બા અને બાપુ – દાંપત્યનું એક સુગંધી ચિત્ર

સોનલ પરીખ
06-03-2022

કસ્તૂરબાની શોધ કરનારાઓને બા એકલાં મળે નહીં. બાપુમાં જ બાને શોધવા પડે. પછી એમ તો બામાં પણ બાને શોધવા પડે. ને ત્યાર પછી પ્રતીતિ થાય કે બેમાંથી એકે રીતે પૂરેપૂરાં, આખેઆખાં બા તો મળતાં જ નથી. બાએ પોતાના વિશે કશું કહ્યું નથી. લોકો એમને મહાત્માનાં પતિપરાયણ અર્ધાંગિની તરીકે જ ઓળખે છે. જેને અનુસરવાના સંસ્કાર બાનાં લોહીમાં વહેતા હતા એ પતિ દુનિયાથી એવો નિરાળો હતો કે દેશના જ નહીં, દુનિયાના ઇતિહાસને બદલી નાખનાર સંયોગો બાની આસપાસ સર્જાતા ગયા ...

(22 ફેબ્રુઆરી – કસ્તૂરબાની પુણ્યતિથિ)

નારાયણ દેસાઈએ એમના પિતા મહાદેવભાઈનું જીવનચરિત્ર લખવા માંડ્યું ત્યારે મુશ્કેલી એ થઈ કે તેમને મોહન વિનાના મહાદેવ મળ્યા જ નહીં. પછી તેમણે મોહનમાં જ મહાદેવને શોધવાનો પ્રયત્ન કર્યો અને એ રીતે ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ પુસ્તક સર્જાયું. કસ્તૂરબાની શોધ કરનારાઓને પણ આ જ અનુભવ થાય. બા એકલાં હાથમાં ન આવે. બાપુમાં જ બાને શોધવા પડે. પછી એમ તો બામાં પણ બાને શોધવા પડે. ને ત્યાર પછી પ્રતીતિ થાય કે બેમાંથી એકે રીતે એ પૂરેપૂરાં, આખેઆખાં બા તો મળતાં જ નથી.

મુશ્કેલી એ છે કે બાએ પોતાના વિશે કશું કહ્યું નથી. લોકો એમને મહાત્માનાં પતિપરાયણ અર્ધાંગિની તરીકે જ ઓળખે છે. ઉપરાંત આજથી દોઢ સદી પહેલાનો એ સમય પણ જુદો હતો અને જેને અનુસરવાના સંસ્કાર બાનાં લોહીમાં વહેતા હતા એ પતિ પણ દુનિયાથી નિરાળો હતો. એવો નિરાળો કે દેશના જ નહીં, દુનિયાના ઇતિહાસને બદલી નાખનાર સંયોગો બાની આસપાસ સર્જાતા ગયા.

તેર વર્ષની ઉંમરે પોતાનાથી થોડાક નાના મોહનદાસ સાથે તેમનાં લગ્ન થયાં. બાસઠ વર્ષના લગ્નજીવન દરમ્યાન મોહનદાસ મહાત્મા બન્યા, અંગત અને જાહેર જીવનનાં શિખરો સર કરતા ગયા, સત્યાગ્રહની અત્યંત મૌલિક પદ્ધતિ શોધી દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં વિરાટ કાર્યો કર્યાં, દેશને બ્રિટિશ શાસનથી મુક્ત કર્યો અને ભારતની જ નહીં, સમગ્ર વિશ્વની શોષિત માનવજાતને પાંખમાં લેવા ધાર્યું. આવા નિત્યપરિવર્તનશીલ અને સત્યશોધક, આદર્શો અને સિદ્ધાંતો માટે મોટા ભોગ આપવા અને અપાવવા કટિબદ્ધ મહાત્માના અર્ધાંગિની બનવું એ જ્વાળામુખીની ટોચ પર રહેવા જેવું કપરું કામ હતું. ગજું જોઈએ.
બામાં આ ગજું હતું. બાપુની પડખે રહીને બાએ પણ વિરાટ ઐતિહાસિક પરિવર્તનોનાં મૂળમાં પોતાની પ્રાણશક્તિ સીંચી હતી. કાઠિયાવાડની એક સંસ્કારી નિરક્ષર કન્યામાંથી રાષ્ટ્રમાતા બનતાં સુધી બાની યાત્રામાં કેવા વળાંકો, કેવા પડાવો આવ્યા હશે, તેમણે કેવાં સમાધાનો કર્યાં હશે, શું શું છોડ્યું હશે, શું શું અપનાવ્યું ને સ્વીકાર્યું હશે, પોતાને કેવી કેવી રીતે સજ્જ કર્યાં હશે તેની કલ્પના કરતાં મનમાં અજબ રોમાંચ, અજબ ઊથલપાથલ જાગ્યા વિના રહે નહીં.
પતિપત્નીનાં સંબંધો વિશે પુરાતન ધર્મશાસ્ત્રોથી લઈને આજની સંબંધોનાં મૅનેજમેન્ટની વિભાવનાઓ સુધી ઘણું લખાયું છે. સમસ્યાઉકેલ અને સ્નેહસુમેળનાં સેમિનારો થાય છે. આ બધાથી સંબંધો થોડાઘણા સુધરતા હશે. પરંતુ પોતાનું કલ્યાણ સાધતાં સાધતાં લોકસમુદાયને પણ કલ્યાણપથ પર સાથે દોરી જવાની સમજણ સાથે આગળ વધતાં દંપતી જૂજ હોય છે. કસ્તૂરબા અને ગાંધીજી આવાં પતિપત્ની હતાં. ત્યારે જ તો બા બાપુ માટે કહી શકે કે મારા જેવો પતિ તો દુનિયામાં કોઈને નહીં હોય અને બાપુ બા માટે કહી શકે કે મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું.

22 ફેબ્રુઆરીએ કસ્તૂરબાની પુણ્યતિથિ હતી. બા વિશે બાપુના ઉદ્દગારો કેવા છે ? બાપુ લખે છે,

‘બા નિરક્ષર હતી. સ્વભાવે સીધી, સ્વતંત્ર, મહેનતુ અને મારી સાથે તો ઓછું બોલનારી હતી. તેને પોતાના અજ્ઞાનનો અસંતોષ ન હતો. હું ભણું છું અને પોતે પણ ભણે તો સારું એવી એની ઈચ્છા મેં કદી મારા બચપણમાં અનુભવી નથી. પણ તેને ભણાવવાની મને ઘણી હોંશ હતી. પણ જુવાનીમાં મેં એને ભણાવવાના જેટલા પ્રયત્નો કર્યા તે બધા લગભગ નિષ્ફળ ગયા. જ્યારે હું વિષયની ઊંઘમાંથી જાગ્યો ત્યારે તો હું જાહેર જીવનમાં ઝંપલાવી ચૂક્યો હતો, એટલે બહુ વખત આપી શકું એવી મારી સ્થિતિ નહોતી રહી. શિક્ષક મારફતે ભણાવવાના મારા પ્રયત્નો પણ નિષ્ફળ ગયા. પરિણામે આજે કસ્તૂરબાઈની સ્થિતિ માંડ કાગળ લખી શકે અને સામાન્ય ગુજરાતી સમજી શકે એવી છે. જો મારો પ્રેમ વિષયથી દૂષિત ન હોત તો આજે તે વિદુષી સ્ત્રી હોત એવી મારી માન્યતા છે. તેના ભણવાના આળસને હું જીતી શકત. શુદ્ધ પ્રેમને કંઈ જ અશક્ય નથી એમ હું જાણું છું.

‘બામાં એક ગુણ બહુ મોટા પ્રમાણમાં છે, જે બીજી ઘણી હિંદુ સ્ત્રીઓમાં ઓછાવત્તા પ્રમાણમાં રહેલો છે. મને-કમને, જ્ઞાન-અજ્ઞાનથી મારી પાછળ ચાલવામાં તેણે પોતાના જીવનની સાર્થકતા માની છે. અને સ્વચ્છ જીવન ગાળવાના મારા પ્રયત્નમાં મને કદી રોક્યો નથી. આથી, જો કે અમારી બુદ્ધિશક્તિમાં ઘણું અંતર છે છતાં અમારું જીવન સંતોષી, સુખી અને ઊર્ધ્વગામી છે એમ મને લાગ્યું છે. બ્રહ્મચર્યવ્રતના પાલનમાં બા તરફથી કદી વિરોધ નથી થયો. અથવા તો બા કદી લલચાવનારાં નથી બન્યાં. મારી અશક્તિ અથવા આસક્તિ જ મને રોકી રહી હતી.

‘મારા પ્રથમ કાળના અનુભવ પ્રમાણે બા બહુ હઠીલી હતી. હું દબાણ કરું તોયે તે પોતાનું ધાર્યું કરતી. તેથી અમારી વચ્ચે ક્ષણિક કે લાંબી કડવાશે ય રહેતી. પણ મારું જાહેર જીવન જેમ ઉજ્જ્વળ થતું ગયું તેમ બા ખીલતી ગઈ. અને પુખ્ત વિચારે મારામાં એટલે મારા કામમાં સમાતી ગઈ. દિવસ જતાં એમ થયું કે, મારામાં અને મારા કામમાં-સેવામાં ભેદ ન રહ્યો. બા તેમાં તદાકાર થવા લાગી.

‘અમે અસાધારણ દંપતી હતાં. 1906માં એકબીજાની સંમતિથી અમે આત્મસંયમ સ્વીકાર્યો ત્યારથી અમારો સંબંધ સાચા મિત્રનો થયો. અમે બે ભિન્ન વ્યક્તિ મટી ગયાં. અમારી ગાંઠ પહેલાં કદી નહોતી તેવી દૃઢ બની. મિત્ર થવા છતાં સ્ત્રી તરીકે અને પત્ની તરીકે પોતાનો ધર્મ મારા કાર્યમાં સમાઈ જવામાં જ માન્યો. મારી એવી ઇચ્છા નહીં છતાં તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે સાચે જ મારું શુભતર અર્ધાંગ બની. મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું.’

બા-બાપુના મધુર દાંપત્યમાંથી આજનાં દંપતીઓએ ઘણું શીખવા જેવું છે. એવું નહોતું કે લગ્નના પહેલા દિવસથી જ બેઉ સરસ ગોઠવાઈ ગયેલાં. બાપુનો તાપ ઓછો નહીં ને બા પણ દબાઈ જાય એવાં નહીં. લાલ કિનારવાળી એક સફેદ સાડી બાપુએ કાંતેલા સૂતરમાંથી બની હતી. એમને એ એટલી પ્રિય હતી કે એ સાડી ઓઢી જ ચિતાએ ચડવું એવી એમની આકાંક્ષા હતી. આ આકાંક્ષામાં ફક્ત પરંપરા નહીં, પ્રેમ પણ હતો. પ્રેમની સુંદર ઝલક બાપુએ બાને લખેલા આ શબ્દોમાં પણ મળે છે : ‘બા, તેં લખ્યું, મેં તારા માથા ઉપર જતાં હાથ પણ ન મૂક્યો. મોટર ચાલી ને મને પણ લાગ્યું, પણ તું દૂર હતી. તને બહારની નિશાની જોઈએ કે? એમ કેમ માની બેસે છે કે હું બહારથી નથી દેખાડતો, તેથી મારો પ્રેમ સૂકાઈ ગયો છે? હું તો તને કહું છું કે મારો પ્રેમ વધ્યો છે ને વધતો જાય છે ... હું તને કેવળ માટીની પૂતળી નથી માનતો. વધુ શું લખું?’

યરવડા જેલમાં એક વાર બાપુએ ફકત દૂધ પર રહેવાનું નક્કી કર્યું. મહિનામાં બાપુનું વજન ખાસ્સું ઘટી ગયું. જેલના અંગ્રેજ સુપ્રિન્ટેન્ડન્ટે બચાવ કર્યો કે ગાંધીજી આ બધું કરે છે એમાં મારો વાંક નથી. બાએ પણ અંગ્રેજી ફટકાર્યું : ‘યસ, યસ. આઈ નો માય હસબન્ડ. હી ઓલ્વેઝ મિસ્ચિફ.’ ૧૯૪૨માં બાપુ ‘હિંદ છોડો’ની ઘોષણા કરવા સેવાગ્રામથી મુંબઈ જઈ રહ્યા હતા. એમને ખાતરી હતી કે સરકાર આ વખતે એમને નહીં જ પકડે. બાને હતું કે પકડશે જ, એટલે માંદાં હોવા છતાં બાપુ સાથે ગયાં. બા સાચાં ઠર્યાં. બાપુ તો પકડાયા જ, બીમાર બાને પણ અંગ્રેજોએ કેદ કર્યા. પછીનું દોઢ વર્ષ, બા-બાપુ પૂનાના આગાખાન પેલેસમાં કેદ રહ્યાં. ત્યાં જ બાપુના ખોળામાં બાનું મૃત્યુ થયું.

બાના મૃત્યુના બે દિવસ પહેલાં મનુબહેન ગાંધીએ નોંધ્યું છે, ‘બાપુજી પોતાનું બધું કામકાજ બંધ કરી મોટીબાની સેવા કરવામાં જ લીન થઈ ગયાં છે. ઘણોખરો વખત મોટીબા પાસે બેસવામાં જ ગાળે છે. મૃત્યુવેળાએ બાપુએ બાના માથે હાથ ફેરવ્યો. બાએ કહ્યું : ‘જાઉં છું. આપણે ઘણાં સુખદુ:ખ ભોગવ્યાં.’ ને જીવ નીકળી ગયો. બાપુની આંખમાંથી આંસુ સરી પડ્યાં.

કસ્તૂરબા-ગાંધીજીના લગ્નજીવનનું આવું સૌંદર્ય હતું. ગાંધીજી કહેતા કે બ્રહ્મચર્યવ્રત બાદ બા સાથેનો તેમનો સંબંધ વધુ ગાઢ અને પવિત્ર બન્યો હતો. પરંતુ એમણે એવું કોઈ વ્રત ન લીધું હોત તો પણ, એકમેક પ્રત્યેના પ્રેમ અને આદરના જોરે તેમણે ઉમદા દાંપત્યની આટલી જ ઊંચી મિસાલ પૂરી પાડી ન હોત?

e.mail : [email protected]

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 ફેબ્રુઆરી 2022 

Category :- Gandhiana