પુનરાવર્તન

ભાનુશંકર ઓધવજી વ્યાસ
22-04-2014

ત્યજી તને દૂરસુદૂર આદર્યાં
પ્રસ્થાન, અબ્ધિ પર કૈં દિનો વસ્યાં
ચૂમી કિનારા અમ માતૃભૂમિના
પ્રણામ કીધા સહુ આત્મીયોને
ને ત્યારથી અંતર તો દળાતાં;

યથા લિયે અજગર ચૂડમાં જીવો
તથૈવ ઘેરાં સ્મરણો સમેટીને
કાયા ભીડે આ વટવૃક્ષ આશરે.
ઉત્તુંગ વૃક્ષો, કલનાદ નિર્ઝરો
પુષ્પો મધુરાં નિજ ગંધ ઢોળતાં,
ને પક્ષીઓના કુલ આભ આંબતાં
છેડી રહે પ્રકૃતિ રાગરાગિણી !

હર્યાંભર્યાં ખેતર ! કોશ ખેંચતાં,
ત્યાં વાવણી કે લણણી કરંતાં
ભોળાં જનોનાં મુખથી સ્રવંતી
આશાવરી, ભૈરવી, પૂર્વી, કાફી ક્યાં ?

હ્યાં આ રહ્યો નિષ્ઠુરનો નિનાદ,
દાસત્વનો પીડિત ઘોષ દુર્ભગ,
સ્વાતંત્ર્યને આવરતાં સુદુષ્કર
ભંડારતાં બાદલ દ્વંદ્વથી નભ !
ઉલ્લાસ જે અંતરનો ગુમાવ્યો
ક્યાંથી પુન: પ્રાપ્ત થઈ શકે ને
પ્રલંબ યાત્રા: થઈ શ્રાંત જિંદગી
પ્રયાણ પાછાં કદી સંભવી શકે?

16-10-’68

ભાનુશંકર ઓધવજી વ્યાસ (5-10-1924 થી 12-1-1987 ). સૌરાષ્ટ્રના વાંકાનેરમાં જન્મ. મુંબઈ અને પૂનામાં ઉચ્ચ શિક્ષણ. 1955થી 1972 યુગાન્ડા. 1972માં ઈદી અમીન દ્વારા હકાલપટ્ટી પામી જીવનના અંત સુધી બ્રિટનના લેસ્ટર મુકામે. આફ્રિકન - બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરાના મહત્ત્વના આદ્યસર્જકોમાંના એક.

સૌજન્ય: "ડાયસ્પોરા સારસ્વત: ભાનુશંકર ઓધવજી વ્યાસ", સં. : બળવંત જાની, પાર્શ્વ પ્રકાશન, પૃષ્ઠ: 281

Category :- Poetry