વાઘ જો બકરી બને તો બકરી પણ વાઘ બનવા મથે જ !

રવીન્દ્ર પારેખ
24-06-2022

શિવાજીએ સુરત લૂંટેલું તો સુરતે શિવસેનાને લૂંટી હોય તેવો ઘાટ થયો છે. મહારાષ્ટ્ર સરકાર જો જાય અથવા તે ભા.જ.પ.નું પડખું સેવે તો એમાં સુરત નિમિત બન્યું એમ કહેવાશે. એક સમયે ગુજરાતમાં, ભા.જ.પ.માં બળવો કરવા કેટલાક ધારાસભ્યોને ખજુરાહો લઈ જવાયેલા, એ જ રીતે શિવસેના વિરુદ્ધ બળવો કરવા શિવસેનાના કેટલાક ધારાસભ્યોએ સુરત આવવાનું સ્વીકાર્યું છે. એ બતાવે છે કે કોઈક રીતે પણ ઇતિહાસને પુનરાવર્તન ગમે છે. આમ તો સત્તા પ્રજાના કલ્યાણ માટે મેળવાય છે એવું બહાનું એક સમયે આગળ કરાતું, પણ હવે સત્તા, ટકાવી રાખવા ને આત્મકલ્યાણ માટે મેળવાતી હોવાનું લાગે ને ખરી વાત બીજી હોય એમ પણ બને. આ બધાંમાં જો જનકલ્યાણ થઈ જાય તો તેને અકસ્માત જ ગણવાનો રહે.

શિવસેનાના એક પ્રખર કાર્યકર એકનાથ શિંદેએ, શિવસેનાના જ કેટલાક ધારાસભ્યોને પોતાની સાથે કરી લઈને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે બળવો પોકાર્યો છે ને મહારાષ્ટ્રની આઘાડી સરકારને હચમચાવી દીધી છે. ઉદ્ધવ ઠાકરેની સાથે તેમની શિવસેનાના પૂરતા ધારાસભ્યો રહ્યા નથી ને 55માંથી 42 જેટલા શિવસેનાના ધારાસભ્યો એકનાથ શિંદે સાથે વાયા સુરત આસામના ગુવાહાટી પહોંચ્યા છે. ટૂંકમાં, ઠાકરે સરકાર જોખમમાં આવી પડી છે. કયાં તો વિધાનસભાનું વિસર્જન થાય અથવા તો ભા.જ.પ. સાથે મળીને એકનાથ શિંદે સાથેના ધારાસભ્યો યુતિ સરકાર રચે એમ બને. જો ભા.જ.પ. સાથે સરકાર રચાય તો પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસ ફરી મુખ્ય મંત્રી બને અને એકનાથ શિંદે નાયબ મુખ્ય મંત્રી બને એમ બને. આમ તો ભા.જ.પ.ના દેવેન્દ્ર ફડનવીસના દોરી સંચારથી જ વાત આટલે સુધી આવી છે એમ પણ લાગે છે. તેનું એક કારણ એ પણ ખરું કે ફડનવીસ અને શિંદે એકબીજાની નજીક છે. એમ પણ મનાય છે કે દિલ્હી દરબારથી આનાં પાનાં ચીપાયાં છે ને ભા.જ.પ.ની આમ પણ કેન્દ્રીય નીતિ એ રહી છે કે જ્યાં પણ ભા.જ.પ. સિવાયની સરકારો છે ત્યાં તે ખસેડીને ભા.જ.પ.નો દાણો ચાંપી જોવો. એ જ ખેલ મહારાષ્ટ્રમાં પણ પડ્યો લાગે છે.

એ જે હોય તે, પણ અત્યારે તો ઉદ્ધવ ઠાકરે, પરિસ્થિતિને પામીને મુખ્ય મંત્રી પદ છોડવાનું મન બનાવીને  બેઠા છે. તેમણે એ વાત એકનાથ શિંદે સુધી પહોંચાડી છે ને અપેક્ષા રાખી છે કે આ ધારાસભ્યો પાછા ફરે. આનો પડઘો શિવસેનાના સાંસદોમાં પણ પડ્યો છે. આમ પણ ઠાકરેએ મહારાષ્ટ્ર પૂરતું જ શિવસેનાનું મહત્ત્વ સ્વીકાર્યું હોય તેમ કેન્દ્રમાં શિવસેનાની જમાવટ બાબતે ઓછી જ ચિંતા કરી છે. એને કારણે શિવસેનાના સાંસદો ઉદ્ધવ ઠાકરેથી નારાજ છે. તેમાં એકનાથ શિંદેએ માથું ઊંચક્યું એટલે તેમની નારાજગી ઠાકરે પ્રત્યે વધી છે. જો કે, સાંસદો કે ધારાસભ્યોમાંથી કોઈ શિવસેના છોડવા રાજી નથી. તેમની નારાજગી ઠાકરે સામે છે, શિવસેના સામે નહીં. આમ પણ પક્ષપલટાનો કાયદો છે એટલે કોઈ શિવસેનાને છોડીને બીજા પક્ષમાં જવા તૈયાર નથી. શિવસેનાની મજબૂત સંગઠન તરીકેની છાપ છે, તો સવાલ એ થાય કે શિવસેનાને શિવસેનાના જ ધારાસભ્યો જોખમમાં મૂકવાં તૈયાર કેમ થયા? એકનાથ શિંદે જેવા થાણેના રિક્ષાચાલકની પહોંચ ઉદ્ધવના ગળા સુધી કેમનીક વિસ્તરી? એવું ન હતું કે એકનાથ શિંદે પાસે મંત્રીપદું ન હતું. એકનાથ ઉદ્ધવની સરકારમાં મંત્રી હતા જ. ઉદ્ધવને એકનાથ સાથે બાપે માર્યા વેર પણ ન હતાં, એકનાથની શક્તિથી ઠાકરે પૂરેપૂરા પરિચિત હતા, બંને નજીક પણ હતા, છતાં એવું બન્યું કે એકનાથે જીવ પર આવી જઈને ઉધ્ધવ સામે જ મોરચો માંડ્યો.

એક સમયે એકનાથ શિંદે થાણેમાં રિક્ષા ફેરવતા હતા. શિવસેનાના તેજસ્વી ને પ્રખર નેતા આનંદ દીઘેની પ્રતિભાથી અંજાઈને એ શિવસેનામાં પ્રવેશે છે. દીકરા-દીકરી ડૂબી જતાં રાજકારણ છોડે છે ત્યારે દીઘે જ તેને પાછા લાવે છે. પછી તો દીઘેનું જ અકસ્માતમાં મૃત્યુ થાય છે ને એ રાજ્કીય વારસો એકનાથને મળે છે. દીઘેનું તેજ એટલું પ્રખર હતું કે બાળાસાહેબ ઠાકરેને પણ પોતાનું પદ જોખમમાં લાગેલું. દીઘેના મૃત્યુ પછી એકનાથ બાળાસાહેબથી પ્રભાવિત રહ્યા ને ચાર વખત વિધાનસભામાં પહોંચ્યા. એટલે રિક્ષા ફેરવવાથી માંડીને એકનાથને ધારાસભ્યો ફેરવવા સુધીનો અનુભવ હાથવગો થયો. વાત હવે ઉદ્ધવ સરકારની અનિશ્ચિતતા પર આવી છે ને એ એકનાથને કારણે બન્યું છે. એકનાથને એ ખબર છે કે માથું ઊંચકવાનું પરિણામ શું આવશે? વિધાનસભા ભંગ કરવી પડે એવી શક્યતાઓ નકારી શકાય નહીં. એ જુદી વાત છે કે રાજ્યપાલ વિધાનસભા ભંગ ન કરે ને યુતિ સરકારની શક્યતા પણ ચકાસી જુએ. ચૂંટણી યોજવાને આમ પણ બે વર્ષની વાર છે, ત્યાં રાજ્યપાલ ‘વિધાનસભા ભંગ’ જેવો નિર્ણય ન કરે એમ બને. એટલે લાગે છે તો એવું કે શિવસેનાના 42 અને અપક્ષના 7 મળીને 49 ધારાસભ્યોને સાથે રાખીને ભા.જ.પ. સાથે સરકાર રચાય. એકનાથ શિંદેએ રાજ્યપાલને એવો પત્ર પણ લખાવ્યો છે કે ભા.જ.પ. સાથેની યુતિથી સરકાર રચાય. પણ એ હવે ત્યારે જ શક્ય છે જો એકનાથ શિંદે ગુવાહાટીથી પરત થાય. એ આવે ને ભા.જ.પ. સાથે બહુમતની સ્થિતિ સર્જાય તો જ જુદું કૈં શક્ય છે. એવું થાય તો એકનાથ શિંદે પોતે મુખ્ય મંત્રી થાય એમ બને અથવા તો દેવેન્દ્ર ફડનવીસ મુખ્ય મંત્રી થાય અને એકનાથ શિંદે નાયબ મુખ્ય મંત્રી બને.

એવું ઘણાંને લાગે કે એકનાથ શિંદેએ મંત્રી થવા આખો ત્રાગડો રચ્યો છે, પણ એવું નથી. મંત્રીપદ તો હતું જ ને ઉદ્ધવ સાથે કોઈ હિસાબ પતાવવા આ કર્યું છે એવું પણ નથી. શિવસેના જે સિદ્ધાન્ત કે આદર્શોને કારણે શિવસેના બની તેનું સ્વરૂપ ઝાંખું પડી રહ્યું છે એવું લાગતા આ બળવો પોકારવાની શિંદેને ફરજ પડી છે. એ ખરું કે 2019માં યુતિ સરકાર રચાઇ ત્યારે મુખ્ય મંત્રીની રેસમાં એકનાથ શિંદેનું નામ મોખરે હતું. એવું લાગતું હતું કે શિંદે મુખ્ય મંત્રી બનશે ને ઉદ્ધવ શિવસેના પ્રમુખ રહીને સેનાની જવાબદારી સંભાળશે, પણ છેલ્લી ઘડીએ ઉદ્ધવ આગળ થઈ ગયા ને એકનાથને મહારાષ્ટ્રનું શહેરી વિકાસ ખાતું ફાળવાયું. આ પણ બળવાનું મુખ્ય કારણ નથી. કારણ છે હિન્દુત્વ. કોઈ માને કે ન માને, પણ શિવસેનાનું તો સૂત્ર જ હિન્દુત્વ રહ્યું છે. એટલે એ તો માને જ, પણ શિવસેના પણ માનવામાં ઢીલી પડે તો એ શિવસેના જ કેટલી રહે એ વિચારવાનું રહે.

શિવસેનાની સ્થાપના મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરેએ મરાઠી લોકોમાં પ્રચંડ હિન્દુત્વ જગાવવા કરી હતી. શિવસેનાની નીતિ રીતિ સામે મુંબઈગરાઓને કે અન્યોને વાંધા હોઈ શકે છે, એક સમયે આમચી મુંબઈને નામે મુંબઈમાં મરાઠી સિવાયની પ્રજાનો વાંધો પણ ઊઠવાયેલો, એમાં ગુજરાતીઓને પણ અન્યાય થયેલો ને હવે પછી પણ ત્યાં રહેનારા ગુજરાતીઓને થાય એમ બને, કારણ, મહારાષ્ટ્ર સરકારને હચમચાવવામાં સુરત નિમિત્ત થયું છે, પણ એટલું તો સ્પષ્ટ છે જ કે શિવસેનાનો વાઘ પ્રચંડ હિન્દુત્વને ત્રાડતો હતો. એ હિન્દુત્વનો મુદ્દો ગૌણ બની જતો એકનાથ શિંદેને લાગ્યો. એમ લાગવાનું કારણ, એન.સી.પી. અને કાઁગ્રેસ સાથે યુતિ સરકાર રચાઇ એમાં પડેલું છે. આ બંને પક્ષો સાથે માત્ર સરકાર રચવા જ જોડાવાનું બન્યું, બાકી આ બંને પક્ષોને હિન્દુત્વ જોડે પહેલેથી જ બહુ લેવાદેવા ન હતી. નથી. એ યુતિને કારણે સ્થિતિ એ સર્જાઇ કે હિન્દુત્વનો શિવસેનાનો મૂળ મુદ્દો જ ગૌણ થઈ ગયો. એમાં ઉદ્ધવ ઠાકરેનું હિન્દુત્વ સોફ્ટ પુરવાર થતું શિંદેને જણાયું ને એમણે ઉદ્ધવનું વારંવાર ધ્યાન પણ દોર્યું, પણ સત્તામાં રહેવા કે પોતાની ઢીલી માન્યતાને કારણે કદાચ, હિન્દુત્વની ગર્જના ઊઠી જ નહીં ! કાઁગ્રેસને અને એન.સી.પી.ને તો એ જ જોઈતું હતું. કાઁગ્રેસને તો હતું કે ઉદ્ધવ મુખ્ય મંત્રી બને તો જ ગઠબંધન કરવું, કારણ એના સોફ્ટ હિન્દુત્વની હવા ત્યારે પણ હતી. એનું પરિણામ એ આવ્યું કે શિવસેનાનું જોર ઘટતું ગયું ને એનો લાભ બીજા પક્ષો લેતા થયા. આ બધું એકનાથ અને અન્ય શિવ સૈનિકોને પચાવવાનું ભારે થઈ પડ્યું. જો શિવસેનાનો અવાજ બુલંદ કરવો હોય તો એ કાઁગ્રેસ સાથે રહેવાથી શક્ય ન હતું. એટલે કાઁગ્રેસ કે એન.સી.પી. સાથે રહેવાય કે ન રહેવાય, પણ શિવસેના રહે એ માટે પણ શિવસેનાની સામે જ શિવસેનાએ અવાજ ઉઠાવવો પડયો. એ કામ એકનાથ શિંદેએ કરવાનું આવ્યું.

એટલે જે ધારાસભ્યો ઉદ્ધવના હિન્દુત્વ બાબતના નરમ વલણથી સંતુષ્ટ ન હતા તેમણે શિંદેની સાથે જવાનું સ્વીકાર્યું ને એવા ધારાસભ્યો અપક્ષ સાથે 49 થયા. ઉદ્ધવ સાથે 55માંથી 13 જ ધારાસભ્યો રહેતાં મુખ્ય મંત્રી પદ છોડવું પડે એ નોબત આવી. ઉદ્ધવે પણ તેનાં સૌ સમર્થકોને ને શિવસેનાના પદાધિકારીઓને ‘માતોશ્રી’માં ભેગા થવાનો આદેશ આપ્યો છે જેથી આગળની રણનીતિ નક્કી થઈ શકે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ એકનાથ શિંદેને કહેણ મોકલ્યું છે કે શિવસેના, કાઁગ્રેસ અને એન.સી.પી. સાથેનું ગઠબંધન તોડવા તૈયાર છે, પણ એકવાર આવીને શિંદે, ઉદ્ધવ સાથે વાત કરે. કાઁગ્રેસે જોયું કે ગઠબંધન કદાચ તૂટે ને બીજો મુખ્ય મંત્રી આવે તો તેણે સ્ટેન્ડ બદલ્યું કે કાઁગ્રેસ રહેતી હોય ને મુખ્ય મંત્રી બદલાતો હોય તો તેને ઉદ્ધવ બદલાય તો પણ વાંધો નથી. આ એ જ કાઁગ્રેસ છે જે કહેતી હતી કે ઉદ્ધવ મુખ્ય મંત્રી બને તો જ તે ગઠબંધન કરવા તૈયાર છે. ઠીક છે, કાઁગ્રસ આવું ન કરે તો આઘાત લાગે.

એમ લાગે છે કે ગઠબંધન તૂટશે. ભા.જ.પ. પણ તેના દાવમાં સફળ થશે ને તે મુખ્ય મંત્રી એ જ રાખે અથવા બદલે એમ બને. પણ, આમાં એકનાથ શિંદે નાયબ મુખ્ય મંત્રી બને એવી શક્યતાઓ વધારે છે. શરદ પવારે તો એકનાથને જ મુખ્ય મંત્રી બનાવવાની વાત કરી છે. તો, આ છે સ્થિતિ. હિન્દુત્વનો મુદ્દો મોળો પડતા એકનાથે જે અવાજ ઉઠાવ્યો, તે હેતુ ફળતો દેખાય છે. એમાં કોનો ઘડો લાડવો થાય છે ને એકનાથ, એક અનાથ તો નથી થતાને તે જોવાનું રહે. આ બધાંમાં પ્રજાનું કોઈને સપનું પણ પડે એવું લાગે છે? હવે રાજકારણ જ મુખ્ય છે. કાવાદાવા, દાવપેચમાંથી કોઈ પરવારે તો પ્રજા યાદ આવેને ! જોઈએ, કાલ કેવી ઊગે છે તે -

000

e.mail : [email protected]

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 જૂન 2022

Category :- Opinion / Opinion