જોઈ લ્યો ..

સંધ્યા ભટ્ટ
23-06-2022

ચોતરફ ચાલ્યા કરે છે કોઈ નાટક, જોઈ લ્યો
આ નથી અવસર પરંતુ ઘોર પાતક, જોઈ લ્યો

પાદપ્રક્ષાલન કે ધ્વજ ફરકાવવાના કર્મકાંડ
આંખ ફાડીને ઊભી જનતા અવાચક, જોઈ લ્યો

ફૂટતી સરકાર કો ગુમડાની માફક ગોબરી
ઠેકઠેકાણે પડ્યા છે ઘાવ બાધક, જોઈ લ્યો

મૂળથી તે ટોચ લગ વ્યાપી ગયો છે જે સડો
વૈદ્ય સૌ ચાલી ગયા, આવ્યા પ્રચારક, જોઈ લ્યો

સાવ ભોળા બાપડા ને લાગણીશીલ આપણે
કે હવે બનવાનું છે થોડા વિચારક, જોઈ લ્યો

એક નીરો આગ વખતે મગ્ન ખુદના મોહમાં
બિનસલામત આ યુવાનો, ક્યાં છે શાસક ?? જોઈ લ્યો ..

Category :- Poetry / Poetry