ધારાવાહિક નવલકથાને ઊની આંચ નહિ આવે

દીપક મહેતા
01-07-2014

વીસમી સદીના પાંચમા દાયકામાં ધારાવાહિક નવલકથાને ડારનારાં અને ડામનારાં પરિબળો જોવા મળ્યાં, પણ તેની અસર પ્રમાણમાં મર્યાદિત રહી હતી. આપણા કોઈ અખબારે એ પ્રવાહમાં તણાઈને ધારાવાહિક નવલકથા પ્રગટ કરવાનું માંડી વાળ્યું હોય એવું બન્યું નથી. એટલું જ નહિ, પાંચમા અને છઠ્ઠા દાયકામાં શરૂ થયેલાં કેટલાંક સામયિકોએ પણ ધારાવાહિકના પ્રકાશનને અપનાવ્યું હતું. લેખક તરીકે જેમનું નામ જાણીતું થઇ ચૂક્યું હતું એવા વજુ કોટકે ૧૯૫૦માં ‘ચિત્રલેખા’ સાપ્તાહિક શરૂ કર્યું. તેમાં તેમની પોતાની નવલકથાઓ તેમણે ધારાવાહિક રૂપે પ્રગટ કરી. વજુભાઈની રમકડાં વહુ, જુવાન હૈયાં, ઘરની શોભા, ચૂંદડી ને ચોખા, હા કે ના, આંસુનાં તોરણ, માનવતાનો મહેરામણ, આંસુની આતશબાજી અને ડૉ. રોશનલાલ જેવી નવલકથાઓએ ‘ચિત્રલેખા’ને બહોળા વાચકવર્ગ સુધી પહોંચવામાં મદદ કરી, તો ચિત્રલેખાએ વજુભાઈની નવલકથાઓની લોકપ્રિયતામાં વધારો કર્યો. ૧૯૫૮માં વજુભાઈના અવસાન પછી બીજા નવલકથાકાર હરકિસન મહેતા ચિત્રલેખાના તંત્રીપદે આવ્યા. તેમની ‘જગ્ગા ડાકુના વેરનાં વળામણાં’ ચિત્રલેખામાં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ અને તે સાથે જ હરકિસનભાઈ અસાધારણ લોકપ્રિયતા ધરાવતા નવલકથાકાર બની ગયા, તો ચિત્રલેખાનો ફેલાવો પણ અનેકગણો વધી ગયો. અલબત્ત, પોતાની નવલકથાઓ છાપવાની સાથોસાથ તેમણે બીજા લેખકોની નવલકથાઓ પણ વખતોવખત પ્રગટ કરી. એટલું જ નહિ, કેટલાક લેખકો પાસે તો હરકિસનભાઈએ જ તેમની પહેલી નવલકથા લખાવી. ૧૯૯૮માં હરકિસનભાઈનું અવસાન થયા પછી નવા નવા નવલથાકારોની ખોજ ચિત્રલેખાએ ચાલુ રાખી છે. અને જેની નવલકથા પ્રગટ થાય તે જોતજોતામાં લોકપ્રિય લેખક બની જાય એવી લગભગ પરંપરા બની ગઈ છે.

તો ૧૯૬૦ના દાયકામાં બે માસિકો શરૂ થયાં જે સસ્તાં થયા વગર લોકો સુધી પહોંચવા તાગતાં હતાં. તેમાનું એક તે ‘નવનીત’ અને બીજું ‘સમર્પણ.’ કેટલાંક વર્ષો પછી આ બે માસિકો જોડાઈ ગયાં. ઘણાં વર્ષો સુધી બંગાળીની કેટલીક જાણીતી નવલકથાના ચંદ્રકાન્ત મહેતાએ કરેલા અનુવાદ સમર્પણ/ ‘નવનીત સમર્પણે’ પ્રગટ કર્યા. તો સાથોસાથ ધીરુબહેન પટેલથી માંડીને ધ્રુવ ભટ્ટ સુધીના લેખકોની નવલકથાઓ પણ તેણે પ્રગટ કરી છે. કનૈયાલા મુનશીએ મૂળ અંગ્રેજીમાં લખેલી ‘કૃષ્ણાવતાર’નો ગુજરાતી અનુવાદ પણ પહેલાં તેમાં જ પ્રગટ થયેલો. ધારાવાહિક નવલકથા એ ‘કુમાર’ માસિકનું નિયમિત અંગ ન હોવા છતાં તેણે ચંદ્રશંકર બૂચ ‘સુકાની’ની ‘દેવો ધાધલ’ જેવી સાગર-કથા પ્રગટ કરેલી. ૧૯૬૩માં શરૂ થયેલું ‘ગ્રંથ’ તો પુસ્તક-સમીક્ષાને વરેલું માસિક હતું, એટલે તેમાં ધારાવાહિક નવલકથાને અવકાશ ન હોય. પણ યશવંત દોશીએ આપણી ભાષાની તથા દેશ અને દુનિયાની બીજી કેટલીક ભાષાની ઉત્તમ નવલકથાઓના ‘ગ્રંથસાર’ તેમાં પ્રગટ કર્યા હતા. મુખ્યત્વે સાહિત્યને વરેલા એવા ‘પરબ’ કે ‘શબ્દસૃષ્ટિ’માં ધારાવાહિક નવલકથાનું પ્રકાશન ભાગ્યે જ જોવા મળે છે.

આજે કોઈ અંગ્રેજી કે મરાઠી અખબારમાં ધારાવાહિક નવલકથા પ્રગટ થતી જોવા મળે નહિ. પણ ગુજરાતી અખાબારોને તેના વગર ભાગ્યે જ ચાલે છે. કેટલાંક અખબાર તો અઠવાડિયામાં એક કરતાં વધુ ધારાવાહિક પ્રગટ કરે છે. લગ્નની વાડીઓમાં જેમ કેટરિંગની મોનોપોલી હોય છે તેમ કેટલીક વાર અમુક અખબારમાં કોઈ ચોક્કસ લેખકની ધારાવાહિકની મોનોપોલી જોવા મળે છે. તો કેટલીક વાર અગાઉ ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હોય, પછી પુસ્તક રૂપે પણ પ્રગટ થઈ હોય, અને લોકપ્રિય બની હોય, એવી નવલકથા અમુક અખબારો ફરી વાર ધારાવાહિક રૂપે પ્રગટ કરતાં પણ જોવા મળે છે. પુસ્તક પ્રકાશન સાથે જોડાયેલાઓ પણ ધારાવાહિક રૂપે પ્રગટ થયેલી નવલકથા પુસ્તક રૂપે છાપવા વધુ આતુર હોય છે એમ લેખકો અને પ્રકાશકો બંનેનું કહેવું છે.

આવી બાબતોમાં સર્વેક્ષણ કરવાનું તો આપણે ત્યાં કોઈને સૂઝતું જ નથી એટલે ધારાવાહિક નવલકથા પછીથી પુસ્તક રૂપે પ્રગટ થાય ત્યારે તેને વધારે કોણ વાંચે છે – જેમણે તેને ધારાવાહિક રૂપે વાંચી હોય તેવા વાચકો, કે તે રીતે ન વાંચી હોય તેવા વાચકો, એ કહેવું શક્ય નથી. પણ એક વાત ચોક્કસપણે કહી શકાય તેમ છે: બીજી ભાષાઓની સ્થિતિ જે હોય તે, પણ ગુજરાતીમાં તો હજી ઘણાં વર્ષો ધારાવાહિક નવલકથાને ઊની આંચ આવે એમ લાગતું નથી.

પ્રિય વાચક ! ધારાવાહિક નવલકથા ભલે ગમે તેટલી ઇષ્ટ કે મિષ્ટ હોય, તો ય તેનો અંત આવે એ તો અનિવાર્ય હોય છે. તે જ રીતે ધારાવાહિક નવલકથા વિશેના આ ધારાવાહિક લખાણનો પણ અંત આવે એ અનિવાર્ય છે. અને જે અનિવાર્ય છે તેને કોણ ટાળી શક્યું છે? શુભમ્ ભવતુ.   

સૌજન્ય : ‘ડાયરી, ‘અક્ષરની આરાધના’, સંપાદક : દીપક મહેતા, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2014

Category :- Opinion Online / Literature