'આમુખ' : નાનું, પણ મહત્ત્વનું પુસ્તક

સંજય સ્વાતિ ભાવે
26-01-2022

જાહેર જીવનના સમીક્ષક હેમન્તકુમાર શાહનું તાજેતરમાં પ્રસિદ્ધ થયેલું 'આમુખ' પુસ્તક અત્યારના સમયમાં અચૂક વાંચવા-વસાવવા જેવું પુસ્તક છે.

તેના નામમાં સૂચવાયેલ આમુખની એટલે કે ભારતીય બંધારણના આરંભે મૂકાયેલી ચાવીરૂપ સંક્ષિપ્ત ઉદ્દેશનોંધની બધાને સમજાય તેવી ભાષામાં લેખકે માત્ર 72 પાનાંમાં સમજૂતી આપી છે.

આજીવન કર્મશીલ ચુનીભાઈ વૈદ્યે સ્થાપેલાં સંઘટન 'ગુજરાત લોકસમિતિ'એ 23 નવેમ્બર 2021માં પ્રકાશિત કરેલા આ પુસ્તકની એક મહિનામાં બીજી આવૃત્તિ થાય તે હકીકત પુસ્તકની જરૂરિયાત અને માંગ સૂચવે છે.

ભારતના સંવિધાનના આરંભે જ, સુંદર ભાષામાં લખાયેલા 85 જેટલા શબ્દો ધરાવતાં આમુખમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની સ્થાપના સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી અને પ્રજાસત્તાક દેશ તરીકે કરવામાં આવી છે; અને તેમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, ભ્રાતૃત્વ, વ્યક્તિનું  ગૌરવ તેમ જ રાષ્ટ્રની એકતા અને અખંડતાના આદર્શો સિદ્ધ કરવાના છે.

આ 11 શબ્દો, એક યા બીજી રીતે ભારત નામના દેશની સરકારો, સમાજ અને નાગરિકોના ઉદ્દેશો કે આદર્શો જણાવે છે. લેખક કહે છે : 'પરંતુ કેટલીક સંબંધિત જોગવાઈઓને બાદ કરતાં આ શબ્દોની સમજૂતી બંધારણમાં આપવામાં આવી નથી. આ પુસ્તક આ 11 શબ્દોની સીધી-સાદી ભાષામાં સમજૂતી આપવાનો એક નમ્ર પ્રયાસ છે.' 

અગિયાર શબ્દોમાંથી દરેક શબ્દ માટે એક-એક પ્રકરણ આ પુસ્તકમાં છે. એટલું જ નહીં, દરેક શબ્દને લગતા મહત્ત્વનાં પાસાં પણ પ્રકરણનાં પેટાં શીર્ષકો હેઠળ સમજાવવામાં આવ્યા છે. જેમ કે, સમાજવાદ પ્રકરણમાં લેખક મૂડીવાદ, સમાજવાદ અને સામ્યવાદ એ ત્રણેયની સમજૂતી આપે છે. તે જ રીતે  લોકશાહી શબ્દ પરના પ્રકરણમાં કાયદાનું શાસન અને કાયદા દ્વારા શાસન, કાયદાના શાસન વિશે પશ્ચિમના ત્રણ ચિંતકોનાં મંતવ્યો પણ સમજાવવામાં આવ્યાં છે. 'ન્યાય' શબ્દ સમજાવ્યા પછી જૉન રોલ્સ અને અમર્ત્ય સેનના ન્યાય વિશેનાં મંતવ્યોને સમજાવવામાં આવ્યા છે. પહેલાં પ્રકરણમાં આમુખના પાઠ અને અર્થ ઉપરાંત 'સર્વોચ્ચ અદાલત અને આમુખ' નામનાં પેટાશીર્ષક હેઠળની છણાવટ પણ છે.

રાજ્ય એટલે સામાજિક કરાર, રાજાશાહી અને લોકશાહી વચ્ચેનો ભેદ, માનવ અધિકાર અને માનવ ગૌરવ, લોકો અને લોકમતની સર્વોપરિતા, કોઈ પણ પ્રકારના દૈવી તત્ત્વ કે ધાર્મિક પરિબળ સાથેના દેશ/બંધારણના જોડાણનો વિચ્છેદ જેવા મુદ્દા એક કરતાં વધુ વખત પ્રગટ થાય છે. લેખકે આપેલા દાખલા સચોટ અને સમકાલીન છે.

બંધારણના માત્ર આમુખને વરેલાં કેટલાંક પુસ્તકો અંગ્રેજીમાં છે, જેમાં પૂર્વ ન્યાયાધીશો રમેશચન્દ્ર લાહોટીના 'પ્રિઍમ્બલ; ધ સ્પિરિટ ઍન્ડ ધ બૅકબોન ઑફ ધ ઇન્ડિયન કન્સ્ટિટ્યૂશન'  અને  લીલા શેઠે બાળકો માટે લખેલાં ચિત્રો સાથેનાં પુસ્તક 'વિ ધ ચિલ્ડ્રન ઑફ ઇન્ડિયા' ઉપરાંતનાં પણ પુસ્તકોનો સમાવેશ થાય છે.

બંધારણ પર ગુજરાતીમાં લખાયેલાં અગિયાર જેટલાં પુસ્તકો કાર્યક્ષમ ગ્રંથપાલ તોરલબહેન પટેલ કાઢી આપે છે. પણ તેમાં કેવળ બંધારણના આમુખ વિશે વિસ્તારપૂર્વક સમજૂતી આપતું  પુસ્તક નથી.

એ રીતે હેમંતકુમારનું પુસ્તક સંભવત: પહેલવહેલું છે. વળી, આમ આદમીની સમજ માટે તે જેટલું વાચનીય છે, તેટલું જ જાહેર જીવન સાથે સંકળાયેલ લોકપ્રતિનિધિઓ, સનદી અધિકારીઓ, કર્મશીલો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, જાહેર પરીક્ષાઓ આપનાર ઉમેદવારો એમ અનેક વર્ગના લોકો માટે ઉપયોગી પણ છે. અગત્યના સાંપ્રત રાજકીય બનાવોથી લોકોને માહિતગાર કરવાના હેતુથી હેમંતકુમારે બરાબર બે વર્ષ પહેલાં કલમ 370 અને નાગરિકતા ધારા પર લખેલાં પુસ્તકોને પણ અહીં યાદ કરવા ઘટે.    

'આમુખ' પુસ્તકની આવકાર-નોધમાં લોકસમિતિનાં યુવા કાર્યકર મુદિતા વિદ્રોહી લખે છે : 'આઝાદી પછી ભારતમાં કદાચ આટલી વ્યાપક રીતે અને આટલી તીવ્રતાથી બંધારણ વિશે ચર્ચા, અને બંધારણનો ટેકો લેવા માટેની હિલચાલ પહેલાં ક્યારે ય થઈ ન હતી ... જ્યારે જ્યારે અંધારામાં હોવાનો અનુભવ થાય ત્યારે પગદંડી શોધવા માટે બંધારણનો જ આશરો હોય. દેશના કોઈ પણ પ્રશ્ને આખરી સત્ય શું સમજવું એવો પ્રશ્ન આવે છે ત્યારે બંધારણે એના વિશે જે  કહ્યું હોય  તે જ સર્વમાન્ય ગણાય છે. બંધારણ આપણો પ્રકાશ છે, આપણી ઢાલ છે અને આપણું પથદર્શક પણ છે.' 

બંધારણની આ મહત્તાનો નિર્દેશ હેમંતકુમાર શાહનું પુસ્તક સુપેરે આપે છે. 

26 જાન્યુઆરી 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Category :- Opinion / Opinion