એક સુરતીએ મુંબઈમાં શરૂ કર્યું પહેલું ગુજરાતી છાપખાનું

દીપક મહેતા
25-07-2014

પહેલી ગુજરાતી જાહેર ખબર અને પહેલું ગુજરાતી પુસ્તક છપાયું બોમ્બે કુરિયર પ્રેસમાં પણ એ મુખ્યત્વે અંગ્રેજી અખબાર છાપતું પ્રેસ હોવાથી ગુજરાતી મુદ્રણ એ તેને માટે ગૌણ કે આનુષંગિક પ્રવૃત્તિ હતું. પણ માત્ર ગુજરાતી છાપકામ કરવા માટેનું પહેલવહેલું પ્રેસ શરૂ થયું ૧૮૧૨માં અને તે પણ મુંબઈમાં. એ શરૂ કરનાર હતા સુરતમાં જન્મેલા પારસી નબીરા ફરદુનજી મર્ઝબાનજી.

૧૭૮૭માં જન્મેલા ફરદુનજી એક લગ્નમાં હાજરી આપવા ૧૮૦૫માં પહેલીવાર સુરતથી મુંબઈ ગયા અને પછી પાછા સુરત ગયા જ નહીં. ૧૮૦૮માં તેમણે મુંબઈના કોટ વિસ્તારમાં બુક-બાઇન્ડિંગનો ધંધો શરૂ કર્યો. બોમ્બે કુરિયર પ્રેસમાં છપાતાં પુસ્તકોનું બાઇન્ડિંગ કામ પણ ફરદુનજી કરતા. બહેરામજીએ બનાવેલા ગુજરાતી ટાઇપ પણ કદાચ જોયા હોય. તેમને વિચાર આવ્યો કે માત્ર ગુજરાતી છાપકામ કરવા માટે એક છાપખાનું શરૂ કરવું જોઈએ. લાગવગ લગાડી કયાંકથી લાકડાનો એક દાબપ્રેસ મેળવ્યો. છાપકામ માટેનો બીજો જરૂરી સરંજામ પણ એકઠો કર્યો. પણ ખરી મુશ્કેલી હતી ગુજરાતી ટાઇપની. એ કયાંથી લાવવા ? બોમ્બે કુરિયર પ્રેસ પાસે હતા, પણ નવા ઊભા થતા હરીફને એ થોડા જ આપે ?

ફરદુનજીએ જાતમહેનત કરવાનું નકકી કર્યું : “પોતે જાતે પુષ્કળ પછાડા મારી ખુદ પોતાને હાથે ગૂજરાતી ટાઇપોનો એક સેટ તીખાં લોઢાં ઉપર કોતર્યો, પોતે જ તેની ત્રાંબાની તખ્તિઓ ઠોકી અને પોતે જ તેને સીસામાં ઓતી ટાઇપો પાડયા.” (કેકોબાદ બેહેરામજી મર્ઝબાન, ‘ફરદુનજી મર્ઝબાનજી ઃ ગૂજરાતી છાપાના સ્થાપક, એક ફિલસૂફ, એક સુધારક, એક કવિ.’ મુંબઇ ૧૮૯૮. ભાષા જોડણી મૂળ પ્રમાણે). ૧૮૧૨માં મુંબઈના કોટ વિસ્તારમાં જૂની માર્કેટની સામે આવેલા એક મકાનમાં ફરદુનજીએ પોતાનું છાપખાનું શરૂ કર્યું. એ પ્રેસને તેમણે કોઈ નામ આપ્યું જ નહોતું. પણ લોકો તેને ‘ગુજરાતી છાપોખાનો’ તરીકે ઓળખતાં.

૧૮૧૪ પહેલાં આ પ્રેસમાં છપાયેલું આજે કશું જોવા મળતું નથી, પણ બે વરસ સુધી કાંઈ ફરદુનજી હાથ જોડીને બેસી રહ્યા ન હોય. ૧૮૧૪માં આ પ્રેસમાં છપાયેલું સંવત ૧૮૭૧નું પંચાંગ જોવા મળે છે. ૧૮૧૫માં ફરદુનજીએ છાપેલાં બે પુસ્તક જોવા મળે છે. ૨૬મી ઑકટોબરે છપાયેલું ‘ફલાદીશ’ (જયોતિષશાસ્ત્ર પ્રમાણે ફળાદેશ આપતું પુસ્તક) અને ૨૫મી ડિસેમ્બરે છપાયેલું ‘દાબેસ્તાન’ (પુસ્તકના ટાઇટલ પેજ પર ફરદુનજી માત્ર પ્રકાશનની સાલ નહીં, તારીખ વાર પણ છાપતા.) તે પછી ઓછામાં ઓછાં બીજાં ૪૦ ગુજરાતી પુસ્તકો પણ તેમણે છાપ્યાં, જેમાનાં ૨૦ તેમણે પોતે ‘બનાવેલાં’ હતા. (લેખક, સંપાદક, અનુવાદકને બદલે ફરદુનજી પોતાને પુસ્તકના ‘બનાવનાર’ તરીકે ઓળખાવતા.)

પોતાનું છાપખાનું શરૂ કર્યા પછી દસ વર્ષે, ૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખે ફરદુનજી મર્ઝબાનજીએ પોતાનું છાપું ‘મુંબઈ સમાચાર’ શરૂ કર્યું. આજે હયાત હોય તેવાં છાપાંઓમાં ફરદુનજીએ શરૂ કરેલું આ છાપું આખા એશિયાનું જૂનામાં જૂનું છાપું છે, અને તેનું છાપખાનું ગુજરાતી છાપકામ કરતું જૂનામાં જૂનું છાપખાનું છે. મરાઠી ભાષાનું પહેલું છાપું ‘દર્પણ’ મુંબઈ સમાચાર પછી દસ વર્ષે ૧૮૩૨માં શરૂ થયું. અને તે દ્વિભાષી – મરાઠી અને અંગ્રેજી છાપું હતું. જ્યારે મુંબઈ સમાચાર કેવળ ગુજરાતી છાપું હતું.

અલબત્ત, કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓને કારણે ૧૮૩૨ના ઑગસ્ટની ૧૩મી તારીખના અંકથી ફરદુનજીએ મુંબઈ સમાચાર સાથેના સંબંધનો અંત આણવો પડયો અને ત્યારબાદ થોડા વખતે મુંબઈ છોડી કાયમ માટે તે વખતે પોર્તુગીઝ શાસન હેઠળ હતું તે દમણમાં વસવાટ કરવો પડયો. જો કે ત્યાં પણ તેમણે છાપખાનું શરૂ કરી ગુજરાતી પુસ્તકો છાપ્યાં. પછી પોતાના ત્રણ દીકરાઓને મુંબઈ મોકલી ત્યાં ૧૮૪૧માં નવું છાપખાનું શરૂ કરાવ્યું, જે પાછળથી દફતર આશકારા પ્રેસ તરીકે ઓળખાયું. તે પછી થોડા જ વખતમાં ૧૮૪૧ના માર્ચની ૨૩મીએ ફરદુનજીનું દમણમાં જ  અવસાન થયું.

(વધુ હવે પછી ક્યારેક)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 21 જુલાઈ 2014 

Category :- Opinion Online / Opinion