મન્તવ્ય-જ્યોત—16

સુમન શાહ
23-06-2022

જ્યોત ૧૬ : તન્ત્રીય નિર્ણય - ઍડિટોરિયલ ડિસિશન :

અંગ્રેજીમાં શબ્દ છે, ‘ઍડિટર’. એના સાથીને ‘કોઍડિટર’ કહેવાય છે. એમનું કામ ઍડિટોરિયલ ડિસિશન લેવું તે છે - એટલે કે, લેખકો તરફથી મળેલાં લખાણો વિશે સ્વીકાર્ય કે અસ્વીકાર્યના નિર્ણય કરવા. પ્રકાશનયોગ્ય લાગે તે લખાણને સુધારવામાં આવે, કાપકૂપ થાય અને છેલ્લે લેખકને જણાવાય. ફર્સ્ટ ડિસિશન હોય, સૅકન્ડ ડિસિશન પણ હોય; ઍડિટરે ઘણો શ્રમ લેવાનો હોય છે.

આપણે ત્યાં ઍડિટર = તન્ત્રી હોય, પણ કોઍડિટર = સહતન્ત્રી ન હોય; તેને સ્થાને ‘તન્ત્રી’ જોડે ‘સમ્પાદક’ હોય. ઘણે ભાગે હવે તો ‘સમ્પાદક’ જ બચ્યો છે, ‘તન્ત્રી’ અદૃશ્ય થવા લાગ્યો છે.

એક એવી વણ-લિખિત સમજ પ્રવર્તતી હતી અને હજી પ્રવર્તે છે કે લેખકો તરફથી મળેલી સામગ્રીને સમ્પાદક એકઠી કરે, સુધારે, વગેરે તન્ત્રીનું જ કામ કરે; તે પછી તન્ત્રી એ પર ‘નજર નાખી જાય’ ને છપાવા મોકલી આપે.

પરન્તુ, સમ્પાદકે યોગ્ય ગણેલી કૃતિને તન્ત્રી યોગ્ય ન ગણે તો? ત્યારે બન્ને વચ્ચે શું થતું હશે? કૃતિની સાહિત્યિક ગુણવત્તા વિશે સ્વચ્છ ચર્ચા થતી હશે? ભલે, છોડો; એને રસોડાની વાત ગણીને બાજુએ મૂકીએ.

પણ આપણા લેખકસમાજને તેમ જ વાચકસમાજને એ ખબર નથી પડતી કે લખાણને પ્રકાશન-યોગ્ય ગણવાનો અન્તિમ નિર્ણય એ બે-માંથી કોણે લીધો.

કેમ કે છેવટે તો અન્તિમ નિર્ણય જ મહત્ત્વનો ગણાય. કેમ કે અન્તિમ નિર્ણયની અસર સમગ્ર પરિદૃશ્ય પર થવાની, જાણવા મળે કે - શું અને કેવું લખાઈ રહ્યું છે - નવી કલમો આવું આવું લખે છે - નીવડેલા લેખકો એવું ને એવું લખે છે, સાહિત્યની દશા અને દિશા આવી છે. વગેરે વગેરેની સૌને ઝાંખી થાય.

હું આપણાં સામયિકોને પ્રસૂતિગૃહ ગણું છું. મોટાભાગનાં લેખનો પહેલી વાર સામયિકોમાં જન્મે છે અને તે પછી આપણા લેખકો એને પુસ્તકાકારે પ્રકાશિત કરે છે. યાદ કરો, ‘વસંત’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘ફારબસ ત્રૈમાસિક’, ’સંસ્કૃતિ’, ‘વિશ્વમાનવ’, ‘ક્ષિતિજ’, ‘ખેવના’, 'સન્ધિ' ‘એતદ્’, 'તથાપિ', (પહેલાંનું) 'ઓપિનિયન', વગેરે વગેરે.

આપણે બરાબર સમજી લેવાની જરૂરત છે કે સાહિત્યપદાર્થના પ્રસવ પરત્વે તન્ત્રીની ભૂમિકા શી છે અને તે કેટલી મોટી જવાબદારીનું કામ છે.

સમજીએ : એક જ વ્યક્તિ ‘તન્ત્રી’ હોય એવું બહુ ઓછી વાર જોવા મળ્યું છે. ‘તન્ત્રી’ સાથે ‘સમ્પાદક’ બરાબર, પણ ત્રણ-ત્રણ સમ્પાદકો ય હોય છે. એ ત્રણની સજજ્તા વગેરે વીગતોને ધ્યાનથી તપાસતાં લાગશે કે એ જોગવાઈ તન્ત્રીકાર્યની જરૂરતે કરીને નથી એટલી વધારે તો શોભાની છે; ભૈબંધોને ખુશ રાખવા માટે પણ છે.

કહે છે, એક સામયિકના તન્ત્રીએ તો ‘સહાયક સમ્પાદક’ અને શી યે જરૂરત હશે તે ‘સહ-સહાયક સમ્પાદક’ નામની અતિ વધારાની વ્યવસ્થા ઊભી કરેલી. ‘સહ-સહાયક સમ્પાદક’ જેવું વિશિષ્ટ પદ સાંભળીને પેલો કદાચ હરખાઈ તો ગયેલો, પણ પૂછેલું : મારે શું કરવાનું? : તારે આ કવરો પર ટિકિટો ચૉંટાડવાની ને અંકો પોસ્ટઑફિસે પ્હૉંચાડવાના : પેલો શું બોલે?

સાહિત્યનો ઇતિહાસ જેવાં ગ્રન્થપ્રકાશનોના તન્ત્રીકાર્યમાં તો ૧૨-૧૨ સભ્યોનું ‘માર્ગદર્શક મંડળ’ જોવા મળ્યું છે. ૩-૩ ‘સમ્પાદકો’ નિમાયા હોય, ‘સહાયક-સમ્પાદક’ હોય, ‘પરામર્શક’ હોય, છતાં, છેવટે ‘શોધન-સંશોધન’ કરાવવું પડે ! એ તે કેવું માર્ગદર્શન? કેવુંક સમ્પાદન? કેવુંક પરામર્શન? અને શોધન-સંશોધન એક જ વ્યક્તિ કરે તે વખતે સમિતિ નહીં એવું કેમ?

મને સવાલ થયેલો કે સમ્પાદકો માર્ગદર્શક મંડળ જોડે અને માર્ગદર્શકો સમ્પાદકો જોડે અવારનવાર વિચારવિમર્શ કરતા હશે ખરા કે પછી સમ્પાદકોના નામની ભલામણ કરીને માર્ગદર્શકો છૂટી જતા હશે -? દિવંગતો વિશે મન ફાવે તે કદનાં સમ-વિષમ પ્રકરણો અને સાલની ભૂલો ભરેલા ‘ઇતિહાસ’ ગ્રન્થને શ્રદ્ધેય શી રીતે ગણવો? હું પોતે એકબે વાર સાલ બાબતે ભરમાઈ ગયેલો. આટલાં બધાં મસ્તક જોડાયાં હોય તો પણ સંગીન કામ જોવા ન મળે તો એ નામો શોભાનાં છે એમ માનવામાં ખોટું શું છે?

આપણે ત્યાંના તન્ત્રીકાર્યોની ડિઝાઇન તપાસીશું તો સમજાશે કે એમાં મોટાં મનાયેલાં નામોને અમસ્તાં જ જોડી દીધાં છે, સમજાશે કે કામ તો નાનાઓ જ કરતા હોય છે ! એમ પણ સમજાશે કે તન્ત્રી-સમ્પાદકના સમ્બન્ધમાં હાયરાર્કિ પ્રવર્તે છે - તન્ત્રી ઊંચો, સમ્પાદક નીચો. સમ્પાદકની પસંદગી પણ વયમાં એ નાનો હોય, શિખાઉ હોય, એ ધોરણે થતી હોય છે. સમ્પાદક તન્ત્રીથી મોટો હોય એવું મેં હજી લગીમાં તો જોયું નથી. ૧૮-૧૮ વર્ષ સુધી સમ્પાદક તરીકે નિ:શુલ્ક સેવાઓ આપી હોય એ વ્યક્તિ નિવૃત્ત થાય ત્યારે એના બહુમાન માટે નાનો સરખો જાહેર મેળાવડો પણ ન કરાય એની પાછળ શું હોય - મફતની મોટાઈ કે કંઈ બીજું?

એમ માનીએ કે તન્ત્રી અને સમ્પાદક બન્ને જણાએ સાથે બેસીને નિર્ણય લીધો છે. પણ તકલીફ ત્યારે ઊભી થાય છે કે સૅટ હાયરાર્કિને કારણે તન્ત્રી સમ્પાદકથી હમ્મેશને માટે પોતાને ચડિયાતો માનતો થઈ ગયો હોય છે. એ કારણે ઘણી વાર એનો હુંકાર ભાગ ભજવતો હોય છે. દાખલા તરીકે, સમ્પાદકે અમુક લેખકની કૃતિ સ્વીકારી હોય, તો તન્ત્રી એને ડોળો બતાવે - એ તો આપણા ટીકાકાર છે, એમનું નહીં છાપવાનું. પેલાએ તો કરી હોય સમીક્ષા; એવા સારા અર્થમાં ટીકા કે ગુણોની ટિપ્પણી કરવા જતાં મળી આવેલી બે મર્યાદાઓની વાત; પરન્તુ ટીકા = નિન્દા ન કરી હોય ! શું કરવાનું?

આપણાં સામયિકોનો ઇતિહાસ તપાસીશું તો જણાશે કે નામના અને મોટાભા તન્ત્રીઓની ઉદાસીનતાને કારણે તન્ત્રીપદ ક્રમશ: નાબૂદ થઈ ગયું છે ! સાથોસાથ, એવી સમજ ઘુસાડવામાં આવી કે કાગળ, છપાઈ, ટપાલ વગેરે બાબતોને માટેનાં કામો સંભાળે, એ બધાંના હિસાબકિતાબનું તન્ત્ર સંભાળે, તે તન્ત્રી ! 

પરિણામે, ધીમે ધીમે સમ્પાદકો જ ઍડિટિન્ગનું કામ કરવા લાગ્યા છે. એ નવતર પ્રથા આજે તો સુ-સ્થિર થઈ ગઈ છે. પરન્તુ, તન્ત્રીલેખ લખવો અનિવાર્ય છે એમ એ નવીનોમાંના બહુ ઓછા સમજે છે. અંક વ્યાકરણ અને જોડણી બાબતે શુદ્ધ હોવો જોઈએ એમ જાણવા છતાં એ વિશે બેપરવાઈ સેવાય છે. ભૂલો માટે માત્ર પ્રૂફરીડરને દોષી મનાય છે. કાલે સવારે પ્રિન્ટરને દોષી ગણે કે વાચકને કહે કે બધું સુધારીને વાંચી લેજો, તો નવાઈ નહીં.

એક જમાનો હતો, જ્યારે તન્ત્રીઓ પોસ્ટકાર્ડથી જવાબ અચૂક આપતા'તા; જવાબમાં આભારવચન તો હોય જ; આપણું જે અંકમાં છપાયું હોય એ અંક મોકલતા'તા; ૩થી ૫ ઑફપ્રિન્ટ્સ મોકલતા'તા; પ્રતીક પુરસ્કારનું મનિ-ઑર્ડર આવતું’તું...

સાર એ કે તન્ત્રીય નિર્ણયના સંકેતાર્થનું ધોવાણ થઈ ગયું છે - કૉનોટેશન ઑફ ધ ફ્રેઝ ‘ઍડિટોરિયલ ડિસિશન’ ઇઝ વૉશ્ડ આઉટ ! તન્ત્રીની વિદ્વત્તા અને તેથી ઊભો થતો પ્રભાવ ભાગ્યે જ જોવા મળે છે. દુ:ખદ પરિણામ એ છે કે કચરાજેવું વધુ છપાય છે ને તે જોઇને કચરાજેવું વધુ ને વધુ લખાય છે. કલા બાબતે ઉચિત-અનુચિતનો વિવેક ભુંસાઈ ગયો છે. એટલું જ નહીં, અભદ્ર રીતભાતો શરૂ થઈ ગઈ છે - જેમ કે, કહે છે કે અમુક સમ્પાદકો સ્ત્રી-લેખકોની કૃતિઓ પહેલી છાપે છે, કાચીપાકી હોય તો પણ ચલાવી લે છે, કેમ કે કશી સાહિત્યેતર લાલચથી સામેથી ચાહીને મંગાવી હોય છે. પુરુષલેખકોને દિવસો લગી ઉત્તર પણ નથી મળતા.

આ બધું ક્યાં લઈ જશે ને સાહિત્યકલા માગે છે એ ગામ્ભીર્યનું શું થશે?

આજે ભાગ્યે જ કોઈ સાહિત્યકાર એમ કહેવાની હિમ્મત કરે છે કે એ તન્ત્રી / સમ્પાદક તો નામના જ છે અને એથી તન્ત્રી / સમ્પાદકના પદની ગરિમાને હાણ પ્હૉંચે છે; એમને ઝટ દૂર કરો; નહિતર, ત્યાંલગી હું એ સામયિકમાં મારી કૃતિ નહીં મોકલું.

સમકાલીન લેખકો ગમે એ ભોગે છપાયેલું જોવાની પોતાની તલપને કાબૂમાં લે એમાં એમનું હિત છે. પોતાનું છપાયેલું જોઈને રાજી ભલે થાય, પણ રાજીના રેડ ન થાય. ખાસ જરૂરી એ છે કે તેઓ તન્ત્રીય નિર્ણયોને સમજવાની કોશિશ કરે - એમ કે પોતાના લેખનની બાજુમાં મુકાયેલા લેખનમાં દમ નથી તો પણ તે ત્યાં કેમ છે; નીવડેલા મનાતા કવિનું અ-કાવ્ય છે છતાં કેમ છપાયું છે. થોડીક તુલનાઓ કરવાથી ઘણાં રહસ્યો ખૂલી જતાં હોય છે.

ખરેખર તો એમ પણ જાહેર કરવું જોઇએ કે આ ભાઇ કાવ્યોનાં સમ્પાદન કરે છે, આ ભાઈ વાર્તાઓનાં, આ ભાઈ વિવેચનાત્મક લેખનોનાં. જણાવવું જોઈએ કે આ ભાઈ વ્યવસ્થાતન્ત્ર સંભાળે છે, આ ભાઈ અમારા પ્રૂફરીડર છે. મૂવિ કે ટી.વી.નાં ટાઇટલ્સમાં કામ પ્રમાણે જ તેના કર્તાનું યોગદાન અંકાય છે, એવું સામયિકોમાં કરવું અશક્ય તો નથી જ, પણ એવી ચોખવટો આપણને પરવડતી નથી. સાહિત્ય જેવી પરમ બાબતે પણ આપણને શક્ય એટલું બ્લૅન્કેટિન્ગ જ ફાવે છે.

૨૧-મી સદીમાં એ અને ઉપર્યુક્ત તમામ દેસીવેડાનું નિરસન કરવું જોઇશે.

= = =

(June 23, 2022 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Category :- Opinion / Opinion