કહાણી કહું કૈયા (બાળગીત)

ગિજુભાઈ બધેકા
18-04-2014

કહાણી કહું કૈયા,


સાંભળ મારા છૈયા;


છૈયે માંડ્યું હાટ,


ત્યાંથી નીકળ્યો ભાટ;

ભાટ ખોદાવે કૂઈ


ત્યાંથી નીકળ્યો સૂઈ;

સૂઈ સંચાવે દોરો,


ત્યાંથી નીકળ્યો વોરો;


વોરો ખાય દાળિયા,


કાઢે એટલા કાળિયા;


કાળિયા મેં વાડ્યે નાખ્યા,


વાડ્યે મને વેલો આપ્યો;


વેલો મેં ગાયને નાખ્યો,


ગાયે મને દૂધ આપ્યું;


દૂધ મેં મોરને પાયું


મોરે મને પીંછી આપી;


પીંછી મેં પાદશાહને આપી,


પાદશાહે મને ઘોડો આપ્યો;

ઘોડો મેં બાવળિયે બાંધ્યો,


બાવળે મને શૂળ આપી;


શૂળ મેં ટીંબે ખોસી,


ટીંબે મને માટી આપી;


માટી મેં કુંભારને આપી,


કુંભારે મને ઘડૂલો આપ્યો;


ઘડૂલો મેં માળીને આપ્યો,


માળીએ મને ફૂલ આપ્યાં;


ફૂલ મેં મા’દેવને ચડાવ્યાં,


મા’દેવે મને લાડવા આપ્યા.

એ લાડવા મેં, ભાઈએ, બહેને અને બાએ ખાધા. એક લાડવો વધ્યો તે કાકા માટે રાખ્યો હતો, તે કાળિયો કૂતરો આવીને ખાઈ ગયો !

Category :- Poetry