FEATURES

એ રવિવારી સવારના, નવના સુમારે, હું મિ. જેફના ઘરે પહોંચી ગયો હતો. આગલા દિવસની સાંજે વોલીબોલના મેદાનેથી છૂટા પડતાં તેમણે મને તેમના ઘરે નિમંત્ર્યો હતો. પૂર્વ આફ્રિકાના યુગાન્ડાનાં મસિન્ડી અને લિરા નામનાં  શહેરો ખાતે સ્થિર થએલા એ મારા હમવતની ભાઈ, વર્ષો બાદ, વતનની મુલાકાતે આવ્યા હતા. ઉંમરમાં મારાથી આઠેક વર્ષ મોટા અને એકબીજાથી અમે સાવ અજાણ, એવા અમારી વચ્ચે મિત્રાચારીના અંકુર ફૂટી રહ્યા હતા. હું તેમના ઘરમાં દાખલ થયો, ત્યારે તેઓ “ટાઇમ્સ ઓફ ઈન્ડિયા”માંનાં ક્રોસ વર્ડનાં ખાનાં ભરી રહ્યા હતા. તેમણે એ કામ પડતું મૂકીને ઊભા થઈને મને આવકાર્યો હતો.

પછી તો અમે બંને વાતોએ વળ્યા. થોડીકવાર પછી, તેઓ  પોતાની શુટકેસમાંથી એક મોટું ફોટો આલ્બમ લઈ આવ્યા. આલ્બમનાં પાનાં ફેરવતા જતાં, તેઓ દરેક ફોટાનું વર્ણન કરતા જતા હતા. એ ફોટાઓમાં યુગાન્ડા નેશનલ પાર્ક અને ત્યાંનાં વન્યપ્રાણીઓની અનેરી સૃષ્ટિ, એ પ્રાણીઓમાં ય વળી હાથીઓનાં ટોળેટોળાં, નાઈલ નદીનાં મનોહર દૃશ્યો, મર્ચિસન ફોલની ભવ્યતા, નાઈલ નદીનું ઉદ્દગમ એવા ચારે બાજુના પહાડો વચ્ચેનું વિશાળ વિક્ટોરિયા સરોવર, અને તેમાંનાં બોટ દ્વારા થતાં  મચ્છીમારી(Fishing)નાં દૃશ્યો, વિશાળકાય મોટાંમોટાં માછલાં અને અન્ય જળચરો, ત્યાંના સ્થાનિક આફ્રિકનો અને તેમનાં નૃત્યોના ફોટાઓ વગેરે જોતાં જોતાં હું એ અદ્દભુત દુનિયામાં ખોવાઈ ગયો હતો. વચ્ચે એક જગ્યાએ પોતે અટક્યા કે જે મસિન્ડી શહેરથી થોડે દૂર આવેલી એક હોટલનો ફોટો હતો. એ ફોટાને બરાબર જોઈ લેવાનું કહ્યા પછી, બાકીના ફોટાઓ બીજા દિવસે બતાવવાનું કહીને, તેમણે એ હોટલ વિષે કંઈક કહેવા માટે આલ્બમને બંધ કરી દીધું હતું. 

વચ્ચે જાફરભાઈ વિષેની થોડીક વિશેષ જાણકારી મેળવી લઈએ, તો ‘જેફ’ એ તેમનું હુલામણું નામ હતું. તેમણે સાત વર્ષના પ્રાથમિક શિક્ષણ દરમિયાન, છેલ્લાં ત્રણ વર્ષો સુધીના અંગ્રેજી શિક્ષણ સાથે પ્રાથમિક શાળાંત પરીક્ષા (પી.એસ.સી.) અહીં ખાતે વતનમાં જ ઉત્તીર્ણ કરી હતી. તેઓ ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર અને અંગ્રેજીના અભ્યાસુ જીવ હતા. તેમનું બહોળું કુટુંબ મુખ્યત્વે મસિન્ડી ખાતે વેપારધંધામાં વ્યસ્ત હતું. મિ. જેફ એકલા જ લિરા ખાતેની, કોઈક ગુજરાતી પટેલની, ખાનગી બસ કંપનીના સારી એવી ટકાવારીના શેર હોલ્ડર, કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને ટ્ર્રાન્સપોર્ટ જનરલ મેનેજર હતા.  યુગાન્ડાના મસિન્ડી અને લિરા ખાતેના વસવાટ દરમિયાન તેઓ દરરોજ સાંજે વોલીબોલ રમતા હતા. તેઓ ત્યાંના સ્થાનિક આફ્રિકન યુવકોને પણ વોલીબોલ ટીમમાં સામેલ કરતા હતા. એમાંના ઘણા ધર્માંતર કરીને ખ્રિસ્તી બન્યા હતા અને તેમણે એ લોકોના જેવાં જ પોતાનાં નામો ધારણ કરી લીધાં હતાં. એ સહખેલાડીઓએ જ તો જાફરભાઈને ‘જેફ’ એવું ઉપનામ આપ્યું હતું.   

મિ. જેફ આલ્બમમાંના પેલી હોટલના ફોટા ઉપરની કોઈક વાત ઉપર આવવા પહેલાં મને થોડીક પૂર્વભૂમિકા સમજાવી રહ્યા હતા. યુગાન્ડા પણ તે દિવસોમાં ભારતની જેમ બ્રિટિશ શાસન હેઠળ હતું અને છેક ૧૯૬૨માં આઝાદ થયું હતું. દક્ષિણ આફ્રિકાની જેમ ત્યાંના ગોરાઓ પણ રંગભેદમાં ચુસ્ત રીતે માનતા હતા. તેઓ આફ્રિકાના મૂળ નિવાસીઓ અને એશિયનો સાથે માત્ર આભડછેટ જ નહિ, તેમને તિરસ્કૃત પણ કરતા હતા. તેઓ તેમના કહેવાતા માનભંગના પ્રસંગે બધા જ અશ્વેતો સાથે તેઓ માત્ર લડતા-ઝગડતા જ ન હતા, પરંતુ તેમને મારઝૂડ પણ કરતા હતા. ગુસ્સાના આવેશમાં આવી જઈને આત્મરક્ષાના ખોટા બહાના હેઠળ, પણ ધાક જમાવવાના મલિન આશયે, ગોળીબાર કરીને કેટલાક અશ્વેતોને મારી નાખ્યાના દાખલાઓ પણ નોંધાયા હતા. કોર્ટોના ગોરા ન્યાયાધીશો પક્ષપાતપૂર્ણ ન્યાય આપીને તેમના જાતભાઈઓને નિર્દોષ છોડી મૂકતા હતા, જ્યારે અશ્વેતોને સામાન્ય પ્રકારના અપરાધો અથવા તેમના ઉપરના ખોટા આક્ષેપો હેઠળ તેમને આકરી સજા કરવાનું તેઓ ભાગ્યે જ ચૂકતા હતા !

હવે આપણે મિ. જેફના પોતાના જ શબ્દોમાં મસિન્ડી શહેર બહારની એ હોટલ અને તેના સાથે સંકળાએલી તેમની કોઈક વાત તેમના જ શબ્દોમાં સાંભળીએ :

‘મિ. વિલિયમ, ફોટામાંની હોટલ વિષે તમને કંઈક કહેવા માટે લાંબો સમય સુધી લટકાવ્યા તે બદલ ક્ષમાયાચના. આપણા જ ગામના વતની એવા એ મરહુમ પીરભાઈ યારભાઈ તાજુવાલા કે જેમને લોકો પીરા યારા તરીકે ઓળખતા હતા, તેઓ પણ મસિન્ડી ખાતે રહેતા હતા. એ સમયગાળામાં અમારા બહોળા પરિવાર ઉપરાંત કેટલાંક નાનાં કુટુંબો અને પીરા યારા તથા આપણા જ ગામના નાઈ બંધુઓ જેવા કેટલાક પોતાનાં કુટુંબો વગર એકલદોકલ રહેતા હતા. પીરા યારા આપણા ગુજરાતી દેશી વેપારી ભાઈઓનાં વેપારનાં છૂટક નામાં લખતા હતા. ત્યાંના અંગ્રેજ શાસનમાં વેપારીઓને પોતપોતાની ભાષાઓમાં નામાંઠામાં લખવાની છૂટ હતી. માત્ર ઈન્કમ ટેક્સ અને સેલ્સ ટેક્સનાં ફોર્મ તેમણે અંગ્રેજી ભાષામાં ભરવાનાં રહેતાં હતાં, અને એ કામ આપણા દક્ષિણ ભારતીય સનદી વકીલો કરતા હતા, કેમ કે એ લોકો સરસ અંગ્રેજી જાણતા હતા. પીરા યારા આપણા જ ગામમાં ગુજરાતી પાંચ ધોરણ અને અંગ્રેજી એક ધોરણ સુધી ભણેલા હતા. આમ છતાં ય મારે કબૂલવું પડશે કે તેઓ મારા કરતાં પણ સારુ અંગ્રેજી બોલી શકતા હતા. હા, એટલું ખરું કે તે માત્ર અંગ્રેજી બોલી શકતા હતા, પણ અંગ્રેજીમાં લખી શકતા ન હતા.’ 

આટલા સુધીમાં મિ. જેફની વાત પેલા પીરા યારા અને મસિન્ડીની હોટલની આસપાસ ગૂંથાએલી હોય તેમ મને લાગ્યું, અને મારી જાણવાની ઉત્સુકતાનો વહેલો અંત આવે તે આશયે મેં મિ. જેફને વચ્ચે કંઈપણ પૂછવાનું ટાળ્યું અને તેમને અવિરત બોલવા દીધા. તેમણે પોતાનું કથન આગળ લંબાવ્યું :
‘ઈન્કમ ટેક્સ અને સેલ્સ ટેક્સની પ્રેક્ટિસ કરતા ગોરા અને કેટલાક દક્ષિણ ભારતીય સનદી વકીલો સાથે પીરા યારાને વધારે પડતા સહવાસમાં આવવું પડતું હોઈ, તથા આપણા કેટલાક દેશી વેપારીઓની એવી આદતના કારણે તેઓ દારૂના વ્યસનમાં સપડાઈ ગયા હતા. તેમના કુટુંબમાં તેમનાં પત્ની અને એક માત્ર દીકરો વતનમાં હતાં અને આમ કુટુંબની મર્યાદાનો અહીં કોઈ પ્રશ્ન ન હોઈ, તેઓ વિના રોકટોકે છતાં ય મર્યાદિત પ્રમાણમાં ઘણીવાર એકાદ પેગ ગટગટાવી લેતા હતા. તેમની એક રીતભાત સારી હતી કે તેઓ કદી પણ નશાની હાલતમાં અમારાં કે અન્ય એવાં નિર્વ્યસની કુટુંબોમાં કદી ય પગ સરખો પણ મૂકતા ન હતા.

નાતાલના દિવસોની એ રજાઓ હતી, અને તે દિવસે, પીરા યારા મેં આલ્બમમાં બતાવી એ છેક ઇ.સ. ૧૯૩૨માં શરૂ થએલી ‘Hotel Royal Masindi’નાં પગથિયાં  ચઢી ગયા હતા. તે દિવસે એમણે કદાચ બે પેગ ચઢાવી દીધા હશે કે શું, પણ તેઓ ભાન ભૂલ્યા હતા કે એ હોટલ ફક્ત ગોરાઓ માટેની જ હતી. મેનેજરે તેમને બાવડેથી પકડીને બહુ જ ધીમા અવાજે વિનંતી કરતાં તેમને ખુરશી ઉપરથી ઊભા કરવાની કોશીશ કરી હતી. મેનેજરને ખબર પડી ગઈ હતી કે પીરા યારા દારૂના નશામાં હોટલમાં પ્રવેશી ગયા હતા. પણ ત્યાં તો વાત વણસી અને મેનેજરને પરખાવી દીધું, ‘How dare you touch my arm, O Gentleman ! – (તમે મારું બાવડું પકડવાની કઈ રીતે હિંમત કરી શકો, અય સજ્જન !)’. હોટલમાં કામ કરતા એશિયન નોકરો દોડી આવ્યા અને વાત આગળ વધવા પહેલાં તેમણે તેમને  સમજાવી-ફોસલાવીને હોટલની બહાર લાવી દીધા હતા. આમ તો પીરા યારા સાવ બેભાન હાલતમાં તો ન જ હતા, અને તેથી જ તો પેલા નોકરોએ જ્યારે પોતાની રોજીરોટી જોખમમાં મુકાવાનો ભય બતાવ્યો હતો, ત્યારે તેઓ તરત જ માની ગયા હતા ! આમ છતાં ય તેમણે મનોમન એ હોટલના માલિકને કોર્ટમાં પડકારવા માટેનો સંકલ્પ તો કરી જ લીધો હતો.’  

મિ. જેફે આ રસપ્રદ ઘટનાની વાતનો દૌર આગળ લંબાવતાં કહ્યું, ‘સામાન્ય રીતે સ્થાનિક કોર્ટમાં કેસોનો એટલો બધો ભરાવો ન રહેતો હોઈ, પીરા યારાએ કોર્ટમાં અરજીના રૂપમાં દાખલ કરેલો કેસ અઠવાડિયામાં જ બોર્ડ ઉપર આવી ગયો હતો. આ રસપ્રદ કેસના કારણે મસિન્ડીના તમામ એશિયનો અને સ્થાનિક આફ્રિકનો ઉત્સાહમાં આવી ગયા હતા. આ લડત પાછળ ગોરાઓની એ હોટલમાં બિનગોરાઓએ પ્રવેશવાનો માત્ર હક મેળવી લેવો એવો  કોઈ સંકુચિત આશય ન હતો. વળી ‘મનુષ્ય માત્ર, પ્રવેશને પાત્ર’ એવું હોટલના પ્રવેશદ્વાર આગળ બોર્ડ લાગી જાય એમાં જ આ લડતની ફલશ્રુતિ આવી જતી ન હતી. પરંતુ આ લડતમાં જો પીરા યારાની જીત થાય તો આ ચુકાદાની દૂરગામી અસરો ઘણી જગ્યાએ પડી શકે તેમ હતી. પીરા યારાના વિજયમાં સમગ્ર યુગાન્ડાની બાગબગીચા, ક્લ્બો, સ્કૂલો, દવાખાનાં એવી જાહેર જગ્યાઓએથી રંગભેદનો સંપૂર્ણ સફાયો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી હતી. બધાયના સદ્દનસીબે સ્થાનિક અદાલતના ન્યાયાધીશ બિનગોરા હતા. જો કે આ કોર્ટમાં જીત થઈ જવી એ કંઈ સર્વસ્વ ન હતું. સામેવાળાઓ આગળ અપીલમાં જાય તો કોઈક તબક્કે તેમને ગોરા ન્યાયાધીશો મળી જ જવાના હતા. જો કે બધા જ ગોરા ન્યાયાધીશો પક્ષપાતી હોય એવું માનવું પણ ભૂલભરેલું હતું.

લડત માટેના ખર્ચને પહોંચી વળવા આપણા લોકોની ખુલ્લી ઓફરો હતી. પીરા યારાએ સ્થાનિક કોર્ટ સુધીની લડત ચલાવવા માટે એક પણ શિલિંગની જરૂર નથી, તેવું સ્પષ્ટ જણાવી દીધું હતું. તેઓ પોતાના આત્મવિશ્વાસથી કેસ જાતે લડી લેવાના મુડમાં હતા અને કોઈ વકીલ પણ કરવા માગતા ન હતા. આપણા કેટલાક એશિયન વકીલોએ વગર ફીએ કેસ લડી આપવાની તૈયારી બતાવી હોવા છતાં પીરા યારા પોતાના ઈરાદા ઉપર મક્કમ હતા. આમ છતાં ય તેમણે કહ્યું હતું કે ઉપલી અદાલતોમાં કેસ લડવાની નોબત આવશે તેવા સંજોગોમાં પોતે વકીલની સેવાઓ લેશે અને નાણાકીય ફંડ પણ સ્વીકારશે.’

* * * * *

મેં મિ. જેફને મેં વિનંતી કરી હતી કે ભલે તેમની વાતનો વિસ્તાર થાય, પણ બંને પક્ષની દલીલો સવિસ્તાર સાંભળવા મળે તો મને વિશેષ આનંદ થશે. વળી જૂની હિંદી ફિલ્મોનાં ગાયનો સાંભળવાના શોખીન એવા મિ. જેફ પોતાની સાથે લાવેલા ટેપ રેકોર્ડરમાં અમારી હવે પછીની વાત કેસેટમાં રેકર્ડ થાય એવી ઈચ્છા પણ મેં વ્યક્ત કરતાં તેની ગોઠવણ તેમણે કરી લીધી હતી. કોર્ટની કાર્યવાહી અંગ્રેજીમાં જ ચાલી હશે, પણ મિ. જેફે  એ કાર્યવાહીને ગુજરાતીમાં પોતાના  શબ્દોમાં આ પ્રમાણે કહી  સંભળાવી હતી :

‘મિ. પીરા, તમે વકીલની સેવાઓ કેમ લીધી નથી ?’, સરકારી વકીલે પૂછ્યું હતું.

‘મારા કેસની પેરવી હું પોતે જ કરવા માગું છું, સાહેબ.’
પ્રતિવાદી વકીલે પૂછ્યું, ‘હોટલના પ્રવેશદ્વાર આગળ જ મોટા અક્ષરોમાં ‘ફક્ત ગોરાઓ માટે જ પ્રવેશ’ એવી સ્પષ્ટ સૂચના હોવા છતાં તમે હોટલમાં કેમ પ્રવેશ્યા હતા?’

પીરા યારાએ સ્વસ્થતાપૂર્વક જવાબ આપતાં કહ્યું, ‘તમે હોટલ પક્ષે વકીલ હોઈ તમને જ સંબોધીને કહું છું કે તમે લોકો આમ ગમે તે લખી નાખો તે કંઈ કાયદો બની શકે નહિ. શું તમારા પોતાના ઘડી કાઢેલા એવા એ કાયદાને સરકારી સમર્થન હતું ખરું ? જો હોય તો નામદાર કોર્ટ આગળ સાબિતી રજૂ કરો.’
વચ્ચે સરકારી વકીલે પીરા યારાની વાતને સમર્થન આપતાં કહ્યું, ‘ફરિયાદીની માગણી સાચી છે. તમારે સાબિતી રજૂ કરવી પડશે કે સત્તાવાળાઓએ તમારી એ સૂચનાને બહાલ રાખી હતી.’

પ્રતિવાદી વકીલ થોડાક ભોંઠા તો પડ્યા તેમ છતાં ય પોતાનો લૂલો બચાવ કરતાં બોલ્યા, ‘અમારા અસીલે એવી કાર્યવાહી કરવી જરૂરી માની ન હતી. પોતે હોટલના માલિક હોઈ, પોતે ઇચ્છે તેવા કાયદા પોતાની હોટલ માટે બનાવી શકે. હોટલના માલિક તરીકે હોટલમાં કોને પ્રવેશ આપવો અને કોને ન આપવો, તે તેમની મરજીને આધીન હોઈ, તેમાં સરકારની સંમતિ લેવાની હોય નહિ.’

સરકારી વકીલે વાદી પીરા યારા સામે જોઈને પૂછ્યું, ‘મિ. પીરા યારા, આ બાબતે તમારે કંઈ શું કહેવાનું છે ?’

પીરા યારાએ છટાપૂર્વક જણાવ્યું, ‘હા, નામદાર. આપ નોંધી લો કે હોટલ માલિક પોતાના ઉપર સરકાર જેવી કોઈ સત્તા છે તે માનવા ઈન્કાર કરે છે. જો દેશના તમામ લોકો આમ પોતાના માટેના કાયદા જાતે જ બનાવશે, તો દેશનું તંત્ર ક્યાં જઈને ઊભું રહેશે ? નામદાર જજ સાહેબને હું નમ્રતાપૂર્વક કહેવા માગું છું કે હું પણ મારી કોઈ હોટલ શરૂ કરીને એવી કોઈ નોટિસ મૂકી શકું ખરો કે આ હોટલમાં પ્રવેશ કરનાર કોઈ માણસ ઇચ્છે તો નગ્ન હાલતમાં પણ પ્રવેશી શકશે ! હોટલમાં પહેલેથી જ મોજુદ એવું કોઈ સંસ્કારી કુટુંબ આ સાંખી લેશે ખરું ? કહેવાનો મતલબ એ છે મિ લોર્ડ કે આવી જાહેર જગ્યાઓના માલિકો પોતાની મનમરજી પ્રમાણેના  કાયદા બનાવી શકે નહિ.’

હોટલમાલિકે વચ્ચે કહ્યું, ‘નામદાર જજ સાહેબ, હું કંઈક કહેવા માગું છું.’

‘કોર્ટના કઠેડામાં આવીને કહી શકો છો.’ ન્યાયાધીશે કહ્યું.
હોટલમાલિકે  કહ્યું, ‘સર, બિનગોરાઓ માટે અમારી હોટલના પાછળના ભાગે છાપરા નીચે ટેબલ ખુરશીઓ મુકાએલાં જ છે.’

પીરા યારાએ ધારદાર દલીલ આપતાં કહ્યું, ‘નામદાર, જો હોટલમાં  બિનગોરાઓ માટે અલાયદી વ્યવસ્થા હોય તો પછી પ્રવેશદ્વાર આગળ જ  એવી સૂચના તો ન જ મૂકી શકાય ને કે ‘ફક્ત ગોરાઓ માટે જ પ્રવેશ’!  મિ લોર્ડ,  શું આ બંને બાબતો એકબીજાની વિરોધાભાસી નથી ? પરંતુ હકીકત તો એ છે, મિ લોર્ડ, કે હોટલના પાછલા ભાગે કરેલી એ વ્યવસ્થા તમામ બિનગોરા ગ્રાહકો માટે નહિ, પણ હોટલના ગોરા ગ્રાહકોના બિનગોરા નોકરો જેવા કે ડ્રાઈવર, બાળકોના તેડાગર, સરકારી ગોરા અધિકારીઓના બિનગોરા સેવકો વગેરે માટે કરવામાં આવેલી છે. વળી એ વ્યવસ્થા હોટલના પાછલા ભાગે, ખુલ્લી જગ્યાના છાપરા નીચે, હલકી કક્ષાના ફર્નિચર તથા ડાઈનીંગ ક્રોકરી સાથે અને સેલ્ફ સર્વિસની શરતને આધીન હોય તો તેને રંગભેદ નહિ તો બીજું શું કહેવાય, મિ લોર્ડ ?’  

પ્રતિવાદી વકીલ : ‘મિ લોર્ડ, હોટલમાં આવી ગોરાઓ અને તેમના બિનગોરા સેવકો માટેની અલગ વ્યવસ્થા એ રંગભેદ નથી, પણ સુઘડ પોષાકમાં આવતા શિષ્ટાચારી ગ્રાહકોનાં માનસન્માન અને લાગણી જાળવવા માટેની એક વ્યવસ્થા માત્ર છે. આમ કોઈ ધંધાદારીઓ આવી વ્યવસ્થાઓ અને સગવડો માટેના નીતિનિયમો લોકોને કે સરકારને પૂછીને જ બનાવે તે વાજબી ગણાય ખરું ?’
પીરા યારા થોડાક આવેશમાં આવતાં બોલી ઊઠે છે, ‘નામદાર જજ સાહેબ, આપ સમજી શકો છો કે પ્રતિવાદીના વિદ્વાન વકીલશ્રી અન્યાયી અને સરાસર રંગભેદ જ વર્તાઈ આવે તેવા હોટલના માલિકે બનાવેલા પોતાના ખાનગી કાળા કાયદાને કેવું સરસ મજાનું ‘વ્યવસ્થા’ એવું હળવું નામ આપી રહ્યા છે ! આ તે કેવી તેમની કહેવાતી નિર્દોષ વ્યવસ્થા કે જે બિચારા બધા જ બિનગોરાઓ જાણે કે ગંદા અને અસંસ્કારી જ હોય તેમ માનીને તેમને અપમાનિત કે તિરસ્કૃત કરીને પેલા કહેવાતા સુઘડ અને સંસ્કારી ગોરાઓનાં માનસન્માન અને લાગણીઓને સાચવવામાં આવે ! વિદ્વાન પ્રતિવાદી વકીલશ્રીને શું વાજબી અને શું ગેરવાજબી એ નામદાર કોર્ટ જ જણાવશે, પણ મારી એક અન્ય દલીલના સંદર્ભમાં હું એક આડવાત કહેવા માગું છું, જો નામદાર કોર્ટ મને ઈજાજત આપે તો !’

ન્યાયાધીશ : હા, ઈજાજત છે.
ગોરાઓ, એશિયનો અને આફ્રિકનો થકી ભરચક એવી કોર્ટમાં ટાંકણી પડે તો ય અવાજ સંભળાય તેવી શાંતિ પ્રવર્તી રહી હતી. સૌ કોઈ ભાઈ પીરા યારાની આડવાતને સાંભળવા ઉત્સુક હતા. પીરા યારાએ ખોંખારો ખાતાં પોતાની દલીલના ભાગરૂપે પોતાની વાત આગળ ચલાવી, ‘અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહી(Democracy)ની વ્યાખ્યા આપી છે, ‘Government of the people, for the people and by the people.  -  (લોક્શાહી શાસનપ્રથા એટલે લોકોની, લોકો માટેની અને લોકો વડે ચાલતી સરકાર.)’. મિ લોર્ડ, આ વ્યાખ્યા આ કેસના હોટલ પક્ષને પણ આમ લાગુ ન પાડી શકાય  કે ‘Hotel  of the White, for the White and by the White ! -  (ગોરાઓની, ગોરાઓ માટેની અને ગોરાઓ વડે ચાલતી હોટલ !)’.

પ્રતિવાદી વકીલ : ‘નામદાર જજ સાહેબ, ફરિયાદી કે જે પોતે જ પોતાના વકીલ પણ છે તે આડવાત મૂકીને કોર્ટને ગૂંચવવા અને ગેરમાર્ગે દોરવા માગે છે, અને તેટલું જ નહિ પણ આવી વાહિયાત વાત દ્વારા કોર્ટનો મૂલ્યવાન સમય વેડફી રહ્યા છે. આપ એમને જણાવો કે તેમણે આપેલી અબ્રાહમ લિંકનની લોકશાહીની વ્યાખ્યાને આપણા આ કેસને શો સંબંધ ?’

પીરા યારા : ‘જી, મિ લોર્ડ. મેં આપની રજા મેળવીને મારી આડવાત કહી છે, એટલે હું કોર્ટનો સમય બરબાદ કરું છું તેવી વિદ્વાન પ્રતિપક્ષીય વકીલ મહાશયની દલીલ ટકતી નથી. હવે હું લોકશાહીની વ્યાખ્યાને આરોપી હોટલને સંપૂર્ણ રીતે લાગુ પાડવા માગું છું, પણ એક બાબત બાકી રહી જાય છે. Hotel of the White એટલે ગોરાઓની હોટલ, વાત સાચી છે કેમ કે હોટલના માલિક ગોરા છે. Hotel for the White એટલે ગોરાઓ માટેની હોટલ, એ વાત પણ એટલી જ સાચી છે કે હોટલમાલિક માત્ર ગોરાઓને જ હોટલમાં પ્રવેશવા દે છે અને એટલે જ તો તેમણે પ્રવેશદ્વારે જ એવું બોર્ડ પણ મૂક્યું છે, કે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ‘ફક્ત ગોરાઓ માટે જ પ્રવેશ’; પરંતુ મિ લોર્ડ, Hotel  by the White એટલે ગોરાઓ વડે ચાલતી હોટલ એ શરતનું અહીં સંપૂર્ણપણે પાલન થતું નથી, કેમ કે હોટલના ચાવીરૂપ અધિકારીઓ સિવાયના લગભગ તમામ કર્મચારીઓ જેવા કે રસોઈયા, વેઈટર, સફાઈ કામદાર, માળી, દરવાન વગેરે માત્ર અને માત્ર બિનગોરા જ છે. હોટલનાં તમામ કામો માટે માત્ર ગોરાઓને જ નિયુક્ત કરવામાં આવે તો જ પેલી વ્યાખ્યા આખેઆખી તેમની હોટલને લાગુ પડે. મિ લોર્ડ, આ તે ક્યાંનો ન્યાય કહેવાય કે હોટલના સત્તાવાળાઓ  બિનગોરાઓની સેવાઓ તો સ્વીકારે છે, પણ બિનગોરાઓને તેમની હોટલની સેવાઓ પૂરી પાડતા નથી !’

હોટલ માલિકને લાગ્યું કે હવે પોતાના પગ તળેથી જાજમ સરકી રહી છે, ત્યારે તેમણે હતાશા વચ્ચે પણ થોડીક મક્કમતા સાથે કહ્યું કે, ‘અમે અમારી હોટલને ખાનગી ક્લબમાં ફેરવી નાખીએ, અને માત્ર ગોરાઓને જ સભ્યપદ આપીને અમારી પેલી પ્રવેશ માટેની સૂચનાને કાયમ રાખીએ તો પછી કઈ રીતે તે રંગભેદ ગણાશે ?’

ન્યાયાધીશે પોતાનો અભિપ્રાય દર્શાવતાં કહ્યું કે, ‘ક્લબ’ને ખાનગી ગણી શકાય, પણ ‘હોટલ’ તો જાહેરની વ્યાખ્યામાં જ આવે. આ બંને વચ્ચેનો ભેદ તમારે સમજી લેવો પડશે અને તમારી હોટલના બોર્ડ ઉપર ‘હોટલ’ ના બદલે માત્ર ‘ક્લબ’ સુધારી નાખવાથી તે ક્લબ બની જશે નહિ. સરકાર અને કોર્ટ ‘હોટલ’ અને ‘ક્લબ’ને સારી રીતે સમજી શકે છે અને આમ આવી તમારી કોઈ ચાલાકીને સાંખી લેવામાં આવશે નહિ, સમજ્યા ?’ 

પીરા યારાએ આવેશમય અવાજે અને મક્કમતાના રણકા સાથે પડકાર ફેંક્યો આ શબ્દોમાં કે ‘ભલે, તમે તમારી હોટલને ક્લબ એવું નામ આપી દો, પણ અમે તમને છોડવાના નથી ! તમારે તમારી ક્લબના નોકરો પણ ગોરા જ રાખવા પડશે! અમે સમગ્ર યુગાન્ડા અને જરૂર જણાયે આખા આફ્રિકા ખંડમાં અને તેથી ય આગળ વધીને સમગ્ર દુનિયામાં એલાન કરી દઈશું કે જે ગોરાઓની માલિકીની કોઈ સીધેસીધી હોટલો કે ક્લબ નામધારી હોટલો હોય, અને ત્યાં બિનગોરાઓને પ્રવેશ આપવામાં ન આવતો હોય, તેવી કોઈ પણ જગ્યાએ કોઈ બિનગોરા માણસોએ નોકરી કરવી નહિ.’

કોર્ટમાં હાજર એશિયનો અને આફ્રિકનોએ ‘પીરા યારા, ઝિંદાબાદ !’ ના નારા લગાવવા શરૂ કર્યા. ન્યાયાધીશે ટેબલ ઉપર હથોડીનો પ્રહાર કરતાં ‘ઓર્ડર, ઓર્ડર’ કહીને ઓડિયન્સને ચેતવણી આપી દીધી કે ‘જો કોર્ટમાં શાંતિ અને શિસ્ત જાળવવામાં નહિ આવે તો બધાયને બહાર તગેડી મૂકવામાં આવશે અને જરૂર જણાશે તો સખત હાથે કામ પણ લેવામાં આવશે !’ 

પીરા યારાએ ઓડિયન્સ સામે ફરીને બંને હાથ જોડીને શાંતિ જાળવવા વિનંતી કરી અને કોર્ટની કાર્યવાહી આગળ ચાલી.

હોટલમાલિક, તેમના વકીલ અને હોટલ મેનેજમેન્ટના સભ્યો કોર્ટનું ઉશ્કેરાટભર્યું વાતાવરણ જોઈને છોભીલા પડી ગયા. પ્રતિવાદી વકીલે ગભરાતા અવાજે કોર્ટને કહ્યું, ‘નામદાર, આપ મને બેએક મિનિટનો સમય આપો તો હું મારા અસીલ સાથે અંગત રીતે વાત કરવા માગું છું.’   

ન્યાયાધીશે પ્રતિવાદી વકીલની માગણીને માન્ય રાખીને ઓડિયન્સને શાંતિ જાળવવાની તાકીદ કરી. હોટલમાલિક અને તેમના વકીલ નજીકની જ ચેમ્બરમાં જઈને મસલત કર્યા પછી એક જ મિનિટમાં પાછા ફર્યા.

પ્રતિવાદી વકીલે જાહેર કર્યું કે ‘અમે અમારી હોટલને સાર્વજનિક કરી દેવા તૈયાર છીએ. અમારી હોટલમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પ્રવેશ આપવામાં આવશે. પરંતુ, અમારા અસીલની બે માગણીઓ છે જેનો નામદાર કોર્ટ સ્વીકાર કરશે જ તેવી અમે આશા રાખીએ છીએ.’

ન્યાયાધીશે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, ‘માત્ર સ્થાનિક રીતે જ નહિ પણ દેશભરમાં કાયદો, વ્યવસ્થા અને શાંતિને જાળવી રાખવા માટે હોટલપક્ષે નમતું જોખીને જે સમજદારી બતાવી છે, તેની કદર કરવામાં આવે છે. તમારી માગણીઓ જો વાજબી હશે તો કોર્ટ તરફથી વાદીપક્ષને તેમને સ્વીકારવા માટેની ભલામણ કરવામાં આવશે. બોલો, તમારી શી માગણીઓ છે ?’
પ્રતિવાદી વકીલે હોટલમાલિક સામે જોઈ રહેતાં કહ્યું, ’એક તો, આ કેસનો કોઈનીય તરફેણમાં ચુકાદો ન આપતાં, તેનો સમાધાનથી નિવેડો લાવવામાં આવ્યો છે, તેવી નોંધ સાથે કેસને બંધ કરવામાં આવે; અને બીજું, હોટલમાં પ્રવેશનાર ગ્રાહકોએ હોટલના શિષ્ટાચાર (Etiquette)ને માન આપવું પડશે અને તેમણે હોટલમાં દાખલ થતી વખતે સુઘડ અને શોભનીય પોષાક ધારણ કરવો પડશે.’ 

ન્યાયાધીશે પીરા યારાને ઉદ્દેશીને પૂછ્યું, ‘મિ. પીરા યારા, હોટલપક્ષની બંને માગણીઓ કોર્ટને તો વાજબી લાગે છે. હવે બોલો, તમે આ અંગે શું કહેવા માગો છો ?’

પીરા યારાએ તરત જ રોકડો જવાબ પરખાવી દેતાં કહી દીધું, ‘નામદાર સાહેબ, તેમની પહેલી માગણી અમે હરગિજ સ્વીકારીશું નહિ. આનું સ્પષ્ટ કારણ એ છે કે જો સમાધાનની રૂએ આ કેસનો નિવેડો લાવવામાં આવે તો તેનો અર્થ એમ થાય કે અમારી અને માત્ર આ સ્થાનિક હોટલ વચ્ચે જ આ પ્રકારની સમજૂતિ થઈ છે અને તેથી આ પ્રકારના નિર્ણયનો અમલ અમારા પૂરતો જ ગણાશે, જે અમને માન્ય નથી. હોટલ પક્ષની વાત ગેરકાયદેસર અને અમારી માગણી સાચી છે એવો સ્પષ્ટ ચુકાદો આપવામાં આવે તો જ અને માત્ર તો જ મસિન્ડીની અને આખા યુગાન્ડાની હોટલોને આ ચુકાદો લાગુ પડે અને દેશભરમાંથી રંગભેદની અમાનવીય વિચારધારાને જાકારો આપવાનો માર્ગ મોકળો બને. હવે, રહી વાત એ લોકોની બીજી માગણીની, તો નામદાર સાહેબ, સાંભળી લો કે તેમની એ માગણી અમને મંજૂર છે. અમે તેમની બીજી માગણીના સંદર્ભે વધારામાં એ પણ કહેવા માગીએ છીએ કે તેઓની વાહનોમાં જ હોટલે આવવાની શરત હશે તો એ પણ અમે મંજૂર રાખીશું. અમારામાંના કોઈની પાસે પોતાની માલિકીનું વાહન નહિ હોય તો તે ભાડાના વાહનમાં આવીને પણ તેમની એ શરતનું પાલન કરશે!’

પીરા યારાની છેલ્લી વાતથી કોર્ટમાં હાસ્યનું મોજું ફરી વળ્યું અને ખુદ ન્યાયાધીશ પણ હસી પડ્યા.

ન્યાયાધીશે હોટલમાલિકને ફરી પાછા તેમનું મંતવ્ય જાણવાનું પૂછતાં તેમણે પણ ચહેરા ઉપર સ્મિત લાવતાં કબૂલી લીધું કે વાદી પક્ષની વાહનવાળી વાતને અમે મજાકભરી ગણતા હોઈ, તેને બાદ કરતાં તેમની બંને વાતોને સ્વીકારીએ છીએ. નામદાર કોર્ટ આ કેસનો વાદીની તરફેણમાં સ્પષ્ટ ચુકાદો આપે, તેમાં અમે સંમત થઈએ છીએ. વળી માત્ર મસિન્ડી જ નહિ, પણ આખા યુગાન્ડા તો શું વિશ્વભરમાં આ ચુકાદાની હકારાત્મક અસર પડે તેવું અમે પણ ઈચ્છીએ છીએ. વળી, અમે નામદાર કોર્ટને એ પણ ખાતરી આપીએ છીએ કે અમે આ કેસની ઉપલી અદાલતોમાં અપીલ પણ કરીશું નહિ.’
કોર્ટે વાદી પક્ષની માગણી મુજબ સ્પષ્ટ ચુકાદો આપતાં જણાવ્યું કે ‘પ્રતિવાદી હોટલના માલિકે સ્થાનિક સમાચારપત્રમાં પોતાની હોટલને સાર્વજનિક જાહેર કરવી પડશે અને તે રૂએ તેણે કોઈપણ જાતના વંશ, રંગ, વર્ણ કે લિંગના ભેદભાવ વગર પોતાની હોટલમાં પ્રવેશ આપવાનો સ્વીકાર કરતું ‘મનુષ્ય માત્ર પ્રવેશને પાત્ર’ તેવું સ્પષ્ટ રીતે દેખાઈ આવે તેવું હોટલના પ્રવેશદ્વાર આગળ બોર્ડ મારવું પડશે. વળી પ્રતિવાદીની માગણી મુજબ હોટલના ગ્રાહકોએ શિષ્ટ અને સુઘડ પોષાક ધારણ કરીને હોટલની શિસ્ત અને સુરુચિનો કોઈ ભંગ ન થાય તેવી રીતે વર્તવું પડશે.’      

જાફરભાઈની આંખે દેખ્યા અહેવાલ જેવી મસિન્ડીની એ હોટલ અંગેની કેસની કાર્યવાહીને સાંભળ્યા પછી હું ઉપસંહાર રૂપે એમ કહ્યા વગર ન રહી શક્યો કે, ‘જાફરભાઈ, આપણા ગામના અદના એ માણસે  રંગભેદ સામેની પોતાની લડતની જે સિદ્ધિ બતાવી છે, તેને હું મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકામાંની ત્યાંના શાસન સામે ચલાવેલી તેમની લડતો સાથે મૂલવું છું. ગાંધીજીની એ ચળવળ ઉપર ‘દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહનો ઇતિહાસ’ એ પુસ્તક લખાયું છે, પણ ભવિષ્યે મારો મિજાજ મને સાથ આપશે, તો હું તમને વચન આપું છું કે પીરા યારાના સંઘર્ષ અંગે કોઈ પુસ્તક તો નહિ, પણ ભવિષ્યે એકાદ પ્રકરણ તો જરૂર લખીશ અને તે પ્રકરણનું શીર્ષક હશે, ‘પૂર્વ આફ્રિકાના રંગભેદની નાબૂદીના ઇતિહાસનું એક પ્રકરણ ...’.’

મિ. જેફ પાસેથી રંગભેદની નાબૂદી અંગેની ઉપરોક્ત ગાથા મેં જ્યારે સાંભળી હતી, ત્યારે એ ગાથાના નાયક  પીરા યારા આ દુનિયામાં મોજૂદ ન હતા. તેઓ વયોવૃદ્ધ અવસ્થાએ જલોદરની બિમારીનો ભોગ બન્યા હ્તા. મિ. જેફનાં કુટુંબીજનોએ તેમની સેવાસુશ્રૂષા કરી હતી. આખરી દિવસોમાં તેમના પુત્ર, પત્ની અને વતનની યાદ આવી જતાં તેમણે ભારત પાછા ફરવાની જીદ પકડી હતી. ડોક્ટરોની મનાઈ છતાં તેમની આખરી ઇચ્છાને માન આપીને મિ. જેફના કુટુંબીજન તેમને દરિયાઈ માર્ગે વતનમાં લાવી રહ્યા હતા, અને સફરની અધવચ્ચે જ તેઓ ખુદાને પ્યારા થઈ ચૂક્યા હતા. સ્ટીમરના કપ્તાનના સહકારથી તેમની મૈયતને મોમ્બાસા ઊતારી દેવામાં આવી હતી અને ત્યાંના કબ્રસ્તાનમાં તેમને દફન કરી દેવામાં આવ્યા હતા.

વળી આજે ઘણાં વર્ષો બાદ, મિ. જેફને આપેલા વચન પ્રમાણે હું જ્યારે મારી યાદદાસ્તના આધારે એ ગાથાનું આ એક પ્રકરણ લખી ચૂક્યો છું, ત્યારે મારે સખેદ કહેવું પડે છે કે મારા આ પ્રકરણને વાંચવા હવે મિ. જેફ પણ આપણી વચ્ચે નથી!

(તા.૨૮-૦૩-૨૦૧૩)

e.mail : [email protected]

Category :- Diaspora / Features

પૂર્વ અને પશ્ચિમ

રેખા પી. સિંધલ
08-04-2013

‘મૉમ, માઈક ઈઝ આસ્કીંગ મી ફોર ડેટ, કેન આઈ ગો ?’ મારી સોળ વર્ષની પુત્રી પ્રિયાએ જ્યારે પ્રેમ અને વિશ્વાસથી મને આમ પૂછ્યું, ત્યારે ‘ના’ પાડવી અઘરી બની ગઈ; પણ ‘હા’ પાડવી એનાથી ય અઘરી હતી. હું ફકત એટલું જ બોલી શકી કે મને તારા માટે ડર લાગે છે. તરત કહે, ‘કેમ ?’ હું શું જવાબ આપું, આ એક શબ્દના પ્રશ્નનો ?

ત્રણ દીકરીઓમાં પ્રિયા સૌથી નાની અને એટલી ચાલાક કે તેણે સમયસૂચકતા વાપરીને મને ઝડપી હતી; જેથી હું કામ કે થાક અગર તો બીજું કોઈ બહાનું કાઢીને વાત ઠેલી ન શકું. એ માટે જરૂરી ધીરજ પણ એણે જાળવી હતી. મને રડું રડું જોઈ, એટલે કહે, ‘તું ચિન્તા ન કર. તારાથી છુપાઈને મારે કંઈ નથી કરવું, અને એટલે તો પૂછું છું.’ ચિન્તા ઘટી; પણ મુશ્કેલી વધી ! મેં કહ્યું કે મને વિચારવા માટે સમય જોઈએ. તે કહે, ‘ભલે, કેટલો ?’ એના ટૂંકાટચ ત્રણ પ્રશ્નોએ મને ખળભળાવી નાખી. મેં એક મહિનાનો ઓછામાં ઓછો સમય માંગ્યો. જાણે એને પણ મને પટાવવાનો એટલો સમય મળી ગયો હોય, તેમ એ ખુશ થઈ ઊઠી. કહેવા લાગી કે તારે જ્યારે પણ એ અંગે વાત કરવી હોય, ત્યારે મને કહેજે. હું તૈયાર જ છું. અમારો મા-પુત્રીનો અન્યોન્ય માટેનો વિશ્વાસ અત્યારે ચરમ સીમાએ હતો. સાથે સાથે કસોટી પર પણ હતો.

બીજા દિવસે પ્રેમથી પાસે બેસાડીને મેં મારી આ અત્યંત વહાલી પુત્રીને કહ્યું, ‘બેટા, માઈકને હું બહુ જાણતી નથી; તેથી હા કહી શકતી નથી.’ એ કહે, ‘તને મારો વિશ્વાસ નથી? તારે મારા થકી માઈકનો ભરોસો કરવાનો છે.’ અમારું વાક્યુદ્ધ શરૂ થયું. ‘બેટા, આ ઉમ્મરનો ભરોસો તારે પણ ન કરવો જોઈએ.’ મારી આ વાતનો તરત સ્વીકાર કરીને કહે, ‘હા, એ તો ખરું જ ને ! એટલે તો અમે લગ્નનું નહીં; ડેટીંગનુ વિચારીએ છીએ.’

અત્યાર સુધી અમારી વાત ચુપચાપ સાંભળતી, મારી મોટી પુત્રી નીતિએ વાતમાં ઝંપલાવ્યું. પ્રિયાને કહે, ‘પણ મમ્મી, ડેટીંગ વિશે જ કંઈ જાણતી નથી ! પહેલાં ડેટીંગ એટલે શું તે એને સમજાવ.’  એના પપ્પા ઘરમાં હોત તો મહાભારત જ સર્જાયું હોત. તે કદાચ બન્ને બહેનોને પહેલેથી જ ખબર હશે. મેં મારું (અ)જ્ઞાન દર્શાવ્યું, ‘મને ખબર છે ! ડેટીંગ એટલે છોકરો અને છોકરી લગ્ન થઈ ગયાં હોય, તેમ સાથે હરે-ફરે, અને પછી ન ફાવે તો લગ્નની ના પાડીને ઊભા રહે.’ પ્રિયા કહેવા લાગી કે ના, મમ્મી, એવું નથી …. વચ્ચે જ નીતિ કહે, ‘‘મમ્મીને એમ છે કે ડેટીંગમાં સેક્સ અનિવાર્ય છે. હવે તું એની સાથે ફોડ પાડીને વાત કર.’ ‘તું જ કહે ને !’ એમ જ્યારે મેં નીતિને કહ્યું ત્યારે ‘મારું એ ગજું નહીં,’ એમ કહી, એણે ચાલતી પકડી. આટલું કહેતાં પણ એને તકલીફ પડી હશે; કારણ કે તે જાણતી હતી કે મમ્મી જે વાતાવરણમાં ઉછરી છે, તેમાં સેક્સની વાત કરાય જ નહીં. અને માબાપ સાથે તો ભૂલેચૂકે પણ નહીં. પણ પ્રિયા પાસે ધીરજનો આજે ભંડાર હતો અને મારી તો એ વગર હાર જ હતી. એટલે પ્રિયાએ જ ફરી તંતુ સાંધ્યો. ‘એવું નથી મમ્મી, અમારી મિત્રતા આખી જિન્દગી ટકી શકે તે માટે વિશ્વાસ કેળવવા, અમે એકબીજાને નજીકથી ઓળખી શકીએ, મિત્ર તરીકે અત્યારે પણ ‘છૂટ’થી હરીએ–ફરીએ અને એકબીજાને સંભાળીને સમજી શકીએ તે માટે ….’ આમતેમ ડેટીંગ વિશે એણે મને ઘણું સમજાવ્યું; પણ મારું સમગ્ર ધ્યાન ‘છૂટ’ શબ્દ પર કેન્દ્રિત હતું. એટલે મારે કેટલી છૂટ આપવી તે વિચારવા માટે મને મળેલ સમય મારે ગુમાવવો નહોતો. ‘જોઈશું !’ કહીને મેં તત્કાળ પૂરતી ચર્ચાની સમાપ્તિ કરી.

બાપ–દીકરી વચ્ચે મોરચો ન મંડાઈ જાય તે માટે આ વાત યોગ્ય સમયે યોગ્ય રીતે મારા પતિ વિમલને કહેવાનું મેં વિચાર્યું હતું. સાંજે જ્યારે એણે પૂછ્યું કે  ‘શું વિચારે છે? કેમ મુંઝાયેલી લાગે છે?’ ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું સ્વસ્થ નથી, અને આ વાત કરીશ તો મારાથી પણ વધારે તેઓ અકળાઈ ઊઠશે. ઉપરાંત મારી ક્યાં ભૂલ છે અને હવે કેમ સુધારવી તેના તાત્કાલીક ઉપાયો કરવા માટેનાં સૂચનો આપવા લાગશે. પછી અમારો આ કલહ મૂળ પ્રશ્ન પરથી અમારું ધ્યાન ચલિત કરી દેશે. એવા ડરથી એ સમયે હું ચુપ જ રહી. ગયા રવિવારની જેમ આ રવિવારે પણ એમણે કામ પર જવું પડશે કે કેમ ? એ પૂછતાં વાતની ગંભીરતા એમને સમજાઈ ગઈ અને અત્યારે આગળ કંઈ ન પૂછવામાં જ શાંતિ છે તે પણ સમજાઈ ગયું.

ત્રણ દિવસ પછી રવિવારની રજાના દિવસે દીકરીઓ (કદાચ અમને એકાંત આપવા જ) મામાને ઘરે ગઈ હતી. હું સવારમાં વહેલી ઊઠીને મારાં બધાં કામ આટોપી, ચાની સાથે પ્રેમનો કટોરો લઈને વિમલ સાથે વાત કરવા બેઠી; કે જેથી જે સમસ્યા ઊભી થઈ એમાં મારો જો કાંઈ વાંક હોય તો માફ કરી, આગળ શું કરવું તેમાં તેઓ દોરવી શકે. સંતાન, એમાં ય દીકરી, ખોટું કરતી જણાય ત્યારે તેની માતાનો વાંક કાઢવા પાછળ શું પિતાનો પુત્રી પ્રત્યેનો સ્નેહ હશે ?

આ દેશમાં આવ્યા એટલે એક વસ્તુ તો ખરી જ કે કોઈ પણ કૌટુંબિક સમસ્યા ઊભી થાય એટલે દોષનો ટોપલો અમેરિકન કલચર પર ઢોળીને હળવા થવામાં સરળતા રહે છે. આ હળવાશ સાથે જ અમે પણ વાત શરૂ કરી. દીકરી કેટલી ડાહી અને પ્રેમાળ છે, આપણો કેટલો બધો વિચાર કરે છે, હવે મોટી થઈ છે અને સ્વતંત્રપણે વિચારવા લાગી છે, એટલે એની પર નજર રાખવા માટે આપણી પાસે તેની પર વિશ્વાસ રાખવા સિવાયનો કોઈ વિકલ્પ હોય તો કહેવા મેં વિમલને આજીજી કરી. મારી મજબૂરીઓમાં પોતાની મજબૂરીનું પ્રતિબિંબ જોઈ, એ શાંત જ રહ્યા અને મને એક કિલ્લો સર કર્યાની હાશ થઈ!

પછી મેં તેને માઈક અને ડેટીંગ વિશે વાત કરી. માઈક સાથેનું પ્રિયાનું હળવું–મળવું એમને રુચતું નહોતું એ ખ્યાલ માઈકને પણ આવી ગયો હતો, તે મેં પ્રિયા પાસેથી જાણ્યું હતું; પણ આજે વાંધો માઈકનો નહીં; ડેટીંગનો હતો. મુખ્ય વિષય ‘ડેટીંગ’ થઈ ચુક્યો હતો; માઈક નહીં. આ નબળી પળોમાં અમારો પરસ્પરનો પ્રેમ છલકાતો હતો. પાંત્રીસ વર્ષો અમે સાથે રહી શક્યાં તે આ પ્રેમની નબળાઈને કારણે જ. આ જ નબળાઈ હવે દીકરીમાં જોવા મળે છે ત્યારે એને કેમ પોષવી ? એ મૂંઝવતો પ્રશ્ન હતો. વિમલ એકદમ જ ચુપ થઈ ગયા. સાથે સાથે ઉદાસ પણ ! પ્રિયાને આપણે સાથે મળી સમજાવવી પડશે એમ કહી, મેં એમની મદદ માંગી, ત્યારે વીંધી નાખતી સ્થિર નજરે એમણે મારી સામે જોયું અને હું ફરી ખળભળી ઊઠી.

ઉનાળાના વેકેશનની નિરાંતને કારણે પ્રિયા સાથે વાત કરવાનો પૂરતો સમય હતો. પણ વાત શું અને કેમ કરવી ? તે વિચાર કરવા છતાં સૂઝતું નહોતું. મામાને ત્યાંથી એ પાછી આવીને મને ભેટી. મને એવું લાગ્યું જાણે એ વહાલ લેવા નહીં; આપવા આવી હોય. માઈકની એમાં જીવનભરની ભાગીદારી માટે મારે તૈયારી કરવાની હતી. એક અજાણ્યા અમેરિકન છોકરા પર મારી વહાલી પુત્રીની સંભાળનો મારે વિશ્વાસ કરવાનો હતો. જ્ઞાતિ અને ધર્મના વાડાઓ કુદાવીને, ‘વસુધૈવકુટુંબકમ’ના વિચારોને પુસ્તકમાંથી જીવનમાં ઉતારવાની ક્ષણ ઘણી કપરી લાગી.  

થોડા દિવસ પછી, એક સાંજે, હું ને પ્રિયા બહાર વરંડામાં હીંચકે બેઠાં. મારી મૂંઝવણો એ સમજશે એમ માનીને મેં કહ્યું કે માઈક સારો છોકરો જણાય છે અને ભણવામાં ઘણો હોશિયાર છે તે ખરું; પણ તે, તેનું કુટુંબ અને તેનો સમાજ, બધું આપણાથી અજાણ્યું આપણે એને સ્વીકારીએ; પણ એ આપણને કાયમ માટે સ્વીકારશે તેની ખાતરી શું ? તેનો જવાબ હતો કે : ‘ડેટીંગ દરમ્યાન અમારો પ્રેમ અને વિશ્વાસ દૃઢ થશે તો જ અમે પરણીશું; નહીંતર નહીં. અને તેના કુટુંબમાં કોઈને મારો વાંધો નથી અને હોય તો પણ; એ માઈકે સંભાળવાનું છે. રહી સમાજની વાત તો મમ્મી, મારો અને માઈકનો સમાજ એક જ છે – અમેરિકન. તમારો સમાજ જે ઈન્ડિયામાં છે તેને તો અમે ઓળખતાં પણ નથી, અને જે અહીં છે તે ભારતીય સમાજનાં અમારાં જેવડાં બાળકો અમને સમજી શકે, માબાપ નહીં.’

તે દિવસે મને ભાન થયું કે મારો અને મારાં સંતાનોનો સમાજ અલગ પડી ગયો છે. મારી મૂંઝવણો એને સમજાવવા કરતાં હવે તેની મૂંઝવણો મારે સમજવાની જરૂર છે તેનું પણ ભાન થયું. નીતિને સમજવામાં મેં બહુ મોટી ભૂલ કરી છે તેનો પણ અહેસાસ થયો. માબાપ તરીકે અમે એને સમજાવવામાં જ વ્યસ્ત હતાં; સમજવામાં નહીં. અન્તે અમે એને નહીં જ સમજી શકીએ તે નિરાશાએ એને અમારાથી દૂર કરી દીધી હતી. તે ઘરમાં જ હોવા છતાં; અમારી ચર્ચામાં ભાગ લેવા તો જ આવતી, જો એનાથી એની નાની બહેનને કંઈ ટેકો મળી શકે.

ગુનાહિત ભાવ સાથે મેં છેલ્લી દલીલ કરી કે, ‘મેં તારી મોટી બહેનોને આટલી બધી છૂટ નથી આપી અને હવે તને આપું તો મેં એમને અન્યાય કર્યો ગણાય.’

‘હમણાં જ પાછી આવું છું,’ એમ કહી પ્રિયા ઘરમાં જઈ નીતિને બોલાવી લાવી. 

નીતિ કહે, ‘મને તો તેં અન્યાય કર્યો જ છે. હવે પ્રિયાને ન કરે તો સૌથી વધુ આનંદ મને થશે.’  

ત્રીજી પુત્રી સુજાતા, અમે એના માટે પસંદ કરેલાં યુવાન સાથે પરણીને સાસરે સુખી છે. અને આ પ્રશ્ને અમારી કૌટુંબિક એકતામાં ભંગ ન પડે તેવા પ્રયત્નો તે દૂરથી ફોનમાં કર્યા કરતી.

અમારી હાર થઈ ચૂકી હતી પણ કબૂલવા અમે તૈયાર નહોતાં; તેમ છૂટ આપવા પણ તૈયાર નહોતાં. પ્રિયાના પ્રેમે એને ઘણી ધીરજ બક્ષી હતી. શાંત, મૃદુ અને પ્રેમાળ હાસ્ય સાથે વળી એક સાંજે મને કહે, ‘ચાલ, હું તને રસોઈમાં મદદ કરું.’ માબાપ દુ:ખી થતાં હોય તો તેને કેમ ખુશ કરવા તે કળા સંતાનોને હસ્તગત હોય છે. રસોઈ કરતાં કરતાં તે પૂછવા લાગી કે, ‘માઈક અને તેનો ભાઈ ચાર્લ્સ શુક્રવારની સાંજ આપણી સાથે ગાળવા આવી શકે?’ આમ તો એ બન્ને પ્રિયાના મિત્રવર્તુળમાં હોવાને કારણે અમારે ત્યાં આવતા રહેતા અને સાથે અન્ય મિત્રો પણ હોય જ. પ્રિયાને ખબર જ હતી કે તેના મિત્રો માટે અમારા ઘરના દરવાજા ખુલ્લા છે; તો પણ એણે પૂછ્યું તેનો મને આનંદ થયો. આ રીતે અમે માઈકના સીધા પરિચયમાં આવી શકીએ તે એનો હેતુ હતો.

પછીના શુક્રવારે સાંજે બન્ને ભાઈઓ અમારી સાથે જમ્યાં. ખૂબ સારી છાપ પાડીને ગયા. કિશોર વયના એ બન્ને ભાઈઓને રાતના આઠ વાગ્યા પછી ઘરબહાર જવાની છૂટ નહોતી. કાર અકસ્માતમાં તેમની માતાના મૃત્યુ પછી, એમના પિતાએ બીજાં લગ્નનો વિચાર કર્યા વગર, આ બન્ને બાળકોના ઉછેર પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. માઈક મને ખુલ્લા દિલનો પ્રામાણિક યુવાન લાગ્યો; છતાં મારી દીકરીની શક્ય નબળાઈઓ સાથે તે જીવનભર સાથ નિભાવે કે કેમ ? અને તેની શક્ય નબળાઈઓ પ્રિયાને જીવનભર સહ્ય હશે કે કેમ ? એ પશ્ન હું પ્રિયાના ધ્યાન પર મુક્યા વગર ન રહી શકી. ફરીને વાત ડેટીંગ પર આવીને ઊભી રહી. ‘એટલે જ તો અમે ડેટીંગનું વિચારીએ છીએ. હજુ લગ્નનું ક્યાં નક્કી છે ? એવું લાગશે તો અમે લગ્ન નહીં કરીએ, અને મમ્મી, તું શા માટે અત્યારથી લગ્ન સુધીનું લાંબું વિચારે છે ? હજુ ચારપાંચ વર્ષ તો અમારે ભણવાનું પણ બાકી છે. ડેટીંગ દરમ્યાન અમારી મિત્રતા વધુ ગાઢ નહીં થાય તો જીવનસાથી થવાનો સવાલ જ ઊભો થતો નથી !’  ‘મતલબ કે ડેટીંગ એટલે લગ્ન માટે જરૂરી મિત્રતા ગાઢ કરવાનો પ્રયાસ એમ જ ને ? તો પછી મને વચન આપ કે તું અમને પૂછ્યા વગર લગ્નનું નક્કી નહીં કરે.’ મેં આમ કહ્યું કે પ્રિયા તરત કબૂલ થઈ. તેથી મને હાશ થઈ. હજુ મારી પાસે ઘણો સમય છે. હું એને પાછી વાળી લઈશ. એમ મન મનાવીને મેં તેને ડેટીંગની છૂટ આપી.

થોડા દિવસ વિત્યા હશે ત્યાં અવઢવ સાથે પ્રિયાએ એક નવો પ્રશ્ન પૂછ્યો, ‘મોમ, તું કહેતી હોય છે કે જગતના બધા ધર્મો સમાન છે, બરાબરને ?’ મેં જવાબ આપ્યો, ‘હા, કેમ તારે ધર્મ તો નથી બદલવો ને ?’ મારું લોહી વેગથી દોડવા લાગ્યું. ‘નહીં, નહીં, મમ્મી ….’ ક્યારેક મૉમ અને ક્યારેક મમ્મી કહેતી એ મને શાંત કરવા લાગી. ‘માઈક બહુ સારો છોકરો છે. મને કહે છે કે તને હું ક્યારે ય ધર્મ બદલવાની ફરજ નહીં પાડું; પણ ……’ આગળ કંઈક કહેતાં તે અટકી ગઈ.  ‘તો પછી શી વાત છે ? બોલને !’ મેં તરત સ્વસ્થતા ધારણ કરી પૂછ્યું. માઈક કહે છે, ‘આપણે ભવિષ્યમાં લગ્ન કરીએ તો આપણાં બાળકો અમારો ધર્મ પાળશે. તારાં માબાપને તેનો વાંધો નથી ને, તે પૂછી જોજે. પછી ત્યારે ધર્મનો ઝઘડો આપણાં વર્ષોના સંબંધ પર પાણી ફેરવે; તે કરતાં અત્યારથી અટકવું સારું !’ મેં કહ્યું કે, ‘ઝઘડો પોતે જ કોઈ પણ ધર્મની વિરુદ્ધની બાબત છે. માટે ધર્મ માટે ઝઘડવાની વાત તો  બેબુનિયાદ છે; પણ તેને કહેજે ધર્મ માટે સહિષ્ણુ એવાં મારાં માબાપ, માંસાહારી ખોરાક માટે અસહિષ્ણુ છે. અને તું ફકત શાકાહારી રસોઈ જ કરી શકીશ એ પણ એને કહી દેજે.’ ઉછળેલાં દડાની જેમ મારી દીકરી બીચારી એના રૂમમાં જતી રહી. અમે તો આમે ય આ સમ્બન્ધ આગળ વિકસે એવું ઇચ્છતા નહોતાં.

હવે માઈક એકલો અવારનવાર અમારે ત્યાં આવવા લાગ્યો. પ્રિયા તેને ત્યાં જતી તે મને બહુ રુચતું નહીં; એટલે હું માઈકને વધુ પ્રેમથી સત્કારતી. માઈકના ડૅડીને પ્રિયા માટે સારો ભાવ છે એ જાણ્યા પછી, મને થયું કે અમારે વિઘ્ન ન બનવું જોઈએ. લગ્ન પહેલાં તેઓ ‘હદ’ નહીં ઓળંગે, તેની ખાતરી પણ માઈક પરના ધાર્મિક પ્રતિબંધોથી અને તેના વધુ પરિચયથી થઈ. એમના પર વધતા જતાં વિશ્વાસને કારણે મારો ડર ઘટતો જતો હતો. માઈક અમારી દુનિયામાં પ્રવેશ પામી ચુક્યો હતો. હવે તે પ્રિયાને છોડી દે તો પ્રિયાની શી હાલત થાય, તેની ચિંતા મને અકારણ થવા લાગી હતી ! બન્ને મોટી બહેનો મારી આ ચિંતા પર પ્રહાર કરતાં કહે, ‘અત્યારે તો તારે કારણે પ્રિયા એને છોડી દે એવી શક્યતા વધારે છે. અને એમ થાય તો માઈકની મનોદશા શી થાય તેનો તને ખ્યાલ છે ?’

સુકાન મારા હાથમાં છે તે ભ્રમ ભાંગતાં પીડા ઘણી ય થઈ; પણ સાથે એક પ્રકાશ પણ મનમાં પડ્યો કે પોતાના બાળકની શક્તિનો અંદાજ માબાપ એમના પરની સત્તાની અંધતાને કારણે લગાવી શક્તા નથી.

આઠ વર્ષ જોતજોતામાં વીતી ગયાં. પ્રિયા અને માઈક બંને ડૉક્ટરેટની ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરી સ્વનિર્ભર થઈ, લગ્ન માટેની તૈયારી કરવા લાગ્યાં. આ વર્ષો દરમ્યાન માઈક અને પ્રિયાના ડૅડી વચ્ચે પણ વિશ્વાસ બંધાયો હતો. વિરોધનાં બધાં વમળો શમી ચુક્યાં હતાં. ક્યારેક પ્રિયા અને માઈક નાનાં બાળકોની જેમ ઝઘડી પડતાં અને અમને એની જાણ થાય તે પહેલાં તો અમારી સામે બન્ને હસતાં ઊભાં હોય ! માઈક ગુજરાતી બોલવાની કોશિશ કરતો ત્યારે ઘર ખડખડાટ હાસ્યથી ભરાઈ જતું. આવે ત્યારે ‘ખેમ ચો?’(કેમ છો?)થી શરૂ કરી, જાય ત્યારે ‘આવજો’ સુધી ગુજરાતી શીખવાની તેની કોશિશ ચાલુ રહેતી.

બન્ને પક્ષનાં માબાપની ખુશી માટે લગ્ન હિન્દુ વિધિથી અને ખ્રિસ્તી ધર્મની વિધિથી, એમ વારાફરતી બે દિવસ ઉજવવાનું નક્કી થયું. બન્ને પ્રસંગે, બન્ને પક્ષના કુટુમ્બીજનો અને સ્નેહીમિત્રોની હાજરીમાં મેંદી રંગ્યા હાથે પ્રિયાએ, ગુજરાતી વરરાજાના પોશાક સાથે સાફો પહેરેલા માઈકના ગળામાં વરમાળા આરોપી. બ્રાહ્મણના મંત્રોચ્ચાર સાથે ફેરા ફર્યાં. બીજા દિવસે લગ્નના સફેદ પોશાકમાં પવિત્રતાની મૂર્તિ સમી પ્રિયા અને ‘Made in India’ ટાઈ સાથે બ્લ્યુ સુટમાં સજ્જ માઈક  ‘I do’ કહી પાદરીની હાજરીમાં વચનબદ્ધ થયાં. વડીલોના આશીર્વાદ માટે પ્રણામ કરવા માઈક પ્રિયાને અનુસર્યો અને માઈકના કુટુમ્બીઓ સાથેના ડાન્સમાં પ્રિયા જોડાઈ. પૂરો ખ્યાલ રાખી ‘something new, something old, something blue, something borrowed’નો શણગાર સજી પ્રિયાએ માઈક સાથે સહજીવનને પંથે પ્રયાણ શરૂ કર્યું ત્યારે મારાં અશ્રુમાંથી કવિ દાદનું આ વિદાયગીત ટપકતું હતું :

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
   

મમતા રુવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગ્યો

સમ્પર્ક : 5022-Redvine way, Hixson, TN 37343, USA        

ઇ.મેલ: [email protected]  લેખિકાનો બ્લોગ  : http://axaypatra.wordpress.com/

સૌજન્ય : “સન્ડે ઈ–મહેફીલ” – વર્ષ : આઠમું – અંક : 266 – March 24, 2013

Category :- Diaspora / Features