— 1 —
સમરી આપનારે રજૂ કરેલી પ્રસ્તાવના :
કથક (narrator) જણાવે છે કે થોડી વારમાં તમે (you) ઇટાલો કાલ્વિનોની નવી નવલકથા “If on a Winter’s Night a Traveler” વાંચશો. કથક તમને વાચન માટે આરામદાયક અવસ્થા ઊભી કરવાનું અને વિક્ષેપ ટાળવાનું પણ સૂચવે છે; એ પછી એ ઉમેરે છે કે તમે અપેક્ષા સેવો કે શું વાંચવું તમારા માટે ઉચિત છે. કથક કલ્પે છે કે તમે પુસ્તકોની દુકાનમાં ગયા હશો, તમારે ન્હૉતાં વાંચવા એ બધાં પુસ્તકો પાસેથી પસાર થઈ ગયા હશો, ને છેવટે તમારે વાંચવાં જ હતાં એ પુસ્તકોના એક બહુ નાના વિભાગમાં ગયા હશો, જ્યાં તમને “If on a Winter’s Night a Traveler” મળી ગયું હશે.
કથક વિચારે છે કે તમે (you) ક્યાં બેસીને પુસ્તક (book) વાંચવાના. તમે કોઈ મોટા અર્થતન્ત્રમાં કશુંક નાખી દેવા જેવું કામ કરતા હોવ તો કદાચ નોકરીની એ ડેસ્ક પર બેસીને વાંચશો. અથવા કથકને એમ પણ થાય છે કે તમારું કામ સર્જ્યનનું કે બુલ-ડોઝરના ડ્રાઇવરનું હોય એવું, પ્રૅક્ટિકલ હોય, અને જો એ દરમ્યાન તમે પુસ્તકવાચન કરો, તો ખતરનાક નીવડે ! છતાં, તમને લાગે કે ‘સબ સલામત’ છે ને તમે વાંચવા માંડો, તો તમને થાય કે આ તો બહુ ટૂંકાણમાં છે ને ટુકડા ટુકડા છે. એ અંગે કથક એમ કહે છે કે એ તો સદનસીબ કહેવાય, કેમ કે લોકો આજકાલ સમયના નાના નાના ટુકડાઓમાં જ વિચારી શકે છે.
(વિશેષ હવે પછી)
પ્રકરણ – ૧ (સાર-સંક્ષેપ)
એક ટ્રેન-સ્ટેશને એક માણસ ત્યાંના બારમાં દાખલ થાય છે, બાર બહુ નાનો છે એટલે ત્યાં બેઠેલું દરેક જન અવળું ફરીને એને જુએ છે. કથક (narrator) જણાવે છે કે એ માણસ તો બરાબર પણ કદાચ હું જેને ‘હું’ (I) કહું છું તે છે એ. અને હવે, એ માણસ એ માણસ વિશે કે એ રેલવે સ્ટેશન વિશે જે કંઇ કહેશે એ સિવાયનું તમે (you) કંઇપણ જાણી નહીં શકો.
તમે (you) નહીં કહી શકો કે સ્ટેશન ભૂતકાળમાં હતું કે અત્યારે છે કે ભવિષ્યમાં હશે કેમ કે એ વિશે કદાચ લેખક પોતે જ નિર્ણય લઇ શક્યો નથી (દેખીતી રીતે જ એ કાલ્વિનોને સૂચવે છે). નામ વિનાના માણસ રૂપે કથક (narrator) વિચારે છે કે સ્ટેશને એ આમ જ આવી લાગ્યો હશે, આકસ્મિક; બને કે મૉડો પડ્યો હોય અથવા કનેક્શન ચૂકી ગયો હોય, જો કે કોઈને મળવા તો આવેલો નહીં.
હજીયે પોતાનું નામ નથી એવા માણસ રૂપે કથકને થાય છે કે સ્ટેશનની બહાર હશે શું, કોઈ શહેર? કે પછી લેખક (કાલ્વિનો) એટલી જગ્યા ખાલી રાખવા માગે છે. કથકને થાય છે પોતે કોઈ મહાન માણસને ત્યાં જોબ મળે એ માટે પ્રવાસ કરી રહ્યો છે, પણ એને થાય છે, પોતે તો મામૂલી છે. એને લાગે છે કે પોતે પાર્શ્વભૂમાં અદૃશ્ય થઈ જનારો કોઈ અ-નામી છે. હકીકતે, કથકને લાગે છે કે એ અ-નામી માણસને જ લેખકે ‘હું’ ગણેલો – એનું નામ સંતાડી રાખ્યું એમ એને વિશેની વીગતો સંતાડી રાખી.
કથકને સમયમાં પાછા પગલે જવું ગમે ખરું, પણ જેમ જેમ કથા આગળ ધપે છે તેમ તેમ કથામાં ‘હું'(I)-ની વીગતો સંકળાતી ચાલે છે. ખરેખર તો કથકે એક બીજા માણસને મળવાનું હતું – જેની પાસે એની પાસે હતી એવી જ સૂટકેસ હતી – જેનો પાસવર્ડ Zeno of Elea છે, એ ખબર ન પડે એમ કથકની સૂટકેસ અને પોતાની સૂટકેસની સાટાબદલી કરી નાખે છે. (Zeno of Elea સૉક્રેટિસ પહેલાં થઈ ગયેલો ‘વિરોધાભાસો’ માટે સુખ્યાત એક ફિલસૂફ છે – સુ૦). પરિણામે, કથકની પ્રવાસ-યોજનાઓ ખોરવાઈ જાય છે અને એને સમજાતું નથી કે હવે કરવું શું.
કથકને એ નાનું શહેર અને આજુબાજુના લોકોને જોઈને લાગે છે કે પોતે પરાયો છે. સ્ટેશને લોકો એકબીજાને જાણીતા શબ્દોમાં વાતો કરતા હતા. અન્તે કથક નક્કી કરે છે કે એ લોકોમાં ભળી જવું, અને એક સુન્દર સ્ત્રી જોડે વાતો કરવા માંડે છે – સ્ત્રી સૂટકેસો વેચનારી હોય છે. સ્ત્રી પોતાનો પરિચય આપતાં કહે છે કે પોતે ડૉ. માર્નેની ઍક્સ-વાઇફ છે. ડૉ.માર્ને બારમાં દાખલ થાય છે ત્યારે પોતાની ઍક્સ-વાઇફની સામું નથી જોતો, પણ નૉંધે છે કે કથક તો એને જ જોઈ રહ્યો છે.
સૂટકેસો વેચનારી સ્ત્રી કથકની સૂટકેસ જુએ છે અને કહે છે કે આવી જ એક સૂટકેસ પોતે હમણાં જ કો’ક અજાણ્યાને વેચી. એ દર્શાવે છે કે લોકો સામાાન્યપણે આવી સૂટકેસ નથી ખરીદતા. કથક ફરિયાદ કરતો હોય કહે છે કે પોતે પોતાની એ સૂટકેસથી કંટાળી ગયો છે. એટલે સ્ત્રી કહે છે કે એવું હોય તો મને આપી દો ને, હું એને સૂટકેસોની મારી દુકાનમાં રાખીશ.
બારમાં સ્થાનિક પોલીસ ચીફ ગોરિન દાખલ થાય છે અને બોલે છે, ‘ઝેનો ઑફ ઍલિયા’. કથકને થાય છે પોતાને વિશે કોઈકે પોલીસને ફરિયાદ કરી લાગે છે. એ ગભરાય છે; સિગરેટના મશીન પાસે જઈને ચીફ ગોરિનને મળે છે. ગોરિન એને જણાવે છે કે કોઈ જૅન નામના માણસની હત્યા થઈ છે; વધારામાં એણે કથકને કહ્યું કે તારી સૂટકેસ લઈને ચાલતો થા. એણે એને કઈ ટ્રેન લેવી વગેરે સૂચનાઓ પણ આપી. કથક ઍક્સપ્રેસ ટ્રેન પકડે છે, ને અદૃશ્ય થઈ જાય છે.
(ક્રમશ:)
નૉંધ : ઇટાલો કાલ્વિનોકૃત (1923-1985) નવલ “If on a Winter’s Night a Traveler”-નો (1979) નહીં પણ એની સમરીનો આ મુક્ત ભાવાનુવાદ છે. એને સહારે કથાસાહિત્યમાં ‘સૅકન્ડ પર્સન નૅરેશન’-ની ભૂમિકા અને તેના લાભાલાભ સમજવાની કોશિશ કરીશું. આશા રાખીએ કે એવી કૃતિપરક મથામણ ઉપકારક નીવડશે.
(04/24/24 : A’bad)
— 2 —
“If On a Winter’s Night a Traveler” વિશે — 2
નિવેદન / સુ૦
કાલ્વિનોએ દર્શાવ્યું છે કે પોતે કેવા કેવા લેખકોની સૃષ્ટિમાંથી પ્રેરણાઓ મેળવી હતી. એક છે, ચેઝારે પાવેસ. પાવેસની સૃષ્ટિ કાલ્વિનોની સૃષ્ટિથી વધારે વાસ્ત્વશીલ છે, પરન્તુ બન્ને લેખકોનાં રાજકીય દૃષ્ટિબિન્દુ ઘણાં સમાન છે. બીજા છે, ફ્રાન્ઝ કાફ્કા. કાફ્કાએ બ્યુરોક્રસીથી પીડાતા સામાન્યજનોની વાર્તાઓ લખી છે – વિશ્વાસ નહીં કરનારા – શંકાશીલ – પૅરેનોઇડ; દાખલા તરીકે, “મેટામોર્ફોસિસ”-નો નાયક, ગ્રેગર સામ્સા. વળી, સમીક્ષકોએ નૉંધ્યું છે કે કાલ્વિનોની આ નવલ પર કાફ્કાની અસર સ્પષ્ટ દેખાય છે – ખાસ તો એ અર્થમાં કે એમાં પુસ્તકો પરની સરકારી સૅન્સરશિપનો મુદ્દો ગૂંથાયો છે. કાલ્વિનોએ સવિશેષે જણાવ્યું છે કે પોતાની આ નવલ પર વ્લાદિમિર નબાકોવનો પ્રભાવ છે. નવલ “અરેબિયન નાઇટ્સ”ના નિર્દેશો પણ આપે છે. ડેવિડ મિશેલ વગેરે સર્રીયાલિસ્ટ સમકાલીનોને પણ કાલ્વિનોએ યાદ કર્યા છે.
++
સમરી આપનારે રજૂ કરેલી પ્રસ્તાવના :
તમે If on a Winter’s Night a Traveler વાંચવાનું શરૂ કરો છો, દરમ્યાન એમાં સૂટકેસ સાથે એક રહસ્યમય કથક આવે છે, એ જાસૂસ કે ગુનેગાર લાગે છે. ટ્રેન-સ્ટેશને એ પોતાની સૂટકેસ બીજાની સૂટકેસ સાથે બદલી નાખવા જાય છે પણ પકડાઈ જાય છે. કથાની એ સસ્પૅન્સભરી ઘડી કથામાં થયેલી છાપભૂલને કારણે નષ્ટ થઈ જાય છે. એ પછી પુસ્તકવિક્રેતા અને લુદ્મિલા નામની યુવતી એટલે કે અન્ય વાચક (the Other Reader) આવે છે અને કથા આગળ ચાલે છે. આગળ એટલે, હવે તમે પેલી પોલિશ નવલકથા “Outside the town of Malbork” પણ વાંચવા માંડો છો.
પ્રકરણ – ૨ (સાર-સંક્ષેપ)
કથક કહે છે કે ‘તમે’ (you) નૉંધ્યું હશે કે પુસ્તકમાં એક સુગમ ફકરો છે. જો કે, વાંચવાનું તમે ચાલુ રાખશો એ દરમ્યાન, કથક સ્પષ્ટ કરે છે, તમને સમજાશે કે એ તો છાપભૂલ છે, એ-નું-એ પાનું રીપીટ થયું છે. ધીમે ધીમે તમને એમ પણ સમજાશે કે તમારા હાથમાં છે એ પુસ્તકનાં બાકી ૧૬ પાનાં એ-નાં-એ છે અને વારંવાર રીપીટ થયાં છે. તમને વિચાર આવે છે કે પુસ્તકને બારી બહાર ફૅંકી દઉં, પણ એને બદલે તમને થાય છે કે ચાલ ને પુસ્તક પુસ્તકવિક્રેતાને જ આપી દઉં.
પુસ્તકવિક્રેતા કહે છે કે ‘તમે’ (you) કરો છો એ ફરિયાદ અગાઉ કેટલા ય કરી ગયા છે. પુસ્તકવિક્રેતા પ્રકાશક પાસેથી એક પત્ર લઈ આવ્યો, જેમાં લખેલું કે છાપભૂલને કારણે ઇટાલો કાલ્વિનોના પુસ્તક “If on a Wniter’s Night a Taraveler”-ની કેટલીક નકલોની પોલિશ નવલકથાકાર તાઝિયો બઝાકભલના “Outside the town of Malbork” પુસ્તક સાથે સેળભેળ થઈ ગઈ છે.
આ સાંભળીને ‘તમે’ (The Reader) નક્કી કરો છો કે કાલ્વિનોની નવલ વાંચવા કરતાં પોલિશ નવલ શું કામ ન વાંચવી. પુસ્તકવિક્રેતા કહે છે – એ તો બહુ સરસ ! બન્યું એવું કે એક લુદ્મિલા નામની યુવતીએ પૂછ્યું કે પોતે એમ કરે તો કેમ? પણ પુસ્તકવિક્રેતા એને જણાવે છે કે પોતે ખાતરી નથી આપી શકતો કે બઝાકભલનાં પુસ્તકો પણ કરેક્ટ હશે કે કેમ. પુસ્તક મળી જાય એ માટે તમે ખન્તપૂર્વક મથી રહ્યા હશો, એવામાં તમે જોશો કે એ યુવતી, લુદ્મિલા, અન્ય વાચક (Other Reader), ઘણી રૂપાળી છે.
‘તમે’ (You) અને અન્ય વાચક (Other Readrer) વાતો કરો છો કે બઝાકભલ તો કેટલા રસપ્રદ છે. પછી તમે નવલકથાઓ વિશે સામાન્ય વાત કરો છો. બઝાકભલનું પુસ્તક તમારે ખરીદવું’તું પણ તમને રમૂજ થઈ કે સાલું એમાં કાલ્વિનોનું પુસ્તક હશે કે કેમ. અને એમ જો ખરેખર નીકળે, તો તમે અને અન્ય વાચક ફોન-નમ્બરોની આપ-લે કરવાનાં. તમને મજા પડવાની કે આમાં એકલા તમે જ વાચક નથી. પણ જેવા તમે ઉત્તેજિત થઇ તમારું એ ‘નવું’ પુસ્તક (પોલિશ નવલ) વાંચવા માંડશો કે તુરન્ત તમને ખાતરી થશે કે અરે, પહેલાં વાંચેલું એ સાથે આનું અનુસન્ધાન તો છે જ નહીં.
સ્ટવ પર એક ડુંગળી તેલમાં સંતળાઈ રહી છે. બ્રિગ્ડ, હન્ડર અને જૅનની બારી, એ ત્રણ અપરિચિત પાત્રોની બારી, ધીમેશથી આકારિત થાય છે. કિચન કુડિગ્વામાં છે, અને બહુ લોકો છે ત્યાં.
કથક કિચનમાં આવે છે. એ પહેલી વાર ઘર છોડીને આવ્યો છે, અને ખેડૂત મિસ્ટર કૌદરરના ઍસ્ટેટ પર મૉસમ ગાળવાનો છે. દરમ્યાન કૌદરરનો દીકરો પોન્કો કુડિગ્વામાં કથકનું સ્થાન લેવાનો છે. કથક કુડિગ્વા-કિચનની સુગન્ધોથી ભાવાવશ થઈ જાય છે, કેમ કે એ સુગન્ધોને એ હમ્મેશ માટે છોડી જવાનો છે. કથક પૂછે છે, ‘તમે’ (you), વાચક, એમ નથી અનુભવતા કે પાઠ – ટૅક્સ્ટ – તમારા હાથથી સરકી રહ્યો છે, અને અનુવાદ દરમ્યાન કશુંક નાશ પામ્યું છે?
પોતાનો રૂમ પોન્કોને સૉંપી દેવા કથક પોતાની વસ્તુઓ પૅક કરી રહ્યો છે, ત્યારે જુએ છે કે પોન્કો પાસે એક છોકરીનો ફોટો છે પણ સંતાડવા કરે છે. કથક પોન્કો પાસેથી ફોટો ઝૂંટવી લે છે અને જુએ છે કે એ પર ઝ્વિડા ઓઝ્કાર્ટ નામ લખેલું છે. પોતાની પ્રાઇવસી પર કથકે તરાપ મારી એ કારણે પોન્કો એના પર ગુસ્સે થાય છે અને બન્ને જણા લડવા માંડે છે. કથકને થાય છે કે પોન્કો શી રીતે ઝ્વિડાનો હોઈ શકે, વળી, એને થાય છે, પોતે જશે એટલે બ્રિગ્ડને પણ ગુમાવવો પડશે.
એ પછી કથક એક મોટા રૂમમાં જાય છે. ત્યાં એને ખેડૂત મિસ્ટર કૌદરર વાતો કરતા સંભળાય છે. કૌદરરના પરિવારમાં ઓઝ્કાર્ટ્સ જોડે લાંબા સમયથી એક ક્લેશકર ઝઘડો ચાલી રહેલો, પરિણામે, બે જણા તાજેતરમાં મૃત્યુ પણ પામેલા. કૌદરર પોન્કો પાસે પ્હૉંચી ગયેલો જેથી ઓઝ્કાર્ટ્સથી બચી શકાય. કથકની માતાને ચિન્તા થાય છે કે ઓઝ્કાર્ટ્સ ગ્રિત્ઝવીને (આ કથામાં કથકનું નામ) પોન્કો સમજીને એના પર હુમલો કરી બેસે તો … મિસ્ટર કૌદરર એને આશ્વાસન આપે છે કે માત્ર કૌદરરો જ ભયમાં છે. અને તેથી કથક મિસ્ટર કૌદરર ભણી ડગ ભરે છે.
++
તારણ — સુ૦
અત્યાર સુધીની કથામાં આપણે જોયું કે કથક છે, narrator; સૅકન્ડ પર્સન ‘તમે’ છે, you; વાચક છે, Reader; ‘અન્ય વાચક’ પણ છે, Other Reader. હવે પેલી બીજી નવલની – પોલિશ નવલની – વાત પણ શરૂ થઈ છે, એનો પણ એક કથક છે, એનું તો નામ પણ છે, ગ્રિત્ઝવી.
(ક્રમશ:)
(04/25/24 : A’bad)
— 3 —
“If On a Winter’s Night a Traveler” વિશે — 3
નિવેદન / સુ૦
ધીમે ધીમે સમજાશે કે આ નવલકથા પરોક્ષપણે લેખક અને વાચક વચ્ચેના પરમ્પરાગત અને રૂઢ સમ્બન્ધ વિશે છે અને કાલ્વિનો એ રૂઢ સમ્બન્ધભૂમિકાનું વિઘટન – ડીકન્સ્ટ્રક્શન – કરી રહ્યા છે. ૧૯૭૯-માં પ્રકાશિત આ નવલને ૪૫ વર્ષ થઇ ગયાં છે, ત્યારથી માંડીને આજ લગીમાં વિશ્વ ઘણું બદલાઇ ગયું છે બલકે એ બદલાવને AI અતિવેગે વિકસાવી રહ્યું છે.
“ન્યૂ ક્રિટિસિઝમ” (“નવ્ય વિવેચન”) અને “રીડર્સ રીસ્પૉન્સ ક્રિટિસિઝમ” (“ભાવક-પ્રતિભાવ વિવેચનસમ્પ્રદાય”) જેવી વૈચારિક ભૂમિકાઓ દરમ્યાન, એક તરફ, ‘સઘન વાચન’-નો આગ્રહ ઊપસ્યો, પણ જાણે કે એની વિરુદ્ધ, બીજી તરફ, ‘રીડર્સ રીસ્પૉન્સ’-નો મહિમા થવા લાગ્યો. વળી, ‘લેખકનું મૃત્યુ’ નામનો વિચાર પણ ચગ્યો. (‘સઘન વાચન’, ‘ભાવક-પ્રતિભાવ વિવેચન-સમ્પ્રદાય’ અને ‘લેખકનું મૃત્યુ’ માટે જુઓ, મારાં પુસ્તકો, “નવ્ય વિવેચન પછી -“, “સિદ્ધાન્તે કિમ્?” અને “નિસબતપૂર્વક”).
એ ઇતિહાસ જોતાં લાગશે કે લેખક-વાચક સમ્બન્ધભૂમિકા વિશેનો કાલ્વિનોનો મનોભાવ કોઈ નવી ચીજ નથી, બલકે એ બધા વૈચારિક વારાફેરાનું જ પરિણામ છે. એટલું ખરું કે ‘you’ કહીને, ‘તમે’ એમ સમ્બોધન કરીને, વાચકને એમણે કથાપટની અંદર બેસાડ્યો. એ સર્વથા મુક્ત એવા ચિત્તે અને નર્યા સાક્ષીભાવે બધું અનુભવે એવી અપેક્ષા રાખી. અન્ય લેખકોએ પણ ‘તમે’ સમ્બોધીને વાચક-સંદર્ભે આમ કર્યું જ છે. વગેરે.
તદુપરાન્ત, આ નવલકથાનો વાચક કાલ્વિનોના જાણીતા પુસ્તક, “The Literature Machine (Vintage”, 1997)થી માહિતગાર હશે તો સાહિત્યકલા વિશેના એમના એ ડિકન્સ્ટ્રક્શનને – વિઘટનને – તેમ જ કેટલાક અરૂઢ વિચારોને અને સમ્પ્રત્યયોને પામી શકશે, અને પરિણામે, આ નવલ પાછળના કાલ્વિનોના વિલક્ષણ આશયને વધારે સારી રીતે સમજી શકશે.
કાલ્વિનો પર, એમણે પોતે કહ્યું છે એમ, “અરેબિયન નાઇટ્સ”-નો પ્રભાવ છે. આ પ્રકરણના ઉત્તરાર્ધ સંદર્ભે મને લાગ્યું છે કે એમણે કથાનિરૂપણની એ રીતિ ઠીક ઠીક અપનાવી છે, લાગે કે બરાબર પચાવી છે.
પ્રકરણ : 3 (સાર-સંક્ષેપ)
તમે (the Reader) વાંચી રહ્યા છો એ પુસ્તકનાં અમુક પાનાં છૂટાં કરવા તમે પેપરનાઇફ વાપરો છો. પુસ્તકને જોતાં તમારા ધ્યાનમાં આવ્યું કે છાપભૂલ છે અને ટૅક્સ્ટ પાનાંની એક જ સાઇડે છપાઈ છે. તમને શંકા થવા માંડે છે કે તમારા હાથમાં છે એ પુસ્તક “Outside the Town of Malbork” તો છે જ નહીં, કેમ કે પોલિશમાં ‘બ્રિગ્ડ’ જેવાં નામો નથી હોતાં. ઊલટું તમને એમ થાય છે કે કથા સિમેરિયા દેશમાં પ્રારમ્ભાઈ હશે.
તમે અન્ય વાચકનો (Other Reader) સમ્પર્ક સાધવા માગો છો, એ લુદ્મિલા જ છે, પણ કૉલ કરો છો તો એની બહેન લોતારિયા નીકળે છે ! લોતારિયા કહે છે, લુદ્મિલા તો સદા વાચનરત હોય છે. એ તમને આજકાલ તમે જે પુસ્તક વાંચી રહ્યા છો એ અંગે ઘણા બધા સવાલો કરે છે, પણ તમે જવાબો નથી આપી શકતા, એટલા માટે કે તમને પાકી ખબર જ નથી કે ખરેખર તમારી પાસે કયું પુસ્તક છે.
સ્થાનિક યુનિવર્સિટીમાં યોજાયેલા એક સેમિનારમાં લોતારિયા તમને નિમન્ત્રણ આપે છે, પણ તમે એકે ય વાતે બંધાતા નથી. પ્રસંગવશાત્ લોતારિયા જણાવે છે કે લુદ્મિલા એની જોડે નથી રહેતી, વળી, લોકોને આઘા રાખવા મારો (લોતારિયાનો) નમ્બર આપતી હોય છે. તમે હતાશ છો, પણ ફોન પર અચાનક એક નવો અવાજ સંભળાય છે, એ હતી સ્વયં લુદ્મિલા.
તમે (the Reader) અને લુદ્મિલા નક્કી કરો છો કે તમારા બન્ને પાસે જે પુસ્તક છે એ સિમેરિયન નવલકથા છે. લુદ્મિલા ઉઝ્ઝી તુઝ્ઝી નામના એક પ્રૉફેસરને ઓળખતી હોય છે. ઉઝ્ઝી તુઝ્ઝી હોય છે, ‘પ્રૉફેસર ઑફ સિમેરિયન લિટરેચર’. તમે બન્ને એમને મળવા જવાનું નક્કી કરો છો. થોડા વખત પછી, યુનિવર્સિટી તમે એકલા ગયા હોવ છો, પણ ન તો લુદ્મિલા મળે છે, ન તો પ્રૉફેસર ! તમે મૂંઝાવ છો.
છેવટે, તમને ઇર્નેરિયો નામનો એક યુવાન ભટકાય છે. ઇર્નેરિયો કહે છે કે – ઉઝ્ઝી તુઝ્ઝી પાસે તમને હું લઇ જઉં. વાતવાતમાં ઇર્નેરિયો પોતાની ઓળખ આપતાં કહે છે કે પોતે છે વિદ્યાર્થી પણ વાચતો કદી નથી. યુક્તિ એવી કે પાના પરના શબ્દો પર તાતી નજર નાખે ને એ બચારા અદૃશ્ય થઇ જાય. ઇર્નેરિયો તમને રીનોવેશન માટે બંધ એવા યુનિવર્સિટીના એક રૂમ લગી મૂકી જાય છે, ને તરત જતો રહે છે. જેવા તમે રૂમમાં પ્રવેશો છો, તમને લાગે છે કે કોઈ પેઇન્ટર છે, પણ એ હતો, ઉઝ્ઝી તુઝ્ઝી !
ઉઝ્ઝી તુઝ્ઝી તમને (the Reader) પૂછે છે કે શું તમે ખરેખર સિમેરિયન લિટરેચર ભણવા આવ્યા છો; સંકેત એ હતો કે તમે લુદ્મિલાને મળવા આવ્યા છો (જે હજી આવી જ નથી). તમે સ્પષ્ટતાપૂર્વક જણાવો છો કે તમારે સિમેરિયા વિશે ઘણું જાણવું છે. પ્રૉફેસર કહે છે કે સિમેરિયન મૃત ભાષા છે. તમે જણાવો છો કે તો પણ તમને રસ છે. તમે કહેવા માંડો છો કે એમાં ‘તમારી’ નવલકથાનાં પાત્રો છે, પોન્કો, ઝ્વિડા ઓઝ્કાર્ટ, અને બ્રિગ્ડ.
ઉઝ્ઝી તુઝ્ઝી કહે છે કે ભાઇ, તમે જે પુસ્તક વિશે વિચારો છો એ તો સિમેરિયન કવિ ઉક્કો અહતિકૃત “Learning from the Steep” છે. જો કે તમે વાંચવા માંડો છો અને તમને ખાતરી થાય છે કે કેટલાંક પ્રૉપર નેમ્સ – સામાન્ય નામો – બન્નેમાં સમાન છે. જો કે બાકીનું બધું અગડંબગડં છે, અજાણ્યું કે અપરિચિત.
સોમવાર : એક ડાયરીના રૂપમાં આ સમગ્ર પ્રકરણ લખી રહેલો કથક (narrator) દરેક પ્રભાતે દરિયાકાંઠે ચાલવા જાય છે. કથકના રોજના રસ્તે એક જેલ આવતી હોય છે, ત્યાં એ બારી અને બારીના સળિયામાંથી લબડતો હાથ જોતો હોય છે. કથકને અચરજ થાય છે કે કેદી સળિયામાંથી હાથને પાછો નહીં લઈ શકતો હોય !
કથક ચાલવાનું ફરી ચાલુ કરતો હોય છે, દરમ્યાન એને મિસ ઝ્વિડા દેખાઇ હોય છે. ઝ્વિડા સફેદ સ્ટ્રો-હૅટમાં હતી ને દરિયાકાંઠાની એક હોટેલમાં ખુરશીમાં બેઠેલી. કથક ચાલવા દરમ્યાન એને જોવાનું ટાળતો’તો છતાં જરા ય ચૂકતો ન્હૉતો. મિસ ઝ્વિડા સાથે એણે હજી વાત નથી કરી, કેમ કે એને ડર છે કે ઝ્વિડા દરિયાઇ છીપ-છીપલાંનો વિષય કાઢશે, ને પોતે કશો પ્રતિભાવ નહીં આપી શકે, કેમ કે, એને છીપ-છીપલાંની જાણકારી તો હતી જ, પણ એ બધું હાલ ભૂલી ગયો છે.
એ સોમવાર પછી, સ્થાનિક ઑબ્ઝર્વેટરીના મિટરિયોલૉજિસ્ટ મિસ્ટર કૌદરર સાથે કથક વાત કરે છે. મિસ્ટર કૌદરર કથકને મીંઢો વરતાય છે છતાં હવામાનની વાતોમાં ફ્રૅન્ડલિ લાગે છે. મિસ્ટર કૌદરર જણાવે છે કે પોતાને એક ટ્રિપ પર જવાનું છે, એ ગાળામાં તમે (કથક) કેટલાક ડેટા રેકર્ડ કરી દેશો? કથક સમ્મત થાય છે.
મંગળવાર : કથક ઝ્વિડા સાથે પહેલી વાર વાત કરે છે. ઝ્વિડાના સી-અર્ચિનના સ્કૅચવર્ક વિશે કથક વાતોએ વળગે છે. એ પછી કથક ઑબ્ઝર્વેટરી જવા નીકળે છે. ત્યાં એ કાળાડુમ્મ કોટ પ્હૅરેલા બે જણાને જુએ છે. એઓ મિસ્ટર કૌદરર ધ મિટરિયોલૉજિસ્ટને મળવા માગતા’તા. કથક જણાવે છે કે મિસ્ટર કૌદરર તો નથી, એટલે એ બન્ને જણા, જરા ય મહત્ત્વનું નથી, એમ કહીને ચાલી જાય છે.
બુધવાર : કથક હોટેલ પર જાય છે અને મિસ ઝ્વિડાને શોધી કાઢે છે, ઝ્વિડાએ કાળું આવરણ લપેટી રાખ્યું છે. એ પછી કથક બીજા બે જણાને જુએ છે, એ બન્ને પણ કાળા પોશાકમાં છે. મૉડેથી, સાંજે એ વિચારે છે કે પોતે લખે છે એ ડાયરી કોણ વાંચવાનું, અને વાંચે તો કોણ સમજવાનું?
ગુરુવાર : કથકને જાણ થાય છે કે ઝ્વિડા પાસે એક પરમિટ છે, જેથી એ અમુક દિવસોએ જેલની મુલાકાત લઇ શકે છે. ઝ્વિડાને જેલ-એરીયામાં એ જુએ છે ખરો પણ કશું કહેતો નથી. થોડા સમય પછી, બન્ને જણાં વાતો કરે છે. કથક કહે છે કે પોતાને જો ચીતરતાં આવડતું હોત તો નિર્જીવ વસ્તુઓનાં ચિત્રો દોરત. ઝ્વિડા કહે છે કે પોતાને તો ૧૨ મીટરનું દોરડું વીટાળેલું ગ્રૅપ્નેલ (એક પ્રકારનું લંગર) દોરવાનું ગમે. જોબનવતી હોવાથી ઝ્વિડાને જાતે ગ્રેપ્નેલ ખરીદવામાં સંકોચ થાય, એટલે, કથક કહે છે કે પોતે લાવી દેશે.
ગુરુવારની સાંજ : કથક પોતાના દિવસની મૉજ માટે એક બારમાં જાય છે, એને મનમાં એમ છે કે એથી ઝ્વિડાની નિકટ પ્હૉંચી જવાશે.
શુક્રવાર : કથક ગ્રૅપ્નેલ ખરીદવા ગયો તો ખરો, પણ માછીમારને શક પડે છે. એટલે કથકને એ વહાણોના વેપારીને ત્યાં મોકલે છે. પણ વેપારીને ય શંકા પડે છે ને વેચવાની ના પાડે છે. વેપારી ખુલાસો કરે છે કે ભૂતકાળમાં જેલમાંથી કેદીને ભગાડવા માટે ગ્રૅપ્નેલનો દુરુપયોગ થયેલો.
શનિવાર : મિસ્ટર કૉદરર ધ મિટિરિયોલજિસ્ટ પ્રવાસેથી પાછો ફરે છે. કથકને નોંધ મોકલે છે કે રાત્રે સ્મશાનમાં મળજો. કથક સ્મશાને જાય છે ત્યારે કબર ખોદનારો કહે છે, કૌદરર તો નથી અહીં. યેન કેન પ્રકારે કથક પ્રવેશે છે, કૌદરર એને બાજુએ ખસેડી નાખે છે, એને અચરજ થાય છે.
મિસ્ટર કૉદરર ધ મિટિરિયોલજિસ્ટ કહે છે કે કથક લાપરવાહ થઈ ગયો છે, ભાગી જવાની યોજનામાં જોડાયો છે, ઑબ્ઝર્વેટરી સંકટમાં મુકાઈ ગઈ છે. ભાગી જવા માટેની સામાન્ય યોજનાને મિસ્ટર કૌદરરે બહુ મોટી અને ગમ્ભીર ચીતરેલી. મિસ્ટર કૉદરર કહે છે કે કથકે પોલીસને એનું નામ ન આપવું. ઉપરાન્ત, કથકે ઑબ્ઝર્વેટરીની પોતાની ભૂમિકાએથી છૂટા થવું.
રવિવાર : કથક ઑબ્ઝર્વેટરી જાય છે. એની આસપાસ એક વંટોળ ઊઠે છે, એને થાય છે, વંટોળ પોતાના કાબૂ બહાર છે. કથક એકાએક એક કડાકો સાંભળે છે, નીચું જુએ છે. ત્યાં એ એક દાઢીવાળા ચીંથરેહાલ મનુષ્યને જુએ છે. કથકને દાઢીવાળો દગો ન કરવા કરગરે છે. કથકને એ પૂછે છે કે સ્થાનિક હોટેલમાં રહેતા એક ઓળખીતા શખ્સને એક સંદેશો આપી આવીશ કે કેમ.
(ક્રમશ:)
તારણ – સુ૦
પુસ્તક, વાચન, વાચક તેમ જ ભાષા વિશે :
— ‘તમે’ સમ્બોધનથી સૂચવાતી વ્યક્તિ વાચક છે, એમ લુદ્મિલાનું પાત્ર પણ એક વાચકવ્યક્તિ છે.
— કેટલાક લોકો પુસ્તકવાચનના રસિયા હોય છે; કેટલાકને ગ્રન્થકીટ કહીએ છીએ. લુદ્મિલા એવી વ્યક્તિ છે.
— વિદ્યાર્થી હોવાછતાં ઇર્નેરિયો વાંચતો નથી.
— પુસ્તકો વાંચનારા સવાલોના જવાબ નથી આપી શકતા કેમ કે એમને ખબર જ નથી હોતી કે પોતે કયું પુસ્તક વાંચી રહ્યા છે. એ સર્વસાધારણ અને જાણીતી હકીકત અહીં પ્રતિબિમ્બિત થઈ છે.
— સુવિદિત છે કે વિશ્વની કોઈ કોઈ ભાષા મૃત છે. અહીં સિમેરિયા મૃત ભાષા છે.
— કથક ડાયરીના રૂપમાં પ્રકરણ લખી રહ્યો છે. એ નિર્દેશ એમ ચીંધે છે કે સંભવત: કથક લેખક છે, સંભવત: એનું લેખન આત્મકથનાત્મક છે.
(04/30/24)
— 4 —
“If On a Winter’s Night a Traveler” વિશે — 4
નિવેદન – સુ૦
કાલ્વિનોની આ નવલકથામાં પ્રવર્તતી વિષયવસ્તુની રજૂઆતને અથવા કૃતિની સમગ્ર સંરચનાને સમજી લઈએ :
રજૂઆતનો —
પહેલો મુદ્દો : ૧ :
‘તમે’ (you) એટલે કે વાચક, એટલે કે આપણે, આ નવલકથા વાંચીએ, પ્રયાસ કરીએ, અને વાચનનો અનુભવ મેળવીએ, એ મુખ્ય વાત છે.
બીજો મુદ્દો : ૨ :
આપણે જોઈશું કે નવલકથામાં પ્રકરણો હોય તેમ અહીં પણ છે, પરન્તુ દરેક પ્રકરણને બે વિભાગમાં – સૅક્શનમાં – વહેંચી નાખવામાં આવ્યું છે. પરન્તુ એ વિભાગો જટિલ છે. કેમ કે —
ત્રીજો મુદ્દો : ૩ :
“If on a Winter’s Night a Traveler” -માં, દરેક પ્રકરણનો પહેલો વિભાગ you-ને એટલે કે વાચકને સમ્બોધે છે. એ વાચક પુસ્તકમાં રહેલા પુસ્તકમાં, પછીનું એટલે કે નૅક્સ્ટ પ્રકરણ વાંચવાનો પ્રયાસ કરે છે. આ અંદરના – ઇનર – પુસ્તકને કહેવાય છે, “If on a Winter’s Night a Traveler”. એટલે સાર શું મળે છે? એ જ કે તમે એવા કોઇક બીજાને વિશેની કથા વાંચી રહ્યા છો જે કથા વાંચવાનો પ્રયાસ કરી રહ્યો છે.
ચૉથો મુદ્દો : ૪ :
કેમ કે, બીજા વિભાગમાં નવું કથાનક શરૂ થાય છે, સાવ જ નવું, કેમ કે એ “If on a Winter’s Night a Traveler”-ના તમે ધારેલા કથાનક-થી જુદું છે.
પાંચમો મુદ્દો : ૫ :
કેમ કે, આ વિભાગોમાં ઘણું સંભર્યું છે. એ દ્વારા આપણને વિવિધ સાહિત્યપ્રકારોનો અને લેખનશૈલીઓનો પરિચય મળે છે – દાખલા તરીકે, પ્રેમકથાઓનો કે જાસૂસી કથાઓનો અને તે – તેના નિરૂપણોનો. અને, એમાં ફિલસૂફીપરક વાતો પણ છે.
છઠ્ઠો મુદ્દો : ૬ :
કેમ કે, આ વિભાગોમાં નિરૂપાતી કથામાં ઇન્ટરપ્શન્સ – ખલેલ પડે કે દરમ્યાનગીરી થતી લાગે; પાનાં ખોવાઇ ગયાં લાગે; છાપભૂલો દેખાય પણ કદાચ હોય નહીં; બધું નાના-મોટા ટુકડાઓમાં, શકલોમાં, પીરસાતું હોય, વળી, એક સાથે; વગેરે વગેરેથી અકળામણ ઊભી થાય છે, કથા માટે નિરાશા અને કંટાળો નીપજે છે. પણ આ જાતના ધીંગા પ્રયોગમાં એમ થવું સ્વાભાવિક મનાય છે.
પ્રકરણ : 4 (સાર-સંક્ષેપ)
‘તમે’ (You) ઉઝ્ઝી-તુઝ્ઝીને મોટેથી વાંચતો સાંભળી રહ્યા છો. એને એમ લાગે છે કે પોતે મોટેથી વાંચે છે એટલે પાના પર છપાયેલા શબ્દોનો જુદો જ સ્વાદ આવે છે. ઉઝ્ઝી-તુઝ્ઝી જેમ જેમ વાંચતો જાય છે તેમ તેમ પુસ્તકની ભાષા વિશે વધુ ને વધુ મુખર થતો જાય છે, પણ પાછો વચ્ચે વચ્ચે કંઈ ને કંઈ સમજાવવા માંડે છે. તમે કથામાં ખોવાઇ ગયા છો એટલે રૂમમાં બેઠેલી લુદ્મિલા તરફ તમારું ધ્યાન જાય છે ત્યારે તમને થાય છે કે એ ત્યાં ક્યારની ય બેઠી હશે.
દરમ્યાન, ઉઝ્ઝી-તુઝ્ઝી જરા અટકે છે, એટલે લુદ્મિલા પૂછે છે, ‘એ પછી?’ કથક તમને (you) કહે છે કે બરાબર એ જ વખતે, લેખક, ઉક્કો અહતિ, ‘રાઇટર્સ બ્લૉક’ અને ડીપ્રેશનમાં ડૂબી જાય છે, અને અન્તે આપઘાત કરે છે. ઉઝ્ઝી-તુઝ્ઝીએ હાલ જે વાંચ્યું છે એ તો મરણોત્તર પ્રકાશિત માત્ર એક ટુકડો છે. ઉઝ્ઝી-તુઝ્ઝી તમને અને લુદ્મિલાને ચેતવે છે કે પુસ્તક હવે આગળ ન વાંચતા કેમ કે સિમેરિયન નવલકથાઓ ‘મૃતકની શબ્દ વગરની ભાષા’-માં છે. એ કારણે, એ નવલો અધૂરી છે.
ઉઝ્ઝી-તુઝ્ઝી અને લુદ્મિલા વાચન વિશેની પોતપોતાની ફિલસૂફીઓ ચર્ચી રહ્યાં છે, પણ તમને (you) કશું જ સમજાતું નથી. લુદ્મિલા કહે છે કે નવલકથાના વાચનમાં પોતે અરધે તો પ્હૉંચી છે, એટલે કોઈપણ હિસાબે પૂરી કરીને રહેશે. બરાબર એ જ વખતે લોતારિયા ટપકી પડે છે, કહે છે, પોતાની પાસે એક નવલકથા છે, નારીવાદી પરિસંવાદમાં ભણેલી. એને થાય છે, લુદ્મિલા શોધતી’તી એવી જ છે એ નવલ.
લુદ્મિલા લોતારિયાને કહે છે કે તારી પાસે “Leaning from the steep slope” છે પણ હકીકતે એ નવલ તો “Without fear of wind or vertigo” છે ! ઉઝ્ઝી-તુઝ્ઝી કહે છે કે પોતે પાક્કે પાયે જાણ્યું છે કે લોતારિયા પાસે છે એ પુસ્તકની ટૅક્સ્ટ અધિકૃત સિમેરિયન નથી, આખી ઉઠાંતરી છે! એટલામાં, પ્રૉફેસર ગલ્લિગની નામનો એક દાઢીવાળો દાખલ થાય છે અને ઉઝ્ઝી-તુઝ્ઝીનો વિરોધ કરે છે, કહે છે, તાજેતરનાં સંશોધનો અનુસાર, “Without fear of wind or vertigo” અધિકૃત સિમેરિયન છે.
ગલ્લિગની અને ઉઝ્ઝી-તુઝ્ઝીની ચર્ચામાં લુદ્મિલાને રસ નથી પડતો – એને બસ વાંચ્યા જ કરવું છે. લોતારિયા લુદ્મિલાને અને તમને (you) એના અભ્યાસવર્તુળમાં જોડાવાનું નિમન્ત્રણ આપે છે. ગલ્લિગની “Without fear of wind or vertigo” વિશે વ્યાખ્યાન કરતો હોય છે, તમે એ વર્ગખણ્ડમાં જાવ છો, એ કહેતો હોય છે કે એ નવલનો જર્મનમાં અનુવાદ થયેલો કેમ કે એથી કરીને એ આન્તરરાષ્ટ્રીય વાચકસમાજ લગી પ્હૉંચી જાય. પણ જેવી લોતારિયા એ નવી નવલનું વાચન શરૂ કરે છે, તમને ખબર પડી જાય છે કે તમે વાંચેલી એક પણ નવલકથા સાથે એનું જરા ય જોડાણ નથી!
ટાઉનમાં સવારના પાંચ વાગ્યે સંગીતકારોના સંગીત સાથે મિલિટરી પરેડ ચાલે છે. કથક સૈનિકના પોશાકમાં છે અને એણે પિસ્ટલ ધારણ કરી છે. એની સાથે એનો મિત્ર વાલેરિયન નાગરિક પોશાકમાં છે, એની પાસે પણ પિસ્ટલ હોવી જોઈએ; એ બન્નેની સાથે, એટલે કે કથક અને વાલેરિયનની સાથે, ઇરિના તાલ સે કદમ કરતી ચાલી રહી છે.
તેઓ આગેકદમ ચાલી રહ્યાં છે, વચગાળામાં, એક ચર્ચ પાસેથી પસાર થતાં હોય છે, ચર્ચ ખરેખર તો કૉલેરાના દર્દીઓને કૉરેન્ટાઇન રાખવા માટેનું સ્થાન હોય છે. ચર્ચ બહાર એક ડોશી હાથ ફેલાવીને બોલે છે, ‘ડાઉન વિથ ધ જેન્ટ્રી’ – ‘નથી ગમતા મને એ ધનવાનો’. કથક ડોશીના સંદર્ભે જણાવે છે કે ડોશી આવનારાં સંકટોની આગાહી જેવી લાગે છે – સંકટ જેવાં કે, હડતાલો (એમાં કુદરરની ફૅક્ટરીઓને પણ આવરી લેવાય) અને પ્રતિક્રાન્તિ-સેનાઓ.
અગાઉ, કથક પહેલી વાર ઇરિનાને મળેલો એ અરસામાં સેના હારી રહી’તી. હાલ નાગરિક દળવાળાઓ શહેરની બરાબર રક્ષા કરી રહ્યા છે. લોકો ‘આયર્ન બ્રિજ’ પર દોડધામ મચાવી રહ્યા છે. અન્ય નગરજનો આશરો શોધી રહ્યા છે. ગૂંચવાડો હતો છતાં, કથક ‘આયર્ન બ્રિજ’ વટાવે છે અને દરેક જોડે સંવાદિતા અનુભવે છે. એ પછી, એ જુએ છે કે ટોળાથી કચડાઇ જવાની બીકે ઇરિના પડી ગઈ છે, એ એની મદદે દોડી જાય છે.
હજી પાછળ જઈએ, ઇરિના કહે છે, પોતાને હવે સારું છે, પણ એ કથકનો આભાર નથી માનતી. કથક ઇરિના આગળ ઍલેક્સ ઝિન્નોબર તરીકે રજૂ થાય છે અને કહે છે કે પોતે એક લૅફ્ટન્ટ – સમો છે (જો કે એની રેજિમૅન્ટમાંથી બધા દરજ્જા દૂર કરાયા છે.) બરબાદ શહેરમાં ઇરિના અને કથક ચાલીને જતાં હોય છે, ત્યાં એકાએક કથકને ઇરિના દેખાતી નથી. એ ‘હૅવિ ઇન્ડસ્ટ્રી કમિશન’ પર જવાનું વિચારે છે, જ્યાં એનો મિત્ર વાલેરિયન કામ કરતો હોય છે.
કથક જુએ છે કે વાલેરિયન પોતાની ડેસ્કની પાછળ બેસીને ગન સાફ કરી રહ્યો છે. તેઓ ક્રાન્તિની વાતો કરતા’તા, ત્યારે ઇરિના અચાનક પ્રગટી ને કહેવા લાગી કે પોતે લોકોની ખાનગી વાતો ચોરીછૂપીથી સાંભળવામાં કાબેલ થઈ ગઈ છે. વાલેરિયન પાસેથી ઇરિના ગન લઇ લે છે અને પોતાના મસ્તક પર મૂકે છે – જાણે કે પોતાને ઠાર મારવા માગતી હોય. કથક એને આવી બાબતોમાં મજાક કરવાની ના પાડે છે. ઇરિના કહે છે કે ક્રાન્તિ પોતે જ એક મજાક છે કેમ કે એમાં હથિયારો ઉઠાવનારા પુરુષો હોય છે, નહીં કે સ્ત્રીઓ !
વાલેરિયન માટે એક સંદેશવાહક આવે છે અને ભારપૂર્વક ઇરિનાને સંતાઈ જવા કહે છે. સંદેશવાહક ચાલી જાય છે, એ પછી કથક વાલેરિયનને કહે છે કે ઇરિનાની મજાક બિલકુલ બરાબર છે, ત્યારે વાલેરિન કહે છે કે ઇરિના મજાક કદી કરતી જ નથી.
ફ્લૅશબૅક વર્તમાન લગી આવી ગયો છે. ઇરિનાના રૂમમાં કથક, વાલેરિયન, અને ઇરિના કામક્રીડામાં પરોવાયાં છે. ક્રીડાના મધ્યમાં કથક વિમાસે છે કે પોતે રહસ્ય શી રીતે જાળવી શકશે. એ જાસૂસ માટે કથક ચિન્તવે છે, જે અંદરની માહિતી માટે ‘રીવૉલ્યુશનરી કમિટિ’-માં ઘૂસી ગયો છે. ઘડીભર કથક વિમાસણની બહાર નીકળી જાય છે અને વાલેરિયનનાં કપડાં શોધવા માંડે છે. કથક જુએ છે કે વાલેરિયનના ખિસ્સામાં એનું (કથકનું) ડેથવૉરન્ટ છે. વૉરન્ટ દેશદ્રોહના ગુના બદલ છે, અને એ પર સહી-સિક્કા પણ થઈ ગયા છે.
તારણ – સુ૦
આ પ્રકરણમાં ત્રણ મહત્ત્વની વસ્તુઓ જોઈ શકાશે :
૧ : ‘તમે’ (You) -ને એકથી વધુ વાર સમ્બોધન થયું છે, એટલે કે એને સંડોવવાનો પ્રયાસ વિકસ્યો છે.
૨ : વસ્તુ, તેની રજૂઆત, તેનું વાચન એમ ત્રણેયનું શકલીકરણ – મૅથડ ઑફ ફ્રૅગ્મેન્ટેશન – અનુઆધુનિકતાવાદી સાહિત્યનું મોટું લક્ષણ છે; અહીં એ સ્પષ્ટપણે જોઇ શકાય છે.
૩ : પ્રકરણ -રના ‘નિવેદન’-માં મેં કહ્યું હતું કે આ નવલકથા પરોક્ષપણે લેખક અને વાચક વચ્ચેના પરમ્પરાગત અને રૂઢ સમ્બન્ધ વિશે છે અને કાલ્વિનો એ રૂઢ સમ્બન્ધભૂમિકાનું વિઘટન – ડીકન્સ્ટ્રક્શન – કરી રહ્યા છે; એ વસ્તુ પણ અહીં વધુ ને વધુ સ્પષ્ટ થઈ રહી છે.
= = =
(05/03/24 : A’bad)
— 5 —
“If On a Winter’s Night a Traveler” વિશે — 5
નિવેદન – સુ૦
કાલ્વિનોની સૃષ્ટિ સાથે મારો નાતો જૂનો છે. મને યાદ આવે છે, એમનાં બે પુસ્તક –
એક નાનકડું પુસ્તક, “Six Memos for the Next Millenium”. ૧૯૮૫-માં કાલ્વિનોએ હાર્વર્ડમાં વ્યાખ્યાનો આપેલાં. દુ:ખદ વાત એ છે કે એ વર્ષના સપ્ટેમ્બરમાં કાલ્વિનોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડેલા, અને ત્યાં એમનું સેરેબલ હૅમરેજને કારણે અવસાન થયેલું. વ્યાખ્યાન-નૉંધો ઇટાલિયનમાં હતી અને ૧૯૮૮-માં અંગ્રેજીમાં ‘સિક્સ મૅમોઝ …’ રૂપે પ્રકાશિત થયેલી.
એ વ્યાખ્યાનોએ મને કેટલા ય દિવસો સુધી જકડી રાખેલો. ત્યારે મને કૂતુહલ એ હતું કે ૧૫ વર્ષ પછી નવું સહસ્ત્રાબ્દ શરૂ થશે એ સંદર્ભમાં કાલ્વિનોએ કેવા કેવા મૅમો આપ્યા છે એ જાણવું જોઈએ.
એ છ મૅમો કયા સંદર્ભે છે? મુખ્યત્વે સાહિત્યકલા અંગે. એ છ તે આ : લાઇટનેસ – હળવાશ, ક્વિકનેસ – શીઘ્રતા, ઍક્ઝૅક્ટિટ્યુડ – વિશદતા, વિઝિબિલિટી – પ્રત્યક્ષતા, મલ્ટપ્લીસિટી – બહુલતા, અને, કન્સિસ્ટન્સી – સુસંગતતા.
સમજી શકાશે કે આ છ તો સર્જન / લેખનના અનિવાર્ય ગુણ છે, એ માટે જેટલી કાળજી કરીએ એટલી ઓછી પડે. એ છ ગુણની ચર્ચા પરોક્ષપણે રાજ્ય, સભ્યતા, સંસ્કૃતિ વગેરે સિસ્ટમ્સને પણ સ્પર્શે છે.
પરન્તુ એ જ કાલ્વિનોએ એ જ ગુણસમૃદ્ધિ ધરાવતી કૃતિઓને વાચકે કેમ વાંચવી, કેવાક પ્રતિભાવ આપવા, એ હેતુથી પોતાની આ નવલ “If On a Winter’s Night a Traveler” -માં એને ‘તમે’ (you) કહીને, કૃતિના વિશ્વમાં બેસાડ્યો છે, બલકે એને પાત્ર બનાવીને બરાબ્બર સંડોવ્યો છે.
એ છ યે છ વ્યાખ્યાનોનો મારે અનુવાદ કરવો હતો, પણ એકનો જ કરી શકેલો, ‘હળવાસ’નો. એ અનુવાદ સમેત પુસ્તક સમગ્રનો પરિચય કરાવતા મારા એ લેખનું શીર્ષક છે, ‘સદીને આરે, વળી દૃઢ થતી સાહિત્યશ્રદ્ધા’, જુઓ, “ખેવના – 42” જુલાઇ-ઑગસ્ટ, ૧૯૯૩. (‘એકત્ર ફાઉન્ડેશન’ પર “ખેવના” ઉપલબ્ધ છે.)
મને યાદ આવે છે કાલ્વિનોનું બીજું પુસ્તક, Marcovaldo, નાના કદની ૨૦ વાર્તાઓનો સંગ્રહ. એની વાત હવે પછી.
પ્રકરણ -5 : (સાર-સંક્ષેપ)
કથા અટકે છે, પરિસંવાદમાં બીજા વિદ્યાર્થીઓ જોડાય છે, તેઓ ‘ધ લૉઝ ઑફ માર્કેટ ઇકોનૉમી’ અને ‘કાસ્ટ્રેશન’ જેવા ટૉપિક્સ પર ચર્ચા શરૂ કરે છે. એમ જણાય છે કે કથા ચાલુ રાખવામાં ‘તમને’ (you) અને લુદ્મિલા સિવાય કોઈને રસ નથી. તમે લોતારિયાને પુસ્તકના શેષ ભાગ વિશે પૂછો છો, પણ લોતારિયા કહે છે કે એણે તમને મહિના સુધી ચાલે એટલી બધી ચર્ચા-સામગ્રી આપી તો દીધી છે ! કહે છે, બીજાં ડિપાર્ટમેન્ટ્સ શૅઅર કરી શકે એ માટે પુસ્તકને કાપવું કે ફાડવું પડે એમ હતું, જો કે પોતે તો પુસ્તકનો બેસ્ટ પાર્ટ બથાવી બેઠી છે.
પછીથી, ‘તમે’ (you) અને લુદ્મિલા મળેલાં, તમે બન્નેએ વિચારેલું કે તાજેતરમાં વાંચેલી નવલોમાંથી એકેયનો અન્ત જો શોધવો જ છે, તો સીધાં પ્રકાશનગૃહે જવું જોઈશે! પણ એ પછી, લુદ્મિલાએ તમને સૂચવેલું કે ત્યાં તમારે એકલાએ જવું ને આવીને એને (લુદ્મિલાને) બધું જણાવવું – તમે નિરાશ થઈ ગયેલા. લુદ્મિલા પાસે એના પોતાનો સિદ્ધાન્ત છે : એ માને છે કે કેટલાક લોકો પુસ્તકો લખે છે ને કેટલાક એ પુસ્તકોને વાંચે છે. અને એ એમ પણ માને છે કે પોતે હમેશાં વાચકોની સાઈડે રહેવા માગે છે.
‘તમે’ (you) (વાચક) પ્રકાશનગૃહે પ્હૉંચો છો ત્યારે ત્યાં એક લઘુ કદવાળો માણસ, મિસ્ટર કેવદગ્ના, હોય છે; એ એમ માની લે છે કે તમે સબમિટ કરેલી તમારી હસ્તપ્રતનું શું થયું એ જાણવા આવ્યા છો. એ તમને પ્રકાશનગૃહના અંદરના ભાગમાં દોરી જાય છે, તમે ચોતરફ જોતા રહો છો. એ સમયગાળાનાં પુસ્તકો વ્યક્તિઓએ નહીં લખેલાં, પણ જુદાં જુદાં જૂથોએ લખેલાં, જેમ કે, રાજકીય પક્ષોએ, પરિસંવાદોના સહભાગીઓએ, સંશોધન કરનારી ટીમોએ. છેવટે મિસ્ટર કેવદગ્નાને જણાવો છો કે તમે કોઇ લેખક નથી, માત્ર વાચક છો. સાંભળીને એ ખુશ થાય છે.
મિસ્ટર કેવદગ્ના સ્વીકારે છે કે પોતે બધાં જ પુસ્તકો જોઈ વળ્યો છે, પરન્તુ એને એકેય એવું નથી લાગ્યું જેને પોતે ખરેખરનું વાચન કહી શકે. મુશ્કેલી દૂર કરવા ‘તમે’ (you) (વાચક) વચ્ચે બોલી પડો છો કે તમે પોતે વાંચતા’તા એ પુસ્તકો તમે પૂરાં જ નથી કર્યાં, અધૂરાં છોડી દીધાં છે. મિસ્ટર કેવદગ્ના જણાવે છે કે એ વિશે પોતાને બધી જ ખબર છે.
‘તમે’ (you) અને મિસ્ટર કેવદગ્ના તાજેતરમાં વાંચેલાં પુસ્તકોના ફ્રૅગ્મેન્ટ્સની, શકલોની કે ટુકડાઓની, ચર્ચા કરવા લાગો છો. કમ્બ્રિયન લોકોના એક ટોળાએ સિમેરિયન સાહિત્યનો મોટો જથ્થો કબજે કર્યો છે, દેખીતું છે કે યુદ્ધના સમયમાં એવુંબધું બને. તમારા ધ્યાનમાં આવે છે કે ઍર્મિસ મારન નામના એક યુવકે “Without fear of wind or vertigo”-નો અનુવાદ કરેલો. એનો દાવો હતો કે પોતે સિમેરિયન જાણે છે પણ હકીકતે એને એનો એક ય શબ્દ આવડતો ન્હૉતો. સાર એ નીકળ્યો કે મારને બેલ્જિયન લેખક બર્ટ્રાન્ડ વન્ડરવેલ્ડની “Looks down in the gathering shadow” નવલનો અનુવાદ કરી પાડેલો, અને નવલ હતી ફ્રૅન્ચમાં !
મિસ્ટર કેવદગ્નાએ કરેલી દલીલો, જે હતી એ, પણ જેમ જેમ તમે (you) “Looks down in the gathering shadow”-નાં પાનાં ફેરવતા ગયા તેમ તેમ તમને સમજાયું કે તમે આગાઉ વાંચેલા એક પણ પુસ્તક સાથે એનો કશો ય મેળ નથી. પોતે કરેલી છેતરપિંડી કે પ્રપંચના બચાવ માટે ઍર્મિસ મારન મિસ્ટર કેવદગ્નાને નૉંધ લખી મોકલે છે કે – પુસ્તક પર છપાયેલા લેખકના નામનું કશું જ મહત્ત્વ નથી, કેટલીક મહાન કૃતિઓ અ-નામી હોય છે, કેટલાક મહાન લેખકોની કૃતિઓ ક્યારની ય પતી ગઈ હોય છે, અને કેટલાક સુખ્યાત લેખકોની કૃતિ બીજા અનેક લેખકોની કૃતિઓનો સમાસ કે સંગ્રહ હોય છે (દાખલા તરીકે, હોમર).
મિસ્ટર કેવદગ્ના તમને (you) કહે છે કે “Looks down in the gathering shadow”-ને અહીં ઑફિસમાં પડતી મૂકો, કેમ કે એ છેતરપિંડીના કેસનો મહત્ત્વનો પુરાવો છે. મિસ્ટર કેવદગ્નાને કશીક મહત્ત્વની પ્રકાશનવિષયક બાબત માટે કોઇકે બોલાવાયેલો. મિસ્ટર કેવદગ્ના જેવો નીકળે છે કે તરત તમે એ નવી નવલકથા વાંચવા માંડો છો.
કથક કોઈ જોજો નામની વ્યક્તિના દેહથી છૂટકારો મેળવવા મથે છે, પણ એનો દેહ એટલો બધો મોટો છે કે પ્લાસ્ટિકના એ મોટા કોથળામાં ય સમાતો નથી. બર્નાડેટ્ટ નામની સ્ત્રી એને બીજો કોથળો લાવવા કહે છે, જેથી માથા સમેતના દેહને ઘુસાડી દેવાય. પણ ત્યાં, એવા માપસરના કોથળા નથી, એટલે, એ લોકો માટે જોજો-ને બેઝમેન્ટમાંથી તાબડતોબ ખસડેવા સિવાયનો કોઈ ઇલાજ બચતો નથી.
છેવટે, કથક અને બર્નાડેટ્ટ નક્કી કરે છે કે જોજો-ને કારમાં લઈ જવો, એમ માનીને કે એ હજી જીવન્ત છે. બે સાઇકલ પર બે પોલીસ આવી લાગે છે, કથક અને બર્નાડેટ્ટ જૂઠ ચલાવે છે કે જોજો ચિક્કાર પીધેલ છે. પોતે જીવન્ત હોય તો ન કરે, છતાં, જોજો જરા ય નાખુશ થયા વિના એ જૂઠ ચાલવા દે છે, નહિતર એ વીગતો માગત ને ખાસ્સી ચિકાશ કરત. બાકી, વાત એમ છે કે કથક અને બર્નાડેટ્ટે જ જોજો-નું ખૂન કર્યું છે.
કથક વિચારી રહ્યો છે કે પોતે નવેસર જીવવા માંડે કેમ કે એને પોતાના અતીતનો ઘણો ભાર લાગે છે. એવા નવજીવનની પ્રક્રિયાનું પહેલું સોપાન? એ કે જોજો-ને બાળી મૂકવાની જગ્યા શોધવી. કથકના મગજમાં એ બધું ચાલતું’તું એટલે કારમાં પૅટ્રોલ ભરાવવાનું ભૂલી જાય છે. કથક અને બર્નાડેટ્ટ પૅટ્રોલ ભરાવીને ટૅન્ક ફુલ્લ કરી લે છે, જેથી પૅટ્રોલ જોજો-ને બાળવા કામ આવે.
કથક વળી વિમાસે છે કે પોતાના ભૂતકાળમાં એવું તે શું ઘટ્યું જેથી પોતે આ પરિસ્થતિમાં મુકાયો. જેવી કથક અને બર્નાડેટ્ટને ખબર પડેલી કે જોજો પૅરીસમાં છે, જોજો કથક કોણ છે એ હકીકત જાણે એ પહેલાં, એઓએ એના ખૂનનું ગોઠવી કાઢેલું. કથક પોતાના ભૂતકાળ વિશે બીજી અનેક વાર્તાઓ કરે છે. એ તમને કહે છે કે પોતે એમ ઇચ્છે છે કે પોતાના ભૂતકાળથી જેમ એ તરબોળ છે એમ ‘તમે’ (you) પણ થાવ. કથકના અનેક પાસપોર્ટ્સ પર એનાં અનેક નામ છે, પણ મોટા ભાગના લોકો એને ‘રૂડિ ધ સ્વિસ’-થી ઓળખે છે.
બર્નાડેટ્ટે કથકના ભૂતકાળમાં કશી યે ભૂમિકા ભજવી નથી, એને ખબર નથી કે ખૂન પૂર્વે કથક અને જોજો વચ્ચે શું બનેલું. કથક એમ માનતો’તો કે જોજો-એ એની સાથે પૈસાના મામલામાં લુચ્ચાઈ કરેલી, બર્નાડેટ્ટને એની યે જાણ નથી.
હાલ, વર્તમાનમાં, કારની પૅસેન્જર-સીટ પરથી બર્નાડેટ્ટ છૂટી થઈને કથકના ખૉળામાં બેસી જાય છે અને ગીયર ઘુમાવવા કહે છે, વળી, ચેતવે છે કે જોજો-ને મારવા તું (કથક) રૂમમાં ધસી આવીશ, તો કામક્રીડાની ચરમ સીમા ભોગવવામાં મને (બર્નાડેટ્ટને) ખલેલ પડશે.
કથક બર્નાડેટ્ટ આગળ સ્પષ્ટતા કરે છે કે જોજો-ને પોતે પોતાનાં કારણોસર માર્યો છે, જેને તારી સાથે (બર્નાડેટ્ટ સાથે) કશી લેવાદેવા નથી. બન્ને જણાં કારની બહાર નીકળે છે. જોજો-ને તેઓ એક ઇલેવેટર પર લઈ જાય છે. જોજો-ના શરીરને તેઓ છાપરેથી નીચે પધરાવી દેવા માગે છે, જેથી લાગે કે જોજો-એ ત્યાંથી આપઘાત કર્યો છે, અથવા એમ લાગે કે એ લૂંટફાટ કરવા માગતો’તો એ દરમ્યાન એનાથી ભૂલ થઈ ગઈ છે. જોજો-ને સાવ તુચ્છ ગણીને ક્યાંક પાછળ મૂકીને તેઓ એ કૃત્ય સમ્પન્ન કરે છે. પછી એમને થાય છે કે પ્લાસ્ટિકના કોથળાનો નિકાલ તો કરવો જોઈશે, કેમ કે એ મહા મોટો પુરાવો છે.
કથક અને બર્નાડેટ્ટ ઇલેવેટરથી જેવાં ગ્રાઉન્ડ ફ્લોર આવી જાય છે, ત્રણ માણસો એમને રોકે છે અને પૂછે છે કે કોથળામાં શું છે. કથકને આ માણસો બર્નાડેટ્ટના ઓળખીતા લાગે છે. કથક એમને કોથળો બતાવે છે, એને એમ કે અંદર કંઇ નથી, પણ, એ લોકોને એમાં ચામડાનો એક જોડો મળે છે, જે બિલકુલ કથકના જોડા જેવો છે.
તારણ :
૧ :
આ સમરી છે એટલે એમાં, ‘કથક કહે છે’ એમ નિર્દેશ વારંવાર આવે છે. એટલે અહીં કથક તો છે જ, છતાં, ખાસ તો આ પ્રકરણને સહારે કલ્પી શકાય છે કે લેખક અથવા સર્વજ્ઞ પણ હશે જે આ આખા કમઠાણનું સમગ્રપણે નિયન્ત્રણ કરી રહ્યો છે. આ તારણને બીજાં પ્રકરણોને જાણ્યા પછી વિકસાવી શકાશે કે સુધારી શકાશે.
૨ :
હવે સ્પષ્ટપણે સમજાશે કે કથામાં ‘તમે’ (you) સમ્બોધિત પુરુષ આ નવલનો વાચક છે. પ્રસંગોપાત્ત સૂચવી દે છે કે પોતે લેખક નથી પણ વાચક છે.
૩ :
પરન્તુ વાચક હોવા ઉપરાન્ત, એ લુદ્મિલા વગેરે પાત્રો સાથે જીવવા માંડ્યો છે અને પાત્ર બની ગયો છે. કેમ કે એ અન્યો સાથે વિચારે છે, વાતો કરે છે, અન્યોને સૂચવે છે, પ્રકાશનગૃહ વગેરે સ્થળોએ જાય છે, પરિસંવાદોમાં જાય છે, ચર્ચાઓ કરે છે. વગેરે.
૪ :
લુદ્મિલા અને લોતારિયાની અવારનવાર જોવા મળતી હાજરી સૂચવે છે કે તેઓ બન્ને પણ નવલકથાનાં પાત્રો છે અને હવે પછીના કથાપટમાં પણ જોવા મળશે. તેઓ પણ પુસ્તકોની વાચક છે.
૫ :
બર્નાડેટ્ટ યુવતીના સમ્બન્ધમાં મુકાયેલો કથક પણ આ નવલમાં એક પાત્ર છે. બર્નાડેટ્ટથી ભોગવાતો એ એક નૉંધપાત્ર પુરુષ છે, એને ભૂતકાળ છે, જોજો જેવો દુશ્મન છે, સંભવત: કથક ખૂની છે, અને એ કારણે એને એક વર્તમાન અને ભવિષ્ય પણ છે.
૬ :
આ પ્રકરણમાં, લેખકો, મહાન લેખકો, અનુવાદકો અને સર્વસામાન્ય વાચકોની મનોવૃત્તિ વગેરે પર આડકતરા પ્રહારો છે. એથી, સાહિત્યકલાની ખરેખરી સત્તા શું છે એ પરોક્ષપણે સૂચવાઈ જાય છે.
= = =
(05/06/24 : A’bad)
— 6 —
“If On a Winter’s Night a Traveler” વિશે — 6
નિવેદન – સુ૦
કાલ્વિનોની સૃષ્ટિ સાથે મારો નાતો જૂનો છે. મને યાદ આવે છે, એમનું બીજું પુસ્તક – “Marcovaldo”. આ નવલનું તેમ, ૨૦ નાના કદની આ વાર્તાઓનો અંગ્રેજી અનુવાદ પણ વિલિયમ વીવરે કર્યો છે – 1983.
માર્કોવાલ્ડો મુખ્ય પાત્ર છે ને લગભગ બધી વાર્તાઓમાં આવે છે. એ કશી આવડત વિનાનો ગરીબ શ્રમજીવી છે. એ સ્વપ્નસેવી છે અને શહેરી જીવન જીવવાની મથામણમાં છે, જો કે પ્રકૃતિપ્રેમી છે. પ્રકૃતિ અને નગરસભ્યતાના દ્વિવિધ વાતાવરણમાં ફસાયો છે, અને એને થાય છે કે છેવટે પોતે નગરમાં ખોવાઈ ગયો છે.
ગરીબી, નગરસભ્યતા, આધુનિક વિશ્વના પડકારો, ગ્રાહકવાદ અને પ્રકૃતિવિચ્છેદ જેવાં વિષયવસ્તુ વણી લેતી આ વાર્તાઓને પાંચ વિભાગમાં વહેંચી નાખવામાં આવી છે. પહેલા વિભાગમાં, વસન્ત, બીજામાં ગ્રીષ્મ, ત્રીજામાં પાનખર, ચોથામાં શિયાળો એમ પાંચેયમાં સમગ્ર ઋતુચક્ર નિરૂપાયું છે.
વીસમી સદીના, શીઘ્ર વિકસી રહેલા, એક ઇટાલિયન શહેરમાં માર્કોવાલ્ડો જે કંઈ કરે છે, કરવા જાય છે, એને ‘પરાક્રમ’ કહી શકાય. એથી હાસ્ય અને વિષાદ જનમે છે પણ આખી વાર્તાસૃષ્ટિ રસસૃષ્ટિરૂપે આસ્વાદ્ય બની છે.
ત્યારે હું મિત્રોને કહેતો કે દરેક સાહિત્યપ્રેમીએ અને ખાસ તો, ગ્રામ અને નગર અથવા લોકલ અને યુનિવર્સલ જેવા ધ્રુવોમાં ઝોલાં ખાતી માનસિકતાનો શિકાર બનેલા આપણે સૌએ આ વાર્તાઓ જાણવી અને માણવી જોઈએ.
એટલે, કોઈ કોઈ મિત્રો એ પુસ્તક લઈ જતા, પાછું આપી જતા, બીજા લઈ જતા, છેવટે ‘બઈ બઈ ચાળણી કિસ કે ઘર’ -વાળો ઘાટ થતો પણ છેલ્લે કોઈક બઇ આપી જતી.
એ “માર્કોવાલ્ડો”-ને બે દિવસ પર હોમલાઇબ્રેરીમાં બહુ શોધ્યું પણ ન મળ્યું. શું કરવાનું? મેં ‘ઍમેઝોન’ પાસે માગ્યું, મળી ગયું. આશ્ચર્યની વાત કે માત્ર રૂ. ૨૯૧-માં ! તમે પણ મંગાવો અને માણો.
પ્રકરણ -6 : (સાર-સંક્ષેપ)
તમે વાચન ચાલુ રાખવા માગો છો, પણ પુસ્તકનાં ફોટોકૉપિ કરેલાં પાનાં અહીં પૂરાં થાય છે. તમે કેવદગ્નાને બોલાવીને પૂછો છો કે “Looks down in the gathering shadow”-નો શેષ ભાગ ક્યાં છે, પણ એને એની ખબર નથી હોતી. જો કે, એ તમને જણાવે છે કે એર્મિસ મારન-નો શેષ ભાગ પોતે આર્કાઇવ્સમાંથી મેળવીને મોકલી આપશે. મારન સાઉથ અમેરિકાના કોઈ દૂરના ગામમાં રહીને લેખનકાર્ય કરતો હોય છે. ત્યાંથી એણે કેવદગ્નાને પ્રકાશન-વિષયક જાતભાતની બાબતો લખી મોકલેલી. એક એ કે – આઇરિશ લેખક સિલાસ ફ્લૅનરીકૃત “In a network of lines that enlace” નવલકથાનું તમારે પ્રકાશન કરવું, ઉમેરેલું કે નવલકથા ઘણી આશાસ્પદ છે.
સિલાસ ફ્લૅનરીકૃત “In a network of lines that enlace” નવલકથાનો એર્મિસ મારને અનુવાદ કર્યો હોય છે અને એ સંદર્ભે દુનિયાભરમાંથી પત્રો આવતા હોય છે. એમાંના કેટલાક પત્રો સમયના પ્રવાહનો ભંગ કરતા હતા કેમ કે ભવિષ્યમાં થનારા બનાવોની વાત એમાં વર્તમાનમાં કરવામાં આવેલી. અનુવાદમાં વિલમ્બનું કારણ મારન એ બતાવે છે કે ફ્લૅનરી પોતે સ્પિરિચ્યુઅલ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યા’તા, પોતાનું કામ એ કારણે ખોરંભાયા કરતું’તું.
એર્મિસ મારન પરના પત્રો એમ દર્શાવે છે કે દુનિયામાં ચાલી રહેલાં કાવતરાંનો એ ભોગ બન્યો છે. એક એવું કે સુલ્તાનની કથા-રસિયણ પત્ની સુલ્તાનાને અનુવાદો કરી આપવા માટે એને અરેબીઆ જવું પડ્યું છે. સુલ્તાનને સુલ્તાનાનો એ વાતે ડર છે કે વાચનમાંથી જેવી નવરી પડશે, એની સામે કશુંક કાવતરું ગોઠવશે. એ કારણે એર્મિસ મારન “1001 Arabian Nights”-થી પ્રેરાય છે અને નવલોના અનુવાદ શરૂ કરે છે, પણ વચ્ચે વચ્ચે એટલા માટે થંભી જાય છે કે સુલ્તાનાને રોકાયેલી રાખી શકાય.
તમે એર્મિસ મારનના પત્રોનું વાચન ચાલુ રાખો છો, અને તમને વિચાર આવે છે કે સુલ્તાના જેવી રહસ્યમય રમણીઓનું સિલાસ ફ્લૅનરી સાથે કંઈ-ને-કંઈ કનેક્શન જરૂર હોવું જોઈએ છે. સુલ્તાનાની જેમ એ રમણીઓ પણ પુસ્તકોની વાચકો છે. એટલે, તમને લુદ્મિલાના વિચારો આવે છે.
એર્મિસ મારન એક સંગઠનની સ્થાપના કરે છે. એમાં, બે સમ્પ્રદાયો છે : એક છે, પ્રકાશના, કહો કે, વિધેયક અભિગમ ધરાવતા પ્રબુદ્ધોનો અને બીજો છે, પડછાયાના, કહો કે, નિષેધક અભિગમ ધરાવતા શૂન્યવાદીઓનો. બન્ને સમ્પ્રદાયો વચ્ચે ખાસ્સો સંઘર્ષ શરૂ થાય છે અને દરેક સમ્પ્રદાયને એમ લાગે છે કે સિલાસ ફ્લૅનરીની આગામી નવલના પહેલા કબજેદાર પોતે બને, વળી, નવલમાં રજૂ થયેલા, વિશ્વ વિશેના મહત્ત્વના વિચારોનું વિવરણ પણ કરે.
તમે આ સંઘર્ષમાં એટલા બધા સંડોવાઈ જાવ છો કે જાતે જઈને મારનને પૂછવા માગો છો કે – ભાઇ, સાચો વૈચારિક પક્ષ તારી નવલના કયા ભાગમાં રજૂ થયો છે, એ કહે. મારને કેવદગ્નાને મોકલેલા ફ્લૅનરીની નવલના “In a network of lines that enlace” અનુવાદના વાચનથી તમારે એ જાણવું છે કે એ સાચો ફ્લૅનરી છે કે કોઈ બનાવટી ફ્લૅનરી.
તમે લુદ્મિલાને મળવા કાફેમાં જાઓ છો, એની રાહ જોવા દરમ્યાન “In a network of lines that enlace” વાંચવાનું શરૂ કરો છો.
કથક નવા પુસ્તકના વાચનથી ઉદ્ભવતી લાગણીને ટૅલિફોનની ફર્સ્ટ રિન્ગ સાંભળવાથી જનમતી લાગણી સાથે સરખાવે છે. કથક ફોનની રિન્ગ માટે હમેશાં આતુર રહેતો હોય છે, રિન્ગ બીજાંઓનાં ઘરમાં વાગે તો પણ એને થાય કે પોતાના ફોનમાં વાગી.
વર્ગમાં જતાં પહેલાં રોજ સવારે કથક જૉગિન્ગ કરે છે. મકાનો પાસેથી પસાર થતો હોય ને ફોન સંભળાય. ક્યારેક તો એને એમ લાગે કે ફોન એની પાછળ પડ્યા છે. બાકી, બધું શાન્ત હોય. એક દિવસ, એક ઘરમાં ફોન વાગ્યા કરતો હોય છે, કોઈ ઉઠાવતું નથી. દોડવાનું પડતું મૂકતાં પહેલાં, કથક એ ઘરની ચોમેર ચક્કર લગાવ્યા કરે છે.
બધાં ઘર પૂરાં ન થાય ત્યાં લગી કથક દોડતો રહે છે. જો કે સતત વાગતી ફોન-રિન્ગ ભૂલી શકતો નથી એટલે પાછો ફરીને પેલા ઘર સુધી પ્હૉંચીને ફોન ઉઠાવે છે અને સામી વ્યક્તિને કહે છે કે, ઘરમાં કોઈ નથી. પણ એ વ્યક્તિ સાંભળતી નથી, ઊલટું, કથકને એક સરનામું આપે છે, ઉમેરે છે કે કોઈ મર્જોરી નામની સ્ત્રીને બાંધી દેવામાં આવી છે, થોડા જ સમયમાં એ પોતાને મુક્ત કરી દેશે ખરી; પણ જો તમે (કથક) અરધો કલાકમાં મર્જોરીને જોવા નહીં જાવ, તો ઘર બળીને ભસમ્ થઈ ગયું હશે.
કથકને થાય છે, કાં તો પોલીસ બોલાવવી જોઇએ, કાં ફાયર-બ્રિગ્રેડને. પણ એને એ નથી સમજાતું કે ‘તમે ફોન ઉપાડ્યો જ શું કામ’ પ્રશ્નનો પોતે એ લોકોને શો ખુલાસો આપશે … એટલે, ભાગી જાય છે. એ જોકે ઇચ્છે છે કે મર્જોરીનું શુભ થાય.
કથક વિચારે છે કે પોતાની જાણમાં કોઈ મર્જોરી છે કે કેમ. છેવટે એને યાદ આવે છે કે હા, એક હતી પોતે શીખવતો’તો એ વર્ગમાં, મર્જોરી સ્ટબ્સ. વર્ગમાં એ એને જોતો રહેતો કેમ કે મર્જોરી આકર્ષક હતી. એટલે, થોડાંક પુસ્તકો આપવાના બહાને ઘરે બોલાવેલી પણ મર્જોરી સ્ટબ્સે ઇનકાર કરેલો, કેમ કે ઇરાદો પરખી ગયેલી. પરિણામે, કથકે મનોમન ઘણી લ્યાનત અનુભવેલી.
કથક દોડવાનું ચાલુ રાખે છે. કૅમ્પસમાં, કેટલીક છોકરીઓ એના વર્ગ ભણી જતી હોય છે. એક છોકરીને પૂછે છે કે મર્જોરી ક્યાં છે. છોકરી કહે છે, પોતે એને બે દિવસથી જોઈ નથી. કથક ફોન પર સાંભળેલા પેલા સરનામે તાબડતોબ પ્હૉંચી જાય છે. જુએ છે કે મર્જોરી સ્ટબ્સને સોફા સાથે બાંધી દેવાઈ છે ને મોંમાં ડૂચો ઘુસાડેલો છે. કથક એને મુક્ત કરે છે; પણ મર્જોરી સ્ટબ્સ એને ‘બાસ્ટર્ડ’ કહે છે.
તારણ :
૧ :
આ સમરી છે છતાં રસપ્રદ છે, મૂળ નવલ તો એકદમ રસપ્રદ છે.
૨ :
પુસ્તકો લખાય, વંચાય, એના અનુવાદો થાય, સંભવ છે કે વિશ્વમાં પ્રસરણેય થાય, પણ એ પછી શું? પુસ્તકોની નિયતિ વિશે આપણે વાચકો વિચારતા થઈ જઈએ છીએ.
૩ :
કથકનું એક પાત્ર તરીકેનું વર્તન અહીં એને અર્પાયેલી ક્રિયાઓને કારણે, ઍક્શન્સને કારણે, સુદૃઢ થયું છે – ફોનરિન્ગ્સને વિશેની એની આતુરતા, ઘાંઘાઇ; મર્જોરી સાથેની માનસિકતા અને અપમાનકારક પરિણામો.
૪ :
ઘણા નિર્દેશો એમ સૂચવે છે કે કથક અને કાલ્વિનો ‘તમે’ -youના મનના, એટલે કે સાહિત્યના સરેરાશ વાચકના મનના, પાકા જાણતલ છે અને તેથી કથાને એના મનોવિશ્વમાં વધુ ને વધુ સ્થિર કરતા ચાલે છે. એથી, ‘તમે’ -youના અસ્તિત્વ સાથે આ નવલના આપણામાંના ઘણા વાચકો સમાન્તરતા અનુભવે છે.
૫ :
એકંદરે હું એમ માનવાને પણ લલચાયો છું કે કાલ્વિનો સેકન્ડ પર્સનને પાત્ર રૂપે રજૂ કરીને ખીલવે છે, એમ તેઓ પોતાના નૅરેટરને પણ પાત્ર રૂપે રજૂ કરીને ખીલવે છે.
૬ :
તેમ છતાં, હું એમ કહું કે કઠપૂતળીઓ પાસે નિર્ધારિત ક્રિયાઓ કરાવતા કઠપૂતળી-કલાકારની જેમ કાલ્વિનો સંતાયેલા તો રહે છે, પણ મોટો ફર્ક એ છે કે પાછળ નહીં પણ તેઓ ઘણે દૂર સંતાયેલા રહે છે, એટલે બધે દૂર કે એ સ્થાનનો કશો અતોપતો નથી મળતો.
= = =
(05/08/24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર