કવિ, તું કેમ બન્યો નિષ્ઠુર ?

રમણ વાઘેલા
01-06-2022

કવિ,
તું કેમ બન્યો નિષ્ઠુર ?
આંખો આગળ રોજરોજ કંઈ
કઠપૂતળીના ખેલ નવા-નવા  ભજવાય,
કોણ ખેંચતું દોરી એની ખબર છતાં ય
એક શબ્દ ના ઉચ્ચારાય !
ભૂખ્યેતરસે લોકબિચારું અહીંતહીં કણસે,
 ને તોયે રાતદિવસ કેમ ઠાંસી-ઠાંસી
અવનવી વાતો – સ્વપ્નોનાં વચનો થકી
ભાષણના થેલા ભરાય !
તું તો કવિ છતાંયે
હવે – હજીયે  વસંતના વાયરાની લહેરો વચ્ચે
કેમ હજી હરખાય !
કવિ,
તું કેમ થયો નિષ્ઠુર ?

તારી આજુબાજુ, આગળપાછળ
કેટકેટલા પ્રશ્નો ઝૂઝવે,
કેટકેટલા પ્રશ્નો મૂંઝવે,
એવા તો કૈં કેટકેટલા કિસ્સા સણકે,
જ્યારે
ક્યાં ય મળે ના આરો કે ઓવારો, ત્યારે,
ઘડી એકમાં જીવતરને હડસેલો મારી
કરે મોતને વહાલું તોયે ક્યાં ય કશી ના હલચલ !
તારી કલમ ધારે તો કરી દે જલને થલ અને
થલને જલ !
કવિ,
તું કેમ આટલો નિષ્ઠુર ?

શસ્ત્રનું કામ  રૈયતની રક્ષા કરવાનું,
તો ય કેમ થાય બધું ઊલટું !
પશુની રક્ષા કરવાના બહાને
માનવ અહીં રહેંસાય !
શાસ્ત્રનું કામ સંસ્કાર આરોપવાનું
વહે ગંગા કેમ ઊલટી !
ગીતા-કુરાન-બાઇબલના નામે
ધરમ અહીં ધરાશાયી થાય !
કરમ બિચારું પોક મૂકીને રડે.
દીસે ના ક્યાં ય કશો ઉપાય !
કવિ,
તું આભ-ધરાનો એક જ સ્વામી
એમ લોક બધુંયે કહે છે.
 બસ અરજ એક આ છેલ્લી મારી :
કદી ય ના થા નિષ્ઠુર !
કવિ, તું કદી ય ના થા નિષ્ઠુર !!

તા.૧૫/૫/૨૦૨૨

બહરોલ (અલીબાગ), ગાંધીનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 14
 

Category :- Poetry / Poetry