યુદ્ધ

વસુધા ઈનામદાર
01-05-2022

સ્વતંત્રતાની તરસને,
દઈ રહ્યાં છે સહુ
મૃગજળનાં છાંટણાં,
જોઈ, ઝૂકી પડ્યું નભ,
ને ઢળી પડ્યું રણમાં, (ખંડેરમાં)
સૂનમૂન ઊભી છે,
સમિધ જેવી,
વૃક્ષની હારમાળા,
થઈ રહ્યો છે, હાહાકાર!
માનવ, પશુ, પંખીના,
અમાનવીય સંહારમાં !
સૂરજ પણ અટવાયો,
શોધે છે, એનો પડછાયો,
ભસ્મીભૂત જળાશયમાં,
છે, અસૂરની આંખ ઝળહળ,
પ્રસરી રહ્યું છે હળાહળ,
અગ્નિ અને ધુમ્રના તાંડવમાં!
તોપ અને મિસાઈલ્સની ગર્જનામાં,
માણસ શોધી રહ્યો છે, માણસાઈને!!

બોસ્ટન, અમેરિકા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 05

Category :- Poetry / Poetry