FEATURES

ઉત્તમ માણસો તથા મૂર્ખાઓ, એ બેમાંથી કોઈમાં ય માર ખાઈ ખાઈને અધમૂઆ થવા છતાં આદરેલું છોડી દેવા જેટલી અક્કલ હોતી નથી. અંતે જે સફળ થાય તે ઉત્તમ કહેવાય છે - જો કે, બાકીનાઓ કાયમ વધુમતિમાં હોય છે. અમેરિકામાં ભવિષ્યની પેઢીઓની ચિંતાની વ્યર્થતા સમજાયા પછી હવે સૌને “આપણા ગયા પછી શું?”ની ફિકર પેઠી છે. આપણી સંપત્તિના ઘરાક તો મળી રહે, પણ દસકાઓથી સંઘરેલાં, અને પૂઠાં ઉપર પૂઠાં ચડાવીને રક્ષેલાં પુસ્તકોનું શું કરવું તે પ્રાણપ્રશ્ન છે. “આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા” આગળ હાલ પૂરતી તો સમાધાનરેખા દોરાઈ છે.

આવતી પેઢી તો ઠીક, આપણી પોતાની પાસે પણ હવે ગુજરાતી વાંચવા માટે નથી સમય, કે નથી કદાચ શક્તિ પણ. તેથી બહાનાં કાઢીએ છીએ કે અંગ્રેજી વાંચીએ છીએ, કૉમ્પ્યૂટર ઉપર વાંચી લઈએ છીએ, અમારા ઘરમાં પડ્યાં છે તે વાંચવાનો પણ સમય નથી, અમારા બાપદાદાએ દેશમાં સેંકડો પુસ્તકો ભેગાં કર્યાં છે, ઈત્યાદિ. હવે ભારતથી પુસ્તકો લાવવાનું અશક્યવત્‌ થઈ ગયું છે, તેથી અમેરિકામાં જે પુસ્તકો આવી ગયાં છે તે સાચવવાની જરૂર છે, કોઈ વાચક નજરે ન પડે તો પણ. વળી ભારતથી મુલાકાતે કે સ્થળાંતર કરીને આવતા વડીલોમાંના મોટા ભાગના માત્ર ગુજરાતી જ વાંચી શકે તેમ છે. અંગ્રેજી આવડતું હોય તો પણ તેમનામાં સ્થાનિક પુસ્તકાલયમાં કાર ચલાવીને જવાની કે બિનઅંગ્રેજી પુસ્તકોની પૂછતાછ કરવાની ક્ષમતા પણ જવલ્લે જ હોય છે.

તેમને અનુલક્ષીને મારાં પોતાનાં બે-એક હજાર પુસ્તકોમાંથી એક પુસ્તકાલય પાંચેક વર્ષ પૂર્વે શરૂ કર્યું હતું, તે હવે લગભગ બંધ કર્યું છે કે જેની ફલશ્રુતિ અહીં રજૂ કરી છે. જીર્ણશીર્ણ હાલતમાં હોય તેવાં, બાઇન્ડિંગની દોરીઓ લટકતી હોય તેવાં, બાઇન્ડિંગ છૂટું પડી ગયું હોય તેવાં, જીવાત સિવાય બીજા કોઈએ જેમાં મોં ન નાખ્યું હોય તેવાં પુસ્તકોને સંમાર્જીને કૅટલૉગિંગ કરવું પડે. પુસ્તકોનો ઢગલો ન તો ઘરમાં આવકાર્ય છે, ન તો સામાજિક કાર્યક્રમોમાં. કબીરજીએ “દોનો હાથ ઉલેચિયે” કદાચ પુસ્તકો બાબત જ કહ્યું હશે.

ધર્મસ્થાનોમાં સાધારણ પુસ્તકાલયોની તો દુર્દશા જ થાય છે. ભગવાનનો ફોટો જો અંદર હોય તો કદાચ તે સચવાય, તદ્દન ઉઘાડ્યા વગર. વળી, એક યા બીજાં પુસ્તકો વિરુદ્ધ કોઈને ને કોઈને વાંધો પડે. શૃંગાર તો ખુદ ભગવાન કૃષ્ણના પણ નિંદાય છે ત્યાં બીજાના તો શા ભાર? ગુજરાતી સમાજો અને અન્ય સંસ્થાઓ પુસ્તકાલયોના એકાધિક દુઃખદ અનુભવોના ઢગલા ઉપર જ બેઠેલાં હોય છે. તદુપરાંત, સમાજમાં લોકો અનિયતકાળે મળતા હોય તેથી પુસ્તકોની લેવડદેવડની વ્યવસ્થાની મુશ્કેલી પડે. મનોરંજનની સંસ્થાઓ તો જાણે કે માની જ લે છે કે પુસ્તક માત્ર ગંભીર જ હોય, તેથી તેમનાથી તો હાથ જ ન અડાડાય.

ઉંમરલાયક વડીલો માટે અહીં સામાજિક કેન્દ્રો ચાલે છે. ત્યાં લોકો દરરોજ કે દર સપ્તાહે કે મહિને બે મહિને, પણ નિયમિત રીતે ભેગા થાય છે. જવાબદાર વ્યક્તિઓ તે ચલાવે છે. દૂરનાં કેન્દ્રોમાં મુશ્કેલી પડે તો પણ ત્યાં આ નિઃશુલ્ક પુસ્તક વહેંચણીની પ્રવૃત્તિ શરૂ કરવા માટે નિષ્ફળ પ્રયત્નો કરી જોયા. કોઈને અમારા ઉપર ઉપકાર કરવાનું મન ન થયું. અમારા વિસ્તારમાં બે મુખ્ય કેન્દ્રો ચાલે છે. એક સ્થાનિક વૈષ્ણવ મંદિર ચલાવે છે જેમાંથી હમણાં બે થયાં છે. બીજા હિંદુ અને જૈન મંદિરો પણ નાનાંમોટાં કેન્દ્રો ચલાવે છે. મહદંશે આ કેન્દ્રોમાં માત્ર ગુજરાતીઓ જ આવે છે. વૈષ્ણવ મંદિરમાં મૌખિક મંજૂરી તો મળી, અને બે-ત્રણ વખત અમે ત્યાં બેઠા પણ ખરાં. પણ ત્યાંના કાર્યક્રમમાં સમય કે હૉલમાં જગ્યા ન હોવાથી અને સર્વ સભ્યો ગુજરાતી હોવા છતાં, ખાસ તો ઉત્સાહનો અભાવ હોવાથી બંધ કરવું પડ્યું. થોડાં ઘણાં પુસ્તકો પાછાં ન જ આવ્યાં, વ્યવસ્થાપકોની હાકલ છતાં.

બીજું કેન્દ્ર એક સામાજિક સંસ્થા ચલાવે છે જ્યાં પચરંગી વસતિ આવે છે. તેના સેંકડો સભ્યો હશે. કાયમ આવનારા તો સો-સવાસો જ હોય. ગુજરાતીઓ લગભગ ૩પ-૪૦% હશે. તો પણ અમારાં ૭પ જેટલાં ઘરાકો થયાં. દર અઠવાડિયે તેની બેઠક થાય છે. મહિને એકથી લઈને દર હફતે સાત-આઠ પુસ્તકો લઈ જવાવાળા સભ્યો હતા. કવચિત્‌ તો પતિ અને પત્ની બંને અલાયદાં લઈ જાય. મારા ઘરે ફોન કરીને તેમની ફરમાઈશ મોકલે, જીવની જેમ પુસ્તકોનું જતન કરે, અને પાછાં લઈ આવે. મરામત કરવાની મેં ના પાડેલી, તેથી કંઈ નુકસાની હોય તો મને બતાવે પણ ખરા. અમારા આગમનની રાહ જોઈને જ બધાં બેઠાં હોય. હું પણ તેમની સાથે ખપાવું અને પસંદગીમાં મદદ કરું. શું વાંચવું એ પ્રશ્ન નાનોસૂનો નથી. વીતેલાં પાંચ વર્ષમાં સૌની ઉંમર પણ એટલી વધે જ, તેથી ઘરાકી ઘટવા માંડી, અને અમારા બંનેની પોતાની તબિયતને કારણે નિયમિત જવાનું શક્ય ન રહ્યું. અવેજીમાં કામ કરવા કોઈ આગળ ન આવ્યું એટલે થોડા વખત પર જ એ પ્રવૃત્તિ સમેટી લીધી.

એકાદ દુકાન કે ઑફિસ ભાડે લઈને કે ખરીદીને પુસ્તકાલય ચલાવવા વિચાર્યું, પણ મહિને $ ૩-પ૦૦૦ ભાડું ભરવાનું પરવડી ન શકે, તેથી હાલ પૂરતું તો તે અભરાઈ ઉપર મૂકી દીધું છે. બહારગામ મારા ખર્ચે પુસ્તકો મોકલવામાં પણ મને વાંધો નહીં, પણ તેમ છતાં પણ પુસ્તકો પાછાં આવે તેવો ભરોસો હજી પડતો નથી. આમ જુઓ તો તેનો પણ વાંધો શા માટે હોય? આપણે ક્યાં નફો કરવા નીકળ્યા છીએ? ધર્માદો કરવામાં વળી નફો શું અને ખોટ શું? એક સારી પ્રવૃત્તિ બંધ પડે તેનાથી વધારે મોટી ખોટ પણ કઈ હોય?

હવે તેની વાત કરું. અહીંની સરકાર ઓછી આવકવાળાઓ માટે મેડિકેઈડ નામે એક યોજના ચલાવે છે. વડીલોની પોતાની આવક જ ગણતરીમાં લેવાય. ભારતથી આવેલ બધાં જ વડીલો તો અવશ્ય તેમાં જોડાઈ જ શકે. દિવસ દરમ્યાન તેમનું ધ્યાન રાખવા તથા તેમને પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવા વ્યાવસાયિક ધોરણે ‘ડેકેર સેન્ટર્સ’ શરૂ થયાં છે. ગણ્યાગાંઠ્યા અપવાદ સાથે, આમ તો આ નફાખોરીનો ધંધો જ છે. ત્યાં સોમથી શુક્રવાર સુધી રોજ વડીલો સવારે નવથી સાંજે ચારેક વાગ્યા સુધી મળતા હોય છે. એવા એક કેન્દ્રમાંથી અમને આમંત્રણ આવ્યું, અને બીજાં બેમાંથી અમે માંગીને મેળવ્યું.

એક કેન્દ્રમાં ત્રણેક વર્ષથી કામ ચાલે છે, અને તેઓ ચાર-પાંચ વખત ઘરે આવીને પુસ્તકો બદલાવી ગયાં છે. એ કોઈ યહૂદી માલિક ચલાવે છે, અને ભારતની બધી ભાષાઓ ત્યાં બોલાય છે. ત્યાંથી એક પંજાબી યુવતી બે-ત્રણ વાર અમારા ઘરે આવીને પુસ્તકો બદલાવી ગઈ છે. એ લોકોનો રસ અને ઉત્સાહ પ્રશંસનીય છે.

અમારા બીજા એક યજમાનને ત્યાં પુસ્તકો પહોંચાડ્યાં, પણ થોડા મહિનાઓ પછી અડધાંપડધાં પાછાં આવ્યાં, અને “જોઈશે ત્યારે મંગાવીશું” સાથે તેમના ઉત્સાહની પૂર્ણાહુતિ થઈ. આમાં કંઈ બહુ ભારે કામનો બોજ ઉપાડવાનો છે એવું તો મને પાંચ વર્ષ કામ કર્યા પછી પણ લાગ્યું નથી.

બીજું એક કેન્દ્ર ન્યૂ જર્સીમાં છે. તેમના માલિકને ફોન કર્યો તો કહે “ઘણું સરસ. અમુક જગાએ ચોપડીઓ આપી જાવ. મારી બહેન ત્યાં બેસે છે.” મારો દીકરો જાતે જઈને ચોપડીઓ આપી આવ્યો, કેમ કે તેની ઑફિસની બાજુમાં જ તે આવેલું છે. થોડા મહિના પછી ચોપડીઓ બદલાવવા માટે ફોન કર્યો, તો ઉડાઉ જવાબ મળ્યો કે એવા કોઈ ભાઈ ત્યાં કામ નથી કરતા. થોડા દિવસો પછી ત્યાંથી જ ખબર મળી કે એ ભાઈ તો તેમની બીજી શાખામાં બેસે છે. તે શાખાનું નામ જુદું જ છે, તેથી મને મળી ન શક્યું. તેમના ભાઈ જ આ જ કેન્દ્ર ઉપર બેસે છે. તેમને ઈ-મેઈલ કરી પણ વ્યર્થ! મને કોઈ જાતની મદદ કરવાની તેમની વૃત્તિ હોય તેમ લાગતું નથી.

ત્રીજું કેન્દ્ર એક સેવાભાવી દક્ષિણ ભારતીય કુટુંબ ચલાવે છે, અને તેમની ચાર-પાંચ શાખાઓ પણ છે. તેમને હજારો ડૉલર્સની સરકારી ગ્રાન્ટ્‌સ મળે છે. ત્રણ વરસ પૂર્વે ઘરે આવીને તેઓ પચીસેક પુસ્તકો લઈ ગયા. ત્યાર બાદ ઢગલાબંધ ટેલિફોન, ઈ-મેઈલ, સંદેશા વગેરે દ્વારા સંપર્ક સાધવામાં કંઈ યારી મળી નથી. તેમના બૉર્ડ ઑફ ટ્રસ્ટીઝના એક સભ્યને હું સારી રીતે જાણું છું. તેમના દ્વારા પણ કંઈ થઈ નથી શક્યું.

પુસ્તકો પાછાં ન આવે તેનો ખાસ અફસોસ નથી. ખર્ચ થાય તે પણ સમજ્યાં. મહેનત પણ કરી લઈએ. સફળતા કે નિષ્ફળતાને સમાન ગણી શકીએ. આ ઝેર તો અમે જાણી જોઈને પીધાં છે. અરે, અમૃત માનીને પીધાં છે. દુઃખની વાત તો એ છે કે એક ધર્માદા પ્રવૃત્તિ, કે જેમાં લેનારને કંઈ મહેનત નથી કરવાની કે નથી કંઈ રોકાણ કરવાનું, જે ગંગા ઘેર બેઠાં આવી મળે છે, જેમાં કોઈ નવાં બંધન કે નિયમો લાગુ નથી પડતા, તેમાં આપણે કંઈ સહકાર, સગવડ, પ્રતિભાવ, ઉત્તેજન કે દયા પણ કેમ દાખવી નથી શકતા એ પ્રશ્ન નિરુત્તર જ રહે છે.

રોદણાં રોવાનું મને પસંદ નથી. હકીકતમાં તો હું આ પ્રવૃત્તિને સફળ થયેલી માનું છું. આ કામ અલબત્ત, કરવા જેવું જ છે, અને સરળતાથી થઈ શકે તેવું પણ છે. સંસ્થાઓ પાસેથી બહુ ઊંચી અપેક્ષા રાખવાનું વ્યર્થ છે. બહુ મોટા ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓથી દૂર રહેવું વધારે યોગ્ય લાગે છે. પૈસાના લોભી આડતિયાઓથી દૂર રહેવાની ખાસ જરૂર છે. ગ્રાહકો સાથે બને એટલો સીધો સંપર્ક થઈ શકે તે વધારે ઇચ્છનીય છે. તેમના પક્ષે રસ અને નિષ્ઠા સારા એવાં છે.

સર્વ હક લેખકને આધીન છે.       

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 12-13

Category :- Diaspora / Features

વિદેશે વાનપ્રસ્થ:

18મી ડિસેમ્બરને સંયુક્ત રાષ્ટ્રસંઘે ‘વર્લ્ડ માઈગ્રન્ટ્સ ડે’ જાહેર કર્યો છે. આ દિવસ નિમિત્તે ઓસ્ટ્રેલિયાથી પ્રસારિત થતા ઓનલાઈન રેડિયો ‘સૂર સંવાદ’નાં સૂત્રધાર આરાધનાબહેન ભટ્ટે ભારતના અને વિદેશે વસતા ગુજરાતીઓમાં જાણીતા એવા વિપુલભાઈ કલ્યાણીની મુલાકાત 17 ડિસેમ્બર 2017ના રોજ પ્રસારિત કરી જેનું શબ્દાંકન અહીં પ્રસ્તુત છે.

વિપુલભાઈ કલ્યાણી છેલ્લા ચાર દાયકાથી લંડનમાં નિવાસ કરી, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપના કરી અને  તેનું પ્રમુખ પદ સાંભળ્યું, એવા એક અદના સાહિત્યકાર તરીકે પંકાયા છે. આફ્રિકામાં જન્મ, વિલાયતમાં ચાળીસ વર્ષનો વસવાટ અને વચ્ચે ભારતમાં શિક્ષણ પ્રાપ્ત કરનારા એવા વિપુલભાઈ લંડનમાં નિવૃત્તિકાળમાં ય પ્રવૃત્ત રહીને ગુજરાતી સમાજને અદકેરું પ્રદાન કરી રહ્યા છે. વિપુલભાઈનું જીવન લેખન, સંપાદન અને સમાજજીવન સાથે સહજ નિસ્બતમાં રત રહ્યું છે. તે ઉપરાંત ’ઓપિનિયન’ ઓનલાઇન વિચારપત્રના તેઓ તંત્રી છે અને ગાંધી વિચારને વરેલા છે. એમના ડાયસ્પોરા નિબંધોનો સંગ્રહ પ્રગટ થઈ ચુક્યો છે. તાજેતરમાં એમને ૨૦૧૮નું ‘શ્રી ઉમાશંકર જોશી વિશ્વગુજરાતી સન્માન’ એનાયત થયું. એમની સાથેના આ વાર્તાલાપમાં એક વિશ્વગુજરાતી તરીકે એમની અપ્રતીમ છબી ઉપસે છે.  

રેડિયો મુલાકાતનો પ્રારંભ કરતાં આરાધનબહેને સુંદર વાત કરી. સીમાડા વિનાનું વિશ્વ હોય અને સીમાઓને કારણે થતા ઝઘડાઓથી ઘેરાયેલા વિશ્વનું અસ્તિત્વ જ ન હોય તે આપણી કલ્પના જ છે, પરંતુ માનવી તરીકે સહુ પોતપોતાના વૈચારિક સીમાડાઓને વિકસાવી શકે તો ઋગ્વેદમાં ઉચ્ચરાયેલ મંત્ર; ‘આનો ભદ્રા ક્રતવો: યંતુ વિશ્વતઃ’ને ચરિતાર્થ કરી શકાય. ઉમાશંકર જોશીની ઉક્તિ, ‘આ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ને પણ આરાધનબહેને વર્લ્ડ માઈગ્રન્ટ્સ ડે’ના અનુસંધાને યાદ અપાવી.

ગિરા ગુર્જરીના સંરક્ષક અને સંવર્ધક એવા વિપુલભાઈની આરાધનબહેન સાથેની મુલાકાતના અંશો જોઈએ :-

આરાધના ભટ્ટ : જન્મ તાન્ઝાનિયા-આફ્રિકામાં, અભ્યાસ ભારતમાં અને કાર્યક્ષેત્ર યુનાઇટેડ કિંગ્ડમમાં, આમ ત્રણ ખંડોમાં વિતાવેલ જીવનનાં સંસ્મરણો ઘણાં હોય. તમારા ઉછેર અને અભ્યાસ વિષે જણાવશો, જેથી તમારા પર થયેલ ગાંધી વિચારનો પ્રભાવ અને સાહિત્ય પ્રત્યેની રુચિનો ખ્યાલ આવે.

વિપુલ કલ્યાણી : જન્મ અને ઉછેર આફ્રિકાના ગ્રામ્ય વિસ્તારમાં, મા-બાપ ઝાઝું ભણેલાં નહીં, પણ મોટા કાકા મગનભાઈને રામકૃષ્ણ પરમહંસ અને શારદાદેવીમાં ઊંડી શ્રદ્ધા. મારા મા-બાપને રામાયણની ચોપાઈઓ ગાવામાં દિલચસ્પી; જેને પરિણામે તેઓને એ સાહિત્ય વાંચવામાં રસ. પછી તો હું પણ વાંચનમાં રસ ધરાવતો થયો અને અરુશાના પુસ્તકાલયનું સંચાલન કર્યું, ત્યાં જેટલું હતું તેમાંનું ઘણુંખરું વંચાયું. શાળાના હેડમાસ્તર રણજિત આર. દેસાઈ અફલાતૂન માણસ, તેમના મારા પ્રત્યેના ભાવને કારણે ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ નામની સંસ્થા શાળામાં શરૂ કરી. જામખંભાળિયાની શાળામાં ચાર-સાડાચાર વર્ષ ભણ્યો. ત્યાંની લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચવાનું પણ મને સ્મરણ છે. મોસાળનું ગામ સેવક ધુણિયા. ત્યાં નાની લાઇબ્રેરી ઊભી કરાઈ. તેમાંનું સાહિત્ય પણ વાંચી કાઢ્યાનું યાદ આવે છે.

આ.ભ. : એક સાંગોપાંગ ગાંધીવાદી વિલાયત જવાનું શા માટે પસંદ કરે?

વિ.ક. : ગાંધી વિશ્વ પુરુષ હતા, ક્યાં ક્યાં ય જકડાઈને રહ્યા છે? ગાંધી દક્ષિણ આફ્રિકે ગયા, ત્યાંથી ‘મહાત્મા’ બનીને આવ્યા. 1909માં એમના મનોમંથનમાંથી એક સર્વોત્તમ પુસ્તક ‘હિન્દ સ્વરાજ’ મળ્યું જે એમના બ્રિટનના પ્રવાસેથી પરત થતા જહાજમાં જ લખાયેલું. આમ તેઓ પણ વિશ્વ પ્રવાસી જ હતા ને? એ ક્યાં કોઈ મર્યાદામાં બંધાય તેવા હતા?

માનવી ગુફા યુગમાં જીવતો ત્યારથી ક્યાંક ને ક્યાંક સ્થળાંતર કરતો જ રહ્યો છે. જુદા જુદા દેશ અને ખંડ વચ્ચે તેની સતત આવન-જાવન રહ્યા જ કરી છે. હિન્દુસ્તાનમાં મોટામાં મોટો કાંઠા વિસ્તાર ગુજરાતને મળ્યો છે, એટલે ત્યાંથી ઘણી પ્રજા બહાર ગઈ. દુનિયા સાથેનું તેનું આદાન-પ્રદાન કેટલું મોટું છે તેનો ખ્યાલ વિદ્યાસભાએ આપેલા ગુજરાત વિશેના નવ પુસ્તકોમાંના પહેલા જ ગ્રંથ પરથી આવે છે.

આ.ભ. : વિપુલભાઈ વૈશ્વીક સ્તરે ડાયસ્પોરા સાહિત્યિક પ્રવૃત્તિના પર્યાય તરીકે ઓળખાય છે. પણ તમારો વ્યવસાયિક કાળ કેવી રીતે વીત્યો? એના અનુભવો કેવા હતા? તે દિવસોમાં વિલાયત કેવું હતું?

વિ.ક. : વ્યવસાય કાળ બહુ ખરાબ નહોતો તેમ બહુ રાજી થવાપણું પણ નથી. હું મૂળે પત્રકાર હતો, તે પહેલાં શિક્ષક હતો. એ બન્નેમાંથી એક પણ કામ અહીં નથી કર્યું, એક સિવિલ સર્વન્ટ તરીકે પહેલાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં અને પછી પોસ્ટલ સર્વિસમાં કામ કરવાનું આવ્યું. એમાંથી નિવૃત્ત થયા પછી અનુવાદ, દુભાષિયા અને મુદ્રણ કાર્ય કર્યું. બ્રેન્ટમાં એજ્યુકેશન કમિટીમાં સમાજના પ્રતિનિધિ તરીકે સક્રિય રહ્યો. તે ઉપરાંત બાર તેર વર્ષ ‘જસ્ટિસ ઓફ પીસ’ તરીકે અહીં સેવા આપી. બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન સાથે સંકળાયેલો રહ્યો, વળી, બ્રેન્ટ રેસ રિલેશન્સ કાઉન્સિલ કે જે રંગભેદ અને વર્ણભેદના કર્યો કરે છે તેની કારોબારી સમિતિમાં ય વરસો લગી વ્યસ્ત રહ્યો છું.

આ.ભ. : નિવૃત્તિમાં પણ ખાસ્સા પ્રવૃત્ત છો. ‘ઓપિનિયન’ની ઓનલાઇનની ધમધમતી વેબ સાઈટ અને ગુજરાતી સાહિત્ય અકાદમી, યુ.કે.ની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય એટલું વિપુલ એનું કાર્ય છે. સાહિત્ય અકાદમીને 40 વર્ષ થયાં અને તેના આરંભથી તમે એના હોદ્દેદાર રહ્યા છો. એની શરૂઆતની ભૂમિકા અને વિકાસ યાત્રા વિષે કંઈ કહેશો?  

વિ.ક. : એ વખતે એક વાતાવરણ હતું. આફ્રિકાથી અને બીજા દેશોમાંથી આવેલાં મોટાભાગનાં લોકો ગુજરાતી વાંચતાં, એમાંનાં 150/200 જેટલાં લોકો તો લખતાં પણ ખરાં. 500 જેટલાં લોકોને ગુજરાતી ભણાવવા તાલીમબદ્ધ  કર્યાં. હવે એનો અસ્તાચળ થાય છે, આ બધું લાંબું ટકવાનું નથી. અહીં વળતાં પાણી તો થાય, પણ તે મુખ્ય પ્રવાહમાંથી ય થાય છે એમ જોઈએ છીએ. જે રીતે વિદ્યાપીઠ અને યુનિવર્સિટીમાં ગુજરાતીના વિભાગો ચાલે છે, ત્યાં (ભારતમાં) જે ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ વચ્ચેના પ્રશ્નો છે, તેની અહીં અસર જણાય ખરી. મુંબઈ અને નાનાં નાનાં ગામોમાં ચાલતી સાહિત્ય પ્રવૃત્તિઓ મારે મન ઓએસિસ છે, એનો ઝાઝો પ્રભાવ પડતો હોય તેવું મને દેખાતું નથી.

.ભ. : સભ્યોની સંખ્યા જોવા જઈએ કે કાર્યક્રમોમાં આવતા ભાવકોની સંખ્યા જોવા જઈએ તો ગુજરાત સાહિત્ય અકાદમી યુ.કે.નું કામ નાનું લાગે, પણ બ્રિટનવાસી ગુજરાતીઓમાં ભાષા સાહિત્ય વિષે સજાગતા કેળવવામાં અકાદમી કેટલી સફળ થઈ એમ માનો છો?

વિ.ક. : વાતાવરણ અને ગુણવત્તાનું સ્તર ઊંચું કરવામાં 60 થી 70% જેટલું કામ થયું છે. મોટા ભાગના કાર્યક્રમો સમયસર શરૂ થાય અને પૂરા થાય. નામાંકિત કવિઓ, નાટ્યકારો, સંગીતકારો અને લેખકોને આમંત્રણ આપીએ ત્યારે માન પૂર્વક અને  આનંદપૂર્વક આવે છે એ વાતાવરણ ઊભું થયું.

આ.ભ. : ગાંધીજીના ‘ઓપિનિયન’ પરથી આ વિચારપત્રનું નામ રાખેલ છે. ગુજરાતી વિચારપત્રનું નામ અંગ્રેજી કેમ?  

વિ.ક. : જે અર્થ અંગ્રેજીમાં ઓપિનિયનનો થાય છે એ ગુજરાતી ભાષામાં એ સંદર્ભમાં બેસતો નથી. ગાંધીના ‘ઓપિનિયન’ સિવાય બીજા બે ‘ઓપિનિયન’ હતાં. ગાંધીના ‘ઓપિનિયન’ પહેલાં ઝાંઝીબારમાં એક ‘ઓપિનિયન’ શરૂ થયેલ, જે 1924ની આસપાસ બંધ થયું હશે. મુંબઈની વિલ્સન કોલેજમાં હું ભણતો ત્યારે એ.ડી. ગોરવાલા ‘ઓપિનિયન’ ચલાવતા, તેમ સાંભરે છે. હતું એક ચોપાનિયું, પણ તાકાત ઘણી. આ ત્રણેય ‘ઓપિનિયન’ની અસર આ ગુજરાતી  ‘ઓપિનિયન’ પર પડી.

આ.ભ. : ‘ઓપિનિયન’ દ્વારા શું સિદ્ધ કરવા ધારો છો? એનો આશય શું છે?

વિ.ક. : માત્ર લોકો વાંચે અને વિચારે. મોટા ભાગના લોકોએ વિચારવાનું ટાળ્યું છે. કોઈકથી દોરવાતા રહે છે. ઘેટાં વૃત્તિ આવતી જાય છે. લેખક લખે એ જ સાચું માને એમ નહીં પણ પોતે શોધી કાઢે, હજુ બીજું કઇં જાણવા વિચારવા જેવું છે તેમ વિચારે, એને ચેલેન્જ કરીને બીજું ખોળી કાઢે એવો આશય ખરો.

આ.ભ. : સંપાદન વિશેના આપના અભિપ્રાય જાણવાની ઈચ્છા છે. આજે ઘણું લખાય છે. તમારી પાસે પ્રગટ કરવા ઘણું આવતું હશે. સંપાદન કરવાનું દિવસોદિવસ અઘરું બનતું જાય છે, એમ લાગે છે?

વિ.ક. : હા, સૌથી મોટો પ્રશ્ન જોડણી અને વ્યાકરણનો છે. લેખકના વિચારો સાથે મારે ઝાઝો મતભેદ નથી. એમને જે વિચારો યોગ્ય લાગે તે મૂકી શકે. એમાં ધર્મના પાસાં વિશેનાં લખાણ શક્ય હોય ત્યાં સુધી ટાળું. રાજકારણમાં એક્સ્ટ્રીમ બાબતોને પણ ટાળું છું. મને સતાવે છે વિચારોની કચાશ અને ઉતાવળ. લેખક કે લેખિકા ફરી ફરી પોતીકું લખાણ વાંચી જતાં હોય અને પોતે જ મઠારી જતાં હોય તો ઘણું સુગમ પડે. પણ ઉતાવળે લેખક થવાની લાલસા હોય એવું લાગે.

આ.ભ. : ચાળીસ ચાળીસ વર્ષની યાત્રામાં સંઘર્ષો તો આવ્યા જ હશે. આર્થિક સંઘર્ષો પણ આવ્યા હશે. વિદેશોમાં આવી સંસ્થાઓ ચલાવવી તે સહેલું તો નથી જ.

વિ.ક. : એમાં ઉમાશંકર મને વધુ કામના લાગ્યા છે. કોઈકે એમને કહ્યું, ગુજરાતે મારું બહુમાન કર્યું નથી, મારું બહુ સાંભળ્યું નથી. ઉમાશંકરે એમની લાક્ષણિકતાથી કહ્યું, ગુજરાત તમને ક્યાં કહેવા આવ્યું’તું કે આ કરજો? જાતે કરવા આવ્યા. એટલે સંઘર્ષ તો આવે, તેને સફળ આંદોલન અને સંતોષમાં ફેરવવાનો પ્રયાસ કરીએ.

આ.ભ. : લેખન ક્ષેત્રે પણ તમે ઠીક ઠીક સક્રિય રહ્યા છો. ડાયાસ્પોરા નિબંધોનું પુસ્તક પ્રસિદ્ધ થયું. મને યાદ છે, નિરંજન ભગતે ડાયાસ્પોરાને વિસ્થાપિતોનું સાહિત્ય કહ્યું છે. ડાયસ્પોરા લેખન વિષે તમે ઘણું કામ કર્યું છે, એ વિશેનું તમારું વિભાવન જાણવું છે.

વિ.ક. : તમે ઓસ્ટ્રેલિયા, હું વિલાયતમાં બેઠો છું. હું વડોદરા, વડનગર કે વલસાડમાં બેસીને લખું એમાં ઘણો ભેદ છે. જે વિસ્તારમાં રહેતા હોઈએ એના અનુભવો, એનું લોક જીવન, એના તાણાવાણા, એ બધું તમારા સાહિત્યમાં આવે તો ઘણું મળે. પણ મોટા ભાગનું ડાયસ્પોરિક સાહિત્ય તરીકે જે ઓળખાવાઈ રહ્યું છે એ છે ડાયસ્પોરિક સાહિત્ય છે જ નહીં. એને ખોટા પરિમાણમાં મૂકી દેવાયું છે. ઉમા પરમેશ્વરન્‌નું સાહિત્ય રંજના હરીશના લેખોમાં જોયું. અહમદ ગુલની આત્મકથા જેવા અનુભવોની કથાવાળા લખાણો ક્યાંથી મળે? નાનજી કાળિદાસની આત્મકથા કે પ્રભુદાસ ગાંધીનું ‘જીવનનું પરોઢ’ જોઈએ તો એ ડાયસ્પોરાનાં ઉત્તમ પુસ્તકો. આપણે દીપક બારડોલીકરે લખેલાં પુસ્તકોની તો વાત કરતા જ નથી. ગુજરાતમાં  ડાયસ્પોરા સાહિત્ય વિષે રેઢિયાળ કામ થઈ રહ્યું છે. એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે કહ્યું તે અહીં ટાંકુ, ‘કેટલાક લોકોને ડાયસ્પોરા કે ડાયપર વચ્ચેનો ભેદ પકડાતો નથી.’ શું કરીએ?

આ.ભ. : થોડી વાતો દેશાંતર વિષે કરવી છે. ઘણા ગુજરાતીઓ જાતને કે ઘરના વૃદ્ધ વડીલોને કહેતા, “થોડું કમાઈને દેશમાં આવી જઈશ.” આજે હવે પરિસ્થિતિ બદલાઈ છે. દેશાન્તરની ભૂમિકા અને સંજોગો બદલાયા છે. તમે કરેલ દેશાંતર કરતાં આજે જુદી ભૂમિકાએ દેશાન્તર થાય છે. આ વિષે તમારા શું અવલોકનો છે?   

વિ.ક. : ચંદ્રકાન્ત બક્ષી કહેતા, ગુજરાતી કવિતાની ઉત્તમ કવિતા કઈ? ‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ લીલા લહેર કરે.’ એ ડાયસ્પોરાની કવિતા છે. એ દેશાન્તરમાં પ્રામાણિકતા હતી, ઠરીઠામ થવાની વૃત્તિ હતી. જ્યારે આજે જુદી પરિસ્થિતિ છે. આફ્રિકામાં જૂના દેશાંતરિતો અને નવા દેશાંતરિતો વચ્ચે વૈમનસ્ય છે. જૂના ઠરીઠામ થયેલ લોકો નવાને રોકેટ માને છે કારણ કે ક્યાં ય ઠરીઠામ થતા નથી. એક જગ્યાએ બેઠા, કે ઊંચકાયા અને કે ફેંકાયા બીજે ઠેકાણે. એમની વૃત્તિ સમજાતી નથી. 150-200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું તેનું વેર વાળવાની વૃત્તિ લઈને કેટલાક આવે છે. આમાં શું ભલીવાર થશે? તમે, અમે અને અમારા બાપ-દાદાઓએ જે દુનિયાનું સર્જન કર્યું એવું સર્જન કેમ જોવા નથી મળતું? અત્યારના દેશાંતરિતોમાં ઉતાવળ, સ્વાર્થ અને હું પદ પ્રાધાન્યપણે જોવા મળે છે.

આ.ભ. : આઇડેન્ટિટી - અસ્મિતાનો પણ પ્રશ્ન વચ્ચે આવે છે, એવું લાગે છે?

વિ.ક. : આઇડેન્ટિટીનો સવાલ બહુ મોટો છે. આપણી કઈ આઇડેન્ટિટી? અમેરિકા ગયેલા મિત્રોને ત્યાંના બધા લાભ લેવા છે, પણ ઓબામા કે ટ્રમ્પની નહીં મોદીની ચિંતા કરે છે. એવું જ અહીં અને આફ્રિકામાં પણ છે. મૂળ સવાલ એ છે કે આપણે જે દેશમાં ગયા તેમાં ઓતપ્રોત થયા? તેના સમાજજીવન, રાજકારણમાં કેમ ઠરીઠામ થઇ શકતા નથી? માત્ર કમાવા માટે જ આવ્યા છીએ? પછી બાકીની લોયલ્ટીનું શું? પોતાના ધર્મનાં વળગણો પકડીને ચાલે એ સમજી શકાય પણ એ ખાબોચિયામાં જ શું આપણે રહેવું? એક જમાનામાં મને એવું લાગતું કે યુવાન પેઢી આમાંથી ઝડપથી બહાર નીકળશે અને મુખ્ય પ્રવાહ સાથે જોડાતી જશે, પણ દિવસે દિવસે મને લાગે છે કે હું ખોટો પડું છું. યુવા પેઢી વધુને વધુ સંકીર્ણ વિચારો તરફ જઈ રહી છે.

આ.ભ. : વિપુલભાઈ, તમને દેશ પાછા જવાનો વિચાર ન આવ્યો? નિવૃત્તિમાં ઘણા લોકો કહેતા હોય છે કે નિવૃત્ત થઈને દેશમાં વસીશું. મારા મનમાં નિવૃત્ત થયેલ વિપુલ કલ્યાણીનું ચિત્ર એવું છે કે એ ખભે થેલો ભેરવીને દેશ સેવા કરે. એ તમારા વ્યક્તિત્વ સાથે બંધ બેસતું આવે એવું ચિત્ર છે.

વિ.ક. : મારે માટે તો યુનાઇટેડ કિંગડમ એ મારો દેશ. એ મારુ રાષ્ટ્ર. હું એનો નાગરિક. મારી પહેલી અને છેલ્લી લોયલ્ટી આ દેશ માટે છે. ભારત માટે બહુ ઊંચો આદર છે, ગૌરવ છે, પણ એ મારી વારસાની ભૂમિ છે. એને કારણે મને અવારનવાર ભારત જવાનું મન થાય, પણ ઠરીઠામ તો હું વિલાયતમાં જ થાઉં.

આ.ભ. : દેશાંતર પછી લાંબો વિદેશ નિવાસ, પરિવાર ઊભો કરવો, સંતાનોનો બે સંસ્કૃિત વચ્ચે ઉછેર અને પછી વિદેશે વાનપ્રસ્થ. આ આખો જીવનક્રમ બહારથી જુએ તો એને ખાધું, પીધું અને રાજ કીધું જેવો સરસ લાગે. પણ એની સાથે અનેક દ્વિધાઓ, દ્વન્દ્વો, સંઘર્ષો - આંતરિક અને બાહ્ય - બંને સંકળાયેલાં હોય છે. આ મુદ્દે તમે શું કહેશો?

વિ.ક. : ઘરની બહાર નીકળીએ અને ઘરમાં હોઈએ એ બંને વચ્ચે ભેદ તો ખરો ને? ઘરમાં પોતાનાં વાતાવરણમાં રહીએ છીએ. બહાર નીકળીએ એટલે આપણી ચામડી બોલે, આપણી ચાલ અને ઉચ્ચારો બોલે, આપણી ખાણી પીણી, સંગીત અને સંસ્કૃિત બોલે છે. એ મુખ્ય પ્રવાહના લોકો સાથે કાં સંઘર્ષમાં આવે, કાં નવો માહોલ ઊભો કરે અને કાં ભાઈચારો ઊભો કરે. આ વચ્ચે પસંદગી આપણે કરવાની છે. તમે જાણો છો તેમ લંડનમાં લગભગ 350 ઉપરાંત ભાષાઓ બોલાય છે, 191 જેટલી રાષ્ટ્રીયતા ધરાવતા લોકો વસે છે. આમ જોવા જઈએ તો જિંદગીની આનાથી મોટી યુનિવર્સિટી ક્યાં ય નથી. છતાં આપણે રહીએ છીએ પોતાના ગૂંચળામાં. આપણે પોતાનું વાતાવરણ લઈને ફરતા હોઈએ એની વચ્ચે આપણો વિકાસ કેવો થાય છે એના પર ઘણો આધાર.

આ.બ. : આપણે ચાર આશ્રમો કહ્યા છે - બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્તાશ્રમ. આ પૈકી કયો તબક્કો તમને પોતાને શ્રેષ્ઠ લાગે? લોકો કહેતા હોય છે કે હજુ તો તમે બહુ યન્ગ લાગો છો કે તમારી ઉંમર દેખાતી નથી. એમાં ગર્ભિત કે સૂચિતાર્થ એવો છે કે યુવાની જીવનનો શ્રેષ્ઠ કાળ છે અથવા યૌવન એ આદર્શ સ્થિતિ છે. આ વિષે તમારા વિચારો જાણવા છે.

વિ.ક. : મને વાનપ્રસ્થ વધારે સારું લાગે છે. થોડા પાકટ થયા હોઈએ, થોડું સમજી વિચારીને કામ કરતા થયા હોઈએ. પોતાના જીવનમાંથી જીવતા જીવતા બીજાને કોઈકને આદર્શ લેવો હોય તો ફાવે એ પ્રકારનું જીવન ઊભું કરવાની તક આ આશ્રમમાં મળે છે.  

આ.ભ. : ક્યારેક કોઈ ‘કાકા’ કહે તો લાગી આવે એવું ખરું?

વિ.ક. : ચોક્કસ. પણ એ તો આપણે પણ કોઈક વખત કોઈને કાકા કે દાદા કહ્યું જ હશે ને?

આ.ભ. : આટલાં બધાં વર્ષોથી આટલા કાર્યરત રહ્યા છો. આગળ ઉપર શું કરવું છે?

વિ.ક. : વધારે વાંચન, લેખન અને વધુ મિત્રો સાથે ગોષ્ઠિ. કદાચ હું માણસ ભૂખ્યો છું. સારા મિત્રોને મળવું ખૂબ જ ગમે છે. એમાં ય વયસ્ક લોકો સાથે, કે જે એક અથવા બીજી રીતે કાં તો એકલા પડ્યા છે, કાં તો પોતાના એક ધારા જીવનથી થાક્યા છે, એવા લોકો સાથે વધુ ને વધુ ઘનિષ્ઠતા કેળવાતી જાય એવું મનમાં ખરું.

આ.ભ. : આટલી લાંબી જીવનયાત્રા ત્રણ ખંડોમાં વિસ્તરેલી. ઘણા બધા અનુભવો. આટલું બધું કામ. જીવને આ બધાંમાંથી શું શીખવ્યું?

વિ.ક. : વધુ ને વધુ ‘માણસ’ થઈ શકતા હોઈએ તો સારું. છેવટ એ લેબલ અને આઇડેન્ટિટીનો સવાલ છે. We are all confused. આપણી કઈ આઇડેન્ટિટી છે, એ પકડાતી જ નથી. પણ માણસ તરીકેની આઇડેન્ટિટી પારખી શકીએ, પાળી શકીએ તો સારું.

આ.ભ. : આજે નવા દેશાંતર કરનારા યુવાનોને અનુભવસિદ્ધ કઇં સૂચનો કરશો?

વિ.ક. : છેવટે માણસ પોતે પોતાની આસપાસના સંયોગો અને તકો જોઈને સૂચનો મેળવી લેતો હોય છે. જે હોય તે, આપણે ગણેશ પાસેથી ઘણું શીખવાનું છે. ચૂંચી આંખ કરી જેટલું નિરીક્ષણ કરી શકાય તેટલું કરવું, મોટા કાનથી ખૂબ સાંભળવું, બધી વાત પેટમાં રાખવી, બકબક ન કરવી અને ખૂબ મહેનત કરવી. કાર્તિકેય સામે જીતવાની રીત ગણેશે આપી, તો એનાથી મોટો ગુરુ આપણો કોણ? હું ગણેશને આદર્શના રૂપમાં જોઉં છું, ધર્મના રૂપમાં જોતો નથી. સંસ્કૃિતના આધાર સતંભ તરીકે જોઉં છું. એનાથી ઉત્તમ શિક્ષક કયો હોઈ શકે?

આ.ભ. : વિપુલભાઈ, તમારી કર્મશીલતાને વંદન કરું છું. નિરામય દીર્ઘાયુષ્ય માટે શુભકામના કરું છું. ગિરા ગુર્જરી માટે જે રીતે કાર્યરત છો તેને માટે તમને સલામ કરું છું.

આમ વિદેશે વસતા ગુજરાતી સમાજ માટેના અતિ મૂલ્યવાન એવા કાર્ય માટે વિપુલભાઈ કલ્યાણી અને આરાધનાબહેન ભટ્ટે પરસ્પરને અભનંદન આપીને આ વાર્તાલાપનું સમાપન થયું.

સૌજન્ય : શબ્દાંકન સહાય - આશા બૂચ

આ સમૂળો સંવાદ આ લિન્ક પરે ક્લિક કરીને સાંભળી શકાય છે :

http://www.sursamvaad.net.au/gujarati/videshe-vaanprasth/

Category :- Diaspora / Features