સાહિત્ય એ મારો જીવનરસ છે ઃ ધીરુ પરીખ

પરેશ દવે
19-04-2014

ગુજરાતી સાહિત્યમાં ધીરુ પરીખ સર્જક હોવાની સાથે સતેજ અને નિષ્પક્ષ સંપાદક તરીકે પણ જાણીતા છે. કવિતા એમનો પ્રાણવાયુ છે, જેના થકી આજે ‘બુધસભા’ ધબકે છે. “કુમાર”ના પુનઃજન્મ અને “કવિલોક”ના સાતત્ય માટે ધીરુ પરીખે માતબર કામ કર્યું છે. આ સામાયિકો ધીરુભાઈના કારણે આજે આગવી ઊંચાઈને આંબી શક્યા છે. મૂળે માસ્તરનો જીવ એટલે જીવનયાત્રામાં શીખતા જવાનો અને શીખવાડતા જવાનો તેમનો સ્વભાવ. કાવ્યસર્જનમાં ધીરુભાઈએ હાઈકુ, છપ્પા કે વનવેલી છંદમાં રચેલાં ગદ્યકાવ્યોએ અનેરી પહેલ કરી છે. ધીરુભાઈના આઠ કાવ્યસંગ્રહ, જેમાં ‘ઉઘાડ’, ‘અંગ પચીસી’, ‘આગિયો’, ‘રેલ્વે સ્ટેશન અને ટ્રેઈન’ નોંધપાત્ર છે. ગીતોનો સંગ્રહ ‘હરિ ચડ્યા અડફેટે’ નામે પ્રસિદ્ધ કર્યો. ધીરુ પરીખના બે વાર્તાસંગ્રહ ‘કંટકની ખુશબો’ (૧૯૬૪) અને ‘પરાજીત વિજય’ (૨૦૦૧) પ્રકાશિત થયા છે. ‘હવે અમારા નખ વધે છે’ નામે એકાંકી સંગ્રહ છે. તો ‘કાળમાં કોર્યા નામ’ (૧૯૭૭) અને ‘સમય રેત પર પગલાં’ (૨૦૦૧) નામે જીવનચરિત્રના સંગ્રહો પ્રકાશિત કર્યા છે. આ સાથે ધીરુભાઈએ ૧૮ વિવેચન સંગ્રહો આપણને આપ્યા છે. ધીરુભાઈ આજે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’માં પસંદગી પામેલા પ્રમુખ તરીકે સેવા આપે છે. ધીરુભાઈને કુમાર ચંદ્રક, જયંત પાઠક ચંદ્રક, પ્રેમચંદ સુવર્ણ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક સહિત ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. “કુમાર” સામાયિકને ડિજિટલાઈઝ્ડ કરીને તેઓએ સાહિત્યની મોટી સેવા કરી છે. સાવ સરળ સ્વભાવના ધીરુભાઈ સર્જક, વિવેચક, સંપાદક તરીકેની ત્રેવડી ભૂમિકા સહજ રીતે ભજવે છે. તેમની સાથે થયેલો સંવાદ ...

આપણી ત્યાં અધ્યાપકો સાહિત્યકારો બનતા હોય છે. આ માટે કોઈ વિશેષ કારણ?

ભાષા ભણાવતા અધ્યાપકો પાસે ભાષાની સજ્જતા હોય છે. અધ્યાપકોને સાહિત્ય વાંચતા કે ભણાવતા જે અનુભૂતિનો લાભ મળે છે, તે તેઓને સર્જન કરવા માટે પ્રેરે છે. એક તો ભાષા પ્રત્યેનો લગાવ અને બીજું પોતાનામાં રહેલી છૂપી સર્જનાત્મકતાનો સમન્વય થાય ત્યારે સર્જન થાય છે. આપણી ત્યાં નિરંજન ભગત અંગ્રેજી સાહિત્ય ભણાવતા અને ગુજરાતીમાં સર્જન કરતા, બકુલ ત્રિપાઠી પણ અધ્યાપક હતા અને ગુજરાતીમાં સર્જન કરતા. એસ. આર. ભટ્ટ સાહેબ અને રણધીર ઉપાધ્યાય પણ અધ્યાપન સાથે સંકળાયેલા હતા અને સાહિત્યકાર તરીકે જાણીતા બનેલા છે.

આપના સમયે મોટાભાગના સર્જકો પોતાનું ઉપનામ રાખતા. આપે કોઇ ઉપનામ કે તખલ્લુસ કેમ ધારણ ન કર્યું?

મને લાગે છે કે નામ છે તે યોગ્ય છે. મને તખલ્લુસની જરૂર નથી. શાળા અને કોલેજકાળથી હું લખુ છું, પણ મને મારું નામ બદલવામાં કોઈ અર્થ લાગતો નથી. આપણી ત્યાં તખ્ખલુસનો દોર હતો. ઉમાશંકર જોશીનું તખ્ખલુસ ‘વાસુકી’ હતું. ત્રિભુવનદાસ લુહાર પણ ‘સુંદરમ્’ નામથી લખતા. ક્યારેક લેખકને એમ થાય કે પોતાના લખાણનો કેવો પ્રતિભાવ આવશે, મારા નામનું શું થશે! ધૂમકેતુ કેવું સુંદર લખતા. આજે ધૂમકેતુ લોકોને યાદ છે, પણ તેમનું નામ ગૌરીશંકર ભૂલાઈ ગયું છે.

આપ પહેલેથી શિક્ષણ સાથે સંકળાયેલા હતા, ત્યાંથી લેખન-સંપાદન ક્ષેત્રે કેવી રીતે આવ્યા?

મારા પિતાજી તબીબ (ડૉકટર) હતા અને તેમની ઇચ્છા હું પણ તબીબ થાઉં તેવી હતી. એસ.એસ.સીમાં પાસ થયા પછી પિતાજીને એમ કે હું વિજ્ઞાનપ્રવાહમાં જઈ તબીબ બનીશ. પણ મેં કહ્યું કે, મને પહેલેથી લખવામાં અને સાહિત્યમાં રસ છે એટલે મેં આર્ટસમાં પ્રવેશ મેળવ્યો. એલ.ડી.આર્ટસમાં હું બી.એ થયો. એલ. ડી. આર્ટ્સ કોલેજનું વાતાવરણ શુદ્ધ અને શિક્ષણમય હતું. આ વાતાવરણમાં સર્જનાત્મકતાને ધક્કો મળે તેવું હતું. મને સર્જન કરવા માટેની પ્રેરણા અને ધક્કો અહીંથી જ મળ્યો. અહીં કોલેજકાળમાં મેં કાવ્યો અને વાર્તા લખ્યાં. બી. એ. ભણ્યાં પછી મેં ગુજરાત યુનિવર્સિટી ખાતે એમ. એ. કર્યું. ઉમાશંકર જોશી તેના વડા હતા. અમને ભણાવવા માટે અનંતરાય રાવળ, કે. કા. શાસ્ત્રી વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આવતા. એમ. એ. થયા બાદ મને અધ્યાપક બનવાની ઇચ્છા હતી, પણ અમદાવાદ ખાતે બે જ કોલેજો હતી અને ત્યાં અધ્યાપક માટે કોઈ જગ્યા ન હતી. આ વાત છે ૧૯૫૮ની. પછી અમે મીઠાખળી પાસે આવેલી મંગલ વિદ્યાલય ખાતે શાળા છૂટ્યા બાદ ટ્યુશનના વર્ગો ચલાવ્યા. ચાર વર્ષ અમે ટ્યુશન વર્ગ ચલાવ્યા. ૧૯૬૪માં શહેરમાં નવી કોલેજો શરુ થવા લાગી. થલતેજ પાસે આવેલી માનવ મંદિર કોલેજમાં વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ અપાતું. તે સમયે વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી વિષય ફરજિયાત હતો. એટલે ૧૯૬૪ની આસપાસ મેં ત્યાં ભણાવાનું શરૂ કર્યુ. અમારી કોલેજ ત્યાંથી શિફ્ટ થઈ અને સી.યુ. શાહ કોલેજમાં અસ્તિત્વમાં આવી. બે વર્ષ ત્યાં અધ્યાપક તરીકેની નોકરી કર્યા બાદ સુરેન્દ્રનગર ખાતે સી. યુ. શાહ કોલેજે ગર્લ્સ કોલેજ શરુ કરી અને શિક્ષકની જરૂર પડતા મને એક વર્ષ માટે ત્યાં મોકલ્યો. સુરેન્દ્રનગર ખાતે બે વર્ષ પ્રિન્સિપાલ તરીકે રહ્યો. ત્યાંથી પરત આવીને સી. યુ. શાહ કોલેજમાં ૧૯૭૭ સુધી અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ૧૯૭૭માં ગુજરાત યુનિવર્સિટી ખાતે ભાષા ભવન ખાતે જોડાયો. ત્યાં મેં ૧૯૯૩ સુધી અધ્યાપક તરીકેની સેવા આપી. ત્યાં હું એમ. એ., એમ. ફીલ. અને પી. એચડી.ના વિદ્યાર્થીઓના વર્ગો લેતો હતો. આ અરસામાં “કુમાર” સામાયિક નોંધારૂ થતું ગયું. ૧૯૮૭માં “કુમાર” બંધ થઈ ગયું. “કુમાર” સામાયિક કુમાર કાર્યાલય પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા ચાલતું. તેના ડાઈરેક્ટરોમાં હીરાલાલ ભગવતી, બિહારીલાલ પોપટ અને હું પણ હતો. “કુમાર” બંધ થયા બાદ અનેક વાચક અને ગ્રાહકોના પત્રો આવવા લાગ્યા. મને ડાઈરેક્ટરોએ વિનંતી કરી કે જો તમે “કુમાર”ની જવાબદારી સ્વીકારો તો આપણે તેને ફરીથી શરુ કરીએ. આ અરસામાં હું ભાષાભવનમાં અધ્યાપક તરીકે નોકરી કરતો હતો. હું સાંજના પાંચ સુધી ભાષાભવન અને ત્યાંથી લાલબસમાં રાયપુર આવીને રોજ બે કલાક કુમાર કાર્યાલય ખાતે આવતો. આવશ્યક કાર્ય કરીને લખાણો ઘરે લઈને “કુમાર” સામાયિકના લેખો સંપાદિત કરતો. અમે “કુમાર”ને ફરીથી ૧૯૯૦ના જાન્યુઆરી મહિનાથી શરુ કર્યું. ત્યારથી હું તેનું તંત્રીપદ નિભાવું છુ. “કવિલોક”ની જવાબદારી “કુમાર”ના શીરે આવી. પછી તો “કુમાર” અને “કવિલોક”ની જવાબદારી મારા શીરે આવી.

‘આગિયા’ નામે આપે હાઇકુનો સંગ્રહ પ્રગટ કર્યો છે. હાઇકુનો કાવ્ય પ્રકાર આપને કેવી રીતે સ્પર્શી ગયો?

૧૯૬૬ પછી સ્નેહરશ્મિ જાપાનીસ કાવ્ય પ્રકાર હાઈકુને ગુજરાતીમાં લાવ્યા. મને પણ હાઈકુમાં રસ પડ્યો. મારા મતે હાઈકુ એ ચિત્રકાવ્ય છે. પણ લોકો એને મુક્તક સમજે છે. હાઈકુમાં ૧૭ શબ્દોનો સમન્વય છે. મારું એક હાઈકુ છે,

મૂછ હલાવે
વંદો, પાછળ સ્થિર
ગરોળી ટાપે

આ એક ચિત્ર છે. પણ તેમાં ગૂઢ અર્થ રહેલો છે કે સમાજમાં મૂછ ઉપર તાવ દેતા મનુષ્ય તારી પાછળ પણ મૃત્યુ ટાંપીને બેઠું છે. મેં મારા હાઈકુઓનો સંગ્રહ ‘આગિયા’ના નામે પ્રગટ કર્યો છે. કારણ કે અંધારામાં આગિયા ચમકીને બંધ થાય છે. મારા હાઈકુ “કુમાર” અને અન્ય પ્રકાશનોમાં પહેલાં પ્રગટ થયા અને તેને ‘આગિયા’ સંગ્રહમાં સમાવિષ્ટ કરેલા છે.

આપે ‘અંગ પચીસી’ નામે છપ્પા લખીને તેને પુનઃજીવિત કર્યા છે. કેવો અનુભવ રહ્યો?

‘અંગ પચીસી’ લખ્યું ત્યારે કહેવાતું કે અખો ફરીથી જીવિત થયો છે. મને થયું કે ભૂલાયેલું છપ્પાનું કાવ્ય સ્વરૂપ પુનઃજીવિત થયું છે તો કોઈ તેને આગળ વધારશે. ખેર, આવું કંઈ થયું નહીં. કારણ કે છપ્પા ત્રણ પંક્તિના કાવ્યમાં કહેવાની કળા છે. આમાં વ્યંગ આવે. જેમ અખાએ પોતાના સમાજની ખામીઓ પર કટાક્ષ કરીને છપ્પામાં ઉતારી છે તેવી રીતે હું જે સમાજમાં જીવું છું તે સમાજની ખામીઓને મારે વ્યંગ સાથે કહેવું હતું, એટલે મેં વિવિધ વ્યવસાયોને કેન્દ્રસ્થાને રાખીને છપ્પા રચ્યા છે, જેમાં શિક્ષણ, તબીબ, વકીલ જેવા વ્યવસાયની ખામી ઉપર વ્યંગ છે. કુલ ૨૫ છપ્પાઓ હોવાથી ‘અંગ પચીસી’ના નામે તે પ્રકાશિત કરેલ છે.

આપે નોંધપાત્ર ગદ્યકાવ્યો આપ્યા છે. કોઈ વિશેષ કારણ છે?

મારા કાવ્યો ગદ્યકાવ્યો નથી, પણ એ વનવેલી છંદમાં લખાયા છે, જેમાં ચાર-ચાર અક્ષરોનું બંધારણ છે. કેશવ હર્ષદ ધ્રુવે પણ વનવેલી છંદમાં કાવ્યોનું સર્જન કરેલું છે. આજે વનવેલી છંદનો ઉપયોગ થતો નથી. મારા બે કાવ્યસંગ્રહ વનવેલી છંદમાં પ્રગટ થયા છે. એક છે, ‘સ્ટેશન અને ટ્રેઈન’ બીજો સંગ્રહ છે, ‘શિખરે બેઠા છે સ્થિતપ્રજ્ઞ’.

ગીતોના સર્જનનો અનુભવ કેવો રહ્યો?

‘હરિ ચડ્યા અડફેટે’ નામે મારો ગીતસંગ્રહ છે. આ સંગ્રહમાં ખોટી ભક્તિ પર કટાક્ષ કરતાં ગીતો લખ્યાં છે. આ સંગ્રહમાં સાચો હરિ નહીં, સાચી ભક્તિ નહીં જેવી હકીકત પર કટાક્ષ કરાયો છે.

લખાણમાં શું મહત્ત્વનું છે-વિષય કે તેની અભિવ્યક્તિ?

સર્જકના મનમાં જે વિચાર આવે, ભાવ જન્મે કે જે સંવેદન ઊભું થાય તેની અભિવ્યક્તિ માટે યોગ્ય સ્વરૂપ પસંદ કરવું જોઈએ. હું આ બાબતે બહુ સભાન છું. જે વિચાર, ભાવ કે સંવેદનની તાકાત ૧૪ પંક્તિ સુધી વિસ્તરી શકે તેમ ના હોય તો તેને હું સોનેટમાં ખેંચતો નથી. હું મારી કવિતાની કળા બાબતે સાવધ છું. કવિતામાં તત્ત્વ અને તેનું ફોર્મ જળવાવું જોઈએ. કાવ્યમાં વિષય નહીં, પણ તેના અંદરના તત્ત્વની અભિવ્યક્તિ જ મહત્ત્વની છે. ભલે ને સર્જક રાધા-કૃષ્ણ વિષે કાવ્ય સર્જે કે આધુનિક વિષયોને પોતાના સર્જનમાં વણી લે. કાવ્યમાં મૂળ તત્ત્વ, ભાવ કે સંવેદનાની સાથે તેની સચોટ અભિવ્યક્તિ જળવાવી જોઈએ.

આપ એક સર્જક હોવાની સાથે “કુમાર” અને “કવિલોક”ના સંપાદક તરીકે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છો. એક પ્રતિષ્ઠિત સામાયિકના સંપાદક તરીકેની જવાબદારી કેવી હોય છે?

“કુમાર”ના સંપાદક તરીકેનું કાર્ય અઘરું છે. સંપાદક તરીકે તમને અપ્રિય થતાં આવડવું જોઈએ અને અપ્રિય થવામાં હું મોખરે છું. સંપાદક તરીકે મેં અનેક નામી સર્જકોના સર્જનો પરત કર્યા છે. ભાષા શુદ્ધિ ઉપર હું વિશેષ ધ્યાન આપું છું. ભાષા શુદ્ધિ મારા સંપાદનનો વિષય છે. ૧૯૫૬માં રાજેન્દ્ર શાહે “કવિલોક”ને મુંબઈથી શરુ કર્યું હતું. તે દર બે મહિને પ્રગટ થાય છે. વર્ષ ૧૯૭૦માં “કવિલોક’” બંધ કરવાના નિર્ણયની જાણ બચુભાઈને થતાં બચુભાઈ રાવતે “કવિલોક”ની જવાબદારી “કુમાર” સ્વીકારશે તેવી વાત કરી. પછી તો “કુમાર” “કવિલોક”ની જવાબદારી આજ સુધી અદા કરે છે. આજે “કવિલોક” મારા મતે નવા કવિઓના ઉત્તેજન માટે નહીં, પણ સારા કવિઓના પ્રસાર માટે કાર્યરત છે. “કવિલોક” કવિના નામ નહીં, પણ તેના કામનો પ્રસાર કરે છે.

કવિ હોવાની સાથે આપે વાર્તાઓ પણ લખી છે. કાવ્ય સર્જન અને વાર્તાલેખનમાં શું ફરક હોય છે?

કાવ્ય હોય કે વાર્તા, દરેકનું ફોર્મ જળવાવું જોઈએ. દરેક ફોર્મની વિશેષતા છે. આજે વિશ્વ બદલાતું જાય છે ત્યારે વાર્તાના વિષયોમાં વૈવિધ્ય આવવું જોઈએ. વાર્તાઓ પ્રસંગ આધારિત હોય છે, જેમાં પ્રસંગોનું આયોજન, તેનો વિકાસ અને અંત સુધીના તત્ત્વો હોય છે. ખરેખર તો વાર્તાએ કથા સાહિત્યનો એક પ્રકાર છે.

આપ વર્ષોથી ‘બુધસભા’ની સાથે સંકળાયેલા છો. તેનો અનુભવ કેવો રહે છે?

બચુભાઈ રાવતના જમાનાથી ‘બુધસભા’ ચાલે છે. પહેલા “કુમાર” કાર્યાલયમાં દર બુધવારે રાત્રે આઠથી નવ સુધી કવિઓ પોતાની રચનાઓ લઈને આવતા અને કવિના નામ વાંચ્યા સિવાય તેનું પઠન થતું, તેની ચર્ચા થતી. સારા કાવ્યો “કુમાર”માં સ્થાન પામે. બચુભાઈ બીમાર પડ્યા ત્યારે ચિંતા થઈ કે આ દેહ પડશે ત્યારે ‘બુધસભા’નું શું થશે! પછીથી ‘બુધસભા’ની જવાબદારી ‘ગુજરાત સાહિત્ય પરિષદે’ ઉપાડી. ‘બુધસભા’માં નવા આવતા કવિઓનો મોહ કાવ્ય સંભળાવવા કરતાં પ્રકાશનોમાં છપાવાનો વધુ હોય છે. મારા મતે ‘બુધસભા’ એ કાવ્યોના ઘડતરની કાર્યશિબિર છે, મુશાયરો નથી. નવા કવિઓ પોતાની રચના રજૂ કરે, ચર્ચા કરે, કવિઓના પ્રતિભાવો સાંભળે તો કવિતાઓનું ઘડતર થાય.

આજની નવી કવિતાઓ વિશે શું લાગે છે?

આજે કવિઓ ગદ્યકાવ્યો તરફ વધુ વળ્યા છે. નવા કવિઓમાં છંદનો અભ્યાસ નથી. મોટા ભાગના કવિઓ ગઝલો, ગીતો લખે છે.

કવિતાને આપ કેવી રીતે વ્યાખ્યાયિત કરો?

કવિતા એ એક સંવેદન આધારિત છે. તમે કેટલું ઘૂંટો છો, કેટલું વિસ્તારો છો એ મહત્ત્વનું છે. જ્યારે વિષય અને વિચાર ઊર્મી ઘુંટાઈને જે બહાર આવે ત્યારે સાચી કવિતા બને છે, જેમાં મનનું સંવેદન મુખ્ય છે.

‘સ્ટેશન અને ટ્રેઈન’ આપનો વિશિષ્ટ કાવ્યસંગ્રહ છે. આ સંગ્રહ કેવી રીતે રચાયો?

અમે વિરમગામ રહેતા હતા. ત્યારે વિરમગામ આટલું વિસ્તરેલું નહીં. સાંજના સમયે અમે મિત્રોની સાથે સ્ટેશને જઈને બેસતા. પ્રવાસીઓને નિરખતા, ટ્રેઈનની આવન-જાવન જોતાં. મુસાફરોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરતા. એ અનુભવો અને અનુભૂતિને કાવ્યો દ્વારા આ સંગ્રહમાં પડઘાઈ છે, જેમાં સ્ટેશન સ્થિરતાનું અને ટ્રેઈન ગતિનું પ્રતીક છે.

આપનો કાવ્યસંગ્રહ ‘ઉઘાડ’ પ્રકૃતિ પર આધારિત છે. આ સંગ્રહની શું વિશેષતા છે?

આ કાવ્યસંગ્રહમાં મારા પ્રકૃતિ વિશેના અનુભવો છે. સામાન્ય લાગતી વાત પણ આપણને કેવી રીતે સ્પર્શે છે તે આ કાવ્યસંગ્રહમાં ઝીલાય છે. જેમ કે, એક મકાનના મોભ પર પોપટ આવીને બેસે છે અને મકાનની અંદર આખું વન ઉતરી આવે છે. દૂરના પ્રકૃતિમય વાતાવરણને પોપટ ઘર ભણી લાવે છે તેને પ્રતીકાત્મક રીતે આલેખ્યું છે. પોપટ એ પ્રકૃતિનું પ્રતીક છે.

ધીરુ પરીખને કેવી રીતે ઓળખાવું ગમે?

મને મારા નામ તરીકે નહીં, કવિ તરીકે નહીં, પણ એક માણસ તરીકે ઓળખાવું ગમે. મારામાં માણસનો લોપ થવો ન જોઈએ. માણસની સાધના તેને પૂર્ણતા ભણી લઈ જાય છે. જીવન માગ્યું મળતું નથી. મારી સંવેદના ક્યાં ય નષ્ટ ન થાય. ■

e.mail : [email protected]

Category :- Opinion Online / Literature