‘સત્યકથા’ અને ‘સચ્ચાઈનું કાલ્પનિક સ્વરૂપ’ વચ્ચે આટલો મોટો અવકાશ?

અમૃતા શાહ
14-05-2022

કોઈ પણ નાટ્યાત્મક સિરીઝ નજીકના ભૂતકાળના એક મહત્ત્વના પાત્રનો મહિમા કરવાનું કહીને, મૌલિક જૂઠાણાં વડે તે પાત્રનું ચરિત્રખંડન શા માટે કરે? હું ‘સોની લાઇવ’ પર આવેલી વેબ સિરીઝ ‘રૉકેટ બોય્ઝ’ની વાત કરું છું. તેમાં આધુનિક ભારતમાં પરમાણુ ઊર્જા અને અવકાશ જેવાં ક્ષેત્રોનો પાયો શી રીતે નંખાયો તેની વાત, એ કામગીરી પાર પાડનારી હસ્તીઓના જીવનપ્રસંગો થકી કરવામાં આવી છે. પ્રચાર સામગ્રીમાં તે વેબસિરીઝને ‘દંતકથા સમા’ વિજ્ઞાનીઓ હોમી જે. ભાભા અને વિક્રમ સારાભાઈની ‘સત્યકથા’ તરીકે ઓળખાવવામાં આવી છે, પરંતુ સિરીઝમાં મુકાયેલા ખુલાસામાં તે કથા ‘સચ્ચાઈનું કાલ્પનિક સ્વરૂપ’ હોવાનું જણાવાયું છે.

રિવ્યુ લખનારાએ તે સિરીઝને નવો ચીલો પાડનારી અને કેળવણીપ્રદ તરીકે વખાણી છે, પરંતુ સિરીઝમાં જે હદે ‘સર્જનાત્મક છૂટછાટો’ લેવામાં આવી છે (વિજ્ઞાની મેઘનાદ સહાના વાસ્તવિક પાત્રનું કાલ્પનિક નિરૂપણ, ખોટી તારીખો અને ઘટનાઓ, વાહિયાત વૈજ્ઞાનિક દાવા) તે જોતાં સિરીઝમાં રહેલી વધારે ગંભીર વિકૃતિઓ તરફ ધ્યાન દોરવાનું કામ વિશેષ અભ્યાસ કરનારાના ભાગે આવે છે.

અવકાશ યુગના આરંભકર્તા વિક્રમ સારાભાઈના પૂરા કદના એક માત્ર જીવનચરિત્ર ‘વિક્રમ સારાભાઈ-અ લાઇફ’(પેંગ્વિન, ૨૦૦૭)ના લખનાર તરીકે મારી નિસબત નાનામોટા ફેરફારો કરતાં વધારે, તેમના ચરિત્ર અને તેમના એકંદર મહત્ત્વની ખોટી રજૂઆત અંગે છે.

શાસ્ત્રીય નૃત્યાંગના મૃણાલિની સ્વામિનાથન્‌ સાથે લગ્ન કરનાર વિક્રમ સારાભાઈને આ સિરીઝમાં પુરુષપ્રધાન માનસિકતા ધરાવતા એવા અસંસ્કારી જણ તરીકે દર્શાવાય છે, જે પત્નીને તેનાં સપનાં સાકાર કરવામાં હતોત્સાહ કરે છે, પત્નીને સબડતી મૂકીને પોતાની મહત્ત્વાકાંક્ષાઓ પાછળ મચ્યા રહે છે અને એક સહકર્મી સાથે લગ્નેતર સંબંધ બાંધે છે.

સિરીઝના આરંભે વિક્રમભાઈની મહત્તા દર્શાવતા એક કાલ્પનિક પ્રસંગમાં હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ વચ્ચે દલીલબાજી થાય છે. ભાભા અણુબોમ્બ બનાવવા અથવા બોમ્બ બનાવતા હોય એવું દેખાડવા ઇચ્છે છે. તેમના આક્રમક વલણનો વિરોધ કરીને વિક્રમભાઈ અણુયુદ્ધના ખતરા તેમ જ વૈશ્વિક મહાસત્તાઓના સંભવિત વિરોધની વાત કરે છે. બંને વચ્ચેની દલીલના અંતે ભાભા વિક્રમભાઈને નૈતિક માર્ગદર્શક (કોન્શન્સ) બની રહેવા જણાવે છે.

આખી સિરીઝમાં કાલ્પનિક વિક્રમભાઈની આ સૌથી મહત્ત્વની, ઊજળી અને એવી દુર્લભ ક્ષણો છે, જે સિરીઝમાં અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. બાકીની સિરીઝમાં તે અવાસ્તવિકતાની દુનિયામાં ખોવાયેલા સ્વપ્નિલ અને સારી ભાવનાથી પણ પૂરા વિચાર વિના આરંભેલાં સાહસોમાં અટવાતા માણસ તરીકે દર્શાવાયા છે. દાખલા તરીકે, કાપડની મિલોમાં ઉત્પાદનની પ્રક્રિયા આધુનિક બનાવવાના તેમના પ્રયાસને કારણે કામદારોમાં વિદ્રોહ જાગે છે, જે તેમના ઉદ્યોગપતિ પિતાએ વચ્ચે પડીને શમાવવો પડે છે.

નોકરી માટે અરજી કરનાર યુવાન એ.પી.જે. અબ્દુલ કલામનું કાલ્પનિક પાત્ર વિક્રમભાઈની ઑફિસમાં કોરે પડેલા રૉકેટનું મોડેલ જુએ છે અને વિક્રમભાઈને યાદ કરાવે છે કે તેમણે તેમના સ્વપ્નની કેવી અવગણના કરી છે. ત્યાર પછી વિક્રમભાઈ ધ્યાનચલિત મનોદશામાંથી બહાર આવીને પહેલા રૉકેટના લોન્ચિંગની તૈયારી કરે છે. (નવેમ્બર ૧૯૬૩માં કેરળના થુમ્બામાં પહેલા રોકેટના લોન્ચિંગથી ભારતના અવકાશી કાર્યક્રમનો આરંભ થયો હતો.) પરંતુ છેલ્લી ઘડીએ સમસ્યાઓ આવે છે. લૉન્ચર ઊંચું કરવા માટેની રિમોટ સિસ્ટમ ખોટકાય છે. વિક્રમભાઈ હતાશ થઈને લૉન્ચિંગ મોકૂફ રાખવાનું વિચારે છે. પણ આવડતના ભંડાર સમા ભાભા દાખલ થાય છે, તે વિક્રમભાઈને હિંમત આપે છે અને આતુરતાથી થનગનતા કલામની મદદથી લૉન્ચિંગ પાર પાડીને વિક્રમભાઈની આબરૂ બચાવે છે. અંતે સૌ સારા વાનાં થાય છે. અગાઉ અણુબૉમ્બના મુદ્દે ભાભા સાથે અસંમત વિક્રમભાઈ કોઈ કારણ આપ્યા વિના તેમના વિચાર ઓચિંતા બદલે છે અને ભાભાને હાશ થાય છે.

આ છે વેબ સિરીઝમાં આલેખાયેલા વિક્રમ સારાભાઈ. તેની સરખામણીમાં અસલી જીવનમાં વિક્રમ સારાભાઈ કેવા હતા? તેમણે પૂરા જોશથી પત્નીની કારકિર્દીને ટેકો આપ્યો હતો, મૃણાલિની નૃત્યના કાર્યક્રમો માટે વારંવાર વિદેશ જતાં ત્યારે વિક્રમભાઈ બાળકોની સંભાળ રાખતા, તેમના સ્ટેજ કાર્યક્રમોમાં વિક્રમભાઈ લાઇટિંગ સંભાળતા હતા અને મૃણાલિની સારાભાઈની નૃત્ય સંસ્થા ‘દર્પણ’ના તે સહસ્થાપક હતા. બી.બી.સી.ને આપેલા ઇન્ટરવ્યૂમાં વિક્રમભાઈએ દક્ષિણ ભારતીય નૃત્યો દ્વારા ‘ઉત્તર ભારતના કળાકીય અને સાંસ્કૃતિક જીવન’ને સમૃદ્ધ બનાવવાની વાત કરી હતી. (નવાઈની વાત છે કે વેબસિરીઝમાં આ ઉદાત્ત ભાવના બીજા શબ્દોમાં મૃણાલિની સારાભાઈના મોઢે મુકાઈ છે.)

વિક્રમભાઈએ કૌટુંબિક કંપનીઓનું સફળતાપૂર્વક સંચાલન કર્યું, અમદાવાદ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (અટિરા) સહિતની સંસ્થાઓ સ્થાપી, જે વેબસિરીઝમાં દર્શાવ્યા પ્રમાણે કેવળ તેમની મોટાઈ માટે ન હતી. ‘અટિરા’ સ્થાનિક ઔદ્યોગિક સંશોધન માટે નમૂનેદાર સંસ્થા બની રહી. તેમણે સાથી વિજ્ઞાની એમ.જી.કે. મેનનને કહ્યું હતું, ‘મોટા થયા પછી બાળકની જેમ એક એક ડગલું ચાલવાનું ન હોય. પછી તો કૂદકા મારવાના હોય અને દોડવાનું હોય … તમારે કોઈ જુગારીની જેમ નહીં, પણ પરિણામોની પરવા કર્યા વિના, નિષ્ફળ જઈ જ ન શકે એવી ચીવટ ધરાવતા પયગંબરની જેમ પ્રક્રિયા શરૂ કરવાની હોય.’

તેમાં એકાગ્રતા, શિસ્ત કે માનસિક ક્ષમતાનો કોઈ પ્રશ્ન ન હતો. ભાભા જેવા શાનદાર માણસને વેબસિરીઝમાં મર્દાના સુપરહીરોમાં રૂપાંતરિત કરી નાખ્યા છે, પણ અસલી જીવનમાં અઘરાં યુદ્ધો વિક્રમભાઈ લડ્યા હતા.

ભાભાના અકાળે મૃત્યુ પછી ૧૯૬૬માં વિક્રમભાઈએ ભારતના અણુશક્તિ પંચનો હવાલો સંભાળ્યો ત્યારે બારીકીઓ ધ્યાનમાં લેવાના અને ભારતની અન્નસુરક્ષા તથા ખર્ચ જેવી બાબતો સાથે સમતુલા જાળવવાના તેમના વલણ સાથે અણુશક્તિ પંચના ઉભરાતા દેશાભિમાનનો મેળ ખાતો ન હતો. દેશમાં પણ શક્તિપ્રદર્શનની માનસિકતા વ્યાપક હતી. એ પ્રકારનાં વાતાવરણમાં પોતાની જુદી દૃષ્ટિને વળગી રહેવા માટે તેમને જે પીડાદાયક લડત આપવી પડી, તે પણ તેમના મૃત્યુને વહેલું નોતરનારું એક સંભવિત કારણ હોઈ શકે.

તેમને કમલા ચૌધરી સાથે લગ્નેતર સંબંધ હતા. બંનેએ સાથે મળીને ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ’ની સ્થાપના કરી હતી. સંકળાયેલા સૌ લોકો માટે મનદુઃખનું કારણ બનેલા આ સંબંધ કોઈ પણ પ્રકારનાં છાનગપાતિયાં વગરના, અસાધારણ રીતે ખુલ્લા હતા.

વૈશ્વિક મહાસત્તાઓ જ્યારે ચિમ્પાન્ઝી અને અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલી રહી હતી, ત્યારે ભારત જેવા ગરીબ દેશમાં વિક્રમભાઈએ સુસજ્જ અવકાશી કાર્યક્રમનો આરંભ કર્યો. ચમકદમક અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળહળતી છબિ ઊભી કરવાની લાલચ બાજુ પર રાખીને તેમણે અવકાશી કાર્યક્રમને મક્કમપણે વિકાસની દિશામાં આગળ વધાર્યો. આવું ગજું ધરાવતો માણસ ‘રોકેટ બોય્ઝ’માં ગુંચવાયેલો અને નૈતિક રીતે સમાધાનકારી શી રીતે બની ગયો હશે? તેમના જેવો જાગ્રત માણસ દરેક વખતે પત્નીએ, પપ્પાએ, મિત્રે કે પછી શિખાઉ સહકાર્યકરે, કોઈકે ને કોઈકે ઠપકારવો પડે કે ઊગારવો પડે એવો અવાસ્તવિક સ્વપ્નદૃષ્ટા કેમ બન્યો હશે?

દેશના સફળતમ ટેકનોલોજિકલ કાર્યક્રમના સ્થાપકનું આવું વિચિત્ર બાળબોધી સ્વરૂપ રજૂ થયું તેની પાછળ કોઈ વધારે ઊંડું કારણ હશે? કે પછી ફક્ત વેચાય એવી કથા નીપજાવવાના હેતુથી દિમાગને કોરાણે મૂકીને કરાયેલી રજૂઆત? જે હોય તે, પણ ઇતિહાસના આ પ્રકારની પુનઃલેખનથી દેશના એક મહાન વિજ્ઞાની-સંશોધકનું અવમૂલ્યન થાય તે હળવાશથી લઈ શકાય નહીં.

અનુવાદ : ઉર્વીશ કોઠારી

(સૌજન્યઃ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, માર્ચ ૨, ૨૦૨૨)

https://indianexpress.com/article/opinion/columns/rocket-boys-vikram-sarabhai-sony-liv-7796604/

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 03-04 

Category :- Opinion / Opinion