
રાજ ગોસ્વામી
નવા વર્ષે સૂર તૂટી ગયો. ભારતીય વિજ્ઞાપન જગતના દિગ્ગજ અને એડગુરુ તરીકે વિખ્યાત પીયૂષ પાંડેનું 24મી ઓક્ટોબરે અવસાન થઇ ગયું. ફેવિકોલ, કેડબરી અને એશિયન પેન્ટ્સ જેવી જાણીતી જાહેરાતો બનાવનારા પાંડે 70 વર્ષના હતા. વિજ્ઞાપનો મારફતે લોકોના દિલમાં સ્થાન મેળવનારા બહુ ઓછા સર્જકો ભારતમાં છે. તેમાં સૌથી મોખરે નામ આવે છે પીયૂષ પાંડેનું.
પાંડે લગભગ ચાર દાયકાથી વિજ્ઞાપન ઉદ્યોગમાં કાર્યરત હતા. તેમણે ક્યા સ્વાદ હૈ જિંદગી મેં, અબ કી બાર મોદી સરકાર, ઠંડા મતલબ કોકાકોલા, દો બુંદ જિંદગી કી, બુલંદ ભારત કી બુલંદ તસવીર … હમારા બજાજ, હર ઘર કુછ કહેતા હૈ અને ભાઈ, હચ હૈ ના જેવી અનેક આઇકોનિક લાઈનો આપી હતી, જે દરેક લોકોના હોઠ પર ફરતી થઇ ગઈ હતી અને તે પ્રોડક્ટ્સને ઘરમાં-ઘરમાં ઓળખ મળી હતી. પાંડેએ અનેક પુરસ્કારો જીત્યા હતા 2016માં તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વિજ્ઞાપનોની ખાસિયત એ હતી કે તે કેવળ પ્રોડક્ટ્સ વેચતી નહોતી – તે અનુભવ, ભાવના અને ભારતની પહેચાન વેચતી હતી. પાંડે સામાન્ય ભાષા સાથે લોકોની જુબાન સુધી પહોંચ્યા હતા. તેમણે એકવાર કહ્યું હતું, “હું વિજ્ઞાપનો નથી લખતો, હું કહાનીઓ લખું છું.” આ કથનમાં વિચારશૈલીની દિશા સ્પષ્ટ થાય છે – બ્રાન્ડથી આગળ જઈને ભારતના લોકો સાથે જોડાવાની.
એ સંદર્ભમાં, એક સર્જક તરીકે, પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા, તો સૂર બને હમારા’ ગીતની રચના. 1988માં રાષ્ટ્રીય એકતા અભિયાન માટે તેમણે રચેલું અને સુંદર રીતે ફિલ્માવાયેલું આ ગીત આજે પણ લોકોના દિલોમાં વસેલું છે.
તેના શબ્દોની સાદગી અને સંગીતની પરંપરાગત લોક શૈલીએ આ ગીતને શિક્ષણ સંસ્થાઓ અને જનસામાન્ય, બંને જગ્યાએ, સ્મૃતિગીત બનાવી દીધું છે. શબ્દરચનામાં જે સાર્વભૌમિક “હમ”(મેરા-તુમ્હારા- હમારા)નો ભાવ છે, તે ગીતની સૌથી મોટી તાકાત છે.
1988માં, લોક સેવા સંચાર પંચાયત (જે સમયે લોક સેવા સંચાર નિગમ પણ કહેવાતું હતું), તેણે ભારતમાં “એક દેશ-એક સૂર” જેવી સંકલ્પના પર કામ શરૂ કર્યું હતું. તે સમયે રાજીવ ગાંધી અને તેમના મિત્ર-સહયોગી જયદીપ સમર્થ(જે એક જાહેરાત એજન્સીમાં હતા)એ વિચાર કર્યો હતો કે “ભારતના અવાજને દરેક ભાષા, દરેક સંસ્કૃતિમાં એક સૂર રૂપે જોવો છે.” તે પછી વિજ્ઞાપન એજન્સી ઓગિલ્વી-એન્ડ-મેથર ના ક્રિએટિવ હેડ સુરેશ મુલિકને આ કામ સોંપવામાં આવ્યું હતું.
પીયૂષ પાંડે ત્યારે ઓગિલ્વી-એન્ડ-મેથરમાં કામ કરતા હતા અને પ્રમાણમાં ઓછા અનુભવી હતા. તેમના માથે આ ગીતના શબ્દો લખવાનું આવ્યું. શરૂઆતમાં આ ગીતના 19 ડ્રાફ્ટ લખાયા હતા, અંતે 18માં ડ્રાફ્ટને મંજૂરી મળી.
સંગીતકારમાં મુખ્યરૂપે હતા હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદ પંડિત ભીમસેન જોષી અને સંગીત સંયોજનમાં હતા લુઇસ બેન્ક્સ. પંડિતજીએ એવું સૂચન કર્યું કે આ ગીતનો આધાર રાગ ભૈરવી રાખવો જોઈએ, જેથી પરંપરાગત હિન્દી અને દક્ષિણ-ભારતીય સંગીતનું મિશ્રણ શક્ય બને. નિર્દેશક-નિર્માતા હતા કૈલાશ સુરેન્દ્રનાથ, જેમણે આ વિઝ્યુઅલ ફિલ્મ-ગીતને દેશો-ભાષાઓ-સંસ્કૃતિઓનું અદ્વિતીય ‘પોર્ટ્રેટ’ બનાવ્યું.
સમય-સીમા સખ્ત હતી – 15 ઑગસ્ટ 1988ના સ્વાતંત્ર્ય દિવસે આ ગીત ટેલિકાસ્ટ થવાનું હતું. ગીતમાં લગભગ 13-14 ભાષાઓ સમાવિષ્ટ થઈ હતી. તેમાં મનોરંજન અને સાર્વજનિક જીવનની અનેક હસ્તીઓ હતી. દૃશ્યાવલી પર વિશેષ ધ્યાન હતું. ઉદાહરણ તરીકે : પંબર ફોલ્સ(કોડાઈકેનાલ)માં ઓપનિંગ સીન અને તાજમહાલનો હેલિકોપ્ટર-શોટ. કલાકારોને ભેગા કરવા, લોકલ-શૂટ્સ કરવું, ભાવ-સંગીત-ગીતનું સંતુલન જાળવવું – આ બધું સરળ નહોતું. જેમ કે લતા મંગેશકરે અંતિમ ક્ષણમાં રેકોર્ડ કર્યું; ત્યારે તો કેમરા ગોઠવવાનું ચાલી રહ્યું હતું.
ગીત પ્રથમવાર 15 ઑગસ્ટ 1988ના રોજ વડા પ્રધાનના ભાષણ પછી દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવ્યું હતું. પછી તો જુનિયર બાળકોથી લઈને વિદ્યાર્થીઓ સુધી, સ્કૂલ-કોલેજોમાં આ ગીત દરરોજ જોવા અને સાંભળવામાં આવવા લાગ્યું હતું. તેની લોકપ્રિયતા એટલી વધી કે તેને “અનૌપચારિક રાષ્ટ્રીય ગાન” તરીકે પણ ઓળખવામાં આવવા લાગ્યું.
આ ગીતનો મુખ્ય સંદેશ હતો – વિવિધતામાં એકતા. શબ્દ-શબ્દમાં તેની પ્રતીતિ થાય છે; મિલે સુર મેરા તમારાઃ, તો સુર બને અમારા …” એટલે કે જ્યારે મારો સ્વર અને તારો સ્વર મળે, ત્યારે આપણો સ્વર બને. સંગીતની દૃષ્ટિએ આ શુદ્ધ શાસ્ત્રીય, લોક અને આધુનિક સંગીતનું મિશ્રણ છે – તે દર્શાવે છે કે પરંપરા અને નવીનતા એક સાથે ચાલી શકે છે.
“મિલે સુર મેરા તુમ્હારા”ની અપાર સફળતા પછી, પીયૂષ પાંડેએ એક બીજું લાજવાબ ગીત રચ્યું; બજે સરગમ હર તરફ સે, ગૂંજ બન કર દેશ રાગ. આ પ્રોજેક્ટના સૂત્રધાર પણ સુરેશ મલિક અને પાંડેની સર્જનાત્મક ટીમ હતી. દૂરદર્શન ઇચ્છતું હતું કે આ વખત એવું ગીત બનાવવું જે શાસ્ત્રીય સંગીત, નૃત્ય અને પરંપરાગત કલા પર કેન્દ્રિત હોય – ફક્ત ફિલ્મી ચહેરાઓ પર નહીં. તેના માટે “સંગીતના સ્વરોમાં ભારત”ની થીમ રાખવામાં આવી હતી.
‘બજે સરગમ’ કેવળ એક કવિતા નહોતું – તે એક સાંસ્કૃતિક દર્શન હતું. ‘સરગમ’ ભારતની વિવિધતાનું પ્રતિક બની ગયું – જેમ દરેક જિલ્લામાં, દરેક ભાષામાં અલગ અવાજ છે. ‘દેશ રાગ’ એકતાનું પ્રતિક બની ગયું – જ્યારે તમામ અવાજ મળે છે, ત્યારે તે ભારતનો એક સ્વર બની જાય છે. આ ગીતમાં શબ્દો દ્વારા આવું કહેવામાં હતું – ‘તાલ કદમોં પે જાગે જાય, લબ પે જાગે ગીત ઐસા.’ અર્થાત આ સંગીત ફક્ત સાંભળવા માટે નથી, ચાલવા-બોલવા-જીવવા માટેનું સંગીત છે. આ ગીત ભારતને એક “ચાલતાં-ફરતાં સંગીત-વાદ્ય” તરીકે રજૂ કરે છે – દરેક માનવ, દરેક કલા, દરેક સંસ્કૃતિ એ એક સ્વર છે, જે મળીને દેશની ધૂન બનાવે છે.
પીયૂષ પાંડેએ પાછળથી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “મિલે સુર … પછી અમને લાગ્યું હતું કે આપણે ભારતના અવાજને વધુ ઊંડાણથી સાંભળવો જોઈએ – જે મંદિરો, ગલીઓ, નદીઓ અને લોકગીતોમાં વહે છે.” તેમના મતે, “જ્યારે અમે ‘બજે સરગમ …’ બનાવ્યું, ત્યારે તે અમારા આંતરમાંથી નીકળેલો સ્વર હતો – તેમાં વિજ્ઞાપનની રણનીતિ નહતી, પરંતુ એક ભાવનાનું વિસ્તરણ હતું.” તેમનું માનવું હતું કે સંગીતમાં એ શક્તિ છે જે ધર્મ, ભાષા, જાતિથી આગળ જઈને લોકોને જોડી શકે – અને એ જ આ ગીતનું મૂલ્ય હતું.
પીયૂષ પાંડેને કદાચ એ કહેવાનું અનુચિત લાગ્યું હશે કે તેમણે તેમનાં વિજ્ઞાપનોની પંક્તિઓ અને ‘મિલે સૂર મેરા તુમ્હારા’ તેમ જ ‘બજે સરગમ’ દ્વારા ભારતના લોકોને ધર્મ, ભાષા, જાતિમાંથી બહાર કાઢીને ગીત-સંગીતના સૂરો અને શબ્દોથી જોડવાનું કામ કર્યું હતું. એટલા માટે આવનારી અનેક પેઢીઓ તેમને યાદ કરતી રહેશે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 02 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

