મૃત્યુપર્યંત - ટીલ ડેથ ડુ અસ પાર્ટ

નયના પટેલ
14-05-2022

શેક્સપિયરના હેમલેટને ‘ટુ બી ઓર નોટ ટુ બી’ની મૂંઝવણ હતી, પણ લીસા તો એ મૂંઝવણથી નીકળીને ‘મેં કર્યું તે બરાબર’ છે કે નહીં એની અવઢવમાં હતી. વળી એનું પરિણામ શું આવશેનો ફફડાટ જેવો તેવો નહોતો.

આમ તો ડેવિડના ગુસ્સાથી એ ખૂબ પરિચિત છે, પણ આ વખતે તો એ કબૂલ થયો પછી જ કેફેમાં એ બન્ને જણને ઈન્વાઈટ કં,ર્યા પરંતુ હવે રહી રહીને એને થયું કે કદાચ એ એના જીવનની મોટામાં મોટી ભૂલ તો નથી કરતી ને!

‘ડેવિડ’ નામથી જેની દુનિયા શરૂ થતી હતી અને જેના નામ આગળ જ સમાપ્ત થતી હતી, તેના તરફથી મળતી મૂંગી અવહેલનાએ કે પછી પોતાના બધિર પ્રેમે આ નિર્ણય કરવા તરફ ધકેલી હશે?

ડેવિડ અને જેકીની રાહ જોતી લીસાનું મન જાણે અત્યાર સુધીના એનાં જીવનનું સરવૈયું કાઢવા બેઠું …

એ જ્યારે ૧૫ વર્ષની થઈ ત્યારે એને એક ટિચર માટે ક્રશ હતો, પછી કોલેજમાં આવી ત્યારે એનાથી ત્રણ વર્ષ આગળ ભણતા વિદ્યાર્થી તરફ ખેંચાણ થયું, પરંતુ એ છોકરો એને બાલિશ લાગ્યો અને એની સાથે બ્રેકપ થયું કારણ એણે પોતે નોંધ્યું કે એની ઉંમરના છોકરાઓમાં એને મેચ્યોરિટી ઓછી લાગે અને એટલે જ એને હંમેશાં એનાથી થોડા મોટા હોય તેના તરફ જ આકર્ષણ વધવા માંડ્યું.

યુનિવર્સિટીમાં ગઈ પછી બે વર્ષ ખાસ કોઈ સાથે મેળ ન પડ્યો, અને પછી ગળાબૂડ પ્રેમમાં પડી ડેવિડનાં. એ નવો નવો લેક્ચરર્‍ તરીકે આવ્યો હતો અને એની ચાર્મિંગ પર્સનાલિટી, દેખાવડો અને તેમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ. જોત જોતામાં યુનિવર્સિટીની કેટલી ય છોકરીઓ, ફિમેઈલ લેક્ચરરો ડેવિડ સાથે ફ્લર્ટ કરવાનો મોકો શોધતી હતી. ત્યારે લીસા એક જ એવી છોકરી હતી જેણે ક્યારે ય એવા નાદાન પ્રયત્નો ન કર્યાં. માત્ર આછું સ્માઈલ અને આંખોમાં અહોભાવ માથે પ્રેમનું છોગું. ડેવિડ માટે આ એક ચેલેન્જ બની ગઈ કોઈ એને ફ્લર્ટ ન કરે એ કેવું?

લીસાને ફ્લર્ટ કરતાં નહોતું આવડતું એને જીવનમાં માત્ર પ્રેમ કરતાં જ આવડ્યું છે અને એ વાત જ ડેવિડ માટે આકર્ષણનું કારણ બની બેઠી, અને આખરે ડેવિડે લીસાને એની સાથે રહેવા આમંત્રી. પહેલાં બે-ત્રણ વર્ષ તો બન્નેનાં ‘ટોપ ઓફ ધ વર્લ્ડ’ હોય તેમ આંખના પલકારે પસાર થઈ ગયા. અને પછી ધીમે ધીમે એમની દુનિયાની ટેકરીની તળેટી તરફ લીસાની નજર પડી. કેમ અને ક્યારે એને એમ લાગવા માંડ્યું કે ડેવિડ એનાથી દૂર થતો જાય છે અને એ તળેટી તરફ ધકેલાતી જાય છે, એ તો એને યાદ નથી. એને યાદ છે વગર કારણે શરૂ થયેલી અવહેલના, મિત્રોની આગળ શરૂ થયેલા અપમાનોનો દોર, એને પૂછ્યા વગર જ સહજીવન માટે લેવાતા નિર્ણયો, એની બૌદ્ધિક કક્ષા ડેવિડની સરખામણીમાં કેટલી ઓછી છે, એ દર્શાવવા માટે કરાતાં રહેતાં કટાક્ષો અને એવું તો કેટલું ય કાંઈ …

પછી શરૂ થયો અકારણ અબોલા લેવાનો ડેવિડનો પ્રયોગ ……. અને એનાથી સંતોષ ન થયો હોય તેમ શરૂ થયા નજીવી બાબતો માટે ઝઘડા…… અને ડેવિડ સાથેના સહજીવનને ટકાવવા માટેના લીસાના અનેક પ્રયત્નો પછી પણ કોઈ પણ કારણે ડેવિડને છૂટા જ પડવું હતું. જેમ જેમ લીસા બચાવવાના પ્રયત્ન કરે તેમ તેમ ડેવિડ છૂટા પડવાના વધારે ને વધારે બહાના શોધતો હતો. આખરે રોજ રોજના બોલકા અને મૂંગા ઝઘડાઓથી એ તંગ આવી ગઈ.

એટલે જ જ્યારે એક બોલચાલ વખતે ડેવિડે કહ્યું કે ‘હું બીજે રહેવા જતો રહીશ’ અને પબમાં ઉપડી ગયો. ત્યારે લીસાએ જાતે જ એનો સામાન પૅક કરી આગલા દરવાજા પાસે મૂકી દીધો. ડેવિડ તે દિવસથી એના જીવનમાંથી ગયો, પરંતુ લીસાનો જીવનરસ ખેંચતો ગયો. જિંદગી સૂનમૂન બની ગઈ એની.

આટઆટલું બન્યા પછી પણ ડેવિડ તરફ્ના પ્રેમની ઉત્કટતા એ પોતે પણ સમજી શકતી નથી. અને એનો પ્રત્યક્ષ પુરાવો એટલે ડેવિડને સમજી શકે એવી કોઈ યોગ્ય પાર્ટનર મળશે કે નહીં તેની ચિંતા કરતું એનું મન! એને સંવેદનશીલ કહે કે મૂર્ખ?

છૂટાં પડ્યા પછી આજે ઘણા દિવસે લીસા એને મળશે - ડેવિડને મળવાની ક્ષણોનો તલસાટ હાથમાંથી રેતીની જેમ સરકી ગયો!

છેલ્લાં આઠ આઠ વર્ષના સહવાસની ક્ષણો ભલે રેતીની જેમ સરકી ગઈ પરંતુ ભીનાશ છોડતી ગઈ …

એની સમગ્ર લાગણીઓ એ ભીનાશથી થરથરે છે. ઠંડી ચઢી ગયેલી એની સંવેદનાઓને ….

ત્યાં તો વેઈટરે આવીને કોફી ઠંડી થઈ ગઈ છે એની યાદ અપાવી!

એનાથી મલકી જવાયું, કોફી તો બીજી ગરમ મંગાવાશે, પરંતુ આ ઠરી ગયેલી ઠૂંઠવાતી સંવેદનાઓનાં ગૂંચળાંઓનું શું કરું?

બીજી કોફીનો ઑર્ડર આપે તે પહેલા કેફેના દરવાજા પર નજર પડી, જેકીની પ્રવેશતા જોઈને વેઈટરને પછી આવવાનું કહીને ઊભી થઈ. જેકીને આવકારી, ઑપચારિક ‘હેલો, હાઉ આર યુ’ અને ‘હગ’ (ભેટીને અપાતો ઔપચારિક આવકાર) આપી બાજુમાં બેસવાનો ઈશારો કર્યો. 

જેકીની સાથે વર્ષોની મિત્રતા છે છતાં આજે પહેલીવાર મળતા હોય તેમ બન્ને જણ ચૂપચાપ બેસી રહ્યાં.

સંજોગો જ એવા હતાં કે ક્યાંથી શરૂઆત કરવી અને શું બોલવું તે બન્નેને માટે વિમાસણ હતી.

સાથે બોલવાની શરૂઆત થઈ ગઈ અને બન્ને જણ હસી પડ્યાં. પેલી ભારેખમ ક્ષણ ધીમે ધીમે ગરમ કોફીની વરાળની જેમ ઊડવા માંડી.

લીસાએ જ આખરે શરૂઆત કરી, ‘સારુ થયું તું આવી તો, મને તો હતું કે તું છેલ્લી ઘડીએ વિચાર બદલે નહીં તો સારુ!

‘સાચું કહું લીસા, આઈ વોઝ નોટ શ્યોર, આવું કે નહીંની ગડમથલે આખી સવાર લઈ લીધી. પછી તારો મારા તરફનો વિશ્વાસ અને લાગણી જીતી ગયાં. થયું કે તું મારું કે ડેવિડનું ક્યારે ય બૂરું તો ન જ ઈચ્છે. એટલે એ વિશ્વાસે ચાલી આવી છું.’

જેકીનો હાથ લીસાએ થપથપાવ્યો. બન્ને સખીઓએ વગર બોલ્યે લાગણીની આપ-લે કરી લીધી.

વેઈટરને કોફીનો ઑર્ડર આપી, બન્ને જણ સામાન્ય કામની અને અન્ય વાતો કરતી રહી, પરંતુ બન્નેની નજર તો દરવાજા તરફ જ હતી. હવે બન્નેને થયું કે ડેવિડ આવશે કે નહીં!

લીસાએ થોડા સંકોચ સાથે મૂળ વાતની શરૂ કરી, ‘જેકી, મેં તને ફોન ઉપર પણ કહ્યું હતું અને ફરી કહું છું  નો પ્રેશર, હં.  ઈફ યુ થીંક કે તારે આગળ નથી વધવું તો ટેલ હીમ. તું તો એને ઓળખે છે. આપણી મિત્રતાની કસોટી છે આજે.’

વેઈટર કોફી આપી ગયો, કાંઈ આગળ બોલવા જાય ત્યાં તો ડેવિડને આવતા જોયો. એટલે ઝડપથી જેકીને  ‘બેસ્ટ ઑફ લક’ કહી ડેવિડને ‘હાય’ કહી ઘણા સમયથી સાવ સૂક્કો મળતો, રિવાજ મુજબનો ‘હગ’ લીધો. ડેવિડે જેકી સાથે હાથ મીલાવી ‘હાય’ કહ્યું.  લીસાએ નોંધ્યું કે એને કહેવાયેલા ’હાય’ અને જેકીની કહેલા ‘હાય’માં ફેર હતો …

વેલ, હવે પાછા ફરવાની કોઈ શક્યતા જ રહી નથી તો …… મનને ‘ધમકાવીને’ એવાં તફાવતો કરતાં રોક્યું અને ડેવિડ માટે ચા અને સૌને માટે કેરેટ્‍સ કેઈકનો ઑર્ડર આપ્યો.

વાતાવરણમાં ખામોશીનો ભાર વધવા માંડ્યો હતો.

એકોનોમિક્સમાં ડિગ્રી લીધી તો ય લીસાને જીવનનાં સમીકરણ કરતાં નથી આવડ્યું. હંમેશાં નાના અમથાં ડેસિમલ પોઈંટે આવીને જિંદગી અટકી પડે છે. પરંતુ આજે તો સમીકરણનાં પ્રથમ શૂન્ય આગળ જ અટકી પડી હતી, જ્યાંથી ફરી એણે સમીકરણો શરૂ કરવાં પડે તેમ છે.

‘સો’…… બોલીને ડેવિડ અટક્યો, લીસા તરફ જોયું અને ઈશારાથી પ્રશ્નાર્થ ચિન્હને એના તરફ ધકેલ્યું.

‘વેલ, ડેવ .. વિડ, જેકી મેં તમને બન્નેને અલગ અલગ તો આજનો મારો અહીં ભેગા થવાનો હેતુ જણાવ્યો જ હતો..’ પછી એક મોટા નિશ્વાસને બહાર આવતાં અટકાવીને બોલી, ‘વી આર ફિનિશ્ડ્‍' કહી ડેવિડની સામે જોયું. ડેવિડે બીજે જોતા રહેવાનું નાટક ચાલુ રાખ્યું.

અત્યાર સુધી ગોખેલા બધા જ ડાયલોગ્સ આઠ આઠ વર્ષના ભૂતકાળના ખાડામાં ખરી પડ્યા. ડેવ સાથે માણેલી ક્ષણો, મિનિટો, કલાકો, મહિનાઓ અને વર્ષો ભૂતકાળના ગર્ભમાં પરિપક્વ થાય તે પહેલાં તો તેનો જાણે ગર્ભપાત થઈ ગયો અને અંતરને તળિયે પડેલી લથપથ લોહિયાળ લાગણીઓ સપાટી પર આવી ગઈ. ‘જેકી, તું બધું જ જાણે છે. જેને અમે પ્રેમ સમજતાં હતાં એ દૈહિક આકર્ષણ જ હતું - એટલીસ્ટ ડેવ … વિડ માટે …..

‘એક મીનિટ, લીસા, આપણે અહીં આપણા .. પ્રે …. મનું પૃથ્થકરણ કરવા નથી ભેગા થયાં. જે માટે ભેગા થયા છીએ તેની ચોખવટ કરી નાંખ.’

લીસાને લાગ્યું કે ‘પ્રેમ’ શબ્દનો પ્રયોગ કરતી વખતે ડેવિડના સંકોચે બધી કબૂલાત કરી લીધી છે.

ખોંખારો ખાઈ એણે પોતાના અવાજને સમથળ કરી લીધો, ‘વેલ, જેકી મને ખબર છે તું યોગ્ય પાર્ટનર શોધે છે પરંતુ તારાં બે બાળકોને સાચવી લે એવો સાથીદાર તું ઈચ્છે છે.’

જેકીએ સંમતિદર્શક માથું હલાવ્યું.

‘ડેવિડ, પણ ….  શોધે છે …… પાર્ટનર, હેં ને ડેવિડ?’

ડેવિડ ન તો હા બોલ્યો ન તો ના, માત્ર લીસા અને જેકીની સામે અછળતી નજર નાંખી ચાનો કપ મોંઢે માંડ્યો.

લીસાએ આગળ ચલાવ્યું, ‘ઓનલાઈન ડેઈટિંગ કરતાં મને લાગે છે એટલીસ્ટ તમે બન્ને પરિચિત છો અને …’

જેકીને જોઈને ડેવિડની આંખમાં થતો ઝબકારો એણે ઘણીવાર નોંધ્યો હતો એ વાત ગળી જઈને, પોતાની હેન્ડબેગ ઉઠાવતાં બોલી, ‘આજે તમને લોકોને લાગે કે તમારી કેમેસ્ટ્રિ વર્ક કરે છે અને તો …. આઈ વિલ બી ધ ફર્સ્ટ પરસન ટુ બી હેપી ફોર યુ બોથ.

ધીમે ધીમે એને ગાડી તરફ જતાં જેકી અને ડેવિડ જોઈ રહ્યાં.

એક સ્ત્રી તરીકે જેકીએ લીસાના ડેવિડ તરફના પ્રેમને છેક આજે ઓળખ્યો. નહીં તો એને શું પડી હોય ડેવિડ ગમે તેની સાથે ડેઈટિંગ કરે તેની? ડેવિડ તરફથી મળતાં રહેલાં અપમાન, ઉપેક્ષા, ધિક્કારને નજરઅંદાઝ કરીને પણ આ મિટિંગ ગોઠવવાની એની શું જરૂર?

જેકી સાક્ષી છે એ લોકોના સહજીવનની શરૂઆતની. જો કે જુવાનીમાં ડગ માંડતી વખતે ડેવિડને એણે પણ ઈચ્છ્યો તો હતો, પરંતુ લીસા તરફ ઢળતા જતાં ડેવિડ તરફથી એણે મન વાળી લીધું હતું.

જે યુનિવર્સિટીમાં લીસા અને જેકી સ્ટુડન્ટ હતાં ત્યાં જ ડેવિડ નવો નવો આવેલો લેક્ચરર હતો, ચાર્મિંગ અને હેન્ડસમ. યુનિ.ની ઘણી છોકરીઓ પાગલ હતી એની પાછળ. અને ડેવિડે પસંદગી ઊતારી લીસા પર ત્યારે ખબર નહીં કાંઈ કેટલી ય છોકરીઓ, ફિમેઈલ લેક્ચરરો અને પ્રોફેસરો નિરાશ થયાં હશે!

પળ ભરમાં બધું આંખ આગળથી પસાર થઈ ગયું. જેને ઈચ્છ્યો હતો તે સામે બેઠો છે …..

ડેવિડે જેકી સામે જોઈને સ્માઈલ આપ્યું.

… અને ત્યારથી શરૂ કરીને આજ સુધી એ લોકોના ફ્રેંડ સર્કલમાં કોઈને ખબર નથી કે લીસાએ જાતે જ ડેવિડ અને જેકી માટે રસ્તો ક્લિઅર કરી અને મેળવી પણ આપ્યા હતાં.

લીસા સાથે લિવિંગ રીલેશનમાં રહેતો ડેવિડ લગ્નમાં નહોતો માનતો પરંતુ ….. આવતે મહિને ડેવિડ જેકી સાથે લગ્ન કરવાનો છે!

જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે આખી સાંજ એ રડી હતી.

મન …… મન ….. મન આ સાવ નિખાલસ અને સંવેદનશીલ મનથી એ તંગ આવી ગઈ છે.

સમયે - કસમયે પણ મન અને આંખ એક બીજા સાથે  જુગલબંધી કર્યા કરે.

પણ એ કરે તો પણ શું કરે? એનાં વહાલ અને આંસુનું આ જ દુઃખ છે વરસે તો અમાપ અને નિર્બંધ!

કોઈ સુંદર ગીત આવે અને એની આંખો છલકાઈ ઊઠે!

ટી.વી. પર આવતા સમાચારો તો હંમેશાં ખરાબ જ હોય છે, સમાચારો સારા હોય જ ન શકે એવી દુનિયામાં વસતી લીસાની પેલે દિવસે સમાચાર જોતાં જોતાં ય આંખો ભરાઈ આવી!

અરે ગયા અઠવાડિયે ‘બ્રિટન ગોટ ટેલન્ટ’ જોતી હતી અને એક અંધ છોકરીનાં ગીતને ટી.વી. ઓડિયન્સે ઊભા થઈને સન્માન્યું, હવે તેમાં શું રડવાનું?

નસીબે કહો કે કમનસીબે બાળપણની નિખાલસતા એટલી તો જળવાયેલી રહી છે કે ઝીણામાં ઝીણી સંવેદના પણ હજુ ય એને હચમચાવી જાય છે.

ડેવિડ ક્યારે ય ન તો એના મનને ઓળખી શક્યો કે ન તો એના અતૂટ પ્રેમને કે ન તો એની નિખાલસ લાગણીઓને.

લીસાને લગ્ન કરવાની ઈચ્છા હતી અને હજુ પણ છે, પરંતુ ડેવિડ સિવાય કોઈની સાથે મન મળતું જ નથી, તેનું એ શું કરે? ડેવિડ સાથે છૂટા પડ્યા પછી બે જણ સાથે ડેઈટીંગ પર ગઈ પણ પાછું પેલું જ મન વચ્ચે આવ્યા કરે છે.

ખેર, ડેવિડ અને જેકીના વેડિંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

જેકી, લીસા અને ડેવિડનું ફ્રેંડ સર્કલ પણ એક જ છે, એટલે બીજાં બધાં જ મિત્રોને વેડિંગના કામ તો સોંપાઇ ગયાં, પરંતુ આ વેડિંગના કામમાં લીસાને કેટલી ઈન્વોલ્વ કરવી તેની જેકીને ખબર નહોતી પડતી.

ડેવિડ પણ હોંશભેર તૈયારીમાં જેકીને સાથ આપે છે. જેકીએ ડેવિડ સાથે લીસાને કઈ રીતે ઈન્વોલ્વ કરવી તેની ચર્ચા કરી પણ બન્નેને ખબર નથી પડતી. અચાનક ડેવિડે એક દિવસ જેકીને કહ્યું, ‘આઈ હેવ એન આઈડિયા’. અને જેકીને સરપ્રાઈઝ આપવા માટે એણે એ આઈડિયા એને ન કહ્યો. અને તે જ સાંજે લીસાને મળવા ઉપડી ગયો.

અચાનક ડેવિડને જેકીને સાથે લીધા વગર પોતાને ઘરે આવેલો જોઈને લીસાને નવાઈ તો લાગી જ, ‘હાઈ’ કહી પ્રથમ જ જેકી કેમ ન આવી તે પૂછ્યું.

‘મને અંદર તો આવવા દે, બધું કહું છું.’ સાંભળી બારણામાંથી ખસતાં ખસતાં લીસાને કાંઈ કેટલા ય સારા-ખોટા વિચારો આવી ગયા. અને ધ્રાસકો પડ્યો, ‘આ અ-નિર્ણયાત્મક પુરુષે જેકીને વેડિંગની ના તો નહીં પાડી હોય ને!’

કેવું એનું મન છે, વેડિંગની વાતે જે મન રડતું હતું એ જ મન જેકી સાથે ડેવિડ લગ્ન ન કરે તો ય ફફડી ઊઠ્યું!

આમ-તેમ થોડી વાતો કરી, પૂછવું જોઈએ એટલે લીસાએ વેડિંગની તૈયારી કેટલે આવી પૂછ્યું, તે પહેલાં અંદરના આંસુને ખબરદાર કરી દીધાં હતાં તો ય એણે અનુભવ્યું કે એના સાદને આંસુ વગરની ભીનાશ સ્પર્શી ગઈ હતી.

ડેવિડ મુખ્ય વાત પર આવતાં પહેલા થોડો ક્ષોભ અનુભવતો હોય તેમ લાગ્યું અને છતાં ય હિંમત કરી પૂછી જ નાખ્યું, ‘ લીસા, તને ખબર છે, આઈ ડોન્ટ બિલીવ ઈન ટ્રેડીશન્સ અને એટલે જ્યારે હું અને જેકી વેડિંગ વખતે મારું બેસ્ટમેન કોણ બનશે એ વિચારતાં હતાં ત્યારે મને થયું કે શા માટે બેસ્ટ મેન જ હોય ..’

અત્યાર સુધી કડકડાટ બોલી નાંખ્યા પછી અચાનક ડેવિડને સમજ ન પડી આગળની વાત કેમ કરવી.

લીસા પણ આતુર બની સાંભળી રહી હતી અને અચાનક ડેવિડને મુંઝાતો જોઈને પૂછ્યું, ‘કહી દે જે મનમાં હોય તે ડેવ…વિડ (હજુ ‘ડેવ’ બોલાય જતાં મનને રોકવું પડે છે!)

‘વેલ … (હિંમત એકઠી કરીને એ પૂછી બેઠો),’બેસ્ટ મેન’ હોય એ રિવાજ છે, પણ હું માનું છું કે બેસ્ટ ફ્રેંન્ડ હોય - પછી એ સ્ત્રી હોય કે પુરુષ - અ ‘પર્સન-વ્યક્તિ’ હોવી જોઈયે. વોટ ડુ યુ થીંક?’

આવી પડનારા પ્રશ્ન માટે બેખબર લીસાએ હોંકારો ભણ્યો, ‘યા, ધેટ મેઈક સેન્સ’.

‘ઓ.કે. તો તું અમારા વેડિંગમાં મારી બેસ્ટ પરસન બનીશ?

ક્ષણ માટે તો લીસાને સમજ જ ન પડી.

એ વાક્ય એના મગજમાં ગયું ત્યાં સુધીમાં તો મન હાહાકાર કરી ઊઠ્યું.

ડેવિડ સામે તો ન જ રડાય એટલી સમજ તો આંસુઓને પણ હતી.

‘તું શું લઈશ ચા-કોફી કે વાઈન’, પૂછી જવાબની પણ આશા રાખ્યા વગર દોડવાની ગતિથી ચાલીને કિચનમાં જતી રહી.

ડેવિડે મશ્કરી તો નહી કરી હોય ને?- એક મિનિટ એને વિચાર આવ્યો.

અજાણતા કરી હશે કે જાણીને કરે હશે આ ક્રૂરતા?

અવાચકતાની ક્ષણોમાંથી થોડી બહાર માંડ આવી અને ત્યાં તો ડેવિડ રસોડામાં આવ્યો.

‘સો … રી લીસ,  મને થયું તું … તને … આઈ એમ રીઅલી સોરી.’

લીસાએ જવાબ આપવાને બદલે, એને સંબોધાયેલા ‘લીસ’ શબ્દ માટે ઠપકો આપતાં ડેવિડને કહ્યું, ‘ તારે માટે હવે મારું નામ લીસા છે, ડેવિડ.’

ક્યાંકથી અવાજમાં સમથળતા ફૂટી આવી, વાતને ખૂબ જ મક્કમ અવાજે આગળ વધારતાં કહ્યું, ‘આપણા સહજીવનનો સમય તારી મેમરીમાંથી ડિલિટ થઈ ગયો હશે. મારી મેમેરીમાં ઈશ્વર ડિલિટનું બટન મુકતાં કદાચ ભૂલી ગયો છે. એ સેઈવ જ કરે છે. એટલે કદાચ તું ’બેસ્ટ પર્સન’ બનાવીને મને સન્માવા ઈચ્છતો હશે કે પછી….. જે હશે તે …. પરંતુ મારે માટે એ ક્રૂરમાં ક્રૂર મજાક છે, ડેવિડ. મારે ‘બેસ્ટ પર્સન’ નથી બનવું મારે ‘ગુડ પર્સન’ જ રહેવું છે. ખેર, તમારાં લગ્ન વખતે હું ફ્રાંસ ગઈ હોઈશ મારા મમ-ડેડ પાસે. તમે લોકો લગ્નની આમંત્રણ પત્રિકા મારે માટે બગાડતા નહીં.’

ઊંડો એક શ્વાસ લઈ ડેવિડને પૂછ્યું,, ‘તું મને ‘બેસ્ટ પર્સન’ બનાવવા ઈચ્છે છે એની જેકીને ખબર છે?’

‘ના, આપણે … મને થયું હું સૌને સર..પ્રાઈઝ …’

‘જેકીને પૂછ્યું હોત તો મને ખબર છે એ ક્યારે ય આવો પ્રસ્તાવ લઈને મારી પાસે તને ન જ આવવા દેત. આવું ઘોર અપમાન કદાચ તારા જેવો હૃદયહીન પુરુષ જ કરી શકે.’

પછી ધીમે ધીમે આગળનો દરવાજો ખોલીને શાંતિથી ઊભી રહી.

છોભીલો પડેલો ડેવિડ ફરી એકવાર ‘સોરી’ કહીને ઘર બહાર નીકળ્યો.

‘બેસ્ટ ઓફ લક, અને મારા વતી જેકીને પણ મારી શુભેચ્છા પાઠવી દઈશને? બાય …’ કહી દરવાજો બંધ કરી દીધો હંમેશ માટે!

એ દરવાજો બંધ થવાની રાહ જોતું હોય તેમ મનનો દરવાજો ખૂલી ગયો. પરંતુ આજે લીસાએ પહેલી વખત મન અને આંખને ડાર્યા.

ડેવિડના પ્રસ્તાવે એના મનને વાસ્તવિકતા તરફ ધકેલ્યું. જે નથી તેનો અફસોસ શા માટે કરું? એણે પોતે જ જાતે જ ડેવિડને  જેકી તરફ વાળ્યો, પછી હવે એ ભૂતકાળને શા માટે મનના એક ખૂણે ભંડારી દેતી નથી? એ ડેવિડને નખશીખ ઓળખે છે તો ય હવે શા માટે એકતરફી પ્રેમને વાગોળ્યા કરે? મન અને આંસુઓને આજે એણે ચેતવણી આપી જ દીધી-નો મોર ક્રાઈંગ ફોર હીમ ઓર ધ પાસ્ટ’.   

લગ્નના અભિનંદનનો કાર્ડ પણ ફ્રાંસથી જ પોસ્ટ કરી દીધો.

લગ્નમાં હાજર ન રહી તેની કોઈને ખાસ નવાઈ ન લાગી.

ફ્રાંસથી પાછા આવ્યાં પછી થોડી કળ વળી હતી, એટલે ફરી સ્વાભાવિક થવા માટે એ એમના ગુરુવારના રેગ્યુલર ફ્રેંડ્સ જે પબમાં મળે છે ત્યાં પહોંચી. ક્ષણ માટે સૌ ખબર નહીં કેમ શાંત થઈ ગયા. પછી ‘એ પાછી ક્યારે આવી’થી શરૂ કરી મિત્રોએ વાતાવરણને સ્વાભાવિક બનાવી નાંખ્યું. એણે નોંધ્યું જેકી અને ડેવિડ નહોતાં આવ્યાં. પછી થયું ‘હનીમૂન’ પર ગયા હશે. મનમાં ટશર ફૂટતાં ફૂટતાં રહી ગઈ ….

આમે ય લીસાને જે ઓળખે છે તે સૌને ખબર છે કે એ ‘વર્કોહોલિક’ છે એટલે કામમાં મનને ડૂબાડીને ફરી પાછી ‘બેક ટુ નોર્મલ’ બનતાં બનતાં પાંચ પાંચ વર્ષનાં વહાણાં વાયાં. જેકી અને ડેવિડ બાળકોને લઈને લંડન મૂવ થઈ ગયાંને ય ચારેક વર્ષ થઈ ગયાં.

જેકીનું લગ્ન જીવન કેવું ચાલે છે એ પૂછવાનું લીસાને મન થઈ જાય, પરંતુ કોઈ ભય એને અટકાવી રાખતો હતો - જો કે એને ય આ ભય સમજાતો નહોતો. અત્યાર સુધીમાં એકલતાને ખાળવા ઘણી વ્યક્તિઓ સાથે ડેઈટિંગ કર્યુ, પરંતુ એને ‘સોલમેઈટ’ નહીં મળ્યો તે નહીં જ મળ્યો.

એક્લતા ખાળવા બિલાડી પાળી. એની પર હાથ ફેરવતાં ફેરવતાં ક્યારેક ડેવિડને માથે એ હાથ ફેરવતી તે યાદ આવી જાય ત્યારે અચાનક બિલાડીને લીસાના ખૉળેથી ઊતરી જવું પડે! એ બિચારું મૂંગુ પ્રાણી શરીર ખંખેરે તેની સાથે લીસાની હથેળીમાંથી ઝરેલી લથપથ લાગણીને પણ ખંખેરી નાંખે છે. લીસાને થાય ‘કાશ હું આમ ભૂતકાળને ખંખેરી શકું તો કેવું?’

એક દિવસ સવારથી લીસાને અ-સુખ લાગ્યા કરતું હતું. એવું કાંઈ બન્યું પણ નહોતું. સાફસૂફ ઘરને ફરી સાફ કરી નાંખ્યું, વીન્ડો સાફ કરી, કાર સાફ કરી, લેપટોપ ખોલીને બેઠી પણ કાંઈ ચેન ન પડ્યું. આખરે એ બંધ કરીને કન્ટ્રીસાઈડ પર લોંગ ડ્રાઈવ માટે નીકળી પડી. ગમતાં ગીતો સાથે ગણગણવાની ટેવ લીસાને છે, પરંતુ આજે તેમાં ય મઝા ન પડી. ત્યાં તો મોબાઈલ પર કોઈ અજાણ્યો ફોન રણક્યો. કારને બાજુ પર ઊભી રાખી ફોન લેવો કે નહીંની દ્વિધામાં હતીને ત્યાં તો ફોન શાંત થઈ ગયો. આગળ જવું કે નહીં વિચારતી હતી ત્યાં ફરી ફોનની ઘંટડી વાગી. ઉપાડીને ‘હેલો’ કહ્યું, સામેથી થોડીવાર નીરવતા! બે-ત્રણવાર ‘હેલો … હેલો કર્યું’ પછી મૂકવા જ જતી હતી અને ત્યાં કોઈનો રડમસ અવાજ આવ્યો, ‘હાય લીસા’ કોઈ સ્ત્રીનો અવાજ જાણીતો લાગ્યો … અને ઓળખાણ પડી … ‘હાય .. જેકી, વોટ્સ અપ?’

કોઈ પણ પ્રકારની ભૂમિકા બાંધ્યા વગર જ એણે શરૂ કર્યું, ‘ વેલ, સમાચાર મળ્યા કે નહીં, લીસા?’

‘વોટ ન્યુઝ, જેકી?’

કાંઇ પણ જાણ્યા વગર પણ પેટમાં ધ્રાસકો પડ્યો.

‘ડેવિડ મારાથી ડિવોર્સ લે છે.’

‘અચ્છા!’ બોલી લીસા ચૂપ અને જેકી પણ ચૂપ.

‘પૂછ તો ખરી કે કેમ, લીસા?’

‘એ તમારો અંગત પ્રશ્ન છે, જેકી’

‘એક મિત્ર તરીકે કે કહું છું, યાર.’

‘તારો ફોન પણ મને અજાણ્યો લાગ્યો, જેકી. આટલાં વર્ષે ….’

‘યુ આર રાઈટ, લીસા. ઘણીવાર વિચાર આવતો હતો તેમાં ય છેલ્લા બે વર્ષથી તો લગભગ રોજ ફોન ઉપાડીને મૂકી દેતી હતી. મને ખાતરી છે લીસા કે અમારા લગ્ન કરાવવા પાછળ સાતમે પડદે તું ડેવિડને સુખી જોવા ઈચ્છતી હતી, સાચું ને? પ્લીઝ, આજે સાચું જ કહેજે.’

લીસાના મૌનમાંથી ટપકતી ડેવિડ તરફની લાગણીને જેકીએ આજે સ્પષ્ટ અનુભવી.

થોડીવાર જવાબની રાહ જોઈ જેકીએ જ બોલવું શરૂ કર્યું, ‘આજે હું પણ ખોટું નહીં બોલું, લીસા. બીજી છોકરીઓની જેમ મને પણ યુનિ.થી જ ડેવિડ તરફ આકર્ષણ હતું.’

‘મને ખબર હતી.’

પછી તમે સાથે રહેવા માંડ્યું એટલે મેં મનને મનાવી લીધું અને નાયજલ સાથે લગ્ન કરી લીધાં. પછીની વાત તો તને ખબર છે જ - બાળકો આવવાથી પ્રેમ દૃઢ નથી જ થતો, એ સમજ્યા પછી અને નાયજલના હાથનો માર ખાધા પછી એનાથી છૂટી થઈ.

‘ઓ. મને નહોતી ખબર કે ડોમેસ્ટિક વાયોલન્સ …’

વચ્ચે જ જેકી બોલી, ‘લીસા, એ વાત મેં કોઈને નહોતી કરી પણ સાચું કહેવા બેઠી છું તો કહી જ દઉં’ ……… લાંબો વખત સુધી ફોનને બન્ને છેડે શાંતિ પ્રસરી ગઈ, પછી એક નિશ્વાસ સાથે જેકીએ આગળ ચલાવ્યું, ‘એ કારણ તો હતું જ પરંતુ મેં ડેવિડની આંખમાં મારે માટેની તરસ જોઈ હતી એટલે પણ મેં …….’

લીસાને એની પોતાની સિક્સ્થ સેન્સ પર વિશ્વાસ બેઠો, ‘મેં પણ એ તરસ જોઈ હતી, જેકી, અને એટલે તો મેં … એની વે, નાઉ. હાઉ કેન આઈ હેલ્પ યુ, જેકી?’ પેલી પ્રેમાળ, નિખાલસ લીસા આળસ મરડીને ફરી બેઠી થઈ ગઈ.

એને કારણ પૂછવાનું અજુગતું લાગ્યું પરંતુ ત્યાં તો જેકીએ જ ફોડ પાડ્યો, ‘વેલ, મારાં બાળકોનો એ બાપ ન બની શક્યો એનો વાંધો નહોતો, પરંતુ એ લોકો તરફનો તિરસ્કાર અને પછી એને લીધે થતાં રોજરોજનાં ઝઘડાં …’

‘પરંતુ, જેકી તારી સાથે લગ્ન કર્યા ત્યારે એને ખબર જ હતી ને કે તને બાળકો સાથે સ્વીકારવાની હતી, તો પછી ..’

‘સાચુ કહું, લીસા …. (થોડો સંકોચથી બોલી,) ….. એને કદાચ તારાથી છૂટું થવું હતું તેમાં અમને બન્નેને ભાવતું હતું ને વૈદે કહ્યું તેમ તેં જાતે જ અમને સગવડ કરી આપી. મારી સાથે લગ્ન કરતી વખતે મને લાગે છે એને બાળકોની જવાબદારીનો અહેસાસ જ નહોતો. એને મન એ ગૌણ વાત હતી. અને એ જ વાત ધીરે ધીરે મુખ્ય બનતી ગઈ, અને એટલે સુધી કે હવે એ બહાનું લઈને એ દારુની લતે ચઢી ગયો છે. નશામાં જે બોલે છે એ …. જવા દે એ વાત, લીસા. છેલ્લા બે મહિનાથી એ જુદો રહેવા જતો રહ્યો છે અને આજે સવારનાં મને ડિવોર્સના પેપર્સ મળ્યા.’

વળી બન્ને છેડે નીરવતા!

‘હશે, આટલાં વર્ષ હું યાદ ન આવી ને અચાનક મને કેમ ફોન કર્યો? ‘એમ કહેવાનો લીસાનો સ્વભાવ જ નહોતો પરંતુ કઈ રીતે આશ્વાસન આપવું તે પણ એને સમજ ન પડી.

જેકીને જ વાત આગળ વધારવી પડી, ‘વેલ લીસા, જ્યારે તેં અમને બન્નેને કોફી શોપમાં ભેગા કર્યા હતાં ત્યારે જ હું તારી ડેવિડ તરફની સાચી લાગણી સમજી હતી - સામાન્ય અને છીછરા પ્રેમથી ક્યાં ય ઉપરની એ વાત હતી. અને આજે તને ફોન કરવા પાછળનો મારો આશય એ હતો કે તેં મારી પર મૂકેલા વિશ્વાસમાં ખરી નથી ઊતરી શકી. હું પણ એને સાચવી શકી નહીં.’

‘જેકી, એને સાચવાને જવાબદારી એની પોતાની છે. એ હૃદયહીન છે એવું મને લાગેલું. આજે એનાથી આગળ વધી કહું છું કે એ સ્વાર્થી પણ છે. ખૂબ જ સ્વાર્થી. પોતાના સુખ આગળ એને માટે કંઈ જ અગત્યનું નથી. વેલ, તું સુખી થા, અને બાળકોને મારા તરફથી વ્હા=વહાલ આપજે.’ કહીને એણે મોટો નિઃસાસાની સાથે ફોન મૂક્યો. મનને તળિયેથી ‘કોઈ નવી સ્ત્રી એના જીવનમાં આવી હશેની દહેશત’ અકળાતી અકળાતી બહાર આવી. પરંતુ એ વિચારને ખંખેરી ઘરે પાછી વળી.

એ વાતની ખબર એના મિત્રવૃંદમાં પણ ફરી વળી હતી, પરંતુ લીસા સાથે કોઈએ એ વાત ન ઉખેળી.

ફરી એ જ જિંદગીની ઘરેડ … કામ, ઘર, વૃદ્ધાવસ્થાને સ્વીકારીને ફ્રાંસથી કાયમ માટે પાછાં વળેલાં મમ-ડેડને સંભાળતી લીસા.

એક દિવસ કામ પર હતીને ડેડનો ફોન આવ્યો. લીસાના મનમાં ધ્રાસકો પડ્યો, ‘યસ ડેડ, વોટ હેપન્ડ?’

‘હાય લીસા, હમણા હોસ્પિટલમાંથી તારે માટે ફોન આવ્યો હતો.’ અને આગળ કાંઈ બોલે તે પહેલા જ લીસાના સવાલો કોણ, ક્યારે, કેમ - એના ડેડ પર વરસી પડ્યા.

‘સાંભળતો ખરી, છોકરી. મને કે તારી મમને કંઈ જ નથી થયું, બેટા. ડેવિડનો ફોન હતો. એને તારી સાથે કંઈ ખૂબ જ અગત્યની વાત કરવી હતી એમ કહેતો હતો. અને …. સાચું કહું બેટા, મને એનો અવાજ ખૂબ જ ધીરો અને નબળો લાગ્યો. બીમાર હોય તેવો.’

લીસા તરફથી કોઈ જ પ્રતિભાવ ન મળતા એના ડેડે, ‘હલો …. હલો, લીસ’ કહ્યું ત્યારે લીસાને અંદરથી ઊઠતા દર્દનો અહેસાસ થયો. શું કહેવું તે પણ સૂઝ ન પડી, ‘વેલ ડેડ, હું ઘરે આવું પછી વાત.’

‘ઓ.કે. બેટા, તને જે યોગ્ય લાગે તે સાચું આ તો મને લાગ્યું કે કંઈ સિરિયસ …..’

ફોન મુક્યો, પરંતુ અંતરને વલોવી નાંખતી એક ચીસ ઊઠી. એને થયું સાચે જ એનાથી ચીસ પડાઈ ગઈ છે.  આજુબાજુ જોયું સૌ સૌનાં કામમાં હતાં. ટેબલ પર માથું નાંખી બેસી રહી.

એ સ્વાર્થી, ક્રૂર માણસ પાસે જવાની શું જરૂર છે? એક મને કહ્યું, પરંતુ તરત જ પેલી માયાળુ, પ્રેમાળ અને નિખાલસ ભોળી લીસા ડેવિડના સમાચારથી ખળભળી ઊઠી અને પેલા મનનો અવાજ દબાવી દીધો.

હું જઈશ, પૂછીશ …. એને પૂછીશ …….. શું પૂછીશ? અંતરમન પાસે કોઈ જ જવાબ નહોતો. ડેવિડને એણે ચાહ્યો હતો, કદાચ લાગે છે હજુ પણ એ ઋજુ ભાવ અકબંધ છે. પરંતુ ધેટસ ઈટ. પૂછવા અને કહેવાના સંબંધથી એ ખૂબ ખૂબ દૂર નીકળી ગઈ છે. શા માટે જવું જોઈએ. હવે જ્યારે માંદગીને બિછાને પડ્યો ત્યારે હું યાદ આવી!

પોતે જ પોતાને કહેતી રહી, ધમકાવતી રહી … ‘નથી જવાનું’.

માંડ માંડ સાડા ચાર વગાડ્યા.

‘તબિયત સારી નથી’ કહીને નીકળી ગઈ.

કાર ચાલુ તો કરી ઘરે જવા માટે પરંતુ અજાણતાં જ હોસ્પિટલ તરફ વળી ગઈ.

હોસ્પિટલના કાર પાર્કમાં ક્યાં ય સુધી બેસી રહી. મન પગને ધક્કા મારતું હતું અને પગ સાવ જાણે પત્થરના બની ગયા હોય તેમ જરા ય હાલવાનું નામ નહોતા લેતા. 

આખરે ડેડને ફોન કરીને ડેવિડના વોર્ડનું નામ લીધું અને એ વોર્ડ પાસે પહોંચી. એને લાગ્યું કે એ કાચબો બની ગઈ છે. કાચબાની વજ્ર જેવી પીઠ નીચેથી પ્રેમ, મમતા, કરુણા અને માણેલા સહચર્યના પગ બહાર ફેલાઈ ગયા. ધીમી ગતિએ વોર્ડના રિસેપ્શન પાસે પહોંચી ડેવિડ સ્મીથ ક્યાં છે એ પૂછ્યું.

અવાજમાં ભારોભાર સહાનુભૂતિ સાથે વોર્ડ નર્સે ડેવિડને ‘લોરસ હોસ્પિક’માં ખસેડ્યાનાં સમાચાર આપ્યા.

ટર્મિનલ ઈલનેસવાળા - જેમને જે કોઈ રોગ થયો હોય તે મટવાનો જ ન હોય અને મરવાની રાહ જોતાં હોય એવાં દરદીને જ ત્યાં તો ખસેડવામાં આવે છે, એની લીસાને ખબર હતી. એને લાગ્યું કે આખો વોર્ડ, પેલો નર્સ સઘળું ગોળ ગોળ કેમ ફરે છે? એ નીચે જ બેસી પડી.

બીજી નર્સ દોડી આવી અને લીસાને સહારો આપી વિઝિટર રૂમમાં લઈ ગઈ. ઠંડુ પાણી આપ્યું, કોફી આપી અને આસ્તેથી એને ડેવિડ સાથે શું સગપણ થાય એ પૂછ્યું. કારણ અજાણ્યાને દરદીની માહિતી ન આપી શકાય એ કાયદાને ધ્યાનમાં રાખીને જ એ નર્સે તો પૂછ્યું હતું. પરંતુ લીસાને ય થયું સાચે જ એને ડેવિડ સાથે શું સગપણ છે? એને પોતાને ય ખબર નથી. માંડ માંડ સ્વસ્થતા રાખી ‘મિત્ર’ છે કહ્યું અને આજે સવારે એને ફોન કરીને ડેવિડે જ બોલાવી હતી તે કહેવું પડ્યું.

લોરસમાં જવાની હિંમત જ એ ગુમાવી બેઠી. આસ્તે આસ્તે એ કાર પાસે આવી. અચાનક મન સ્વસ્થ થઈ ગયું હોય તેમ નિર્ણય લઈ લીધો - કાલે જઈશ. આજે આ મનની પરિસ્થિતિમાં તો કોઈ પણ સંજોગોમાં નથી જ જવું.

બીજે દિવસે કામે રજા મૂકી દીધી.

અને થર્મોસમાં ડેવિડને ભાવતી કોફી બનાવીને ભરી. સાથે થોડું ખાવાનું લીધું. અને લોરસ પહોંચી. ગઈકાલની બધી જ ભેળસેળ થઈ ગયેલી લાગણીઓ અચાનક પોતપોતાને સ્થાને જાણે ગોઠવાઇ ગઈ. ગઈકાલની કાચબાની ગતિ ગાયબ થઈ ગઈ, વર્ષો પહેલાં હરણફાળે ડેવિડને મળવા જતી લીસા આજે ધીરગંભીર અને સ્વસ્થ પગલે ડેવિડના ખાટલા પાસે પહોંચી. ભીંત તરફ મોં રાખી સૂતેલા ડેવિડે અવાજ સાંભળીને પડખું બદલ્યું અને …. અને એક પળમાં પેલી ધીરગંભીરતા અને સ્વસ્થતા બરફની જેમ પીગળી ગઈ. સાવ જ હાડ્પીંજર જેવા ડેવિડને જોવાની તો એણે કલ્પના ય ક્યાંથી કરી હોય?  ઢગલો થઈને ખુરસી પર બેસી પડી.

એક વખતનો ચાર્મિંગ અને હેન્ડસમ ડેવિડ આ જ છે?

જેનાથી એની દુનિયા શરૂ થતી હતી અને સમાપ્ત પણ થઈ ગઈ હતી તે આ જ ડેવિડ?

બે આંખોના ગોખલામાંથી પાણીની સરવણી ફૂટી કે શું?

‘ઓ મા, ડેવિડ રડે છે,’નો ખ્યાલ આવતાં જ સ્વસ્થ બનવાનો પ્રયત્ન કર્યો પણ બન્ને પક્ષે શબ્દો ઓગળી ગયા હતા. ટીસ્યુ આપવા લંબાયેલા લીસાના હાથને ડેવિડે પકડી લીધો.

‘ઓ રે, આ તે કેવો સ્પર્શ? કોઈ સ્પંદન ન થયું, માત્ર એક ધગધગતા હાથનો સ્પર્શ. એક વખત સ્પર્શમાં હૂંફ શોધતી લીસા દાઝી ગઈ હોય તેમ હાથ સેરવવાનો પ્રયત્ન કર્યો અને એક વખતનો એ પૌરુષી હાથ લસરીને ખાટલા પર પછડાયો. લીસાએ અત્યાર સુધી રોકેલા અને સંઘરેલા આંસુઓનાં નાનાં-મોટાં બધાં જ ઝરણાં ધોધ બનીને વરસી પડ્યાં.

ડેવિડને લીવરના કેન્સરે ગ્રસી લીધો હતો.

જેકીથી છૂટા પડ્યા પછી શું થયું જાણવાની કોઈ જરૂર લીસાને ન લાગી.

ન તો ડેવિડમાં એ કહેવાની પણ તાકાત હતી.

બસ ચૂપચાપ બેસી રહ્યા બન્ને.

લીસાએ જોબ ઉપર બે અઠવાડિયાની રજા મૂકી દીધી.

છેલ્લા ત્રણ દિવસથી રોજ સવારથી ડેવિડ પાસે આવી બેસે છે. મૌનનો ભાર નથી લાગતો બન્નેને. ચૂપચાપ, ભાગ્યે જ કોઈ શબ્દોની આપ-લે થતી હશે. જેટલા શબ્દો અર્થહીન બની ગયા હતા એટલી જ સંવેદનાઓ અર્થસભર બનવા લાગી હતી.  

લીસાની નિસ્વાર્થ લાગણીએ ડેવિડને હચમચાવી દીધો. જાદૂઈ પેનથી લખેલું લખાણ અદૃશ્ય હોય તેમ અત્યાર સુધી લીસાને કરેલા અન્યાય, અપમાન અને અવહેલના ડેવિડના અંતરામાં ધરબાયેલા પડ્યા હતા તે એકદમ જ લીસાની લાગણીના સ્પર્શ માત્રથી સ્પષ્ટ ઉપસી આવ્યા. પરંતુ ત્યારે જ દેખાયા જ્યારે શરીરે બોલવાની તાકાત પણ ગુમાવી દીધી હાતી. કેન્સરને લીધે આવી પડેલી શારીરિક લાચારી અને માનસિક અપરાધભાવથી અધમૂઆ થઈ ગયેલા ડેવિડને ઘણું કહેવું છે, માફી માંગવી છે પરંતુ લીસાના પ્રેમાળ સ્પર્શે એને વાચાહિન કરી નાંખ્યો છે. ક્યારેક બોલવાની શરૂઆત કરે છે તો લીસા એને નાના બાળકની જેમ ચૂપ કરી માથે હાથ ફેરવીને સૂવડાવી દે છે.     

રોજ રોજ આવતી લીસા એક દિવસ આવી તો ડેવિડ એની પથારીમાં નહોતો. એ ધ્રાસકાની મારી ખાટલા પાસે રાખેલી ખુરસીમાં ફસડાઈ પડી. એને થયું … ડેવિડ… દુનિયા છોડીને જતો રહ્યો ….. કે …… શું?

ત્યાં તો નર્સે આવી એને પ્રેયર રુમમાં ‘ડેવિડ એની રાહ જોય છે’ કહી ત્યાં દોરી ગઈ.

લીસાને થયું પ્રેયર અને ડેવિડ! એ તો પોતાને હંમેશાં નાસ્તિક જ ગણાવતો હતો. લીસા પણ કાંઈ એવી ધાર્મિક નહોતી. નવાઈથી એ જ્યારે પ્રેયર રૂમમાં પ્રવેશી તો જોયું કે ડેવિડે સૂટ પહેર્યો હતો - જો કે હેંગર પર લટકાવ્યો હોય એવો લાગતો હતો છતાં ય ડેવિડ ખુશ લાગતો હતો અને ફ્રેશ લાગતો હતો. બેસવાનું તો એને માટે શક્ય નહોતું એટલે ત્યાં એને માટે પથારી રાખવામાં આવી હતી તેમાં ઓશિકાઓને સહારે બેઠો હતો.

નર્સ એમને એકલા રાખી જતી રહી.

નવાઈ આંજેલી આંખે લીસા ડેવિડને જોઈ રહી.

ડેવિડે ખાટલા પર હાથ થપથપાવી પાસે બેસવાની ઈશારત કરી.

લીસા બેઠી.

ડેવિડે ઓશીકા નીચે રાખેલો એક કાગળ કાઢ્યો અને નજર ફેરવી લીસા સમક્ષ ધર્યો.

એક પછી એક મળતાં આશ્ચર્યથી લીસા પણ હળવાશ અનુભવવા લાગી.

કાગળ હાથમાં લીધો અને ચશ્માં ચઢાવી વાંચવાની શરૂઆત કરી …..

આ….. આ તો લગ્ન વખતે બોલાવાતી પ્રતિજ્ઞાઓ છે!

એણે પ્રશ્નાર્થ નજરે ડેવિડ સામે જોયું.

ધીમું હાસ્ય લાવી ડેવિડ ધીમે પરંતુ મક્કમ અવાજે બોલ્યો, ‘લીસ, ડર નહીં. હું આ સ્થિતિમાં લગ્ન કરીને તને વિધવા બનાવું એટલો સ્વાર્થી નથી જ.’

બોલતાં બોલતા એ અટક્યો થાક લાગ્યો એટલે કે … કે પછી શું બોલવું તે મનમાં ગોઠવવા માટે અટક્યો ખબર નહીં. પછી ઊંડો શ્વાસ લેવા ગયો અને સખ્ખત ઉધરસ ચઢી. માંડ માંડ સ્વસ્થ થયો. લીસા એને વાંસે હાથ ફેરવતી રહી. એણે ફરી પેલા કાગળ વાંચવાનો આગ્રહ ચાલુ રાખ્યો.

લીસાએ ખોંખારો ખાઈને વાંચવાનું શરૂ કર્યું :

“ડુ યુ ટેઈક લીસા ટુ બી યોર વાઈફ? (તમે લીસાને તમારી પત્ની તરીકે સ્વીકારો છો?)

એણે અટકીને ડેવિડ સામે જોયું.

ડેવિડની છાતી ધમણની જેમ ફૂલતી હતી તો ય લીસાએ એને અટકાવ્યો નહીં. બોલવા જ દીધો …

“આઈ ડીડન્ટ એન્ડ આઈ રીગ્રેટ ફોર નોટ ટેઈકીંગ હર એસ માય વાઈફ’ ડેવિડે ગંભીરતાથી કહ્યું.

(“એને મારી પત્ની તરીકે ન સ્વીકારીને હવે પસ્તાવું છું”)….. આંખ મીંચીને એ બોલતો હતો. બોલતાં બોલતાં સખ્ખત કષ્ટ પડતું હતું તો ય બોલતો હતો.

લીસાએ બીજું વાક્ય વાંચ્યું.

“ડુ યુ પ્રોમિશ ટુ લવ, ઓનર, ચેરીશ એન્ડ પ્રોટેક્ટ હર, ફોર્સેઈકીંગ ઓલ અધર્સ એન્ડ હોલ્ડીંગ ઓન્લી અનટુ હર ફ્રોમ ધીસ ડે ફોર્વર્ડ ટીલ ધ ડેથ ડુ અસ પાર્ટ? (એને પ્રેમ કરતાં રહેવાનું, એનું હંમેશાં માન રાખવાનું અને હૃદયમાં સ્થાન આપવાનું તથા જો કોઈ અન્ય તમારા જીવનમાં હોય તો તેનો ત્યાગ કરી માત્ર લીસાને જ મૃત્યુ તમને જુદા ન કરે ત્યાં સુધી સ્થાન આપવાનું વચન આપો છો?)

આત્માને વલોવી નાંખતાં અવાજે એ માંડ માંડ બોલ્યો :

‘એમાંનું હું કંઈ જ ન કરી શક્યો તેને માટે હું એનો ગુનેગાર છું અને તેને માટે મને પારાવાર દુઃખ છે. આજે મૃત્યુને કિનારે ઊભો છું, ત્યારે ઉપર બેઠેલા પરમ પિતા પરમેશ્વરની નહીં પરંતુ આ નિખાલસ અને પ્રેમાળ સ્ત્રીની જેના પર ગુજારેલા મારા બધા જ અંતહિન અપરાધોની હું સાચા અંતરપૂર્વક માફી માગું છું.

આંખના ગોખલામાંથી બળપૂર્વક નજર ઊંચી કરી ડેવિડે જોયું તો લીસાની આંખો બંધ છે અને એમાંથી ચોધાર આંસુ વહ્યાં જાય છે.

ખૂબ જ સલુકાઈથી એણે લીસાના હાથ પર કીસ કરવા માટે હાથ ઉપાડવાનો મરણિયો પ્રયત્ન કર્યો તો ખરો, પરંતુ એનો હાથ અને માથું બન્ને ઢળી પડ્યાં!

**************************

e.mail : ninapatel[email protected]

Category :- Opinion / Short Stories