરે મોટાભાઈના હાર્મોનિયમ પર જાતે પ્રયત્ન કરી સંગીત શીખ્યા. 19 વર્ષની ઉંમરે વહાણ વાટે આફ્રિકા ગયા. પાંચ વરસ પછી એમને વિચાર આવ્યો કે જીવનમાં કોઈકની જરૂર છે એટલે પાછા ભારત આવ્યા ત્યાં કુમુદબહેન સાથે મેળાપ થયો. અને એ મેળાપ પછી પરિણયમાં જન્મતાં ચંદુભાઈ કુમુદબહેનને પરણી, પાછા ઝાંબિયા ફર્યા. ઝાંબિયામાં સફળતાપૂર્વક વેપાર કર્યો. એ સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ એટલા જ કાર્યરત રહ્યા અને ત્યાંના "હિંદુ સમાજ''નું પ્રમુખપદ સંભાળ્યું. ઝાંબિયામાં પહેલી જ વાર પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયની મુલાકાત થઈ અને એમણે એમને સુગમસંગીત તરફ વાળ્યા. આપણા સૌની બલિહારી કહેવાય કે 1977માં લેસ્ટરમાં આવી તેમણે લેસ્ટર નગરીને પોતાની કર્મભૂમિ બનાવી.

ચંદુભાઇ માટે 1983નું વર્ષ ખૂબ લાભવંતુ પુરવાર થયું કહી શકાય. 1983માં શ્રુતિ આર્ટસની સ્થાપના કરી હતી, એ જ વર્ષમાં પ્રથમ પૌત્રી શેફાલીનો જન્મ થયો, એમની પ્રથમ રેકોર્ડ "ભક્તિમૈત્રી'' પણ એ જ વર્ષમાં બહાર પડી હતી. આ બધી મળેલી સિદ્ધિઓનાં કારણે 1983ની સાલ ચંદુભાઈ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. એ જ રીત ચંદુભાઈ માટે મે મહિનાનું મહત્ત્વ પણ ખાસ રહ્યું છે. આ મહિનામાં એમનો જન્મદિન આવે છે અને જીવનની 83માં વર્ષની મજલ પૂરી કરી 84માં પ્રવેશ કરશે. ચંદુભાઇએ એમના સમગ્ર પરિવારને ચંદરવાની શીતળ છાયા આપી છે. 60 વર્ષનાં દામ્પત્યજીવન દરમિયાન કુમુદબહેન એક સફેદ કમળ જે હંમેશાં ચાંદનીમાં ખીલે તેમ આ કુમુદ ચંદ્રની ચાંદનીમાં 60 વર્ષ ખીલતાં રહ્યાં છે. કુમુદબહેન આખી જિંદગી ચંદુભાઈનો આધારસ્થંભ બનીને એમના તાલ અને રંગમાં સાથ આપ્યો છે."

ચંદુભાઈ સાથેની મૈત્રીનો અછડતો ઉલ્લેખ કરી ગૌતમભાઈએ ઉશનસ્ની કવિતાના કાવ્યપાઠ દ્વારા એ મૈત્રીની આ રીતે મૂલવણી કરી હતી:

પૃથ્વી સમું નહીં બેસણું, આભ સમું નહીં છત્ર,
પ્રેમ સમી નહીં માધુરી, ચંદુભાઈ આપસા નહીં મિત્ર.

એ પછી ગૌતમભાઇએ ચંદુભાઈના સંપર્કમાં આવેલા કેટલાંક નામી સાહિત્યકારોનાં નામ પ્રસ્તુત કર્યાં હતા. તેમાં પન્ના નાયક, સુરેશ દલાલ, રઘુવીર ચૌધરી, ગુણવંત શાહ, જવાહર બક્ષી વગેરે નામો મોખરે હતાં.

સંગીતના કલાકારો સાથે તો ચંદુભાઈનો આફ્રિકાનિવાસથી ઘરોબો રહ્યો હતો. સ્વરકિન્નરી લતા મંગેશકરને બધા 'મા સરસ્વતી' તરીકે માન આપે, એ લતાજી ચંદુભાઈને એમના ઘરમાં રસોઈ કરીને ખવડાવે એ શું નાનીસૂની બાબત છે? અને એ છાંટા મારા જેવા ચંદુભાઈના મિત્રને પણ ઉડ્યા વિના રહે ! એ છાંટાના પ્રતાપે પંડિત શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચોરસિયા જેવા મહાન કલાકારોની વ્યક્તિગત મુલાકાતોનો મને લાભ મળ્યો. કોઈ પણ કલાકાર એવો નહીં હોય કે જેણે ચંદુભાઈની વિદ્વતા અને આગતાસ્વાગતાની પરોણાગત માણી નહીં હોય. પણ સંગીત એમના જીવનમાં મુખર રહ્યું છે. લેસ્ટરને ‘શ્રુતિ આર્ટસ' દ્વારા એક નવું પરિમાણ, નવું ચેતન આપનાર ચંદુભાઈની આવનારી પેઢી સદા ઋણી રહેશે. ચીનુ મોદીની આ પંકતિ ચંદુભાઈના કાર્યને એકદમ બંધબેસતી લાગશે: 

જાત ઝાકળની પણ કેવી ખુમારી હોય છે?
પુષ્પ જેવા પુષ્પ ઉપર તેની સવારી હોય છે.

એ ઝાકળની તાજગી, તેની લાક્ષણિકતા આજે 83 વર્ષના આરંભકાળે પણ ચંદુભાઈના ચહેરા પર ઝળકતી રહી છે. પોતે એક નિષ્ણાત કલાકાર હોવા છતાં વિવેક એમના શ્વાસમાં અને નમ્રતા એમના સ્વભાવમાં ધબકે છે. સંગીતમય જીવન અને ગીતો-ગઝલોનો વ્યાસંગ એમનાં માર્ગદર્શક બને છે. શ્રુતિ એ ઝરણું અને ચંદુભાઈ એના સાગર." કહી ગૌતમભાઈએ ચંદુભાઈને ઉચિત અભિનંદન પાઠવ્યાં હતા.

કાર્યક્રમના બીજા દોરમાં પન્ના નાયકનાં બે પુસ્તકો - "વિદેશિની' અને "દ્વિદેશિની'નું તેમ જ નટવર ગાંધીના ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ પુસ્તકનું વિમોચન અને તેઓને સાંભળવાનો ઉપક્રમ હતો. એ દોર શરૂ કરતા પહેલાં વિપુલ કલ્યાણીએ આ કાર્યક્રમમાં હાજરી આપવા અમેરિકાથી ખાસ પધારેલાં આ બન્ને સારસ્વતોનું સ્વાગત કરી, ટૂંકમાં એમનો પરિચય કરાવતા જણાવ્યું કે: "આપણું સદ્દભાગ્ય છે કે નટવર ગાંધી જેવા આપણા એક અતિથિ છે, અને એક અજાણ્યા ગાંધીની આત્મક્થા લઈને આવ્યા છે. ત્રણ દેશોને જોડતી આ એમની પોતકી કથા છે'' એ પછી પન્ના નાયક બોલવા ઊભાં થયાં હતાં.

પન્ના નાયક પોતાનું સંભાષણમાં બોલ્યાં: "મારી પાસે કોઈ નોટ્સ નથી. બહાર મારે જ્યારે બોલવાનું હોય છે ત્યારે હું તૈયારી કરીને આવું. આજે મેં તૈયારી કરી નથી. અત્યારે મારા એક મિત્ર મને યાદ આવે છે. તે મને કહેતા, તૈયારી કરવાની નહીં. ભગવાન જે બોલાવે તે બોલવાનું. એટલે ભગવાન જે બોલાવશે તે બોલીશ. આજે આ પ્રસંગમાં સુ.દ. હાજર હોત તો ખૂબ રાજી થાત. સુ.દ. મારા પરમ મિત્ર હતા, કૉલેજકાળની મૈત્રી હતી. અમારો તુંતાનો સંબંધ બહુ વિચિત્ર લાગે પણ અમારે એ જાતની મૈત્રી હતી. સુરેશ જ્યારે પણ લેસ્ટરની વાત કરે ત્યારે અચૂક ચંદુભાઇનો ઉલ્લેખ કરે જ. એટલે ચંદુભાઇ એટલે લેસ્ટર અને લેસ્ટર એટલે ચંદુભાઈ! અમારો ચંદુભાઈ સાથે ઘરોબો બંધાયો તેની જો કડી હોય તો તે સુરેશ દલાલ છે. એટલે એ જો હાજર હોત તો ખૂબ રાજી થાત તે હું ચોક્કસપણે માનું છું. સુરેશ નથી તો તેની અવેજીમાં હું હાજર છું.

ચંદુભાઈનું વ્યક્તિત્વ એટલું સુંદર છે કે અમેરિકાથી ઊડીને અહીં આવવાનું મન થાય. એમનો વિવેક, એમનું ચૂંબકીય આકર્ષણ અમને અહીં ખેંચી લાવે છે. ચંદુભાઈ કેટલા બધા કલાકારોને જાણે છે. આ કલાકારોને જાણવા એ પૂરતું નથી; પરંતુ એમને ઉત્તેજન આપવું, એમનાં કામને સધિયારો આપવો એ કેટલી બધી મોટી વાત છે. અને એ કામ ચંદુભાઇએ કર્યું છે. "શ્રુતિ આર્ટ્સ''ની સ્થાપના એ એમની જ સૂઝ હતી. એ કેટલો બધો મોટો વિચાર માગી લે છે. આજે ભલે એ સંસ્થાને 40 વર્ષ થયાં હશે પણ જ્યારે આ બીજ વાવ્યું ત્યારે ખબર નહોતી કે આ બીજમાંથી એક દિવસ આવડું મોટું વડલાનું વૃક્ષ થશે. અને આજે ખરેખર એ વડલાનું વૃક્ષ થયું છે તેનો સમૂળો યશ ચંદુભાઈને જાય છે. એટલે ચંદુભાઈ, તમારા માટે અમને જે માન અને આકર્ષણ છે તે આ થકી છે કે તમે સાહિત્ય અને સંગીતની આ ભૂમિને જે પાવન કરી છે તે આ 'શ્રુતિ આર્ટ્સ' થકી. કેટલા બધા કલાકારોને તમે પોષ્યા છે? અને આશિત દેસાઈ અને હેમાબહેનનું નામ લેતાં ચંદુભાઈનું મોં રાતું! તમે આ કાર્યક્રમમાં પધારવા અમને નિમંત્રણ મોકલ્યું તે બદલ તમારા ખૂબ આભારી છીએ.

હું બહુ નાની હતી ત્યારથી મારે કવિ થવાનું મન હતું. પણ હું કવિ થઈશ, મારા સંગ્રહો બહાર પડશે, એવી કોઈ મને કલ્પના જ નહોતી. હું નાની હતી ત્યારે અમારા ઘરને સાહિત્ય સાથે ઘરોબો હતો ખરો. મારા પપ્પા પ્રેસના ધંધામાં હતા  એટલે ઘણબધા સાહિત્યકારો સાથે પરિચય બંધાયો હતો. હું કૉલેજમાં ગઈ ત્યારે પણ ઈકોનોમિક્સ કે પોલિટિક્સના વિષયો સાથે ગ્રેજ્યૂએટ થઈ હોત, પણ મેં ગુજરાતી વિષય લીધો અને કૉલેજમાં ઝાલાસાહેબ જેવા પ્રોફેસર હતા. નાટકોમાં પણ ભાગ લીધો હતો. અને કવિતા લખવાની મારામાં સજ્જતા પણ હતી. પણ મેં કોઇ દિવસ કવિતા લખી નહીં. પણ ફિલાડેલ્ફિયા શહેરે મારામાં કોણ જાણે કેવી રીત પરિવર્તન કરી નાખ્યું અને મને કવયિત્રી બનાવી દીધી. મેં થોડી કવિતાઓ લખી અને સુરેશને બતાવી અને તેણે કહ્યું કે "આ તો અદ્દભુત છે!  અત્યાર સુધી પુરુષ કવિઓ જ સ્ત્રી સંવેદનાની વાતો કરતા હતા, પણ આ વખતે પહેલી વાર એવું બન્યું કે એક સ્ત્રી પોતે જ સ્ત્રીની લાગણીઓની વાત કરે છે." સુરેશે મારામાં વિશ્વાસ મૂક્યો કે હું કવિ થઈ શકું. માટે હું સુરેશની આભારી છું. એની નિષ્ઠા, એની નિસ્બત, અને મારા પ્રત્યેનો એનો નિ:સ્વાર્થ પ્રેમ અને મારા સર્જનાત્મક કર્તૃત્વ માટે હું એની ઋણી છું.

ફિલાડેલફિયામાં હું યુનિવર્સિટીમાં કામ કરતી હતી. ત્યાં ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં જાતજાતના માણસો આવે, સાહિત્યકારો પણ આવે. એક વાર બોસ્ટનથી કવયત્રિ એન સેક્ષ્ટન આવેલાં. ત્યારે એની કવિતા સાંભળવાનો મને લહાવો મળ્યો. તેણે એની કાવ્યરચનાઓનું એક પુસ્તક મને આપેલું અને તે હું વાંચી ગયેલી. તે પુસ્તકની પ્રસ્તાવનામાં તેણે લખ્યું છે - એક વાર મને મૅન્ટલ બ્રેક ડાઉન થઈ ગયેલો સાઇક્રિયાસ્ટ પાસે ગઈ તો તેણે કહ્યું કે, 'તારા મનમાં આવે તે લખ, એ જ એક ઇલાજ છે.'  અને એમ તેણે લખવાનું શરૂ કરેલું. અને પછી જેમ જેમ એની કવિતા હું વાંચતી ગઈ તેમ તેમ મારી લાગણીઓનો તાળો પણ એની સાથે મળતો ગયો. મને થયું કે એ કેટલી પારદર્શક છે. કેવી પ્રામાણિક છે! અને મારે પણ ઘણું બધું કહેવાનું છે. તો હું શા માટે કવિતા ના લખું? અને એક નાનકડું કાવ્ય લખી મેં કવિતા લખવાનું શરૂ કર્યું. મુંબઈમાં ઘણાં બધાં વર્ષો ગાળ્યા તેના અનુભવનાં કાવ્યો, અમેરિકાની પ્રકૃતિશોભાનાં કાવ્યો, મારી બા વિશેનાં કાવ્યો અને હવે હું ફિલડેલફિયામાં રહું છું અને ભારતને કેવી નજરે જોઉં છું, ઇન્સાઈડર અને આઉટસઈડર તરીકે એ બન્ને પ્રકારનાં કાવ્યો પણ લખ્યાં છે." એમ કહી પોતાની એક કાવ્યરચના પ્રસ્તુત કરી પન્નબહેન પોતાનું સંભાષણ સમેટ્યું હતું.

પન્ના નાયક પછી નટવર ગાંધીનો વારો હતો. તેમણે ઉપનિષદની ઋચાની રજૂઆત સાથે માનવહૈયાની વ્યાખ્યા બાંધી આપતાં જણાવ્યું: "માનવ અને પશુમાં તાત્વિક ફેર છે તે આટલો જ કે માણસમાં સાહિત્ય, સંગીત અને કલાની સમજ હોય છે, પશુઓમાં એ હોતી નથી. આ કલાઓનો જેનામાં સર્વોચ્ચ સમન્વય થયો હોય તો તે છે ચંદુભાઈ. હું 30/35 વર્ષ પહેલાં જ્યારે લંડન આવવા વિચાર કરતો હતો ત્યારે સુરેશ દલાલે લખેલું કે લેસ્ટર જાઓ તો ચંદુભાઈને જરૂર મળજો. એ પછી જ્યારે પણ લંડન આવું છું ત્યારે અમારા માટે ત્રણ કુટુંબો અગત્યનાં છે. વિક્રમ અને અલકા શાહ, કુન્જ અને વિપુલ કલ્યાણી અને ત્રીજાં કુમુદબહેન અને ચંદુભાઇ.''

આટલી પ્રસ્તાવિક ભૂમિકા બાંધ્યા પછી એમણે વીસેક વર્ષ પહેલાં ચંદુભાઇ રોડેશિયા ગયેલા ત્યારે મકરન્દ દવેએ રચેલું એક ભજન કે જેમાં ભજન અને ભોજન વચ્ચે રહેલી તાત્વિક ભેદરેખાને સુસ્પષ્ટ કરતું સાંઈ મકરન્દનું એ ભજન ચંદુભાઈએ સ્વરબદ્ધ કરેલું તેની સ્મૃતિ કરાવી હતી. અમારું સૌભાગ્ય એ છે કે એ જીવનાનંદના પ્રતીક સમા ચંદુભાઇના સન્માનમાં અમે હાજર છીએ.

વિપુલભાઈએ કહ્યું તેમ મારી જે જીવનયાત્રા છે તેને આ પુસ્તકમાં લખવાનો મેં પ્રયત્ન કર્યો છે. જીવનજરૂરિયાત્ની પ્રાથમિક ચીજોથી વંચિત એવા સૌરાષ્ટ્રના એક નાના ગામડામાં મારો ઉછેર થયો છે. એવા ગામમાંથી નીકળી હું મુંબઈ આવ્યો અને મૂળજી જેઠા માર્કેટમાં કામ કર્યું અને ત્યાંથી સદ્દભાગ્યે અમેરિકા આવી વસ્યો. હું જ્યારે માનવજીવનના યાત્રાસંઘર્ષ તરફ નજર કરું છું ત્યારે મને બે વસ્તુ સ્પષ્ટ થાય છે. ઘણી વાર માણસ પોતાની સિદ્ધિઓથી હરખાઈ જતો હોય છે. અને તેને માટે કહીએ છીએ કે, ભાઈ, એ તો self made man છે. પણ મારી દૃષ્ટિએ એ એક myth છે. - કપોળકલ્પિત વાત છે. આપણને કોઈ ને કોઈ મદદ કરતું જ હોય છે. ત્યારે જ આપણે આગળ વધીએ છીએ. આ એક બહુ જ અગત્યની વાત છે. અને બીજી અગત્યની વાત એ છે કે, ગમે તેટલાં પ્લાનિંગ કરીએ પણ આખરે નિયતિ પર બધું નિર્ભર હોય છે, આજે હું મારો વિચાર કરું છું કે, હું ક્યાં કયાં ફર્યો અને કેવી કેવી વ્યક્તિઓને મળ્યો ત્યારે મને લાગે છે કે એ પણ કર્મનું જ ફળ છે.'' આટલું કહી નટવરભાઈએ સૂરદાસનાં ભજનની એક પંક્તિ રજૂ કરી, વાણીને વિરામ આપ્યો હતો.

પ્રસંગના અંતિમ ચરણમાં સંચાલકપદેથી વિપુલ કલ્યાણી ચંદુભાઈના ફોટોગ્રાફી શોખનો અછડતો ઉલ્લેખ કરી બોલ્યા હતા કે ‘ચંદુભાઈ સંગીતની દુનિયામાં ન આવ્યા હોત તો આપણને એક મજબૂત ફોટોગ્રાફર મળ્યા હોત.’ લેસ્ટર નગરમાં અકાદમીએ નર્મદની 125મી જન્મજયંતી ઉજવવાનું બીડું ઝડપ્યું હતું ત્યારે ચંદુભાઈ લેસ્ટરમાં હજી પોતાના પગ ખોડી રહ્યા હતા એવે સમયે ચંદુભાઈએ અકાદમીના બે મુખ્ય અતિથિઓ - મનુભાઇ પંચોળી 'દર્શક' અને રઘુવીરભાઇ ચૌધરીને પોતાના ઘેર મહેમાન તરીકે રાખ્યા હતા. એ પછી અકાદમીના બીજા ઘણા કાર્યક્રમો થયા તેમાં ચંદુભાઈએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, એટલું જ નહીં પણ તેઓ તન, મન અને ધનથી પણ ઘસાતા રહ્યા હતા. એમણે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી' એ ગીત સ્વરબદ્ધ કરી આપ્યું તે તો આપણો જયઘોષ બની ગયો. ગાયકીમાં એમણે પોતાની એક મુદ્રા ઊભી કરી છે. અકાદમીને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે તેઓ અકાદમીના ટેકેદાર બની સાથે રહ્યા છે. ચંદુભાઈનું સન્માન એ આ દેશની ગુજરાતી આલમનું પણ સન્માન છે. એ સન્માનમાં આપણે જોડાઇએ છીએ તેનો મને ખૂબ આનંદ છે.''

ચંપાબહેન પટેલ એક ચિત્રકાર પણ છે. એમનાં ચિત્રો અવારનવાર એક્ઝિબિશનમાં પણ મુકાય છે. વળી ચંદુભાઈના પરિવાર સાથે ઝાંબિયાથી જ ઘરોબો એટલે ચંદુભાઈને એમણે એક ખાસ તૈયાર કરેલું તૈલચિત્ર ભેટ આપ્યું હતું. તેમ ગુજરાતી સાહિત્ય અકાદમીએ શાલ અને પદક આપીને ચંદુભાઈને સન્માન્યા હતા. "ઓપિનિયન" તેમ જ કલ્યાણી પરિવાર તરફથી પણ ઉપહાર આપી ચંદુભાઈનું ઉચિત સન્માન કરવામાં આવ્યું હતું.

સન્માનસમારંભના અંતિમ તબક્કામાં ચંદુભાઈ પોતાનો પ્રતિભાવ આપતા સૌપ્રથમ મંચીય મહાનુભાવોનો અને બહોળી સંખ્યામાં પધારેલા મિત્રો, સ્નેહીજનો, અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો. અને પછી ગદગદ થઈ જતાં બોલ્યા : ''મારા વિશે ઘણુંબધું કહેવાઈ ગયું છે એટલે મારે ખાસ બોલવા જેવું નથી. કચ્છ માંડવી જેવા એક નાનકડા શહેરમાં એક વૈષ્ણવ પરિવારમાં મારો જન્મ થયો અને ત્યારથી મને સંગીતનો શોખ લાગ્યો. 19 વર્ષની ઉંમરે મારા મોટાભાઈ રતુભાઈને મને મોઝામ્બિક બોલાવવા માટે મેં પત્ર લખ્યો. મોટાભાઈ મોઝામ્બિકથી દેશમાં ફરવા આવે ત્યારે હું એમને ટાઈ-સૂટમાં નિહાળું અને હું એમાં મોહી પડ્યો. અને આમ મોટાભાઈની મદદથી 19 વર્ષની ઉઁમરે મોઝામ્બિક જવા માટે નીકળી પડ્યો.

પરંતુ એ સમયે પોર્ટુગીઝ આફ્રિકા જવાય એવી સ્થિતિ નહોતી. કારણ કે એ વખતે ભારત અને પોર્ટુગલ સરકાર વચ્ચે તનાવ હતો. એટલે મોટાભાઈએ મલાવી જે મુલક એ જમાનામાં ન્યાસાલેન્ડ તરીકે ઓળખાતો હતો ત્યાં એક જોશી નામના પરિવારની પેઢીમાં માહવાર રૂપિયા 350/-ના પગારવાળી નોકરીમાં લગાડી દીધો, ત્યારે ખબર પડી, આફ્રિકામાં માત્ર ટાઈ જ નથી પહેરવાની, મહેનત પણ કરવાની છે. અને મેં એ પેઢીમાં પોણા બે વરસ નોકરી કરી અને ત્યાર પછી 1976ની આખરમાં નોર્ધન રૉડેશિયા જે અત્યારે ઝાંબિયા કહેવાય છે ત્યાં મારું આવવાનું થયું. ઝંબિયામાં અમારા સ્નેહી લખુભાઈ ઉદેશી અને રતનશી વેદની ભાગીદારીમાં રીટેલ સ્ટોર્સ શરૂ કર્યા. આ લોકોને ખબર હતી કે મને સંગીતનો શોખ છે એટલે ધંધામાં મારું બહુ ચિત્ત ચોંટશે નહિ, એટલે ધંધાનો કારભાર એ લોકો સંભાળતા હતા. અને મેં ઝાંબિયામાં 23 વર્ષ પસાર કર્યાં. સાથે મારો સંગીતશોખ પણ પોષતો રહ્યો. ત્યાં પણ ઘણા મિત્રો કર્યા અને આ રીતે યાત્રા આગળ ચાલતી રહી. પરંતુ આગળ જતાં સંતાનોને ભણાવવાની સમસ્યાને અગ્રિમતા આપી, હું 1977માં ઇંગ્લેંન્ડ આવ્યો અને હવે તો ઇંગ્લેંન્ડમાં પણ ચાળીસ જેટલાં વર્ષો થવા આવ્યાં છે. પણ મને કહેવા દો, કોઇને કોઇ શક્તિ આપણને મદદ કરવા આવે છે. અને આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે? મારા જીવનમાં પણ કોઈ અમોઘ શક્તિ આવી અને મને મદદ કરી ગઈ. ઘણી વ્યક્તિઓની શક્તિએ મને આગળ વધવામાં મદદ કરી છે.

મારી સાહિત્ય અને સંગીતાપ્રીતિ વિશે વાત કરવા બેસું તો મારે ત્રણ વ્યક્તિઓ પ્રતિ મારો ઋણભાવ વ્યક્ત કરવો જોઇએ, જેમણે મારી પ્રગતિમાં ખૂબ ભાગ ભજવ્યો છે. એક તો પુરુષોત્તમ ઉપાધ્યાય જેમની સાથે મારી મૈત્રી 1964માં ઝાંબિયામાં બંધાઈ હતી અને આ મિત્રતા આજ સુધી ચાલુ છે. સુગમ સંગીત શું છે તેની સાચી સમજ અને દિક્ષા મને આ સંગીત વિશારદ મિત્રએ આપી. અને એમના થકી બીજીયે ઘણી ઓળખાણો થઈ.

બીજો ઋણભાવ મારે આશિત અને હેમા દેસાઈને વ્યક્ત કરવાનો છે. 1981ની સાલમાં આ સંગીતસાધ્ય યુગ્લ લેસ્ટર આવ્યું, ત્યારથી અમે એકમેક મૈત્રી દોરની ગાંઠે બંધાઈ ગયા હતા. અને આ કૌટુમ્બિક સંબંધો આજ દિવસ સુધી જળવાયા છે. એમના તરફ વિશેષ આકર્ષણ જાગવાનું એક કારણ એ હતું કે આશિતભાઇ પોતે સંગીતકાર, સ્વરકાર અને ગાયક તો ખરા. પણ અમારા "સોન-રૂપા"ના લગભગ દોઢસો મ્યુિઝકલ આલ્બમ્સ એકાદ બે અપવાદ બાદ કરતાં બીજા બધા આલ્બમ્સનું સંગીત આશિતભાઈએ તૈયાર કર્યું છે. આ અલબમ્સ ગુજરાતી આલમમાં ખૂબ ખૂબ લોકપ્રિય થયાં છે. આ અલ્બમ્સ તૈયાર કરવાનો તમે ભલે મને યશ દેતા હો, પરંતુ તે યશ તો ખરેખર મારા પુત્ર હેમન્તને જાય છે. આજે ક્લાસિકલ સંગીત સાંભળવાની કોઈને ફુરસદ નથી ત્યારે દસ દસ મિનિટનાં ક્લાસિકલ સંગીત આધારિત પોપ-મ્યુિઝકનું ખેડાણ પોતાની આગવી સૂઝ અને સમજથી હેમન્તે કર્યું છે. અને પ્રીતિ પણ હેમન્તને આ કામમાં સાથ આપે છે.

ત્રીજી વ્યક્તિ કે જેનું મારે ઋણ ચૂકવવાનું છે તે છે ડો. સુરેશ દલાલ. સુરેશ દલાલે સાહિત્યની એક નવી દિશા બતાવી છે. એમના થકી ઈંગ્લેન્ડની કન્ટ્રીસાઈડ જોવાનો મોકો મળ્યો. અનેક કવિઓની મુલાકાતો લીધી હતી. જીવનમાં એ મને એક ખૂબ અદભુત ભેટ આપી ગયા છે. એમણે શ્રીનાથજીનાં આઠ પદો લખેલાં તે પદો મને ગિફ્ટમાં આપેલાં. પછી આશિત દેસાઈ પાસે તેનું સ્વરાંકન કરાવી એક આલ્બમ તૈયાર કરાવેલું, જે ખૂબ પ્રસિદ્ધ થયું અને આજે દુનિયાના લોકો તે સાંભળીને ખૂબ આનંદ ઉઠાવે છે. મોટા ગજાના આર્ટિસ્ટો સાથે મુંબઈના 'નહેરુ સેન્ટર'માં એક દિવસ આ પદો ગાવાનો મને પણ લહાવો મળશે તેની કલ્પના કરી નહોતી. આ પ્રાપ્તિનો યશ પણ હું સુરેશભાઈને આપું છું. આજે એમની ખૂબ ખોટ અનુભવાય છે.

વિપુલભાઈ આગળ કહી ગયા તેમ 1983માં રુશીમીડ સ્કૂલમાં અકાદમીનું ભાષા-સાહિત્યનું અધિવેશન ભરાયું હતું, ત્યારે પરિષદના બે મોટા અતિથિઓના યજમાન બનવાનું થયું, તેમ જ અન્ય કલાકારો સાથે મળીને સાંકૃતિક કાર્યક્રમ પેશ કરવાનું બન્યું. ત્યાર પછી અકાદમીના ઘણા બધા કાર્યક્રમોમાં મેં હાજરી આપી છે અને સંગીત પીરસ્યું છે.

હવે આવું છું "શ્રુતિ આર્ટ્સ''ની વાત પર. "શ્રુતિ આર્ટ્સ''ના સંચાલમાં ટીમવર્ક તો હોવાનું. ડો. હીરાણી તો શરૂઆતથી જ મારી સાથે હતા. "શ્રુતિ આર્ટસ''ની રચના એ એમના જજ વિચારો હતા કે અમે સાથે મળીને આ સંસ્થાનાં બીજ રોપીએ. બીજાએ ઘણા કલાકારો સાથે જોડાયાં હતાં. આજે યોગેશભાઇ જેવા નવલોહિયા યુવાન શ્રુતિના કામને આગળ ધપાવી રહ્યા છે.

"શ્રુતિ આર્ટ્સે" સમાજને જોડવાનું ઘણું મહત્ત્વનું કામ કર્યું છે પણ આ કહું છું ત્યારે અદમ ટંકારવીના એક જાણીતા શેયરનું આ મુખડું યાદ આવે છે જેને ગાઈને રજૂ કર્યા વગર નથી રહી શકતો : "હક્કા બક્કા થઈ ગયા પરદેશમાં''. અને તેના એક શેયરમાં એવું આવે છે કે: "કટકા કટકા થઈ ગયા પરદેશમાં''. આ દેશમાં આવી આપણે છિન્નભિન્ન થઈ ગયાં છીએ ત્યારે આપણી ભાવિ પેઢીનું શું? આજે આપણી સંસ્થાઓના કાર્યક્રમોમાં નાની નાની છોકરીઓ ફિલ્મી ગીતો પર નૃત્યો કરે છે એ ખરેખર આપણા માટે શરમભર્યું કહેવાય. આજની પેઢી ગુમરાહ બની રહી છે. એમને વ્યવસ્થિત રીતે ગાવું છે પણ એમને શીખવનારું કોઈ નથી

સુરેશ દલાલની આ કાવ્યપંક્તિ: "મારી ઇચ્છાઓથી કામ લેવું.'' મુજબ મારી પણ એક ઇચ્છા છે જે અત્રે રજૂ કરું છું. અહીં લેસ્ટર જેવા શહેરમાં પણ ભારતીય વિદ્યાભવન જેવી સંસ્થા સ્થપાય, જેમાં ભારતથી ચાર પાંચ સંગીતનિષ્ણાતોને બોલાવીને યુવાવર્ગ માટે સંગીતના વર્ગો શરૂ કરીએ. અને એક ધમધમતી સંસ્થા લેસ્ટરમાં સ્થાપીએ એવી મારી ઈચ્છાને તમે બધા પૂરી કરજો, એવી હું અપેક્ષા રાખું છે."

વિદ્યાભવન જેવી સંગીતનું શિક્ષણ આપનારી સંસ્થા રચવાની ચંદુભાઈની મહેચ્છાને શ્રોતાજનોએ કર્તલનાદે વધાવી લીધી હતી.

અંતમાં ચંદુભાઈના તાજેતરમાં બહાર પડેલા આલ્બમમાંથી મૂર્ધન્ય સાહિત્યકાર રા.વિ. પાઠકસાહેબનું એક પ્રસંગોચિત ગીતની પ્રસ્તુતિ સાથે અકાદમી યોજિત સન્માનસમારંભ પૂર્ણતાએ પહોંચતાં, સૌ સ્વાદિષ્ટ પ્રીતિભોજન માણવા ડાઈનિંગ-હૉલ તરફ વળ્યાં હતાં.

e.mail : [email protected]

Category :- Diaspora / Features

ગુજરાતી સાહિત્ય અકાદમીના અસ્તિત્વને ચાળીસ સાલ થયા; ખરેખર ! … કોણ માનશે ? આ ચાર દાયકાના પટનો વિસ્તાર જેમ જેમ સ્મરણપટે ફિલ્માયા કરે છે, તેમ તેમ કેટકેટલાં સ્મરણો ને અવસરોનો ગંજ ખડકાતો અનુભવાય છે.

ગુજરાતી જબાનમાં આ દેશે લખનારાં કેટકેટલાં નામો સાંભરી આવે છે. કવિતાઓ કરતાં કવિમિત્રો, વાર્તા લખતાં વાર્તાકારોનું એક જૂથ હતું. માસિકી બેઠકોનો એ સિલસિલો હતો. આદાનપ્રદાન તેમ જ ભોજનવાળી મિજલસ બેસતી, જામતી. ‘ગુજરાતી પ્રકાશન લિમિટેડ’ની કેડીએ, ‘ગુજરાતી સાહિત્ય મંડળ’, અને પછી તેની પછીતે, 12 ફેબ્રુઆરી 1977ની એક સુભગ ઘડીએ, આપણી આ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો શુભારંભ.

કાન્તિ નાગડા, કુસુમબહેન શાહ, ટી.પી. સૂચક, ડાહ્યાભાઈ પટેલ, પંકજ વોરા, પોપટલાલ જરીવાળા, બળવંત નાયક, ભાનુશંકર ઓધવજી વ્યાસ, નિરંજના દેસાઈ, યોગેશ પટેલ, વિપુલ કલ્યાણી, હીરાલાલ શાહ − શાં અનેક અગ્રસૂરિઓએ અકાદમીનું સુપેરે ઘડતર ને ચણતર કરેલું છે.

… પછી, અકાદમીનો વ્યાપ વધતો ગયો, ફાલતો રહ્યો, ફૂલતો રહ્યો. સાહિત્ય સર્જન ઉપરાંત ગુજરાતી ભાષા સંવર્ધન તેમ જ વિવિધ લલિત કળાઓ સમેતનો સાંસ્કૃિતક વારસો અકાદમીના કાર્યવ્યાપમાં સમાવેશ થયો. આ લંબાયા પટે અકાદમીએ નવ ભાષા-સાહિત્ય પરિષદો આપી. અનેક સ્તરે પાંચસો ઉપરાંત ગુજરાતી શિક્ષકોને તાલીમબદ્ધ કર્યાં. ગુજરાતી ભાષાશિક્ષણને સારુ અભ્યાસક્રમ ઘડીને આપ્યો. પાઠ્યપુસ્તકો તૈયાર કરાયાં. અઢાર અઢાર સાલ સુધી સ્વાયત્તતાથી સ્વતંત્ર પરીક્ષાતંત્ર ચલાવ્યું. દર સાલ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તેની પરીક્ષાઓમાં બેસતાં. અને તેની ક્ષિતિજ યુરોપ ઉપરાંત આફ્રિકે તેમ જ એક દા મુંબઈને સીમાડે અડતી. પ્રકાશનો કર્યાં. “અસ્મિતા”ના જાજરમાન આઠ અંકો દીધા, જેની સામગ્રી તળ ગુજરાતે પણ લાંબા અરસા લગી કામમાં આવે તેવી છે.

આ સમો પણ કેવા પોરસનો હતો. ઉત્તર ઇંગ્લૅન્ડે ગઝલને પકડીને આશરે 1968થી ગુંજારવ આરંભાયેલો અને લંડનમાં “ગુજરાત સમાચાર”નું પાક્ષિકીકરણ થયું. તેની જોડાજોડ “ગરવી ગુજરાત”નો પડઘમ વાગતો થયો. અને ઉત્તરે ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ’ રચના થઈ. આ મુલકમાં આપણી નવીસવી વસાહતનો તે હણહણતો સમયકાળ.

અને હવે, આ સમય ગયો. એ પડછંદા કવિ, લેખકો, પત્રકારોએ એક પછી એક વિદાય લીધી. એક પા પોત નબળું પડતું ગયું, પણ પડ હોંકારાપડકારા કરતું જ રહ્યું. … ખેર ! − દીપક બારડોલીકર, અદમ ટંકારવી, અહમદ ‘ગુલ’, ચંદુભાઈ મટાણી તેમ જ અકાદમીના કર્ણધારોએ દીવેટની વાટ સંકોર્યા કરી જ છે.

આવી આપણી આ અકાદમીની ચાળીસીએ, કાર્યવાહકોએ બહુ જ સુંદર, પણ જોમજોસ્સા ને હિંમતવાળો, પરંતુ એક ભડ નિર્ણય કર્યો તેની ઉજવણીનો.

નાત, જાત, ધર્મ, સંપ્રદાય, જાતિપાંતિ કે ભૂગોળની પેલે પાર રહી, ગુજરાતી ભાષા, સાહિત્ય તેમ જ સંસ્કૃિત ક્ષેત્રે સર્વસમાવેશક કાર્યક્રમો સંવારતી અકાદમીએ ચચ્ચાર દાયકા ઉપરાંતના સમયગાળા દરમિયાન ભાષાસંવર્ધન, સાહિત્યસર્જન તથા સંસ્કૃિતસેવન ક્ષેત્રે સેવામય રહેલાં ચારેક મહારથીઓને પોંખવાના અને બિરદાવવાના અવસરો યોજવાનું નક્કી કર્યું છે.

આ સાલ દરમિયાન, શ્રાવિકા મંડળ તેમ જ વિલાસબહેન ધનાણી, ચંદુભાઈ મટાણી, નટુભાઈ સી. પટેલ તથા જગદીશભાઈ દવેનું ઉચિત સન્માન કરવાના વિવિધ અવસરો નિયત કરાયા છે.

શ્રાવિકા સત્સંગ મંડળ અને વિલાસબહેન ધનાણી :

દિવંગત સાહિત્યકાર જયન્ત મ. પંડ્યા જેમને બહેનોનો વિસામો કહે છે તે વિલાસબહેન ધનાણીએ સન 1972થી એક યજ્ઞ માંડ્યો છે. વળી, તે શ્રાવિકા મંડળ નામક યજ્ઞકૂંડમાં આજે ય એ ખુદ પ્રધાન પુરોહિતપદે છે અને દરેકને નિરામય શાતા આપે છે. જયન્ત પંડ્યા 1999ના અરસામાં લખે છે તેમ, ‘ખુરશી ઉપર બેઠેલાં સન્નારીની સમીપે કોઈ ઠાઠ નહીં, કોઈ ઠસ્સો નહીં, હતું એક શાન્ત અને શીળું સ્મિત, નેહ નીતરતી આંખો અને કરુણાળું હૈયું. એ હતાં વિલાસબહેન ધનાણી.’

આ વિલાસબહેન અને શ્રાવિકા મંડળ સાથે અકાદમીને આ દાયકાઓ જૂનો ઊંડો મનમેળ. બહુ નજીકથી સ્વસ્થતાએ આ સંબંધનો વેલો પાંગર્યો છે. અને હવે તેમાં મઘમઘતાં ફૂલ પણ બેઠાં છે.

આઠ દાયકાને ઉંબરે પહોંચેલાં વિલાસબહેન ધનાણી [જન્મ : 03 અૅપ્રિલ 1937] તેમ જ એમની આ કર્મનિષ્ઠ સંસ્થા, શ્રાવિકા સત્સંગ મંડળના સાથ વિના અકાદમીના આ પરીક્ષાતંત્રનો પ્રકલ્પ ક્યાં હોત, તેની કલ્પના માત્ર ટાળવા સમ છે. એમનું ઋણ અકાદમીને શિરે પારાવાર છે.

રવિવાર, 09 અૅપ્રિલ 2017ના રોજ, બપોરે ઠીક અઢી વાગ્યે એમને પોંખવાનો અવસર અકાદમીએ યોજ્યો છે. આ કાર્યક્રમ બૃહદ્દ લંડનના સાવ પશ્ચિમિયા પરા હિલિન્ગડનના ઇકનમ ગામમાં સમ્પન્ન થશે. ઇકનમ વિલેજ હૉલનું સરનામું છે : Ickenham Village Hall, 33 Swakeleys Road, Ickenham, Middlesex UB10 8DG [07557 270567]. નજીકના ઇકનમ અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનથી આશરે દશેક મિનિટને અંતરે આ સભાખંડ આવેલો છે.

કાર્યક્રમને અંતે દરેકને સારુ ચાપાણી-નાસ્તાની વ્યવસ્થા પણ અકાદમીએ કરી છે.

ચંદુભાઈ મટાણી :

‘સાહિત્ય, સંગીત અને કલાનાં રખોપાં કરતા સજ્જન એટલે ચંદુભાઈ,’ એમ જયન્ત પંડ્યા કહે છે, તે ‘સોળ વાલ અને એક રતી’. આપણા આ ચંદ્રસિંહ ગોરધનદાસ મટાણીને ત્રણ ત્રણ ભૂખંડનો સોજ્જો અનુભવ. માંડવી, મુફલિરા ને લેસ્ટરમાં કોઠી નાખી અને ત્યાંથી જે જે કામો કર્યાં તે તે વાટે આજે ગુજરાતી આલમના એક દીવાદાંડી શા આગેવાન તરીકે એમની ગણના થયા કરી છે.

લેસ્ટરમાં ‘શ્રુતિ આર્ટ્સ’ નામક જગજાહેર સંસ્થા હેઠળ એમની દોરવણી હેઠળ ધ્યાનાર્હ કામ થયાં છે. ભારતીય સંગીત, ગુજરાતી ગીતસંગીતને એમણે એક નવું મજબૂત બળ આપ્યું છે.

ચારેક દાયકા પહેલાં, લેસ્ટરમાં ‘નર્મદનગર’ ખાતે, ગુજરાતી સાહિત્ય અકાદમીની બીજી ભાષા-સાહિત્ય પરિષદ બેઠી તેને માટે ચંદુભાઈ અને એમની વ્યવસ્થાશક્તિ કેન્દ્રગામી રહ્યાં. અને પછી અકાદમી સાથે સાથે સંગીત અને સાહિત્યનાં એકમેકથી ચડિયાતાં કામો કરવાના જે અવસર મળ્યા તેમાં ચંદુભાઈ પૂરેવચ્ચ રહ્યા. આટઆટલાં વરસનું તપ ડાયસ્પોરિક ગુજરાતી જનજીવનના ઇતિહાસનું, હવે, એક સોનેરી પૃષ્ટ બની ગયું છે.

રવિવાર, 28 મે 2017ના દિવસે, લેસ્ટર નગરના બેલગ્રેઇવ નેઇબરહૂડ સેન્ટરના પરિસરમાં, બપોરે ઠીક બે વાગ્યાથી, અકાદમી હેઠળ ચંદુભાઈ મટાણીનું [જન્મ : 31 મે 1934] જાહેર ઉચિત સન્માન કરવાનું ઠેરવાયું છે. સુવિખ્યાત બેલગ્રેઇવ રોડ બાજુમાં આવ્યા આ સભાખંડનું સરનામું છે : Rothley Street, Leicester, LE4 6LF [0116 222 1004].  ભારતીય ડાયસ્પોરાનાં બે અવ્વલ અગ્રેસરો ને ડાયસ્પોરિક ગુજરાતી આલમનાં બે જાણતલ સાહિત્યકારો - પન્નાબહેન નાયક તથા નટવરભાઈ ગાંધી આ પ્રસંગે ખાસ હાજર રહેવાનાં છે.

કાર્યક્રમને અંતે દરેકને સારુ ચાપાણી-નાસ્તાની વ્યવસ્થા પણ અકાદમીએ કરી છે.

લેસ્ટર જવા માટે તેમ જ પરત થવા માટે, અકાદમી દ્વારા એક કોચની વ્યવસ્થા કરવામાં આવશે. તે અંગેની વ્યવસ્થા અકાદમીના ખજાનચી લાલજીભાઈ ભંડેરી કરવાના છે. ‘વહેલો તે પહેલો’ - અનુસાર નામનોંધણીની વ્યવસ્થા કરવાની છે. વાટ ખરચી સગવડ સમેતની ગોઠવણ માટે [email protected] દ્વારા લાજીભાઈનો સંપર્ક સાધવા દરેકને વિનંતી છે.

નટુભાઈ સી. પટેલ :

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા પ્રાદ્યાપક દીપકભાઈ રાવલ જેમને ગુજરાતી રંગભૂમિના પિતામહ ગણે છે તે નટુભાઈ ચતૂરભાઈ પટેલ અંગેના એક લેખમાં દીપકભાઈ જણાવે છે, ‘ઇંગ્લૅન્ડમાં કળા ક્ષેત્રનો વિચાર કરીએ છીએ ત્યારે નટુભાઈ પટેલ પ્રત્યક્ષ થાય છે. ઊંચો, પાતળો દેહ. આંખે ચશ્માં પણ એમાંથી દેખાતી કીકીઓમાં છલકાતો સ્નેહ વાંચી શકાય. આત્મવિશ્વાસ ફૂટી ફૂટીને ભરેલો. … વરસની વયે પણ ટટ્ટાર ચાલે છે. નવી નવી યોજનાઓ બનાવે છે. અને તેને સાકાર કરવા પ્રયત્નશીલ રહે છે. જીવનમાં બહુ ચડતી - પડતી જોઈ છે. છતાં ય જીવન વ્યવહારમાં કડવાશ આવી નથી. અનેક લોકોને મદદરૂપ થાય અને વાતોમાં જરા ય દેખાડો ન કરે. મિત્રો માટે તો મરી જાય. …’

પૂર્વ આફ્રિકાના યુગાન્ડામાં જ શું, મુંબઈ સમેતના તળ ગુજરાતમાં, તેમ અહીં લંડનમાં, ત્યાં પોર્ટુગલમાં પણ લલિત કળાના પરચમને નટુભાઈએ પૂરી કાઠીએ લહેરાવતો રાખ્યો. નાટક, નૃત્ય, નૃત્યનાટિકા, સંગીતને, ‘કલાપી’ શી ગુજરાતી ફિલ્મને પણ એમણે સદાય જીવતદાન તો આપ્યું પણ જોડાજોડ તે દરેકને સારુ આત્મવિશ્વાસ જાગૃત થાય તે સારુ ખળું પણ તૈયાર કરી જ આપ્યું.

ગુજરાતી સાહિત્ય અકાદમીના આરંભકાળથી, એક અગત્યના હામી રહેનાર નટુભાઈએ અકાદમીનાં કામોમાં સામેલગીરી કરી છે અને ટૂંકા પડીએ ત્યારે અડખેપડખે રહીને હૂંફટેકો દીધા કર્યો છે.

નટુભાઈ પટેલ [જન્મ : 18 મે 1927] અબીહાલ ભારત છે. ઉનાળો બેસતા લગી તે અહીં આવે તે વેળા એમના સન્માનનો ઉચિત અવસર યોજવાનો અકાદમીએ નિર્ધાર કર્યો છે. તેની વિગતો હવે પછી …

જગદીશભાઈ દવે :

‘અનોખા ભાષાશાસ્ત્રી’ તરીકે જેમની નામના છે એ જગદીશભાઈ દવે [જન્મ : 18 નવેમ્બર 1929] અને ગુજરાતી સાહિત્ય અકાદમીનો ઘનિષ્ટ નાતો ત્રણ દાયકા ઉપરાંતના પટે પથરાયો છે. અને તેમાંથી વિવિધ ભાષા-સાહિત્ય અધિવેશનો, પ્રકાશનો, પાઠ્યપુસ્તકો, શિક્ષક તાલીમ શિબિરો, પરીક્ષાતંત્રનો વહીવટ સતત ડોકાયા કરે.

જયન્તભાઈ પંડ્યાએ નોંધ્યું છે, ‘લંડનના વસવાટ દરમિયાન જગદીશભાઈએ સાહિત્ય સંશોધનનાં કામો કર્યાં છે. ‘સોશ્યો-લિંગ્વિસ્ટિક સ્ટડી અૉવ્ ગુજરાતી ઇન ધ યુ.કે.’ એ એમની સ્વતંત્ર સંશોધનકૃતિ છે. બ્રિટનમાં અને પરદેશમાં ગુજરાતી ભાષાશિક્ષણના કેટલાક સવાલો વિશે તેમણે અભ્યાસલેખો લખ્યા છે. એમનું નોંધપાત્ર કામ ભાષાશાસ્ત્ર અને ભાષાશિક્ષણ માટે કક્ષા પ્રમાણેનાં પુસ્તકો આપવાનું છે. આ શ્રેણીમાં એમણે વિલાયતી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નાં પાઠ્યપુસ્તકો ‘અક્ષરમાળા’, ‘ગુજરાતી ભાષાપ્રવેશ ભાગ ૧થી ૪, શિક્ષકો માટે ‘સેતુ’ … જેવાં પુસ્તકોની મદદથી કોઈ પણ વ્યક્તિ ગુજરાતી શીખી શકે, એવી ડૉ. જગદીશ દવેને પ્રતીતિ છે.’

અકાદમીના કાર્યવાહક તરીકે પણ જગદીશભાઈએ એક અરસા સુધી સેવાઓ આપી છે. વળી, એમને નામે અનેક પુસ્તકો છે. મરાઠી-ગુજરાતી નાટકોનો તુલનાત્મક અભ્યાસ એમને ડૉક્ટરેટની પદવી આપે છે. તદુપરાંત, એમણે કવિતાઓ આપી છે.

જગદીશભાઈ દવેનું આ સન્માન એટલે અકાદમીના પરિસરમાંના દરેક કવિલેખકનું ય સન્માન.

શનિવાર, 18 નવેમ્બર 2017ના દિવસે, મહાનગર લંડનના ઉપનગર વેમ્બલીમાં આવ્યા ‘માન્ધાતા યૂથ અૅન્ડ કમ્યુિનટી અૅસોસિયેશન’ના પરિસરમાં, બપોરે ઠીક બે વાગ્યાથી, અકાદમી હેઠળ જગદીશભાઈ દવેનું જાહેર ઉચિત સન્માન કરવાનું ઠેરવાયું છે. આ સભાખંડનું સરનામું છે : 20A Rosemead Avenue, WEMBLEY, Middlesex HA9 7EE.

આ અવસરે યુનાઇટેડ કિંગ્ડમમાંના કવિલેખકો ઉમળકાભેર હાજર રહે તેવા અકાદમીને મનોરથો છે. દરેકને સારુ તે દહાડે પ્રીતિ ભોજનની સગવડ રખાઈ છે. … પધારો !

•••••••••••••

‘સ્મરણો દરિયા પારના’માં આપણા વરિષ્ઠ સાહિત્યકાર જયન્ત મ. પંડ્યાએ નોંધ્યું છે :

‘… હૅરો ભારે રોમહર્ષક નામ છે. હૅરોની શાળામાં જવાહરલાલ નેહરુ, વિન્સ્ટન્ટ ચર્ચિલ અને અનેક નામાંકિત રાજપુરુષો ભણેલા. ભોળાભાઈ પટેલ અને મેં એ શાળા જોઈ, જવાહરલાલ કઈ પાટલી ઉપર બેસતા તે પાટલી અને વર્ગખંડ જોયા. શાળા ટેકરી પર છે, હૅરો પણ. એટલે એનું નામ હૅરો અૉન ધ હિલ છે. શાળાના પરિવેશમાં બાયરનનું સ્મૃિતસ્થાનક છે. એમાં કવિ બાયરનના આ ઉદ્દગારો કોતરેલા છે :

Spot of my youth whose hoary branches sigh

Swept by the breeze that fans the cloudless sky

Where now alone I muse, who off have trod

With those I loved thy soft and verdant sod.

[મારી જુવાનીનું આ થાનક જેની શ્વેત ડાળો નિસાસે છે 

નિરભ્ર આકાશને વીંઝણો ઢોળતા વાયુની ઝીંક ઝીલીને,

આજે જ્યાં એકલવાયો ચિંતનમગ્ન છું ત્યાં અનેક વાર

હું મારાં પ્રિયજનો સાથે મસૃણ લીલીલીલી છો ખૂંદતો હતો.]

Category :- Diaspora / Features