આમ ‘પુલ કા ફૂલ’ ટાઇટલ ગુજરાતીમાં કર્યું હોત તો ચાલતે, પણ ‘પુ’ હ્રસ્વ કરું ને ‘ફૂ’ દીર્ઘ કરું તો બેલન્સ ન જળવાય, એટલે અંગ્રેજીમાં જ ટાઇટલ કર્યું ને હિન્દી ‘કા’ પણ અંગ્રેજીમાં જ ઘસડ્યું. ગુજરાતી શબ્દકોશમાં ‘પૂલ’ જેવો શબ્દ જ નથી, સેતુના અર્થમાં ‘પુલ’ છે, તો એ જ અર્થમાં કે બીજા કોઈ અર્થમાં ‘પૂલ’ પણ ઘૂસાડ્યો હોત, તો ગુજરાતી લેખક હોવા છતાં મારે ટાઇટલ અંગ્રેજીમાં ન કરવું પડ્યું હોત ! એ તો ધૂળ નાખી, આખા શબ્દકોશમાં રવીન્દ્ર શબ્દ જ નથી. આખેઆખો રવીન્દ્ર ધરતી પર ઊભો છે ને શબ્દકોશમાં જ નહીં, એ કેવું? શબ્દકોશમાં ન રહું ને ધરતી પર પણ ન જડું તો રહ્યું શું? એટલે મરણિયો થઈને પણ મરવાની વાત નથી કરતો. મારું જવા દો, રવીન્દ્રને શબ્દકોશમાં ન રાખીને નોબેલ વિજેતા રવીન્દ્રનાથ ટાગોરનું પણ અપમાન જ કર્યું છે. આજકાલ વાતે વાતે લાગણીહીન લોકોની લાગણી દુભાતી હોય, તો મારી દુભાય તેમાં નવાઈ છે? પછી સમજાયું કે કોશકારને રવિ+ઇન્દ્રની સંધિ નહીં આવડી હોય એટલે એણે રવિને અંદર રાખ્યો, ઇન્દ્રને પણ ઘૂસાડ્યો, પણ રવીન્દ્રને બહાર રાખ્યો. શબ્દકોશમાં નરેશ છે, નરેન્દ્ર છે, તો રવીન્દ્ર રાખતા શું દુખતું હતું તે નથી સમજાતું. ખરેખર મારે માટે ગ્રહો કામ કરે છે એના કરતાં પૂર્વગ્રહો વધારે કામ કરે છે. હશે, હરિને ગમ્યું તે ખરું.
આજે થોડું હળવે હાથે રમવું છે. તમને કદાચ ખબર નહીં હોય, પણ બી.આર. ચોપરાની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ આવેલી ‘ધૂલ કા ફૂલ’, એમાં ‘ધૂલ’માંથી ‘ફૂલ’ ખીલે છે. આજે તો કલર ફિલ્મનો જમાનો છે, એટલે ‘ફૂલ’માંથી ‘ધૂલ’ ખીલે એમ બને. સુરતના મેટ્રો બ્રિજનો સ્પાન તૂટતાં, મિલકતના પડે એમ બે ભાગ થઈ ગયા તેથી આટલો સંતાપ થયો. મેટ્રો બ્રિજ રિપેરિંગ ખમે તેવું લાગતાં, ત્યાંનો ટ્રાફિક બીજે વાળવો પડ્યો. ટ્રાફિક વાળતાં વાળતાં પોલીસ વળાવવા જેવી થઈ ગઈ. જે રાહદારીઓ મેટ્રો સામે જ રહેતા હતા, તે કલાકેક ફરીને આવતા ઘરમાં પણ ચકરડીએ ચડેલા દેખાયા છે. આમ તો ઘણાંને મેટ્રોની જરૂર જ નથી લાગતી, પણ વિકાસનું ચિત્ર જે સજ્જનો જુએ છે, એમને મેટ્રો જરૂરી લાગે છે. જેમ સિગારેટમાં ધુમાડો સાઇલન્ટ હોય, તેમ સજ્જનોમાં કેટલાક દુર્જનો પણ સાઇલન્ટ હોય છે. કેટલાક લલ્લુઓ વર્તમાન જ, બ્રિજના બે ભાગમાં બતાવે તો ભવિષ્ય શું ધૂળ ને ઢેફાં બચે? આમ પણ સુરત તો પુલનું ને ફૂલ(બંને અર્થમાં)નું મહાનગર ગણાય છે ને એવું નથી કે બધા જ પુલ ‘ભાગલા’ બ્રાન્ડ છે. ઘણા પુલ ટકોરા બંધ છે. તે આખા છે એટલે તો બ્રિજ પરથી પાણીમાં કૂદવાની ઘણાંને તક મળે છે. ઘણીવાર તો એટલાં બધાં પુલ ઉપરથી નીચે કૂદે છે કે પછી નીચેથી જ ઉપર સિધાવી જાય છે.
જેવો મેટ્રો બ્રિજનો સ્પાન તૂટ્યો કે ધડાધડ રિપેરિંગ ચાલુ થઈ ગયું છે. પુલ બની રહે ને વર્ષો પછી રિપેરિંગ નીકળે તે સમજાય, પણ એકવીસમી સદીમાં નવું બંધાય તે સાથે જ નવાનું રિપેરિંગ પણ શરૂ થઈ જાય છે. નવી સંસદ માંડ ચાલી ત્યાં તો રિપેરિંગ પણ ચાલુ થઈ ગયું. છતમાંથી કે ક્યાંકથી સંસદમાં વાંદરો ઘૂસી ગયો. પછી આશ્વાસન લીધું કે આટલા છે તો એક વધારે ! એ નક્કી ગળતી છતમાંથી જ આવ્યો હોવો જોઈએ. સારું છે કે છત બંધાઈ પછી ગળતી થઈ, બાકી બંધાયાં પહેલાં પણ ગળી શકે, કૈં કહેવાય નહીં. ટૂંકમાં, બધાંએ રિપેર માટે પ્રીપેર રહેવું જ જોઈએ. એ જાણી લો કે જૂનાંને નહીં, નવાંને રિપેરિંગ વધારે જરૂરી છે. મજાની વાત એ છે કે જેટલાં અહીં ‘FOOL’ નથી, એટલાં અહીં ‘POOL’ છે. POOL પણ એટલી જાતનાં કે એક જુઓ ને બે ભૂલો. કોઈ પાણી પર, તો કોઈ મેટ્રો માટે, કોઈ રસ્તા ઉપર તો કોઈ રસ્તા નીચે, કોઈ ખાડી પર, તો કોઈ સાડી પર પુલો જ પુલો છે. કેટલાક પુલ તો કાગળ પર જ છે. પુલ વળ્યો છે ત્યારથી લોકોનો ભરોસો ઊઠી ગયો છે. હવે તો મંત્રીઓ પણ પુલના ઉદ્ઘાટન માટે આવતાં નથી. આવે ને પુલ ગયો તો એ પણ પાણીમાં જ જાયને !
કેટલાક પુલની નીચે ઘણાં પડી રહેતાં હતાં કે જુગાર રમતા હતા કે રસોડું કરતાં હતાં કે લુખ્ખાઓ દાદાગીરી કરતા હતા તે બધાંએ સરનામાં બદલવા માંડ્યા છે. કોઈ નવો જુગાર રમવા આવવાનું પૂછતો તો એને ‘બ્રિજ કે નીચે આ જઇઓ, અપૂન કા અડ્ડા ઉધરીચ આયલા હે.’ જેવું સમજાવાતું. અત્યારે પુલ તો સાબૂત છે, પણ કોઇની નીચે રહેવાની હિંમત નથી થતી, ‘કયા પતા, ફિર પતા મિલે યા ન મિલે. પત્તા હી કટ જાય, તો પતા રહે યા ના રહે કયા ફર્ક પડતા હૈ ? હવે પુલ નીચે એવા જ રહે છે, જે ફૂટપાથ પર રહેવા નથી માંગતા. ફૂટપાથ પર પણ ટ્રક ધસી આવતી હોય તેને બદલે પુલ જ નીચે ધસી આવે તો જરા વજન તો પડે !
શું છે કે હવે સનાતન મૂલ્યો, અમરત્વ, હેરિટેજ ઇમારતો વગેરેમાં કોઈને ખાસ રસ રહ્યો નથી, એટલે જ તો દસેક વર્ષનાં બાળકને પણ જીવન જિવાઈ ગયાનું લાગતાં, દાદીને બહાર મોકલીને લટકી જાય છે. એને કેમ સમજાવવો કે તાજમહાલ, મીનાક્ષી મંદિર, દેલવાડાંનાં દેરાં જોયા વગર ન જવાય. એ ઇમારતો સેંકડો વર્ષથી બદલાતું જગત જુએ છે, તો તું કેમ દસ વર્ષમાં જીવવાનું છોડી દે છે? આ ઠીક નથી. જો કે, આજનો જમાનો જ યુઝ એન્ડ થ્રોનો છે. બધું જ હવે ડિસ્પોઝેબલ છે. હવે કોઈ પડ્યું પાનું નિભાવતું નથી. પાનું જ બદલી કાઢે છે. તારીખ બદલાય તે પહેલાં તો સાથી બદલાઈ જાય છે. ‘બદલો’ અથવા ‘બદલો લો’ – એટલા પર જ જગત ચાલે છે. કશું કાયમી નથી. હજાર વર્ષ પછી પણ મરવાનું જ હોય તો આજે મરવા-મારવામાં વાંધો શો? હજાર વર્ષ જૂનાં મંદિરનો યશ એનો બાંધનાર ન લઈ શકે, તો કામચલાઉ મંદિર કે મકાન કે દુકાનનો યશ આજે જ શું કામ ન લેવો? માસ્તરો કામચલાઉ થઈ ગયા હોય તો મકાન કામચલાઉ કેમ ન હોય? પુલ, ‘ફૂલ’ બનાવવા જ હોય છે. પુલ હોય છે જ તૂટવા માટે. કોઈ પુલમાં એટલી ધીરજ રહી નથી કે બંધાઈ રહે ત્યાં સુધી ટકે. હવેના પુલ, પુલ ઓન કરી શકે એમ જ નથી, કારણ એ સૂકતાનથી પીડાય એ રીતે જ એનો ઉછેર થાય છે. એ સૂકતાનથી ન પીડાય તો એનો બાંધનાર સુકાવા લાગે ને એની હોજરી એટલી ખાલી હોય છે કે આખી પૃથ્વી એમાં ઓરી દો તો ય ઓછી પડે. લાખ મરજો, પણ લાખોનો પાલનહાર ન મરજો-ની જેમ લાખ તૂટજો, પણ પુલના પાલનહારની હોજરી ભરાતી રહે તે જોજો. પુલ, ભૂલની એક્સરસાઈઝ માત્ર છે, એટલે એકાદને સસ્પેન્ડ કરીને કે એકાદને નોટિસ ફટકારીને પણ એને ટકાવજો. એ ટકશે તો જ પુલ તૂટશે ને તૂટશે તો બંધાશે. તૂટશે જ નહીં તો બંધાશે શું? પુલ કામચલાઉ હશે તો જ કાયમી પેટ ભરાશે. પુલ કાયમી હશે તો હોજરી હંગામી થઈ જશે તે ભૂલતાં નહીં.
એકઝેટ એ ફોર્મ્યુલા પર બિહારના પુલ બન્યા અને તૂટ્યા છે. આખા વિશ્વમાં આ એક જ રાજ્ય એવું છે જે માને છે કે જીવન કાયમી છે ને પુલ ક્ષણભંગુર છે. બાકી મજાલ છે કે 20 દિવસમાં 13 પુલ તૂટે? એ પુલ છે, કૈં વિશ્વામિત્ર નથી કે તપોભંગ માટે મેનકાની રાહ જુએ? એ તો થોડા કરોડમાં જ કરોડ વાળી બતાવે. સંસદની છત ટપકે કે પુલ પાણીમાં જઈ પડે કે પુલ, જોક ન સાંભળ્યો હોય તો પણ બેવડ વળી જાય એ બધાંનો એક જ ઈલાજ છે અને તે પુલ, પાણી પર ન બાંધતાં પાણીમાં જ બાંધવા જેથી જળસમાધિનો પ્રશ્ન જ ન રહે. સંસદ જ પાણીમાં ગઈ હોય તો છત ગળવાનો સવાલ જ ન રહે. બધું જ પાણીમાં ગયું હોય તો પુલ વળે કે બળે, પાણીને કેટલા ટકા? કેટલાક અક્કલમઠ્ઠાઓ મઠ્ઠો ખાધા વગર કે લઠ્ઠો પીધા વગર કરોડોના ખર્ચે પુલ બનવા છતાં ન ટક્યો એવી ફરિયાદ કરે છે, પણ એમને ખ્યાલ જ નથી કે કરોડોનો ખર્ચ પુલ પાછળ નહીં, કોન્ટ્રાકટરો, કંપનીઓ માટે થાય છે. પુલ પાંચ વર્ષ પણ ન ટક્યો એવું ઘણાં રડે છે, પણ એ નથી જોતાં કે પાંચ વર્ષમાં એને બાંધનાર કેવો બલિના બકરા જેવો કડેધડે થયો છે ! જે બિઝી નથી, તે ઇઝી મનીમાં રાચે છે. બિહારના સીવાન જિલ્લાના મહારાજગંજ વિસ્તારમાં એક જ દિવસમાં ત્રણત્રણ પુલો તૂટી પડ્યા હતા તે પરથી અંદાજ લગાવો કે એના બાંધનારા કેટલા હેલ્ધી ને વેલ્ધી થયા હશે. આવા લોકો હશે ત્યાં સુધી પુલ તૂટતા, બંધાતા રહેશે.
2012થી દસ વર્ષ સુધીમાં ટોટલ 214 પુલો તૂટ્યા. ખબર નથી આને વર્લ્ડ રેકોર્ડ કહેવાય કે નહીં, પણ દાયકામાં 214 પુલનું તૂટવું માતાજીના ત્રણ તાલીના ગરબાને લાયક તો છે જ ! હવે 20 દિવસમાં 13 પુલ તૂટ્યા હોય તો એને રીપેર કરવાનો ખર્ચો ઉમેરવો પડે. એ ઉમેરો ત્યાં સુધીમાં પુલ ન ટકે તો વળી રિપેરિંગનો ખર્ચ ઉમેરાય ને એક તબક્કો એવો આવે કે પુલ ન રહે ને ખર્ચ તો પેઢી દર પેઢી વધતો જ રહે. એ બધું કરવું એના કરતાં પુલ બાંધવા જ નહીં ને ખર્ચ કોઇની હોજરીમાં જમા થઈ જાય તો ટૂંકામાં પતે. એવો કાયદો જ બનાવવો કે પ્રોજેક્ટસ નામે ઓન પેપર જ રાખવા ને કરોડોના ખર્ચે કાગળ પર બાંધનારની ગરીબી દૂર કરવી. લોકો તો ભોળાં છે, તે ફૂલ આપીને ‘ફૂલ’ બનવા સદા તત્પર હોય છે. બને તો એક ફૂલ આપ્યાનો મેસેજ ફરતો કરો ને બધાંને કહો કે ઓછામાં ઓછા આવા દસ મેસેજ રોજ કરવાનું રાખે. તમારે આમાં અક્કલ સિવાય કૈં ગુમાવવાનું નથી. એક પણ ફૂલ વગર હજારોને ‘ફૂલ’ બનાવવાનો આનાથી વધારે સારો રસ્તો બીજો નથી. હોય તો પેલા તૂટેલા તેરે તેર પુલ તમને અર્પણ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ઑગસ્ટ 2024