FEATURES

ડાયસ્પરાની બીજી બાજુ

દુષ્યન્ત પંડ્યા

ગઈ સદીના પૂર્વાર્ધમાં પૂર્વ આફ્રિકામાં વસતા બિહારીલાલ અંતાણી અને ઉછરંગરાય ઓઝા બેઉ પોતાની રીતે લેખકો હતા. એનીયે પહેલાંથી મહાત્મા ગાંધીએ, દક્ષિણ આફ્રિકામાં પોતાની કલમ ચાલતી કરી હતી. એ ઘટના ઓગણીસમી સદીની હતી, પણ ત્યારે આ ‘ડાયસ્પરા’ની વિશેષતા ચર્ચાનો કે ગુણગાનનો વિષય ન હતો. પન્ના નાયક પણ ગઈ સદીમાં જ અમેરિકામાં રહીને ગુજરાતીમાં કાવ્યો લખતાં હતાં પણ ત્યારેયે ડાયસ્પરાનાં ગુણગાન ગાવાની આજની ફેશન ચાલુ થઇ ન હતી. પાછલાં ત્રીસ-ચાળીસ વર્ષોમાં ગુજરાતીઓએ પણ કે અમેરિકા અને ઈંગ્લંડ પર ‘આક્રમણ’ કર્યું છે. આ બંને દેશોની ગુજરાતી વસતિમાં કેટલા ટકા ગેરકાયદે ઘૂસેલા છે તે તપાસનો વિષય છે. એ પણ એક પ્રકારનું ‘પરાક્રમ’ જ ગણીએ તો, ડાયસ્પરાની સિદ્ધિઓ વધી જશે.

અમેરિકાના નવા પ્રમુખ બરાક ઓબામાએ કોઈ ગુજરાતી મહિલાનો સમાવેશ પોતાની ટીમમાં કર્યો તે ભેગો જ કેટલાક ‘દુષ્ટ’ લોકોએ તેમનો ભૂતકાળ ખોળી કાઢ્યો તો કોથળામાંથી બિલાડું નીકળ્યું કે એ સન્નારી વિશ્વ હિન્દુ પરિષદનાં અગ્રગણ્ય કાર્યકર્તા હતાં. આ જાણીને વિ.હિ.પ.ના અનેક આગેવાનોને રસોડે લાપસીનાં આંધણ મુકાયાં હશે. પણ એ આંધણમાં લાપસી ઓરાય તે પહેલાં, એ મહિલાને જાહેર કરવું પડ્યું કે, ‘હું એ સંસ્થા સાથે હવે સંકળાયેલી નથી.’ એ માનનીય મહિલાની પીછેહઠને વખાણી ડાયસ્પરા તરફથી એમનું વિશેષ સન્માન નહીં થવું જોઈએ ?

અમેરિકાની સેનેટમાંની ઈલિનોય રાજયની બેઠક પરથી બરાક ઓબામા રાષ્ટ્રપતિ ચૂંટાતાં આવી પડેલી જગ્યાની, ઈલિનોય રાજયના ગવર્નર બ્લેગોજેવિચે હરરાજી માંડી, જે વ્યકિત વધારે ડોલર આપે તેને એ ટિકિટ આપવી, એમ ગવર્નર બ્લોગેજેવિચે ઠરાવ્યું. અને એ માનનીય ગવર્નર સાહેબની સહાયમાં કોઈ ભટ્ટ દંપતી (હરીશ અને રેણુકા), કોઈ સતીશ ગાભાવાળા, કોઈ રઘુવીર નાયક અને કોઈ બાબુ પટેલ પહોંચી ગયાં અને સેનેટની ખાલી પડેલી જગ્યાની બોલી વધારે ને વધારે ઊંચી કરાવવામાં ગવર્નર બ્લોગોજેવિચને સહાય કરવા લાગ્યા. રઘુવીર નાયક ભલે ગુજરાતી નથી - એ દક્ષિણ કોંકણના છે પણ છે તો ડાયસ્પોરા જ. ગુજુભાઇઓનું આ પરાક્રમ છાપે ચઢ્યું, પણ છાપે ન ચડ્યાં હોય એવાં બીજાં કેટલાં પરાક્રમો હશે ?

અમેરિકન અખબારોમાં ચમકેલા સમાચારોમાં કેટલીક વિગતો આપી છે ઃ જેવી ઓબામાની બેઠક ખાલી પડી કે આ સમૃદ્ધ ભારતીય અમેરિકનોનો સંપર્ક બ્લેગોજેવિચે કર્યો. અમરીશ મહાજન નામના કોઈ બૅંકર અને એનાં પત્ની - એ પણ ત્યાં વેપાર કરે છે - અનિતા મહાજનનો સંપર્ક બ્લેગોજેવિચે કર્યો હતો. અમરીશ કાકા - અંકલ અમરીશ - તરીકે ઓળખાતા આ સજજનની વિશેષતા છે શિકાગોના માફિયા જગત સાથે ક્રિકટનો નાતો ધરાવતા પેરિલો ઘરાણા સાથેનો ગાઢ સંબંધ. ઈલિનોય સરકારનાં કેટલાંક કામોના કોન્ટ્રાકટ અનિતાદેવીએ લીધા હતા અને એ કોન્ટ્રાકટોના બિલોમાં વધારે રકમ - લાખ્ખો ડોલર - ચડાવવા બદલ એમની ધરપકડ કરવામાં આવી હતી.

હરીશ ભટ્ટની એક કરતાં વધારે ફાર્મસીઓ છે અને બ્લેગોજેવિચના ફંડ ઊઘરાવવાના કાર્યમાં સાથ આપવા માટે, એની પણ તપાસ પોલીસખાતું કરી રહ્યું છે.

આ બધા ભારતીય અમેરિકનો પ્રત્યે ગવર્નર બ્લેગોજેવિચને એટલો પ્રેમ છે કે ભારતના સ્વાતંત્ર્યદિન નિમિત્તની પરેડમાં એ ગવર્નર સાહેબ પણ જોડાયા હતા. ભારતીય અમેરિકનો પ્રત્યે ઈલનોયના ગવર્નરસાહેબના આકર્ષણનું એક કારણ એ છે કે કેટલાક ભારતવાસીઓની જેમ એને પણ પૈસાની મોટી તૃષ્ણા છે. બ્લેગોજેવિચનો બાપ સર્બિયાથી જઇ અમેરિકાવાસી બન્યો હતો અને ત્યાંની શ્રમજીવી વર્ગની સ્ત્રીની સાથે એણે લગ્ન કર્યા હતાં અને સમાજમાં મોભાદાર એવા કુટુંબની કન્યા સાથે લગ્ન કરી, એક જ કૂદકે એ સામાજિક સીડીના પગથિયા કુદાવી ગયો હતો.

આ ઉપરાંત, લોકસભાના ગુજરાતના સભાસદની પત્ની તરીકે પરદેશ જનાર, કોઈ સાંસ્કૃિતક મંડળી સાથે જોડાઇ પરદેશ જનાર અને પછી ત્યાં જ અઠે દ્વારકા કરનાર, મેકિસકોની સરહદેથી કે બીજી કોઈ રીતે પાસપોર્ટ વગર અમેરિકામાં કે ઈંગ્લડમાં કે યુરોપના બીજા કોઈ દેશમાં - ઘુસી જનાર પરાક્રમી ડાયસ્પરાની સંખ્યા પણ મોટી છે.

વળી ભારતના કોઈ હવાઇ મથકેથી વિદેશ જતા વિમાનમાં પગ મૂકતાં વત હરકિસનમાંથી હેરી, મંદારિકામાંથી મેંડી, ડેલીવાળામાંથી ડેલી અને કાડાપય્યામાંથી કાડી બની જનાર ડાયસ્પરા પણ છે. પોતાનાં નવાં નામ પાડવા માટે એમને ફઇબાઓની જરૂર પડતી નથી.

આ ડાયસ્પરાના કેટલાક સજજનો ત્યાંની કોઈ ગોરી યુવતીના મોહપાશમાં બંધાઇ ગયા હોય છે તે છતાં વડીલોના દબાણને કે એવે કોઈ કારણે દેશમાં આવી અહીંની કોઈ કન્યાને ભોળવી, પોતાની સાથે પરદેશ લઇ જાય છે અને ત્યાં એ ભારતીય યુવતીએ કામવાળી થઇને રહેવું પડે છે. આવી રીતે ગયેલી અને ત્યાં ગયા પછી તકલીફમાં આવી પડેલી યુવતીઓની સંખ્યા નાની નથી. આની સાથે કોઈ અમેરિકાવાસી સાથે સગવડિયાં લગ્ન કરી, એની પત્ની તરીકે ત્યાં પ્રવેશવાના અધિકાર મેળવી, ત્યાં જઇ આઝાદ થઈ જનારી યુવતીઓ પણ છે.

લંડનમાં વસતા આપણા ગુજરાતીઓમાંનો ઠીક ઠીક એવો ભાગ આફ્રિકા થઇને ત્યાં ગયેલાઓનો છે. એ લોકો અંદરોઅંદર વાતો કરતા હોય ત્યારે અંગ્રેજો અને બીજા યુરોપિયનો માટે ‘ધોરિયા’ (ધોળિયા) આફ્રિકનો માટે ‘કારિયા’ (કાળિયા) અને આરબો માટે ‘આરબા’ શબ્દ પ્રયોજે છે. એ પ્રજાઓ કરતાં આપણે ચડિયાતા છીએ એ ભાવ આ ત્રણેય પ્રયોગ પાછળ અભિપ્રેત છે. આ ગુરુતાગ્રંથિ પણ ગુજરાતી ડાયસ્પરાનું વિશિષ્ટ લક્ષણ છે.

પાછલાં પચીસપચાસ વર્ષોથી ઈંગ્લડ અને અમેરિકા વસનાર ભારતીયો કે ગુજરાતીઓ જ ડાયસ્પોરા નથી. ગુજરાતીઓ પૂરતી જ વાત કરીએ તો, સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાળ પ્રદેશોના વાસીઓ ઓછામાં ઓછાં બસો વરસોથી આફ્રિકાના વિવિધ દેશોની ખેપ ખેડતા થયા છે. આવો દરેક ડાયસ્પરા જણ પ્રથમ તો એકલો જ જાય છે. ત્યાં ગયા પછી એને ઠરીઠામ થતાં થોડો સમય વીતી જાય છે. ત્યાં સુધીના ગાળામાં એ પોતાની બધી શકિત અને બધો સમય બે પૈસા ભેગા કરવામાં ‘શેઠ’થી નોખો પડી પોતાની દુકાન માંડવામાં એ ખરચતો થતો હોય છે. એને નસીબે યારી આપી અને એણે પોતાની હાટડી માંડી કે એનું લક્ષ બીજી દિશાઓ તરફ જવા લાગે છે. કાં તો એ હજી પરણ્યો હોતો નથી કે કાં પરણ્યો હોય તો પત્નીને બોલાવવાની ત્રેવડ એનામાં હજુ આવી નથી એટલે એ એકલો જ રહેતો હોય છે અને ત્યાંની સ્થાનિક સ્ત્રીઓને પોતાના પાશમાં એ લેતો થાય છે. સને ૧૯૫૨માં આર્યસમાજી સ્વામી ભવાનીદયાળે પોતાના હિંદી પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, એ ગુજરાતી જણ ત્યાંની શ્યામ નારીને ભોગવે છે, એના દ્વારા જન્મેલાં બાળકોનો પિતા બને છે પણ એને પોતાની પત્ની બનાવતો નથી. એ બાળકો છતે બાપે નબાપાં બની જાય છે. અને કોઈ યતીમખાનામાં જોડાઇ મુસલમાન બને છે કે કોઈ ખ્રિસ્તી અનાથાશ્રમમાં જોડાઇ ખ્રિસ્તી બને છે. ડાયસ્પરાનું આ પણ એક પરાક્રમ જ છે.

દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં કેટલાંક વર્ષો રહેલા અને ત્યાં ગયેલા અને જતા ભારતવાસીઓને એકત્રિત કરી સંસ્કારનું સિંચન કાર્ય કરનાર સ્વામી ભવાનીદયાળે આફ્રિકન શ્યામ સ્ત્રીને આર્યસમાજી ઢબે િહંદુ બનાવી તેને એક ગુજુ વેપારીએ અપનાવ્યાનો માત્ર એક જ કિસ્સો પોતાના પુસ્તકમાં ટાંકયો છે. એ પુસ્તક ૧૯૫૨માં પ્રકાશિત થયું હતું. ડાયસ્પરાનું આ પરાક્રમ પણ નોંધવું પડે.

અહીં એક જુદો વિચાર પણ આવે છે. યુરોપના કોઈ પણ દેશમાંથી અમેરિકા ગયેલો યુરોપિયન પછી આઈરીશ, ફ્રેન્ચ, જર્મન, સર્બિયન, ઈટેલિયન, હંગેરિયન, રશિયન, સ્પેિનશ કે પોર્તુગીઝ રહેતો નથી. એ અમેરિકન જ બની જાય છે. ભારતવાસીઓનો સારો એવો ભાગ રહેણીકરણીમાં અને ખાણીપીણીમાં અમેરિકન બની જતો હોવા છતાં, પૂરો અમેરિકન બની જતો નથી. અને ઈંગ્લડમાં કે અમેરિકામાં, ગુજરાતીઓનાં, મરાઠીભાષીઓનાં તામિલોનાં, કેરળવાસીઓના ... એ ય અલગ અલગ મંડળો હોય છે. અને ગુજરાતીઓમાં જ્ઞાતિવાર મંડળો પણ, કદાચ અસ્તિત્વ ધરાવતાં હશે. આમ, ત્યાં જઇને પોતાની અલગતા જાળવી રાખવાનો આ પ્રયત્ન કેટલો યોગ્ય છે ,તે વિચાર પણ કરવો પડે. અલગતાની ઓળખ જાળવી રાખવાની આ વૃત્તિ શિખ લોકોને માથેથી પાઘડી ઊતરાવતી નથી અને મુસલમાન સ્ત્રીઓને બુરખામાં જકડી રાખે છે તથા, પોતાનાં બાળકો માટે દેશની કન્યા કે દેશનો વર મેળવવાનો આગ્રહ રાખતાં કરે છે. કમ સે કમ, ભારતીય અને ગુજરાતીઓ તેમાં આવી જ જશે. ડાયસ્પોરાની આ પણ વિશેષતા છે.

ડાયસ્પોરાનો વિચાર આમ બધી બાજુઓએથી કરવો જોઈએ.
(સદ઼ભાવ : ‘કહું, મને કટેવ’; “નિરીક્ષક”, ૧૬.૦૨.૨૦૦૯; "અોપિનિયન", ૨૬.૦૨.૨૦૦૯)

Category :- Diaspora / Features

નવી દુનિયા ભણી

પ્રકાશ ન. શાહ

ડાયસ્પોરા હલચલની વાતે ભર્યા ભર્યા બે દિવસને છેડે સમાપનવચનો વાસ્તે ઊભો થયો છું ત્યારે મારી લાગણી - આપ સૌ સાથે તાદાત્મ્યજોશપૂર્વક - એ છે કે You, i.e. We, have arrived. સંભારો પચીસેક વરસ પર ‘દર્શક’ના પ્રમુખપદે મળેલ હૈદરાબાદ અધિવેશનના એ દિવસો - ‘દર્શકે’ જ્યારે સાહિત્યપદારથને (અને સાહિત્યચર્યાને) ખંડથી અખંડ ભણીની યાત્રારૂપે ઓળખાવ્યાં હતાં - આપણા આ વિપુલભાઈ ત્યારે વિલાયતથી ડાયસ્પોરાની વાતો કરતા આવી લાગ્યા હતા.એક દોર ચાલ્યો; એ પછી તો, ૧૯૯૭માં વડોદરા અધિવેશનમાં નિરંજન ભગતની વિશેષ ઉપસ્થિતિમાં આપણે એક વિભાગીય બેઠક શું આયોજન કર્યું હતું. અને હવે, તળ ભૂમિમાં,લાગટ બે દિવસ ડાયસ્પોરાની વાતો ! કહ્યું ને We have arrived. દડો એ રીતે હવે ગુજરાતના ખુદના વંડામાં છે

પણ આ આવવું તે શું વારુ. કોઈક માન્યતા (રેકગ્નિશન) મેળવવાની મથામણ ? ‘કોડિયાં’ના કવિ, દાંડીકૂચના સૈનિક શ્રીધરાણી, પછી તો અમેરિકા ચાલ્યા ગયા અને કેટલેય વરસે વતન પાછા ફર્યા -‘પુનરપિ’ સંગ્રહ લાંબે ગાળે લઈને આવ્યા,પણ ત્યારે એમની લાગણી હતી કે ઉખડેલા નવ આંબા ઊગે અને હા,ઘરે ઊભેલા આભે પૂગે. ના, વાત આટલી સરળ નથી. તમે બહાર નીકળી ગયા, બહાર રહ્યા અને ઘરે આવો છો ત્યારે ખાલી હાથે તો આવતા નથી. કશીક શ્રી તમારા સંવિતમાં સંચિત થયેલી અવશ્ય હોય છે. તમે જુઓ, કોલંબિયાના પત્રકારત્વના સ્નાતક શ્રીધરાણીએ પુસ્તક પણ કેવું રૂડું કીધું - My India, My America કે પછી, My America, My India એ જે હોય તે - પણ ટૂંકમાં બેઉ મલક મારા, ભૈ.

હવે શ્રીધરાણીના દાખલાથી જરીક હટીને. આપણે ક્યાંક ગયા છીએ. માથું મારીને માર્ગ કીધો છે.વતન નથી સાંભરતું એવું તો નથી. કંઈક અંશે હૃદ્દગત પણ હશે એ. પણ એક વાત સમજી લો. There is no going back in history. કૃષ્ણે ગમે એટલું રાધારટણ કર્યું  હશે, જિંદગીભર,પણ તમે એને મથુરાથી વારકા જતા જુઓ છો - એ વૃંદાવન પાછા નથી ફરતા.માથે મોરપીંછ ધારણ કરી એની સ્મૃતિ સાચવી લીધી, ચાલ્યા તો આગળ - અને છેક ત્યાં જઈ ઊભા, દ્વારકે,જ્યાં દ્વાર બધાં ખૂલી જતાં હતા. દરિયાવની મીઠી લહર, બીજું શું. ને આ દરિયો ! સાહેબ, ડાયસ્પોરાની વાત કરીએ છીએ ત્યારે મને એ એન.આર.ઈ. કહેતાં ઉપેન્દ્ર-બક્ષી-કહ્યા નૉન રિક્વાયર્ડ ઇન્ડિયનનું સ્મરણ કરવા દો જેણે દરિયે બેઠા ‘હિંદ સ્વરાજ’ લખ્યું હતું. ઇતિહાસમાં સર્મન ઑન ધ માઉન્ટ (ગિરિ પ્રવચન) આ પૂર્વે સાંભળ્યું છે, પણ આ તો એમના એક અનુવાદકે કહ્યા મુજબ સાગર સંબોધન (સર્મન ઑન ધ સી) છે. બરાબર સો વરસ થયાં એને

શું છે આ ‘હિંદ સ્વરાજ’ ? એમાં ૧૯મી સદીની સમીક્ષા છે, અને ૨૧મી સદી સાશ દિશાદર્શન. આ ૧૯મી સદીનાં ગાંધી આગમચ થયેલાં બીજાં બે ડાયસ્પોરી મૂલ્યાંકન સંભાશં ? માર્ક્સે, જર્મનીથી ઇંગ્લઁન્ડ વસી ગયેલ માર્ક્સે, અૌદ્યોગિક ક્રાંતિની છાયામાં ઊભીને ઇતિહાસના ભૌતિક અર્થઘટનનું એક આખું દર્શન રજૂ કર્યું. દેખીતી રીતે એમાં ઓગણીસમી સદીના પૂર્વાર્ધના ઘટનાક્રમનો ખાસો ધકકો હતો.જો કે એમના યુરોપકેન્દ્રી ચિંતનમાં, ઇતિહાસની એક અવશ્યભાવિ ગતિવિધિની - લગભગ ટેલિયોલોજિકલ સંભાવનામાં યુરોપને મળેલા સાંસ્થાનિક લાભની ગણતરી નહોતી એમ તો નહીં પણ ઓછી હશે એમ પાછળ જોતાં લાગે છે. અશોક મહેતાએ સંભાર્યું છે તેમ એ મુદ્દો આઅર્યકારક રીતે, માર્ક્સે જ્યાં બેઠા કામ કર્યું હતું તે જ બ્રિટિશ મ્યુઝિયમ લાઈબ્રેરીમાં બેસીને કામ કરતા એક ડાયસ્પોરી હિંદવાસીએ સુપેરે ઉપસાવી આપ્યો હતો. લંડનમાં કોઈક વિસ્તારમાંથી ચૂંટાઈને હાઉસ ઑવ્ કૉમન્સમાં બેસતા દાદાભાઈ નવરોજીએ કહ્યું કે ભાઈ સાંસ્થાનિક શોષણ થકી ઇંગ્લઁન્ડની સમૃદ્ધિનો આ એક ક્લાસિક કિસ્સો છે - પોવર્ટી અઁન્ડ અનબ્રિટિશ શલ ઇન ઇન્ડિયા. પછીના દસકામાં, દાદાભાઈ કાઁગ્રેસની અધ્યક્ષીય વ્યાસપીઠ પરથી સીમિત સંદર્ભમાં પણ ‘સ્વરાજ’નો પ્રથમ ઉચ્ચાર કરનારા બની રહ્યા હોય તો એમાં અચરજ પામવા જેવું અલબત્ત નથી.

તો, કંઈક પરિવર્તન આવી રહ્યું હતું. ગો.મા.ત્રિ., મોટા માણસ, એમણે ‘સરસ્વતીચંદ્ર’માં લખ્યું હતું કે આ કપિલોક કહેતાં ઇંગ્લઁન્ડ પાંચાલી કહેતાં ભરતને ધાવે છે (શોષે છે એમ નહીં પણ ધાવે છે),અને કાયદાના શાસન જેવું કાંક પ્રતિપોષણ વળતું કરતું રહે છે. ભૈ, અપેક્ષા ને આદર હશે એટલે સ્તો દાદાભાઈએ પણ એને ‘અનબ્રિટિશ શલ’ કહ્યું.

વારુ, ‘ગૉડ સેવ ધ કિંગ’ ગાવાની ક્યારેક ધોરણસરની પ્રઁક્ટિસ કરી ચૂકેલો ગાંધી દરિયાવની છાતીએ બેઠો જ્યારે ‘હિંદસ્વરાજ’ લખી રહ્યો હતો ત્યારે એ ઇંગ્લઁન્ડથી દક્ષિણ આફ્રિકા પરત થઈ રહ્યો હતો.તસલિમા નસરીન પોતાને વિખંડિત કહે છે એ જુદી વાત થઈ, પણ આપણો ઇંગ્લઁન્ડસ્થિત ડાયસ્પોરા (અને કેટલેક અંશે અમેરિકાસ્થિત પણ) ઠીક ઠીક પ્રમાણમાં બબ્બે નિર્વાસનની ભઠ્ઠીમાં તપેલો છે. પહેલાં એ દેશમાંથી આફ્રિકા ગયો, અને પછી ઈદી અમીનને પાપે આફ્રિકાથી ઇંગ્લઁન્ડ. વસાહતી વસવાટના પ્રારંભિક તબક્કે, બને કે વતનઝૂરાપાની લાગણી એના સર્જનમાં પ્રગટ થવા કરતી હોય. But once you have arrived, એ કિસ્સો, એ દાસ્તાઁ અંતે તો - એવી બની રહે છે જેવી કૃષ્ણખ્યાત મોરપીંછ કથા. There is no going back in history.. આ કિસ્સો My India, My America તરેહનો છે - કેમ કે એમાં જે આરત છે તો અભિસ્થાપન પણ છે. કંઈક longing, કંઈક belonging.

પ્રીતિ સેનગુપ્તા હવે સ્રોતસ્વતી હડસનને અને ભાગીરથીને લગભગ એક શ્વાસે સંભારે છે, તો પ્રફુલ્લ અમીન પણ બર્મિંગમ બેઠે મારું અમદાવાદ, મારું બર્મિંગમની ભાષામાં બોલતા સંભળાય છે. એટલે વતન માટેનાં ઝુરાપો, ઝંખના, દુ:ખ બધાં સરવાળે મીઠાં અનુભવાઈ નવી સૃષ્ટિમાં નંખાતાં મૂળિયાંને સીંચનારાં બની રહે છે. કંઈક નવું જ પ્રફુલ્લન, નવું જ વિક્સન, એવો ઘાટ આ તો છે.
જરા હટીને એક વાર્તાદાખલો આપું ? ભોળાભાઈ પટેલે ડાયસ્પોરાની પહેલી નવલિકા લેખે હમણાં ‘વ્હાઈટ હૉર્સ’નો મહિમા કીધો. સુધીર દલાલની એ વાર્તા "સંસ્કૃતિ"માં ચારેક દાયકા પર વાંચ્યાનું સ્મરણ છે. પછી તો એમના સંગ્રહમાંયે આવી - કદાચ, એમના સંગ્રહનું નામ પણ એ જ છે. બે જિગરી દોસ્તો. એક લંડનમાં રહી પડયો છે, ગોરી મેમને પરણીને. સુખી છે. અંગ્રેજ પત્ની ગુજરાતી વાનગીઓની એની દાઝ જાણે છે

અને કોઈક ગુજરાતી સંપર્ક થાય તો એથી પતિને મળતા આનંદે રાજી રહે છે.પણ પેલો જૂનો મિત્ર ઘણાં વરસે આવ્યો છે અને મળ્યો છે ત્યારે એની  સાથે લાગણીના પૂરમાં વહી જતાં આપણો નાયક કહે છે આ ધોળિયાને શું આવડે, શું ખબર પડે - એને રગરગમાં ખાડિયા ને ખમણપાતરાં ઉભરાતાં હશે કે ગમે તેમ પણ, છૂટા પડવાનું થયા પછી એ શું કરે, સિવાય કે ‘વ્હાઈટ હૉર્સ’(પબ)માં બેસી બિયરમાં ખોવાઈ જવાનું.

સુંદર વાર્તા એની ના નહીં. પણ ત્યાં રહ્યે રહ્યે જે રીતે નવેસર ભાવપિંડ બંધાતો આવે, એવી ત્યાંની ધરતીમાં રોપાયેલી ગુજરાતી ડાયસ્પોરી વાર્તા કદાચ આ નથી. મને વરસો પર વાંચેલી આનંદરાવ લિંગાયતની એક વારતા સાંભરે છે. વિધવા માતા અને દીકરો રોજ સવારે ફરવા જતાં હોય છે. દીકરો માને સોબત આપી, એનું દુ:ખ વીસારે પડે ને એકલતા ન લાગે એની કાળજી લેવા કોશિશ કરે છે.એનું બહારગામ જવું ને વિધવા માને,એક વાનપ્રસ્થ અંગ્રેજ નામે એન્ડીનો પરિચય થવો. સોબતનું એક જૂદું જ સુખ, દેશની હવામાં શક્ય નહીં એવો હૂંફિયલ મૈત્રીભાવ, મા પ્રથમવાર અનુભવે છે. એક નવી સભરતાનો અનુભવ છે. એનું માંદું પડવું, આખર પથારીએ હોવું, દીકરાવહુ થકી સૌ સગાંવહાલાંને છેલવેલ્લા મોંમેળા સાશ બરકવું. પણ અણીની ક્ષણે માની આંખો હજુ એક જણને શોધે છે, એન્ડીને. દીકરાને પણ ખટકો રહી જાય છે કે મને કેમ સૂઝયું નહીં. છે ને બિલકુલ યુરોપઅમેરિકામાં રોપાયેલી તળ ડાયસ્પોરી વારતા ? અને ત્યાં જ ઉગેલી ‘ફલેમિંગો’ કૂળની પન્ના નાયકની એ વારતાઓ. ફરીથી કહું કે ‘વ્હાઈટ હૉર્સ’ આજે ય પુન: વાંચવી ગમે, પણ પરિણત ડાયસ્પોરી વાર્તા લેખે આનંદરાવ ને પન્નાબહેનની જે વાર્તાઓ હમણાં મેં સંભારી એ તો ન્યારીનિરાળી જ વિલસી રહે છે. હમણાં કોઈકે ‘કિમ્બલ રેવન્સવુડ’ની જિકર કરી. મધુ રાયની - આમ તો એ અહીંથી જ એક સુપ્રસિદ્ધ સર્જક લેખે ત્યાં ગયા હતા - પણ અમેરિકાને છેડેથી, રાશિવાર કન્યાતલાશમાં ગુજરાતમાં ઊતરી આવતા ગુજ્જુ જણની આ નવલ - કદાચ, આપણા સમયનો, જો કે કંઈક વિસ્તીર્ણ પેરાબલ - એક પરિણત લેખકની કલમે બની આવેલ કરપીણ મુગ્ધતામાં ઉભડક રોપાયેલ ગુજરાતી તશણનું ચિત્ર આપે છે

દોમ દોમ ડોલરનું, એમાંથી જ ઊગતું ને એમાં જ આથમતું, એનું જીવનસપનું હશે. મધુ રાય વારતા માંડે એટલે ફાંકડી જ માંડે. પણ એના નાયકમાં એક અધકચરાઈ છે. કેમ વાશ તો એ કોઈ પણ સામાન્ય માણસ જેવાંસપનાં જુએ છે - અને એમાં કશું ખોટું નથી - પણ આ જગત પર જિંદગીની જદ્દોજેહાદમાં પ્રજાઓ અથડાતીકૂટાતી ઝઝુમતી જે નવરચના સાશ મથે છે એ ક્યાં છે એમાં. એ માટે તો તમારે બળવંત નાયકકૃત ‘પેસેજ ટુ યુગાન્ડા’ -‘ ને ધરતીને ખોળે નરક વેરાણું’ -કને જવું પડે. આપણે વિનિર્વાસિતો ! યુગાન્ડાથી યુ.કે. આવ્યાં. આંગ્લ-ગુજરાતી પરિવાર બન્યો,ને કુટુંબની દીકરી, નવઉઘાડના સંજોગોમાં યુગાન્ડા પાછી ફરે છે (ગુજરાત નહીં પણ યુગાન્ડા હવે ‘વતન’ છે) ત્યારે પરણી તો છે આદિવતની ડ્રાઈવરના દીકરાને. વીસેક વરસ પર વાંચેલી વારતા સ્મરણ પરથી આશરે આશરે કહું છું. પણ મુદાની વાત એ છે કે ગુજરાતી-આફ્રિકી-અંગ્રેજ, બધાં રક્ત એક નવી ને ન્યાયી દુનિયા સાશ એકધબક થતાં આવે છે. આપણો જે ડાયસ્પોરા તે કશુંક મોરપીંછ શું ધારણ કરી એક નવી સૃષ્ટિ સરજવામાં સહભાગી બને છે, અને એ કદાચ ત્રિશંકુ પણ નથી રહેવાનો,કેમ કે કોઈ સમાંતર સૃષ્ટિ રચવાની નહીં પણ આ જ સૃષ્ટિની નવરચનાની એની જદ્દોજેહાદ હોવાની છે. તો, ઓગણીસમી સદીના આકલનપૂર્વક એકવીસમી સદીના દિશાદર્શનપૂર્વકની જે દરિયાઈ દેશના (સર્મન ઑન ધ સી) ‘હિંદ સ્વરાજ’ રૂપે ઊતરી આવી, ડાયસ્પોરી મોહનદાસની કલમે, બને કે આવા કંઈ કેટલા ‘પેસેજ’ થકી તેને માટેની ભોં ભાંગવાની હોય. એક યુગયાત્રા છે આ તો. એક અંગત બિનઅંગત સાંભરણ અંબોળું અહીં ? ૧૯૯૭માં વડોદરે ડાયસ્પોરી બેઠક બાદ તરતની બેઠકમાં મારે અધ્યક્ષતા કરવાની હતી.
સ્વરાજને પચાસ વરસ થયાં તે નિમિત્તેનો એ પરિસંવાદ હતો; અને મેં થોડીક નવલકથાઓ આસપાસ મારી માંડણી કરી હતી. જો કે હતો તો એ બીટન ટ્રેક, કંઈ ‘દર્શક’ ચર્ચ્યો. આપણો નવો નાયક, નવીનચંદ્ર (સરસ્વતીચંદ્ર) લોકકલ્યાણકામી જરૂર હશે; પણ છે તો એલિટ. સાંસ્થાનિક ભદ્રલોક. પછી મુનશી આવ્યા અને રાષ્ટ્ર-રાજ્યની રાજવટની રંગ વાતો લઈ આવ્યા. અમૂર્ત એવું આ રાષ્ટ્ર, એનો વિકસતો મધ્યમવર્ગ ર.વ. દેસાઈ સરખે હુંફાઈ પન્નાલાલ વાટે ઈશાનિયા મલકની કથારૂપે ‘લોક’ તરીકે ઊતરી આવ્યો. આ લોક અને પેલો એલિટ. બેઉ વચ્ચેની સાર્થક સંબંધશોધની કથા ‘દર્શક’ લઈ આવ્યા, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’. વ્યાપક સમાજની, સમગ્ર સમાજની આપણી આ સહૃદય સર્જનખોજ તે પછીનાં વરસોમાં રઘુવીરની ત્રયીમાં ને જોસેફ મેકવાનની ‘આંગળિયાત’થી માંડી દલપત ચૌહાણના ‘મલક’ લગી અને એમ વિકસતી આવી છે. બળવંત નાયકની મેં હમણાં ઉલ્લેખેલી ડાયસ્પોરી દાસ્તાઁને હું આ સંદર્ભમાં જોવી પસંદ કરુ. ગુણવંતરાય આચાર્યની ઘાટીએ આફ્રિકાને હાલારનું પરુ તો કહી શકીએ; પણ દુનિયા તો એ આગળ ચાલી.

આ નવી દુનિયાને જાણોસમજો છો, સાહેબો ? મકરંદભાઈ ને શીરીનબહેને બ્રિટનના ગુજરાતી ડાયસ્પોરા વિશે જે કિતાબ લખી છે તે જોશો જરી. હજુ ગઈ કાલે જે એ વિધિસર બહાર પડી છે. અહીં સમાજક્રમમાં નીચે રહેલ (અને નીચે જ રહેત) એવું લોક ત્યાં પૂગી નવા લોકમાં ગોઠવાઈ રહ્યું છે. ભૈ, આ જ ઇંગ્લઁન્ડની ભૂમિ પર આપણો તરુણ છાત્ર નામે મોહનદાસ બારિસ્ટર બન્યો હતો અને લિબરલ ડેમોક્રસીની એ શિક્ષાદિશા, પછીથી આફ્રિકે સેવાઈ, સત્યાગ્રહની ટગલી ડાળી રૂપે ફૂટી આવી હતી.

વડોદરમાં મેં આરતભરી આશા પ્રગટ કરી હતી કે મારી ભાષાને એલન પેટનકૃત ‘ક્રાય ધ બીલવ્ડ કન્ટ્રી’ સદૃશ કંઈક મળો. તમે જુઓ કે દક્ષિણ આફ્રિકામાં આજે કેવી એક નવી હલચલ ને હિલચાલ, એની સઘળી મર્યાદાઓ સાથે, ચાલી રહી છે. ગોરા ક્લાર્ક અને કાળા મન્ડેલા વચ્ચે, કટુતા વગર, સમજૂતી સધાઈ ને એક નવી સંક્રાન્તિના તબક્કામાં મનુષ્યજાતિ પ્રવેશી. ગઈ સદીમાં ગાંધીની સત્યાગ્રહી હિલચાલે જગવેલ મથામણોનો અને બીજાં પણ મુક્તિચિંતનોનો આ એક પરિપાક-પડાવ છે. હમણાં કહ્યું કે કટુતા વગર સમજૂતી સધાઈ, પણ વાત માત્ર એટલી જ નથી. આ સમાધાન અને સેતુબંધની, કહો કે ‘રિકન્સિલિયેશન’ની ભૂમિકા જે બધું બન્યું - ન બનવા જેવું બન્યું એના પર તે જાણે કે કર્યું છે જ કોણે એમ પડદો પાડી દેવાની નથી. ટ્રુથ અઁન્ડ રિકન્સિલિયેશન કમિશનની કામગીરી વિશે વાંચજો. ખોટું થયું છે, ખોટું કર્યું છે, એની સ્વીકૃતિ અને પશ્ર્ચાતાપપૂર્વકની કબૂલાતની વાત છે આ. આવી કોઈ હૃદ્ય નવલની પ્રતીક્ષા ૨૦૦૨ પછીના ગુજરાતને છે. બને કે તળ ભૂમિને જે ન પમાયું, ન પકડાયું તે ડાયસ્પોરી ગુજરાતને એના યુગસંઘર્ષમાંથી જડયું.

ગમે તેમ પણ, ‘કિમ્બલ રેવન્સવુડ’ અને ‘પેસેજ ટુ યુગાન્ડા’ના નાયકોને સામસામા મૂકીને જોઉં છું ત્યારે મને થઈ આવતું સ્મરણ હાવર્ડ ફાસ્ટની એક કિતાબનું છે. સામાન્યપણે ફાસ્ટને સંભારો એટલે તત્ક્ષણ થતું સ્મરણ ‘નેકેડ ગૉડ’નું હોય, પણ અહીં મારો ઈશારો એમની ‘આઉટસાઈડર’ એ નવલકથા તરફ છે. હા, કામૂની નહીં, ફાસ્ટની ‘આઉટસાઈડર’. પ્રેમમાં પડતોતપતો, વ્યાવસાયિક તાણતકાજે ગુંચાતોગુંથાતો, વ્યાપક સમાજના સંઘર્ષોમાં પ્રતિબદ્ધપણે પ્રવૃત્ત થતો શો કોળે છે ! દેખીતો આઉટ, પણ એકદમ ઈન જ ઈન. દેખીતો ઈન, પણ એકદમ આઉટ જ આઉટ. ડાયસ્પોરી ગુજરાતીઓમાં, આફ્રિકામાં કે ઇંગ્લઁન્ડમાં કે બીજે જોશો તો આવાં પાત્રો જરૂર જડી આવશે. બને કે એમનાં સીધાં ચરિત્રલેખનમાંથી કે સર્જનાત્મક નવલલખાણમાં એમના વિનિયોગમાંથી જૂનાનવા, પોતાના ને પારકા મળીને થતા નવા પોતીકા સમાજને સાશં કાંક કશુંક નીરક્ષીરવિવેક ને વળી નીરમ (બેલાસ્ટ) સરખું મળી રહે. અહીં તળ ભૂમિમાં આ દિવસોમાં જે બધા વાઇબ્રન્ટી કનકવા ચડે છે એને એમાંથી ધોરણસરના કમાનઢઢ્ઢા મળી રહે એમ પણ બને. અને તળ ગુજરાતની ભાવઠ ક્યારેક એથી ભાંગી પણ શકે. ઓવર ટુ ન્યૂ વર્લ્ડ.

(યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ત્રણ દાયકાની સફરના એક પડાવવિરામે, ‘ગુજરાતી લેક્સિકોન’ના સહયોગથી, અમદાવાદમાં તા. ૧૦ - ૧૧ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ યોજાયેલ બે પરિસંવાદો (‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રતઆઅ દૃષ્ટિકોણ’ તેમ જ ‘ડાયસ્પોરી ગુજરાતી સાહિત્યસર્જન : દશા અને દિશા’)માં સમાપન વક્તવ્ય.)

Category :- Diaspora / Features