અત્યારના સંજોગોમાં વિશ્વકુટુંબ તરીકે વિકસવાનો આપણો સંકલ્પ

દાઉદભાઈ ઘાંચી
15-03-2022

‘ઓપિનિયન’−‘નિરીક્ષક’માં પ્રકાશિત, દાઉદભાઈ ઘાંચીના લેખોના સંપાદિત સંચય ‘અમે તો પંખી પારાવારનાં’ના, 19 ફેબ્રુઆરી 2022ના રોજ, યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, થયેલા લોકાર્પણ પ્રસંગે પુસ્તકના લેખકે આપેલું પ્રતિભાવ વક્તવ્ય

'અમે તો પંખી પારાવારનાં’, પંખીનું જીવન એક મુક્ત જીવન, એક આનંદનું જીવન, એવું જીવન કે જે અન્યને પ્રાસાદિક અનુભવ કરાવે. અન્યને સમજવા માટે કોશિશ કરે, એને સ્વીકારે ... એવું જીવન એ પંખીનું પારાવારનું જીવન મેં ગણ્યું છે.

મને ઇંગ્લેન્ડમાં મુલાકાત માટે - ખાસ કરીને ‘ઇંગ્લૅન્ડ, ૯૦ના દાયકાથી અત્યાર’ સુધી વારંવાર પ્રસંગો પ્રાપ્ત થયા છે. અને એ મુલાકાતોમાં ત્યાંની 'ગુજરાતી લિટરરી અકાદમી’ કે યોર્કશાયરના કવિઓનું ફોરમ કે સંગઠનો અને એમની પ્રવૃત્તિઓનો મને લાભ મળતો રહ્યો છે. એને કારણે મને લોકોનું જીવન જોવા અને સમજવા માટેની તક મળી છે. આમ તો એક ઊંડા અહોભાવથી કેટલીક મુલાકાતો થતી. એની આભા હંમેશાં રહેતી અને ત્યાં બધું જ, સારી, ઉદાર, તપોબળ (સમી) સુંદર વ્યવસ્થા, ત્યાંના નાગરિકોનાં સંગઠનો, યુવકોનાં સંગઠનો, લાઇબ્રેરી, મ્યુઝિયમ, થિયેટર અને સાંસ્કૃતિક કેન્દ્રો - એ બધાનાં પરિચયમાં આવવાના કારણે એક ઉદાર વર્લ્ડ વ્યૂ, દૃષ્ટિબિંદુ કેળવવાની તક મળી. એ દૃષ્ટિબિંદુથી ત્યાંના લોકોનું જીવન જોવાનો મેં મારી દરેક મુલાકાત વખતે પ્રયત્ન કર્યો છે. એમાં વસવાટીઓના, મારા સાથીઓ એવા ડાયસ્પોરાના આપણા નગરજનો, એમના પરિવારો, એમના વ્યવસાયો, ત્યાંના રાજકારણની અંદર, સ્થાનિક સમાજની વ્યવસ્થાની અંદર નેતૃત્વનો અસરકારક ભાગ ભજવાયો .... એ બધું જોવાનો અને જોઈને તેના પર ચિંતન કરવાનો મેં હંમેશાં પ્રયત્ન કર્યો છે.

ત્યાં જઈને વસેલા આપણા ગુર્જરજનોએ એમની વિશિષ્ટ ગુજરાતીતાને ત્યાં આગળ પ્રતિબિંબિત કરવા અને ત્યાંના જીવનમાં એના અંશો પરોવવા માટેનો પ્રયત્ન કરવા માટે હંમેશાં ઉદ્યોતપણે તૈયાર હોય તેવું મને જોવા મળ્યું છે. અને પરિણામે ઇંગ્લૅન્ડના, યુનાઇટેડ કિંગ્ડમના સ્થાનિક લોકો પણ ખૂબ આભાર સાથે આપણા ત્યાંના ડાયસ્પોરા ગુજરાતી નાગરિકોને કારણે ત્યાંનું જીવન કેટલું ધન્ય બન્યું છે, તેના અનુભવો વર્ણવતા જોવા મળ્યા છે. એની સામે આપણા સ્થાનિક લોકો, તળ ગુજરાતના લોકો, ખાસ કરીને, જ્યારથી એ ઇંગ્લૅન્ડમાં, યુનાઇટેડ કિંગ્ડમના જુદા ભાગોની અંદર સ્થિર થવા લાગ્યા, ત્યાં આગળ સ્થાયી થયા, પોતાના કુટુંબને ઉછેર્યા, એની શિક્ષણ વ્યવસ્થામાં બને તેટલો લાભ પોતાનાં સંતાનોને મળે એ માટે જરૂરી વ્યવસ્થા કરી. ત્યાંની જાહેર સંસ્થાઓની અંદર કામકાજ કરવા માટેની તકો, નીતિ અને રીતિ પ્રમાણે ઇમાનદારીથી એ તકોનો લાભ સ્થાનિક સમાજને આપ્યો, એ બધું જોવાનું બન્યું. એ જ જોયા ઉપરથી હું એમ કહે રાખું કે તળ ગુજરાતમાંથી ગયા હોય, સુરત જિલ્લાના, ભરૂચ જિલ્લાના લોકો દાખલા તરીકે, એવા સમયે જતા હોય કે જ્યારે મિલકામદાર તરીકે તેમને કામ કરવું પડતું હોય, ઔપચારિક શિક્ષણની એમની પાસે પૂરતી સુવિધા કે સજ્જતા નહોતી, એવા સમયે એ પોતે ત્યાં ‘આઇસબ્રેકર’ તરીકેનો રોલ ભજવ્યો અને સમાજની અંદર મૂળ નાખ્યાં, એ એમની બહુ મોટી સિદ્ધિ રહી.

ગુજરાતી ભાષી ભાઈઓ-બહેનો અહીંથી ત્યાં આગળ ગયાં, એની સાથે તળ ગુજરાતની ગુજરાતી ભાષા લઈ ગયા અને એ ભાષાને પોતાનો અંગત અનુભવ અને અંગત લાગણીઓને વણી લઈ અને આંગ્લ પ્રદેશના પ્રભાવવાળી, અસરવાળી ગુજરાતી ભાષામાં જે લેખનો આપ્યા, કાવ્યો આપ્યાં, વાર્તાઓ આપી, નવલકથાઓ આપી, ભાષાંતરો આપ્યાં અને એમણે એમનું કર્તવ્ય ત્યાં આગળ બજાવ્યું. આ કર્તવ્ય બજાવતાં બજાવતાં એમને ત્યાં આગળ મુશ્કેલીઓ પડી, દેશના પોતાના પરિવારજનો, સગાં-સંબંધીઓ એ બધાના માટે એક ઝુરાપાની લાગણી અને એ લાગણીની વેદના પણ એમણે અનુભવી, અને એને એમણે પોતાનાં લખાણો દ્વારા વાચા આપી. અને તે બંને પરિણામે, ઇંગ્લૅન્ડ અને ગુજરાત અને ભારત, એમનું એક પ્રકારનું કૉમનવેલ્થ રચાયું. એટલે કે એવી એક સમાજરચના ઊભી થઈ, જેના સભ્યો વચ્ચે એમના હેતુઓ, ઉદ્દેશ્યો અને કામગીરીનું સાયુજ્ય હતું, સંકલન હતું અને એ બંનેની વચ્ચે ઘણી બધી મિલનની તકો હતી મિશ્રણ કરવાની અને એક જાતનું નવું સ્વરૂપ ઊભું કરવાની, એમને એવી મંછા રહેતી અને એવું એ કરી શક્યા.

આ મેં ત્યાં આગળ, એ સંસ્થાઓના સંપર્કમાં આવી, ત્યાંની વ્યક્તિઓના સંપર્કમાં આવીને જોયું. અને પછી એમની અપેક્ષાઓ અને એમની આકાંક્ષાઓ અને એમનાં સ્વપ્નો સાકાર કરવા માટે જે રીતે તેઓ ત્યાંના જીવનમાં પરોવાયા અને ત્યાંના પ્રકારની અર્થવ્યવસ્થા, ત્યાંના પ્રકારનો કામદાર માણસ, ત્યાંના પ્રકારના ફાયનાન્સિયલ ધિરાણની વ્યવસ્થા કરનારો વ્યવસ્થાપક, ત્યાંના પ્રકારનો ઉદ્યોગધંધાનો સાહસિક એન્ટરપ્રિન્યોર ... આ બધાં વિવિધ પ્રકારનાં કર્મો કરવાને માટે એમણે એ આખી કામગીરીમાં પોતાની જાતને જોતરી. અને બહુ સુંદર નમૂના એમણે સફળ વેપારીઓના, સફળ ઉદ્યોગપતિઓના, સફળ મૅનેજમેન્ટ કરનારાઓના અને એની સાથે સાથે સફળ એક બીજાને મદદ કરનારા એવા દાનવીરો, એવા મદદગારો તરીકે ઉભરી આવ્યા સાથે કામગીરીની જવાબદારી ઉપાડનારા એ વર્ગો અને આપણે ગુજરાતના લોકો, ત્યાં જે સ્વીકાર પામ્યા અને એને પરિણામે ત્યાંની સ્થાનિક સંસ્કૃતિમાં હળ્યા-મળ્યા-ભળ્યા એણે એક બહુ સારી છાપ પાડી, એક ઇમેજ ઊભી કરી કે આ પ્રજા આપણે માટે આશીર્વાદરૂપ પ્રજા છે. (એમને) આપણી પ્રતિસ્પર્ધી ન ગણતા આપણા સહકાર્યકરો, સહાયકો, મિત્રો ગણીશું અને એને કારણે શક્તિઓ અને એને એ જે ક્ષમતાઓ લઈને આવેલા છે એનું સીધું આરોપણ, એની સીધી રોપણી ત્યાંની સાંસ્કૃતિક ભૂમિકાની અંદર થશે (એમ માનતા થયા) અને એ થઈ શક્યું. મને આ જ્યારે જોવા મળ્યું, ધીરે ધીરે વ્યાપક રીતે જોવા મળ્યું ત્યારે મને મારા મનથી, એક શિક્ષક અને અધ્યાપક તરીકે એવી પ્રતીતિ થઈ કે મારો સમાજ, એક પરિવાર તરીકે, કુટુંબ તરીકે સમાનતાના ધોરણે આપેલા સિદ્ધાંત ઉપર સહયોગની માંડણી કરીને એક સારો સુખી સંપન્ન સમાજ બની શકશે. અને એ ત્યાંના સ્થાનિક સમાજ સાથે ભળી જઈ, સ્થાનિક સમાજને એમની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થશે.

મેં મારા એક લેખની અંદર 'સામાજિક નિષ્કાષન’નો અને એક લેખની અંદર ત્યાંના લોકોને સમાજની અંદર નડતી સમસ્યાઓ, એની અસરો, જે અસરોને કારણે એમના સમાજનું જાણે કે વિઘટન થાય અને સમાજમાંથી બહાર ફેંકાઈ જાય, સમાજ એને સ્વીકૃતિ ના આપે એવા માહોલ ઊભા થાય અને પરિણામે એ માર્ગે વળતી ખાસ કરીને યુવાપેઢી એ માદક દ્રવ્યો, નશાખોરી કે બીજી નાની-મોટી ગુનાખોરીની પ્રવૃત્તિઓ કરી એમાં પ્રવૃત્ત બને અને પોતાની જાતને એક જાતનું એક વિરોચક ... આપતા અને ત્યાંના સમાજ, તેના વ્યક્તિગત કુટુંબો અને એના અંદર રહેતી વ્યક્તિઓ પતિ-પત્ની, ભાઈ-બહેન, માતા-પિતા, સંતાનો, બીજી પેઢીનાં સંતાનો એ બધાંને કેવી રીતે સમાજવ્યવસ્થા, કુટુંબવ્યવસ્થા, પરિવાર સંબંધોની વ્યવસ્થા ગોઠવવી એનું એમને દૃષ્ટાંત જોવા મળ્યું. પડોશમાં રહેતા વસવાટીઓ, ગુજરાતીઓ, બીજા, ભારત દેશના ત્યાં સ્થાપિત થયેલા લોકો, એમણે પોતાની જીવનશૈલી એવી રીતે વિકસાવી કે એમને જોવાનું મળ્યું કે જીવનના પ્રશ્નો, જીવનની અંદર આવતા ઉબડ-ખાબડ રસ્તાઓ, જીવનની અંદર આવતી ચડતી-પડતી, જીવનની અંદર આવતા ખોટ અને લાભના પ્રસંગો, વિખવાદ અને સંવાદના પ્રસંગો, આ બધા જ્યારે આપણે અંતર-સમાજ, Intersociety relationship ઊભી કરીએ અને એ સવાલોની અને સમસ્યાઓની ચર્ચા કરી ખુલ્લા મને એકબીજાના અનુભવોની આપ-લે કરીએ (ત્યારે) સારો સંવાદી-સુસંવાદી સમાજ ઊભો થઈ શકે છે.

એટલું છે કે આજનું ઇંગ્લેન્ડ, આજનું યુનાઇટેડ કિંગ્ડમ એ ટોની બ્લેયર જેને કહેતા હતા ને, 'મલ્ટી કલ્ચરિઝમ’ – બહુ સાંસ્કૃતિકવાદ, એ તબક્કાની અંદર પ્રવેશી ચૂક્યું, એટલે યુનિકલ્ચર રાખે, પોતાની જ સંસ્કૃતિ અને પોતાની જ આબાદી એ જ માત્ર મારા જીવનનું ધ્યેય છે એને બદલે હું સહકાર અને સહયોગથી એને શેરિંગ કરું અને give and take કરું અને પરિણામે કાળા-ગોરાનો ભેદ ન બને અને એની અંદર આસાનીઓ દાખલ થાય, સહિષ્ણુતાની આસાની દાખલ થાય, સ્વીકારની આસાની દાખલ થાય અને એ માટેની વાચા આ સાહિત્યની અંદર મળે એવો માહોલ થાય અને એટલા માટે જ સ્થાનિક પોલીસતંત્ર, સ્થાનિક કાઉન્સિલનું તંત્ર, સ્થાનિક કાઉન્ટીનું તંત્ર એ બધાની અંદર વસવાટીઓને ગુજરાતી ડાયસ્પોરા અને ગુજરાત સિવાય બીજા ભારતના ડાયસ્પોરામાં સંમેલિત કરવાની ઘણી બધી તકો એમણે ઊભી કરી છે. સાથે જીવનને મૂલવ્યું છે અને જીવનનો આનંદ મેળવ્યો છે. આ વાતો મેં મારી આ જુદી જુદી વાર્તાઓની અંદર કહી છે. આ તળગુજરાતના અનુભવો ત્યાં આગળ લઈ ગયા છે, ત્યાંના અનુભવો અને ત્યાંની બીજી સુવિધાઓ અહીંયા આગળ આપણે લાવ્યા છીએ. ખેડા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, પંચમહાલ, સુરત, ભરૂચ આ જિલ્લાઓ, હવે ઉત્તર ગુજરાતના થોડા ભાગો એની અંદર આપણા ત્યાંના વસવાટી, વ્યવસાયી વસવાટી પરિવારોની ખૂબ ઉદારતાથી દાન આપી, ઉદારતાથી સહાય કરી અને એમણે પોતાના બનાવી લીધા છે.

હમણાંનો જ દાખલો, જેમ કૅનેડાની સરહદ ઉપર એક પરિવારનો બન્યો, એવા કષ્ટભર્યા અનુભવો, ડિપોર્ટેશન, સુધીના ઇંગ્લેન્ડમાં પણ થયેલા છે અને ત્યારે જે સધિયારો સ્થાનિક લોકો તરફથી મળતો, ત્યાંના આપણાં ભાઈઓ-બહેનોએ ત્યાં મૂળિયાં નાખી એ સમાજને માતબર બનાવ્યો છે. અને એ સમાજ, એને કારણે આપણા એ વસવાટીઓ ડાયસ્પોરાનું ઋણ ભૂલતો નથી, એ ઋણને અદા કરવા માટે જાત જાતની પ્રવૃત્તિઓ હાથ ધરે છે. વાંકાનેરના હૉસ્પિટલમાં ચાલતું મહેતા ટ્રસ્ટ એ યોર્કશાયરના આંખના દાક્તરોને ફેલોશિપ આપે છે. એમને અસાઇનમેન્ટ આપે છે. અને ત્રણ મહિનાથી માંડીને છ મહિના સુધીના એમના સેવાના કાર્યક્રમોનો લાભ સ્થાનિક પ્રજાને મળે અને તેમની આંખોની સારવારની સુવિધા મળે એવું ત્યાં આગળ થઈ શકે એમ છે. એમણે એ સિદ્ધ કર્યું છે કે આદાન કે પ્રદાન ઉપર આભારી સમાજવ્યવસ્થા એ એક બહુ સારી, અત્યારની ઉપલબ્ધ વ્યવસ્થાઓની અંદર ઉત્તમ ગણી શકાય અથવા ઉત્તમમાંની એક ગણી શકાય. મારો પોતાનો પણ આ અનુભવ વિદેશપ્રવાસ અને વિદેશમાં શિક્ષણ કાર્ય કરવાનો અને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવવાનો અવસર મળતાં, એ પ્રકારે રહ્યો છે. એને કારણે મારા ચાર સંતાનો પૈકી ત્રણ સંતાનો વિદેશોની અંદર સ્થાયી થયાં છે. એ પોતે વ્યવસાયીઓ છે, પ્રોફેશનલ્સ છે અને એમણે પોતાની પ્રોફેશનલ્સ સ્કિલસ ખૂબ શાર્પન, બરાબર તીક્ષ્ણ ધારદાર બનાવી અને ત્યાંના સમાજને પણ એમની એ ક્ષમતાનો લાભ, એક્સ્પર્ટાઇઝનો લાભ આપ્યો છે અને પોતે પણ એ લાભ પ્રાપ્ત કરી શકયા છે. ત્યાં આગળ  એમનું કામ, સંશોધનનું કામ અને પ્રકાશનનું કામ યથાશક્તિ કરતા આવ્યાં છે. અત્યાર સુધી એમાંના એક ફારુકભાઈ અથવા આજના આપણા આ વેબિનારની અંદર જોડાયેલા છે. એટલે હું પોતે આશાવાદી વ્યક્તિ તરીકે, આશાવાદી નાગરિક તરીકે હંમેશાં સમાજની પોઝિટિવ સાઇડ–સકારાત્મક બાજુ જોવી, એને વધારે મજબૂત બનાવવી અને એમાંથી જે શક્ય બને એનું સંક્રમણ આપણે આપણા દેશની તળગુજરાતની અંદર અને શક્ય હોય તો ભારતના બીજા હિસ્સાની અંદર પણ કરીએ અને એ કામ થઈ રહ્યું છે. એ મેં મારા લેખો દ્વારા પણ પ્રતિપાદિત કરવા માટે પ્રયત્ન કરેલ છે.

આખરે, માણસમાં જે માનવકુટુંબ છે, એક વિશ્વપરિવાર છે અને એની અંદર પરિવારના સરખાપણાના, સમાનતાના, અભેદના સંબંધો એવા મીઠા સંબંધો કેળવાય એ માટે બન્ને રીતે, બન્ને તરફથી આપણે આ શક્યતાઓને બરાબર પિછાણવાની છે. પિછાણીને એમાંથી પસંદ કરવાની છે. એ પસંદ કરી અને એને આપણે ત્યાં આગળ રોપવાની છે. અને એ કામ સારી રીતે થવા લાગ્યું છે એ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં જોવા મળે છે. ભારતના પણ અમુક સમસ્યાઓવાળા વિસ્તારોની અંદર દુઃખી લોકો, રોગગ્રસ્ત લોકો, બીજી મુસીબતગ્રસ્ત લોકો, વંચિતો એમના કલ્યાણ માટેની કામગીરીઓ અને પ્રવૃત્તિઓ એ ત્યાં પૂરી થાય છે. આખરે વિશ્વકુટુંબ તરીકે વિકસવાનો આપણો જે સંકલ્પ છે અને ‘વસુધૈવ કુટુંબકમ’નો આપણો પુરાણો સાંસ્કૃતિક સિદ્ધાંત એટલો જ કારગત, અત્યારના સંજોગોમાં બની શકે છે અને એ આપણે કરવું જોઈએ. મેં આ વાત, કોશિશ કરી છે. ઘણું બધું એના વિશે કામ થઈ શકે.

આ પુસ્તક દ્વારા પણ અને મારા લેખો દ્વારા એ કોશિશ મેં કરી છે. અને મારા મિત્રોએ, એના સંપાદકોએ, પરામર્શકોએ એને બહુ સારું રૂપ આપ્યું છે. અને મારા એ લખાણો પ્રસ્તુત અને અસરકારક બનાવ્યા છે એ માટે હું એમનો આભાર માનું છું. હું અકાદમીનો આભાર માનું છું કે અકાદમીએ પણ આ કામ ઉપાડ્યું અને આ પુસ્તકને પ્રકાશિત કરવા માટે જરૂરી સુવિધા ઊભી કરી આપી. આ પુસ્તકનું પ્રસારણ થાય એ માટે પણ જરૂરી માળખું ઊભું કર્યું છે એ માટે પણ હું આભાર માનું છું. હું ફરીથી સૌનો, આજના પ્રસંગે મને મળ્યાનો જે આનંદ થયો છે એ માટે મારી આભારની વિનંતી સ્વીકારી લાગણી વ્યકત કરી, આપ સૌની રજા લઉં છું.

જય ભારત, જય ગુજરાત અને જય વિશ્વછબી.

લિપિયાંતર : મૈત્રી શાહ-કાપડિયા

અમે તો પંખી પારાવારનાં : લેખક - દાઉદભાઈ ઘાંચી, સંપાદક - કેતન રુપેરા, પરામર્શન : વિપુલ કલ્યાણી, પ્રકાશન : 3S Publication, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ - અમદાવાદ - 380 009, પ્રથમ આવૃત્તિ, જાન્યુઆરી 2022, પાકું પૂઠું, સાઈઝ : 5.75” x 8.75”, પૃ. 256 , રૂ.400 • £ 5, $ 7.5

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 11-12

Category :- Diaspora / Features