વનિતા, ‘બે પળ એક અણસાર બની આવજે.’

વિપુલ કલ્યાણી
01-06-2022

બારણે ટકોરા દીધા ને અતુલે દરવાજો ખોલ્યો.

લાગલા કહે : મામા, your partner in crime has left.

હું શું જવાબ આપું ? મૂંઝાયો; અને છતાં, કહેવાઈ ગયું : હવે મારો વારો છે !

વનિતા ને હું, … હું ને વનિતા; બાળપણથી ભેગાં ને ભેગાં.

કૅન્સરના દરદની ઝાપટ લાગી ને વનિતાએ તો ફટાક કરતાં હાથતાળી દઈ દીધી !

— ને હવે … ?

દિવંગત ઊર્મિલાબહેન ભટ્ટનું એક હાઈકુ-કાવ્ય સાંભરી આવ્યું :

    કબાટ ખોલ્યું :
સરી પડ્યાં સ્મરણો
    ગડી વળેલાં.

… અને, પછી સ્મરણોની પોઠ ચાલી. વળી, મનમગજ પણ ઇતિહાસ ફંફોસવા લાગ્યું :

ટૅન્ઝાનિયાના ઉત્તર વિસ્તારમાં આવેલા મ્બુલુ હાઈલૅન્ડ્સમાં આવેલું આ ગામ મ્બુલુ, ઈમ્બોરુ તરીકે અહીંના ઈરાકો [Iraqw] જનજાતિમાં પ્રચલિત છે. જર્મનીનું ટૅન્ગાનિકા પર શાસન હતું તે વેળા 1907ના અરસામાં મ્બુલુની રચના કરવામાં આવી હતી, તેમ ઇતિહાસ નોંધે છે. મ્બુલુની આબોહવા જર્મનોને ફાવતી હતી, અને વળી, સ્થાનિક સ્તરે કુશિટિક [Cushitic] ભાષા બોલતી આ ઈરાકો પ્રજાની ‘મહેમાનગત’ જર્મનોને ભાવતી આવી. પરિણામે, સરકારી સ્તરે સફેદપોષ નોકરીઓમાં ઈરાકો જનજાતિના લોકોની ભારેપટ ભરતી જર્મનોએ કરેલી. આ ડુંગરાળ વિસ્તારમાં ઘઉંની પેદાશ સારી થતી અને મ્બુલુના ખેડૂતોએ આથી તો 1923માં ‘મ્બુલુ વ્હીટ ગ્રોઅર્સ ઍસોસિયેશન’ની રચના ય કરેલી.

આવા આ વિસ્તારમાં બાપુજી(ભગવાનજી ઓધવજી કલ્યાણી)ના એક મોટાભાઈ, કેશવજી ઓધવજી કલ્યાણીએ, ગઈ સદીના ચોથા દાયકાના આરંભમાં ધંધોધાપો આદરેલો તેમ અંદાજ છે. અમે એમને નાના અદા કહીને સંબોધતા. નાના અદા અને નાના જીબા(રતનબહેન)નું મોટું સંતાન એટલે ઉમેશભાઈ. તે પછી રમાબહેન. અને એ પછી વનિતાનું સ્થાન. વનિતા પછી, નવીન, ગીતા અને દિલીપ પણ અમારાં ભાંડુડાં.

અમારી વચ્ચે ઉમ્મરનો ઝાઝો તફાવત નથી. વનિતા બારેક મહિના મોટી. તેનો જન્મ સન 1939ની 25 ડિસેમ્બર વેળા મ્બુલુમાં; મારો, સમજણ મુજબ, સને 1940માં, મેરુ પર્વતની તળેટીમાં જમાવટ કરી પલોંઠ મારી ઓપતાં નગર નામે અરુશા ખાતે.

આપણે જે અરુશાને ઓળખીએ છે તેની રચના કિલીમાન્જારો પર્વતની દક્ષિણે આવેલા અરુશા-ચીની વિસ્તારમાં વસતી પશુપાલનનો તેમ જ ખેતીવાડીનો વ્યવસાય કરતી અરુશા-મસાઈ જનજાતિએ 1830માં કરી હોય તેમ સગડ મળે છે. હવે તો નોર્ધન રિજિયનનું વડું મથક તો તે બની જ ગયું છે; અને સાથે સાથે, જગતમાં પંકાયેલું નગર, જે રાતે ન વિસ્તરે એટલું દિવસે વિસ્તરતું જ રહ્યું છે.

અમારા જન્મ ટાંકણે અરુશાની વસતી ક્વચિત્‌ માંડ બેએક હજારની હોય; આજે તેનો આંક 4,16,442 બોલે છે. જ્યારે ચોપાસના અરુશા ગ્રામ્ય વિસ્તરણની વસ્તી ઉમેરણ રૂપે બીજી 323,198 સુધી જવા જાય છે.

પહેલા વિશ્વયુદ્ધ સુધી જર્મનોનો કબજો અરુશા પર પણ હતો. બ્રિટિશ શાસનનો આરંભ થયો અને મસાઈ પરંપરાના આ ગામ પર પહેલાં જર્મનોની અને તે પછી બ્રિટિશરોની છાપ પડતી આવી. જર્મનોને હાંકી કઢાયા અને તેની જગ્યાઓમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ અમેરિકાના વતનીઓ આવતા ગયા. તેની જોડાજોડ બ્રિટિશરો અને ગ્રિક વસવાટીઓનું ધાડું પણ અરુશામાં આવી પૂગ્યું. ત્રીસી સુધીમાં તો અરુશા ધંધેધાપે ધમધમતું થઈ ગયું. બીજા વિશ્વયુદ્ધ વેળા અને તે પછી અરુશાની સિકલ બદલાવા લાગી. યાદ હશે, 1960 વેળા, જગપ્રસિદ્ધ ‘હટ્ટારી’ ફિલ્મ અહીં જ ઊતરેલી. જોહ્ન વેઇને તે ચલચિત્રમાં મુખ્ય અદાકારી આપી છે, તે ય સાંભરે છે.

હવે તો ટૅન્ઝાનિયાના સાંપ્રત ઇતિહાસ અને રાજતંત્રમાં અરુશાનું સ્થાન અદકેરું રહેવા પામ્યું છે. ટૅંગાનિકાને સ્વતંત્રતા આપવાના અધિકૃત દસ્તાવેજો પર 1961માં અહીં જ સહીસિક્કા કરવામાં આવેલા. ‘અરુશા ડિક્લેરેશન’ નામે અરુશા ઘોષણા પર, વળી, 1967માં અહીં જ દસ્તખત કરવામાં આવેલા. હવે તો આંતરરાષ્ટૃીય સ્તરની અનેક બેઠકો અહીં થતી આવી છે, અને તેને સારુ કેટલાંક છાતી ગદ્દગદ ફુલાવતાં મથકો પણ અહીં બંધાયાં છે.   

સેરેન્ગેટી નેશનલ પાર્ક, કિલીમાન્જારો નૅશનલ પાર્ક, ન્ગોરોન્ગરો કનર્ઝવેશન એરિયા, અરુશા નૅશનલ પાર્ક, લેઇક મન્યારા નૅશનલ પાર્ક, તારાન્ગિરે નૅશનલ પાર્ક જેવાં જગપ્રસિદ્ધ અભયારણ્યો અડપડખે, એથી પ્રવાસન તથા અર્થતંત્રને સારુ અગત્યનું મથક પણ અરુશા બની ગયું છે.

આવા આ અરુશા પડખેના, જગપ્રસિદ્ધ ઊંચેરા પર્વત કિલીમાન્જારોની તળેટીમાં વિકસેલા, ગામ મોશીમાં ત્રણેય ભાઈઓએ, ગઈ ત્રીસીમાં, સાથે મળીને ધંધો આદરેલો. કહે છે કે મોટા અદા, મગનલાલ ઓધવજી કલ્યાણીની આગેવાનીમાં નાના અદા તેમ જ બાપુજીએ દુકાન કરી. મોશીમાં તો એમની બબ્બે દુકાનો હતી. કોઈ પણ કારણવશાત્‌ ધંધામાં માર ખાવાનો થયો. મોટા અદાને નામે ચાલતા આ ધંધાને નાદારી ફટકારાઈ અને પછી સૌ આવ્યા અરુશા. કદાચ એવાકમાં જ તે વખતના બબાટી રોડ પરનું મકાન ખરીદ થયું હશે. ત્યાં ફાવટ ન આવવાને કારણે નાના અદાએ મ્બુલુ વિસ્તારે સ્થાયી થઈ નોખો વેપાર શરૂ કર્યો. બાપુજી મ્બુલુ - બબાટીમાં આવ્યા જંગલ પ્રદેશોના ડોંગોબેશ - ઈન્દલાકાન [એન્ડાજીકોટ] તરફનાં ગામડાંઓમાં ધંધાર્થે જતા રહ્યા. બીજી પાસ, મોટી બન્ને દીકરીઓને પરણાવવા મોટા અદા તેમ જ મોટા જીબા કસ્તૂરબહેન કાઠિયાવાડમાં આવેલા મૂળ વતન જામ-ખંભાળિયા ગયાં. ત્યાં એમનું રહેણાક બે’ક વરસનું થયું હશે, તેમ સાંભરણ છે. અને પછી, બાપુજીએ મ્ટો-વા-મ્બુ નામના નાનકડા ગામે વસવાટ કર્યો અને ખુદને નામે ધંધો આદર્યો.

અરુશા વિસ્તારના મૉન્ડુલી જિલ્લામાં, અરુશાથી આશરે 112 કિલોમીટર દૂર આવ્યા આ ગામનું નામ સાર્થક જ લેખાતું હશે, કોને ખબર ? : કેમ કે તેનો અર્થ થાય ‘મચ્છરોની નદી’ ! તે દિવસોમાં ત્યાં અઢળક મચ્છર, ઢગલાબંધ સાપસીંદરા તેમ જ હૂપાહૂપ કરતાં વાનરોનાં ટોળાં. જાતભાતનાં અનેક રાની પશુઓને જાણે કે અહીંતહીં રઝળપાટની અસીમ સ્વતંત્રતા ને સ્વાયત્તતા. મન્યારા સરોવરની પડોશમાંના આ ગામની, તેમ જ ચોપાસની, વસ્તી માંડ ત્રણચાર હજારની હોય; તે આજે કહે છે કે અગિયાર / બાર હજારથી પણ વિશેષ થવા જાય. વળી, સેરેન્ગેટી નૅશનલ પાર્ક, ન્ગોરોન્ગોરો કનર્ઝવેશન એરિયા તેમ જ મન્યારા નૅશનલ પાર્ક સરીખાં અભયારણ્યોની સલેહગાહે જનારા સહેલાણીઓ તેમ જ પ્રવાસીઓ આ ગામેથી જ પસાર થવાના. આથી દાયકાઓથી અહીં ધંધોધાપો વિકસતો જ રહ્યો છે.

કેશવજી ઓધવજી કલ્યાણી, ભગવાનજી ઓધવજી કલ્યાણી, મગનલાલ ઓધવજી કલ્યાણી, મણિશંકર જેરામ નાકર તેમ જ પ્રેમજી જેઠા નાકર પારિવારિક લગ્રપ્રસંગે, અરુશા

આવી આવી ભૌગોલિક તેમ આર્થિક પછીતે આ ત્રણે ભાઈઓનો વિસ્તાર અરુશાને કેન્દ્રમાં રાખીને વિકસતો રહ્યો છે. ગઈ સદીની ચાળીસી વેળા, આથી અરુશાના મકાનમાં બાળકોને આણી તેમનાં ભણતરની સોઈ કરવાનો અખતરો વડીલોએ હાથ ધર્યો. ત્રણ દેરાણી-જેઠાણીને માથે, વારાફરતી, ત્રણ-ત્રણ મહિનાની લાલનપાલનની જવાબદારી આવી પડી. અમે દશેક ભાઈભાંડું એક છાપરે ભણતાં રહ્યાં. આમ વનિતા અને હું ય આ જૂથમાં સામેલ હતાં. જયંતીભાઈ, વિમળાબહેન ને નરેન્દ્ર; ઉમેશભાઈ, રમાબહેન, વનિતા તથા નવીન; હું, વસંત તેમ જ કદાચ હંસા આમાં સામેલ હતાં. જયંતીભાઈ, વિમળાબહેન, ઉમેશભાઈ, રમાબહેન મોટેરાં; વનિતા, હું ને નવીન સમવયસ્ક, જ્યારે વસંત, નરેન્દ્ર, હંસા નાનેરાં.

મૂળગત મોટા અદાને અધિકૃત નામે આ એકમાળી મકાન. કૉરુગેટેડ આયર્ન શીટ્સ - વાટા પાડેલાં લોઢાનાં પતરાં -ની દીવાલો ને તેનું જ છાપરું, પણ પાકી છો. રસ્તા પર આગળ દુકાન, જે તે દિવસોમાં ભાડે અપાયેલી. દુકાન અને મુખ્ય રસ્તા વચ્ચે દુકાનની લગોલગ જ બાંધેલી ને છત જડેલી ઉઘાડી પરસાળ. તેની પાછળ રહેણાકની જગ્યા. તેમાં અમે સૌ રહીએ. ત્યાં જ રસોઈ થાય અને ત્યાં જ અમારી ભોજનશાળા. પાછળની બાજુ, આ ઓરડાને અડીને પાકી પણ ઉઘાડી ઓસરી. જમણે નાવણી ને ડાબે ઘંટીની સ્થાપના, પણ ઓસરી બે બાજુએથી ઉઘાડી. માથે છત તો ખરું જ. એની પડખેથી બહાર જવા માટેની જગા અને એને લાકડાનું કમાડ. કમાડને માત્ર સ્ટોપર તથા લાકડાની આડસર. ફળિયું; અને તેમાં વચ્ચે રસોડા માટે મૂળે ઓરડી, જે નોકરને સારુ અનામત કરી દેવાયેલી. સામે છેડે ચોકડી. એમાં એક નળ, વાસણ વીછળવાં ને કપડાં ધોવાં સારુ આ ચોકડીનો વપરાશ. એની પછી બે ઓરડીઓ. આગળની ઓરડીમાં સૂવાબેસવાની સોઈ, જ્યારે બીજામાં વધારાનો સરસામાન ત્યારે રખાતો. એ બે ઓરડીઓની પછીતે કોલસા ને લાકડા રાખવાની વખાર અને એની જ પડખે પાયખાનું. આ તો આખા મકાનનું ફક્ત અડધિયું, બીજી કોરે ચંચળમાસી - આત્મારામકાકા તેમ જ પરિવાર વસે. તેમણે તેમની દુકાનને સલૂનમાં ફેરવી કાઢેલી.  

શહેરના એક મુખ્ય ધોરી માર્ગ, તત્કાલીન બબાટી રોડ (ટૅંગાનિકાને આઝાદી અપાઈ ત્યારે તે માર્ગનું ઊહુરુ રોડ નામાભિકરણ થયેલું. જ્યારે સાંપ્રત સમયે, દિવંગત પૂર્વ રાષ્ટૃપતિ એડવર્ડ મોરિન્ગે સોકોઇનની સ્મૃતિમાં તે રસ્તો સોકોઇન રોડ [Sokoine Road] તરીકે જાણીતો થયો છે.) પર આવેલું એ મકાન આજે હોત તો તે આજના આઝિમીઓ [Azimio Street] સ્ટૃીટની લગભગ સામે પડતું હોત. થોડુંક જમણે આગળ ચાલતાં જઈએ એટલે જમણે જકારાન્ડા સ્ટૃીટ [Jacaranda Street] આવે અને તેમાં અંદર વળી જતાં અમારી નિશાળ − ઇન્ડિયન પબ્લિક સ્કૂલનો વિસ્તાર આવતો. આજે એ ઊહુરુ પ્રાયમરી સ્કૂલને નામે જ પરિચિત છે. મોસમ ટાંકણે આ જકારાન્ડા સ્ટૃીટમાં મઘમઘતાં જકારાન્ડા ફૂલોનો વૈભવ જોવા મળતો, જે આંખને સતત ઠારતો રહેતો. અમારી નિશાળને લીલુંછમ્મ, રમતગમતને સારુ, મેદાન પણ હતું. એને અડીને વળી ગૉલ્ફ માટેનું મેદાન રહેતું. આવી આ નિશાળમાં અમને દરેકને દાખલ કરવામાં આવેલા. અમારાં પહેલાં શિક્ષક હતાં બચુબહેન શુક્લ. આવાં ઉત્તમ શિક્ષિકા આજે ય ધોળે દહાડે દીવો લઈને શોધવા નીકળીએ તો ય મળવાં દુર્લભ. એમનું બહુ વહેલું અવસાન થયેલું અને એમની સેવાઓને ધ્યાનમાં લઈ, ગામની હિંદી જનતાએ એમની સ્મૃતિમાં શાળાને એક વર્ગખંડ બંધાવી આપેલો. આજે ય તેની તક્તી નિશાળમાં સાહેદી પૂરે છે.

ઈસવીસન 1941માં અસ્તિત્વમાં આવેલી અમારી આ નિશાળ સારુ હિન્દી જનતાએ તનતોડ ભંડોળ ઊભું કરેલું. એને સારુ કેટલાક વડવાઓએ ભંડોળાર્થે નાટકના પણ ખેલ કરેલા તેમ સાંભળવા મળે છે. અમારા વખતમાં જાની સર સરીખા પ્રભાવક હેડમાસ્તર હતા અને એકમેકથી ચડિયાતાં શિક્ષકો-શિક્ષિકાઓ સામેલ હતાં. અંબાલાલ જે. પટેલ, ઉપાધ્યાય સર, ધોળકિયા સર, એમ.ટી. શાહ જે પાછળથી હેડમાસ્તર પણ થયેલા, મોદી સર, રમણલાલ વશી, વાડીલાલ ટેલર, સુદંરમતીબહેન, હરચરન સિંહ ભોગલ નામે અમારાં કેટલાંક શિક્ષકો, અબીહાલે, સ્મરણે ચડે છે. શિક્ષકોની આ ફોજે અમારું ઘડતર કરવામાં લગીર કસર કરી નથી. સિનિયર કૅમ્બ્રિજ સુધીનું ભણતર અપાતું, અને ગુજરાતી જ ભણતરનું માધ્યમ રહેલું. પાછળથી તેને અંગ્રેજી માધ્યમની શાળામાં ફેરવી નંખાઈ હતી. તેની વ્યવસ્થા સારુ ગામની આ હિન્દી જનતાના પ્રતિનિધિ સ્વરૂપની એક વહીવટી સમિતિ હતી, જે શાળાનું સંચાલન કરતી.

આવી આ નિશાળમાં 1952 સુધી આરંભે હું ભણ્યો હોઈશ. એ ગાળો નિશાળને નામે મારો પૂર્વાર્ધ. 1953માં બાબાપુજી, નાના અદા, નાના જીબા અને અમે સંતાનો કાઠિયાવાડ માંહેના અમારા વારસાના ગામે, જામ-ખંભાળિયા, કુટુંબ-જાતરાને સારુ, જવા નીકળ્યાં. એસ.એસ. કરાન્જા નામક એ સ્ટીમરમાં અમે કરાંચી થઈને પોરબંદર નાંગરેલાં.

•••••

વનિતા હતી બોલકી, અને તેથીસ્તો બાપુજી તેને કાગડી કહેતા ને. બોલબોલ કરતી વનિતા, બચપણથી સાથેસાથે જબ્બરી કામગરી. આવાં તેનાં પાસાં ઉપરાંત તે ક્યારેક અડપલાં ય કર્યાં કરતી. તેને સારુ, વળી, અન્યાય સહન ન કરવાની વૃત્તિ પણ એક કારણ હોઈ શકે. ક્યારેક ઉછીના ઝઘડા ઊસેડતી હોય તેમ લાગે ! મૂળ  બાબત આરંભે પિત્રાઈ નરેન્દ્રની જ તો મસ્તી હોય; પણ સહન કરવાનું વનિતાને ફાળે આવ્યું હોય. આ બધામાં હું ય વનિતા જોડાજોડ ખરો, હં કે ! તેમાંના બેચાર દાખલાઓ તપાસવા જેવા ખરા.

ગામમાં અમે દરેકને ઓળખીએ. દરેક સાથે આવનજાવનનો વહેવાર. નાનેરાં હળેમળે; સાથે ભણે તેમ જ રમે કરે. અમારા રહેણાકની તદ્દન નજીક મોહનલાલ લાલજી મકવાણા નામના એક પડછંદા સજ્જનની દુકાન અને દુકાનની પછીતે તેમનું રહેણાકનું મથક. મોહનલાલકાકા અને રળિયાત માસીની એક દીકરી પ્રભા વનિતા જેવડી. બન્ને વચ્ચે સખીપણું ય ખરું. બન્ને વચ્ચે બોલચાલ થઈ હશે, ચડસાચડસીમાં વનિતાએ પ્રભાને કહ્યું હોય : તારાં મા ને બાપ ડાકણ ! થઈ રહ્યું. થોડીક વારે રળિયાત માસી ને મોહનલાલકાકા હસતાં હસતાં ઘેર આવ્યાં. સોટકે બાપુજી અરુશામાં હોઈ ઘેર હતા. અને મારી બાનો લાલનપાલન માટેનો વારો હતો તે ય ઘેર. બા તો મોહનલાલકાકાની લાજ કાઢે; તેથી એ આઘાપાછાં થઈ ગયાં. કાકા બાપુજીને કહે, ભગવાનજી, કાઢ તારાં આ બારકસોને, અમે ખાવા આવ્યાં છીએ ! … હોય ? હું ને વનિતા ગભરાયેલાં અને તેથી અવાજ સાંભળીને ખાટલાની નીચે સંતાઈ ગયેલાં ! કાકા અને માસીએ થોડીઘણી વડીલો જોડે હસીમજાકની વાતો કરી. ને તે બન્ને વિદાય થયાં પછી અમારો છૂટકારો થયો ! બાબાપુજીનો ગુસ્સો સહ્યો અને શિક્ષા પણ એ નફામાં !

નરેન્દ્રે એક વાર અડપલું કર્યું, નોકર માટેની ઓરડીમાં રૂનું પૂમડું બાળવા આગ ચાંપી. આગની ઝાળ વધી અને ઘર માંહેનાં વડેરાંઓને દોડધામ કરવી પડી. આગને કાબૂમાં લેવાઈ. વનિતા ને હું નરેન્દ્ર જોડે બટેટા શેકવાનાં આ કામમાં સામેલ હતાં, પરંતુ નરેન્દ્ર છટકી ગયો. અમે બન્ને ગુનેગાર પુરવાર થયાં ! અમને સજા ફટકારાઈ - રાતનું ભાણું નહીં અને રાતે બહારની ઓસરીમાં જ રાતવાસો કરવાનો આદેશ. અમને સાદડીઓ અને તકિયા અપાયાં. ઓઢવાને માત્ર ચાદર. ઠંડી કહે મારું કામ. નોકર અમને ગૂણી ઓઢાડી ગયો ને જરીક હળવાશ થઈ. સૂતાં પહેલાં બટેટા ને ડુંગળી શેકીને ખવડાવી પણ ગયેલો. આવી આ શિક્ષાનાં ભોગી હું ને વનિતા કંઈકેટલી ય વાર થયાં હોઈશું.

એ વખતે ઘણું કરીને ભૂરો નામે મ્બુલુથી આવેલો નોકર હતો. ભારે સમજદાર ને હમદર્દ મનેખ. લાંબો સમય અહીં અમારી જોડે રહી ગયેલો ભૂરો અમારી બહુ કાળજીસંભાળ રાખતો.

વિમળાબહેન, રમાબહેન અને વનિતા રસોઈકામમાં સહાયક રહેતાં. વિમળાબહેનની પેઠે વનિતા પણ શિસ્તની ભારે આગ્રહી. થાળીમાં જે કંઈ પીરસાયું હોય એ પૂરું કરવાનું. એઠું લગીર મૂકવાનું નહીં. આવું કરવા જતાં, વધ્યું શાક વસંતને માથે ભૂંસાયાંનું ય સાંભરી આવે છે ! તે ટાંકણે તો ચોતરફ સોપો જ પડી ગયેલો, પરંતુ એઠું મૂકવાની આ આદતે અમારા એ પરિવારજનોમાંથી રજા લીધી હોય તેવું અનુભવું છું.

અરુશાના દિવસોમાં ભણતર મુખ્ય હોઈ, રજાના દિવસોમાં સૌ કોઈ પોતાનાં માવતર કને પહોંચતું. વનિતા મ્બુલુ જતી, નવીન, રમાબહેન, ઉમેશભાઈ જોડે. વસંત, હંસા જોડે હું પણ મ્ટો-વા-મ્બુ ભણી બાબાપુજી સાથે એ રજાનો વખત ગાળવાને સારુ નીકળી પડતો. નરેન્દ્ર, વિમળાબહેન ને જયંતીભાઈ કાં અરુશા હોય કાં મ્ટો-વા-મ્બુમાં અમારી જોડે. બાપુજી અને મોટા અદા સાથે મળીને મ્ટો-વા-મ્બુની દુકાન સહિયારી ચલાવતા. રહેવાનું પણ સહિયારું.

વારુ, જામ-ખંભાળિયાના એ દિવસો બાદ, હું જામ-ખંભાળિયે ભણવા રહ્યો, તેમ ઊમેશભાઈ અને નવીન પણ. બાકી સૌ પરત થયાં. પછી વનિતા નાના અદાને સહાયક થવાં દુકાનમાં આવતીજતી અને તેમાં જ પલોટાયેલી હોય.

પરિસ્થિતિવસાત્‌ 1957/58માં હું અરુશા પરત થયો, અને એ જ નિશાળમાં મારો ઉત્તરાર્ધ શરૂ થયો. ત્યાં સુધીમાં અંગ્રેજી માધ્યમ આવી ગયું હતું. 1961માં મુંબઈ ઉચ્ચ અભ્યાસ સારુ જવાનું થયું. રજાઓમાં સેવક ધુણિયે ને જામનગર મોસાળે સમય વિતાવતો. એમાં વનિતાનું લગ્ન લેવાયું અને 27 મે 1964ના દિવસે જામ-ખંભાળિયે જ લગ્ન લેવાયાં. ભાઈ તરીકે હું જ હાજર અને લગ્ન બાબતે સામાજિક રીતરિવાજો અનુસારનાં વિધિવિધાનો વેળા, સદ્દનસીબે, જવતલ હોમવામાં ય હું જ હાજર.

પછી તો વનિતાને મળવાનું ઓછું થતું રહ્યું. તે સાસરે, પહેલા દારેસલ્લામ, પછી અરુશા, એ પછી નાઇરોબી અને પરત અરુશા. છેલ્લા દશકા વેળાનો લંડનવાસ અને અરુશાનો આવરોજાવરો. જ્યારે-જ્યારે મળવાનું થાય ત્યારે તે હેતે ઊભરાતી રહેતી, અને જૂના દિવસોને અમે સંભારી ય લેતાં.

વનિતાની સેવા જાહેર જીવન ક્ષેત્રે ય પાંગરીને વિસ્તરી જાણી હતી. અરુશાવાસ દરમિયાન ત્યાંના હિન્દુ યુનિયનનના મકાનમાં લાઇબ્રેરી ચાલે. તેમાં સહાયક બને. વળી જોડેના લક્ષ્મીનારાયણ મંદિરમાં જેમ સમય આપે તેમ યુનિયનની મહિલા પાંખમાં પણ પૂરેવચ્ચ સક્રિય. નવરાત્રી ટાણે તો પૂછવાનું જ ન હોય, તે જ અગ્રેસર. ગામમાં ફરી વળે. સંબંધો જાળવે. હૂંફટેકો કર્યા જ કરે. આવું લંડનનિવાસમાં પણ તેણે કરેલું કામ બોલે છે. ઇલફર્ડ લાઇબ્રેરીમાં જવાનું રાખે. ખૂબ વાંચે. ત્યાંની પ્રવૃત્તિઓમાં સામેલ જ નહીં પણ સક્રિય બનતી. ત્યાં ગુજરાતી રીડિંગ ગ્રૂપ ચાલતું. એમાં પણ અગ્રેસર રહેતી. આમ તેની સાખ મજબૂતાઈએ જામી. વિદાય વેળાએ, આથી તો, કંઈ કેટલી આંખોને ભીની થતી જોઈ હતી.

ચાર પેઢી : મહેક - માલા - જીબા - વનિતા

હવે તો એ સઘળું વિરામ્યું જાણવું, કેમ કે વનિતાએ હજુ હમણાં જ 17 ઍપ્રિલે મોટા ગામતરે જવાની વાટ લીધી છે. … અને ખુદને મર્યાદાની પાળમાં સંઘરી ન શકવાને લીધે, કોઈક અજ્ઞાત કવિની એક અજાણી કવિતાનું ચરણ ટાંકતાં ટાંકતાં કહી તો લઉં : વનિતા, ‘બે પળ એક અણસાર બની આવજે.’        

ચાલ, બહેન, આવજે અને હું પણ … … સ્વામી આનંદે ક્યાંક લખ્યું તેમાંનું કેટલુંક ઉછીનું લઈને ય તને જણાવું : આગલે પડાવેથી ગાડી છૂટી છે; ને સ્ટેશન પરે પ્લૅટફૉર્મ પર કમબખ્ત હું ય રાહ જોતો બેસી રહ્યો છું.

… તો, વનિતા, ચોક્કસ મળીએ છીએ.

પાનબીડું :

મારે ઘેર આવજે, બેની !
નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નીર ખૂટ્યાં ને
              સળગે કાળ દુકાળ;
ફૂલ વિના, મારી બેનડી ! તારા
             શોભતા નો’તા વાળ. – મારે.


બાગબગીચાના રોપ નથી, બેની,
            ઊગતા મારે ઘેર;
મોગરા ડોલર જાઈ ચંબેલીની
            મારે માથે મ્હેર – મારે.


રૂપ સુગંધી હું કાંઇ નો જાણું !
            ડુંગરાનો ગોવાળ;
આવળ બાવળ આકડા કેરી
            કાંટ્યમાં આથડનાર – મારે.


ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં
            રાતડાં ગુલેનાર;
સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી
           બેન સાટુ વીણનાર – મારે.


પ્હાડ તણે પેટાળ ઊગેલાં
          લાલ કરેણીનાં ઝાડ;
કેશૂડલાં કેરી વાંકડી કળીઓ
         વીણીશ છેલ્લી ડાળ – મારે.


ખેતર વચ્ચે ખોઇ વાળીને
        ફૂલ ઝીણાં ખોળીશ;
વાગશે કાંટા, દુ:ખશે પાની,
       તોય જરીકે ન બ્હીશ. – મારે.


સાંજ વેળા મારી ગાવડી ઘોળી
      આવીશ દોટાદોટ;
ગોંદરે ઊભીને વાટ જોતી બેની
      માંડશે ઝૂંટાઝૂંટ – મારે.


મોઢડાં નો મચકોડજે, બાપુ !
     જોઇ જંગલનાં ફૂલ;
મોરલીવાળાને માથડે એ તો
     ઓપતાં’તાં અણમૂલ – મારે.


શિવ ભોળા, ભોળાં પારવતી એને
     ભાવતાં દિવસ-રાત;
તુંય ભોળી, મારી દેવડી ! તુંને
     શોભશે સુંદર ભાત. – મારે.


ભાઇભાભી બેય ભેળાં બેસીને
    ગૂંથશું તારે ચૂલ;
થોડી ઘડી પે’રી રાખજે વીરનાં
    વીણેલ વેણી-ફૂલ !
મારે ઘેર આવજે, બેની,
લાંબી તારી ગૂંથવા વેણી !

                                       – ઝવેરચંદ મેઘાણી

[કિલ્લોલ - સોના-નાવડી ; પૃ. 248]

[2,426]

E.mail : [email protected]

હેરૉ, 23-30 ઍપ્રિલ 2022

પ્રગટ : “નવનીત - સમર્પણ”, જૂન 2022; પૃ. 75-82

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar