ઇલા કાવ્યો : ભગિનીપ્રેમનું ઉપનિષદ

દીપક મહેતા
10-08-2014


ઇલા ! સ્મરે છે અહીં એક વેળા
આ ચોતરે આપણ બે રમેલાં;
દાદાજી વાતો કરતા નિરાંતે,
વહેલા જમીને અહીં રોજ રાતે.

આ પંક્તિઓથી શરૂ થતું ‘કલ્યાણ’ નામનું કાવ્ય જે કાવ્યસંગ્રહમાં પ્રગટ થયું હતું તે ‘ઇલા કાવ્યો’ ન વાંચ્યો કે જોયો હોય છતાં આ કાવ્યથી પૂરેપૂરા પરિચિત હોય એવા ઘણા બધા વયઃશ્રેષ્ઠીઓ આજે પણ ઘણા બધા જોવા મળશે. કારણ કેટલાં ય વર્ષો સુધી ચંદ્રવદન મહેતાનું આ કાવ્ય પાઠ્ય પુસ્તકોના એક અનિવાર્ય ભાગ જેવું બની ગયું હતું. આપણાં લોકગીતોમાં અને લોક કથાઓમાં ભાઈ-બહેનના સંબંધો અંગેનાં ઘણાં કાવ્યો અને કથા કાવ્યો જોવા મળે, પણ ઓગણીસમી સદીથી શરૂ થયેલા અર્વાચીન યુગના સાહિત્યમાં આજ સુધીમાં ભાઈ-બહેનના સંબંધ વિષે પ્રમાણમાં ઓછું લખાયું છે. તેમાં એક અપવાદ હોય તો ચંદ્રવદન મહેતાનો કાવ્ય સંગ્રહ ‘ઇલા કાવ્યો.’ બે-ત્રણ કાવ્યોને બાદ કરતાં તેમાંનાં બધાં કાવ્યોના કેન્દ્રમાં ભાઈ-બહેનનો સંબંધ રહ્યો છે. ૧૯૩૩માં પ્રગટ થયેલી આ પુસ્તકની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં ચંદ્રવદનભાઈ કહે છે : “મારી જીવંત મૂર્તિ ઇલાએ મારા જીવનમાં સજીવન કરેલા સંસ્કારના બદલામાં આ સંગ્રહના રૂપમાં વળતર – એનું તે શું પ્રમાણ? બહેનના એ નિર્મળ પવિત્ર નિઃસ્વાર્થ ભાવનો આ કેટલો નિર્બળ પડઘો! એને દીધેલા સંતાપ, એને ચીડવવાના કરેલા પાપનું આ કેટલું નિર્જીવ પ્રાયશ્ચિત્ત! ... પરંતુ અત્યારે સંતોષે એવું તો આ જ છે એક સ્મારક.”

અહી ‘સ્મારક’ શબ્દ નોંધ્યો? ભાઈ-બહેનના સંબંધનાં કાવ્યો ઇલા કાવ્યોમાં છે, પણ તેમાંનાં ઘણાખરાં બહેનના અવસાન પછી લખાયેલાં છે. એટલે વિશાદ, અવસાદ એ આ કાવ્યોનો મુખ્ય સૂર છે. કવિ ભૂતકાળનાં સ્મરણો વાગોળે છે તેમાં આનંદ-ઉલ્લાસ, મજાક-મશ્કરી, રિસામણાં-મનામણાં એ બધું છે જરૂર, પણ છેવટે સંભળાય છે તે તો કવિનો દઝાડતો નિઃશ્વાસ – તે હિ નો દિવસાઃ ગતાઃ. સંગ્રહનું પહેલું કાવ્ય છે ‘અર્પણ.’ તેની પહેલી બે પંક્તિઓ જુઓ :

પ્રિયમ્ – અહહ! નામ એ ન ઉચ્ચરાય હાવાં પૂરું,
અને હૃદયમાં ભર્યું પૂરણ, ઓસરે ના જરી.

પહેલી પંક્તિમાં બહેનનું નામ પણ પૂરું નથી ઉચ્ચારી શકતા કવિ, નામ બોલતાં ગળે ડૂમો બાઝે છે, કંઠ રૂંધાય છે. હૈયે તો સદાનું જડાયેલું છે એ નામ, પણ હોઠે નથી લાવી શકતા કવિ. પણ પોતાના શોક પર કાબૂ મેળવી શ્લોકની રચના ન કરી શકે તો એ કવિ શાનો? ચૌદ પંક્તિના સોનેટની છેલ્લી પંક્તિ સુધી પહોંચતાંમાં કવિ જાત પર અંકુશ મેળવી લે છે, અને કહે છે :

‘છો તૂટે ઉર પ્રિયંવદા! ઓ ઈલા!’

ચન્દ્રવદન મહેતાનો જન્મ ૧૯૦૧ના એપ્રિલની છઠ્ઠી તારીખે. ‘ઇલા કાવ્યો’ સંગ્રહ પ્રગટ થયો ૧૯૩૩માં. એટલે કે એ વખતે કવિની ઉંમર માંડ બત્રીસ વર્ષની. અને બહેનનું અવસાન તો તે પહેલાં થઈ ચૂક્યું છે. એટલે અહીં જે કાવ્યો સંગ્રહાયાં છે તેમાંનાં ઘણાંમાં કિશોર અવસ્થાના ભાવ, પ્રસંગ, વિચાર, તરંગ જોવા મળે છે. ‘દેવબાલ’ નામના કાવ્યમાં કવિ કહે છે :

ઇલા! કદિ હોત હું દેવબાલ!
તારા ભરી આપત એક થાળ,
એના વડે કૂકડી દાવ સાથે
બંને રમ્યાં હોત અહો નિરાંતે.

આવું, સપના જેવું, બાળપણ શું વીતી જશે? શું ક્યારેક મૃત્યુ પણ સામે આવીને ઊભું રહેશે? ‘ઓળખ’ નામના કાવ્યના આરંભે કવિ કહે છે :

કેવો મજેનો સુખી બાલ્યકાળ!
આ મસ્તી, તોફાન, જવું નિશાળ;
ઇલા! થશે શું અતિ દિવ્ય એવું
નિર્દોષ આ જીવન સ્વપ્ન જેવું?

અહીં મોટા ભાગનાં કાવ્યો ભાઈની બહેનને સંબોધીને થતી વાત રૂપે રજૂ થયાં છે, પણ ક્યારેક બહેનની ઉક્તિ રૂપે પણ જોવા મળે છે. જેમ કે :

આજે મને એક થઈ છ હોંશ,
તે ભાઈ તારો નકી જોઉં જોશ;
જન્મોત્રી તારી અહીં લાવ વારુ,
એમાં ગણીને કહું ભાવી તારું.

‘જન્મોત્રી’ નામના આ કાવ્યમાં પછી તો બહેન મજાકમાં આમ પણ કહે છે :

એથી મને જો કંઈ દાન થાય,
તો નક્કી આજે ગ્રહ શાંતિ થાય.

ગાંધી યુગના આપણા બે કવિઓ સુન્દરમ (૧૯૦૮) અને ઉમાશંકર (જન્મ ૧૯૧૧) કરતાં ઉંમરમાં અને કાવ્યલેખનની બાબતમાં પણ ચંદ્રવદન થોડાક આગળ. સુન્દરમને સહજ (ઉમાશંકરને કદાચ નહિ) એવી નિખાલસતાથી તેમણે શકવર્તી ગણાયેલા ગ્રંથ ‘અર્વાચીન કવિતા’માં કહ્યું છે : “જ્યારે ચંદ્રવદન મહેતાએ ‘યમલ’માં પૃથ્વી છંદનો ચોટદાર પ્રયોગ કર્યો ત્યારે સુંદરમને એ છંદનું જ્ઞાન ન હતું, અને સુન્દરમે જ્યારે ઠીક ઠીક કાબૂથી એ છંદ વાપરવા માંડ્યો ત્યારે ઉમાશંકર જોશી એ ‘પ્રભુત્વ’થી આશ્ચર્યમુગ્ધ થઈને પોતાની એવા છંદ લખવાની અશક્તિથી દિલગીર થયા હતા.” અલબત્ત, પછીથી કવિતા નહિ, પણ નાટક એ ચંદ્રવદનભાઈ માટે અભિવ્યક્તિનું મુખ્ય માધ્યમ બની રહ્યું. સુંદર, સ્વચ્છ, સુઘડ પુસ્તકોનું પ્રકાશન આપણી ભાષામાં છેલ્લાં વીસેક વર્ષમાં જ થવા લાગ્યું એવો ભ્રમ જેમને હોય તેમણે ઇલા કાવ્યોની ૧૯૩૩ની પહેલી આવૃત્તિની નકલ મળે તો જોવી. દરેક પાને કનુ દેસાઈનાં સુંદર રેખાંકનો સાથેની એ આવૃત્તિમાં સાદગીનો વૈભવ છે અને વૈભવની સાદગી છે.

ગાંધી યુગના આપણા બે લેખકો પૂરેપૂરા આખાબોલા અને કડવાબોલા. તેને કારણે વિવેચકો અને અભ્યાસીઓ તરફથી તેમને ખાસ્સું વેઠવું પડ્યું. તેમાંના એક ચંદ્રવદન, અને બીજા મનસુખલાલ ઝવેરી. એટલે ઇલા કાવ્યોને માથે પણ કેટલાકે પસ્તાળ પાડેલી. કોઈ કહે કે આ ઇલા સાચી છે કે ખોટી? કોઈ પૂછે કે ઇલા એક છે કે એક કરતાં વધારે? કોઈએ તો ત્યાં સુધી પણ કહી નાખ્યું કે આ કાવ્યોમાં ભાઈ-બહેનના પ્રેમની નહિ, સ્ત્રી-પુરુષના પ્રેમની ગંધ આવે છે. સંગ્રહની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં ચંદ્રવદનભાઈએ લખ્યું હતું : “ઇલા કલ્પિત નથી; જીવંત વ્યક્તિ છે. ઘણાના જીવનમાં ઘણી વ્યક્તિઓ વણાએલી હોય છે, એમ એ મારા જીવનમાં વણાએલી છે. વળી ઇલા એક નથી, ત્રણ છે. ત્રણમાંની બે મને મૂકીને ચાલી ગઈ.” છતાં, કવિની વાત માને તો એ વિવેચક શાના? જે ત્રણ વ્યક્તિઓને એકરૂપ કરીને કવિએ ‘ઇલા’ નામ આપ્યું છે તે ત્રણે વ્યક્તિઓને અંગત રીતે ઓળખનાર એક વયોવૃદ્ધ સાક્ષરે જાહેરમાં લખ્યું કે ઇલા કાલ્પનિક વ્યક્તિ છે. એટલે પછી ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં ત્રણ વ્યક્તિઓનાં નામ ચન્દ્રવદનભાઈએ જાહેર કર્યાં. હકીકતમાં કાવ્ય કૃતિનું સર્જન થઈ જાય તે પછી વાસ્તવિકતાની ભૂમિ સાથેનો તેનો સંબંધ જ કપાઈ જાય છે – જેમ બાળકનો માતા સાથેનો નાળ-સંબંધ જન્મ પછી કપાઈ જાય છે તેમ. એટલે ઇલા વાસ્તવિક કે કાલ્પનિક, ઇલા એક છે કે ત્રણ, ઇલામાં બહેન નજરે પડે છે કે પછી ... આવા સવાલો જ અસ્થાને છે. એક-બે દાખલાથી વાત સ્પષ્ટ થશે. પહેલી પત્નીના અવસાન પછી રામનારાયણ વિ. પાઠકે એક અદ્દભુત હૃદયસ્પર્શી સોનેટ લખ્યું – ‘ધમાલ ન કરો, જરી ન નેણ ભીનાં થશો’ એ પંક્તિથી શરૂ થતું. થોડા વખત પછી તેમણે બીજું લગ્ન કર્યું. પણ તેથી કાંઈ પેલા કાવ્યની હૃદયસ્પર્શીતા ઓછી થતી નથી. પરદેશી નાગરિક હોવાને કારણે અમદાવાદ છોડવું પડે એવી શક્યતા ઊભી થઈ ત્યારે આદિલ મન્સૂરીએ ‘નદીની રેતમાં રમતું નગર’વાળી કૃતિ રચી. થોડાં વર્ષો પછી તેઓ સ્વેચ્છાએ ભારત છોડી અમેરિકાવાસી થયા. પણ તેથી કાંઈ પેલી ગઝલનું દર્દ ઓછું થતું નથી.

આપણી કવિતામાં – અને ગદ્ય લખાણોમાં પણ – જે સંબંધની વાત ઘણી ઓછી થઈ છે તે ભાઈ-બહેનના સંબંધને ઉજાગર કરતાં આ કાવ્યો આજ સુધી અનોખાં રહ્યાં છે. ઇલા કાવ્યો એટલે રક્ષા બંધનને દિવસે તો અચૂક યાદ કરવા જેવું ભગિની-પ્રેમનું ઉપનિષદ.       

સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 10 અૉગસ્ટ 2014

Category :- Opinion Online / Literature