ભારતમાં ચા આવી ક્યારે … 
લાવ્યું કોણ …

વિજય જોશી
24-07-2014

ગયા વર્ષે અમે ચીન દેશના ૨૦ દિવસના પ્રવાસે ગયાં ત્યારે ૮૦૦ વર્ષ જૂના ચાના એક બગીચામાં અમને ચીનની ચા પીરસવાની (TEA CEREMONY) પ્રણાલિકા બતાવવામાં આવી. લીલી ચાને માટીની કીટલીમાં મૂકી પાણી સાથે ઉકાળવામાં આવી. પછી તેમાંથી ચા બાજુમાં કાઢી નાખીને પાણીને ફેંકી દેવામાં આવ્યું અને ફરી તાજા પાણીમાં ચાને ઉકાળવામાં આવી અને ત્યાર બાદ અમને ચા પીવા માટે આપી. બચેલી ચાની ભૂકી ફેંકી ન દેવાને બદલે દિવસમાં વધારે બે વખત એમાંથી ચા બનાવવામાં આવશે એમ કહેવામાં આવ્યું.

અમેરિકા પાછા ફર્યા પછી ચા વિષે વધારે સંશોધન કર્યું તે અહીં પ્રસ્તુત કરું છું.

ભારતમાં આજે ચા આખા દેશનું સર્વનું એટલું જાણીતું અને માનીતું પેય બનેલું છે એટલે ભારતમાં હંમેશાં પ્રાચીન કાળથી ચા પીવાતી હશે એવી માન્યતા થઈ શકે છે. પણ હકીકત તદ્દન જુદી છે. તો, ચાલો, આપણે ચાનો ઇતિહાસ સમજીએ.

ચાના ઇતિહાસની એના નામથી કરીએ. ચા અને અન્ય પેયો માટે ચીનમાં પ્રાચીન કાળમાં ચીની લીપીમાં t’u  લખવામાં આવતું ત્યાર બાદ ઇ.સ. પૂર્વે ૩૦૦માં ચા એટલે બધી પ્રખ્યાત થવા લાગી કે એના માટે Ch’a લખાવાની શરૂઆત થઈ. આજે પણ બેઇજિન્ગ વિસ્તારમાં ચીની ભાષમાં એનો ઉચ્ચાર ટાહ એવો થાય છે અને શાંઘાઈ વિસ્તારમાં ચા એવો ઉચ્ચાર કરવામાં આવે છે. ઇ.સ. પૂર્વમાં કન્ફ્યુસિઅસના વખતમાં ચા બહુ પ્રખ્યાત પેય હતું. હાન સામ્રાજ્ય અને ટાંગ સામ્રાજ્ય બંને રાજ્યો દરમ્યાન ચીનનું રાષ્ટ્રીય પેય હતું. આ કાળ વખતે રાજાને નજરાણામાં ચા આપવાની રૂઢી શરુ થઈ. તે વખતે ચાના પાંદડાંમાંથી ચાની ઇંટો બનાવી રાખવામાં આવતી અને જરૂરી પ્રમાણે ઈન્ટને વાટીને પાણીમાં ઉકાળીને જરૂરી પૂરતી ચા બનાવવામાં આવતી. દસમી સદીમાં સુંગ સામ્રાજ્ય વખતે લીલી ચાનો ઉપયોગ ચાલુ થયો. બુદ્ધ ધર્મી સાધુઓએ ચીનમાંથી જાપાનમાં ચાની ઓળખાણ કરાવી. તેરમી સદીમાં મોંગોલ રાજા કુબાલી ખાનના યુઆન સામ્રાજ્યમાં ચાનું આકર્ષણ ઓછું થયું. તે પછી મિંગ સામ્રાજ્યમાં ૧૪મી સદીમાં ફરીથી ચાની લોકપ્રિયતા વધવા લાગી અને કાળી ચા ઉકાળીને પીવાની શરૂઆત ચીનમાં શરુ થઈ. આજે પણ ચીન અને જાપાનમાં ચા તૈયાર કરવાની, પીરસવાની (આપવાની) અને પીવાની જુદી જુદી પદ્ધતિઓ (TEA CEREMONIES) સ્થાપિત થઈ છે.

પોર્ચુગીસ દેશમાંથી વાસ્કો ડી ગામા ૧૪૯૮માં કાલીકટ બંદર આવ્યો ત્યારે પહેલી વાર યુરોપના દેશોને ભારત અને ચીન આવવાનો દરિયાઈ માર્ગ પ્રાપ્ત થયો. ચીનમાંથી ચા લાવવાની શરૂઆત ડચ અને પોર્તુગીસ વેપારીઓએ ૧૭મી સદીમાં કરી. ચા અને મસાલાનો ધંધો એટલો બધો નફાનો હતો કે જયારે બ્રિટિશ અન્વેષક ફ્રાન્સીસ ડ્રેક એક જહાજ ભરીને પાછો આવ્યો ત્યારે એ જહાજની કિંમત રાણી એલીઝાબેથની આખા વર્ષની આવક કરતાં વધારે હતી! આ વેપારનો ફાયદો લેવા માટે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. અને ત્યાર પછી સ્પેનીશ, ફ્રેંચ વગેરે દેશોએ પણ ધંધા માટે વસાહતો ચાલુ કરી. શરૂઆતમાં ફક્ત ધંધો કરવાના હેતુથી આરંભ થયેલી આ કંપનીઓ ત્યાર બાદ રાજકીય સત્તા મેળવાની અભિલાષા કરવા લાગી અને અંતે બ્રિટિશ સામ્રાજ્યની ભારતમાં શરૂઆત થવા કારણભૂત બની.

પ્રથમ ડચ અને અંગ્રેજી લોકોએ અને પછી આખા યુરોપમાં ચાનું મહત્ત્વ વધવા લાગ્યું. ઈંગ્લંડના રાજા ચાર્લ્સ બીજાની સ્પેનીશ રાણી કેથ્રીને મહેલમાં અને ઉમરાવ વર્ગમાં ચા પીવાની પ્રથાની શરૂઆત કરી. લંડનના કોફી ગૃહોમાં હવે ચા પણ વેચવા લાગી. ઇ.સ. ૧૮૦૦માં બપોરનો ચા પીવાની શરૂઆત થઈ. સવારનું જમણ અને રાતનું જમણ આ બંને વચ્ચે બપોરે ચા અને બિસ્કીટ લેવાની અને એ બહાને સમાજિક રીતે એકત્ર થવાની શરૂઆત થઈ. તે જ વખતે બગીચામાં બેસીને ચા પીવાની રૂઢી સ્થાપિત થઈ. ૧૭મી સદીમાં અમેરિકાના ન્યુ એમ્સટરડેમ (અત્યારનું ન્યુ યોર્ક) વિસ્તારમાં ડચ કંપનીઓએ ચા લાવવાની શરૂઆત કરી અને ત્યારે બાદ જયારે આ વિસ્તાર બ્રિટિશ રાજ્યના હાથમાં ગયો ત્યારે તેનું નામે ન્યુ યોર્ક આપવામાં આવ્યું. અને આવી રીતે ન્યુ યોર્ક, બોસ્ટન વગેરે વિસ્તારોમાં ચા પીવાનું સર્વ સામાન્ય બન્યું. ઇ.સ. ૧૭૭૩માં ચાનો નવો કાયદો પસાર કરવામાં આવ્યો અને ચા ઉપર મોટા પ્રમાણમાં કર આયોજના કરવામાં આવી. અમેરિકન કોલોનીઓએ આનો સખત વિરોધ કર્યો. બોસ્ટન ગામમાં બોસ્ટન ચા પાર્ટીના નામે આંદોલન થયું અને ચા પીવાનું બંદ કરવાનું એલાન થયું. ૧૯૦૪માં જાગતિક પ્રદર્શનમાં શિકાગોમાં પહેલી વખત બરફ વાળી ઠંડી ચાની રજૂઆત કરવામાં આવી. અને ત્યાર બાદ અમેરિકન થોમસ સુલીવને ચાની બેગનો શોધ કર્યો.

ભારતમાં ચા આવી ક્યારે?

બ્રિટનમાં ચીનથી ચા લાવવામાં આવતી પણ એ વધુ ને વધુ અઘરું થવા માંડ્યું કારણકે ચીનના રાજાએ સોના સિવાય સોદો કરવાનો ઇન્કાર કર્યો. નેપોલિયન સાથેના યુદ્ધમાં તે વખતે ઇન્ગ્લંડનું બધું સોનું વાપરી ચુક્યું હતું. તે વખતે ઉત્તર ભારત(અત્યારનું પાકિસ્તાન)માંથી અફીણના જહાજો ભરીને ચીનમાં ગેરકાયદે ચોરી છુપીથી ચાના બદલામાં અફીણ વેચવાનું શરૂ કર્યું જેને “અફીણ યુદ્ધ” (OPIUM WAR) કહેવવામાં આવે છે.

જો કે આસામમાં જંગલી ચા જંગલોમાં હજારો વર્ષોથી ઊગતી હતી પણ ભારતમાં આસામમાં ઇ.સ. ૧૮૩૭માં બ્રિટિશ ઈસ્ત ઇન્ડિયા કંપનીએ ચીન થી ૮૦,૦૦૦ ચાના બી વાવીને ચાના બગીચાની શરૂઆત કરી. ૧૮૪૦માં આસામ ચા કંપનીએ મોટા પ્રમાણમાં ચાના બગીચાઓ શરૂ કર્યા. ૧૯૦૦ સાલમાં ચાનું મોટામાં મોટું ઉત્પાદન આસામમાં શરૂ થયું. અને ચા ભારતનું લોકપ્રિય પેય બની ગયું. આજે ચાનું ૭૦% ઉત્પાદન ભારતમાં વપરાઈ જાય છે. આજે ભારતના દરેક શહેરમાં ચાની રેકડીઓ જોવા મળે છે અને સવારનું છાપું અને ચા વગર દિવસની શરૂઆત થતી નથી.   

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion