ગાયાના અને ભારતીય મૂળના બંધુઆ મઝદૂર

આશા બૂચ
04-02-2022

5મી મે 2014ને દિવસે બ્રિટનના પૂર્વ સંસ્થાન બ્રિટિશ ગાયાનામાં પૂર્વ ભારતથી લાવવામાં આવેલા બંધુઆ મઝદૂરના આગમનની 176મી વર્ષગાંઠ ઉજવવામાં આવી. મે 2014માં ‘ગાયાના ક્રોનિકલ’માં સ્ટાફ રિપોર્ટર્સ દ્વારા લખાયેલ એક લેખ વાંચવામાં આવ્યો. ગાયાના ગયેલા બંધુઆ મઝદૂરોની કહાની દક્ષિણ આફ્રિકા અને અન્ય બ્રિટિશ સંસ્થાનોમાં ગયેલ મઝદૂરોની કથા સાથે સામ્ય ધરાવે છે અને ઘણી રસપ્રદ લાગવાથી વાચકો સમક્ષ પ્રસ્તુત કરું છું.

1838થી 1917 એટલે કે લગભગ પોણી સદી સુધી વેસ્ટ ઇન્ડિઝના સંસ્થાનોમાં ભારતીય ઉપમહાદ્વીપથી એગ્રીમેન્ટ ઉપર બંધુઆ મઝદૂર મોકલવામાં આવેલા. ગુલામી પ્રથા નાબૂદ થતાંની સાથે મુક્ત થયેલા ગુલામો એ દેશો છોડીને પોતાના મૂળ વતન પરત થયા અથવા એ જ દેશમાં મજૂરી છોડીને અન્ય વ્યવસાય કરવા લાગ્યા. એટલે પ્લાન્ટેશન ઉપર મજૂરી કરનારાઓની ખેંચ પડી. 

ગુલામી નાબૂદી બાદ 19મી 20 સદીમાં કેરેબિયન ટાપુ પર ગયેલા ભારતીય મઝદૂરોનો સમૂહ તો ભારતથી ગયેલ દુનિયાના અન્ય દેશો જેવા કે મોરિશિયસ, સિલોન, ફીજી, સ્ટ્રેટ સેટલમેન્ટ, નાતાલ વગેરે દેશોમાં કરવામાં આવેલ હેરાફેરીનો એક નાનો શો ભાગ હતો.

1838થી 1917 દરમ્યાન પૂર્વ ભારતથી આશરે 2,38,909 પ્રવાસી મઝદૂરો બ્રિટિશ ગાયાના ગયેલા. ફ્રેન્ચ ગાયાના ગયેલ ભારતીયોની સંખ્યા પણ ઘણી નોંધપાત્ર હતી. પૂર્વ ભારતના વિદેશ ગયેલા મઝદૂરો વિષે ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારા બ્રિટિશ ઇતિહાસવિદ્દ હ્યુ ટીંકરે આ પ્રથાને ‘નવીન પ્રકારની ગુલામી’ તરીકે વર્ણવતા લખ્યું છે, “ભારતના પ્રવાસી મઝદૂરોના સંદર્ભમાં કહી શકાય કે બંધુઆ મઝદૂરની પ્રથા એ સંઘર્ષ, બલિદાન અને પરિસ્થિતિ સામે ઝઝૂમવાની કથા ગણાવી શકાય. એ ગુલામી પ્રથાથી ખૂબ નિકટ રીતે સંકળાયેલી છે.”

1834માં ગુલામી પ્રથા નાબૂદ થઇ, 1838માં વ્યવસાયિક તાલીમ પદ્ધતિનો અંત આવ્યો અને તેને પગલે બ્રિટિશ ગાયાનીઝ પ્લાન્ટર્સના મનમાં અનિશ્ચિતતા અને ઉદાસીની લાગણી છવાઈ ગઈ. મઝદૂરોની તંગીની અસર ખાંડના ઉત્પાદન અને અંગત નફા માટે જોખમકારક સાબિત થશે તે તેઓ જાણતા હતા. દાયકાઓ સુધી નભતી આવેલી ગુલામી પ્રથા અમાનુષિકરણ, માનવતાનું અવમૂલ્યન, અને નીતિમત્તાના નાશનું પ્રતીક હતી. આથી જ તો તેનો ભોગ બનેલા ગુલામો શ્વેત માલિક વર્ગના સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય વર્ચસ્વથી છુટકારો મેળવવા માંગતા હતા તે સ્વાભાવિક છે.

ગ્લાડસ્ટન પ્રયોગ:

ગાયાના ગયેલા પૂર્વ ભારતીયોના વસવાટના મૂળ ‘ગ્લાડસ્ટન પ્રયોગ’માં છે. બ્રિટિશ મુત્સદ્દી વિલિયમ ગ્લાડસ્ટનના પિતા જ્હોન ગ્લાડસ્ટન બે વેસ્ટ ડેમરારા પ્લાન્ટેશનના માલિક હતા. ત્યાં કામ કરવા માટે મઝદૂરોની સખત તંગી ઊભી થતાં ગ્લાડસ્ટને કલકત્તાની મઝદૂરોની ભરતી કરનાર પેઢી Gillanders, Arbuthnot એન્ડ કંપનીને પોતાની જાગીર માટે ભારતના મઝદૂરો મોકલી આપવાની શક્યતા માટે પુછાવ્યું. એ પેઢીએ વિના વિલંબ ઉત્તર પાઠવ્યો કે એ લોકોને આ બાબતમાં કોઈ મુશ્કેલી નહીં પડે કેમ કે એ પ્રકારનો વેપાર તો બ્રિટિશ સંસ્થાન મોરિશિયસ જેવામાં ચાલે જ છે. ગ્લાડસ્ટને કોલોનિયલ ઓફિસ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બંધુઆ મઝદૂર મેળવવા માટેની પરવાનગી મેળવી લીધી. બંધુઆ મઝદૂરનો પહેલો ફાલ ‘Whitby’ અને ‘Hesperus’ નામની સ્ટીમરમાં મે 1838માં પાંચ વર્ષના કરાર ઉપર પહોંચ્યો. આ પ્રથમ પ્રયોગ જ્હોન ગ્લાડસ્ટનના બે પ્લાન્ટેશન પૂરતો જ મર્યાદિત ન રહેતાં બીજા પાલનટેશન્સમાં પણ પ્રસર્યો. 

આ યોજના 1839થી 1845 દરમ્યાન બંધ રહી, પરંતુ ત્યાર બાદ 1917 સુધી વિના રોકટોક ચાલુ રહી. 2,38,909 જેટલા પ્રવાસી કામદારો ગાયાનાના કિનારે ઉતર્યા. તેમાંના લગભગ 75,547 મઝદૂરો પોતાને વતન પરત થયા, અને જે લોકો એ તંત્રમાં બચી જવા પામ્યા તેમણે ત્યાં જ રહી જવાનું પસંદ કર્યું અને એ દેશને પોતાનું વતન બનાવ્યું.

કેટલાક અભ્યાસુઓ, ઇતિહાસવિદ્દ અને મુસાફરોના બંધુઆ મઝદૂર પદ્ધતિ વિશેના મંતવ્યો જાણીએ:

કેરેબિયનની 1850માં સફરે ગયેલ એન્થની ટ્રાલોપ તેને ‘ખાંડમાં બોળીને નરમ પાડેલ જુલ્મી શાસન’ તરીકે જુએ છે.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં થઇ ગયેલા ચીફ જસ્ટિસ ચાર્લ્સ બોમોન્ટ તેનું વર્ણન કરતાં લખે છે, “આ એક કોહવાયેલી અને રાક્ષસી વ્યવસ્થા છે જેના મૂળ ગુલામી પ્રથામાં છે.”

ગાયાનાના સન્માનનીય ઇતિહાસવિદ્દ ડૉ. વોલ્ટર રોડનીએ બંધુઆ મઝદૂરની પ્રથામાં રહેલી સખતાઈ અને તેની ‘નવી ગુલામી પ્રથા’ના લક્ષણ આપણી સામે ધર્યાં. ગાયાનાના બીજા એક ઇતિહાસકાર ડૉ. બાસુદેઓ મંગરુનો મત એવો છે કે ગુલામી પ્રથા અને બંધુઆ મઝદૂરની પ્રથામાં અંકુશ રાખવો, શોષણ કરવું અને મઝદૂરોને નીચલી કક્ષાએ ઉતારી પાડવાની બાબતમાં નોંધપાત્ર સામ્ય છે.

બંધુઆ મઝદૂરી:

બંધુઆ મઝદૂરીની પ્રથાના પગરણ થયા ત્યારથી તેના વિષે ઘણો વિવાદ હતો. બેકારીનો ઊંચો આંક, અંતહીન ગરીબીની અવસ્થા, ભયાનક દેવાદારીની સ્થિતિ અને દુષ્કાળ જેવાં પરિબળોને કારણે ઘણા ભાગના લોકોને પોતાનો દેશ છોડવાની ફરજ પડી એ ખરું, પણ સામે પક્ષે ઘણા લોકોને બહેતર જિંદગી જીવવાની તકો મળવાની આશા બંધાવાયેલી એટલે લીલા ચરિયાણ તરફ જવા લોકો તૈયાર પણ થયા. ઉત્તર ભારતમાં આર્કટિસ અને દક્ષિણ ભારતમાં મેસ્ટ્રીસ નામે ભરતી કરનારી પેઢીઓ લોકોને છેતરીને કે જબરદસ્તી કરીને મઝદૂરોનો પુરવઠો પૂરો પાડતી. ઘણા લોકોને રોજગારીની ઉજળી તકોના વચનો, સારું વળતર આપનારા વ્યવસાયોની ખાતરી, અને વતનમાં અલભ્ય હોય તેવી કામની તકોની લાલસા આપીને લોભાવવામાં આવ્યા. સામાન્ય પ્રજાનાં અજ્ઞાન અને ભોળપણનો એ દલાલોએ ગેરલાભ ઉઠાવ્યો. કેટલાકને ઠગવામાં આવ્યા, પટાવવામાં આવ્યા તો બીજાને પોતાનું ઘર છોડવા લાલચ આપવામાં આવી, તો વળી કેટલાકને તો અપહરણ કરીને લઇ જવામાં આવ્યા. આ છળ-કપટ, છેતરપિંડી અને ખોટાં વચનો આપીને મનાવવાની રસમ 1838થી 1917 સુધી ચાલુ રહી.

અનેક મુશ્કેલીઓ વચ્ચે પ્રવાસી મઝદૂરોએ સ્ટીમરમાં પોતાના જાન બચાવવા ભારે યાતનાઓ સહન કરી. સ્ટીમરમાં વધુ પડતી મોટી સંખ્યામાં લાદેલા મુસાફરો, અપૂરતો ખોરાક, પીવાનાં પાણીની તંગી, કોલેરા અને ઝાડા ઊલટી જેવી બીમારીએ એ વિકટ સફરને અસહ્ય બનાવી દીધેલી. કેટલાક કિસ્સાઓમાં 20થી 30 ટકા જેટલા મુસાફરોના મોત નીપજ્યાં. આમ છતાં પ્રવાસી મુસાફરો ગીતો ગાઈને, ઢોલ વગાડીને અને વાર્તાઓ કહીને પોતાની જાતને આશ્વસ્ત કરતા રહ્યા. એ જહાજી લોકો વચ્ચે પાંગરેલી કાયમી મૈત્રી બહુ મહત્ત્વની બની રહી.

એ સંસ્સ્થાનમાં બંધુઆ મઝદૂરોને નવા વાતાવરણમાં ગોઠવાઈ જવાનો કઠિન સમય પસાર કરવાનો હતો. કેટલાકને તો ગાયાના પહોંચતાની સાથે ખેતરોમાં કામે જોતરી દેવામાં આવેલા. પ્લાન્ટેશનના માલિકોનો બંધુઆ મઝદૂર ઉપર પૂરો અંકુશ હતો. મજૂર કાયદો મઝદૂરોની વિરુદ્ધમાં જ ઘડાયેલો. ગુલામી પ્રથાની માફક પ્લાન્ટેશનના માલિકોને એ કાયદાઓથી પુષ્કળ ફાયદો થયો. આખર એ કાયદાઓનો અમલ અને તેની દેખરેખ મઝદૂરોના વતનથી હજારો માઈલ દૂર તેમના માલિકોના સામાજિક અને રાજકીય વર્ચસ્વવાળા માહોલમાં થતો હતો. આથી તેમની તરફેણ કે સહાય કરનાર કોણ હોય? આથી જ તો કાયદાઓ સહેલાઈથી બદલાતા તેની નવાઈ ન લાગે. વળી એ માલિકોની મુન્સફી અને ઈચ્છા મુજબ તેનો દુરુપયોગ પણ થતો રહેતો. વધારામાં કેટલાક ઇમિગ્રેશન એજન્ટ-જનરલ અને સ્ટાઇપેન્ડરી મેજિસ્ટ્રેટસ પ્લાન્ટર્સની તરફેણમાં રહેતા. પરિણામે માલિકો દ્વારા મઝદૂરો ઉપર કરવામાં આવતી ધાકધમકી, હુમલા અને મારપીટના કિસ્સાઓ પર મોટે ભાગે ઢાંકપિછોડો કરવામાં આવતો. અધૂરામાં પૂરું કોર્ટના કેઈસમાં ફરિયાદી સામે દુર્વ્યવહાર કરવામાં આવતો અને ઘણા કિસ્સામાં એ એક ફારસ બનાવી દેવાતો કેમ કે દુભાષિયા પ્લાન્ટેશનના માલિક તરફ થઇ જતા અને મઝદૂરોને પોતાનો બચાવ કરવાની ભાગ્યે જ તક મળતી.

મઝદૂરોની પીડા:

બંધુઆ મઝદૂરીના સમગ્ર કાળ દરમ્યાન પ્રવાસી કામદારોને નામ માત્રનું વેતન મળતું અને ભારે પ્રમાણમાં મજૂરી કરવી પડતી. રોજની આવકનો આધાર નિંદામણ કાઢવાનું હોય, કુહાડા કે પાવડાથી ખોદવાનું હોય, ખાતર બનાવવાનું હોય, વાવણી કે લણવાનું કામ કરવાનું હોય તેના ઉપર અને કેટલી ઝડપથી કામ પતાવે તેના પર રહેતો. પ્લાન્ટેશનના માલિકો જ મજૂરીના દર નક્કી કરતા અને ખાંડના ભાવ ગગડે તો મઝદૂરોની અમદાનીમાં કાપ મુકાતો. એક દલાલને તો બેલ એર નામના પ્લાન્ટેશનમાં મઝદૂરો અપૂરતી આવકમાં કઈ રીતે ગુજારો કરતા હશે તેની નવાઈ લાગી. પ્રવાસી મઝદૂરોના પ્રતિનિધિ કોલજરે 1869માં કહેલું, “અમારે માટે સમય બહુ વિકટ છે, અમને મળતા રોજ પર અમારો ગુજારો નથી થઇ શકતો, અમારાં પેટ નથી ભરાતાં.” હજુ એક વધુ વિપદાનો સામનો તેમને કરવો પડતો, અને તે છે હાજરી પત્રકનો. રોજ સવારે હાજરી પૂરવામાં આવતી. ગેરહાજર હોય તેને દંડ ભરવો પડે. મરજીમાં આવે તેટલો દંડ તેમના રોજમાંથી કાપી લેવામાં આવતો. એક બાજુથી કામના ઢગલાને જલદી આટોપવા વહેલા ખેતરે પહોંચે તો હાજરી પૂરાવવામાં મોડા પડે અને દંડ ભરવો પડે અને બીજી બાજુ જો હાજરી પુરાવવા રોકાય અને નિર્ધારેલ પ્રમાણમાં અને તેટલા સમયમાં કામ પૂરું ન કરે તો પણ એ જ રીતે માલિકની મરજી મુજબ પગારમાં કાપ સહેવો પડે. મઝદૂરોને આમાંથી બચવાનો કોઈ માર્ગ નહોતો, બંને તરફથી સજા જ ભોગવવાની રહેતી. ભારતીય મૂળના મઝદૂરો કોર્ટમાં યાતના ભોગવતા હોવાને કારણે ફરિયાદી તરીકે જ જતા, જ્યારે ખેત માલિકો તો મઝદૂર કામ શરૂ કરવાની ના પડે, કામ અધૂરું મૂકે, માલિકની મંજૂરી વિના ગેરહાજર રહે, અપેક્ષા મુજબનું વર્તન ન કરે કે હુકમને અવગણે તો તેને કોર્ટમાં ઘસડીને લઇ જાય અને કાયદાઓની મદદ લઈને સખ્ત સજા ફટકારે. 

દમનની હજુ બીજી હકીકતો જાણીએ. કરાર ઉપર આવેલા મઝદૂરો જો ગેરવર્તન બદલ જેલમાં જાય તો તેનો તેટલો સમય બંધુઆ મઝદૂરીના કાળમાં ઉમેરવામાં આવે. તેનો અર્થ એ કે મઝદૂરોને એક જ ગુના માટે બે વખત સજા થાય. નાની બાબતોની ફરિયાદ કરીને મેનેજર સજા કરાવી શકતા. 1863માં જ્યોર્જટાઉનની જેલમાંના કુલ 4,936 કેદીઓમાંથી 3,148 બંધુઆ મઝદૂર હતા, એ શું  સૂચવે છે? એ બતાવે છે કે બંધુઆ મઝદૂરો ઘણા ગરીબ સ્વભાવના હતા, જેને પરિણામે ખૂબ સંઘર્ષ વેઠવો પડતો, ભોગ આપવો પડતો અને અંતે અન્યાયનો સામનો પણ કરવો પડતો. એ લોકોને સામાન્ય સગવડોની પણ અછત ભોગવવી પડતી. રહેઠાણોમાં હવા ઉજાસ પૂરતા નહોતા, પાણીની સગવડ તો હતી જ નહીં, સ્વાસ્થ્ય અને આરોગ્યની સેવાઓ પણ અત્યંત નબળી કક્ષાની હતી. આથી રોગચાળો વ્યાપક પ્રમાણમાં પ્રસરી જતો.

અવરજવર પર પ્રતિબંધ:

રઝળપાટ વિરુદ્ધના કાયદા હેઠળ પ્રવાસી મઝદૂરોની હરફર ઉપર પ્રતિબંધ લાદવામાં આવતા. ખેતરોના માલિકો આ રીતે મજૂરોને બહાર જતા રોકી શકે અને તેઓની સ્વતંત્રતા ઉપર કાપ મુકાય તેવી આ યુક્તિ હતી. મઝદૂરને પોતાની વસાહતમાંથી બહાર જવું હોય તો તેના મેનેજર પાસેથી ‘પાસ’ મેળવવો પડતો. કોલોનિયલ પોલીસને પાસ વિનાના મઝદૂરને પકડીને પરેશાન કરે તેવી સત્તા આપવામાં આવી હતી તેથી મઝદૂરોને એવા અપમાનોનો ભોગ બનવું પડતું. મેનેજર આ રીતે પોતાના મઝદૂરો બીજી વસાહતોના મઝદૂરોને મળતાં વેતન અને કામ કરવાની સ્થિતિની સરખામણી કરતા રોકી શકતા. તેઓને ભય હતો કે આવી બાતમી મળવાથી પોતાની માલિકીના મઝદૂરો અસંતુષ્ટ થઈને બીજી વસાહતમાં કામ કરવા જતા રહે. બંધુઆ મઝદૂર ઉપરની આવી અબાધિત સત્તા હોવાને કારણે પ્લાન્ટેશનના માલિકો ખૂબ ઘમંડી અને ઉદ્ધત થવા લાગ્યા. કેટલાક માલિકો વારંવાર ખુલ્લે આમ અભિમાન સાથે કહેતા કે તેના મઝદૂરો કામના કલાકો દરમ્યાન કાં તો ખેતરમાં કામ કરતા જોવા મળે, અથવા હોસ્પિટલમાં હોય અને નહીં તો જેલમાં. એક ડેમરેરા પ્લાન્ટરે જાહેરમાં કહેલું, “મને મારુ દિલ ભરાય તેટલા ફૂલી આપો, તો હું તમને દસ લાખ પીપ ભરીને ખાંડ પેદા કરી આપું.” 

1860ના દાયકા બાદ ભારતીય મઝદૂરોના ગરીબડા સ્વભાવના કાલ્પનિક ખ્યાલને ગંભીરતાથી પડકારવામાં આવ્યો તેની નવાઈ નથી. ભારતીય બંધુઆ મઝદૂરો હિંમતથી જાહેરમાં આ પદ્ધતિનો વિરોધ કરવા લાગ્યા. પરિણામે એ ઉદ્યોગમાં જોડાયેલા લોકો વચ્ચેના સંબંધો વણસ્યા, કર્મચારી વર્ગમાં વિરોધનું પ્રમાણ વધ્યું અને તપાસ થવા લાગી. મેનેજરોની શિરજોરી, પગારનાં ધોરણો વિષે વિવાદ, કામના ભારણ અને પ્રકાર વિષે અસહમતિ, ઓવરસીઅર દ્વારા થતું મહિલાઓનું જાતીય શોષણ અને મઝદૂરોના પગાર ઉપર મનસ્વી રીતે મુકાતા કાપ જેવા મુદ્દા ઉપર ક્યારેક હિંસા પણ ફાટી નીકળતી.

અશાંતિ:

જુલાઈ 1869માં ડેમરેરાના પશ્ચિમ તટે આવેલ પ્લાન્ટેશન Leonoraમાં સહુ પ્રથમ તોફાનો થયા. પાવડા વડે કામ કરનારાઓની ફરિયાદ હતી કે પાણીથી લદબદ જમીન પર પોતાનું કામ પૂરું ન કરી શકવા બદલ તેમનો પગાર રોકવામાં આવેલો. એ લોકોએ આ કામ કરવા માટે વધુ મહેનતાણાની માંગણી પણ કરી. સશસ્ત્ર પોલીસ દળ અને મઝદૂરો વચ્ચેની મૂઠભેડ મુશ્કેલીથી ટાળી શકાઇ, પણ તેના સરદારોની ધરપકડ કરી, મઝદૂરની સેટલમેન્ટમાં પૂરી દેવામાં આવ્યા. તે પછીને વર્ષે બીજા પાંચ છ પ્લાન્ટેશનમાં હિંસાત્મક તોફાનો ફાટી નીકળ્યા. રમખાણોનો દૌર 1890ના દાયકામાં અને વીસમી સદીના પૂર્વાર્ધમાં ચાલુ રહ્યો. ઇમિગ્રેશન વ્યવસ્થાના અંત પહેલાના ચાર વર્ષે રોઝ હોલ પ્લાન્ટેશનના કેટલાક મઝદૂરોએ પોતાના જાન ગુમાવ્યા. જો કે હડતાલો, પિકેટિંગ, દેખાવો કરવા, કૂચ કરવી, મેનેજર્સ અને ઓવરસીયર્સ ઉપર હુમલા કરવા અને માંદગીનું બહાનું કાઢવું અને ઈરાદાપૂર્વક નબળું કામ કરવા જેવી અહિંસક રીતો પણ અપનાવવામાં આવી. 

બંધુઆ મઝદૂરોએ બીજી ઘણી અડચણો સહી અને ભોગ આપ્યા, જેમ કે આવી સખ્ત દમનકારી સ્થિતિમાં પણ પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ જાળવી રાખી. 19મી સદીના ઉત્તરાર્ધમાં મંદિરો અને મસ્જિદો દેખાવા લાગ્યાં અને પોતાની ભાષા, સંગીત, પોષાક, ખાણી-પીણી અને લોકકથાઓ પણ જાળવવાના પ્રયાસો થયા. આ તસ્વીરમાં એ સમાજની અસ્મિતાની ઝાંખી થાય ખરી.

એ પ્રજાએ સામાજિક અને આર્થિક વિકાસના પગથિયાં ચડવાના હેતુથી પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ સ્વીકારી લીધી. લાંબે ગાળે તેઓ અને તેમનાં સંતાનો શિક્ષક, આચાર્ય, ડોક્ટર્સ, વકીલો, એકાઓઉન્ટન્ટ અને સરકારી નોકરોની પદવી મેળવવા લાગ્યા. એ મઝદૂરોએ ખાંડ અને ચોખાના ઉત્પાદનને ખીલવવા અને બચાવવા અથાક પ્રયત્નો કર્યા. ગામડાંઓના વિકાસમાં, રોકડિયા પાક વાવવામાં, પશુ પાલનમાં, દૂધ ઉત્પાદનમાં અને અન્ય આર્થિક ક્ષેત્રોમાં બંધુઆ મઝદૂરોએ મહત્ત્વનો ફાળો આપ્યો. 19મી સદીના અંતે ભારતીય પ્રવાસી મઝદૂરો ટેક્સી ડ્રાઇવર, બેન્કર, સુથાર, વહાણ બાંધકામના કામદાર, કોલસાના ઉત્પાદન કરનારા, સોની, કુંભાર, મચ્છીમારી અને બીજા અનેક નાના પાયાના ઉત્પાદક વ્યવસાયોમાં ઉચ્ચ કૌશલ્ય દાખવવા લાગ્યા. તેમના સંતાનો આજે પણ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય અને ટ્રેડ યુનિયન જેવા ક્ષેત્રોમાં ખૂબ આગળ ધપી રહ્યા છે. તેમાં ઘણા તો આજે ખેલકૂદમાં જાણીતા છે, ઉદ્યોગપતિ અને શિક્ષણવિદ્દ બન્યા છે. ગાયાનાના સમાજમાં આજે દરેક ક્ષેત્રમાં પ્રવાસી ભારતીયોનું અજોડ સ્થાન અંકિત થયું છે.

હાલમાં ગાયાનામાં વસતા ભારતીય મૂળના લોકો માને છે કે તેમના પૂર્વજો તેમને માટે પ્રેરણારૂપ હતા. તેમણે દાખવેલી હિંમત અને દૃઢ નિશ્ચયતાને કારણે એ દેશનો વિકાસ થયો. નવી ગુલામી પ્રથાના સમય દરમ્યાન ‘સંઘર્ષ, બલિદાન અને પ્રતિકાર’ એ જ એમના ચારિત્ર્યનું લક્ષણ હતું. તેઓ અને તેમના પછીની પેઢી પરિસ્થિતિનો સામનો કરવાની મક્કમતા, કામ પૂરું કરવાની ધગશ, રિવાજો અને પરંપરાના રક્ષણ મારફત પરિવાર પ્રત્યે બજાવવાની ફરજ - કે જે ત્રેવડ, ઉદ્યમશીલતા અને સ્વમાન જેવા ગુણોને પોષે અને તે કારણે તેઓ એક કોમ તરીકે ટકી શક્યા એમ માને છે. બંધુઆ મઝદૂરના આગમનનો દિન પાંચમી મે, તે દિવસે તેમના પ્રત્યે આદર દર્શાવીએ અને તેમની અદ્વિતીય મહેનત અને સહનશક્તિને દાદ આપીએ.

યાદ રહે કે વિવિધતામાં શક્તિ છે. એ પ્રજાએ ‘એક પ્રજા, એક દેશ, એક ભાગ્ય’ને અર્થપૂર્ણ બનાવ્યું તેને સન્માન આપીએ. 

e.mail : [email protected]

Category :- Diaspora / Features