ગુજરાત ઇતિહાસ-પુરાતત્ત્વ ગ્રન્થસૂચિ

દીપક મહેતા
09-07-2014

ગુજરાત ઇતિહાસ-પુરાતત્ત્વ ગ્રન્થસૂચિ / સં. હસમુખ વ્યાસ : રાજકોટ: પ્રવીણ પ્રકાશન, ૧ આવૃત્તિ, ૨૦૧૪ : ૨૦૮ પાનાં:   રૂ. ૨૦૦ 

આપણાં ઇતિહાસ અને સંસ્કૃિત બહુ પ્રાચીન અને સમૃદ્ધ છે એવાં બણગાં ફૂકવાં આપણને ગમે છે, પણ તેની જાળવણી માટે, તેના દસ્તાવેજીકરણ માટે કશું કરવાનું આપણને ભાગ્યે જ સૂઝે છે.

અરે, આ વિષયનાં જે સાધનો – જેમ કે પુસ્તકો – આપણી પાસે છે તેની વ્યવસ્થિત સૂચિ કરવાનું પણ આપણને ભાગ્યે જ સૂઝે છે. આથી જે થોડાઘણા – કે ઘણા થોડા – અભ્યાસીઓ છે તેમની મહેનત અને મુશ્કેલી ઘણી વધી જાય છે. પણ આવી ખોટ પૂરી કરવાનો કોઈ પ્રયાસ જોવા મળે ત્યારે હાશકારો થાય, કે ચાલો, આપણે ત્યાં હજી વિદ્યાપ્રીતિ સાવ મરી પરવારી નથી.

ગુજરાતનાં ઇતિહાસ, ભૂગોળ, જાતિઓ, કુળ, વંશ, જ્ઞાતિઓ, પ્રદેશો અને ઘટનાઓ, વ્યક્તિચિત્રો, સંસ્મરણો, સ્વાતંત્ર્ય સંગ્રામ, ધર્મ, લોકસંસ્કૃિત, પુરાતત્ત્વ, શિલ્પ-સ્થાપત્ય, લેખો, સિક્કા અને સંગ્રહાલયો જેવા વિષયો પરનાં ૧૧૧૧ પુસ્તકોની સૂચિ આ પુસ્તકમાં આપી છે તે આવાં કામોમાં રસ અને રૂચિ ધરાવનારાઓ માટે ઘણી ઉપયોગી થાય તેમ છે. ગુજરાતનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકાલયો, સંસ્થાઓ અને સંગ્રહાલયોમાંની સામગ્રીનો અહીં આધાર લેવાયો છે. પણ સૌથી મોટો અને મહત્ત્વનો આધાર તો લેખકને તેમના અંગત પુસ્તક-સંગ્રહનો મળ્યો છે. તેમનું આ અંગત પુસ્તકાલય અભ્યાસીઓને ઈર્ષા આવે એવું હોવું જોઈએ. મુખ્ય સૂચિ પછી અહીં કર્તાનામ અને ગ્રંથનામ  સૂચિઓ પણ આપી છે. પુસ્તક તૈયાર થઈ ગયા પછી મળેલી ૧૧ પુસ્તકો વિશેની માહિતી પણ છેલ્લે પરિશિષ્ટ રૂપે ઉમેરી લીધી છે.

આવાં કામો કરવાં, અને તે પણ એકલે હાથે, સરકારની કે કોઈ સંસ્થાની મદદ વગર કરવાં, એ કેટલું મુશ્કેલ છે એ તો માહીં પડ્યા હોય તે જ જાણે. વળી આ પુસ્તકના લેખક તો મુંબઈ-અમદાવાદમાં નહિ, પણ અમરેલીમાં વસે છે, જ્યાં આવાં કામો માટેનાં સાધનો ટાંચા જ હોવાનાં. આવાં કામ કરવાથી વ્યાપક પ્રમાણમાં યશ કે મોટા પ્રમાણમાં અર્થની પ્રાપ્તિ થાય એ તો આપણે ત્યાં શક્ય જ નથી. અરે, દર વર્ષે ઢગલાબંધ ઈનામો સારી-સાધારણ કૃતિઓને આપી દેતી આપણી સરકારી કે અન્ય સંસ્થાઓને આવાં કામો માટે પણ એકાદો પુરસ્કાર રાખવાની જરૂર જણાતી નથી. ત્યારે આવા એકલવીરો આપણી પાસે હોય એ જ મોટી વાત.

આવાં કામો ક્યારે ય સંપૂર્ણ ન હોઈ શકે. આ સૂચિ પણ નથી. એક તો આપણી પાસે પ્રકાશિત પુસ્તકોની સર્વગ્રાહી સૂચિ જ નથી. બીજું, ઘણાં પુસ્તકાલયો આવાં કામોમાં મદદરૂપ થવા માટે બહુ ઉત્સાહ ધરાવતાં હોતાં નથી. અા સૂચિના વ્યાપમાં સમાઈ શકે એવાં પુસ્તકો ૧૯મી સદીમાં ઘણાં બધાં પ્રગટ થયાં હતાં, પણ તેમાંથી પ્રમાણમાં ઓછાં અહીં જોવા મળે છે. કેટલાંક પુસ્તકોને એકને બદલે બીજા વિભાગમાં મૂકી શકાયાં હોત એમ પણ લાગે. જ્યાં પુસ્તકના નામ પરથી તેના વિષય-વસ્તુનો ખ્યાલ આવે તેમ ન હોય ત્યાં ‘એનોટેશન’ પણ બધે મૂકવાનું બની શક્યું નથી. સૂચિકરણમાં પણ બધે એકવાક્યતા જળવાઈ જ છે એમ કહેવું મુશ્કેલ છે. પણ આ બધી ઉણપો એવી છે કે બીજી આવૃત્તિમાં સહેલાઈથી સુધારી શકાય.

આ વાક્ય લખ્યા પછી તરત વિચાર આવ્યો કે આવાં પુસ્તકોની બીજી આવૃત્તિ આપણી ભાષામાં થાય? થાય તો ય ક્યારે? એના કરતાં આવી સૂચિઓને ડિજિટલ સ્વરૂપે ઈન્ટરનેટ દ્વારા સર્વસુલભ બનાવવી જોઈએ. કારણ આ સ્વરૂપમાં ગમે ત્યારે, ગમે તેટલા ફેરફાર બહુ ઓછી મહેનત અને ખર્ચે કરી શકાય છે. એ સૂચિનો ઉપયોગ કરનારાઓ પણ તેમાં સુધારા-વધારા સૂચવી શકે છે. આવાં પુસ્તકો તૈયાર કરાવવાનું આપણી સંસ્થાઓ ભલે ન કરે, તેને ડિજિટલ રૂપ આપવાનું કામ કરીને થોડું પુણ્ય તો કમાઈ શકે.

સૌજન્ય : ‘બુક માર્ક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 07 જુલાઈ 2014

Category :- Opinion Online / Opinion