ઉપર્યુક્ત આંદોલનવિષયક આ પુસ્તક હાલ બીજી વાર જિજ્ઞાસુ વ્યક્તિએ વાંચ્યું, સાથે જરૂરી ચર્ચા પણ ભાઈ કિરણ સાથે કરી. પછી નક્કી કર્યું કે એનો પરિચય તો કરાવવો જ. સાથે શક્ય હોય તેટલી બીજી જરૂરી વાતોનું ઉમેરણ થાય તેટલું કરી લેવું. પારડી સત્યાગ્રહ સાથે મારે એક અજબ અંગત સંબંધ છે. ૧૯૭૧માં પહેલી સપ્ટેમ્બરે મને દીકરો જન્મેલો. આ બાળકે બે દિવસ પ્રેમ પામીને આ જગતથી ને મારાથી વિદાય લીધી. દર પહેલી સપ્ટેમ્બર મારા માટે આ બે યાદ અચૂક લાવે. ખેડ- સત્યાગ્રહની ને મારા એ દીકરાની. ૧૯૫૩ની પહેલી સપ્ટેમ્બરે શરૂ થયેલો આ સત્યાગ્રહ તેર વર્ષ સુધી અવિરત ચાલ્યો. ઘાસવાલા પરિવાર આ સત્યાગ્રહનો સાક્ષી તો ખરો જ, ઉપરાંત પૂરેપૂરો સહભાગી પણ ખરો. ઈશ્વરભાઈ દેસાઈની આગેવાનીમાં શરૂ થયેલ આ સત્યાગ્રહનાં મૂળ છેક ૧૯૩૦ની આસપાસ. ઇન્દુચાચાએ આ વિસ્તારની મુલાકાત લીધેલી, તેની દસ્તાવેજી હકીકત જડે છે, પરંતુ તેનાં સાચાં બીજ છેક ૧૯૫૨-૫૩માં ઈશ્વરભાઈના જેલવાસ દરમિયાન આદિવાસી નેતાઓ સાથેના રહેવાસ સાથે રોપાયાં.
ભાઈ કિરણને હકૂમતભાઈ તરફથી જે માહિતી, દસ્તાવેજ વગેરે મળ્યું તેના આધારે આ પુસ્તક અધિકૃત રીતે લખાયું છે. આ સત્યાગ્રહના સુકાનીઓ પ્રજાસમાજવાદી પક્ષના ઈશ્વરભાઈ, કુમુદબહેન, ઉત્તમભાઈ, અમૂલભાઈ, હકૂમતભાઈ, સનતભાઈ, ગોવિંદજીભાઈ તો હતા જ, ઉપરાંત અનેક નામી અનામી કાર્યકર્તાઓનો સહભાગ અણમોલ રહ્યો. અશોક મહેતા, જયપ્રકાશ નારાયણ, એસ.એમ. જોષી જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનો ફાળો પણ નોંધપાત્ર. સર્વોદય કાર્યકર્તા ને વડીલો વિનોબાજી, સંતબાલજી, રવિશંકર મહારાજ, નારાયણ દેસાઈએ પણ આ આંદોલન સાથે રસ દાખવી કંઈક સંબંધ જોડેલો. આમ, આ આંદોલન અભ્યાસીઓ માટે રસપ્રદ એટલા માટે બને છે કે એ આઝાદી પછીનું પ્રથમ લોકઆંદોલન છે, જેમાં લોકો, ખાસ તો મૂળ આદિવાસી પ્રજા જમીન-માલિકો સામે, ક્યારેક પોતાના હક્કના કાયદેસર અમલીકરણ માટે સરકાર સામે સક્રિય થાય છે. ત્યાં સુધીનાં આંદોલનો બ્રિટિશ સરકાર સામે હતાં. કેટલાંક તો મધ્યમવર્ગ ને ઉપલા વર્ગ દ્વારા સ્વહિત માટે ખેડૂતો દ્વારા થયેલાં, જેમ કે બારડોલી ને ખેડા-આંદોલન. ગાંધીજીની રીતરસમ ને સમાજવાદી સિદ્ધાંતોના સમન્વય દ્વારા ઈશ્વરભાઈ ને સાથીદારોએ જે જડબેસલાક રણનીતિ ઘડેલી, તેના કારણે આટલું દીર્ઘ આંદોલન હોવા છતાં એ અહિંસક રહી શક્યું. આ પુસ્તકમાં વારંવાર એનો ઉલ્લેખ થયો છે, કારણ કે બાજુમાં જ મહારાષ્ટ્રમાં ગોદાવરીબાઈ જેવા કાર્યકર્તાઓની નિશ્રામાં ચાલેલા સામ્યવાદી આંદોલન સમાંતર આની લઢણ ને તરાહ મવાળ વલણ સાથે વિશિષ્ટ રહી. મૂળ મુદ્દો ગણોત ને હાળીપ્રથા, ખેતીમૂલક જમીનનું વેપારી હેતુથી ઘાસિયામાં રૂપાંતર ને આદિવાસી શ્રમજીવીઓ ને ભૂમિહિનોનું શોષણ સંબંધિત હતો. જો આદિવાસી વિકાસની દૃષ્ટિએ જોઈએ તો હાળીપ્રથા નાબૂદ થવા છતાં કેટલીક કાયદાકીય જોગવાઈને આધીન, આદિવાસીઓ માટે ખેતીની દૃષ્ટિથી જમીન છૂટી થવા છતાં એ તપાસનો વિષય તો છે જ કે એમની આજની વાસ્તવિકતા શું છે.
ભાઈ કિરણ ને પ્રોફેસર હકૂમતભાઈ દેસાઈએ (અમારા ને ગામના કાકા) આ પુસ્તકને પ્રસ્તાવના, નેતાગીરી, સત્યાગ્રહની વિગત, વલણ, શૈલી ને છેવટે સમાપન એમ ચાર પ્રકરણોમાં વહેંચ્યું છે. પ્રસ્તાવના ઘનશ્યામભાઈ શાહ, આમુખ ધીરુભાઈ દેસાઈ, સમગ્ર વિહંગાવલોકન હકૂમતકાકાએ કર્યું છે. આમ, કુલ ૧૩૬ પાનાંમાં પથરાયેલી આ સંઘર્ષગાથા ગઈ કાલ ને આજને સમજવા માટે પૂરતું ભાથું ઉપલબ્ધ કરાવે છે. આ આંદોલનમાં આદિવાસીઓનું સંમિલિત રહેવું, એકતા બતાવવી, સ્ત્રીઓ-બાળકોનો સહભાગ, અસહકાર, સવિનય કાનૂનભંગ, પોલીસરાજ, સરકારની કડક નીતિ, કૉંગ્રેસ સરકારના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ જેવા અગ્રણીઓનું આ સત્યાગ્રહને દુરાગ્રહમાં ખપાવવું ને સરકારનું કલેક્ટર જેવી જવાબદાર વ્યક્તિઓ પર દબાણ લાવવું, જેવી બાબતોનો પર્દાફાશ વાચક તરીકે પણ આજની પરિસ્થિતિમાં પોલીસ ને સરકાર પણ જે રીતે વર્તે છે, તેની ઝાંખી કરાવી મનોમન એક સરખામણી કરવા મજબૂર કરે છે. સામે આંદોલનકારીઓને જે રીતે તૈયાર કરવામાં આવ્યા છે, શિસ્ત સાથે અહિંસક રહેવા માટે તાલીમ આપવામાં આવી છે, ‘ધીખતી ધરા’ જેવા કાર્યક્રમોની કલ્પના ને આયોજન છતાં સંયમનો પ્રભાવ જેવી બાબત સુકાનીઓ માટે મનોમન માન પેદા કરે છે. જેલ ભરો, કાનૂની લડાઈ લડો ને અણનમ રહો એવો પાઠ ભણાવવા માટે ઈશ્વરભાઈને ‘અણનમ યોદ્ધા’નું બિરુદ મળ્યું છે. ઉત્તમભાઈ અને સાથીદારો પોતાની બોલીમાં ગીતો, સૂત્રો તૈયાર કરે છે ને એક ક્રાંતિકારી માહોલ પેદા થાય છે. આવાં અનેક સંભારણાં આ આંદોલન સાથે જોડાયેલાં છે. એક ગૃહિણી, અદની નારીવાદી કાર્યકર્તા ને આ આંદોલનની વાતો ઘરમાં વારંવાર સાંભળી પોતાનો અભિપ્રાય બાંધનાર વ્યક્તિ તથા ઘાસવાલા (ઘાસવાલી – જો કે મારે આ આંદોલન સાથે સીધો સંબંધ નથી છતાં છે!) તરીકે મેં તો આ પુસ્તકમાં એટલું પોતાપણું અનુભવ્યું છે કે એ લાગણી મારા માટે શબ્દાતીત છે.
આઝાદી મળી, લોકશાહીનું સ્થાપન થયું, પ્રજાને વોટ બૅંક તરીકે જોવાનું વલણ જન્મ્યું એનાં મૂળ અહીં રોપાયાં, જેવી ટીકા પણ થઈ છતાં ઈશ્વરભાઈ તથા સાથીદારોએ ફક્ત ને ફક્ત પ્રજાહિતને જ અને તેમાં પણ વંચિતના હિતને જ પ્રાધાન્ય આપેલું, તે મુદ્દો લેખકોએ સુપેરે અને તાર્કિક રીતે મુખર કર્યો છે. આ આંદોલન માટે સ્ત્રીઓના સહભાગનું મૂલ્યાંકન કરતું ડૉ. નીરા દેસાઈ દ્વારા થયેલું એક સંશોધન મને ધ્યાનમાં છે. હું પોતે પણ એ અંગે મુલાકાત વગેરે કાર્ય સાથે જોડાયેલી. જો કે એનાં તારણો વિશે, એ પ્રકાશિત થયેલું કે કેમ તેની મને જાણ નથી. તો પણ કેટલીક નોંધ મેં તૈયાર કરેલી તે પરથી ખ્યાલ આવેલો કે તે સમયે પારસી, જૈન, સ્ત્રી-જમીનદારો હતાં, તો સામે સ્ત્રી-આંદોલનકારીઓ પણ હતાં ને એમણે સામસામે પણ ભૂમિકા ભજવેલી! આંદોલનકારી સ્ત્રીઓએ જેલવાસ પણ ભોગવેલો. સ્ત્રીઓ હતી છતાં પણ નીતિવિષયક બાબતે એમનું કેટલું વજૂદ તે પ્રશ્ન તો રહે જ છે. એ અર્થમાં તમામ આંદોલનોનો નિષ્કર્ષ આજના સમયમાં પણ લગભગ સમાન જ આવે એવું છે.
લોકશાહીમાં લોકોની સરકાર, સમાનતા- સ્વતંત્રતા-બંધુતાના ખ્યાલ છતાં અસમાનતા, ભેદભાવ ને સત્તાધીશોનું વલણ, સામાજિક ન્યાય માટે ન્યાયાલયો તરફ પ્રજાની નજર, આ મુદ્દાઓ સંદર્ભે સર્વસમાવેશક દૃષ્ટિકોણ આધારિત મૂલ્યાંકન અપેક્ષિત છે. મારા મનમાં બંધારણમાં ‘બંધુતા’ શબ્દ જ કેમ પસંદ કરાયેલો, તે અંગે પ્રશ્ન છે જ. છતાં આ પુસ્તક આંદોલન સમજવા માટે પાયાનું કાર્ય તો કરે જ છે. ભાઈ કિરણે મને કહ્યું કે તમે જે ઉમેરણ કરવા ઇચ્છો, તમારી રીતે તે કરી શકો. આ વલણથી મારી હિંમત ને ઉત્સાહ વધ્યો છે. હજી ‘ધરાસણાનો કાળો કેર’ પુસ્તક પર લેખન કર્યા બાદ હું મનીષા, વર્ષા ને કિરણનાં તારણોને આજના સમયમાં પણ સમજવા માંગું છું. આપણે માટે આ તારણો ચોક્કસ જ આંખ ઉઘાડનારાં છે.
વલસાડ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 10 અને 05
છબી સૌજન્ય : બકુલા ઘાસવાલાની ફેઇસબુક દિવાલ પરેથી