મારાં પડોશીઓ

રેખા સિંધલ
17-02-2022

બર્ફીલાં વાવાઝોડાંને કારણે ઘરની બહાર નીકળી શકાય તેમ ન હતું. હવામાનમાં અણધાર્યા પલટાને કારણે બે દિવસથી અમે ઘરમાં પૂરાયા હતા અને બીજા બે દિવસ સુધી નીકળી શકાય તેમ લાગતું ન હતું. ઈલેક્ટ્રીક પાવર ચાલુ હોવાથી ઘરની અંદરની દુનિયા યથાવત હતી. ફક્ત દૂધ ખલાસ થઈ ગયું હતું. રસ્તા પર ગાડી ચલાવવાનું જોખમ લેવા કરતાં દૂધ અને ચા વગર ચલાવી લેવું ઠીક લાગ્યું.

બીજી સવારે લગભગ નવ વાગ્યે પડોશમાં રહેતી સમેંથાનો ટેક્ષ્ટ મેસેજ આવ્યો કે તારા ઘરના દરવાજા પાસે દૂધનું ગેલેન મૂક્યું છે તે અંદર લઈ લેજે. અમે આ ઘરમાં રહેવા આવ્યાને હજુ અગિયાર મહિના થયા હતા, અને સમેંથાની ઓળખાણ તો ફક્ત છ મહિનાની જ હતી. વાવાઝોડાંને કારણે એણે અમારી ખબર પૂછવા ફોન કર્યો, ત્યારે મેં અમસ્તુ જ જણાવ્યું હતું કે દૂધ ન હોવાથી ચા બની શકી નથી. દર શુક્રવારે સવારે રોડસાઈડ પર મૂકેલા ગારબેજ કેન અને રીસાઈકલ ભંગારના ખાલી કેન ગરાજમાં પાછા મૂકવામાં અમે થોડા મોડા પડીએ તો સમેંથાના પતિ જોનાથને અમારા ગરાજ પાસે મૂકી જ દીધા હોય. આ અને આવા બીજા પ્રસંગોમાં સીનિયર સિટીજનને મદદ કરવાની ભાવના મુખ્ય જણાય. શ્રીમંત છતાં નમ્ર એવા આ પડોશીની વર્તણૂકથી એક વિશ્વાસ બંધાયો છે જે અમને હૂંફ પૂરી પાડે છે. અમારા ઘરની જમણી તરફ રહેતાં જેરેમી અને ક્રિસ્ટીની વાત પણ નિરાળી છે. ૨૫ વર્ષના સુખી દાંપત્યનું ફળ આ દંપતીનાં સંસ્કારી બાળકોમાં જોવા મળે. તેના પૂર્વજોના મૂળ ઇંગ્લેંડમાં. જેરેમીના મુખ પર હંમેશાં પ્રસન્નતા છલકાતી હોય. એકવાર મારે ત્યાં કેબલ રીપેર કરનાર સમય કરતાં વહેલો આવી ગયો. બારણુ ખૂલ્લું હતું પણ મને ઉપરના માળેથી નીચે આવતા વાર થઈ. નીચે આવીને મેં જોયું તો જેરેમી પણ તેની સાથે ઊભો હતો. કહેવા લાગ્યો, ‘બારણું ખૂલ્લુ હતું છતાં જવાબ ન મળવાથી અમને તારી ચિંતા થઈ.’ એક વાર થોડા મહિના મારે એકલા રહેવાનું થયું તે જાણી મને કહે, ‘તને વાંધો ન હોય તો તારી દીકરીના ફોન નંબર મને આપી રાખ, ક્યારેક જરૂર પડ્યે કામ લાગે.’ એની આટલી અમથી નાની વાત મને આ નવી જગ્યાએ હું એકલી નથી એવી મોટી હૂંફ આપી ગઈ. મિશનરી માતા-પિતા સાથે જેરેમીએ બાળપણનાં કેટલાંક વર્ષો ચીનમાં ગાળ્યા હતા. વિવિધ દેશોની વિવિધ સંસ્કૃતિ એ અમારા બંનેનો રસનો વિષય એટલે ફળીમાં ઊભા ઊભા વાતોમાં ક્યારેક કલાક નીકળી જાય.

અમેરિકન કલ્ચરની આવી જ એક વાતના સંદર્ભમાં મને જાણવા મળ્યું કે અમેરિકાના એક ભૂતપૂર્વ પ્રમુખની પુત્રી હા ઈસ્કૂલના વર્ષો દરમ્યાન જેરેમીની સહાધ્યાયી હતી. તેણે જોયું કે પ્રધાન પુત્રી હોવાને કારણે તેને વિશેષ મહત્ત્વ ન અપાય જાય એવી ચીવટ રાખવામાં આવતી હતી, કારણ કે પ્રગતિમાં બાધક એવા આ પરિબળની અસર પોતાના સંતાન પર થાય તેવું પ્રમુખ પોતે પણ ન ઈચ્છે. જેરેમી અહીંની સ્ટેટ યુનિવર્સિટીમાં ધર્મનું શિક્ષણ આપવાની સાથે સાથે નજીકના એક ચર્ચમાં નિયમિત માનદ્દ સેવાઓ પણ આપે છે. તેની પત્ની ક્રિસ્ટી પણ સ્વભાવે મળતાવડી! એની વાતોમાં મુખ્યત્વે ગૃહિણીના વિષયો હોય. એક વાર તેના ઘરના ઓવનમાંથી છૂટેલી પાઈની સુંગધનાં વખાણ મારા મોઢે સાંભળીને તરત અમારા માટે તાજી બનેલી પાઈના બે મોટા પીસ આપી ગઈ. દાઢમાં રહી જાય એવી સ્વાદિષ્ટ સ્ટ્રોબેરી પાઈ મેં પહેલીવાર ચાખી, એમ કહું તો અતિશયોક્તિ નહીં ગણાય. હાઈ સ્કૂલમાં ભણતા તેમના પુત્રો જેસ અને રાયનને સ્વાવલંબી થવાના પ્રથમ પાઠની શરૂઆત પડોશીઓના યાર્ડમાં ઘાસ કાપવાથી કરી, જેમાં મારા ઘરનો પણ સમાવેશ થાય છે. દીકરાએ ઘાસ બરાબર કાપ્યું કે નહીં તે ચેક કરવા જેરેમી કાયમ છેલ્લે આંટો મારી જાય. એકવાર એક ઝાડ ફરતે થોડું રહી ગયેલું. જેરેમીએ ત્યાં ઊભા રહી જેસને બૂમ પાડી, તે સાંભળી મેં કહ્યુ કે વાંઘો નહી જવા દે, ચાલશે તો કહે, ‘ના, આ ન ચલાવી લેવાય કામની ગુણવત્તા જાળવવાની તેને આ તાલિમ છે.’  જેસ સ્કોલર હોવા છતાં પણ કારકિર્દી વિશેના તેના વિચારોમાં સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકાય, તે મુખ્ય અને સાથે પૈસા કઈ રીતે બને તે બીજા ક્રમે હતું. નાની મોટી સામાજિક મૂંઝવણમાંથી માર્ગ કાઢવામાં જેરેમીનો પ્રામાણિક અભિપ્રાય અમને કેટલીકવાર ઉપયોગી થતો. તેની પાસેથી અમને અહીંની આસપાસની દુનિયાની જરૂરી માહિતી અને એલર્ટ મળી રહેતાં.

અમારી સામેના ઘરમાં રહેતો પ્રભાવક વ્યક્તિત્વ ધરાવતો આરબ યુવાન સૈફ આઈ.ટી. પ્રોફેશનલ છે. તેની નવ વર્ષની પુત્રી લીલિયન થોડા વખતથી મારી પાસે નિયમિત ગણિત શીખવા આવે છે. એક દિવસ સૈફે મને પૂછ્યું કે, ‘તું શિક્ષક છે તો મારી પત્નીને ઇંગ્લિશ શીખવીશ?’ મેં કહ્યું, ‘મને અરેબિક નથી આવડતું, અને તારી વાઈફને ઇંગ્લિશ તો કઈ ભાષામાં શીખવું?’ થોડી દલીલોને અંતે એણે મને વિચાર કરવા મજબૂર કરી દીધી. મેં વિચાર કરવાનો સમય માંગ્યો તો કહે, ‘મને ખાતરી છે કે તું એને શીખવી શકીશ.’ એણે મૂકેલા વિશ્વાસે મને જીતી લીધી. આ માટે ચર્ચમાં પણ વર્ગો ચાલે છે, તેની તેને ખબર હતી પણ તેમાં રોજ લેવા-મૂકવાનો પ્રશ્ન હતો. તેની પત્નીને કાર ચલાવતા શીખવાનું હજુ બાકી હતું. એક નવો પ્રયોગ આ વિશ્વાસને આધારે શરૂ થયો. તેની સ્વરૂપવાન પત્ની આ કારણે અઠવાડિયામાં બે વાર મારે ત્યાં આવે ત્યારે અમારી વચ્ચે ભાષાની મુશ્કેલીને કારણે સર્જાતી કોમેડી થકી, ખડખડાટ હાસ્યના અજવાળા પાથરતી જાય. એકબીજાંની ભાષા સમજવામાં ગુગલ મહારાજ અમને સહાય કરતા રહે.

આ નવા ઘરમાં ગૃહપ્રવેશ વખતે જે પડોશીએ અમને સૌ પહેલા આવકાર્યા હતાં, તે અમેરિકન દંપતી મેથ્યૂ અને કૈલા મોટા ભાગે તેનાં ત્રણ બાળકો, ઘર અને નોકરી વચ્ચે દોડાદોડી કરતાં જોવા મળે. ફૂરસદના અભાવે કે સ્વભાવને કારણે તેઓ બહુ કોઈ સાથે ભળતા નહીં, પણ સ્મિતની આપ-લે હંમેશની.

ઈજીપ્તથી માઈગ્રેટ થયેલ પડોશી નાદિયાની દીકરી મિલી મારા ત્રણ વર્ષના પૌત્ર જેવડી. અમને આંગણામાં જુવે એટલે તરત રમવા માટે દોડતી આવે. નાદિયાનું ઇંગ્લિશ ભાગ્યું-તૂટ્યું પણ કામ ચાલી જાય. હમણાં વેકેશનમાં બે મહિના ઈજીપ્ત જઈ આવ્યા પછી, ત્યાંના પડોશીઓના પ્રેમને યાદ કરી અહીંના પડોશીઓ સાથે વધારે સંબંધ કેળવવાનો પ્રયત્ન કરતી હોય તેમ તેની વાતો પરથી જણાય. નાદિયા ચાર સંતાનોની માતા છે, અને દર રવિવારે સવારે નિયમિત તેના પતિ અને બાળકો સાથે ચર્ચમાં જતી જોવા મળે.

અમારા ઘરની એક માઈલના વિસ્તારમાં ચાર ગુજરાતી કુંટુંબો પણ રહે છે. સવાર-સાંજ ચાલવા નીકળીએ, ત્યારે કોઈ ક્યારેક આંગણામાં દેખાય તો એમની સાથે ઘડીક દેશનાં સંસ્મરણો વાગોડી લઈએ. સ્મિત આપવામાં આપણે ગુજરાતીઓ થોડા કંજૂસ, એટલે પરિચય સુધી પહોંચતાં વર્ષ નીકળી ગયું. એમાંના એક બળદેવભાઈ ઘણા પ્રેમાળ. તેમના કહેવા પ્રમાણે યુવાનીમાં તેમણે વડા પ્રધાન નરેંદ્ર મોદી સાથે એક ઓફીસમાં કેટલોક સમય સાથે કામ કરેલ. મોદી કચરો વાળે અને પોતે પોતું કરે તે દિવસોની વાતો કરે. મોદીના દિવસો ત્યારે ગરીબીના હતા અને ખાલી દાળભાત ખાઈને દિવસ કાઢતા, તે તેમણે નજરે જોયું છે, તેવી બીજી પણ કેટલીક વાતો આદરપૂર્વક કરે. દેશ પ્રત્યેનો એમનો પ્રેમ એમની વાતોમાં છલકે અને દેશસેવાની ઈચ્છા સેવતા હોય તેમ લાગે. અહીં જવાબદારી ઓછી થાય તો વર્ષના છ મહિના ગુર્જરીને ખોળે જઈને રહેવાની ઈચ્છા મમળાવે! બીજા એક ગુજરાતી પરિવારની નાનકડી બે પુત્રીઓ નાવ્યા અને દ્રશ્યાને મારામાં એના દાદીમા દેખાય એટલે એમનું વ્હાલ મને શીતળ પવનની સુરખી જેવું ક્યારેક ક્યારેક મળ્યા કરે! એના ડેડી-મમ્મી જોબ અને સ્ટડીમાં ખૂબ વ્યસ્ત તેથી વાતો ઓછી કરે પણ ગુજરાતી સમભાવની હૂંફ આપે તેવાં.

આમ ઘરબહાર લટાર મારવા નીકળીએ ત્યારે શેરી અને પડોશ થકી આ પ્રદેશ પોતાનો લાગે.

અમેરિકા આવ્યા બાદ લગભગ એક દાયકો અમે ભાડાના ઘરમાં રહેતા હતાં અને તે સમયે પડોશમાં કોણ રહે છે તે જાણવાની વૃતિ અને ફૂરસદ બંનેનો અભાવ હતો. એટલે ગુડમોર્નીંગ, ગુડઈવનીંગથી આગળ વાત ભાગ્યે જ થતી. અલગ અલગ દેશના અલગ અલગ લોકોના પહેરવેશ અને ચહેરાના નાક નકશાથી પરદેશની અને એટલે પારકી ધરતી પર છીએ તે અહેસાસ શરૂઆતમાં કાયમ રહેતો, એમાં કેટલાંક ભારતીય પણ ખરા. સૌ melting potમાં છીએ તેમ લાગે. એક દાયકા પછી મેસેચ્યૂસેટસ રાજ્ય છોડી ટેનેસી આવીને સ્થિર થયાં પછી ૨૧ વર્ષમાં ત્રણ ઘર બદલ્યા. ઘર-પડોશની વાત કરીએ ત્યારે પહેલા ઘરને ૧૦૫ (ઘરનો નંબર) કહીએ. બીજાને ૫૦૨૨ અને હાલના ઘરને ૪૧૬નું લેબલ આપોઆપ લાગી જાય.

૧૦૫ની પડોશમાં કેથી અને રેમંડ રહેવા આવ્યાં ત્યારથી અમેરિકન સંસ્કૃતિ વિશેનો ભ્રમ તૂટવાની શરૂઆત થઈ. મેં ત્યાં નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો ત્યારે પ્રીમા નામની દક્ષિણ કોરિયાની પડોશણે ચોકલેટના બોકસ સાથે પડોશી તરીકે મીઠો આવકાર આપેલ, તે રીતે આ મૂર (અટક) દંપતીને મેં પણ ચોકલેટી મફીન સાથે આવકાંર્યા. અમારા બંનેના ઘરની પાછળના ભાગમાં ઘાસનું મોટું મેદાન હતું, ત્યાં ખુરશીઓ નાંખી અમે અવારનવાર સાથે બેસી વાતો કરતાં. શરૂઆતમાં દેશ દુનિયાની અને હવામાનની વાતો થતી પણ જેમ જેમ મિત્રતા વધતી ગઈ તેમ તેમ ઘર, શાળા અને બાળકોની વાતો પણ થવા લાગી. આ કારણે અમેરિકન સમાજ જ નહીં પણ કેળવણી વિશે અને વ્યવસાય વિશે પણ હું અલગ દૃષ્ટિકોણથી વિચારતી થઈ. બાળકોને આપત્તિઓથી દૂર રાખવા કરતાં આપત્તિઓમાંથી કેમ માર્ગ કાઢવો, તે શીખવતી પશ્ચિમી સંસ્કૃતિ આપણા કરતાં એમના બાળકોને આથી જ કદાચ વધુ છૂટ આપી શકે છે. પાણીના પ્રવાહમાં બાળક ભૂલથી તણાઈને ડૂબી ન જાય તે માટે પૂર્વની સંસ્કૃતિ તેને પાણીથી દૂર રાખવાનો વિચાર પહેલાં કરે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ તરતા શીખવવાનો વિચાર પહેલાં કરે.

એકવાર વાતો વાતોમાં મેં એને કહ્યુ કે ‘મારી દીકરીને યુનિવર્સિટી કેંપસ પર રેસીડેંસ આસિસ્ટંટની જોબ મળે તેમ છે. અભ્યાસમાં બરાબર ધ્યાન નહીં અપાય તેની ચિંતાથી શું કરવું તેનો હું નિર્ણય નથી લઈ શકતી.’ ચિંતાની આ વાત જ નથી તે તેણે મને બહુ ટૂંકમાં સમજાવી દીધુ. એ કહે, ‘ પહેલી વાત તો એ છે કે તું ચિંતા કરે છે એવી શક્યતા ઈંટરવ્યુ દરમ્યાન લાગશે તો યુનિવર્સિટી તેને જોબ ઓફર જ નહીં કરે, અને બીજી વાત, એ કે ભવિષ્યમાં તેણે ફૂલટાઈમ નોકરી સાથે પરિવારની ફૂલટાઈમ સંભાળ લેવાની જ છે તો ભલેને એને અત્યારથી ટ્રેનીંગ મળે. અને સૌથી મુખ્ય વાત તો એ છે કે આ નિર્ણય તારી દીકરીએ લેવાનો છે, તારે નહીં. ક્યાં સુધી તારા નિર્ણય તું એની પર લાદીશ? મારી દીકરીએ એ વાતનું સમર્થન કર્યું હતું કે સિલેક્શનની પ્રોસેસ ઘણી અઘરી છે. જો રેમંડે મારી સાથે વાત ન કરી હોત, તો દીકરી માટે ગૌરવ લેવાને બદલે કદાચ જોબ કરવાની ‘હા-ના’નો વિવાદ અમારી મા-દીકરી વચ્ચે સર્જાઈ જાત. એકાદ વર્ષ બાદ મેં ઘરે ગણિતના વર્ગો શરૂ કર્યા, ત્યારે તેની દીકરી મેડલીન મારી સૌ પ્રથમ વિદ્યાર્થિની હતી. કર્ણોપકર્ણ જાહેરાતની શરૂઆત આ પડોશીથી થઈ હતી.

અમારી બદલી બીજા શહેરમાં થઈ ત્યારે ત્યાંના પડોશીઓમાંની એક આલ્બર્ટ આઈનસ્ટાઈનના ભાઈની પૌત્રી છે, તે ખબર મને એની ઓળખાણ થયા પછી એક વર્ષે પડી હતી. એ પણ બીજા પડોશી પાસેથી. Ms. Dana Pitts એનું નામ. વિશ્વભરમાં પ્રખ્યાત એવા વૈજ્ઞાનિક સાથે લોહીનો સંબંધ છતાં ગૌરવ પ્રદર્શીત કરવાની પણ ટેવ નહીં. સરળ સ્વભાવની ડાના અને હું બંને HOA(HomeOwner Association)ની કમિટીનાં સભ્યો હોવાથી મળવાનું થયા કરે. શિસ્તનો જે દૃઢ આગ્રહ પૂર્વીય સંસ્કૃતિ પ્રમાણે મારા માબાપ રાખતાં હતાં તેવી જ દૃઢતા અને સિદ્ધાન્તો વચ્ચે તે પણ ઊછરી હતી. એકબીજાંના પિતાની વાતો સાંભળીને અમને બંનેને નવાઈ લાગી હતી, એટલી સમાનતા પાયાનાં મૂલ્યોમાં જોવા મળી હતી. જેટલો રસ અહીંના લોકોને પૂર્વીય સંસ્કૃતિ વિશે જાણવામાં છે તેટલો કદાચ આપણને પશ્ચિમી સંસ્કૃતિ વિષે જાણવામાં નથી. આપણી કુંટુંબ ભાવનાની અને સંસ્કૃતિની પશ્ચિમના દેશોમાં કદર થાય છે, પણ આપણે જાણે-અજાણે માટે ભાગે પશ્ચિમી સંસ્કૃતિની ટીકા અથવા તો અવગણના કરતા રહીએ છીએ. બે સંસ્કૃતિઓ ભિન્ન હોય એનો અર્થ એવો નથી કે એક ખરાબ અને બીજી સારી છે.

બીજા એક પડોશી જિમ મરફીએ ક્રિશ્ચિયન ધર્મના ફેલાવા માટે ઇંડિયા સહિત દેશ-વિદેશમાં ફરીને ઘણા વ્યાખ્યાન આપ્યા છે, અને કેટલાં ય લોકોએ એ સાંભળી ધર્મપરિવર્તન કર્યુ છે. એના કહેવા પ્રમાણે કારણ એ છે કે એમાં એના અનુભવની સચ્ચાઈનો રણકો છે. એના જીવનપરિવર્તનની વાત એકવાર અમે પિકનીક દરમ્યાન સાથે લંચ લેતા હતા ત્યારે એણે કરી. સોબતની અસરથી કિશોરાવસ્થામાં તે દારૂ, ડ્રગ અને છોકરીઓમાં ફસાઈ ગયેલ. ધાર્મિક પ્રકૃતિના એના ડેડીની બધી સમજાવટ નિષ્ફળ ગઈ તેથી તેઓ નારાજ હતા. દિવસે દિવસે વણસતી જતી પરિસ્થિતિ પર કાબૂ લેવાની નિષ્ફળતાએ જિમને આત્મહત્યા કરવા પ્રેર્યો. એક સાંજે ડેડીની પિસ્તોલને તેણે લમણા પર મૂકી ટ્રીગર દબાવી. અવાજ સાંભળી તેના ડેડી દોડી આવ્યા. પિસ્તોલમાંથી થોડા કલાકો પહેલાં જ એમણે ગોળીઓ કાઢી લીધી હતી તેથી જિમ બચી ગયો. ડેડીને જોઈ જિમ ધૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો. તે દિવસે તેના પિતાની સમજાવટ પછી તેને ખાતરી થઈ કે જીસસ તેને બચાવવા માંગે છે. લોર્ડ જીસસના દર્શન તેને એ રાતે થયા. પ્રકાશથી તેની આંખો અંજાઈ ગઈ તેમ તેનું કહેવું હતું. આ ચમત્કાર પછી તેનું હ્રદય પરિવર્તન થયું. એના ડેડીએ તો માફી આપી જ પણ જિમે કરેલા દુષ્કૃત્યોના પાપનો ભાર પણ જીસસને નામે એના મનમાંથી દૂર કરી નવજીવનની શરૂઆત કરાવવામાં સફળ રહ્યા. એ પછી એ કાયમ માટે ભક્તિ તરફ વળી ગયો. કદાચ દારૂના નશા હેઠળ જીસસના દર્શન તેનો ભ્રમ હોય તો પણ તેનું જીવનપરિવર્તન તો સત્ય ઘટના જ હતી. તેની પત્ની ગ્લેંડાએ હાસ્ય સાથે એની વાતમાં સૂર પૂરાવ્યો હતો કે, ‘છેલ્લાં પચાસ વર્ષથી તો જિમે દારૂને હાથ અડાડ્યો નથી એની હું સાક્ષી છું.’ લોર્ડ જીસસના કેટલાક વચનો અને ગીતામાં કહેલા ભગવાન કૃષ્ણના વચનો વચ્ચે કેટલું સામ્ય છે તે જિમ સાથે વાત કરીએ ત્યારે જાણી અંચબો જાગે. જિમનો પરિવાર બહોળો છે પણ અહીંની પ્રથા પ્રમાણે તે અલગ રહે છે. અમારા પરિચય પછી ત્રણ વર્ષે તેની હાર્ટસર્જેરી થઈ ત્યારે આસપાસનાં પડોશીઓ અને ચર્ચે મળીને તેને જે ટેકો આપ્યો તે જોઈ આપણને પણ એના માટે ભલે થોડું પણ કંઈક કરી છૂટવાની ભાવના જાગે.

અમારા ઘરની પાછળના ભાગમાં રહેતાં કેથી અને વોલ્ટર બંને સ્વભાવે ખૂબ નિખાલસ અને પ્રમાણિક. અમે રહેવા ગયાં પછી ટૂંક સમયમાં કેથી સાથે મારી મૈત્રી વિકસી હતી. મારી દીકરીના લગ્ન માટે હું ગુજરાત આવવાની તૈયારી કરતી હતી, ત્યારે કેથીએ મારી દીકરીના જન્મથી માંડીને લગ્ન સુધીના ફોટામાંથી વર્ષોના ક્રમ પ્રમાણે એક સુંદર આલ્બમ તૈયાર કરીને ભેટમાં આપ્યું જેની મને આશા કે અપેક્ષા ન હતી. એક વખત હું ગુજરાતમાં હતી, ત્યારે અમારા ઘર નજીક વાવાઝોડું આવ્યું તે વખતે બધુ સલામત છે તેવી કેથીની ઈમેલ મને વાવાઝોડાંના સમાચાર પહેલાં જ મળી ગઈ. તેને મેં ક્યારે ય મારા ઘરનું ધ્યાન રાખવાનું કહ્યું ન હોવા છતાં પડોશી ધર્મને અનુસરીને વર્ષો બાદ હજુ ય મને ફોનથી મારા આ ભાડે આપેલ ઘર વિષે વાકેફ કરતી રહે છે.

જાણીતા ગાયક નીતિન મૂકેશની પિત્રાઈ બહેનની દીકરી સુરભી મારી પડોશમાં રહેવા આવી, તેનું એક કારણ એ કે તેનાં બાળકોને હું ગણિત ભણાવતી હતી. જે અરસામાં મેં મારું ઘર ખરીદ્યું તે અરસામાં તેઓ એપાર્ટમેંટમાં રહેતા હતાં અને મકાન શોધતાં હતાં. બાળકોને મારે ત્યાં લેવાં-મૂકવાં આવતી વખતે મારા ઘરની સામેનો ખાલી પ્લોટ જોયો અને તેમને ગમી ગયો. અમે બારીમાંથી વાત કરી શકીએ તે માટે તેણે ઘર બંધાવ્યું ત્યારે રસોડામાં એક વધારે બારી ખાસ નખાવી. તેના પતિ પ્રતીક અને બાળકો રિયા તથા અમૃત પણ અમારી સાથે એટલા ભળી ગયાં કે ‘પહેલાં સગાં પડોશી’ યથાર્થ લાગે. કયારેક એ દંપતી બહારગામ જાય તો બાળકો રાત્રે મારે ત્યાં સૂઈ રહે. આ બાળકોની મીઠી વાતોએ અમને સભર બનાવ્યાં છે. બાજુના બીજા એક નવા બંધાયેલા ઘરમાં મિશેલ તેની મા જ્યૂડી સાથે રહેવા આવી, ત્યારે શિયાળો હતો અને બરફની વર્ષા શરૂ થઈ ચૂકી હતી. ખાસ્સા ચાર મહિના તો બાજુમાં કોણ રહેવાં આવ્યું છે, તે પણ અમને ખબર નહોતી. ક્રિસ્ટમસના તહેવાર દરમ્યાન એમનું કાર્ડ અમારા મેઈલ બોક્ષમાં પોસ્ટ ઓફીસની સ્ટેમ્પ સાથે આવેલ જોઈ નવાઈ લાગી હતી. સાવ અડોઅડ રહેતાં પડોશી નવા વર્ષની શુભેચ્છાઓ માટે કાર્ડ પોસ્ટથી મોકલે, તે વિચાર જ અમારા માટે નવો હતો. જો કે અમેરિકાના ધારા-ધોરણ પ્રમાણે રસ્તા પરના તાળા વગરના કોઈના મેઈલ બોક્ષને ખોલવું એ ગુનો ગણાય, એટલે બીજી ટપાલો સાથે પોસ્ટ કરવાનું એમને ઉચિત લાગ્યું હશે. શિયાળો પૂરો થયા બાદ એમને વારંવાર મળવાનું થવા લાગ્યુ તેથી વધુ નજીક આવ્યાં. ત્યાંથી મૂવ થયા પછી પણ વારે તહેવારે ફોનથી શુભેચ્છાઓની આપ-લે થયા કરે.

‘Good Friends should not discuss politics or religion’ (સારા મિત્રોએ રાજકારણ કે ધર્મની ચર્ચા ટાળવી જોઈએ). ૮૨ વર્ષના આર્થર કે જેનું હુલામણુ નામ ‘આર્ટ’ હતું તેણે જ્યારે ચૂંટણી વિષેની મારી વાતના જવાબમાં આમ કહ્યું ત્યારે હું તેની દીકરી જેવડી હોવા છતાં એમણે મને મિત્ર કહી, તે મને ખૂબ ગમ્યું. નવી જગ્યાએ અમારી બાજુના અપાર્ટમેંટમાં રહેતા મિ. આર્થર સાથેનો પરિચય ટૂંક સમયમાં જ ખૂબ ગાઢ થયો. જેના ઘરના દરવાજો ગમે તે સમયે ખખડાવી શકાય તેવા એરફોર્સના આ રિટાયર્ડ મેજરની પત્ની વિવિયન પગની તકલીફને કારણે ભાગ્યે જ ઘરની બહાર નીકળતી, પણ ખૂબ પ્રેમાળ. મારા દોહિત્ર સાથે હું અવારનવાર એમને ત્યાં જતી. અમારી મૈત્રી ગાઢ થયા પછી તેણે લખેલ જે પુસ્તક મને ભેટ આપ્યું, તે વાંચી પ્રમુખ ઓબામાએ ૨૦૧૬માં તેને પત્ર લખી ધન્યવાદ આપ્યા હતા. આ પુસ્તકમાં તેનો કરુણ ભૂતકાળ છે. જેકોબ આર્થરનો જન્મ અને ઊછેર અમેરિકામાં થયો હોવા છતાં, બાર વર્ષની ઉંમરે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તેને નાઝી માનીને જર્મનીની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યાં સાત વર્ષ તેણે યાતનાઓ ભોગવી. જગતના દરેક નાગરિકે જાણવા જેવા આ કિસ્સામાં તેના પિતા જર્મની હોવાથી અમેરિકન સરકારે તેને જર્મની (નાઝી) ગણી હદપાર કર્યો અને અને જર્મની લોકોએ અમેરિકન ગણી તરછોડ્યો હતો. બાળપણના કરુણ અનુભવો છતાં જન્મભૂમિને તેણે દિલથી ચાહી છે. તેને જેલમાંથી છોડાવનાર અમેરિકન દંપતીની સાર-સંભાળને કારણે એક ઉત્તમ નાગરિક બની શકનાર મિસ્ટર આર્થર જેકબની બાલ્કનીમાં અમેરિકન ફ્લેગ ફરફરતો મેં દરરોજ જોયો છે. એમની ઉંમરને માન આપી કેટલી ય વાર મેં એમને ગ્રોસરી, દવા કે સૂપ સેંડવીચ લાવી દેવા માટે મારી મદદ સ્વીકારવા વિનંતિ કરી છે, પણ નમ્રતાપૂર્વક એમણે ઢળતી ઉંમરે પણ જાત મહેનતને જ પ્રાધાન્ય આપ્યું છે. મક્કમતાથી એટલું જ કહે કે, ‘ના હજી તો મારાથી થઈ શકે છે, જરૂર પડશે તો કહીશ’. અમે ફરી ટેનેસી આવ્યાં ત્યાં સુધી આ વૃદ્ધ દંપતીને મારી મદદની કદી જરૂર પડી ન હતી. ચાર સંતાનોના એમના બહોળા પરિવારમાં પૌત્રો-પ્રપૌત્રો સાથે ન રહેતાં હોવા છતાં એમના ચહેરાની લાલી બનીને વિસ્તર્યાં છે. એમના ફોટાઓ બતાવી સૌનો પરિચય કરાવી ખુશ થાય. એક પૌત્રની પત્ની ભારતીય છે તેનું તેમને ગૌરવ છે.       

અમેરિકાની પચરંગી પ્રજાની સ્વીકાર ભાવના પરદેશથી આવેલાઓને સંર્વાગી વિકાસની તક પૂરી પાડે છે. પિયર છોડીને આવેલ દીકરી જે રીતે નવા ઘરને પોતાનું કરી પ્રેમનો વિસ્તાર કરે છે, તે રીતે સ્થાળાંતરવાસીઓની આ દેશ પ્રત્યેની પ્રેમભાવનાનો વિસ્તાર પણ થતો રહેશે, એવો વિશ્વાસ પડોશીઓના સાથેના સ્નેહાળ સબંધો થકી કેળવાય છે.

મરફ્રીસબરો, ટેનેસી, યુ.એસ.એ.

e.mail : [email protected]

પ્રગટ : “ગુર્જરી ડાયજેસ્ટ”, જાન્યુઆરી 2022; પૃ. 19 - 23

Category :- Diaspora / Features