અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના વિજયની ક્ષણ

મનીષી જાની
14-05-2022

યાદ આવે છે ૧૯૨૨નું વર્ષ. બરાબર સો વર્ષ પહેલાંની વાત. એ વર્ષે અંગ્રેજ સરકારે કલમ ૧૨૪-છ હેઠળ ગાંધીજી પર અમદાવાદના સર્કિટ હાઉસમાં રાજદ્રોહનો ખટલો ચલાવ્યો હતો. અંગ્રેજ સરકાર સામે 'યંગ ઈન્ડિયા’ સામયિકમાં ત્રણ લેખ લખવા બદલ રાજદ્રોહની કલમ લગાવી ગાંધીજીને દોષિત ઠેરવી, છ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.*

આ વાંચતા ગયા વર્ષે આપણા ગુજરાતમાં જ ધવલ પટેલ નામના યુવા પત્રકાર પર ‘રૂપાણી મુખ્ય મંત્રી પદેથી જશે’ એવું લખવા બદલ રાજદ્રોહની કલમ ૧૨૪-છ લગાવી આપણા 'કાળા અંગ્રેજો’એ ધરપકડ કરી હતી, એવું ઘણાને યાદ આવશે જ!

૧૯૨૨માં સરકારને ડર હતો કે જો આ ગાંધીજી પરનો કેસ અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં આવેલી સેશન્સ કોર્ટમાં ચલાવીશું તો હજારો લોકો કોર્ટમાં આવી જશે એટલે આ કેસ શાહીબાગ વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસમાં ચલાવ્યો. જેમાં હાજર રહેવા માટે પાસની વ્યવસ્થા રાખી હતી ને માત્ર ૨૦૦ વ્યક્તિઓને જ પ્રવેશ આપ્યો હતો, જેમાં સરોજિની નાયડુ હતાં, આપણા સુપ્રસિદ્ધ ચિત્રકાર રવિશંકર રાવળ પણ ત્યાં હાજર રહેલા. તેમણે કોર્ટમાં જે જોયું તેનું રેખાંકન ત્યાં જ બેસીને કર્યું અને પછી ઐતિહાસિક તૈલચિત્રનું સર્જન કર્યું … જે હજી ય આપણે અમદાવાદ જૂના સર્કિટ હાઉસમાં જોઈ શકીએ છીએ..

ગાંધીજીએ ત્યાં કહ્યું હતું કે તમે જે રીતે કહો છો એ રીતે તો હું ગુનેગાર છું જ .. આ કલમ ૧૨૪-છ હેઠળની કડકમાં કડક સજા મને કરો ..!

અને અંગ્રેજ જજે ગાંધીજી ને છ વર્ષની સજા કરી.

આજે આ વાતને સો વરસ થયાં ..

ઠેઠ ૧૮૧૨માં ગુલામ ભારતમાં રાજ્યકર્તાઓ એ આ કાયદો અમલમાં મૂક્યો હતો તેને દેશ આઝાદ થયો એ પછી પણ પોતાના સ્વાર્થ ખાતર દરેક સરકારે એ ચાલુ રાખ્યો અને સત્ય માટે, હક માટે સરકાર સામે અવાજ ઉઠાવનારને પાઠ ભણાવવા તેનો ઉપયોગ થતો રહ્યો છે.

છેવટે આ દેશની સર્વોચ્ચ અદાલતે પોતે જાતે જ 'સુઓ મોટો’ અરજી દાખલ કરી તેની નાબૂદી માટે સરકાર પાસે જવાબ માગ્યો. સરકાર ઠાગાઠૈયા કરવા માંડી. અનિર્ણિત

રહી સમય વીતાવતી રહી. છેવટે પુનઃવિચારનો સમય માગ્યો … પણ સુપ્રીમ કોર્ટે આ કલમ પર રોક લગાવી, ૧૨૪-છના અમલને સ્થગિત કરી પોતાની તાકાતનો પરિચય આપ્યો છે .. એ દેશની આમજનતા માટે ગૌરવની ક્ષણ છે. ગુલામીની મુક્તિની ક્ષણ છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના વિજયની ક્ષણ છે.

૧૯૨૨માં કૉર્ટમાં આ કલમ ૧૨૪-છ માટે ગાંધીજીએ જે કહ્યું હતું તે આપણે સૌએ યાદ રાખવા જેવું છે :

Calling section 124-A, the “prince among the political sections of the Indian Penal Code designed to suppress the liberty of the citizen", Gandhi said, “Affection cannot be manufactured or regulated by law. If one has no affection for a person or system, one should be free to give the fullest expression to his disaffection, so long as he does not contemplate, promote, or incite to violence. But the section under which Mr. Banker and I are charged is one under which mere promotion of disaffection is a crime...I have studied some of the cases tried under it (section 124A) and I know that some of the most loved of India’s patriots have been convicted under it. I consider it a privilege, therefore, to be charged under that section.”

* જો કે ૧૯૨૪માં ગાંધીજીની તબિયત લથડતાં તેમના સજાની મુદ્દત પૂરી થયાં પહેલાં ૫ ફેબ્રુઆરી, ૧૯૨૪ના રોજ જેલમુક્ત કરાયા હતા.

૧૧ મે ૨૦૨૨

(મનીષી જાનીની ફેસબુક વૉલ પરથી સાભાર)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 16 

Category :- Opinion / Opinion